અમે મોડા પડ્યા હતા. શિરગાઉં સ્થિત અમારા એક પત્રકાર મિત્ર સંપત મોરે કહે છે, “ગણપતિ બાલા યાદવ તમને મળવા માટે, પોતાના ગામડેથી અહિં બે વખત આવી ચૂક્યા છે. તેમણે બંને વખત પોતાના ગામ રામપુર પાછા ફરવું પડ્યું હતું. તમારા આવવાની ખબર આપવાથી તેઓ અહિં ત્રીજી વખત આવશે.” આ બંને ગામો વચ્ચેનું અંતર પાંચ કિલોમીટર છે, અને ગણપતિ યાદવ આ અંતર સાઇકલ પર કાપે છે. પણ, ત્રણ વખત આવવાનો અર્થ એમના માટે ૩૦ કિલોમીટરની મુસાફરી, એ પણ મે મહિનાના મધ્યમાં, ગરમીના દિવસોમાં ધૂળથી ભરેલા ‘રસ્તાઓ’ પર, એ પણ પચીસ વર્ષ જૂની સાઇકલ પર. આ સાઇકલ ચાલકની ઉંમર ૯૭ વર્ષની છે.

અમે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કાડેગાઉં તાલુકાના શિરગાઉં ગામમાં, મોરેના દાદા ના ઘેર ભોજન કરવા જવાની તૈયારી કરતા હતા, ત્યારે અચાનક બાલા યાદવ એમની સાઈકલ લઈને ત્યાં આવી પહોંચ્યા. મેં જ્યારે એમની માફી માંગી કે મારા લીધે એમને તડકામાં આટલી મુસાફરી કરવી પડી તો તેમણે ધીમા અવાજે મીઠું હસીને કહ્યું, “અરે! કશો વાંધો નહીં. હું કાલે બપોરે એક લગ્નમાં ભાગ લેવા માટે વીટા ગયો હતો. ત્યાં પણ, હું સાઈકલ લઈને ગયો હતો. હું આ જ રીતે મુસાફરી કરું છું.” રામપુરથી વીટા આવવું-જવું એટલે ૪૦ કિલોમીટર અંતર કાપવું. અને કાલે કંઈ વધારે જ ગરમી હતી, તાપમાન પણ ૪૦ ડિગ્રી સેલ્સીયસ પહોંચી ગયું હતું.

સંપત મોરે કહે છે, “એક કે વર્ષ પહેલા, તેઓ આ રીતે પંઢરપુર સુધી આવ્યા હતા અને પાછા પણ ફર્યા હતા, લગભગ ૧૫૦ કિલોમીટર. હવે તેઓ આટલા અંતરની મુસાફરી નથી કરતા.”

તેમની નિયમિત ભૂમિકા એક કુરિયર (ટપાલી) ની હતી. પરંતુ, ગણપતિ બાલા યાદવ એ ટુકડીઓના પણ સભ્ય હતા, જેમણે ૧૯૪૩માં સતારાના શેનોલીમાં ટ્રેન રોકીને લૂંટવા જેવી મહત્વની ઘટનાઓ સફળ બનાવી હતી

વિડીઓ જુઓ: ગણપતિ યાદવ એક ક્રાંતિકાર તરીકે પોતાની ભૂમિકાને યાદ કરે છે

ગણપતિ યાદવનો જન્મ ૧૯૨૦માં થયો હતો, અને તેઓ તુફાન સેનાના એક સ્વાતંત્ર્ય સેનાની હતા. તુફાન સેના પ્રતિ સરકારની સશસ્ત્ર પાંખ હતી, જેમણે ૧૯૪૩માં બ્રિટીશ રાજથી આઝાદી જાહેર કરીને મહારાષ્ટ્રના સતારામાં કામચલાઉ અંડરગ્રાઉન્ડ સરકારની સ્થાપના કરી હતી. તેઓ ૬૦૦ (કે તેથી પણ વધારે) ગામોમાં કાર્યરત હતા. તેમણે અંગ્રેજો વિરુદ્ધ તુફાન સેનાના વિદ્રોહમાં ભાગ લીધો હતો. તેઓ કહે છે, “હું મોટે ભાગે કુરિયર (ટપાલી) નું કામ કરતો હતો, જંગલમાં છુપાયેલા ક્રાંતિકારીઓને સંદેશો અને ભોજન પહોંચાડતો હતો.” આ લાંબી, ખતરનાક મુસાફરીઓ માંથી ઘણી પગપાળા કરેલી છે; પછી તેઓ એ જગ્યાઓ પર સાઇકલ લઈને જતા હતા.

ગણપતિ યાદવ પહેલા એક સક્રિય ખેડૂત હતાં, અને હજુ પણ છે. આ રવિ પાકની મોસમમાં, એમણે પોતાની અડધો એકર જમીનમાં ૪૫ ટન શેરડીનું ઉત્પાદન કર્યું. એમની પાસે લગભગ ૨૦ એકર જમીન હતી, પણ આ બધી તેમણે તેમના બાળકોમાં ઘણા સમય પહેલા જ વહેંચી દીધી હતી. તેઓ જ્યાં રહે છે, ત્યાં એમના દીકરાઓએ સારા ઘર બનાવી દીધા છે. પણ, ગણપતિ યાદવ અને તેમના ૮૫ વર્ષના પત્ની વત્સલા – જેઓ હજુપણ એક સક્રિય ગૃહિણી છે અને દરરોજ ખાવાનું બનાવે છે અને સફાઈ કરે છે – ને એક જ રૂમવાળા ઘરમાં રહેવું પસંદ છે. અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે વત્સલા ગામથી બહાર ગયેલા હતા.

ગણપતિ યાદવની વિનમ્રતાના લીધે તેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા એ તેમના બાળકોને પણ પાછળથી જાણવા મળ્યું. એમનો મોટો દીકરો, નિવરુત્તિ, ખેતરમાં જ ઊછર્યો છે. તેમણે ૧૩ વર્ષની ઉંમરે પહેલા ઇરોડમાં અને પછી તમિલનાડુના કોઇમ્બતુરમાં એક લુહાર પાસેથી તાલીમ મેળવવા માટે ઘર છોડ્યું. તેઓ કહે છે, “હું સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમની ભૂમિકાથી અજાણ હતો. મને એ વિશે ત્યારે ખબર પડી જ્યારે જી.ડી. બાપુ લાડ [પ્રતિ સરકારના એક મહાન નેતા] એ મને પૂછ્યું કે શું હું મારા પિતાના શૂરવીરતા વિશે જાણું છે?” ગણપતિ યાદવ કહે છે કે બાપુ લાડ એમના ગુરુ અને માર્ગદર્શક હતા. તેઓ યાદ કરતા કહે છે, “તેમણે મારા માટે એક સ્ત્રી શોધીને મારા લગ્ન કરાવી આપ્યા. પછી, હું શેતગરી કામગર પક્ષ [પેઝન્ટસ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઇન્ડિયા] માં એમની સાથે જોડાઈ ગયો. અમે એમના અંતિમ દિવસો સુધી સાથે રહ્યા.”

એમના બીજા દીકરા મહાદેવ કહે છે, “હું જ્યારે ૭માં ધોરણમાં ભણતો હતો, ત્યારે મારા મિત્રના પિતાએ મને એમની બહાદૂરી વિશે જણાવ્યું હતું. એ વખતે, હું એમ જ કહેતો હતો કે આ કોઈ મોટી વાત નથી. એમણે કોઈ અંગ્રેજ સિપાહી કે પોલીસને નથી માર્યા. મને પછી સમજાયું કે એમની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ હતી.”

Ganpati Bala Yadav and family
PHOTO • P. Sainath

ગણપતિ યાદવ પોતાના પૌત્ર-પૌત્રીઓ અને પરિવારના અન્ય સભ્યો સાથે જેમાં એમનો દીકરો નિવરુત્તિ (પાછળ ડાબી બાજુ), ચંદ્રકાંત (આગળ ડાબી બાજુ), અને મહાદેવ (આગળ જમણી બાજુ, ચશ્માં પહેરેલા) બેઠા છે

તેમની નિયમિત ભૂમિકા એક કુરિયર (ટપાલી) ની હતી. પરંતુ, ગણપતિ બાલા યાદવ બાપુ લાડ અને તૂફાન સેનાના સ્થાપક ‘કેપ્ટન ભાઉ’ ના નેતૃત્વ વાળી એ ટુકડીઓના પણ સભ્ય હતા, જેમણે ૧૯૪૩માં સતારાના શેનોલીમાં ટ્રેન રોકીને લૂંટવા જેવી મહત્વની ઘટનાઓ સફળ બનાવી હતી.

“ટ્રેન પર હુમલો કરવાના ફક્ત ચાર દિવસ પહેલા અમને ખબર પડી, કે અમારે પાટાઓ પર પથ્થરોનો ઢગલો કરવાનો છે.”

શું હુમલો કરવા વાળા ટોળાને એ ખબર હતી કે આ ટ્રેન બ્રિટીશ (બોમ્બે પ્રેસિડેન્સી) વેતન લઇ જઈ રહી હતી? “અમારા નેતાઓને આ વિશે જાણ હતી. જે લોકો [રેલવે અને સરકારી] કામ કરતા હતા, એમણે આની જાણકારી આપી દીધી હતી. અમને તો ટ્રેન લૂંટવાની શરૂઆત કરી પછી ખબર પડી.”

અને હુમલો કરવા વાળા લોકો કેટલા હતા?

“એ વખતે કોણ ગણવા બેસતું? થોડીક જ ક્ષણોમાં, અમે પાટાઓ પર પથ્થરો અને ખડકોનો ઢગલો કરી દીધો, જે અમે પહેલાથી જ એકઠા કરેલા હતા. પછી, જ્યારે ટ્રેન રોકાઈ, તો અમે તેને ચારે તરફથી ઘેરી લીધી. જ્યારે અમે ટ્રેન લૂંટી રહ્યા હતા, ત્યારે અંદર બેઠેલા લોકો ખસ્યા પણ નહીં અને એમણે વિરોધ પણ ન કર્યો. મહેરબાની કરીને યાદ રાખજો કે, અમે આ બધું રાજને નુકસાન પહોંચાડવા માટે કર્યું હતું, પૈસા માટે નહીં.”

આવા લડાઈવાળા અભિયાનો સિવાય પણ, એક કુરિયર તરીકે ગણપતિ બાલા યાદવની ભૂમિકા જટિલ હતી. “મેં (જંગલમાં સંતાયેલા) અમારા નેતાઓને  ખોરાક પહોંચાડ્યો. હું તેમને રાત્રે મળવા જતો. મોટે ભાગે, નેતાની સાથે લગભગ ૧૦-૨૦ લોકો રહેતાં હતા. બ્રિટીશ રાજે આ અંડરગ્રાઉન્ડ સેનાનીઓને દેખતા જ ગોળી મારી દેવાના ઓર્ડર આપેલા હતા. અમારે તેમને મળવા માટે છુપાઈને લાંબા અને આડા-અવળા રસ્તાઓમાંથી પસાર થવું પડતું હતું. નહીંતર, પોલીસકર્મીઓ અમને ગોળી મારી દેતા.”

Ganpati Bala Yadav on his cycle
PHOTO • P. Sainath

‘એક કે વર્ષ પહેલા, તેમણે પંઢરપુર સુધી જઈને આવ્યા હતા અને લગભગ ૧૫૦ કિલોમીટર સાઇકલ ચલાવી હતી...’ અને આજ સુધી તેઓ દરરોજ સાઇકલ પર કેટલાક કિલોમીટર મુસાફરી કરે જ છે

ગણપતિ યાદવ કહે છે, “અમે અમારા ગામના પોલીસના ખબરીઓને પણ દંડિત કર્યા હતા.” અને પછી તેઓ વિગતવાર જણાવે છે કે પ્રતિ સરકાર કે કામચલાઉ સરકારનું નામ ‘પ્રતિ સરકાર’ કઈ રીતે પડ્યું. મરાઠી શબ્દ પ્રતિનો, એ સંદર્ભમાં, અર્થ હતો લાકડી [નો ડંડો]. “જો અમને આવા પોલીસ એજન્ટો વિશે બાતમી મળતી, તો અમે રાત્રે તેમના ઘરને ચારે બાજુએથી ઘેરી લેતા. અમે એ ખબરીને અને તેની સાથે અન્ય એક માણસને ગામની બહાર લઇ જતા.”

“અમે ખબરીના પગની ઘૂંટી વચ્ચે લાકડી રાખીને એને બાંધી દેતા. ત્યારપછી તેને ઊંધો લટકાવીને તેના પગની પાની પર માર મારતા. અમે એના શરીરના બીજા કોઈ ભાગને અડકતા પણ નહીં, સિવાય કે એના પગની પાની. તે ઘણા દિવસો સુધી બરાબર ચાલી પણ ના શકે.” એક મોટો અસ્વીકાર. અને આ જ રીતે પ્રતિ સરકાર નામ પડ્યું. “પછી અમે એ માણસને પેલા બીજા માણસના ખભે મૂકી દેતા જેથી તે એને ઘરે પહોંચાડી દે.”

“અમે બેલવાડે, નેવારી, અને તડસર જેવા ગામોના ખબરીઓને પણ દંડિત કર્યા છે. નાનાસાહેબ નામનો એક ખબરી તડસર ગામના એક મોટા બંગલોમાં રહેતો હતો, જેમાં અમે રાત્રે ઘૂસી ગયા હતા. અમે જોયું કે ત્યાં એકલી સ્ત્રીઓ જ સૂઈ રહી છે. પછી અમે ખૂણામાં એક સ્ત્રીને જોઈ, જે ચાદરમાં લપેટાયેલી હતી. આ સ્ત્રી શા માટે અલગ સૂઈ રહી હતી? આ એ જ હતો, અને અમે એને એ જ ચાદરમાં ઉઠાવીને લઇ ગયા.”

નાના પાટિલ (કામચલાઉ સરકારના નેતા) અને બાપુ લાડ તેમના હીરો હતા. “નાના પાટિલ શું માણસ હતા, ઊંચા, કદાવર, નીડર. અને તેઓ કેવા પ્રેરણાદાયી ભાષણો આપતા! તેમને ઘણીવાર અહિં ના મોટા લોકો દ્વારા આમંત્રિત કરવામાં આવતા, પણ તેઓ ફક્ત નાના ઘરોમાં જ જતા. એ મોટા લોકોમાં કેટલાક અંગ્રેજોના એજન્ટ હતા.” નેતાઓ અમને કહેતા, “સરકારથી ડરો નહીં; જો આપણે એકજુટ થઈને મોટી સંખ્યામાં સંઘર્ષમાં જોડાઇશું, તો આપણે પોતાને રાજ થી મુક્ત કરી શકીશું.” ગણપતિ યાદવ અને તેમના ગામમાંથી લગભગ ૧૦૦-૧૫૦ લોકો તુફાન સેનામાં જોડાયા.

Ganpati Bala Yadav
PHOTO • P. Sainath
Vatsala Yadav
PHOTO • P. Sainath

ગણપતિ યાદવ અને તેમના ૮૫ વર્ષના પત્ની વત્સલા – જેઓ હજુપણ એક સક્રિય ગૃહિણી છે અને દરરોજ ખાવાનું બનાવે છે અને સફાઈ કરે છે – હજુ પણ જુના ઘરમાં રહે છે

એ વખતે પણ, તેમણે મહાત્મા ગાંધી વિશે સાંભળ્યું હતું, જો કે “મને કોઈ દિવસ એમને જોવાનો અવસર મળ્યો નથી. મેં એકવાર જવાહરલાલ નહેરુને જોયા હતા, જ્યારે [ઉદ્યોગપતિ] એસ.એલ. કિરલોસ્કર તેમને એ વિસ્તારમાં લાવ્યા હતા. અને, દેખીતું છે કે, અમે ભગત સિંહ વિશે પણ સાંભળ્યું હતું.”

ગણપતિ બાલા યાદવનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો, અને તેમને એક જ બહેન હતી. તેમના બચપણ માં જ તેમના માતા-પિતા મૃત્યુ પામ્યા હતા, તેથી તેઓ એક સંબંધીના ઘરે જતા રહ્યા હતા. “મેં શાળામાં કદાચ ૨-૪ વર્ષ અભ્યાસ કર્યો, પછી ખેતરમાં કામ કરવા માટે અભ્યાસ છોડી દીધો.” લગ્ન પછી, તેઓ ફરીથી તેમના માતા-પિતાના જર્જરિત ઘર અને નાના ખેતરમાં પાછા આવી ગયા. તેમની પાસે શરૂઆતના જીવનની એકેય છબી નથી કેમ કે તેમને એવું કરવું પોસાય તેમ નહોતું.

તેમ છતાં, તેમણે સખત મહેનત કરી – અને ૯૭ વર્ષની ઉંમરે હજુ પણ કરે છે. “હું ગોળ બનાવવાનું શીખ્યો અને આખા જિલ્લામાં તેનો વેપાર કરતો હતો. અમે અમારા બાળકોના અભ્યાસ પાછળ આ પૈસા ખર્ચી દીધા. અભ્યાસ પૂરો કર્યા પછી, તેઓ મુંબઈ જતા રહ્યા અને કમાવવા લાગ્યા અને અમને પૈસા પણ મોકલવા લાગ્યા. ત્યારપછી મેં ગોળનો વેપાર બંધ કર્યો અને ખેતીમાં વધારે રોકાણ કરવા લાગ્યો. અંતે અમારી ખેતી પણ આબાદ થઇ ગઈ.”

પણ ગણપતિ યાદવ એ વાતથી નાખુશ છે કે આજના ખેડૂતો વ્યાજના બોજા હેઠળ દબી રહ્યા છે. “આપણને સ્વરાજ [સ્વાતંત્ર્ય] તો મળ્યું, પણ સ્થિતિ એવી નથી જેવી આપણે ઇચ્છતા હતા.” એમને લાગે છે કે કેન્દ્ર અને રાજ્યની અત્યારની સરકારો આગળની સરકારો કરતા પણ વધારે ખરાબ છે. તેઓ કહે છે, “તેઓ આગળ શું કરશે એ વિશે કંઈ કહેતા જ નથી.”

Ganpati Bala Yadav with his cycle outside a shop
PHOTO • P. Sainath

ગણપતિ યાદવ કહે છે, ‘સાઇકલ અમારા જમાનામાં એક નવી વસ્તુ કહેવાતી હતી.’ આ નવી આકર્ષક ટેકનોલોજી વિશે ગામમાં લાંબી ચર્ચા થતી હતી

તૂફાન સેનાના કુરિયરના મોટાભાગના કામ તેઓ પગપાળા ચાલીને જ કરતા હતા, ગણપતિ યાદવે “૨૦-૨૨ વર્ષની ઉંમરે સાઇકલ ચલાવવાનું શીખ્યું હતું.” જે પાછલા સમયમાં તેમના માટે અંડરગ્રાઉન્ડ ગતિવિધિઓ માટેનું એક સાધન બની ગયું. તેઓ કહે છે, “સાઇકલ અમારા જમાનામાં એક નવી વસ્તુ કહેવાતી હતી.” આ નવી આકર્ષક ટેકનોલોજી વિશે ગામમાં લાંબી ચર્ચા થતી હતી. “હું સાઈકલ ચલાવવાનું જાતે જ શીખ્યો, અને ઘણી વખત પડ્યો પણ ખરો.”

સાંજનો સમય થઇ ગયો છે અને ૯૭ વર્ષના ગણપતિ યાદવ સવારે ૫ વાગ્યા પહેલાનાં અહીં જ હાજર છે. પણ એવું લાગી રહ્યું છે કે અમારી સાથે કલાકો સુધી વાત કરવામાં એમને મજા આવી છે કેમ કે એમનામાં થાકના જરાય ચિન્હો નથી દેખાતા. તેમના મોં પર નારાજગી ફક્ત ત્યારે જ દેખા દે છે જયારે હું પૂછું છું કે તેમની સાઈકલ કેટલી જૂની છે. તેઓ દુઃખી થઈને બોલ્યા, “આ સાઇકલ? લગભગ ૨૫ વર્ષ. આના પહેલાની સાઇકલ મેં ૫૦ વર્ષ વાપરી હતી, પણ કોઈએ તે ચોરી લીધી.”

પાછા જવા માટે અમે જેવા ઊભા થયા, કે તરત તેમણે ચુસ્તપણે મારા હાથ પકડી લીધા અને મને થોડી વાર રોકાઈ જવા માટે કહ્યું. તેઓ મને કંઈ આપવા માગતા હતા. તેઓ પોતાના નાનકડા ઘરમાં જાય છે, અને ત્યાંથી એક નાનકડું વાસણ લાવે છે, તે ખોલીને તેમાંથી તાજા દૂધનો એક ગ્લાસ ભરીને મને આપે છે. હું એ પી લઉં છું, પછી તેઓ ફરીથી મારો હાથ પકડી લે છે. આ વખતે તેમની આંખો આંસુથી ભીની થઇ ગઈ છે. મારી પણ આંખો ભીની થઇ રહી છે. હવે કોઈ શબ્દ કે વાતચીતની જરૂર નથી રહી. અમે એકબીજાથી અલગ થઇ રહ્યા છીએ, એ વાટ જાણીને કે થોડી વાર માટે પણ, અમને ગણપતિ બાલા યાદવના રસિક જીવનચક્રનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

સંપત મોરે, ભરત પાટિલ, નમિતા વાઈકર અને સંયુક્તા શાસ્ત્રીનો એમના મૂલ્યવાન ઇનપુટ માટે ખૂબ - ખૂબ આભાર.

અનુવાદક: ફૈઝ મોહંમદ

P. Sainath
psainath@gmail.com

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought'.

Other stories by P. Sainath
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad