ગુલામ મોહિયુદ્દીન મીર ૧૩ એકરમાં પથરાયેલી સફરજનની વાડીના માલિક છે, અને તેમાં ૩૦૦-૪૦૦ સફરજનનાં વૃક્ષો છે. સામાન્ય રીતે દર વર્ષે ૩૬૦૦ પેટી સફરજન ઉતરે છે – એક પેટીમાં ૨૦ કિલો સફરજન. “અમે દર વર્ષે એક પેટી ૧૦૦૦ રૂપિયાની વેચતા હતા. પણ આ વખતે એક પેટી પર ૫૦૦-૭૦૦ રૂપિયા જ મળ્યા છે,” તેઓ કહે છે.
બુદગામ જિલ્લાના ક્રેમશોરા ગામના ૬૫ વર્ષિય મીરની જેમ કાશ્મીરમાં સફરજનની ખેતી કરવાવાળા બીજા ખેડૂતો પણ આવી જ રીતે આવકમાં ભારે નુકશાન પામી રહ્યા છે. ૫ ઓગસ્ટે કેન્દ્ર સરકારે અનુચ્છેદ ૩૭૦ને કાશ્મીરમાંથી નાબૂદ કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરવી દીધું, ત્યારથી અહીં સફરજનના વેપારમાં ભારે મંદી ચાલી રહી છે.
અહીંની સ્થાનિક મૂખ્ય આવક સફરજનના વેપારની જ છે. જમ્મુ અને કાશ્મીરમાં સફરજનની ખેતી ૧,૬૪,૭૪૨ હેક્ટરમાં થાય છે. ૨૦૧૮-૧૯માં, તેનું કૂલ ઉત્પાદન ૧.૮ મિલિયન (૧૮,૮૨,૩૧૯) મેટ્રિક ટન થયું હતું (કૃષિ નિયામક મંડળ, કાશ્મીરની માહિતી પ્રમાણે). જમ્મુ-કાશ્મીર સરકારના કૃષિ વિભાગના કહ્યા પ્રમાણે, જમ્મુ-કાશ્મીરના ૩.૩ મિલિયન લોકોની આજીવિકાનું માધ્યમ ખેતી (સફરજન સહિત) જ છે. તેના ડીરેક્ટર એજાઝ અહમદ ભાટે મીડિયાને જણાવ્યું કે તેની કૂલ આવક રૂ. ૮૦૦૦-૧૦૦૦૦ કરોડ છે.
વધુમાં, કાશ્મીર રાજ્યની (હવે કેન્દ્ર શાસિત પ્રદેશ) બહારના મજૂરો અહીં સફરજનની વાડીઓમાં કામ કરે છે. પણ મોટા ભાગના લોકો ઓગસ્ટની શરૂઆતમાં રાજનૈતિક વાતાવરણ બગડવાના કારણે તેને છોડીને જતા રહ્યા. ઓક્ટોબરમાં, ૧૧ જેટલા અસ્થાનિક લોકો જેમાં મોટા ભાગના ટ્રક ડ્રાઈવર અને મજૂર હતા, માર્યા ગયા, કથિત રૂપે સંદિગ્ધ આતંકવાદીઓ ઉપર આરોપ છે. આના કારણે કાશમીરી સફરજનને દેશના અન્ય બજારોમાં મોકલવાની સમસ્યા પણ ઊભી થઈ છે.
અને સરકારી વાહનો, બસો, ભાડાની ટેક્ષીઓ (શટલ) સેવાઓ હાલમાં પણ સ્થગિત હોવાના કારણે લોકો તથા ઉત્પન્ન, બન્ને માટે કાશ્મીરમાં અંદરોઅંદર અને પરસ્પર જીલ્લાઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલું જ મુશ્કેલ પડે છે.
કેટલાક વેપારીઓ કે જેઓ સફરજન વાડીઓના માલિકોથી ખરીદે છે, તેઓ તેને સીધા દિલ્હી માર્કેટમાં મોકલાવે છે, અને એક પેટી ૧૪૦૦-૧૫૦૦ રૂપિયામાં વેચે છે. બીજા કેટલાક વેપારીઓ કે જેઓ સફરજન સરકાર મારફત વેચે છે, તેઓ હજી સુધી સોદો પુરો યવાની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, તેઓમાંના કેટલાક કહે છે કે રાત્રે કોઈક (કોણ છે તે કોઈ જાણતું નથી) સરકારને સફરજન વેચવાની મનાઈ કરતા પોસ્ટર ચોંટાડી જાય છે.

ગુલામ મોહિયુદ્દીન મીર, બુદગામના ક્રેમશોરા ગામમાં એક વાડીના માલિક, આ વર્ષે ભાગ્યે જ દર વર્ષ કરતાં અડધી વાર્ષિક કમાણી કરવાની પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. કાશ્મીરનો કૃષિ ઉદ્યોગ રૂ. ૮૦૦૦-૧૦૦૦૦ કરોડનો છે, જે કાશ્મીરના અને કાશ્મીરની બહારના મળીને લાખો લોકોને રોજગાર પૂરો પાડે છે


મધ્ય કાશ્મીરના બુદગામ જિલ્લાના મુનીપાપી ગામ, કે જેની મેં ઓક્ટોબરમાં મુલાકાત લીધી હતી, ત્યાંના રહેવાસીઓ કહે છે ૨૦૦થી વધારે પરિવારો અહીં સફરજનની વાડીઓ ધરાવે છે. વેપારીઓ જુલાઈથી નવેમ્બર દરમિયાન ટ્રક ભરી ભરીને અહીંથી તાજા સફરજન અને પેરું દિલ્હી માર્કેટોમાં મોકલાવે છે


અહીં સફરજનનો વેપાર અનૌપચારિક મૌખિક કરાર પર ચાલે છે. માર્ચ-એપ્રિલમાં, વેપારીઓ વાડીઓની મુલાકાત લઈ, ફૂલ પરથી સફરજન ઉત્પન્નનો અંદાજ લગાવ્યા પ્રમાણે વાડીના માલિકને એડવાન્સ રકમ ચૂકવે છે. જયારે ફળ પાકી જાય છે, ત્યારે વેપારીઓ તેને લેવા પાછા આવે છે. હાલની અવ્યવસ્થામાં તો આખો વેપાર ખતરામાં છે


એક ૩૨ વર્ષિય વેપારીએ, જેમણે પોતાનો નામ બતાવ્વા મનાઈ કરી, મને જણાવ્યું કે, “મારા બધા કામકાજ મોબાઈલ ફોન ઉપર જ થાય છે, ફોન કરીને જ મજૂરોને વાડીએ બોલાવ્વા, સોર્ટીંગ અને પેકિંગ કેન્દ્રો પર લોકો સાથે, દિલ્હીમાં મારા વેપારીઓ સાથે, માલ અહીંથી રવાના કર્યા પછી ટ્રક ડ્રાઈવર અને ટ્રાન્સપોર્ટવાળા સાથે ફોન પર જ વાત કરું છું. જયારે સરકારે ફોન નેટવર્ક બ્લોક કરી દીધા છે, ત્યારથી અમારા રોજના કામ પર ગંભીર અસર થયું છે.”

તાહિર અહમદ બાબા નામનો મજૂર કહે છે, કે અગાઉના વર્ષોમાં તે ભારતના જુદા-જુદા શહેરોમાં કામ માટે ફર્યો છે, પણ અત્યારે કાશ્મીરથી બહાર જવું જોખમી લાગે છે


સફરજનને ઉતારનારા અને પેકિંગ કરનારા કહે છે, કે આ કટોકટીમાં તેમનું વેતન ૪૦થી ૫૦ ટકા જેટલું ઘટી ગયું છે – દિવસ દીઠ ૫૦૦-૬૦૦ રૂપિયાથી ૨૫૦-૩૦૦ રૂપિયા

બુદગામની એક ખાનગી શાળાના બસ ડ્રાઈવર અબ્દુલ રશીદને ઓગસ્ટથી, જ્યારથી શાળાઓ બંધ થઈ ગઈ છે, તેમનો પગાર મળ્યો નથી. તેમનો પ્રશ્ન છે, કે “મારા જેવા રોજની કમાણી કરી ખાતા પરિવારના લોકો કેવી રીતે ગુજરાન કરી શકે? તેથી જ અહીં કામ માટે આવ્યા છીએ કે કંઈક કમાવી શકીએ”

બુદગામના હુરૂ ગામની શાળાના ડ્રાઈવર બશીર અહમદને પણ ઓગસ્ટથી પગાર મળ્યો નથી, તેથી તેઓ પણ કમાણીની આશામાં અહીં વાડીઓમાં કામ કરવા આવ્યા છે. તે કહે છે, કે “આ કામ કરવાની મારી પાસે કોઈ આવડત નથી – અમે જાણે ભીખ માગતા હોય એવું લાગે છે. આ વૃક્ષો પર ચઢવું અમને જોખમી લાગે છે, પણ શું કરીએ આવી હાલતમાં અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.”

બાસિત અહમદ ભાટે દહેરાદૂનની એક કોલેજમાંથી ઝૂલોજીની પદવી હાંસલ કરી છે. તે કહે છે આવા અનિશ્ચિતતાના માહોલમાં તે પોતાના માટે કોઈ કામ શોધી શક્યા નહીં. તે પોતાના પિતાની વાડીમાં પરત થઈને ત્યાં મજૂરોની સફરજન ઉતારવામાં મદદ કરે છે

ઘણા કશ્મીરી વેપારીઓએ મને જણાવ્યું કે દિલ્હી માર્કેટમાં વેપારીઓ તેમને ખૂબ જ ઓછા ભાવે ઉત્પાદનને વેચવા દબાણ કરી વધુ નુકશાન પહોંચાડે છે. જયારે હોદ્દેદારો દાવો કરે છે કે તેઓ ઉત્પાદનને સત્તાવાર સ્કીમ દ્વારા ખરીદે છે, ત્યારે શ્રીનગરના છેવાડે આવેલી આ મંડી (સરકારી મોટું બજાર) સહીત બધી મંડીઓ બંધ રહેલ છે. આ બળવા (હડતાલ અથવા સિવિલ કરફ્યું) તથા મંડીમાં માલ લાવતા આતંકવાદીઓ કે અજાણ્યા બંદૂકધારીઓના હુમલાના ડરને કારણે બંધ રહે છે
અનુવાદક પરિચય: મેહદી હુસૈન