“જો અમને અગાઉથી જ હિમવર્ષાની જાણ કરવામાં આવી હોત, તો અમે પાકની લણણી વહેલી કરી લીધી હોત,” મુશ્તાક અહમદ કહે છે.
અહમદ દક્ષિણ કાશ્મીરના પમ્પોર વિસ્તારના નામ્બલ બાલ ગામમાં રહે છે. અહીં, દર વર્ષે મે મહિનાની મધ્યમાં, તે અને અન્ય ખેડૂતો કેસરનું (Crocus Sativus) વાવેતર કરે છે. મધ્ય-ઓક્ટોમ્બરથી મધ્ય-નવેમ્બર દરમિયાન, તેઓ તેના ફૂલો ચૂંટે છે. તે ફૂલનો કિરમજી રંગનો ભાગ (ફૂલનો ડીંટા તરફનો ભાગ) સૌથી વધારે લોકપ્રિય અને મોંઘા ભાવનું કેસર બને છે.
કાશ્મીર એ ભારતનું એક માત્ર એવું રાજ્ય (હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ) છે, જ્યાં કેસરની ખેતી થાય છે. તેમાંથી કેટલુંક સ્થાનિક કહાવા ચામાં ઉકાળીને પીવાય છે, જયારે મોટા ભાગનું કેસર દેશના બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે, તેનો ઉપયોગ મખ્યત્વે વિવિધ વાનગીઓ બનાવવામાં, આયુર્વેદિક દવાઓમાં અને મંદિરોમાં ધાર્મિક વિધિઓમાં થાય છે.
પરંતુ આ વર્ષે, કાશ્મીરમાં લગભગ એક મહિનો વહેલી એટલે કે ૭ નવેમ્બરે પ્રથમ હિમવર્ષા થઈ. તેના કારણે છોડ પર માઠી અસર થઈ. પરિણામે, પમ્પોર વિસ્તારના મૈજ ગામના વસીમ ખાંડે તેમની ૬૦ કનાલ જમીનમાંથી પ્રતિ કનાલ (એક એકમ દીઠ) માત્ર ૩૦-૪૦ ગ્રામ કેસર જ મેળવી શક્યા. તેમની અપેક્ષા પ્રતિ કનાલ 200-300 ગ્રામની હતી અને કનાલ દીઠ (8 કનાલ = 1 એકર) અંદાજિત રૂ. ૨૦૦૦૦ નફાની જગ્યાએ, તે હાલ રૂ. ૩ લાખથી પણ વધારે રુપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે.
“અમને આ સીઝનમાં મોટી આશા હતી, પરંતુ કસમયની હિમવર્ષાને લીધે પાકને નુકસાન પહોંચ્યું,” જમ્મુ કાશ્મીર કેસર ઉત્પાદક સંગઠનના પ્રમુખ અબ્દુલ મજીદ વાની કહે છે. આ સંસ્થામાં લગભગ ૨૦૦૦ જેટલા સભ્યો છે. વાનીના અંદાજ પ્રમાણે, આ વર્ષે કાશ્મીરના કેસરના ખેડૂતોને અંદાજે કુલ ૨૦ કરોડ રૂપિયા જેટલું નુકસાન થશે. કાશ્મીરનો કેસરનો વેપાર ૨૦૦ કરોડનો છે, ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ, કાશ્મીર વિભાગના પ્રમુખ, ઝૈનુલ આબિદીને તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું.
કાશ્મીરના વિભાગીય કમિશનર દ્વારા તૈયાર કરાયેલા એક દસ્તાવેજ પ્રમાણે જમ્મુ કાશ્મીરના એ ૨૨૬ ગામોમાં અહમદ અને ખાંડેના ગામોનો સમાવેશ થાય છે જ્યાં ૩૨૦૦૦ જેટલા પરિવારો કેસરની ખેતી કરે છે. તેમાંથી ઘણાં ગામો પુલવામા જિલ્લાના પમ્પોર વિસ્તારનાં છે. આ બધા ગામો મળીને, દર વર્ષે લગભગ ૧૭ ટન કેસરનું ઉત્પાદન કરે છે, એવું કૃષિ નિયામક સૈયદ અલ્તાફ ઐજાઝ અન્દ્રાબી કહે છે.
(ડાબે) આ વર્ષે ૭, નવેમ્બરની હિમવર્ષા પહેલાં, પમ્પોર વિસ્તારમાં પૂરબહારમાં ખીલેલા કેસરનાં ફૂલો. (જમણે) પુલવામાના ગેલેન્ડર વિસ્તારમાં, એક ખેડૂત સ્ત્રી (જે તેનું નામ જણાવવા નથી માગતી) તેના ખેતરમાંથી કેસરનાં ફૂલો ચૂંટી રહી છે.
(ડાબે) આ વર્ષે ૭, નવેમ્બરની હિમવર્ષા પહેલાં, પમ્પોર વિસ્તારમાં પૂરબહારમાં ખીલેલા કેસરનાં ફૂલો. (જમણે) પુલવામાના ગેલેન્ડર વિસ્તારમાં, એક ખેડૂત સ્ત્રી (જે તેનું નામ જણાવવા નથી માગતી) તેના ખેતરમાંથી કેસરનાં ફૂલો ચૂંટી રહી છે.
પરંતુ વર્ષો વીતતાં, કાશ્મીરમાં જે જમીન પર કેસરના રોકડિયા પાકની ખેતી હતી, જે જમીન અંદાજીત ૫૭૦૦ હેક્ટરથી ઘટીને હવે લગભગ ૩૭૦૦ હેક્ટર થઈ ગઈ છે. અહીંના ખેડૂતોનું કહેવું છે કે આ ઘટતી કૃષિ જનીનના કેટલાક કારણોમાં વર્ષાઋતુની બદલાતી ઢબ (ઓગસ્ટ-સપ્ટેમ્બરના ચોમાસાના મહિનામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ કાં તો અકાળે વરસાદ), અને નબળી સિંચાઈ પદ્ધતિનો સમાવેશ થાય છે.
તેમાંના કેટલાક કહે છે કે 2010માં સ્થપાયેલ રાષ્ટ્રીય કેસર મિશન (NSM) ઝાઝું મદદરૂપ થઈ શક્યું નથી. આ મિશનના કેટલાક હેતુઓમાં ઉત્પાદન પ્રણાલીમાં સુધારો, સંશોધન, માર્કેટિંગમાં વધારો, ફૂવારા પદ્ધતિ અને બોરવેલ કરી આપવા, અને વધુ સારી ગુણવત્તાવાળું કૃષિ બિયારણ પૂરું પાડવાનો સમાવેશ થયેલ હતો. “પરંતુ પરિણામો દેખાતા નથી. ઘણા બધા ખેડૂતોની ફરિયાદો છે કે નાણાંનો દુરુપયોગ થયો છે,” ગુલામ મોહમ્મદ ભાટ કહે છે, જેઓ પુલવામા જિલ્લાના પમ્પોર બ્લોકના દ્રણગાહ બાલ વિસ્તારમાં સાત કનાલ જમીન ધરાવે છે.
“સ્થાનિક કૃષિ ઓફિસરો દ્વારા પૂરા પાડવામાં આવેલા કેસરના નવા બીજ સારું પરિણામ લાવી શક્યા નથી, જો કે તેઓએ એવો દાવો કર્યો હતો કે આનાથી ઉપજમાં વધારો થશે,” અબ્દુલ અહમદ મીર કહે છે. કાશ્મીરના અન્ય કેસર ઉગાડનારાની જેમ, તેઓ પણ આ વર્ષે નબળા પાકના કારણે થયેલું નુકસાન સ્વીકારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જો કે, વહેલી હિમવર્ષા એ નબળા પાક માટેનું એક માત્ર કારણ નથી. કેન્દ્ર સરકાર દ્વારા 5મી ઓગસ્ટે કલમ ૩૭૦ નાબૂદ કરાયા બાદની રાજકીય અનિશ્ચિતતા અને પ્રતિબંધોને કારણે પણ પાકને અસર પહોંચી છે. “પ્રતિબંધોને કારણે અમે અમારા ખેતરોમાં ન જઈ શક્યા, અને ત્યાં બીજના અંકૂરો ફૂટી નીકળ્યા હતા,” ઐયાઝ અહમદ ભાટ કહે છે, જેઓ દ્રણગાહ બાલ વિસ્તારના બીજા એક કેસર ઉત્પાદક છે.
પમ્પોરના ઝાફરાન કોલોનીના કેસર ઉત્પાદક બશીર અહમદ ભાટના જણાવ્યા અનુસાર ઓગસ્ટ બાદ, કામની શોધમાં આવતા પરપ્રાંતીય મજૂરોના પ્રસ્થાનના કારણે પણ પાક પર અસર પડી છે. તેના કારણે કેસરના ખેડૂતોને મજબૂરીથી સ્થાનિક મજૂરોને ઊંચા દૈનિક વેતને કામે રાખવા પડ્યા. તેઓ વધુમાં કહે છે કે "હવે આ ધંધો નફાકારક નથી"
ઇન્ટરનેટ બંધ કરી દેવાના કારણે પણ ઘણું નુકસાન થયું છે. “અમારા બાળકો ઇન્ટરનેટ પર નિયમિતપણે હવામાનની આગાહી તપાસતા રહેતા હતા,” મુશ્તાક અહમદ કહે છે. વસીમ ખાંડે યાદ કરતાં કહે છે, “ પહેલાંના સમયમાં અમે વાદળા જોઈને કહી શકતા હતા કે ક્યારે વરસાદ કે હિમવર્ષા થશે, પણ હવે અમે ઇન્ટરનેટ પર એટલા બધા નિર્ભર થઈ ગયા છીએ કે અમે હવામાનના ફેરફારોની નોંધ લેવાનું બંધ કરી દીધું છે.”
શિયાળાની સવારે, પુલવામા જિલ્લાના પમ્પોર બ્લોકના ખ્રવ વિસ્તારના ખેડૂતો તેમના કેસરના ખેતરોમાં જમીન ખેડી રહ્યા છે અને તેમાં ખાતર નાખી રહ્યા છે.
૬૫ વર્ષના અબ્દુલ અહદ, પુલવામા જિલ્લાના લેથપોરા વિસ્તારમાં તેમના પરિવાર સાથે તેમના છ કનાલના ખેતરમાં કેસરના ફૂલો ચૂંટી રહ્યા છે. તેઓ ત્રીસ વર્ષથી કેસરની ખેતી કરે છે.
પુલવામા જિલ્લાના પમ્પોર બ્લોકના લેથપોરા વિસ્તારના ખેતરોમાંથી ચૂંટેલાં કેસરનાં ફૂલો.
૫૫ વર્ષના અબ્દુલ રશીદ, પુલવામાના ખ્રેવ વિસ્તારમાં આવેલા તેમના ઘરમાં કેસરના ફૂલોમાંથી કેસરના તાંતણા ખેંચી રહ્યા છે.
અબ્દુલ રશીદ તેમના પુત્ર ફયાઝ સાથે કામ કરે છે. તેઓ કહે છે કે ફૂલમાંથી કેસરના તાંતણા કાઢવા એ એક કળા છે. "ફૂલમાંથી યોગ્ય તાંતણા કાઢતી વખતે ખૂબ કાળજી રાખવી પડે છે, નહીંતર તે નકામું થઈ જાય છે."
“પાકની ઉપજમાં છેલ્લા પાંચ વર્ષથી સતત ઘટાડો થઈ રહ્યો છે,” ૭૦ વર્ષના હાજી અબ્દુલ અહદ મીર કહે છે. તેમનો પરિવાર ત્રણ પેઢીઓથી તેમની આઠ કનાલ જમીનમાં કેસરની ખેતી કરે છે. “કેસરની ખેતી કરવી એ એક કળા છે, જે મને વારસામાં મળી છે,” તેઓ કહે છે. “પરંતુ યુવાનો ખોટી પદ્ધતિથી ખેતી કરે [બીજ ખોટી રીતે વાવે અથવા યોગ્ય રીતે ન સંભાળે] તો આપણે હમેશાં માટે આ પાક ખોઈ બેસીશું.” તેઓ આશા રાખે છે આ વર્ષે ભલે હિમવર્ષા થઈ, પણ આવતા વર્ષે સારો પાક થશે.
પુલવામાના દ્રણગાહ બાલ વિસ્તારના કેસર ઉગાડનાર અને વેચનાર, ગુલામ મોહમ્મદ ભટ, તેમના ઘેર વેચાણ માટે કેસરનું વર્ગીકરણ કરી રહ્યા છે. સામાન્ય રીતે, કેસરનું ત્રણ સ્તરોમાં વર્ગીકરણ કરવામાં આવે છે: ટોચની ગણવત્તામાં ફક્ત લાલ તાંતણા હોય છે, અને એક પણ કળીઓ (buds) હોતી નથી, મધ્યમ ગુણવત્તામાં ફૂલની કળીઓ પણ હોય છે, અને ત્રીજી કક્ષાની ગુણવત્તા એ ઉચ્ચ સ્તરના કેસરનો અર્ક અને ઉચ્ચ સ્તરના કેસરમાંથી જે બચ્યું-કુચ્યું હોય છે તે છે.
ગુલામ મોહમ્મદ ભટની દ્રણગાહ બાલમાં એક નાની કિરાણાની દુકાન પણ છે. તેઓ પરિવારની સાત કનાલ જમીનમાં ત્રણ દાયકાથી પણ વધારે સમયથી કેસરની ખેતી કરે છે. “આ વર્ષે મને એક કિલો કેસરના ઉત્પાદનની આશા હતી, પરંતુ ફક્ત ૭૦ ગ્રામ જ મેળવી શક્યો. હિમવર્ષાના કારણે મારા પાકને નુકસાન થયું છે,” તેઓ કહે છે. વધુમાં તેઓ કહે છે કે, ઇન્ટરનેટ બંધ કરી દેવાયું હતું તે કારણે તેઓ તેમના ખેતરોને નુકસાન પહોંચાડવા આવી રહેલી હિમવર્ષાની આગાહી વિષે પહેલેથીના જાણી શક્યા.
અનુવાદ: મહેદી હુસૈન