કોવિડ -19 લોકડાઉનને કારણે તેહટ્ટા ગામના ચાતુર પારા ખાતે આવેલું શાકભાજીનું સ્થાયી બજાર બંધ છે. પરિણામે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના આ ગામના દત્તા પારા વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં કામચલાઉ બજાર ઊભું થયું છે. તે સવારે 6 થી 10 ખુલ્લું હોય છે. આ ગામ તેહટ્ટા બ્લોક 1 માં આવેલું છે. પશ્ચિમ બંગાળ સરકારે 1લી એપ્રિલે આ વિસ્તારને 'હોટસ્પોટ' જાહેર કર્યો હતો. બજારના દિવસની છબીઓ:

48 વર્ષના પ્રશાંત મંડલ, સવારે દાળ-પુરી અને બટાકાવડા વેચતા હતા. પરંતુ લોકડાઉનમાં રાંધેલા સ્ટ્રીટ ફૂડ પર પ્રતિબંધ હોવાથી તેમણે શાકભાજી વેચવાનું શરૂ કર્યું. દરરોજની લગભગ 400 રુપિયાની આવકને બદલે હવે તેઓ માંડ 150 રુપિયા કમાય છે. તેઓ કહે છે, "શાકભાજીનો વેપાર કેમ કરવો તે હું બરોબર જાણતો નથી"

શાકભાજી વેચનાર, 56 વર્ષના રામ દત્તા, શાંતિ હલ્દર પાસેથી લેમન ટી ખરીદી રહ્યા છે. તેમની રોજની 300 રુપિયાની આવકને બદલે હવે તેઓ માંડ 150 રુપિયા કમાય છે. તેની રોજની કમાણી અડધી થઈ ગઈ છે. તે કહે છે, "પહેલાં પણ મારે ખાસ વેચાણ નહોતું થયું, પણ હવે તો સ્થિતિ વધુ ખરાબ છે." , 48 વર્ષના શાંતિ હલ્દર 20 વર્ષથી જાલ મુરી (પશ્ચિમ બંગાળનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ) વેચે છે, પરંતુ લોકડાઉનમાં રાંધેલા ખાદ્ય પદાર્થ ઉપર પ્રતિબંધ હોવાથી તેઓ ચા વેચે છે. તેમની રોજિંદી આવક પણ 250-300 રુપિયાથી ઘટીને 100-120 રુપિયા થઈ ગઈ છે

સુખેન (ડાબે) અને પ્રસેનજિત હલ્દર (જમણે) ભાઈઓ છે. સુખેન એક વીશીમાં રસોઈ બનાવતો અને મહિનેદહાડે 10000 રુપિયા કમાતો, પરંતુ હવે તે દિવસના 200 રુપિયા માંડ કમાય તો કમાય, કંઈ નક્કી નહીં. પ્રસેનજિત એક ફિશ ફાર્મમાં કામ કરતો અને થોડાઘણા કલાકો માટે કાડિયાના મદદનીશ તરીકે કામ કરતો હતો. તેની કમાણી સાધારણ હતી - બન્ને કામના મળીને તે દિવસના 250 રુપિયા કમાતો - પરંતુ ફિશ ફાર્મમાંથી થોડી માછલી ઘેર લઇ જવા પણ મળતી. લોકડાઉન દરમિયાન તે પણ બંધ થઈ ગયું છે


ડાબે: 47 વર્ષના પ્રફુલ્લ દેવનાથ 23 વર્ષથી સ્થાયી સમવય કૃષિ ઉન્નયન સમિતિ માર્કેટમાં (હવે લોકડાઉન દરમ્યાન બંધ છે) નાનામોટા કામ કરે છે. તેઓ ઘરાકોને ઘેર સમાન પહોંચાડવા બોરી ઊંચકીને લઈ જાય છે, વાહનોમાંથી દુકાનમાં માલસામાન લઈ જાય છે, અને આખા બજારમાં કચરો વાળે છે અને એ માટે તેઓ દરેક શાકવાળા પાસેથી રોજના 2 રુપિયા અને બીજા દરેક દુકાનદારો પાસેથી રોજનો 1 રુપિયો ઉઘરાવે છે. પરંતુ હવે, દત્તા પારામાં મેદાનમાં બજાર ભરાતા તેમની નજીવી આવક પણ અડધી થઈ ગઈ છે, જો કે કેટલાક શાકવાળા દેવનાથ માટે સવારના નાસ્તાની અને બપોરના જમવાની વ્યવસ્થા કરે છે. તેઓ કહે છે, "જો હું સાફ નહીં કરું તો બજાર ગંદું રહેશે. જો હું બજાર સાફ કરું તો બધાને મારું નામ ખબર પડે. મારા જેવું કામ કોઈ નહિ કરે! ” જમણે: બજાર ફક્ત થોડા કલાકો માટે ખુલ્લું હોવાથી, ઘણા લોકો ઓછા ભાવોની આશામાં છેલ્લી ઘડીએ ખરીદી કરે છે. 50 વર્ષના ખોકા રોય સુથાર હતા, ત્યારબાદ તે પોતાના ઘરમાંથી જ કરિયાણાની એક નાની દુકાન ચલાવતા હતા અને હવે લોકડાઉનને કારણે બજારમાં વેચવા નીકળ્યા છે. તેમની રોજની કમાણી 400-500 રુપિયાથી ઘટીને 200-250 રુપિયા છે. તેઓ કહે છે, "પોલીસ પેટ્રોલિંગને કારણે , લોકો તેમના ઘર છોડીને બહાર નથી નીકળતા. હવે તમે જ મને કહો, અમે શાકભાજી શી રીતે વેચી શકીએ?"

પરિમલ દલાલના સ્ટોલમાંથી શાકભાજી વીણતા ગ્રાહકો. 51 વર્ષના પરિમલ 30 વર્ષથી શાકભાજી વેચે છે અને એટલે તેમને બીજા લોકો કરતા પોતાની જાત પર વધુ શ્રદ્ધા છે. તેઓ કહે છે, "મારો ધંધો ખાસ બદલાયો નથી. હું જે ઘરાકોને ઓળખું છું તેઓ અહીં પણ આવે છે"

કાર્તિક દેવનાથ ઈંડા, આદુ, ડુંગળી, મરચાં, લસણ અને બીજા શાકભાજી વેચે છે. તેઓ 47 વર્ષના છે અને 30 વર્ષથી આ કામ કરે છે. તેઓ કહે છે, "મારો ધંધો સારો ચાલે છે અને કેટલાક નવા ઘરાકો પણ ઉમેરાયા છે"

37 વર્ષના બબલુ શેખ ખેડૂત છે અને થોડાઘણા કલાકો શાકભાજી પણ વેચે છે. ઘણા લોકો બબલુ શેખની જેમ ગમછાનો ઉપયોગ કામચલાઉ માસ્ક તરીકે કરે છે
![Left: Khakon Pramanick, 45, who sells chickens and sometimes migrates to other states to work at construction sites, is now struggling with a drop from both sources of income. Right: Bharat Halder, 62, was a mason’s helper before he started selling fish around three years ago, hoping to earn more. During the lockdown, his earnings have dropped from around Rs. 250 a day to less that Rs. 200, he says. The supply of fish is also uncertain. “Fish is no longer coming from Andhra Pradesh due to the lockdown,” he says. “So the local pond and river fish [in smaller quantities] are now sold here.”](/media/images/09a-_DSC0045.max-1400x1120.jpg)
![Left: Khakon Pramanick, 45, who sells chickens and sometimes migrates to other states to work at construction sites, is now struggling with a drop from both sources of income. Right: Bharat Halder, 62, was a mason’s helper before he started selling fish around three years ago, hoping to earn more. During the lockdown, his earnings have dropped from around Rs. 250 a day to less that Rs. 200, he says. The supply of fish is also uncertain. “Fish is no longer coming from Andhra Pradesh due to the lockdown,” he says. “So the local pond and river fish [in smaller quantities] are now sold here.”](/media/images/09b-_DSC9999-2.max-1400x1120.jpg)
ડાબે: 45 વર્ષના ખાકન પ્રમણિક ચિકન વેચે છે અને ક્યારેક બાંધકામના સ્થળોએ કામ કરવા માટે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરે છે, પરંતુ હવે બન્નેમાંથી થતી આવક ઘટતાં તેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જમણે: 62 વર્ષના ભરત હલ્દર કડિયાના મદદનીશ તરીકે કામ કરતા હતા. વધુ કમાણીની આશાએ લગભગ ત્રણ વર્ષ પહેલાં તેમણે માછલી વેચવાનું શરૂ કર્યું. તેઓ કહે છે કે લોકડાઉન દરમ્યાન તેમની આવક દિવસના લગભગ 250 થી ઘટીને 200 રુપિયાથી ય ઓછી થઈ ગઈ છે તે કહે છે. માછલીઓનો પુરવઠો પણ અનિશ્ચિત છે. તેઓ કહે છે, "લોકડાઉનને કારણે હવે આંધ્રપ્રદેશથી માછલી આવતી નથી. તેથી હવે અહીં [ઓછી માત્રામાં] સ્થાનિક તળાવ અને નદીની માછલીઓ વેચાય છે"
![Sridam Mondal, 62, mainly sells bananas and, at times, also a few vegetables. “The sales are very low [during the lockdown],” he says.](/media/images/10-_DSC9985.max-1400x1120.jpg)
62 વર્ષના શ્રીદમ મંડલ મોટેભાગે કેળા વેચે છે અને ક્યારેક થોડા શાકભાજી પણ વેચે છે. તેઓ કહે છે, "[લોકડાઉન દરમિયાન] વેચાણ ખૂબ જ ઓછું છે"

56 વર્ષના સાધુ શેખને બીજા વેચનારા બેઠા છે ત્યાંથી દૂર, મેદાનથી થોડેક જ દૂર એક જગ્યા મળી ગઈ છે. તે પોતાના નાનકડા ખેતરની જમીનમાં ઊગતા શાકભાજી અને કેરીઓ વેચે છે

58 વર્ષના સદાનંદ રોય સૂર્યના તાપથી બચવા કામચલાઉ છાંયડા માટે વપરાતી પ્લાસ્ટિકની શીટના અભાવમાં એક છત્રી ઝાલીને થોડા શાકભાજી સાથે મેદાનની વચ્ચે બેસે છે. તેઓ દિલ્હીમાં ઘર-નોકર તરીકે કામ કરતા હતા, પરંતુ લોકડાઉન પહેલાં તે ઘેર આવ્યા હતા. હવે તેમની એક માત્ર આવક થોડાઘણા શાકભાજી વેચવાથી જે કંઈ મળે છે તે જ છે. તેમને રોજના 50-100 રુપિયા મળે છે. તેઓ કહે છે, "હું અહીં નિયમિત આવતો ન હતો કારણ કોઈ કોઈ દિવસે મારી પાસે વેચવા માટે શાકભાજી જ નહોતા. મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે"
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક