चाण्डालश्च वराहश्च कुक्कुटः श्वा तथैव च ।
रजस्वला च षण्ढश्च नैक्षेरन्नश्नतो द्विजान् ॥

હોય ચંડાળ, ગામડાનું ડુક્કર, કૂકડો, કૂતરો,
માસિકસ્રાવમાં હોય એવી સ્ત્રી કે નપુંસક,
કોઈએ દ્વિજ જમતાં હોય ત્યારે તેમની સામે જોવું નહીં.

— મનુસ્મૃતિ 3.239

પણ આ નવ વર્ષના છોકરાનું પાપ એ કંઈ એક માત્ર ક્ષુલ્લક નજરમાં થોડું હતું, એ  તો ઘણું બહાદુરીભર્યું  હતું. ધોરણ 3 નો વિદ્યાર્થી ઇન્દ્ર કુમાર મેઘવાલે તેની તરસને ગળામાં જ ડામવામાં નિષ્ફળ ગયો. ત્યારે એ દલિત છોકરાએ ઉચ્ચ જાતિના શિક્ષકો માટે અલગ રાખવામાં આવેલા ઘડામાંથી પાણી પીધું.

સજા તો નક્કી હતી. રાજસ્થાનના સુરાણા ગામમાં સરસ્વતી વિદ્યા મંદિરમાં તેના 40 વર્ષના  ઉચ્ચ જાતિના શિક્ષક ચૈલ સિંહે તેને નિર્દયતાથી પીટ્યો.

છેવટે 25 દિવસના અંતે, અને મદદ માટે 7 હોસ્પિટલોમાં ભટક્યા બાદ ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, જાલોર જિલ્લાના એ નાના છોકરાએ અમદાવાદ શહેરમાં અંતિમ શ્વાસ લીધા.

સાંભળો પ્રતિષ્ઠા પંડ્યાનું કાવ્યપઠન

નાળીના કીડા

એક હતી નિશાળ,
ને એક હતું માટલું
શિક્ષક રહ્યો દેવ કહે,
એકડે એક… બ્રાહ્મણ ભણ
બગડે બે… રાજાને મણ
ત્રગડે ત્રણ… દલિતોને કણ

એક હતું નામે નહતું ગામ
સમય ફરી કરતો‘તો સમયનું કામ
ઘડો કહે છોકરાંને
“તરસ તો પાપ.
ને માસ્તર તો બામણ,
એ રહ્યાં માઈ બાપ
જીવન તો ઘાવ
ને છોરા, તું રહ્યો કીડો
પેલી નાળીનો કીડો.”

નાળીનું નામ તો કહે, સનાતની દેશ,
“ભૂંડી તારી ચામડી
ને ભઈલા, ભૂંડી તારી જાત.”
કાગળ જેવી જીભ
ને રણ જેવી તરસ
રાતા માટલાને જઈને કહે
ચાલ, હવે તું વરસ!

હાય હાય ભૂંડી આ તરસ,
ને ભૂંડા એના પાપ,
પણ નોહોતું કીધું ચોપડીએ,
“સંપીને રહો ને વહેંચીને ખાઓ”?
બહાદુર આંગળીઓને ફૂટી એવી પાંખો
હાથ એણે ડબુક દઈને નાખ્યો માટલા માંહી આખો
પણ શિક્ષક રહ્યો દેવ
ને આ તો, નવ વર્ષનો છોરો

એક મોટો મુક્કો, જોર દઈને લાત
ઠોકી પછી ઉપરથી લાકડીઓ સાત
ધીબી ધીબી છોકરાને સીધો કર્યો એમ
મલકી ઉઠ્યા દેવ, મીઠાં જોડકણાંની જેમ

જમણી આંખે ચકામાં
ડાબે બણબણતી માખ
કાળા કાળા હોઠ
મલક્યો માસ્તરના હોઠનો મરોડ.
તરસ એની ઊંચી, ને પવિતર એનો વરણ
હૈયાને નામે બાકોરું, એમાં ધબક્યું મરણ.

એક લાંબો નિઃસાસો
ને સણસણતો સવાલ
પાર વિનાના ગુસ્સામાં
ધરબી દીધી તરસ
કણસ્યું ક્લાસરૂમનું પાટિયું
જાણે સમશાનની માખ.

એક હતી નિશાળ
ને નિશાળમાં લાશ
હા બાપા, હા બાપા,
ભરી લોહીના ટીપે ત્રણ
એક તો કહે મંદિરનું
એક તો કહે રાજાનું
ને એક પેલા માટલાનું
જેમાં ડૂબી મરે દલિત જણ

અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા

Joshua Bodhinetra
bodhinetra@gmail.com

Joshua Bodhinetra has an MPhil in Comparative Literature from Jadavpur University, Kolkata. He is a translator for PARI, and a poet, art-writer, art-critic and social activist.

Other stories by Joshua Bodhinetra
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a poet and a translator who works across Gujarati and English. She also writes and translates for PARI.

Other stories by Pratishtha Pandya
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a poet and a translator who works across Gujarati and English. She also writes and translates for PARI.

Other stories by Pratishtha Pandya