પ્રસાર માધ્યમો ક્યારેય ખુલ્લેઆમ સ્વીકારી નહીં શકે કે સમગ્ર વિશ્વના સૌથી મોટા શાંતિપૂર્ણ - અને તે પણ (કોરોના) મહામારી તેની ચરમ સીમાએ હતી ત્યારે ચોક્કસપણે સૌથી વધુ સંગઠિત  - લોકશાહી આંદોલનનો જંગી વિજય થયો છે.

એક એવો વિજય જે આપણને મળેલો વારસો આગળ લઈ જાય છે. આ દેશની આઝાદીની લડતમાં - આદિવાસી અને દલિત સમુદાયો સહિતના - તમામ પ્રકારના ખેડૂતો, પુરૂષો અને સ્ત્રીઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અને આપણી આઝાદીના 75મા વર્ષમાં દિલ્હીના દરવાજા પર એ જ ખેડૂતોએ એ મહાન સંઘર્ષની એ જ્યોત પ્રજ્જવલિત રાખી.

વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે તેઓ પરોઠના પગલાં ભરી રહ્યા છે અને આ મહિનાની 29મી તારીખથી શરૂ થઈ રહેલા સંસદના આગામી શિયાળુ સત્રમાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી રહ્યા છે. તેઓ કહે છે કે  'શ્રેષ્ઠ પ્રયાસો છતાં મુઠ્ઠીભર ખેડૂતોના એક વર્ગને' (આ કાયદાઓના લાભો) સમજાવવામાં નિષ્ફળ ગયા પછી તેઓ આ પગલું ભરી રહ્યા છે.  યાદ રહે, માત્ર મુઠ્ઠીભર ખેડૂતોને તેઓ એ વાત  સ્વીકારવા માટે મનાવી ન શક્યા કે ત્રણ બદનામ કૃષિ કાયદાઓ તેમના માટે ખરેખર ફાયદાકારક હતા. આ ઐતિહાસિક સંઘર્ષ દરમિયાન મૃત્યુ પામેલા 600 થી વધુ ખેડૂતો વિશે અથવા તેમના માટે હરફ સરખો ય નહીં. તેઓ સ્પષ્ટ કરે છે તેમની નિષ્ફળતા  માત્ર તેમની સમજાવટની કુશળતામાં છે, 'ખેડૂતોના એ વિભાગ'ને (એ કાયદાઓની) ઊજળી બાજુ જોઈ શકવા માટે સમજાવી ન શકવા બદલ. કોઈ નિષ્ફળતા નથી સાંકળી કાયદાઓની  સાથે કે નથી સાંકળી (કોવિડ) મહામારીની વચ્ચે એ કાયદાઓને ઠોકી બેસાડવાની તેમની સરકારની રીત સાથે.

ખેર, ખાલિસ્તાનીઓ, દેશદ્રોહીઓ, ખેડૂતોના છદ્મવેષમાં ઢોંગી રાજકીય કાર્યકરોની પદોન્નતિ થઈ અને તેઓ  'ખેડૂતોનો એક વર્ગ'  બન્યા, જેમણે શ્રી મોદીની મોહિનીથી  વશીભૂત થવાનો ઈન્કાર કરી દીધો. સમજવાનો ઈન્કાર કર્યો? સમજાવવાની રીત અને પદ્ધતિ કઈ હતી? તેમની દાદ-ફરિયાદ રજૂ કરવા તેમને રાજધાનીમાં પ્રવેશતા અટકાવીને? તેમને ઊંડા ખાડા અને કાંટાળા તારથી રોકીને? તેમના પર વોટર કેનન વરસાવીને? તેમની શિબિરોને નાના ગુલાગમાં રૂપાંતરિત કરી દઈને? ચમચાગીરીમાંથી ઊંચા જ ન આવતા પ્રસાર માધ્યમો  દ્વારા ખેડૂતોને રોજેરોજ બદનામ  કરીને? તેમને  - કથિત રીતે કેન્દ્રીય મંત્રી કે તેમના સુપુત્રની માલિકીના - વાહનોની નીચે કચડીને? આ સરકારના મતે આ જ છે સમજાવટની રીત? આ પ્રયાસો જો સરકારના  'શ્રેષ્ઠ પ્રયાસો' હતા તો એ સરકાર હજી કેટલા ખરાબ પ્રયાસો કરી શકે એની કલ્પના ન કરીએ તે જ સારું છે.

What was the manner and method of persuasion? By denying them entry to the capital city to explain their grievances? By blocking them with trenches and barbed wire? By hitting them with water cannons?
PHOTO • Q. Naqvi
What was the manner and method of persuasion? By denying them entry to the capital city to explain their grievances? By blocking them with trenches and barbed wire? By hitting them with water cannons?
PHOTO • Shadab Farooq

સમજાવવાની રીત અને પદ્ધતિ કઈ હતી? તેમની દાદ-ફરિયાદ રજૂ કરવા તેમને રાજધાનીમાં પ્રવેશતા અટકાવીને? તેમને ખાઈ અને કાંટાળા તારથી રોકીને? તેમના પર વોટર કેનન વરસાવીને?

વડાપ્રધાને માત્ર આ જ વર્ષમાં  ઓછામાં ઓછી સાત વિદેશ યાત્રાઓ કરી છે (જેમ કે સૌથી તાજેતરની CoP26 માટેની). પરંતુ પોતાના નિવાસસ્થાનેથી માત્ર થોડા કિલોમીટર જ દૂર જઈને દિલ્હીના દરવાજા પર ધામા નાખીને બેઠેલા હજારો ખેડૂતો, જેમની વેદના સમગ્ર દેશમાં કેટકેટલા લોકોને સ્પર્શી ગઈ હતી, તેમને મળવા માટેનો સમય  ક્યારેય ન ફાળવી શક્યા. સમજાવટની દિશામાં (આવી એક મુલાકાત) એ શું સાચો પ્રયાસ ન હોત?

હાલના વિરોધ પ્રદર્શનોના પહેલા મહિનાથી જ પ્રસાર માધ્યમોએ અને બીજાઓએ ખેડૂતો પોતાનું આંદોલન ક્યાં સુધી ચાલુ રાખી શકશે એ વિશેના પ્રશ્નોની ઝડી સતત મારા પર વરસાવતા રહ્યા હતા. તે પ્રશ્નનો જવાબ ખુદ ખેડૂતોએ જ આપ્યો છે. પરંતુ તેઓ એ પણ જાણે છે કે તેમની આ શાનદાર જીત એ પાશેરામાં પહેલી પૂણી  છે. કૃષિ કાયદા પાછા ખેંચવાનો અર્થ એ છે કે નિગમોનો પગ હાલ પૂરતો ખેડૂતની ગરદન પરથી હઠી ગયો છે - પરંતુ MSP અને કૃષિ પેદાશોની ખરીદીથી લઈને આર્થિક નીતિઓના ઘણા મોટા મુદ્દાઓ સુધીની બીજી અનેક સમસ્યાઓ હજી પણ ઉકેલ માગી લે છે.

ટેલિવિઝનના સૂત્રધારો - જાણે કોઈ અદ્દભૂત ઘટસ્ફોટ કરતા હોય તેમ - આપણને કહે છે - કે આગામી ફેબ્રુઆરીમાં પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની આગામી ચૂંટણીઓ સાથે સરકારના આ પરોઠના પગલાં વચ્ચે નક્કી કોઈક ને કોઈક સંબંધ હોવો જોઈએ.

આ જ પ્રસાર માધ્યમો  3 જી નવેમ્બરે જાહેર થયેલ 29 વિધાનસભા અને 3 સંસદીય મતવિસ્તારોની પેટાચૂંટણીના પરિણામોના મહત્ત્વની અર્થપૂર્ણતા વિશે તમને કંઈ પણ કહેવામાં  સદંતર નિષ્ફળ ગયા હતા. તે સમયની આસપાસના તંત્રીલેખો વાંચો - ટેલિવિઝન પરના  વિશ્લેષણોએ  તમારે ગળે શું શું ઉતરાવ્યું એ જુઓ. તેઓએ સામાન્ય રીતે પેટાચૂંટણીમાં શાસક પક્ષો  જીતવાની, કેટલીક સ્થાનિક નારાજગીની - અને તે પણ માત્ર બીજેપી સુધી જ સીમિત નહોતી એવી અને એવી બીજી વાહિયાત વાતો  કરી હતી . કેટલાક સંપાદકીયમાં એ મતદાન પરિણામોને અસર કરતા બે પરિબળો  - ખેડૂત આંદોલનો અને કોવિડ-19 ના વહીવટમાં અંધેરનો અછડતો ઉલ્લેખ કરાયો હતો.

The protests, whose agony touched so many people everywhere in the country, were held not only at Delhi’s borders but also in Karnataka
PHOTO • Almaas Masood
The protests, whose agony touched so many people everywhere in the country, were held not only at Delhi’s borders but also in West Bengal
PHOTO • Smita Khator
PHOTO • Shraddha Agarwal

વિરોધ પ્રદર્શનો જેની વેદના સમગ્ર દેશમાં કેટકેટલા લોકોને સ્પર્શી ગઈ હતી, આ વિરોધ પ્રદર્શનો માત્ર દિલ્હીની સરહદો પર જ નહીં, પણ કર્ણાટક (ડાબે), પશ્ચિમ બંગાળ (વચ્ચે), મહારાષ્ટ્ર (જમણે) અને બીજાં રાજ્યોમાં પણ યોજાયા હતા

શ્રી મોદીની આજની જાહેરાત પરથી એ સ્પષ્ટ થયા વિના રહેતું નથી કે છેવટે ઓછામાં ઓછું  તેઓ તો એ  બંને પરિબળોના મહત્વને ડહાપણપૂર્વક  સમજી શક્યા છે. તેઓ સમજે છે કે  જે રાજ્યોમાં  ખેડૂતોનું આંદોલન ઉગ્ર છે ત્યાં કેટલીક મોટી હારનો સામનો કરવો પડ્યો છે . પરંતુ પોતાના વાચકો આગળ આ બધું પંજાબ અને હરિયાણા પૂરતું સીમિત છે એવી રટ લગાવી રહેલ પ્રસાર માધ્યમોને રાજસ્થાન અને હિમાચલ જેવા રાજ્યોની હારનું વિશ્લેષણ શી રીતે કરવું એ સમજાતું  નથી.

જરા વિચારો, રાજસ્થાનના બે મતવિસ્તારોમાં ભાજપ કે સંઘ પરિવાર સંગઠનનો કોઈ પણ પક્ષ ત્રીજા અને ચોથા ક્રમે ધકેલાઈ ગયો હોય અથવા હિમાચલમાં તેમને જોરદાર ફટકો પડ્યો હોય અને  વિધાનસભાની ત્રણે ય બેઠક અને સંસદની એક બેઠક ગુમાવવી પડી હોય એવું આપણે છેલ્લે ક્યારે જોયું હતું?

આંદોલનકારીઓ કહે છે તેમ હરિયાણામાં,  "મુખ્યમંત્રીથી લઈને ડીએમ સુધીની આખી સરકાર" ભાજપના પ્રચારમાં વ્યસ્ત હતી;   કોંગ્રેસે ખેડૂતોના મુદ્દે રાજીનામું આપનાર અભય ચૌટાલા સામે મૂર્ખતાપૂર્વક  પોતાનો ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો  હતો; કેન્દ્રીય મંત્રીઓએ પૂરી તાકાતથી ઝંપલાવ્યું હતું - તેમ છતાં ભાજપ હારી ગયું. કોંગ્રેસના ઉમેદવારે પોતાની  ડિપોઝીટ ગુમાવી પરંતુ ચૌટાલા અને ભાજપના હારેલા ઉમેદવાર વચ્ચેનો મતનો તફાવત થોડો ઓછો કરવામાં સફળ રહ્યા - તેમ છતાં ચૌટાલા 6000 થી વધુ મતોથી જીત્યા.

ત્રણેય રાજ્યોએ ખેડૂતોના વિરોધ પ્રદર્શનોની અસર અનુભવી - અને નિગમોના તળિયા ચાટનારા (પ્રસાર માધ્યમો) ભલે એ સમજવામાં થાપ ગાઈ ગયા હોય, વડાપ્રધાન એ સમજી ગયા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એ વિરોધ પ્રદર્શનોની અસરની સાથોસાથ લખીમપુર ખેરી ખાતે કરાયેલી આઘાતજનક  હત્યાઓએ બળતામાં ઘી હોમ્યું, અને તે રાજ્યમાં હવે આગામી ચૂંટણી આડે માત્ર 90 દિવસ બાકી છે, એ જોતાં વડાપ્રધાને પોતાનો રવૈયો બદલ્યો.

આગામી ત્રણ મહિનામાં ભાજપ સરકારે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા(ના વચન)નું શું થયું?  -  એ  પ્રશ્નનો જવાબ આપવો પડશે - જો વિરોધ પક્ષોમાં તે સવાલ  ઉઠાવવાની અક્કલ હોય તો. ખેડૂતોની આવક એકંદરે બમણી કરવાની વાત તો ભૂલી જાઓ - NSS (નેશનલ સેમ્પલ સર્વે, 2018-19) નું  77મું રાઉન્ડ ખેડૂતોને ખેતીમાંથી થતી આવકના હિસ્સામાં ઘટાડો દર્શાવે છે. તે ખેતીમાંથી થતી કુલ આવકમાં સ્વતંત્રપણે ઘટાડો થયો હોવાનું પણ દર્શાવે છે.

વિડીયો જુઓ: બેલ્લા ચાઓ – પંજાબી – વાપસ જાઓ, પૂજન સાહિલ/કારવાં એ મોહબ્બત દ્વારા

આ કૃષિ સંકટનો અંત જરા ય નથી. આ એ કટોકટીના મોટા મુદ્દાઓ પરના યુદ્ધના નવા તબક્કાની શરૂઆત છે

ખરું પૂછો તો ખેડૂતોએ (કૃષિ) કાયદાઓને પાછા ખેંચવાની એ નિર્ધારિત માંગને હાંસલ કરવા ઉપરાંત ઘણું વધારે હાંસલ કર્યું છે. જે રીતે 2004ની સામાન્ય ચૂંટણીઓના પરિણામો પર ખેડૂતોની વેદનાએ ઊંડી અસર પહોંચાડી હતી તે જ રીતે તેમના આ સંઘર્ષે પણ આ દેશના રાજકારણ પર ઊંડી અસર કરી છે.

આ કૃષિ સંકટનો અંત જરા ય નથી. આ એ કટોકટીના મોટા મુદ્દાઓ પરના યુદ્ધના નવા તબક્કાની શરૂઆત છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શનો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા  છે. અને ખાસ કરીને 2018 થી તો ઉગ્રતાથી, જ્યારે મહારાષ્ટ્રના આદિવાસી ખેડૂતોએ નાસિકથી મુંબઈ સુધીની તેમની 182 કિમીની આશ્ચર્યજનક પદયાત્રા દ્વારા દેશમાં નવી ચેતના જગાવી હતી. તે વખતે પણ, શરૂઆતમાં તેમને વાસ્તવિક ખેડૂતો નહીં  પણ 'શહેરી નક્સલ' તરીકે ખપાવીને અને એવી બીજી વાહિયાત વાતો કરીને તેમની અવહેલના કરવામાં આવી હતી. તેઓની આ પદયાત્રાએ તેમની બદબોઈ કરનારાઓને હરાવીને  પરોઠના પગલાં ભરવા મજબૂર કર્યા હતા.

આજે અહીં અનેક મોરચે જીત હાંસલ થઈ છે. તેમાંની એક કોર્પોરેટ મીડિયાના ઈશારે નાચતા  પ્રસાર માધ્યમો પર થયેલી ખેડૂતોની જીત નાનીસૂની નથી. (બીજા અનેક મુદ્દાઓની જેમ જ) કૃષિ (કાયદાઓ) ના મુદ્દે પ્રસાર માધ્યમોએ વધારે ક્ષમતાવાળી AAA (એમ્પ્લીફાઈંગ અંબાણી અદાણી +) બેટરી તરીકેનું કામ જ કર્યું હતું.

ડિસેમ્બર અને આગામી એપ્રિલની વચ્ચે આપણે  એવા બે મહાન સામયિકોની શરૂઆતના 200 વર્ષ ની ઉજવણી કરીશું, જે ખરા અર્થમાં ભારતીય (માલિકીના અને સંવેદના અનુભવતા) પ્રેસની શરૂઆત હતી તેમ કહી શકાય. (બંને રાજા રામમોહન રોય દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા.) તેમાંના એક - મિરાત-ઉલ-અખબારે - (હાલ બાંગ્લાદેશના ચિત્તાગોંગ સ્થિત) કોમિલ્લામાં ન્યાયાધીશે ફરમાવેલી ચાબૂકના ફટકા મારવાની સજાને પરિણામે  પ્રતાપ નારાયણ દાસનું મોત નીપજતાં અંગ્રેજી વહીવટનો બખૂબી પર્દાફાશ કર્યો  હતો. રોયના શક્તિશાળી તંત્રીલેખને પરિણામે ન્યાયાધીશની અટકાયત કરવામાં આવી હતી અને તત્કાલીન સર્વોચ્ચ અદાલત દ્વારા તેમના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો.

Farmers of all kinds, men and women – including from Adivasi and Dalit communities – played a crucial role in this country’s struggle for freedom. And in the 75th year of our Independence, the farmers at Delhi’s gates have reiterated the spirit of that great struggle.
PHOTO • Shraddha Agarwal
Farmers of all kinds, men and women – including from Adivasi and Dalit communities – played a crucial role in this country’s struggle for freedom. And in the 75th year of our Independence, the farmers at Delhi’s gates have reiterated the spirit of that great struggle.
PHOTO • Riya Behl

આ દેશની આઝાદીની લડતમાં - આદિવાસી અને દલિત સમુદાયો સહિતના -તમામ પ્રકારના ખેડૂતો, પુરૂષો અને સ્ત્રીઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અને આપણી આઝાદીના 75મા વર્ષમાં દિલ્હીના દરવાજા પર એ જ ખેડૂતોએ એ મહાન સંઘર્ષની એ જ્યોત પ્રજ્જવલિત રાખી છે

આ ઘટના બાદ ગવર્નર જનરલે પ્રેસને આતંકિત કરીને આની પ્રતિક્રિયા આપી. એક નવો કઠોર પ્રેસ વટહુકમ બહાર પાડીને તેમણે પત્રકારોને  સરકારના કહ્યામાં રાખવાનો  પ્રયત્ન કર્યો. આ વટહુકમને માન્ય રાખવાનો ઈન્કાર કરતા રોયે જાહેરાત કરી કે બદનક્ષીભર્યા અને અપમાનજનક કાયદાઓ અને સંજોગોને શરણે થવાને બદલે તેઓ મિરાત-ઉલ-અખબાર જ બંધ કરી રહ્યા છે. (અને તેમની લડત બીજા સામયિકો/વર્તમાનપત્રો સુધી  લઈ ગયા અને એ સામયિકોના માધ્યમથી  તેમની લડત જારી રાખી!)

એ નીડર પત્રકારત્વ હતું. કૃષિ (કાયદાઓ) ના મુદ્દે આપણે જોયેલ માત્ર દેખાડા પૂરતી  હિંમત અને શરતી શરણાગતિનું પત્રકારત્વ નહોતું. નનામા તંત્રીલેખોમાં ખેડૂતો માટેની  'ચિંતા'નો ઢોંગ કરવામાં આવે છે જ્યારે તંત્રીલેખની સામેના જ પાના પર તે ખેડૂતોને  'ધનવાનો માટે સમાજવાદની માગણી કરનારા'  શ્રીમંત ખેડૂતો ગણાવી તેમની ટીકા કરવામાં આવે છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસ, ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, અખબારોની લગભગ આખી જમાત  - કહેશે કે ખરું પૂછો તો આ બધા ગામડિયા રોંચા છે જેમને માત્ર મીઠી-મીઠી વાતોથી ભોળવવાની જરૂર છે. તમામ તંત્રીલેખો અચૂક એક જ આજીજીભરી વિંનતી સાથે પૂરા થતા: કંઈ પણ કરો પરંતુ આ કાયદાઓ પાછા ન ખેંચો નહીં, એ ખરેખર સારા છે. બાકીના બીજા મોટા ભાગના પ્રસાર માધ્યમોનું વલણ પણ આવું જ હતું.

શું આમાંના કોઈ પણ પ્રકાશનોએ એકવાર પણ તેમના વાચકોને - ખેડૂતો અને કોર્પોરેટ વચ્ચેની મડાગાંઠ વિષે - કંઈ પણ જણાવ્યું હતું? શું આમાંના કોઈ પણ  પ્રકાશનોએ તેમના વાચકોને જણાવ્યું હતું કે એકલા મુકેશ અંબાણીની 84.5 બિલિયન ડૉલરની વ્યક્તિગત સંપત્તિ (ફોર્બ્સ 2021) ખૂબ ઝડપથી પંજાબ રાજ્યના GSDP (લગભગ 85.5 બિલિયન) ની ખૂબ નજીક પહોંચી રહી છે? શું તેઓએ તમને એકવાર પણ કહ્યું હતું કે અંબાણી અને અદાણીની (જેમણે 50.5 બિલિયન ડોલર બનાવ્યા છે તેમની) સંયુક્ત સંપત્તિ પંજાબ કે હરિયાણાના જીએસડીપી કરતાં વધારે  છે?

The farmers have done much more than achieve that resolute demand for the repeal of the laws. Their struggle has profoundly impacted the politics of this country
PHOTO • Shraddha Agarwal
The farmers have done much more than achieve that resolute demand for the repeal of the laws. Their struggle has profoundly impacted the politics of this country
PHOTO • Anustup Roy

ખેડૂતોએ (કૃષિ) કાયદાઓને પાછા ખેંચવાની એ નિર્ધારિત માંગને હાંસલ કરવા ઉપરાંત ઘણું વધારે હાંસલ કર્યું છે તેમના સંઘર્ષે આ દેશના રાજકારણ પર ઊંડી અસર કરી છે

ઠીક છે, આમ જુઓ તો સંજોગો પ્રસાર માધ્યમોનો આ ગુન્હો ઓછો ગંભીર જણાય તેવા છે. અંબાણી ભારતમાં પ્રસાર માધ્યમો પર ના સૌથી મોટા માલિક છે. અને જે પ્રસાર માધ્યમોમાં  તેમની માલિકી નથી,  તે પ્રસાર માધ્યમોને તેમના ઉધોગસમૂહ પાસેથી જ સૌથી વધુ જાહેરાતો મળે છે. પરિણામે પ્રસાર માધ્યમો આ બે કોર્પોરેટ સમ્રાટોની ગર્વ લઈ શકાય તેટલીના ગાણાં વારંવાર ગાય છે. આ છે નિગમોની ચમચાગીરી કરતું પત્રકારત્વ.

(કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત થતાની સાથે જ ) પરોઠના પગલાં ભરવાની - આ યુક્તિપૂર્વકની  વ્યૂહરચના પંજાબ વિધાનસભાની ચૂંટણી પર કેવી  નોંધપાત્ર અસર કરશે તે અંગે મૂર્ખામીભરી બકબક શરુ થઈ ગઈ છે.  કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અને મોદી સાથે વાટાઘાટો કરીને અમરિન્દર સિંહે આ જાહેરાતને પોતે હોશિયારીથી મેળવેલી જીત તરીકે રજૂ કર્યો  છે. આનાથી ત્યાંનું ચૂંટણીનું ચિત્ર કેવી રીતે બદલાઈ જશે એની દાંડી પીટવાની શરૂઆત પણ થઈ ગઈ છે.

પરંતુ આ સંઘર્ષમાં સામેલ પંજાબના હજારો-લાખો લોકો  જાણે છે કે આ  કોની જીત છે.   છેલ્લા કેટલાક દાયકાઓમાં દિલ્હીનો સૌથી ખરાબ હાડ થીજાવી દે એવો  શિયાળો, આકરો ઉનાળો, ત્યારબાદ મૂશળધાર વરસાદ અને શ્રી મોદી અને તેમના ઈશારે નાચતા પ્રસાર માધ્યમોએ કરેલી  ભારોભાર અવહેલના સહન કરીને વિરોધ-પ્રદર્શન શિબિરોમાં રોકાયેલા લોકોએ પંજાબના લોકોના દિલ જીતી લીધા છે.

અને કદાચ આંદોલનકારીઓએ હાંસલ કરેલી સૌથી મહત્ત્વની સફળતા જે સરકાર પોતાની  વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓને વગર વિચાર્યે સીધા જેલમાં ધકેલી દે છે અથવા  તેમની પાછળ પડી જઈને તેમને હેરાન-પરેશાન કરી મૂકે છે તે સરકાર સામે બીજા ક્ષેત્રોમાં પણ સંઘર્ષની ચિનગારી પેટાવવામાં રહેલી  છે. એવી સરકાર જે UAPA  હેઠળ પત્રકારો સહિત નાગરિકોની આડેધડ ધરપકડ કરે છે અને 'આર્થિક ગુનાઓ' નું કારણ આગળ ધરી સ્વતંત્ર પ્રસાર માધ્યમો પર સામે પગલાં લે  છે. આ દિવસ માત્ર ખેડૂતોની જીતનો દિવસ નથી. આ નાગરિક સ્વતંત્રતા અને માનવ અધિકાર માટેની લડાઈની  જીત છે. ભારતીય લોકશાહીની જીત છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

P. Sainath
psainath@gmail.com

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought'.

Other stories by P. Sainath
Illustration : Antara Raman

Antara Raman is an illustrator and website designer with an interest in social processes and mythological imagery. A graduate of the Srishti Institute of Art, Design and Technology, Bengaluru, she believes that the world of storytelling and illustration are symbiotic.

Other stories by Antara Raman
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik