રીટા અક્કાની આખી જિંદગી જાણે આપણને એક જ બાબતની પ્રતીતિ કરાવે છે કે દરેકના જીવનનો એક હેતુ છે. તેઓ સાંભળી શકતા નથી અને બોલી શકતા નથી. તેઓ એક વિધવા છે, અને તેની 17 વર્ષની દીકરીએ તેની દાદી સાથે રહેવા માનું ઘર છોડી દીધું છે. 42 વર્ષીય વૃદ્ધાના જીવનમાં નરી એકલતા લખાયેલી છે, પરંતુ તે તેની સામે હારશે નહીં.
રીટા અક્કા (મોટી બહેન) - તે તેના પડોશમાં આ નામે જાણીતી છે (જોકે કેટલાક લોકો તેને બોબડી, બોલી ન શકનાર માટેનો અપમાનજનક શબ્દ, પણ કહે છે) - દરરોજ સવારે ઊઠીને ખંતપૂર્વક ચેન્નાઇ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કચરો એકઠો કરવાનું તેનું કામ કરે છે. જો કે ક્યારેક તે આકરા દિવસના અંતે શરીર દુખવાની ફરિયાદ કરે છે. તે કચરો લઈ જવા જે ખાસ સાયકલ-રિક્ષા ટ્રોલી ખેંચે છે તેની બહારની બાજુએ તમે તેની નોકરી પ્રત્યેની પ્રતિબદ્ધતા જોઈ શકો છો. રીટાએ તેના પર પોતાનું નામ ત્રણ વખત જુદા જુદા રંગથી લખ્યું છે. દિવસના અંતે, તે શહેરના કોટ્ટુરપુરમ વિસ્તારના હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં તેના નાના, એકલવાયા ઘેર પાછી ફરે છે.
તેના મનગમતા પ્રાણીઓને મળતા પહેલા રીટા રોજ બે જગ્યાએ રોકાય છે - કૂતરા માટે બિસ્કિટ ખરીદવા માટે એક નાનકડી દુકાને અને બિલાડીઓ માટે બચ્યુકુચ્યું ચિકન ખરીદવા માટે માંસની નાનકડી દુકાને
દરમ્યાન તેણે પોતાના જીવનનો પોતીકો હેતુ શોધી કાઢ્યો છે. કામ પછી પોતાની અંધારી ખોલીમાં ખૂંપી જતા પહેલા, રીટા રખડતાં કૂતરા-બિલાડાને ભેગા કરી તેમને ખવડાવવામાં અને તેમની સાથે વાતો કરવામાં ઘણો સમય પસાર કરે છે. દરરોજ સાંજે કોટ્ટુરપુરમના રસ્તાઓ પર, કૂતરાઓ રીટા તેનું કામ પૂરું કરી તેમની પાસે આવે તેની શાંતિથી રાહ જુએ છે.
તે મૂળ તિરુવન્નામલાઈના એક ગામની છે (2011ની વસ્તી ગણતરીની મુજબ તે જિલ્લાની લગભગ 80% વસ્તી ગ્રામીણ છે). રીટા વીસેક વર્ષ પહેલા તેના માતાપિતા સાથે કામની શોધમાં તિરુવન્નામલાઈથી ચેન્નાઈ આવી ગઈ હતી. તેને તારીખો બરાબર યાદ નથી. પણ તેને બરોબર ખ્યાલ છે કે ચેન્નાઇ આવી ત્યારથી મોટાભાગના વર્ષો દરમિયાન, તેણે ઘણાં ઘરોમાં નજીવી રકમ પેટે વાસણ સાફ કરવા, કપડાં ધોવા કે ઝાડુપોતા કરવા જેવા નાનામોટા ઘરકામ કર્યા હતા. લગભગ સાત વર્ષ પહેલાં, તે છૂટક કામદાર તરીકે ચેન્નઈ કોર્પોરેશન (હવે ગ્રેટર ચેન્નાઇ કોર્પોરેશન) માં જોડાઈ. શરુઆતમાં તેને દિવસના માંડ 100 રુપિયા મળતા. હવે તે મહિને 8000 રુપિયા કમાય છે.


રીટા અક્કા બહેરી-મૂંગી છે; તે ઈશારા/સંકેત/હાવભાવ દ્વારા વાતચીત કરે છે. જ્યારે તે તેના કૂતરાઓ સાથે હોય છે ત્યારે તે ખૂબ આનંદમાં હોય છે
રીટા બ્લીચિંગ પાવડર, એક સાવરણી અને કચરાની ડોલનો ઉપયોગ કરી કોટ્ટુરપુરમની ઓછામાં ઓછી છ વિશાળ શેરીઓ વાળીને સાફ કરે છે. આ કામ તે કોઈપણ જાતના હાથમોજાં, પગરખાં અથવા રક્ષણાત્મક સામગ્રી વિના કરે છે. તેણે ભેગો કરેલો કચરો અને ગંદકી શેરીઓ પરના કોર્પોરેશનના ડબ્બામાં જમા થાય છે. અહીંથી કોર્પોરેશનની ગાડી અને લારીઓ તેને રિસાયક્લિંગ માટે એકત્રિત કરે છે. રીટા સવારે 8 વાગ્યાની આસપાસ કામ શરૂ કરે છે અને બપોર સુધીમાં સફાઈકામથી પરવારે છે. તે કહે છે કે તે શેરીઓ સાફ કરતી હતી ત્યારે એક માર્ગ અકસ્માત થયો હતો જેમાં તેની એક આંખની જોવાની શક્તિને અસર પહોંચી હતી. ઉઘાડા પગે ચાલવાથી તેના પગે ફોલ્લાઓ થયા છે. પણ તે ભારપૂર્વક કહે છે કે તે સિવાય તેની તબિયત સારી છે, તેને તબિયતને લગતી કોઈ મોટી ફરિયાદો નથી.
તેની કમાણીનો ખાસ્સો મોટો ભાગ કૂતરા - બિલાડા માટે ખોરાક ખરીદવામાં જાય છે. પડોશીઓ માને છે કે તે તેમની પાછળ દિવસના લગભગ ત્રીસેક રુપિયા ખર્ચે છે, જો કે તે પોતે આ વિશે કંઈ જ નહિ કહે.
તેના મનગમતા પ્રાણીઓને મળતા પહેલા રીટા રોજ બે જગ્યાએ રોકાય છે - કૂતરા માટે બિસ્કિટ ખરીદવા માટે એક નાનકડી દુકાને અને બિલાડીઓ માટે બચ્યુકુચ્યું ચિકન ખરીદવા માટે માંસની નાનકડી દુકાને. ચિકન સાફ કરીને વેચી દેવાય પછી જે બચ્યુકુચ્યું રહે તે "ચિકન લૂઝ ચેઈન્જ" - કોઝિ સિલ્રા તેના જેવા ગ્રાહકોને 10 રુપિયે મળે છે.
રીટા માટે, તેના પ્રાણીમિત્રો સાથે રહેવાથી તેને મળતી ખુશી એ તેમના પર જે ખર્ચ કરે છે તેની સરખામણીમાં અનેકગણી વધારે છે.
તેનો પતિનું વર્ષો પહેલા મૃત્યુ પામ્યો હતો - કાં તો રીટાને યાદ નથી કે ક્યારે અથવા તે વિશે વાત કરવાની તેની ઈચ્છા નથી - અને તે પછીથી તે મોટેભાગે સાવ એકલી જ રહે છે. જો કે પાડોશીઓ કહે છે કે તે દારૂડિયો હતો. તેની દીકરી કયારેક જ તેને મળવા આવે છે.
તેમ છતાં, રીટા ખુશ રહે છે - અને જ્યારે તે તેના કૂતરાઓ સાથે હોય છે ત્યારે તે ખૂબ આનંદમાં હોય છે

ચેન્નાઈનો કોટ્ટુરપુરમ વિસ્તાર જ્યાં રીટા અક્કા રહે છે. તેનું નાનું ઘર હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં છે. તે વીસેક વર્ષ પહેલા તિરુવન્નામલાઈથી ચેન્નાઈ આવી ગઈ હતી

તે રોજ સવારે પોતાનો ગણવેશ પહેરીને ઘેરથી નીકળે છે. તે લગભગ સાત વર્ષથી ગ્રેટર ચેન્નાઇ કોર્પોરેશનમાં છૂટક કામદાર છે

રીટા અક્કા કોટ્ટુરપુરમની વિશાળ શેરીઓ તરફ જાય છે જ્યાં તે દરરોજ સવારે 8 વાગ્યે કામ શરૂ કરે છે

તે શેરીઓ સાફ કરવા ધાતુના ટબમાં બ્લીચિંગ પાવડર લઈ જાય છે

અક્કા સફાઈ શરૂ કરતા પહેલા કોઈ હાથમોજાં વિના બ્લીચિંગ પાવડરને શેરીમાં ચારે તરફ વેરે છે. તે કચરો લઈ જવા જે ખાસ સાયકલ-રિક્ષા ટ્રોલી ખેંચે છે તેની ઉપર તેણે પોતાનું નામ ત્રણ વખત જુદા જુદા રંગથી લખ્યું છે

રીટા અક્કા તેણે ભેગો કરેલો કચરો અને ગંદકી શેરીઓ પરના કોર્પોરેશનના ડબ્બામાં જમા કરે છે

તે શેરીઓમાં ધકેલે છે તે કચરા માટેની ટ્રોલી તૂટેલી ત્રણ પૈડાંની સાયકલ છે. ક્યારેક તે આકરા દિવસના અંતે શરીર દુખવાની ફરિયાદ કરે છે

રીટા દરરોજ કોટ્ટુરપુરમની ઓછામાં ઓછી છ વિશાળ શેરીઓ વાળીને સાફ કરે છે. તેનું કામ કરવા તેની પાસે કોઈ પગરખાં અથવા રક્ષણાત્મક સામગ્રી નથી

ઉઘાડા પગે ચાલવાથી અને કામ કરવાથી તેના પગે ફોલ્લાઓ થયા છે. તે શેરીઓ સાફ કરતી હતી ત્યારે એક માર્ગ અકસ્માત પછી તેની એક આંખની જોવાની શક્તિને અસર પહોંચી હતી



રીટા અક્કા ઈશારામાં સવાલનો જવાબ આપે છે, અને પછી હસે છે

એક રખડતો કૂતરો, રીટાના ઘણા સાથી કૂતરાંઓમાંનો એક, દરરોજ સાંજે રીટા તેનું કામ પૂરું કરે તેની રાહ જુએ છે

તેની સાધારણ કમાણીનો ખાસ્સો મોટો ભાગ તે રખડતા કૂતરા - બિલાડા માટે ખોરાક પાછળ ખર્ચે છે, જોકે તે આ વિશે વધુ વાતચીત કરતી નથી

તે રખડતાં કૂતરાઓ સાથે રમવામાં સમય વીતાવે છે, અને તેમને ભેગા કરી તેમની સાથે 'વાતો' કરવામાં ઘણો સમય વીતાવે છે

રીટા અક્કાને તેના પ્રાણી સાથીઓમાં તેના જીવનનો હેતુ મળ્યો છે. તેમની સાથે રહેવાથી તેને મળતી ખુશી એ તેમના પર જે ખર્ચ કરે છે તેની સરખામણીમાં અનેકગણી વધારે છે


તેના હાથ અને હાવભાવની મદદથી તે જે કહેવા માંગે છે તે સમજાવે છે


ડાબે: રીટા અક્કા તેના પડોશીઓ સાથે. જમણે: હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં પોતાને ઘેર

એક મઢેલું ચિત્ર રીટા અક્કાના નાના ઘરને શણગારે છે, 'શુભેચ્છાઓ' પાઠવે છે

રીટા અક્કા તેને ઘેર. તેણી તેના પતિના મૃત્યુથી લગભગ તેના પોતાના પર છે, પરંતુ તે એકલતાથી હારશે નહીં

તે દરરોજ સાંજે પોતાના એકલવાયા ઘેર પાછી ફરે છે
