ચંપત નારાયણ જંગલે જ્યાં એકાએક મૃત્યુ પામ્યા તે કપાસના અસમતલ ખેતરનો એક ખડકાળ, અલાયદો ભાગ છે.
મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં તેને હલકી જમીન અથવા છીછરી જમીન કહેવામાં આવે છે. એક લીલીછમ ટેકરી આંધ કુળની જમીનના આ અસમતલ કેનવાસને એક મનોહર પૃષ્ઠભૂમિ આપી રહે છે. ખેતીની જમીનનો આ ટૂકડો ગામથી દૂર સાવ અલગ ભાગમાં આવેલો છે.
આકરા તડકા અને વરસાદથી બચવા માટે બનાવેલી ચંપતની ઘાસફૂસથી છાયેલી છાપરી હજીય આ ખડકાળ જમીન પર ઊભી છે. પોતાના પાકનું જંગલી ડુક્કરોથી રક્ષણ કરવા માટે ચંપત દિવસોના દિવસો અને રાતોની રાતો અહીં ખેતરમાં જ વિતાવતા. પડોશીઓ યાદ કરે છે કે જ્યારે જુઓ ત્યારે ચંપત ત્યાં જ હોય, તેમના ખેતરની સંભાળ રાખતા હોય.
આશરે 45 વરસના આંધ આદિવાસી ખેડૂત ચંપત આ છાપરીમાંથી તેમનું આખુંય ખેતર જોઈ શક્યા હશે - અને માત્ર ખેતર જ નહિ અંતહીન જણાતું નુકસાન, કુંઠિત થઈ ગયેલા અને કાલાં લાગ્યા જ નથી એવા કપાસના છોડ અને ઘૂંટણથીય ઊંચા ઊગી ગયેલા તુવેરના છોડ (નીંદણ) એ બધુંય જોઈ શક્યા હશે.
તેઓ સહજપણે જ સમજી ગયા હશે કે બે મહિનામાં, જ્યારે લણણી શરૂ થશે ત્યારે આ ખેતરોમાંથી કંઈ ઉપજશે નહીં. માથે દેવું હતું અને પરિવારના રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવાનું હતું. અને હાથમાં કાણી કોડીય નહોતી.
29 મી ઓગસ્ટ, 2022 ના રોજ મોડી બપોરે ચંપતની પત્ની ધ્રુપદા અને બાળકો 50 કિમી દૂરના ગામમાં ધ્રુપદાના બીમાર પિતાને મળવા ગયા હતા ત્યારે ચંપત મોનોસિલનું આખું કેન ગટગટાવી ગયા હતા. આ જીવલેણ જંતુનાશક તેમણે એક દિવસ પહેલા જ ઉધારી પર ખરીદ્યું હતું.
એ પછી જમીન પર ઢળી પડતા પહેલા જાણે છેલ્લા રામરામ કહેતા હોય તેમ હાથમાંનો એ ખાલી ડબ્બો જોરશોરથી હલાવતા હલાવતા તેમણે સામેના ખેતરમાં કામ કરતા તેમના પિતરાઈ ભાઈને બૂમ પાડી. પડતાંની સાથે જ તેઓ તરત મૃત્યુ પામ્યા.
આ ઘટના બની ત્યારે ચંપતના 70 વર્ષના કાકા રામદાસ જંગલે બાજુના ખેતરમાં, ખડકાળ જમીનના બીજા એક એવા જ બિનફળદ્રુપ ટુકડા પર કામ કરતા હતા. તેઓ યાદ કરે છે, "બધું જ પડતું મૂકીને હું તેની પાસે દોડી ગયો." સંબંધીઓ અને ગામલોકોએ ગમેતેમ કરીને તેમને ગામથી 30 કિલોમીટર દૂર આવેલ ગ્રામીણ દવાખાનામાં લઈ જવા વાહનની વ્યવસ્થા કરી. પરંતુ ત્યાં તેમને 'મૃત હાલતમાં જ લાવવામાં આવેલ' જાહેર કરવામાં આવ્યા.
*****
મહારાષ્ટ્રના પશ્ચિમી વિદર્ભ પ્રદેશમાં યવતમાલના ઉમરખેડ તાલુકાના એક સાવ છેવાડાના નાનકડા ગામ નિંગાનૂરમાં મોટે ભાગે પેટનો ખાડોય માંડ પૂરાય એટલી આવક અને હલકી (બિનફળદ્રુપ) જમીન ધરાવતા નાના અથવા સીમાંત આંધ આદિવાસી ખેડૂતો વસે છે. ચંપત અહીં જ જીવ્યા અને અહીં જ મૃત્યુ પામ્યા.
જુલાઈ અને ઓગસ્ટના મધ્ય સુધી સતત, ભારે વરસાદને પગલે વિનાશક લીલા-દુકાળને કારણે છેલ્લા બે મહિનામાં વિદર્ભમાં મોટી સંખ્યામાં ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ જોવા મળી છે.
રામદાસ કહે છે, “લગભગ ત્રણ અઠવાડિયા સુધી અમે સૂર્ય જોયો જ ન હતો." તેઓ કહે છે કે પહેલાં ભારે વરસાદે વાવણીને બરબાદ કરી નાખી. ભારે વરસાદ છતાં બચી ગયેલા થોડાઘણા છોડ પછીથી બિલકુલ વરસાદ વિનાના લાંબા સૂકા સમયગાળાને કારણે કુંઠિત થઈ ગયા. “જ્યારે અમારે ખાતર નાખવું હતું ત્યારે વરસાદે અટકવાનું નામ ન લીધું. અને હવે જ્યારે અમારે વરસાદની જરૂર છે ત્યારે વરસવાનું નામ લેતો નથી."
કૃષિક્ષેત્રે આર્થિક સંકટ અને વધતી જતી પર્યાવરણીય સમસ્યાઓને પગલે મોટી સંખ્યામાં ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓને કારણે પશ્ચિમ વિદર્ભનો કપાસનો આ પટ્ટો બે દાયકા કરતાંય વધુ સમયથી સમાચારોમાં છે.
આઈએમડીના જિલ્લાવાર વરસાદના આંકડા અનુસાર વિદર્ભ અને મરાઠવાડા, બંને મળીને કુલ 19 જિલ્લાઓમાં તાજેતરના ચોમાસા દરમિયાન સરેરાશ કરતાં 30 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આમાંનો સૌથી વધુ વરસાદ જુલાઈમાં થયો હતો. ચોમાસું પૂરું થવામાં હજી લગભગ એક મહિનો બાકી છે ત્યારે આ પ્રદેશમાં જૂન અને 10 મી સપ્ટેમ્બર, 2022 ની વચ્ચે (અગાઉના વર્ષોમાં આ જ સમયગાળામાં નોંધાયેલા સરેરાશ 800 મિમી વરસાદની સરખામણીમાં આ વખતે) 1100 મિમીથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. આ વર્ષ એક અપવાદરૂપ ભીનું વર્ષ - અતિભારે વરસાદનું વર્ષ સાબિત થયું છે.
પરંતુ આ આંકડા વરસાદની વિવિધતા અને વધઘટ પ્રતિબિંબિત કરતા નથી. જૂન લગભગ સાવ સૂકો હતો. જુલાઈની શરૂઆતમાં વરસાદ શરૂ થયો અને થોડા જ દિવસોમાં (જૂનની) ખાધને પૂરી કરી દીધી. જુલાઈના મધ્ય સુધીમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી (ભારે વરસાબને કારણે) અચાનક પૂરના અહેવાલ મળ્યા હતા. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ જુલાઈના પહેલા પખવાડિયા દરમિયાન મરાઠવાડા અને વિદર્ભમાં ઘણા સ્થળોએ ભારે વરસાદ (24 કલાકમાં 65 મિમીથી વધુ) નોંધ્યો હતો.
આખરે ઓગસ્ટની શરૂઆતમાં વરસાદે વિરામ લીધો અને યવતમાલ સહિત ઘણા જિલ્લાઓમાં સપ્ટેમ્બરની શરૂઆત સુધી બિલકુલ વરસાદ વિનાનો લાંબો સૂકો સમયગાળો જોવા મળ્યો. ત્યારબાદ ફરી એકવાર આખા મહારાષ્ટ્રમાં વરસાદે જોર પકડ્યું.
નિંગાનૂરના ખેડૂતો કહે છે કે, (છેલ્લા કેટલાક વર્ષોથી) અચાનક ભારેથી અતિભારે વરસાદ પછી બિલકુલ વરસાદ વિનાના લાંબા સૂકા સમયગાળા એ આ પ્રદેશમાં એક લાક્ષણિકતા બની રહી હોય તેવું લાગે છે. એક એવી લાક્ષણિકતા જે તેમને માટે મૂંઝવણ ઊભી કરે છે. કયો પાક ઉગાડવો, કઈ પદ્ધતિઓ અપનાવવી અને પાકને પાણી શી રીતે આપવું અને જમીનનો ભેજ કેવી રીતે જાળવવો તે નક્કી કરવું તેમને માટે ખૂબ મુશ્કેલ બને છે. અને આવી પરિસ્થિતિને પરિણામે ગંભીર માનસિક તણાવ રહે છે. આવા જ માનસિક તણાવને કારણે સંપતે આત્મહત્યા કરી લીધી.
કૃષિ સંકટને દૂર કરવા માટે સરકાર દ્વારા સંચાલિત ટાસ્ક ફોર્સ, વસંતરાવ નાઈક શેતકરી સ્વાવલંબન મિશનના વડા કિશોર તિવારી કહે છે કે તાજેતરમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જાન્યુઆરી 2022 થી (માંડીને અત્યાર સુધીમાં) એક હજારથી વધુ ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડી છે તે માટે અતિવૃષ્ટિની ઘટનાઓ અને નાણાંભીડને જવાબદાર ઠેરવતા તેઓ કહે છે કે માત્ર 25 મી ઓગસ્ટ અને 10 મી સપ્ટેમ્બર વચ્ચેના એક પખવાડિયામાં જ વિદર્ભમાં લગભગ 30 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
જીવનનો અંત લાવનારાઓમાં યવતમાલના એક ગામના બે સગા ભાઈઓ પણ છે, જેઓ એકબીજાથી એક મહિનાના અંતરે જ આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા હતા.
તિવારી કહે છે, "વળતરની ગમે તેટલી રકમ આપવામાં આવે તો પણ હકીકતમાં તે પૂરતી થશે નહીં; આ વર્ષે ખરેખર ખૂબ ભારે વિનાશ થયો છે."
*****
ખેતરો પાણી હેઠળ ડૂબી ગયા છે અને પાક નાશ પામ્યો છે, મહારાષ્ટ્રમાં નાના ખેડૂતોની મોટી વસ્તીને માથે લાંબા સમયગાળાના સંકટનું જોખમ તોળાઈ રહ્યું છે.
મહારાષ્ટ્રના એગ્રીકલ્ચર કમિશનરની ઓફિસનો અંદાજ છે કે સમગ્ર વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં આ સિઝનના લીલા દુકાળને કારણે લગભગ વીસ લાખ હેક્ટર ખેતીની જમીન બરબાદ થઈ ગઈ છે. સમગ્ર પ્રદેશના ખેડૂતો કહે છે કે ખરીફ પાક તો હવે લગભગ પૂરેપૂરો બરબાદ થઈ ગયો છે. બધાજ મુખ્ય પાકને - સોયાબીન, કપાસ, તુવેરને - ભારે નુકસાન પહોંચ્યું છે. મુખ્યત્વે ખરીફ પાક પર જ આધાર રાખતા શુષ્ક જમીનના વિસ્તારો માટે આ વર્ષનો વિનાશ ચિંતાજનક છે.
નદીઓ અને મોટા નાળાઓને કાંઠે આવેલા - નાંદેડના અર્ધપુર તહેસીલમાં આવેલા શેલગાંવ જેવા - ગામો અભૂતપૂર્વ પૂરનો ભોગ બન્યા. શેલગાંવના સરપંચ પંજાબ રાજેગોરે કહે છે, “એક અઠવાડિયા માટે (બહારની દુનિયા સાથેનો) અમારો સંપર્ક તૂટી ગયો હતો. ગામની બાજુમાં વહેતી ઉમા નદીના પ્રકોપને કારણે અમારા ઘરો અને ખેતરોમાં પુષ્કળ પાણી ભરાઈ ગયા હતા." આ ગામથી થોડા માઈલ દૂર ઉમા નદી આસના નદીને મળે છે, અને બંને નદી સાથે મળીને નાંદેડ પાસે ગોદાવરીને મળે છે. મૂશળધાર વરસાદ દરમિયાન આ તમામ નદીઓ છલકાઈ ગઈ હતી.
તેઓ કહે છે, "આખા જુલાઈ મહિના દરમિયાન અમારે ત્યાં એટલો [ભારે] વરસાદ પડ્યો હતો કે ખેતરોમાં કામ કરવું મુશ્કેલ હતું." ધોવાઈ ગયેલી માટી અને બરબાદ થઈ ગયેલી ફસલ આ અતિવૃષ્ટિના સ્પષ્ટ પુરાવા છે. કેટલાક ખેડૂતો ઓક્ટોબરમાં જ રવિ પાકની વહેલી વાવણી માટેની તૈયારી કરી શકાય તે માટે તેમના નુકસાન પામેલા પાકના અવશેષો દૂર કરી ખેતરો સાફ કરી રહ્યા છે.
સાત દિવસથી વધુ સમય સુધી સતત વરસાદ અને જુલાઈમાં યશોદા નદીમાં આવેલા પૂરમાં આખું ગામ ડૂબી ગયા પછી વર્ધા જિલ્લાના ચાંદકીમાં આશરે 1200-હેક્ટર ખેતીની જમીન હજી આજે પણ પાણી હેઠળ છે. (પૂરમાં) ફસાયેલા ગામલોકોને બહાર કાઢવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની ટુકડીઓ બોલાવવી પડી હતી.
અચાનક આવેલા પૂરને કારણે પોતાનું મકાન તૂટી પડતાં ભાડાના મકાનમાં રહેતા એક ખેડૂત, 50 વર્ષના દીપક વારફડે કહે છે, “મારા ઘર સહિત તેર મકાનો પૂરમાં તણાઈ ગયા. અમારી મુશ્કેલી એ છે કે હવે ખેતી સંબંધિત કોઈ કામ રહ્યું નથી; આ પહેલીવાર એવું બન્યું છે કે મારી પાસે કોઈ કામ નથી."
દીપક કહે છે, "અમે એક મહિનામાં સાત પૂર જોયા. સાતમી વખતના પૂરે તો હદ કરી નાખી - અમને બરબાદ કરી નાખ્યા; એ તો અમે એટલા નસીબદાર કે એનડીઆરએફની ટુકડીઓ સમયસર અમારા સુધી પહોંચી, નહીંતર (તમારી સાથે વાત કરવા) આજે હું જીવતો ન હોત.
ખરીફ પાક બરબાદ થઈ ગયા પછી ચાંદકી ગામના લોકોને એક જ ચિંતા સતાવે છે: હવે શું?
કપાસના કુંઠિત છોડ અને (પૂરથી) સપાટ (થઈ ગયેલ) ખેતરનો વિશાળ વિસ્તાર જ્યાં વિનાશનું ચિત્ર નજર સામે ખડું કરે છે ત્યાં, પોતાના ખેતરમાં 64 વર્ષના બાબારાવ પાટીલ જે કંઈ બચી શકે તેમ હોય તે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેઓ કહે છે, "આ વર્ષે શું થશે ખબર નથી... કદાચ કશુંય હાથ ન લાગે, હું ઘેર નવરો બેસી રહેવાને બદલે આમાંથી કેટલાક છોડને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું." તેઓ ઉમેરે છે કે આર્થિક સમસ્યા ભારે વિકટ છે અને હજી આ તો એની શરૂઆત જ છે.
મહારાષ્ટ્રમાં માઈલોના માઈલો સુધી ફેલાયેલા ખેતરોની હાલત બાબારાવના ખેતર જેવી જ છે: ક્યાંય પણ તંદુરસ્ત, ઊભા પાકની કોઈ નિશાની સુધ્ધાં નથી.
વિશ્વ બેંકના ભૂતપૂર્વ સલાહકાર અને વર્ધાના પ્રાદેશિક વિકાસ નિષ્ણાત શ્રીકાંત બારહાતે કહે છે, "આગામી 16 મહિનામાં આ સંકટ વધુ ઘેરું બનશે. ત્યાં સુધીમાં આગામી પાક લણણી માટે તૈયાર થઈ જશે." પણ ખરો સવાલ એ છે કે ખેડૂતો આ 16 મહિના કાઢશે શી રીતે?
ચાંદકી પાસેના બારહાતેના પોતાના ગામ રોહનખેડમાં ભારે નુકસાન થયું છે. તેઓ કહે છે, "બે વસ્તુઓ થઈ રહી છે. એક તરફ લોકો સોનું અથવા બીજી સંપત્તિ ગીરો મૂકી રહ્યા છે અથવા ઘરની જરૂરિયાતો માટે વ્યક્તિગત રીતે પૈસા ઉછીના લઈ રહ્યા છે, અને બીજી તરફ યુવાનો કામની શોધમાં સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છે."
દેખીતી રીતે જ વર્ષ પૂરું થશે ત્યારે બેંકો કૃષિલોન ન ચૂકવી શકવાના અગાઉ ક્યારેય ન જોયા હોય એટલા કિસ્સા જોશે.
એકલા ચાંદકી ગામમાં માત્ર કપાસના પાકનું નુકસાન જ 20 કરોડને આંબી જાય છે - એટલે કે આ વર્ષે સાનુકૂળ સંજોગોમાં કપાસના પાક થકી માત્ર આ એક ગામમાં આટલા પૈસા આવ્યા હોત. આ અંદાજ આ વિસ્તારમાં કપાસની પ્રતિ એકર સરેરાશ ઉત્પાદન પર આધારિત છે.
47 વર્ષીય નામદેવ ભોયર કહે છે, “અમે પાક ગુમાવ્યો છે એટલું જ નહીં, અમે અત્યાર સુધી વાવણી અને બીજી કામગીરી પાછળ ખર્ચેલા નાણાં [પણ] વસૂલી નહીં શકીએ."
તેઓ ચેતવણી આપે છે, "અને આ માત્ર એક વખતની ખોટ નથી. જમીનનું ધોવાણ એ તો લાંબા ગાળાની (પર્યાવરણીય) સમસ્યા છે."
જુલાઈથી ઑગસ્ટ સુધી બે મહિના દરમિયાન એક તરફ મહારાષ્ટ્રના લાખો ખેડૂતો પૂર અને ભારે વરસાદનો સામનો કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ શિવસેનામાં બળવાને પગલે મહા વિકાસ આઘાડી સરકારને ઉથલાવી દેવામાં આવી હતી અને તે પછી રાજ્યમાં કોઈ કાર્યરત સરકાર જ ન હતી.
સપ્ટેમ્બરની શરૂઆતમાં નવી એકનાથ શિંદે-સરકારે રાજ્ય માટે 3500 કરોડ રુપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી, આ આંશિક મદદ પાકને અને જીવનને થયેલા વાસ્તવિક નુકસાનની ભરપાઈ કરી શકશે નહીં. આ ઉપરાંત સર્વેક્ષણ દ્વારા લાભાર્થીઓની ઓળખ કરવામાં આવે તે પછી લોકોને તેમની બેંકોના ખાતામાં નાણાં મળતા ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગી શકે છે. જો કે લોકોને આજે તાત્કાલિક મદદની જરૂર છે.
*****
અસ્વસ્થ અને ખૂબ વ્યાકુળ દેખાતી ચંપતની વિધવા ધ્રુપદા પૂછે છે, "તમે મારું ખેતર જોયું?" તેમના ત્રણ નાના બાળકો, 8 વર્ષની પૂનમ, 6 વર્ષની પૂજા અને 3 વર્ષની ક્રિષ્ના તેમની આસપાસ વીંટળાયેલા છે. "આવી જમીન પર તમે શું ઉગાડી શકો?" ચંપત અને ધ્રુપદા બે છેડા ભેગા કરવા ઘણી ખેતીની સાથોસાથ ખેત મજૂરો તરીકે પણ કામ કરતા.
ગયા વર્ષે આ દંપતીએ તેમની મોટી દીકરી તાજુલીના લગ્ન કરાવ્યા. તાજુલી પોતે 16 વર્ષની હોવાનો દાવો કરે છે પરંતુ તે 15 વર્ષથી વધુ મોટી હોય તેવું લાગતું નથી; તેને ત્રણ મહિનાનું બાળક છે. તેમની દીકરીના લગ્ન માટે થયેલા દેવાની ચૂકવણી કરવા માટે પોતાનું ખેતર એક સંબંધીને મામૂલી રકમથી ભાડાપટે આપીને ચંપત અને ધ્રુપદા બંને ગયા વર્ષે શેરડીની કાપણીનું કામ કરવા કોલ્હાપુર ગયા હતા.
આ જંગલે પરિવાર વીજળીની સગવડ વગરની ઝૂંપડીમાં રહે છે. અત્યારે પરિવાર પાસે ખાવા માટે કંઈ નથી. એમના જેટલા જ ગરીબ અને ભારે વરસાદથી પાયમાલ થઈ ગયેલા - પડોશીઓ તેમને શક્ય તેટલી મદદ કરી રહ્યા છે.
ચંપતની આત્મહત્યા વિશે સૌથી પહેલો અહેવાલ આપનાર એક સ્થાનિક અંશ સમયના પત્રકાર અને ખેડૂત, મોઇનુદ્દીન સૌદાગર કહે છે, "આ દેશ આપણા ગરીબોને કેવી રીતે મૂર્ખ બનાવવા એ જાણે છે." સ્થાનિક ભાજપ ધારાસભ્ય દ્વારા ધ્રુપદાને અપાયેલ 2000 રુપિયાની નજીવી સહાયને 'શાહી અપમાન' ગણાવતો એક ટીકાત્મક વેધક લેખ તેમણે લખ્યોહતો.
મોઇનુદ્દીન કહે છે, "પહેલા આપણે તેમને એવી - છીછરી (હલકી), ખડકાળ, બિનફળદ્રુપ - જમીનો આપીએ છીએ જેમાં કોઈ ખેતી કરવા માંગતું નથી. અને પછી આપણે તેમને મદદ કરવાનો ઇનકાર કરીએ છીએ." તેઓ ઉમેરે છે કે, પોતાના પિતા તરફથી ચંપતને વારસામાં મળેલી જમીન એ જમીન ટોચમર્યાદા અધિનિયમ હેઠળ જમીન વિતરણ કાર્યક્રમના ભાગ રૂપે પરિવારને મળેલી વર્ગ-2ની જમીન છે.
મોઇનુદ્દીન કહે છે, "દશકોથી, આ પુરુષો અને મહિલાઓએ તે જમીનને ફળદ્રુપ બનાવવા, તેમાં પેટપૂરતું થોડુંઘણું કંઈક ઉગાડવા માટે પોતાનો લોહી-પરસેવો એક કર્યાં છે - અથાગ મહેનત કરી છે." તેઓ ઉમેરે છે કે નિંગાનુર ગામ આ વિસ્તારના સૌથી ગરીબો ગામોમાંનું એક છે, આ ગામમાં મોટાભાગે આંધ આદિવાસી પરિવારો અને ગોંડ લોકો વસે છે.
મોઇનુદ્દીન કહે છે કે મોટાભાગના આંધ ખેડૂતો એટલા ગરીબ છે કે તેઓ આ વર્ષે જોવા મળ્યા તેવા આબોહવાના પરિવર્તનના પડકારોનો સામનો કરી શકશે નહીં. તેઓ ઉમેરે છે કે, ભૂખમરા સહિતની હાડમારી અને અતિશય ગરીબીનું બીજું નામ એટલે આંધ આદિવાસીઓ.
મૃત્યુ સમયે ચંપતને માથે ઔપચારિક અને અનૌપચારિક એમ બંને પ્રકારના દેવા હતા. ઘણી વિંનતી પછી ધ્રુપદા જણાવે છે કે તેમને માથે લગભગ 4 લાખ રુપિયાનું દેવું હતું. તેઓ કહે છે, “અમે ગયા વર્ષે લગ્ન માટે લોન લીધી હતી; આ વર્ષે, ખેતર માટે અને અમારી રોજિંદી જરૂરિયાતો માટે, અમે અમારા સંબંધીઓ પાસેથી પૈસા લીધા હતા. અમે અમારું દેવું ચૂકવવાની સ્થિતિમાં નથી."
તેમના પરિવાર માટે અનિશ્ચિત ભાવિ ઉપરાંત તાજેતરમાં તેમનો એક બળદ બીમાર પડવાથી પણ તેઓ ચિંતિત છે. "જ્યારથી તેના માલિકે દુનિયા છોડી દીધી છે ત્યારથી મારા બળદે પણ ખાવાનું છોડી દીધું છે."
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક