રૂપા પીરીકાકાએ કંઇક અનિશ્ચિતતા સાથે કહ્યું: “દરેક લોકો તે કરી રહ્યા છે. તેથી, અમે પણ કરીએ છીએ.”
“તે” એટલે આનુવંશિક રીતે સંશોધિત (જી.એમ.) બીટી કપાસના બીજ છે, જે હવે સરળતાથી સ્થાનિક બજારમાં અથવા પોતાના ગામમાં પણ ખરીદી શકાય છે. “દરેક લોકો” એટલે દક્ષિણ-પશ્ચિમના રાયગડા જિલ્લાના બાકીના ગામમાં અને તેના જેવા અસંખ્ય અન્ય ખેડુતો છે જે આની ખેતી કરે છે.
“તેમને તેમના હાથમાં પૈસા મળી રહ્યા છે” તે કહે છે.
પીરીકાકા આશરે ૪૦ વર્ષિય કોંઠ આદિવાસી ખેડૂત છે. બે દાયકાઓ સુધી, દર વર્ષે તે એક ટેકરીના ઢોળાવમાં ડાંગર ચાસ તૈયાર કરતા, જે પર્વતિય ખેતી (ખસેડાતી જમીન પરની ખેતી) તરીકે ઓળખાય છે. સદીઓથી પ્રદેશના ખેડુતો દ્વારા તૈયાર કરેલ પરંપરાઓનું અનુસરણ કરી, પીરિકાકા વારસાગત બિયારણના મિશ્રિત પ્લોટોનું વાવેતર કરતા જે તેમણે પાછલા વર્ષોમાં કૌટુંબિક પાકમાંથી બચાવ્યું હતું. આનાથી માંડિયા અને કાંગુ જેવી બાજરી, તુવેર અને કાળા ચણા જેવા કઠોળ, તેમજ ચોળા, નાઇજર બીજ (રામતલ) અને તલ જેવી પરંપરાગત જાતોના ખાદ્ય પાકની ટોપલીઓ મળતી.
આ જુલાઈમાં પિરિકાકાએ પ્રથમ વાર બીટી કપાસની વાવણી કરી. તે જ સમયે, તેમના ગામ બિશ્માકટક બ્લૉકમાં પર્વતની ઢાળ વાળી ટેકરી ઉપર, રસાયણ યુક્ત ઘાટા ગુલાબી બીની વાવણી કરતા પિરિકાકા સાથે અમે પ્રથમ વખત મળ્યા હતા. આદિવાસીઓની સ્થાનાંતરિત ખેતી પદ્ધતિમાં કપાસની ખેતીનો બદલાવ આશ્ચર્યજનક હતો, તેથી અમે તેના વિષે જાણવા માગતા હતા.
પિરિકાકા સ્વીકારે છે, કે “હળદર જેવી ખેતી પણ પૈસા આપે છે, પણ એમ કોઈ નથી કરતું. બધા માંડિયા (બાજરી)ની વાવણી છોડીને... કપાસની વાવણી કરે છે.”
રાયગડા જિલ્લામાં કપાસ હેઠળનો વિસ્તાર માંડ ૧૬ વર્ષમાં ૫,૨૦૦ ટકા વધ્યો છે. જિલ્લા ખેતીવાડી કચેરીના જણાવ્યા અનુસાર, સત્તાવાર આંકડા, ૨૦૦૨-૦૩માં કપાસ હેઠળ માત્ર ૧,૬૩૧ એકર બતાવે છે, જે ૨૦૧૮-૧૯માં તે ૮૬,૯૦૭ એકર હતું.
લગભગ દસ લાખની વસ્તી ધરાવતું, કોરાપુટ ક્ષેત્રનો એક ભાગ, રાયગડા, વિશ્વના મહાન જૈવવિવિધતા વાળો એક પ્રદેશ છે, અને ચોખાની વિવિધતા માટે ઐતિહાસિક વિસ્તાર છે. સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ૧૯૫૯ના સર્વેક્ષણમાં તે સમયે આ પ્રદેશમાં પણ ચોખાની ૧,૭૦૦ જાતો હતી. પણ તે હવે ૨૦૦ ની આસપાસ રહી ગઈ છે. કેટલાક સંશોધકો માને છે કે તે ચોખાના વાવેતરનું જન્મસ્થળ છે.
અહીંના કોંઢ આદિવાસીઓ, મોટા ભાગે ખેતી પર નિર્વાહ કરે છે, અને તેઓ કૃષિ-વનીકરણ માટેની તેમની આધુનિક પદ્ધતિઓ માટે જાણીતા છે. આજે પણ, ઘણા કોંઢ આદિવાસી પરિવારો, આ પ્રદેશના પળીયા બાંધેલ લીલા છમ અને પર્વતિય ખેતરોમાં ડાંગર અને બાજરીની જાતો, કઠોળ અને શાકભાજીની આશ્ચર્યચકિત કરે તેવી ખેતી કરે છે. રાયગડાની બિન-નફાકારક લિવિંગ ફાર્મ્સ દ્વારા કરાયેલ સર્વેક્ષણોમાં ૩૬ બાજરીની જાતો અને ૨૫૦ વન્ય ખાધ્ય જાતીઓની નૉંધણી કરવામાં આવી છે.
અહીંના મોટાભાગના આદિવાસી ખેડુતો ૧થી ૫ એકર જેટલા વ્યક્તિગત અથવા સહિયારા ખેતરોમાં કામ કરે છે.
તેમના બીજ, કોઈ કૃત્રિમ ખાતર અથવા અન્ય કૃષિ-રસાયણોનો ઉપયોગ કર્યા વગર જાતે માવજત કરેલ હોય છે, અને તે તેમના સમુદાયમાં વહેચવામાં આવે છે.
તો પણ, રાયગડામાં ડાંગ પછી કપાસની વાવણીનો બીજો નંબર આવે છે જેણે તેમના પરંપરાગત ખોરાક બાજરીને પાછડ છોડી દીધી છે. તે આ જિલ્લાના વાવેતર હેઠળના ૪૨૮,૯૪૭ એકરના પાંચમા ભાગને તે આવરી લે છે. કપાસનો ઝડપી વિસ્તરણ આ જમીનને આકાર આપી રહ્યું છે અને લોકો કૃષિ-પર્યાવરણીય જ્ઞાનમાં ફસાયા છે.
ભારતના કુલ પાકના ક્ષેત્રમાં કપાસનો આશરે ૫ ટકા વિસ્તારનો કબજો છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે વપરાતા જંતુનાશકો, નીંદણ નાશક અને ફૂગનાશકોના કુલ જથ્થાનો ૩૬થી ૫૦ ટકા વપરાશ કરે છે. તે ભારતભરના ખેડુતો ના દેવા તથા આત્મહત્યા સાથે સૌથી મોટો સહસંબંધ ધરાવતો પાક છે.
અહીંની પરિસ્થિતિ ૧૯૯૮ અને ૨૦૦૨ વચ્ચેના વિદર્ભાની યાદ અપાવે છે. તે ખેડુતો શરૂઆતમાં નવા ચમત્કારી બીજ (અને પછી ગેરકાયદેસર) બાબતે જુસ્સા અને અઢળક નફાના સપના લઈ, તે પછી તેમના જળ-પ્રજનન પ્રકૃતિની અસર, ખર્ચ અને દેવામાં ભારે વધારા અને વિવિધ પર્યાવરણીય દબાણના અનુભવથી હતાશા. આ રીતે એક દાયકાથી વિદર્ભા દેશભરના ખેડુતોની આત્મહત્યાનો કેન્દ્ર બની ગયો છે. તે ખેડુતો મોટા પ્રમાણમાં બીટી કપાસ ઉગાડતા હતા.
*****
અમે જે દુકાનમાં ઉભા છીએ, તે ૨૪ વર્ષિય કોંધ યુવક, ચંદ્ર કુદ્રુકાની (નામ બદલ્યું છે) માલિકી હેઠળ છે. ભુવનેશ્વરથી હોટલ મેનેજમેંટની ડિગ્રી સાથે પાછા ફર્યા બાદ, તેમણે નિયામગિરી પર્વતોમાં તેમના રૂકાગુડા (નામ બદલાયું) ગામમાં આ જૂનમાં દુકાન શરૂ કરી છે. બટાકા, ડુંગળી, તળેલા નાસ્તા, મીઠાઈઓ - તે ગામની અન્ય કોઈ દુકાનની જેમ લાગી.
બસ, તેમની સૌથી વધુ વેચાતી વસ્તુ બાદ કરતાં, જે તેમના કાઉન્ટર નીચે જમાવીને રાખેલ. તે કપાસના બીજની એક મોટી ચમકદાર, વિવિધ રંગ વાળી, ખુશહાલ ખેડૂતો અને ૨૦૦૦ રૂપિયાની નોટ દોરેલી એક બેગ હતી.
કુદ્રુકાની દુકાનમાં મોટાભાગના બીજ પેકેટ ગેરકાયદેસર અને અનધિકૃત હતા. કેટલાક પેકેટો પર કોઈ લેબલ લગાવેલ ન હતો. કેટલાક પેકેટોને ઓડિશામાં વેચવા માટે મંજૂરી નહોતી મળી, કે નહિં તેની દુકાનને બિયારણ અને ખેતીના રસાયણો વેચવાનો પરવાનો અપાયો હતો.
તેના બીજના જોડે જથ્થામાં કેટલીક લાલ અને લીલા રંગમાં કાર્ટુન દોરેલી બોટલ હતી જે વિવાદસ્પદ નિંદામણ નાશક ગ્લાયફોસેટની હતી. જેના વિષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ ૨૦૧૫ના અહેવાલ મુજબ તેનાથી મનુષ્યોમાં કેન્સર થવાની શક્યતાઓ રહેલી છે. જેના પર પંજાબ અને કેરલામાં પ્રતિબંઘ લાદવામાં આવ્યો છે તથા આન્ધ્ર પ્રદેશમાં સીમિત કરવામાં આવેલ છે અને જે અમેરિકામાં, જ્યાં તેને બનાવાયું હતું, ત્યાંના કેન્સર પીડિતો દ્વારા આ દવા પર લાખો ડોલરના મુક્દ્દામા ચાલે છે.
રાયગઢાના ખેડૂતો આ બાબતથી અજાણ છે કે ગ્લાયફોસેટ એક ‘ઘાસમારા’ તરીકે ઓળખાય છે, પરંતુ તે ખરેખર તો ઘાસ નાશક છે, જેને ઝડપી નિદામણ નાશક તરીકે વેચવામાં આવે છે, પરંતુ તેનો પ્રતિકાર કરવા માટે આનુવંશિક રૂપે ફેરફાર કરેલ છોડ સિવાયના દરેક પ્રકારના ઘાસને તે મારી નાખે છે. કુદ્રુકાએ એક કપાસના હવાદાર બીજ બતાવ્યા જે ગ્લાયફોસેટથી પ્રતિકાર કરી શકે જે ભારતમાં પ્રતિબંધિત કરેલ છે.
કુદ્રુકાએ જણાવ્યું કે તેણે છેલ્લા પખવાડીયામાં ૧૫૦ બીજના પેકેટ વેચ્યાં છે. “અને કેટલાક મગાવેલ છે જે આવતીકાલે આવી જશે.”
ધંધાનો ધમધમાટ લાગે છે
રાયગાડામાં જિલ્લામાં પાકની ખેતીનું નિરીક્ષણ કરતા એક અધિકારીએ અમને ખાનગી રીતે વિગતો જણાવતા કહ્યું કે, “રાયગાડામાં આજે લગભગ ૯૯.૯ ટકા કપાસ બીટી કપાસ છે - બીન બીટી બિયારણ ઉપલબ્ધ જ નથી, તેને ઓડીશામાં પ્રતિબંધિત નથી કે પરવાનગી પણ નથી તે કાયદેસર અટકી પડેલ બાબત છે.”
અમને ઓડીશા રાજ્યમાં કેન્દ્ર સરકારની કોઈ પણ સંસ્થા બીટી કપાસની જાહેર રૂપે રજુઆત કરવાની પરવાનગી આપતી મળી નહીં. કૃષિ મંત્રાલયના વર્ષ ૨૦૧૬ તથા અન્ય વર્ષના આંકડા જોયા જેમાં કોઈ વાવણી બતાવવામાં આવી નથી. રાજ્ય કૃષિ સેક્રેટરી ડૉ. સૌરભ ગર્ગે ફોન પર જણાવ્યું કે “એચ ટી કપાસની કોઈ માહિતી નથી. બીટી કપાસ માટે ભારત સરકારની જે નીતિ છે તે અમારી છે. અમારા માટે કોઈ અલગ નીતિ નથી.”
આ વલણની માઠી અસર થઈ રહી છે. રાયગડામાં નિયામગિરિ પર્વતોમાં કુદ્રુકાની દુકાનમાં સ્પષ્ટ ઉલ્લેખનીય છે કે અનધિકૃત બીટી અને ગેરકાયદેસર એચટી બીજ અને રસાયણિક ખાતરના વેપારમાં વેપાર ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.
પ્રો. શાહિદ નઈમ, જે કોલમ્બિયા યુનિવર્સીટીમાં ધરતીના નિવસનતંત્ર વિષયક, ઉત્ક્રાંતિ અને પર્યાવરણીયજીવવિજ્ઞાન વિભાગના વડા છે, તેમનું કહેવું છે, કે "વૈશ્વિક સ્તરે, કૃષિ રસાયણોએ માટીના સુક્ષ્મજીવાણુઓનો નાશ કર્યો છે, ફળદ્રુપતાને નબળી પાડી છે, અને જમીન પર અને પાણીમાં બંને છોડ અને અસંખ્ય પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યું છે, આ બધાં જીવો મહત્વપૂર્ણ છે, કારણ કે સામૂહિક રીતે તે તંદુરસ્ત ઇકોસિસ્ટમ બનાવે છે જે આપણા પાણી અને હવાથી પ્રદૂષકોને દૂર કરે છે, આપણી જમીનને સમૃદ્ધ કરે છે, આપણા પાકને પોષણ આપે છે અને આપણા મોસમની પ્રણાલીનું નિયમન કરે છે."
*****
પ્રસાદચંદ્ર પાંડાએ જણાવ્યું કે, “તેમ કરવું સરળ નહોતું, તેમને (આદિવાસી ખેડુતોને) કપાસ તરફ વાળવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડી છે.”
રાયગડાના બિશ્માકટકમાં કામખ્યા ટ્રેડર્સ, જે બીજ અને રસાયણની દુકાન છે, ત્યાં તેમને તેમના ગ્રાહકો અને અન્ય લોકો ‘કપ્પા પાન્ડા’ કે ‘કપાસ પાન્ડા પોકારે છે.
પાન્ડાએ ૨૫ વર્ષ પહેલા ખેતી વિભાગમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા સમયે જ, આ દુકાન ખોલી હતી. વર્ષ ૨૦૧૭માં, તે ૩૭ વર્ષની નોકરી બાદ નિવૃત થયા હતા. સરકારી અધિકારી તરીકે હતા ત્યારે તેમણે ગામના લોકોને પછાત ખેતી છોડી કપાસની ખેતી કરવા પ્રેરીત કર્યા હતા, જ્યારે તેમના છોકરા સુમન પાન્ડાના નામે વેચાણની પરવાનગી મેળવી, તેઓ બીજ અને તેને લાગતી ખેતી માટેની રાસાયણિક દવાઓ વેચતા હતા.
“સરકારી નીતિઓએ કપાસને ખેડૂતો માટે રોકડ પાક તરીકે રજૂ કર્યો. પાકને બજારના સાધનોની જરૂર હતી, તેથી મેં એક દુકાન ઉભી કરી.” એમ કહેતા, પાંડાને આમાં કશું વાંધાજનક લાગતું નથી.
પાંડા સાથે તેમની દુકાનમાં અમારી બે કલાકની વાતચીત દરમિયાન, ખેડુતો બિયારણ અને રસાયણો ખરીદવા આવતા રહ્યા, શું ખરીદવું, ક્યારે વાવવું, કેટલું છાંટવુ જોઇએ વગેરે અંગેની સલાહ માગતા રહ્યા. તેમણે દરેકને વિના સંકોચે જવાબ આપ્યો. તેમના માટે, તે વૈજ્ઞાનિક નિષ્ણાત, વિસ્તરણ અધિકારી, તેમના સલાહકાર, બધું તે એક જ હતા. અને તેમની આજ્ઞાનું અનુસરણ, તેમના માટે ફરજ હતું.
કપાસનું વાવેતર કરતા બધા ગામોમાં અમે પાન્ડાની દુકાનમાં જોયેલ પરિસ્થિતિ જેવો હાલ જોયો. તેમની “દુકાન”બજારમાં આવવાથી કપાસના પાકમાં વૃદ્ધિથવા કરતા પણ વધારે અસર દેખાઈ આવે છે.
વૈજ્ઞાનિક અને ઉઘાડપગા સંરક્ષણવાદી , રાયગડામાં વર્ષ ૨૦૧૧થી સીતુ ચોખા સરંક્ષણ યોજના અને ખેડૂત તાલીમ ચલાવતા દેબલ દેબે અમને જણાવ્યું કે “કૃષિ જમીન સંપૂર્ણપણે કપાસ વાવણી માટે ફાળવવામાં આવી હોવાથી, ખેડૂતોને તેમની તમામ ઘરની જરૂરીયાતો બજારમાંથી ખરીદવી પડે છે.”
તેમણે કહ્યું, "ખેતી સાથે સંબંધિત અને બિન-ખેતી વ્યવસાયોનું પરંપરાગત જ્ઞાન ઝડપથી અદૃશ્ય થઈ રહ્યું છે. ગામે ગામ કોઈ કુંભાર નથી, સુથાર નથી, વણકર નથી. ઘરની બધી ચીજવસ્તુઓ બજારમાંથી ખરીદે છે, અને તેમાંના મોટા ભાગના -માટલાથી ચટાઈ સુધી - પ્લાસ્ટિકના બનેલા હોય છે, જે દૂરના શહેરોમાંથી આયાત કરવામાં આવે છે. વાંસ મોટાભાગના ગામોમાંથી અલોપ થઈ ગયો છે, અને તેની સાથે વાંસની હસ્તકલા પણ ગઈ છે. હવે તેમની જગ્યાએ જંગલમાંથી લાકડા અને મોંઘા કોંક્રિટ છે. એક થાંભલો ઉભો કરવા અથવા વાડ બનાવવા માટે, ગામલોકોને જંગલમાંથી ઝાડ કાપવા પડે છે. નફાના લોભને કારણે જેટલું લોકો બજાર પર આધાર રાખે છે, એટલું પર્યાવરણને નુકસાન થાય છે. "
*****
બિશ્માકટક બ્લોકના કાલીપંગા ગામના કોન્ધ આદિવાસી રામદાસ ત્રણ ઉધાર લીધેલ બીટી કપાસના પેકેટ લઇને કાલીપંગા જતા હતા ત્યારે નીયામગીરી પર્વતની તળેટીમાં રામદાસને અમે પૂછ્યું, કે તમે કેમ આ લીધા છે તો તેમણે કહ્યું કે “કુદ્રુકાએ કહ્યું કે આ સારા છે એટલે.” માત્ર દુકાનદારની સલાહને આધારે તેમણે તે પેકેટ લીધા હતા.
તેમણે તેમના માટે શું ચૂકવ્યું હતું? “જો મેં હમણાં જ પૈસા ચૂકવ્યા હોત, તો રૂ. ૮૦૦ દરેક દીઠ આપવા પડતા પણ મારી પાસે રૂ. ૨૪૦૦ નથી, તેથી દુકાનદાર રૂ.૩૦૦૦ લણણી સમયે મારી પાસેથી લેશે.” પણ જો તેમણે પેકેટ દીઠ રૂ. ૧૦૦૦ને બદલે રૂ. ૮૦૦ પણ ચૂકવ્યા હોત, તો પણ રૂ. ૭૩૦ના દરે નોંધાયેલ સૌથી મોંઘા કપાસના બીજ બોલેર્ડ II બીટી કપાસ કરતા વધારે મોંઘા પડત.
પીરીકાકા, રામદાસ, સુના અને અન્ય ખેડુતોએ અમને કહ્યું કે કપાસ પહેલાં વાવેલ બધી વાવણીઓથીઅલગ જ છે: 'અમારા પરંપરાગત પાકને ઉગાડવા માટે કંઈપણ રસાયણની જરૂર નહોતી પડતી...'
રામદાસે ખરીદી કરેલા કોઈપણ પેકેટો પર ભાવ, ઉત્પાદન અથવા સમાપ્તિ તારીખ, નામ અથવા કંપનીની સંપર્ક વિગતો દર્શાવવામાં આવી નથી. તે પેકેટ ઉપર કીડાનું એક ચિત્ર હતું જેના પર લાલ રંગની ચોકડી મારેલી હતી પરંતુ તેના પર બીટી કે એચટી બીજ તરીકેનું કોઈ નામ ન હતું. પરંતુ રામદાસ દુકાનદારના કહેવા પર તેને “ઘાસમારા, ઘાસ નાશક સાથે વાપરી શકાતી વાવણી” સમજી રહ્યા હતા.
જુલાઇના પખવાડિયામાં અમે ઇન્ટરવ્યુ લીધેલ દરેક ખેડૂતની જેમ, રામદાસને ખબર નહોતી કે એચ ટી બીજ ભારતમાં માન્ય નથી. તેને ખબર નહોતી કે કંપનીઓ લેબલ વગરના બીજ વેચી શકતી નથી, કે કપાસના બીજના સરકાર દ્વારા દર નક્કી કરેલ હોય છે. બીજ પેકેટ અને કૃષિ-રસાયણ બોટલ પરનું કોઈ પણ લેખન ઓડિયામાં ના હોવાથી, અહીંના ખેડુતો તેને વાંચીને પણ તે જાણી નથી શકતા કે ઉત્પાદકો સામે શું દાવા કરે છે.
છતાં, પૈસાની શક્યતા તેમને કપાસ તરફ દોરી રહી હતી.
"જો આપણે આ ઉગાડીએ, તો હું આ વર્ષે મારા દીકરાની ખાનગી અંગ્રેજી-માધ્યમિક શાળામાં ફી મેળવવા માટે કેટલાક પૈસા કમાઈ શકું છુ" - બિસ્માકાટક બ્લોકના કેરાંદિગુડા ગામમાં દલિત ભાડૂત ખેડૂત શ્યામસુંદર સુનાની આ આશા હતી. અમને તે, તેની કોંઢ આદિવાસી પત્ની કમલા અને તેમના બે બાળકો એલિઝાબેથ અને આશિષ મળીને કપાસ બીજ વાવતાં મહેનત કરતાં મળ્યાં. સુનાએ બધા પ્રકારના કૃષિ-રસાયણો લાગુ કર્યા હતા, જેના વિશે તે પોતે થોડું જાણતા હતા. દુકાનદારેર મને કહ્યું કે "કપાસ સારૂં આવશે."
પીરીકાકા, રામદાસ, સુના અને અન્ય ખેડુતોએ અમને કહ્યું કે કપાસ તેઓ પહેલાં વાવેલ બધી વાવણીઓથી અલગ જ છે. પીરીકાકાએ કહ્યું કે "અમારા પરંપરાગત પાકને ઉગાડવા માટે ખાતર કે જંતુનાશક દવાની જરૂર પડતી ન હતી." રામદાસે કહ્યું, "પરંતુ કપાસ સાથે, દરેક પેકેટ ૧૦,૦૦૦ રૂપિયાના વધુ ખર્ચ માંગે છે. જો તમે આ બીજ, તેના ખાતરો અને જંતુનાશક પાછળ ખરચો કરી શકો, તો તમને લલણી સમે કશો લાભ મળી શકે. જો તમે તેમ કરી શકતા નથી... તો તમે તમારા બધા પૈસા ગુમાવશો. જો તમે ખરચો કરી શકો,અને સ્થિર હવામાન રહે - તો પછી તમે તેને [પાક] રૂ.૩૦,૦૦૦- રૂ. ૪૦,૦૦૦માં વેચી શકો છો."
પૈસા કમાવવાની આશામાં ખેડુતો કપાસ લેતા હતા, તો પણ મોટાભાગના ખેડુતો માટે, તેના દ્વારા તેઓએ કેટલી કમાણી કરી, તે કહેવું મુશ્કેલ હતું.
ચંદ્રા કુન્દ્રુકાએ અમને કહ્યું કે આવતા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ખેડૂતોએ જે દુકાનદાર પાસેથી બીજ લીધા હતા, તેમના દ્વારા તેમના ઉત્પાદન વેચવા પડશે, જે તેમની કમાણીમાંથી, વધુ વ્યાજ સહીત પોતાનો ભાગ લઇને, જે વધશે તે તેમને આપશે. તેમણે ઉમેર્યું કે, “મેં હાલમાં જ ગુનપુરના એક વેપારી પાસેથી ૧૦૦ પેકેટ ઉધાર મંગાવ્યા છે. હું લલણી સમયે તેનો ઉધાર ચૂકવીશ અને ખેડૂતો પાસેથી જે વ્યાજ આવ્યું છે તે અમે વિભાજીત કરી લઈશું.”
જો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય અને તેણે તેમને ઉધાર વેચેલ પેકેટો માટેની તેઓ ચૂકવણી ના કરી શકે તો? શું તે મોટું જોખમ નથી?
"શું જોખમ?" યુવકે હસતાં કહ્યું."ખેડુતો ક્યાં જશે? તેમનું કપાસ મારા દ્વારા વેપારીઓને વેચાય છે. જો તેઓ પ્રત્યેક ૧-૨ ક્વિન્ટલ લણણી કરે તો હું તેમાંથી મારો ભાગ વસુલ કરી લઈશ.”
જે કહેવાની જરૂર પણ નથી તે એ હતું કે ખેડૂતો પાસે કદાચ કશું બાકી નહીં રહે.
પ્રો. નઈમ કહે છે કે વૈશ્વિક સ્તરે, પાકની વિવિધતાને નાબૂદ કરવાનો અર્થ એ છે કે ખોરાકની સલામતીને જોખમમાં મૂકવી અને ગ્લોબલ વર્મિંગ સાથે અનુકૂલન કરવાની ક્ષમતામાં ઘટાડો કરવો, જેના લીધે રાયગડા પણ તેની કિંમતી જૈવવિવિધતાથી વંચિત રહી જશે.” તેમણે
ચેતવણી
પણ આપી હતી, કે હવામાન પરિવર્તન અને જૈવવિવિધતાના નુકસાનને ઊંડાણપૂર્વક જોડવામાં આવે છે: "જે ગ્રહ ઓછો લીલોતરી અને ઓછા જૈવિક રીતે વૈવિધ્યસભર છે, તે વધુ ગરમ અને સુકાઈ જાય તેવી સંભાવના છે."
રાયગડાના આદિવાસી જૈવવિવિધતા છોડીને જે બીટી કપાસ તરફ આગળ વધી રહ્યા છે, તેથી ઓડીશામાં પર્યાવરણ નિવસન તંત્ર અને અર્થતંત્રમાં જે બદલાવ જોવા મળી રહ્યો છે, તેથી વ્યક્તિગત ઘરેલુ સ્તર અને વાતાવરણની અસરના સ્તર પર કટોકટી સર્જાઈ રહી છે. આ બદલાવમાં અજાણ્યા રૂપે ફસાયેલ લોકોની ભૂમિકા પીરીકાકા, કુડુકા, રામદાસ અને ‘કપાસ પાંડા’ ભજવી રહેલ છે.
દેબલ દેબે કહ્યું, "દક્ષિણ ઓડિશા કદી કપાસ ઉગાડવાનો પરંપરાગત વિસ્તાર નહોતો. તેની શક્તિ બહુવિધ પાકમાં રહેલ છે. આ વ્યાપારી કપાસ મોનોકલ્ચરથી પાકની વિવિધતા, જમીનની સંરચના, ઘરની આવકની સ્થિરતા, ખેડૂતોની સ્વતંત્રતા અને આખરે, ખોરાકની સુરક્ષામાં ફેરફાર થઈ ગયો છે. " આ કૃષિ આપત્તિ માટેની એક અચુક પદ્ધતિ લાગે છે.
પરંતુ આ પરિબળો, ખાસ કરીને જમીનના ઉપયોગથી સંબંધિત પરિવર્તન, તથા આ બધું જે પાણી અને નદીઓ,અને જૈવવિવિધતા પરના નુકસાનમાં બદલે છે, તે બીજી લાંબા ગાળાની, મોટા પાયે પ્રક્રિયાઓ તરફ પણ અવડો ભાગ ભજવતા હશે. અમે આ પ્રદેશમાં વાતાવરણમાં પરિવર્તન થવાનાં બીજની વાવણીનાં સાક્ષી છીએ.
કવર ફોટો: કાલિપોંગા ગામમાં, ખેડૂત રામદાસે ગ્લાયફોસેટ, જે સર્વગ્રાહી વનસ્પતિનાશકના છંટકાવના થોડા દિવસો પછી બીટી અને એચટી કપાસની વાવણી કરી રહ્યા છે. (તસ્વીર: ચિત્રાંગદા ચૌધરી)
PARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય સમાચારો એકત્રિત કરવાનો આ પ્રયાસ સામાન્ય માણસોના આવાજમાં અને તેમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ અપાતી UNDPની સહાયનો ભાગ છે.
આ લેખ ફરી પ્રકાશિત કરવો છે? મહેરબાની કરીને સંપર્ક કરો:
zahra@ruralindiaonline.org
અને cc મોકલો:
namita@ruralindiaonline.org
.
અનુવાદ: મહેદી હુસૈન