કાશ્મીરમાં કડાકાની ઠંડી દરમિયાન કાંગડી, નેતરની ટોકરીથી ઢંકાયેલ ને સળગતા કોલસાથી ભરેલ માટીના “ફાયર પોટ” એટલે અગ્નિ પાત્રની માગ ખૂબ વધી જાય છે, અને આ મોસમી વેપારથી કારીગરો, ખેડૂતો, અને મજૂરોને રોજી મળી રહે છે.
અબ્દુલ મજીદ વાની ખુશ છે કે આ સિઝનમાં કડાકાની ઠંડી પડી રહી છે. તેમની આશા છે કે પાછલા વર્ષે તાપમાન –૧૦ ડિગ્રી સેલ્સિયસ થવા ટાણે થઈ હતી, તેમ જ તેમણે બનાવેલી કાંગડીઓની માગ સતત વધતી રહેશે.
૫૫ વર્ષિય વાની, મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચારાર-એ-શરીફમાં રહે છે અને કામ કરે છે. શ્રીનગરથી આશરે ૩૨ કિલોમીટર દૂર આવેલ, આ નગર, હાથથી બનાવેલ નેતરની નાની ટોકરીથી ઢાંકેલ ને સળગતા કોલસાથી ભરેલ માટીના પાત્ર, કાંગડીઓ બનાવતા કારીગરો માટેનું કેન્દ્ર છે. કાશ્મીરમાં ઘણાં લોકો, લાંબા ચાલતા શિયાળા દરમિયાન હૂંફ માટે, શરદ ઋતુ દરમિયાન પહેરાતા પોતાના પારમ્પરિક પહેરણ અંદર, પોતાને ગરમ રાખવા માટે સહેલાઈથી ઊંચકાઈ શકાય તેવી કાંગડીને તેના હેન્ડલ દ્વારા પકડી રાખે છે. ( કેટલીક શોધ પ્રમાણે લાંબા સમય સુધી સળગતા કોલસા શરીર નજીક રાખવાથી ખાસ કરીને કાશ્મીરમાં, “કાંગડી કેન્સર” થાય છે, પરંતુ આ એક અલગ કથા છે. )
ચરાર-એ-શરીફના કનીલ મોહલ્લાના ૩૦ વર્ષિય રહેવાસી, ઉમર હસન દાર કહે છે કે, “અમારું ક્ષેત્ર ઉત્તમ નેતર વાપરી અમારી બનાવેલ સુંદર કાંગડીઓ માટે જાણીતું છે.” અહીં કારીગરો સાથે સાથે મજૂરો પણ કાંગડીઓ બનાવવામાં મશગૂલ રહે છે. નજીકના જંગલોમાંથી નેતર જેવા વિલો ઝાડનું લાકડું ટોકરીઓ માટે એકત્રિત કરવામાં આવે છે, અથવા ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે, તેને ઉકાળીને કોમળ બનાવી, હાથથી બનાવેલ તીક્ષ્ણ સાધનનો (જેને સ્થાનિક રીતે ચપ્પુ કહેવામાં આવે છે; બે જાડા લાકડાઓને એક બીજાની અંદરથી પસાર કરીને જમીનમાં ઊભા કરેલા હોય છે) ઉપયોગ કરીને સાફ કરી, છોલવામાં આવે છે. પછી તેને પલાળીને સૂકવવા અને રંગવામાં આવે છે. આ તૈયાર નેતરને પછી માટીના વાસણની આસપાસ વણાય છે.
આ આખી પ્રક્રિયામાં લગભગ એક અઠવાડિયો લાગે છે, તે સમય દરમિયાન નેતર સંપૂર્ણપણે સૂકાઈ જાય છે. સામાન્ય રીતે શિયાળાના આરંભ પહેલા ઓગસ્ટમાં કાંગડી બનાવાય છે, અને ક્યારેક માગ પ્રમાણે, શિયાળા દરમિયાન પણ બનાવવામાં આવે છે, જે ફેબ્રુઆરી મહિનાના અંત સુધી ચાલે છે.
પ્રાચીન સમયમાં, કાશ્મીરની કાંગડી માટે ફક્ત માટીના વાસણનો ઉપયોગ કરવામાં આવતો હતો – જે સ્થાનિક કુંભારો પાસેથી ખરીદવામાં આવતી- જેના પર નેતરનું આવરણ ન હતું. સમય જતાં, કેટલાક કારીગરોએ નેતરની વિવિધ ડિઝાઇનથી આ દેશી હીટર બનાવવાનું શરૂ કર્યું, જેની કિંમત જૂની કાંગડી કરતાં મોંઘી છે. હાલમાં સસતી કાંગડીની કિંમત લગભગ ૧૫૦ રૂપિયા છે, ૩-૪ કલાકમાં તૈયાર થાય છે; બારીકાઈથી બનાવવામાં આવેલ ડિઝાઇન સાથે બહુ રંગી કાંગડી, જેને વણવામાં ૩-૪ દિવસ લાગે છે, તેની કિંમત આશરે રૂ. ૧૮૦૦ થઈ શકે છે, જેમાં દાર પ્રમાણે તેમને રૂ. ૧,૦૦૦ થી ૧,૨૦૦ નો નફો થાય છે.


ડાબે: બડગામ જિલ્લાના ચારાર-એ-શરિફના કારખાનામાં રંગબેરંગી કાંગડી વણતા ૪૦ વર્ષિય મંજૂર અહેમદ. જમણે: ચારાર-એ-શરિફના કનિલ મોહલ્લા ખાતેના કારખાનામાં એક જ રંગની કાંગડીની વણાટ કરતા ૮૬ વર્ષિય ખઝીર મોહમ્મદ મલિક.
સામાન્ય રીતે કાંગડી બનાવવું એક મોસમી વ્યવસાય હોવા છતાં, વેપારીઓને અને ઠેકેદારોને ટોકરી વેચતા કારીગરો અને ખેડૂતો માટે આ વ્યવસાય વર્ષિક આજીવિકા પૂરી પાડે છે. ચારર-એ-શરિફમાં, કાંગડી ઉત્પાદકો મને કહે છે કે, દર શિયાળે, તેઓ લગભગ ૫૦,૦૦૦ થી ૬૦,૦૦૦ અગ્નિ પાત્રો વેચી, રૂ.૧ કરોડ જેટલી કમાણી કરી લે છે. તીવ્ર શિયાળાના મોસમમાં, આ વેચાણના વધવાની સંભાવના રહે છે. જૂનથી ડિસેમ્બર સુધીના છ મહિના દરમિયાન, મહિને દીઠ રૂ. ૧૨૦૦૦ થી ૧૫૦૦૦ ની કમાણી કરી લેતા વાની કહે છે, “અમને આશા છે કે આ મોસમમાં અમે ૧ કરોડ રૂપિયાથી વધારેનો વેપાર કરી લઈશું. કારણ કે કાંગડીઓની માગ સતત વધી રહી છે.”
કાંગડી બનાવવામાં જ્યારે પુરુષો અન્ય કામગીરી કરે છે, ત્યારે નેતરને છોલવાનું કામ સ્ત્રીઓ કરે છે. નિગહત અઝીઝ છે (નામ તેમની વિનંતી ઉપર બદલી દેવામાં આવ્યું છે), જે હવે સ્નાતક પૂરું કરી ચૂક્યા છે, કહે છે કે “હું ૧૨મા ધોરણમાં હતી, ત્યારથી છોલવાનું કામ શરૂ કરું છું. નેતરની એક ડાખલી સંપૂર્ણ રીતે છોલવા માટે ઘણી કુશળતાની જરૂર હોય છે, નહીં તો તમારાથી નેતર તૂટી જઈ તોડી વ્યર્થ થઈ શકે છે.” નિગહતની જેમ, ગાંદરબલ જિલ્લાના ઉમરહરે વિસ્તારમાં ઘણી યુવતીઓ નેતર છોલવાનું કામ કરે છે. તેઓ સામાન્ય રીતે નેતરના એક બંડલને છોલવા બદલ ૪૦ રૂપિયા કમાઈ લે છે, અને દિવસ દીઠ ત્રણથી ૩થી ૪ કલાકમાં ૭-૮ બંડલ છોલી શકે છે.
પરંતુ કેટલીક મહિલાઓનું કહેવું છે કે તેઓ આ કામ કરવાનું બંધ કરવા માગે છે. ઉમરહરેની પરવીના અખ્તર કહે છે, “અમારા ગામના લોકો નેતર છોલવાના કારણે અમને નીચી નજરથી જુવે છે, તેમને લાગે છે કે આ એક ગરીબ પરિવારનું કામ છે. હું તેમના કટાક્ષને કારણે આ કામ કરવાનું ચાલુ રાખવા માગતી નથી.”
સામાન્ય રીતે મહિલાઓ તેમના પરિવારના અગ્નિ પાત્રો માટે કોલસા તૈયાર કરવાનું કામ પણ કરે છે. મોટા ભાગે જરદાલૂ અને સફરજનના બળેલ લાકડાના કોલસા બજારમાંથી ખરીદવામાં આવે. શ્રીનગરના અલી કડલ વિસ્તારમાં રહેતી ૫૦ વર્ષિય હાજા બેગમ જણાવે છે, “સવારમાં અને સૂર્ય ડૂબ્યા પછી, હું અગ્નિ પાત્રો તૈયાર કરું છું. સમગ્ર કાશ્મીરમાં મહિલાઓ શિયાળા દરમિયાન આ કામ કરે છે,” તે તેમના શાકભાજી વિક્રેતા પતિ, સહિત તેમના સંયુક્ત પરિવાર માટે દરરોજ લગભગ ૧૦ કાંગડીઓ તૈયાર કરે છે.
જો કે હવે ગરમી બનાવી રાખવા માટે સેન્ટ્રલ હીટિંગથી લઈને મધ્ય એશિયાના નવીનતમ બુખારી (લાકડાના ચૂલા) સુધી અન્ય સાધન આવી ગયા છે, કાશમીરના શૂન્ય નીચેના તાપમાનથી બચવા માટે, ખાસ કરીને સામાન્ય ગ્રામીણ લોકો માટે કાંગરી જ હીટર છે. લાંબા શિયાળા દરમિયાન તેમના કપડાંની અંદર, સળગતા કોલસા કલાકો સુધી સુખદ ગરમીનો આભાસ પ્રદાન કરે છે.

મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ઉમરેહ વિસ્તારના રહેવાસી, ૩૨ વર્ષિય ફારૂક એહમદ વાની, કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે; તે ખેડૂતો પાસેથી કાચા માલ તરીકે નેતર ખરીદી, તેને તૈયાર કરીને કાંગડી બનાવનારને વહેંચી દે છે.

છોલવાનું કામ શરૂ કરતાં પહેલા નેતરને પોતાના ખભા ઉપર ઉપાડીને લઈ જતી ઉમરહેરેની મહિલાઓ

ઉમરહેરેમાં, ૨૨ વર્ષિય આશિક એહમદ, અને તેમના ૫૪ વર્ષિય પિતા, ગુલઝાર એહમદ દાર પોતાના ઘરની પાસે આવેલ કારખાનામાં આખી રાત નેતરને ઉકાળ્યા પછી, તેના બંડલને બહાર નિકાળી રહ્યા છે. આશિક કહે છે, “નેતરની કાપણી પછી આ પહેલી પક્રિયા છે, નેતરને પલાડવાથી તેની ખરબચડી ત્વચાને છોલવી સરળ થઈ જાય છે.”

ઉમરહેરેના ૩૨ વર્ષિય નિવાસી વસીમ એહમદ, નેતરને આખી રાત ઉકાળવા માટે ભટ્ટીમાં સળગાવવા માટે લાકડા ભરી રહ્યા છે

ચરાર-એ-શરીફના ૮૬ વર્ષિય નિવાસી ખઝીર મોહમ્મદ મલિક ૭૦ વર્ષથી કાંગડીના વેપારમાં છે. તેઓ કહે છે, “મને આ કળા મારા પિતાથી વારસામાં મળી છે. કાશ્મીરમાં લોકો કાંગડી વગર શિયાળાને કાઢી શકતા નથી, જ્યારે હું મારી કાંગડીમાં લોકોને હૂંફ મેળવતા જોવું છું તો પ્રસન્નતા થાય છે.”

ખઝીર મોહમ્મદ મલિક, ચરાર-એ-શરીફમાં આવેલ પોતાના કારખાના માં મંજૂર એહમદ સાથે કાંગડીની વણાંટ કરી રહ્યા છે

ચરાર-એ-શરીફના કાનીલ મોહલ્લાના ૪૦ વર્ષિય રહેવાસી, મંજૂર એહમદ ૨૫ વર્ષથી કાંગડી બનાવી રહ્યા છે. તેઓ કહે છે, “હું એક દિવસમાં ૩-૪ કાંગડીઓ વણી શકું છું, અને ઉચ્ચ ગુણવત્તાની કાંગડી બનાવવામાં મને ૩-૪ દિવસ લાગે છે.”

ચરાર-એ-શરીફના કાનીલ મોહલ્લાના ૬૪ વર્ષિય નિવાસી, ગુલામ નબી મલિક કહે છે, “મેં મારા પિતા પાસેથી વણાટ શીખી હતી, તેઓ કાયમ મને કહેતા, કે તમારા અંદર કાબિલિયત ના હોય, તો તમે કાંગડીનું એક હેન્ડલ પણ ના બનાવી શકો. સંપૂર્ણ રીતે સારી કાંગડી બનાવવામાં મને ૯ વર્ષ લાગી ગયા.”
![Mugli Begum, a 70-year-old homemaker in Charar-i-Sharief, says, “I have seen my husband [Khazir Mohammad Malik] weaving kangris for 50 years and I am happy with his work. Watching him weave a kangri is as good as weaving a kangri'](/media/images/_DSC9817.max-1400x1120.jpg)
ચરાર-એ-શરીફની ૭૦ વર્ષિય ગૃહિણી, મુગલી બેગમ કહે છે કે, “મેં મારા પતિને (ખઝીર મોહમ્મદ મલિક) ૫૦ વર્ષથી કાંગડીની વણાટ કરતાં જોયા છે અને હું તેમના કામથી ખુશ છું, તેમને કાંગડી બનાવતા જોવું પોતે કાંગડી વણવા સમાન છે.”

શ્રીનગર શહેરના નવકાદલ વિસ્તારના ૫૫ વર્ષિય રહેવાસી, ફિરદોસા વાની, સવારના પોરમાં પોતાના ઘરની બહાર એક જુપડીમાં (જેને સ્થાનીક રીતે ગંજીન કહેવામાં આવે છે) કાંગડી માં કોલસા ભરી રહ્યા છે

ચરાર-એ-શરીફમાં કાંગડીની એક દુકાન, જ્યાં એક દિવસમાં આશરે ૧૦-૨૦ ગ્રાહક આવે છે.

શ્રીનગર શહેરમાં એક માટીના બનેલ જૂના ઘરમાં ચરાર-એ-શરીફની બનેલ કાંગડી દિવાલ પર ટીંગાયેલ છે, અને બહાર બરફ પડી રહી છે
અનુવાદ: મહેદી હુસૈન