આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શન નો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.
ખેતર તો છે, પણ પોતાનું નહીં
જમીન માલિક ગર્વથી ફોટો પડાવતા હતા. તેમના ખેતરમાં નવ મહિલા શ્રમિકો કમરેથી બેવડ વળી જઈને રોપણીનું કામ કરતા હતા ત્યારે જમીન માલિક પોતે ગર્વ અને આત્મવિશ્વાસથી અક્ક્ડ ઊભા હતા. તેમણે કહ્યું કે તેઓ મહિલાઓને દિવસના 40 રુપિયા આપતા હતા. મહિલાઓએ પછીથી અમને કહ્યું કે તેઓ તેમને 25 રુપિયા જ આપતા હતા. આ બધી મહિલાઓ ઓડિશાના રાયગડાના ભૂમિહીન શ્રમિકો હતા.
ભારતમાં જમીનદાર પરિવારની મહિલાઓનો પણ જમીન પર કોઈ અધિકાર નથી. નથી તેમનો કોઈ અધિકાર તેમના માતાપિતાના ઘરમાં કે નથી તેમના પતિ અને સાસરિયાઓના ઘરમાં. ત્યક્તા, વિધવા અથવા છૂટાછેડા લીધેલ મહિલાઓ છેવટે તેમના સગા-સંબંધીઓની માલિકીના ખેતરોમાં ખેતમજૂર બનીને રહી જાય છે.
સત્તાવાર આંકડા અનુસાર ભારતમાં 63 મિલિયન મહિલા કામદારો છે. તેમાંથી 28 મિલિયન અથવા 45 ટકા ખેતમજૂરો છે. આ આશ્ચર્યજનક આંકડો પણ ભ્રામક છે. તેમાં છ મહિના કે તેથી વધુ સમયથી રોજગાર ન મેળવી શકનાર મહિલાઓને બાકાત રાખવામાં આવેલ છે. આ ખૂબ મહત્વપૂર્ણ છે. એનો અર્થ એ છે કે લાખો મહિલાઓને રાષ્ટ્રીય અર્થતંત્રમાં યોગદાન આપનાર શ્રમિકો તરીકે ગણવામાં આવતી નથી. સીધી ખેતી સિવાય ગ્રામીણ મહિલાઓ જે ઘણું બધું કરે છે તેને 'ઘરેલુ કામ' ગણી કાઢીને અવગણવામાં આવે છે.
અધિકૃત શાસન દ્વારા 'આર્થિક પ્રવૃત્તિ' ગણાતા કામોમાંથી જેમાં નહિવત વેતન મળે છે તેવી ખેત મજૂરી એ જ મહિલાઓ માટે રોજગારનો એકમાત્ર મુખ્ય વિકલ્પ છે. અને હવે ભૂમિહીન ખેતમજૂરોને મળતા કામના દિવસોની સંખ્યા ઘટી રહી છે. તે પ્રક્રિયા આર્થિક નીતિઓ પર આધારિત છે. વધતું યાંત્રિકીકરણ આ સંકટને વધુ ઘેરું બનાવે છે. રોકડિયા પાકો લેવાનું વલણ સમસ્યાની તીવ્રતામાં વધારો કરે છે. કરારની નવી પદ્ધતિઓ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે.
આંધ્ર પ્રદેશના અનંતપુરમાં આ બે નાની છોકરીઓ ખેતરમાં કીડા શોધી રહી છે (નીચે). આ કિસ્સામાં લાલ રુવાંટીવાળા કીડા. તેમના ગામમાં બે પૈસા કમાવા હોય તો આ જ એક કામ છે. તેઓને જમીનમાલિકો પાસેથી કીડા માટે કિલોગ્રામદીઠ 10 રુપિયા મળે. એનો અર્થ એ કે આટલું કમાવા માટે તેઓએ એક હજારથી વધુ કીડા પકડવા પડે.
જમીન જેવા સંસાધનો પર સીધા નિયંત્રણના અભાવે સામાન્ય રીતે ગરીબો અને ખાસ કરીને તમામ મહિલાઓ ખૂબ જ નબળી સ્થિતિમાં છે. (જમીનની) માલિકી અને સામાજિક દરજ્જો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. બહુ ઓછી સ્ત્રીઓ જમીનની માલિકી ધરાવે છે અથવા જમીનનું નિયંત્રણ કરે છે. અને મહિલાઓના જમીન અધિકારો સુનિશ્ચિત કરવામાં આવશે ત્યારે પંચાયતી રાજમાં તેમની ભાગીદારી પણ અનેકગણી વધશે.
ભૂમિહીનોમાં આટલી મોટી સંખ્યા દલિતોની છે એ કોઈ અકસ્માત કે સંયોગ નથી. લગભગ 67 ટકા મહિલા ખેતમજૂરો દલિત છે. આ સૌથી વધુ શોષિત વિભાગને વર્ગ, જાતિ અને લિંગ ત્રણેય વિશ્વમાં સૌથી વધુ અન્યાય સહન કરવા વારો આવે છે.
જમીન અધિકારો મળવાથી ગરીબ અને નીચલી જાતિની મહિલાઓની સ્થિતિમાં સુધારો થશે. એ પછી કદાચ તેમને બીજાના ખેતરોમાં કામ કરવાની જરૂર પડે તો પણ એ અધિકારો તેમને વધુ સારા વેતન માટે ભાવતાલ કરવામાં મદદ કરશે. અને (જરૂર પડ્યે) ધિરાણ મેળવવાની તેમની પહોંચ વધારશે.
જમીન અધિકારો તેમની પોતાની અને તેમના પરિવારોની ગરીબી ઘટાડશે. પુરૂષો તેમની મોટાભાગની આવક પોતાના પર ખર્ચ કરે છે. મહિલાઓ લગભગ બધી કમાણી ઘર-પરિવાર પર ખર્ચ કરે છે. અને તેનાથી બાળકોને ઘણો ફાયદો થાય છે.
તે મહિલા માટે સારું છે, તે બાળકો અને પરિવાર માટે સારું છે. ટૂંકમાં ગરીબી નાબૂદ કરવાના કોઈ પણ કાર્યક્રમને સફળ બનાવવા મહિલાઓના જમીન સંબંધિત અધિકારો સુનિશ્ચિત કરવા પડશે. પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ પુનઃવિતરિત જમીનના 400000 કેસોમાં સંયુક્ત પટ્ટા (ટાઈટલ ડીડ) સુનિશ્ચિત કરીને એ દિશામાં એક શરૂઆત કરી છે. પરંતુ હજી તો ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે.
મહિલાઓને જમીન ખેડવાન છૂટ ન હોવાથી કદાચ જૂના સૂત્ર "ખેડે તેની જમીન" પર ફરીથી કામ કરવાની જરૂર છે. તેને બદલે, "જેઓ એ જમીન પર શ્રમ કરે તેમની જમીન" એ સૂત્ર અજમાવવાની જરૂર છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક