તમારી મા માતા સપનાં કઈ ભાષામાં જુએ છે? પેરિયારથી લઈને ગંગાના તટ લગી  માતાઓ એમના બાળકો સાથે કઈ ભાષામાં વાત કરે છે? શું દરેક રાજ્ય, દરેક જિલ્લા, દરેક ગામ સાથે તેની જિહવાનો રંગ બદલાતો નથી? શું નથી જાણતી એ સહસ્ત્ર ભાષાઓ, લાખો બોલીઓ? તે વિદર્ભના ખેડૂતો, હાથરસના બાળકો, ડિંડીગુલની મહિલાઓ સાથે કઈ ભાષામાં વાત કરે છે?  શશશશશ....! તમારા માથાને લાલ રેતી પર ટેકવો ને સાંભળો. એક ટેકરી પર ઊભા રહી જાઓ જ્યાં પવન તમારા ચહેરાને પંપાળતો હોય અને સાંભળો! શું તમે તેને, તેની વાર્તાઓને, તેના ગીતોને, તેના રુદનને સાંભળી શકો છો? મને કહો ને, શું તમે તેની જીભ ઓળખી શકશો? મને કહો, શું મારી જેમ તમે પણ તે એક પરિચિત હાલરડું ગાતી સંભળાય છે?

સાંભળો ગોકુલ જી. કે. ની કવિતાનું પઠન એમના અવાજમાં

જિહવા

મારી જિહવાની આરપાર એક ખંજર ખૂંપી જાય છે
હું અનુભવી શકું છું એની તીક્ષ્ણ ધાર -
નાજુક સ્નાયુઓને ફાડી નાખતી.
હું હવે બોલી શકતો નથી,
ખંજરને મારા શબ્દોને છેતરી નાખ્યા છે
તમામ અવાજો, ગીતો, વાર્તાઓ,
છેદાઇ ગયું છે તમામ જાણીતું અને અનુભવેલું.

આ ઘવાયેલી જીભ
થઇ ગઈ છે એક લોહિયાળ પ્રવાહ
જે મારા મોંમાંથી  વહે છે મારી છાતી તરફ,
નાભિ તરફ, મારા લિંગ તરફ ,
દ્રાવિડદેશની ફળદ્રુપ જમીન તરફ.
જમીન જીભની માફક લાલ અને ભીની છે.
એક ટીપાંમાંથી અનેક જન્મતાં જાય છે,
કાળી પૃથ્વીમાંથી ઉગી નીકળતી લાલ ઘાસની પત્તીઓ.

દટાયેલી સેંકડો જીભ,
સહસ્ત્ર, લખસહસ્ત્ર.
પ્રાચીન કબ્રસ્તાનની કબરોમાંથી ઉઠી જાગતા મૃતકોની
વસંતના આગમને ફરી ખીલી નીકળતા ફૂલો જેવી,
ગીત ગાતી, કરતી વારતાઓ જે મેં કદી સાંભળેલી મારી મા પાસે .

મારી જીભ ઊંડું ખૂંપતા ચાલતા ખંજરની
બુઠ્ઠી ધાર ધ્રૂજે છે એને ડર લાગે છે
આ જીભની જમીન પર ઉગતાં ગીતોનો.

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Poem and Text : Gokul G.K.

Gokul G.K. is a freelance journalist based in Thiruvananthapuram, Kerala.

Other stories by Gokul G.K.
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a poet and a translator who works across Gujarati and English. She also writes and translates for PARI.

Other stories by Pratishtha Pandya