વરસાદ અને પાણીની અછત માટે વિશેષ જાણીતા આ પ્રદેશમાં પ્રખ્યાત એક  લોકગીત છે જે એના 'મીઠાં પાણી'ની ઉજવણી કરે છે. આ મીઠું પાણી તે કચ્છની  પ્રજા અને તેની વિશાળ સાંસ્કૃતિક વિવિધતા પણ ખરું

એક હજાર વર્ષ પહેલાં કચ્છ, સિંધ અને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં રહેતા અને શાસન કરતા લાખો ફુલાણી (જન્મ 920 એડી) ખૂબ જ પ્રેમાળ રાજા હતા. તેમને પોતાના લોકો માટે જીવન સમર્પિત કરીને પ્રતિષ્ઠા મેળવી. તેમના ઉદાર શાસનને યાદ કરીને લોકો આજે પણ કહે છે, "લાખા તો લાખો મલાશે પણ ફૂલાણી એ ફેર [લાખો નામે તો લાખો મળશે પણ આપણા (લોકોના દિલ પર રાજ કરનાર) એક લાખો ફુલાણી તો માત્ર એક]."

આ ગીતમાં તેમનો ઉલ્લેખ છે અને તે ઉપરાંત આ ગીત આ પ્રદેશની સંસ્કૃતિના હાર્દમાં રહેલી ધાર્મિક સંવાદિતાની ભાવનાઓને પણ વ્યક્ત કરે છે. કચ્છમાં ઘણા ધાર્મિક સ્થાનો છે જ્યાં હિંદુઓ અને મુસ્લિમો બંને જતા જોવા મળે છે, જેમ કે હાજીપીરની દરગાહ અને દેશદેવીમાં આશાપુરાનું મંદિર. આ ગીતમાં ઐતિહાસિક સંદર્ભોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમ કે ફુલાની દ્વારા બાંધવામાં આવેલ કારાકોટ ગામમાં આવેલો  કિલ્લો.

આ ગીત ઉપરાંત આ સંગ્રહના અન્ય ગીતો પ્રેમ, ઝંખના, ખોટ, લગ્ન, માતૃભૂમિથી લઈને સ્ત્રી સશક્તિકરણ, લોકશાહીના અધિકારો અને એવા કંઈ અનેક વિષયોની સ્પર્શે છે.

PARI કચ્છના 341 ગીતો સાથે કચ્છી ફોકસોંગ્સ મલ્ટીમીડિયા આર્કાઇવ રાખશે. અહીં ઓડિયો ફાઇલ મૂળ ભાષામાં સ્થાનિક કલાકારો દ્વારા ગીતની પ્રસ્તુતિ કરશે. લોકગીત વાચકોને ગુજરાતી લિપિમાં અંગ્રેજી અને અન્ય 14 ભાષાઓ જેમાં PARI હવે પ્રકાશિત થાય છે એ તમામમાં અનુવાદ સાથે પ્રસ્તુત કરવામાં આવશે.

કચ્છ એક 45,612 ચોરસ કિલોમીટરની નાજુક ઇકોસિસ્ટમને આવરી લેતો વિસ્તાર છે, જેની દક્ષિણમાં સમુદ્ર અને ઉત્તરમાં રણ છે. ભારતના સૌથી મોટા જિલ્લાઓમાંનો એક, એવો આ જિલ્લો અર્ધ-શુષ્ક ક્ષેત્રમાં આવે છે જ્યાં લોકો  નિયમિતપણે પાણીની અછત અને દુષ્કાળના સાથે સંઘર્ષ કરે છે.

કચ્છમાં અનેકવિધ જાતિઓ, ધર્મો અને સમુદાયો વસે છે, જેમાંથી મોટાભાગના લોકો છેલ્લા 1,000 વર્ષોમાં આ પ્રદેશ તરફ સ્થળાંતર કરીને આવેલા લોકોના વંશજો છે. રબારી, ગઢવી, જાટ, મેઘવાલ, મુતવા, સોઢા રાજપૂત, કોળી, સિંધી અને દરબાર જેવા પેટા જૂથો સાથે હિન્દુ, મુસ્લિમ અને જૈનો પણ અહીંયા વસે છે. કચ્છનો સમૃદ્ધ અને બહુલવાદી વારસો અહીંના બેજોડ કપડાં, ભરતકામ, સંગીત અને અન્ય સાંસ્કૃતિક પરંપરાઓમાં પ્રતિબિંબિત થાય છે. 1989 માં સ્થપાયેલ કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) આ પ્રદેશના સમુદાયોને સંગઠિત કરવામાં અને તેમની પરંપરાઓને સમર્થન આપવા માટે કાર્યરત છે.

KMVS ના સહયોગથી PARI કચ્છી લોકગીતોનો આ સમૃદ્ધ સંગ્રહ સૌની સમક્ષ મૂકે છે. અહીં પ્રસ્તુત ગીતો KMVS દ્વારા 'સૂરવાણી' પહેલના ભાગ રૂપે રેકોર્ડ કરવામાં આવ્યા હતા. મહિલા સશક્તિકરણને સરળ બનાવવા અને સામાજિક પરિવર્તનના પ્રતિનિધી તરીકે સ્ત્રીઓને સજ્જ કરવા માટે એક પાયાની પહેલ તરીકે શરૂ થયેલ આ સંસ્થાએ ટૂંક સમયમાં જ  તેમના પોતાના મીડિયા સેલનો વિકાસ કર્યો. તેઓએ કચ્છની સમૃદ્ધ સંગીત સંસ્કૃતિને પ્રોત્સાહન આપતું તેમજ નિયમિત રીતે સમુદાય દ્વારા સંચાલિત થતું  રેડિયો પ્રસારણ સૂરવાણી શરૂ કર્યું. 305 સંગીતકારોના અનૌપચારિક સંગઠનમાં  38 વિવિધ સંગીતના સ્વરૂપોનું  પ્રતિનિધિત્વ રહ્યું. સૂરવાણીએ કચ્છી લોકગાયકોના સ્થાન અને પરિસ્થિતિને સુધારવાની સાથે સાથે લોકસંગીતની સંસ્કૃતિને જાળવવા, ટકાવવા, પુનર્જીવિત કરવા, ઉત્સાહિત ભરવા અને એને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો.

સાંભળો અંજારના નસીમ શેખે ગાયેલું લોકગીત

કરછી

મિઠો મિઠો પાંજે કચ્છડે જો પાણી રે, મિઠો મિઠો પાંજે કચ્છડે જો પાણી રે
મિઠો આય માડૂએ  જો માન, મિઠો મિઠો પાંજે કચ્છડે જો પાણી.
પાંજે તે કચ્છડે મેં હાજીપીર ઓલિયા, જેજા નીલા ફરકે નિસાન.
મિઠો મિઠો પાંજે કચ્છડે જો પાણી રે. મિઠો મિઠો પાંજે કચ્છડે જો પાણી રે
પાંજે તે કચ્છડે મેં મઢ ગામ વારી, ઉતે વસેતા આશાપુરા માડી.
મિઠો મિઠો પાંજે કચ્છડે જો પાણી. મિઠો મિઠો પાંજે કચ્છડે જો પાણી રે
પાંજે તે કચ્છડે મેં કેરો કોટ પાણી, ઉતે રાજ કરીએ લાખો ફુલાણી.
મિઠો મિઠો પાંજે કચ્છડે જો પાણી રે. મિઠો મિઠો પાંજે કચ્છડે જો પાણી રે

ગુજરાતી

મીઠું મીઠું આપણા કચ્છનું પાણી રે, મીઠું મીઠું આપણા કચ્છનું પાણી રે
મીઠા છે માણસોના મન. મીઠું મીઠું આપણા કચ્છડાનું પાણી રે
આપણા તે કચ્છમાં હાજીપીર ઓલિયા, જેના લીલા ફરકે છે નિશાન રે.
મીઠું મીઠું આપણા કચ્છનું પાણી રે, મીઠું મીઠું આપણા કચ્છનું પાણી રે
આપણા તે કચ્છમાં મઢ ગામ વાળી, ત્યાં વસે છે આશાપુરા માડી રે.
મીઠું મીઠું આપણા કચ્છનું પાણી રે, મીઠું મીઠું આપણા કચ્છનું પાણી રે
આપણા તે કચ્છમાં કેરાકોટ ગામ છે, ત્યાં રાજ કરતા લાખો ફુલાણી
મીઠું મીઠું આપણા કચ્છનું પાણી રે, મીઠું મીઠું આપણા કચ્છનું પાણી રે


PHOTO • Antara Raman

ગીતનો પ્રકાર : લોકગીત

ગીતગુચ્છ: ગીતો જમીન, જગ્યા અને લોકોના

ગીત : 1

ગીતનું શીર્ષક : મીઠું મીઠું મારું કચ્છનું પાણી રે

લેખકઃ નસીમ શેખ

સંગીતકારઃ દેવલ મહેતા

ગાયક : અંજારના નસીમ શેખ

વાજીંત્રો : હાર્મોનિયમ, બેન્જો, ડ્રમ, ખંજરી

રેકોર્ડિંગનું વર્ષ : 2008, KMVS સ્ટુડિયો

ગુજરાતી અનુવાદ : અમદ સમેજા, ભારતી ગોર


આ પ્રસ્તુતિમાં સમર્થન બદલ PARI પ્રીતિ સોની, અરુણા ધોળકિયા, સેક્રેટરી, KMVS, અમદ સમેજા, KMVS પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તેમજ ગુજરાતી અનુવાદમાં એમની અમૂલ્ય મદદ બદલ ભારતીબેન ગોરનો ખાસ આભાર.

Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a poet and a translator who works across Gujarati and English. She also writes and translates for PARI.

Other stories by Pratishtha Pandya
Illustration : Antara Raman

Antara Raman is an illustrator and website designer with an interest in social processes and mythological imagery. A graduate of the Srishti Institute of Art, Design and Technology, Bengaluru, she believes that the world of storytelling and illustration are symbiotic.

Other stories by Antara Raman