ફૂલવટિયા તેનો વારો આવવાની વાટ જોઈ રહી છે, જ્યારે એનો ૧૨ વર્ષનો નાનો ભાઈ શંકર લાલ દિવસમાં છેલ્લી વખત સાઇકલ ચલાવી રહ્યો છે – બાજુના લીમડાના ઝાડ સુધી. ૧૬ વર્ષની (ફૂલવટિયા) રોડના કિનારે એક કુરકુરિયાને રમાડતા કહે છે કે, “આજે હું થોડેક સુધી જ ચલાવીશ અને જલદી પરત આવી જઈશ. આવતીકાલથી પાંચ દિવસ સુધી હું આમ પણ સાઈકલ ચલાવી શકીશ નહીં. કપડાનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે તે (સાઈકલ ચલાવવી) જોખમી બની જાય છે.”
ફૂલવટિયા (નામ બદલેલ છે) ધારે છે કે તેનું માસિક સ્રાવનું ચક્ર આવતીકાલથી શરૂ થઈ જશે. પરંતુ આ વખતે – આગળના મહિનાઓથી વિપરીત – એને એની શાળામાંથી મફતમાં સેનીટરી નેપકીન નહીં મળે. “સામાન્ય રીતે જયારે માસિક સ્ત્રાવની શરૂઆત થાય ત્યારે અમને પેડ મળતા હતા. પણ હવે હું જે કોઈ પણ કપડાનો ટુકડો વાપરી શકું એ વાપરીશ.”
ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જીલ્લામાં એની શાળા, દેશની બાકીની બધી શાળાઓની જેમ કોવીડ-૧૯ લોકડાઉનને કારણે બંધ છે.
ફૂલવટિયા એના માતા-પિતા અને બે ભાઈઓ સાથે કર્વી તાલુકાના તરૌહા ગામની એક વસાહત સોનેપુરમાં રહે છે. એની બે બહેનો પણ છે જેઓનાં લગ્ન થઇ ગયા છે અને તેઓ બીજે રહે છે. ફૂલવટિયાએ ૧૦મા ધોરણની પરીક્ષા આપી હતી અને ૧૦ દિવસની રજાઓ પછી તે ફરીથી શાળાએ જવાની હતી ને ૨૪ માર્ચે લોકડાઉનની જાહેરાત થઇ ગઈ. તે કર્વી બ્લોકની રાજકીય બાલિકા ઇન્ટર કોલેજમાં ભણે છે.
ફૂલવટિયા કહે છે કે, “હું કાપડનો એવો ટુકડો શોધીશ કે જે બીજા કોઈ ઉપયોગમાં ના લેવાતો હોય – અને તેનો ઉપયોગ કરીશ. એનો ફરીથી ઉપયોગ કરતા પહેલા હું એને ધોઈ લઈશ.” એના કાળા રંગના પગની શોભા વધારતા ગુલાબી રંગે પોલીશ કરેલા ચમકતા નખ ઉપર કદાચ ઉઘાડા પગે ચાલવાને લીધે ધૂળની એક રેખા જામી ગઈ છે.
ફૂલવટિયા એકલી નથી. ઉત્તર પ્રદેશમાં એમના જેવી એક કરોડ (૧૦ મિલિયન) થી પણ વધારે છોકરીઓ મફત સેનીટરી પેડ મેળવવા પાત્ર છે – જે એમની શાળાઓ દ્વારા વહેંચવામાં આવ્યા હોત. વાસ્તવમાં ફૂલવટિયા જેવી કેટલી છોકરીઓને આ પેડ મળે છે એની અમે તપાસ ના કરી શક્યા. તેમ છતાં, જો આ આંકડો દર્શાવેલ સંખ્યા કરતા દસમા ભાગનો પણ હોય તો એનો અર્થ એ કે અત્યારે ગરીબ પરિવારોની ૧૦ લાખથી પણ વધારે છોકરીઓ એવી છે જેમને મફતમાં સેનીટરી નેપકીન નથી મળી રહ્યાં.
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશનના ભારતમાં શાળાકીય શિક્ષણ નામના એક અહેવાલ મુજબ યુપીમાં છઠ્ઠા થી બારમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની સંખ્યા ૧૦.૮૬ મિલિયન છે. આ વર્ષ ૨૦૧૬-૧૭ ના આંકડા છે, ત્યાર બાદના આંકડા ઉપલબ્ધ નથી.
કિશોરી સુરક્ષા યોજના (દેશના દરેક બ્લોકને આવરી લેતા ભારત સરકારના કાર્યક્રમ) અંતર્ગત છઠ્ઠા થી બારમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ મફત સેનીટરી નેપકીન મેળવવા પાત્ર છે. ઉત્તર પ્રદેશમાં આ કાર્યક્રમનું ઉદ્દઘાટન એ વખતના મુખ્ય મંત્રી અખિલેશ યાદવ દ્વારા 2015 માં કરવામાં આવ્યું હતું.
*****
કપડું ધોઈ ને પછી એ ક્યાં સૂકવે છે? ફૂલવટિયા કહે છે કે, “હું એને ઘરની અંદર એવી જગ્યાએ સૂકવું છું કે જ્યાં કોઈની નજર ના પડે. હું મારા પિતા કે મારા ભાઈઓને આ જોવા દઈ શકું નહીં.” અન્ય સ્થળોની જેમ અહીં પણ માસિક સ્રાવ દરમિયાન ઉપયોગ કરીને ધોવામાં આવેલ કપડું ઘરના પુરુષોની નજરે ન ચડે એ માટે તડકામાં ન સૂકવવું એ અહીંની ઘણી છોકરીઓ અને સ્ત્રીઓ માટે સામાન્ય બાબત છે.
કપડું ધોઈ ને પછી એ ક્યાં સૂકવે છે? ફૂલવટિયા કહે છે કે, “હું એને ઘરની અંદર એવી જગ્યાએ સુકવું છું કે જ્યાં કોઈની નજર ના પડે. હું મારા પિતા કે મારા ભાઈઓને આ જોવા દઈ શકું નહીં.” માસિક સ્રાવ દરમિયાન ઉપયોગ કરીને ધોવામાં આવેલ કપડું તડકામાં ના સૂકવવું એ અહીં સામાન્ય બાબત છે
યુનિસેફ નોંધે છે કે , “માસિક સ્રાવ વિષેની માહિતીનો અભાવ નુકસાનકારક ગેરસમજો અને ભેદભાવ પેદા કરે છે, અને પરિણામે છોકરીઓ સામાન્ય બાળપણના અનુભવો અને પ્રવૃત્તિઓથી વંચિત રહી જાય એવું બની શકે.”
લખનૌની રામ મનોહર લોહિયા હોસ્પિટલના વરિષ્ઠ સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉ. નીતુ સિંહ કહે છે કે, “માસિક સ્રાવ દરમિયાન લોહીના શોષી લેવા માટે વપરાશમાં લેવાતું નરમ સુતરાઉ કાપડ જો સારી રીતે સાફ કર્યું હોય, ધોયું હોય અને તડકામાં સૂકવ્યું હોય તો જ તેનો ઉપયોગ કરવો સલામત છે. ત્યારે જ બેક્ટેરિયાના ચેપથી બચી શકાય છે. પરંતુ મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં નથી આવતું, આ કારણે યોનિમાર્ગનો ચેપ એ એમની [છોકરીઓ અને યુવાન સ્ત્રીઓની] સામાન્ય સમસ્યા છે.” ફૂલવટિયા જેવી છોકરીઓ હવે પેડની જગ્યાએ હવે ફરીથી ગંદા કપડાનો ઉપયોગ કરતી થઈ ગઈ છે – જેનાથી તેમને બિમારીઓ અને ઍલર્જીનું જોખમ વધી શકે છે.
ફૂલવટિયા કહે છે કે, “શાળામાં અમને જાન્યુઆરીમાં ૩-૪ પેકેટ આપવામાં આવ્યા હતા. પરંતુ તે હવે પુરા થઇ ગયા છે.” અને બજારમાંથી પેડ ખરીદવા તેને પરવડે તેમ નથી. આ માટે તેને દર મહિને ઓછામાં ઓછા ૬૦ રૂપિયા ખર્ચ કરવા પડે. સૌથી સસ્તું 6 પેડનું પેકેટ ૩૦ રૂપિયાનું આવે. એને દર મહિને બે પેકેટની જરૂર પડે.
એના પિતા, મા અને મોટા ભાઈ બધા દૈનિક ખેતમજૂર છે. તેઓ ત્રણે ય મળીને સામાન્ય દિવસોમાં રોજના લગભગ ૪૦૦ રૂપિયા કમાય છે. ફૂલવટિયાની 52 વર્ષની માતા રામ પ્યારી પોતાના પૌત્રને ખીચડી ખવડાવતા કહે છે કે, “હવે આ આવક ઘટીને વધારેમાં વધારે માત્ર ૧૦૦ રૂપિયા થઈ ગઈ છે અને કોઈ અમને ખેતરોમાં કામ આપવા પણ માગતું નથી.”
પેડના વિતરણ માટેના બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. ચિત્રકૂટના જીલ્લા મેજીસ્ટ્રેટ શેષ મણિ પાંડેએ અમને કહ્યું કે, “અમે અત્યારે મૂળભૂત જરૂરિયાતો પર ધ્યાન આપી રહ્યા છીએ, જે રેશન અને ખોરાક છે. આ પરિસ્થિતિમાં જીવ બચાવવો એ જ પ્રાથમિકતા છે.”
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ( એનએફએચએસ-૪ ) અનુસાર વર્ષ ૨૦૧૫-૧૬ માં દેશમાં ૧૫-૨૪ વર્ષની ૬૨ ટકા યુવાન સ્ત્રીઓ માસિક સ્રાવ દરમિયાન સુરક્ષા માટે કપડાનો ઉપયોગ કરતી હતી. ઉત્તર પ્રદેશમાં આ આંકડો ૮૧ ટકા હતો.
૨૮ મી મે એ જયારે માસિક સ્રાવ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવશે, તો આ બાબતે ઝાઝું ખુશ થવા જેવું નહીં હોય.
*****
આ સમસ્યા બધા જિલ્લાઓમાં સામાન્ય છે. લખનૌ જીલ્લાના ગોસાઈગંજ બ્લોકના સલૌલી ગામના ઉચ્ચ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ યશોદાનંદન કુમાર કહે છે કે, “અમને લોકડાઉનના બરોબર એક દિવસ પહેલા ઘણા નવા સેનેટરી પેડ મળ્યા હતા અને અમે એ પેડ છોકરીઓને વહેંચી શકીએ એ પહેલા જ શાળા બંધ કરવી પડી.”
મિરઝાપુર જીલ્લાના મવૈયા ગામની ઉચ્ચ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ નિરાશા સિંહ ફોન પર કહે છે કે, “માસિક સ્ત્રાવ દરમિયાન મારી વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્યનું મેં હંમેશા ધ્યાન રાખ્યું છે. એમને નેપકીન આપવા ઉપરાંત, માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છતાના મહત્ત્વ વિષે વાત કરવા હું દર મહિને છોકરીઓ અને મહિલા કર્મચારીઓ સાથે બેઠક કરું છું. પરંતુ અત્યારે લગભગ બે મહિનાથી શાળા બંધ છે. મારી ઘણી વિદ્યાર્થિનીઓના ઘરની નજીક એવી દુકાનો નથી કે જ્યાંથી એમને પેડના પેકેટ મળી શકે. અને એ કહેવાની જરૂર નથી કે બીજી ઘણી ય છોકરીઓ મહિને ૩૦-૬૦ રૂપિયા પેડ પાછળ ખર્ચ નહીં કરતી હોય.”
ચિત્રકૂટ જિલ્લામાં, ૧૭ વર્ષની અંકિતા દેવી અને એની ૧૪ વર્ષની બહેન છોટી (બંનેના નામ બદલેલ છે) ચોક્કસ આટલા રૂપિયા ખર્ચતા નહિ હોય. ફૂલવટિયાના ઘરથી લગભગ ૨૨ કિલોમીટર દૂર ચિતારા ગોકુલપુર ગામમાં રહેતી બંને કિશોરીઓએ પણ કપડાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. એમનાથી મોટી એમની બીજી બહેન પણ એવું જ કરે છે. હું જ્યારે એમને મળવા ગઈ ત્યારે તે બહાર ગઈ હતી. બંને બહેનો એક જ શાળા – ચિતારા ગોકુલપુરની શિવાજી ઇન્ટર કોલેજ - માં ભણે છે, અંકિતા ૧૧મા ધોરણમાં અને છોટી ૯મા ધોરણમાં ભણે છે. એમના પિતા રમેશ પહાડી (નામ બદલેલ છે), સ્થાનિક સરકારી કાર્યાલયમાં સહાયક તરીકે કામ કરે છે અને મહિને લગભગ
૧૦,૦૦૦ રૂપિયા કમાય છે.
રમેશ મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જીલ્લાના છે, અને તેઓ કામ કરવા માટે અહીં આવ્યા છે. તે કહે છે કે, “અમને ખબર નથી કે આ બે મહિનાનો પગાર મળશે કે નહીં. ઘરનું ભાડું આપવાનું પણ હજી બાકી છે, એ યાદ કરાવવા માટે મારા મકાનમાલિક મને ફોન કરતા રહે છે.”
અંકિતા કહે છે કે દવાની નજીકની દુકાન પણ ત્રણ કિલોમીટર દૂર છે. એમના ઘરથી ૩૦૦ મીટર દૂર એક જનરલ સ્ટોર છે, જ્યાં સેનીટરી નેપકીન મળે છે. અંકિતા કહે છે, “પરંતુ અમારે ૩૦ રૂપિયાનું એક પેકેટ ખરીદતા પહેલા પણ બે વખત વિચારવું પડે છે, કારણ અમે ત્રણ બહેનો છીએ, અને એનો અર્થ છે કે અમારે મહિને ઓછામાં ઓછા ૯૦ રૂપિયા ખર્ચવા પડે.”
એ સ્પષ્ટ છે કે અહીં મોટાભાગની છોકરીઓ પાસે પેડ ખરીદવા માટે પૈસા નથી. ચિત્રકૂટના સીતાપુર શહેરમાં આવેલ એમની દવાની દુકાન પર મેં જેમની સાથે વાત કરી હતી તે રામ બરસૈયા કહે છે કે, “લોકડાઉન પછી સેનીટરી પેડના વેચાણમાં કંઈ વધારો નથી થયો.” અને એવું લાગે છે કે બીજે પણ આ જ હાલ છે.
અંકિતાએ માર્ચમાં હાઇસ્કુલની પરીક્ષા આપી હતી. તે કહે છે કે, “તે ખૂબ સારી ગઈ હતી. હું ૧૧મા ધોરણમાં જીવવિજ્ઞાન લેવા માગું છું. મેં આગળના ધોરણમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી એમની જીવવિજ્ઞાનની જૂની ચોપડીઓ માંગી હતી, પરંતુ તે પછી શાળાઓ બંધ થઇ ગઈ.”
શા માટે જીવ વિજ્ઞાન? તે હસતા હસતા કહે છે કે, “લડકિયોં ઔર મહિલાઓં કા ઈલાજ કરુંગી [મારે છોકરીઓ અને મહિલાઓને મદદ કરવી છે] પરંતુ, આ માટે શી રીતે આગળ વધવું એ મને હજી ખબર નથી .”
આવરણ રેખાંકન: પ્રિયંકા બોરાર નવોદિત મીડિયા કલાકાર છે. તેઓ અર્થ અને અભિવ્યક્તિનાં નવાં સ્વરૂપો શોધવા માટે ટેકનૉલોજિનો ઉપયોગ કરીને પ્રયોગાત્મક કામ કરી રહ્યાં છે. તેઓ શિક્ષણ અને રમત માટે અનુભવોનું ડિઝાઇનિંગ કરે છે, પારસ્પરિક અસર કરનારા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરે છે અને પરંપરાગત કાગળ અને કલમ સાથે પણ એટલાં જ સ્વાભાવિક છે.
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી namita@ruralindiaonline.org ને cc સાથે zahra@ruralindiaonline.org પર લખો
અનુવાદ: ફૈઝ મોહંમદ