અહીં લેહ જિલ્લામાં રસ્તાના બાંધકામ સ્થળ પર દૈનિક વેતન પર કામ કરતા પેમા રિન્ચેન કહે છે, “ઉજવણી માટેનો આ યોગ્ય દિવસ છે. આબોહવા પણ સુંદર છે.”
હનલે ગામ, કે જેને અનલે પણ કહેવાય છે, તે ગામના રહેવાસી, 42 વર્ષીય રિન્ચેન તિબેટના પંચાંગના એક મહત્વપૂર્ણ તહેવાર, સાગા દાવાની વાત કરી રહ્યા છે. લદ્દાક, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના બૌદ્ધ લોકો તેની ઉજવણી કરે છે.
હનલેમાં એક ખગોળીય વેધશાળામાં કામ કરતા નાગા ગામના 44 વર્ષીય સોનમ દોરજે કહે છે, “પહેલાં, બધા ગામો પોતપોતાના વિસ્તારોમાં સાગા દાવાની ઉજવણી કરતા હતા. પરંતુ આ વર્ષે [2022], છ નેસના લોકો ભેગા થયા છે.” કોવિડ-19 મહામારીના લીધે બે વર્ષ સુધી ઉજવણીમાં ભંગ પડ્યા પછી, પુંગુક, ખુલ્ડો, નાગા, શાદો, ભોક અને ઝિંગસોમા નેસના લોકો આ તહેવારની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. આ છૂટીછવાઈ વસ્તી ધરાવતી નેસો હનલે ગામનો જ ભાગ છે જેની કુલ વસ્તી 1,879 વ્યક્તિઓની છે (વસ્તી ગણતરી 2011 મુજબ).
બૌદ્ધોના મહાયાન સંપ્રદાય દ્વારા ઉજવાતા આ સાગા દાવા તહેવાર, જેને ‘સાકા દાવા’ પણ કહેવામાં આવે છે, અને તે તિબેટના ચોથા મહિનાની 15મી તારીખે ઉજવવામાં આવે છે. ચંદ્રકળા આધારીત પંચાંગ મુજબ, વર્ષ 2022માં તે જૂન મહિનામાં આવ્યો હતો. તિબેટીયન ભાષામાં ‘સાગા’ એટલે ચોથા ક્રમનું અને ‘દાવા’ એટલે મહિનો. સાગા દાવાનો મહિનો ‘ગુણોનો મહિના’ તરીકે ઓળખાય છે - આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા સારા કાર્યોનું અનેકગણું વળતર આપવામાં આવે છે. આ તહેવાર બુદ્ધની સ્મૃતિમાં ઉજવાય છે અને તેમના જન્મ, જ્ઞાન અને પરિનિર્વાણ અથવા સંપૂર્ણ નિર્વાણને ચિહ્નિત કરે છે.

17મી સદીનો હેનલે મઠ પર્વતની ટોચ પર છે. તે તિબેટીયન બૌદ્ધોના તિબેટીયન દ્રુકપા કાગ્યુ સંપ્રદાયનો છે

ચાંગથાંગ એ તિબેટીયન ઉચ્ચપ્રદેશનો પશ્ચિમી ભાગ છે. અહીંની હનલે નદીની ખીણ સરોવરો, કળણભૂમિ, અને નદીના તટપ્રદેશોથી લદાયેલો છે
લેહ જિલ્લામાં લગભગ 66 ટકા વસ્તી બૌદ્ધ છે (જનગણતરી 2011 મુજબ). ઓક્ટોબર 2019માં લદ્દાક એક કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો હતો. પૂર્વ અને મધ્ય લદ્દાક ની મોટાભાગની વસ્તી તિબેટીયન મૂળની છે અને આ વિસ્તારના બૌદ્ધ મઠોમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે.
સાગા દાવા નિમિત્તે, તિબેટીયન બૌદ્ધો આખો દિવસ મઠો અને મંદિરોની મુલાકાત લઈને, ગરીબોને ભિક્ષા આપવામાં અને મંત્રોના જાપ કરવામાં વિતાવે છે.
પૂર્વીય લદ્દાકના હનલે નદી ખીણમાં રહેતા ચાંગપા જેવા વિચરતા બૌદ્ધ સમુદાયો, સાગા દાવાને ખૂબ મહત્વ આપે છે. આ પત્રકારે આ તહેવારના સાક્ષી બનવા માટે 2022 ના ઉનાળામાં લેહના જિલ્લા મુખ્યાલયથી દક્ષિણ-પૂર્વમાં લગભગ 270 કિલોમીટર આવેલ હનલે નદી ખીણની મુલાકાત લીધી હતી. હનલે નદી ખીણ એ ભારત-ચીન સરહદની નજીકનો એક મનોહર અને કઠોર પ્રદેશ છે, જે ખાલી પડેલા વિશાળ જમીન વિસ્તારો, વળાંકોથી ભરપૂર નદીઓ અને ગગનચૂંબી પર્વતોથી ઓળખાય છે. તે ચાંગથાંગ વન્યજીવ અભયારણ્યનો એક ભાગ છે.
તહેવારના દિવસે સવારના 8 વાગ્યા છે અને હનલે ગામના સ્થાનિક મઠમાં, શોભાયાત્રા શરૂ થવાની તૈયારીમાં છે. ઉત્સવની આયોજક સમિતિના વડા દોરજે બુદ્ધની પ્રતિમાને લઈને નીકળેલી શોભાયાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. સવારે 8:30 વાગ્યા સુધીમાં પરિસર ગામના અને ભાગ લેનાર અન્ય નેસોના ભક્તોથી ભરાઈ જાય છે. સ્ત્રીઓએ સુલમા તરીકે ઓળખાતો પરંપરાગત લાંબો ઝભ્ભો અને નેલેન તરીકે ઓળખાતી ટોપીઓ પહેરી છે.
સોનમ દોરજે અને તેમના મિત્રો બુદ્ધની પ્રતિમાને ગોમ્પા (મઠ) ની બહાર ઊંચકી લઇ આવે છે અને મેટાડોર વાન પર મૂકે છે. આ વાહન ઉત્સવના પ્રાર્થના ધ્વજોથી ઢંકાયેલું છે અને રંગબેરંગી રથ જેવું લાગે છે. આશરે 50 લોકોનો કાફલો મોટરકાર અને વાનમાં તિબેટીયન બૌદ્ધ ધર્મના ડ્રુકપા કાગ્યુ વર્ગ સાથે સંકળાયેલ 17મી સદીના હનલે મઠ તરફ પ્રયાણ કરે છે.

સોનમ દોરજે (ડાબે) અને તેમના સાથી ગ્રામજનો તહેવાર માટે ખુલ્ડો ગામના મેને ખાંગ મઠમાંથી બુદ્ધની મૂર્તિ લઈને જઈ રહ્યા છે

આ મૂર્તિને ચોક્કસ ક્રમમાં ગોઠવવામાં આવેલા તિબેટીયન પ્રાર્થના ધ્વજોથી શણગાવેલી મેટાડોર વેન પર મૂકવામાં આવે છે. ધ્વજમાં દરેક રંગ એક તત્વનું પ્રતિનિધિત્વ કરે છે, જેમને સંતુલન દર્શાવવા માટે એકસાથે રાખવામાં આવે છે
હનલે મઠમાં, બૌદ્ધ આધ્યાત્મિક શિક્ષકો અથવા લાલ ટોપીઓ પહેરેલા લામાઓ કાફલાનું સ્વાગત કરે છે. ભક્તો પરિસરમાં પ્રવેશતાંની સાથે જ તેમના અવાજો પરિસરમાં ગુંજી ઉઠે છે. હનલેના 40 વર્ષીય રહેવાસી પેમા ડોલ્મા કહે છે, “અમે વધુ ભક્તો ઉત્સવોમાં જોડાય તેવી અપેક્ષા રાખીએ છીએ.”
ઉજવણી ચાલી રહી છે અને ઢોલ વગાડવાનો અને સીંગું વગાડવાનો અવાજથી અમને જણાય છે કે હવે સરઘસની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક લોકો પીળા કપડામાં લપેટેલા બૌદ્ધ ધર્મગ્રંથો પકડી રહ્યા છે.
સરઘસ એક ઢોળાવથી નીચે ઊતરે છે જેની આગળ લામાઓ ચાલી રહ્યા છે. તેઓ મઠની અંદરની પવિત્ર જગ્યાની પ્રદક્ષિણા કરે છે. પછી ભીડ બે જૂથોમાં વહેંચાઈ જાય છે – એક લામાઓના જૂથમાં અને બીજું ભક્તોના જૂથમાં – અને બે મેટાડોર વાહનોમાં ગોઠવાઈ જાય છે. તેઓ હવે ખુલ્ડો, શાદો, પુંગુક, અને ભોક નેસમાંથી વાહન લઈને આગળ વધશે અને નાગા ખાતે તેની પૂર્ણાહુતિ થશે.
ખુલ્ડો ખાતે ભક્તોનું સ્વાગત બન, ઠંડા પીણા અને મીઠાની ચાથી કરવામાં આવે છે. પુંગુક ખાતે, લામાઓ અને ભક્તો નજીકના પર્વતને ઘેરીવળીને તેજસ્વી વાદળી આકાશની નીચે ઝરણાં અને ઘાસના મેદાનો પર ચક્કર લગાવે છે.
જ્યારે અમે નાગા પહોંચીએ છીએ, ત્યારે લામા જીગ્મેત દોશાલ અમને શુભેચ્છા પાઠવતાં કહે છે, “તમને આજનો દિવસ કેવો લાગે છે? તે સુંદર છે, નઈ! આ મહિનાને ગુણોના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. પવિત્ર પુસ્તકોની પાછળ છુપાયેલી ફિલસૂફીને સમજવા માટે આપણે વધુ અભ્યાસ કરવો પડશે.”

44 વર્ષીય અનમોંગ સિરિંગ, તહેવાર માટે તૈયાર થઈ રહ્યાં છે. તેમણે સુલમા પહેરેલ છે, જે ઊન, જરીવાળું કાપડ, મખમલ અને રેશમથી બનેલો લાંબો ઝભ્ભો છે. તેને કપાસ, નાયલોન અથવા રેશમમાંથી બનેલા અને તિલિંગ તરીકે ઓળખાતા બ્લાઉઝ સાથે પહેરવામાં આવે છે

બુદ્ધની મૂર્તિ સાથેની ધાર્મિક શોભાયાત્રા હનલે મઠ સુધી પહોંચે છે. હનલે ખીણમાં આવેલ તે મઠ, ત્યાંનો મુખ્ય મઠ છે

છ નેસના ભક્તોની શોભાયાત્રા પરસાળમાં થઈને મઠમાં જાય છે

હનલે મઠમાં સાધુઓ સાગા દાવા સમારોહ માટે ‘ઉતુક’ તરીકે ઓળખાતી એક મોટી છત્રી તૈયાર કરે છે

મઠની અંદર, ગ્રામવાસીઓ રંગોલ (ડાબે) અને કેસાંગ એન્જલ (જમણે) પ્રાર્થનાની કાર્યવાહીનું નિરીક્ષણ કરે છે

હનલે મઠના એક અગ્રણી સાધુ સાગા દાવાના દિવસે ધાર્મિક વિધિઓ કરે છે

હનલે મઠ સાથે સંકળાયેલા સાધુ જીગ્મેટ દોશાલ કહે છે, 'આ મહિનાને ગુણોના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. પવિત્ર પુસ્તકોની પાછળ છુપાયેલી ફિલસૂફીને સમજવા માટે આપણે વધુ અભ્યાસ કરવો પડશે'

એક યુવાન લામા, દોરજે ત્શેરીંગ અંગ તરીકે ઓળખાતું એક સંગીતનું વાદ્ય પકડી રહ્યા છે

સાગા દાવા ઉત્સવના આયોજકોમાંના એક એવા સોનમ દોરજે, હનલે મઠમાંથી પવિત્ર સ્ક્રોલ લઈને આવે છે. બુદ્ધની મૂર્તિ તે પ્રદેશના ગામડાઓમાં ફરે છે ત્યારે તેની સાથે સ્ક્રોલ હોય છે

હનલે ખીણના વિવિધ ગામોની મહિલાઓ પવિત્ર સ્ક્રોલ લઈને જાય છે

આ તહેવાર દરમિયાન લામાઓ પરંપરાગત સંગીતનાં સાધનો વગાડે છે. ટૂંકા સુષિર વાદ્યો (ડાબે) ને ગેલિંગ કહેવામાં આવે છે, અને લાંબાંને (મધ્યમાં) તુંગ કહેવાય છે

શોભાયાત્રા ચાલુ હોય ત્યારે લામાઓ હનલે ખીણના ઢોળાવ પરથી નીચે ઉતરે છે

આ શોભાયાત્રા માટેના લામાના માર્ગમાં હનલે નદીના કાંઠે આવેલા હનલે મઠના પરિક્રમાનો સમાવેશ થાય છે

શાદો ગામ તરફ જવાના માર્ગ પર શોભાયાત્રા ખુલ્ડો ગામના લોકો દ્વારા ગોઠવવામાં આવેલ બન, ઠંડા પીણા અને મીઠાની ચા પીવા માટે વિરામ લે છે. શોભાયાત્રાના સભ્યો માટે અલ્પાહારનું આયોજન કરવું એ આ તહેવારના રિવાજોનો એક ભાગ છે

શાદો ગામના રહેવાસીઓ પવિત્ર ગ્રંથો લઈને આવેલા લામાઓને શુભેચ્છા પાઠવવા અને મળવા માટે ગોમ્પામાં ભેગા થાય છે

હનલે મઠના લામાઓ તેમની પ્રાર્થના પછી શાદો ગામમાં ગોમ્પામાંથી બહાર આવે છે

શાદો ગામ પછી, કાફલો હનલે ખીણના અન્ય ગામ પુંગુક ખાતે પહોંચે છે. તે બપોરે ગ્રામજનો કાફલાના આગમનની આતુરતાથી રાહ જુએ છે

શોભાયાત્રા પુંગુક ગામના સ્થાનિક ગોમ્પા તરફ જાય છે, જ્યાં રહેવાસીઓ સફેદ સ્કાર્ફ સાથે તેમનું સ્વાગત કરવા રાહ જોઈ રહ્યા છે

પુંગુક ગોમ્પાની અંદર, તેમના પરંપરાગત પોશાકમાં સજ્જ મહિલાઓ, ખુલ્ડો ગામોમાંથી તેમના મિત્રોના આગમનની રાહ જુએ છે

પુંગુક ગોમ્પાના સામુદાયિક હોલમાં બપોરનું ભોજન લેતા અને મીઠાની ચા પીતા થન્કચોક દોરજે અને તેમના મિત્રો

આ ભોજન પછી, શોભાયાત્રા પુંગકુક ગામની ફરતે ફરે છે. ઉબડખાબડ ભૂપ્રદેશ અને પવન હોવા છતાં ગામનો એક પણ ભાગ ચૂકતાં નથી

શોભાયાત્રામાં મહિલાઓ ચાલતી વખતે તેમના ખભા પર પવિત્ર સ્ક્રોલ લઈ જાય છે

નાગા બસ્તી તરફ જતા, શોભાયાત્રાનો કાફલો બગ ગામમાં અટકે છે કારણ કે અહીંના રહેવાસીઓ હનલે મઠના લામાઓ પાસેથી આશીર્વાદ લેવા આવે છે. તેઓએ કાફલા માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરી છે

બગ ગામના રહેવાસીઓ પવિત્ર સ્ક્રોલ પાસેથી આશીર્વાદ માંગે છે

તેમના રસ્તા પર આવતા દરેક ગામમાં ભ્રમણ કર્યા પછી, કાફલો આખરે નાગા ગામની નજીક એક સુંદર ઘાસના મેદાનમાં રોકાય છે. આ ગામના રહેવાસીઓ તિબેટીયન મૂળના છે. ઢોલના અવાજ સાથે, લામાઓ પ્રવાસની સમાપ્તિની ઘોષણા કરે છે
અનુવાદક: ફૈઝ મોહંમદ