રૂપેશ રોજ તેમની પાસેના સુષિર વાદ્યનો ઉલ્લેખ કરતા કહે છે કે, “અમે [2018માં] લોન્ગ માર્ચ માં તરાપો વગાડ્યો હતો અને અમે આજે પણ તરાપો વગાડી રહ્યા છીએ. અમે તમામ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં તરાપો વગાડીએ છીએ." રૂપેશ આ સપ્તાહમાં મહારાષ્ટ્રથી - વાન, ટેમ્પો, જીપ અને ગાડીમાં સવાર થઈ - દિલ્હી તરફ જઈ રહેલા ખેડૂતોમાંના એક છે. મહારાષ્ટ્રના આ ખેડૂતો રાજધાનીની સીમા પર વિરોધ કરી રહેલા ખેડૂતો, જેમાંના ઘણા પંજાબ અને હરિયાણાના છે, તેમને ટેકો આપવા જઈ રહયા છે
સપ્ટેમ્બર 2020માં સંસદમાં નવા કૃષિ કાયદા પસાર થયા પછી દેશભરના લાખો ખેડુતો આ કાયદાઓ રદ કરવાની માંગને લઈને આંદોલન કરી રહ્યા છે.
21 મી ડિસેમ્બર 2020 ની બપોરે મહારાષ્ટ્રના 20 જેટલા જિલ્લાઓમાંથી - મુખ્યત્વે નાશિક, નાંદેડ અને પાલઘરથી - આશરે 2000 ખેડૂતો દિલ્હી જઈ રહેલા જાથામાં, એક વાહન મોરચામાં, જોડાવા નાશિકના મધ્ય ભાગમાં ગોલ્ફ ક્લબના મેદાનમાં એકઠા થયા હતા. ભારતની કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) સાથે સંકળાયેલી અખિલ ભારતીય કિસાન સભાએ આ ખેડૂતોને એક કર્યા છે. તેમાંથી આશરે 1000 જેટલા ખેડૂતો મધ્યપ્રદેશની સરહદ પાર કરી, મુસાફરી ચાલુ રાખી, દેશની રાજધાની જવા રવાના થયા છે.
નાશિકમાં ભેગા થયેલા લોકોમાં પાલઘરના વાડા શહેરના 40 વર્ષના રૂપેશ પણ હતા. તેઓ વારલી સમુદાયના છે. તેઓ કહે છે, “અમને આદિવાસીઓને અમારા તરાપા પ્રત્યે ખૂબ શ્રદ્ધા [આદર] છે. "હવે અમે નાચતા-ગાતા દિલ્હી પહોંચીશું."


મહારાષ્ટ્રના ધૂળે જિલ્લાના આદિવાસી શ્રમિક ગીતા ગાંગુર્ડે કહે છે, “હું રોજેરોજ પાણીના ઘડા ઊંચકીને બે-બે કિલોમીટર ચાલી-ચાલીને થાકી ગઈ છું. અમારે અમારા બાળકો માટે અને જમીન માટે પાણી જોઈએ છે. ' આશરે 60 વર્ષના મોહનબાઈ દેશમુખ ઉમેરે છે કે, “આજે અમે પાણીની માંગણી કરવા અહીં આવ્યા છીએ. હું આશા રાખું છું કે સરકાર અમારી વાત સાંભળશે અને અમારા ગામ માટે કંઈક કરશે."

અહમદનગર જિલ્લાના સંગમનેર તાલુકાના શિંદોડી ગામે રાધુ ગાયકવાડ (છેક ડાબે) ના કુટુંબની પાંચ એકર જમીન છે. ત્યાં તેઓ મુખ્યત્વે બાજરી અને સોયાબીનનું વાવેતર કરે છે. “અમારો અહમદનગર જિલ્લો દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે. અમારે ત્યાં ઘણી બધી જમીન છે પણ અમે તેમાં ખેતી કરી શકતા નથી. જ્યારે અમે [અમારી પેદાશો] વેચવા જઈએ છીએ ત્યારે અમને મંડીમાં વ્યાજબી ભાવો મળતા નથી. અમારા જિલ્લાના બધા મોટા નેતાઓ અમને આદિવાસીઓ માટે કંઈ કરતા કંઈ કરતા નથી. તેઓ ફક્ત પોતાના લોકોનું જ ભલું કરે છે.”

કોલ્હાપુર જિલ્લાના શિરોલ તાલુકાના જાંભલી ગામના 72 વર્ષના નારાયણ ગાયકવાડ કહે છે, "જ્યાં સુધી ક્રાંતિ નહીં થાય ત્યાં સુધી ખેડુતો સમૃદ્ધ નહીં થાય." તેઓ તેમની ત્રણ એકર જમીનમાં શેરડી ઉગાડે છે. તેઓ ઉમેરેછે, "અમે માત્ર આપણા પંજાબના ખેડુતોને ટેકો આપવા જ નહિ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરવા પણ દિલ્હી જઈએ છીએ. અમારા ગામમાં શેરડીનાં ખેતરો માટે અમારે પુષ્કળ પાણીની જરૂર છે, પરંતુ વીજ પુરવઠો માત્ર આઠ કલાકનો છે. " અઠવાડિયાના ચાર દિવસ ગામમાં દિવસ દરમિયાન વીજળી હોય છે, અને બાકીના ત્રણ દિવસ રાત્રે. ગાયકવાડ કહે છે, "શિયાળામાં શેરડીના ખેતરોને રાત્રે પાણી આપવાનું ખૂબ જ મુશ્કેલ બને છે અને અમે ખેતી કરી શકતા નથી."

ભીલ સમુદાયના 60 વર્ષના શામસિંગ પડવી કહે છે, “જે રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આપણને ગુલામ બનાવ્યા હતા તે રીતે મોદી સરકાર પણ ખેડૂતો સાથે ગુલામોની જેમ વર્તે છે. તેઓ માત્ર અદાણી અને અંબાણીના ખિસ્સા ભરવા માગે છે. અમારી આદિવાસીઓની હાલત જુઓ. આજે હું મારા બાળકોને મારી સાથે લઈને આવ્યો છું જેથી તેઓ પણ જુએ કે આ દેશમાં ખેડૂતો સાથે કેવું વર્તન કરવામાં આવે છે. અહીં આવવાથી તેમને એક મહત્ત્વનો પાઠ શીખવા મળશે છે." નંદુરબાર જિલ્લાના ધાનપુર ગામથી વાહન જાથામાં જોડાનારા 27 લોકોમાં તેમના દીકરાઓ 16 વર્ષનો શંકર અને 11 વર્ષનો ભગત પણ છે.

સંસ્કાર પગારિયા જ્યારે 10 વર્ષના હતો ત્યારે નાશિક જિલ્લાના સુરગણા તાલુકાના તેના ગામમાં તે પહેલી વાર ખેડુતોના વિરોધમાં જોડાયો હતો. અને ત્યારથી તેણે માર્ચ 2018 માં નાશિકથી મુંબઈ સુધીની લોંગ માર્ચ સહિત મહારાષ્ટ્રભરમાં અનેક વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો છે. સંસ્કારના 19 લોકોના સંયુક્ત પરિવારની લગભગ 13-14 એકર જમીન છે, જે તેઓ ભાગિયાઓને ખેડવા આપે છે. 19 વર્ષનો સંસ્કાર કહે છે, “જ્યાં પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યાં જઈને હું તેમની સાથે ઊભો રહીશ. એ માટે જો મારે જેલમાં જવું પડે તો હું જેલમાં જઈશ." સંસ્કાર મહામારી અને લોકડાઉનને કારણે મુલત્વી રહેલ તેની 12 મા ધોરણની પરીક્ષા આપવાની રાહ જોઈ રહ્યો છે.

21 મી ડિસેમ્બરે નાંદેડ જિલ્લાના 100 જેટલા ખેડૂતો નાશિકથી દિલ્હી તરફ કૂચ કરી રહેલા આંદોલનકારીઓ સાથે જોડાયા હતા. નાંદેડ જિલ્લાના ભીલગાંવ ગામના ગોંડ આદિવાસી નામદેવ શેડમાકે પણ તેમની સાથે જોડાયા હતા. તેમની પાંચ એકર જમીનમાં તેઓ કપાસ અને સોયાબીનની ખેતી કરે છે. 49 વર્ષના ખેડૂત (વચ્ચે, વાદળી શર્ટમાં) કહે છે, “અમે આ ખેડૂત-વિરોધી સરકાર સામેની અમારી લડત જીતવા દિલ્હી જઈ રહ્યા છીએ. અમારું ગામ ડુંગર પર આવેલું છે અને અમારા ખેતરો માટે પાણી નથી. અમે ઘણા વર્ષોથી બોરવેલ બનાવવાની માંગ કરી રહ્યા છીએ. પાણી વિના અમે ખેતી કરી શકતા નથી અને અમે આદિવાસીઓ અગાઉથી જ દેવામાં ડૂબેલા છીએ.

પાલઘરના દડદે ગામના 47 વર્ષના કિરણ ગહાળા કહે છે, "અહીં હોસ્પિટલની હાલત એટલી ખરાબ છે કે એકવાર એક મહિલાએ ઓટોરિક્ષામાં બાળકને જન્મ આપવો પડ્યો હતો. જો અચાનક કંઇક થાય તો અમારે 40-50 કિલોમીટરની મુસાફરી કરવી પડે છે. જો તમે અમારા ગામોની નજીકના કોઈ પીએચસી પર જાઓ તો ત્યાં તમને કોઈ ડોકટર નહીં મળે અને તેથી જ અહીં ઘણા બાળકો તેમની માતાના ગર્ભાશયમાં જ મરી જાય છે." તેમની પાંચ એકર જમીનમાં તેઓ મુખ્યત્વે ડાંગર, બાજરી, ઘઉં અને બાજરીની ખેતી કરે છે. પાલઘર જિલ્લાના 500 જેટલા આદિવાસી ખેડૂતો નાશિકથી દિલ્હી સુધીની વાહન કૂચમાં જોડાયા છે.

પરભણી જીલ્લાના ખાવણે પીમ્પરી ગામમાં 63 વર્ષના વિષ્ણુ ચવ્હાણની 3.5 એકર જમીન છે. તેઓ 65 વર્ષના કાશીનાથ ચવ્હાણ (જમણે) સાથે અહીં છે. મુખ્યત્વે કપાસ અને સોયાબીનની ખેતી કરનારા વિષ્ણુ કહે છે, "અમે 2018 માં લોંગ માર્ચ પર ગયા હતા અને હવે અમે ફરી આ વિરોધ પ્રદર્શન માટે અહીં આવ્યા છીએ. અમારી સમસ્યાઓને ક્યારે ગંભીરતાથી લેવામાં આવશે? અમારા ગામના લોકોને દરરોજ ફક્ત પીવાના પાણી માટે પાંચ કિલોમીટર ચાલવું પડે છે. અમારી જમીનોમાં અમે કંઈ પણ ઉગાડીએ રાત્રે જંગલી પ્રાણીઓ તેને નષ્ટ કરી નાખે છે. અમારે માટે કોઈ કંઈ કરતું નથી. કોઈ અમારી વાત કોઈ સંભાળશે ખરું?”

સાંગલી જિલ્લાના શિરધોણ ગામના 38 વર્ષના દિગમ્બર કાંબળે (લાલ ટી-શર્ટમાં) કહે છે કે, “અમારી માંગ એ છે કે સરકાર આ ત્રણ કૃષિ કાયદા રદ કરે. અમે અચોક્કસ મુદત સુધી ત્યાં બેસી રહીશું. અમારા તાલુકામાં ઘણા નાના ખેડુતો છે. તેઓ શેરડીના ખેતરોમાં કામ કરે છે અને રોજિંદા વેતન પર ટકી રહે છે. તેમાંથી મોટાભાગના પાસે ફક્ત 1-2 એકર જ જમીન છે. તેમાંના ઘણા લોકો આ આંદોલનમાં જોડાવા માંગતા હતા પરંતુ લણણીની મોસમ છે તેથી તેઓ આવી શક્યા નહીં."

70 વર્ષના તુકારામ શેટસંડી દિલ્હી તરફ જતા વાહન જાથામાંના એક વૃદ્ધ ખેડૂત છે. સોલાપુર જિલ્લાના કંડલગાંવ ગામે તેમની ચાર એકર જમીન ઉજ્જડ છે. શેરડીના વાવેતર માટે ઘણા મોટા ખેડૂતો પાસેથી લીધેલી લોન મળીને છેલ્લા 10 વર્ષોમાં તેમનું દેવું 7 લાખ રુપિયા પર પહોંચી ગયું છે. “મારો પાક નબળો રહ્યો અને ત્યારબાદ હું એક પછી એક લોન ભરપાઈ કરતા કરતા દેવામાં ડૂબી ગયો. હું 24 ટકાના વ્યાજદરે લોન ચૂકવી રહ્યો છું. તમને લાગે છે કે આ યોગ્ય છે? મારા જેવો ગરીબ ખેડૂત આટલા પૈસા ક્યાંથી લાવશે? ”
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક