રામ્પામાં વિસ્થાપિત કોયા આદિવાસીઓ. પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં જમીનનો મુદ્દો વિસ્ફોટક બન્યો છે અને અહીં પૂર્વમાં ધૂંધવાતો રહે છે

અમે જીપમાંથી નીચે ઉતર્યા કે તરત ચુસ્ત બંદોબસ્ત હેઠળના રાજાવોમમંગી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલો ગભરાઈને પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. આ પોલીસ સ્ટેશન ખુદ પોલીસ સુરક્ષા હેઠળ છે. તેની આસપાસ ચારે બાજુ ખાસ સશસ્ત્ર પોલીસનો પહેરો છે.  અમે ફક્ત કેમેરાથી સજ્જ હતા એ બાબત તેમનો તણાવ ખાસ ઓછો ન કરી શકી. પૂર્વ ગોદાવરીના આ ભાગમાં પોલીસ સ્ટેશનોની તસવીરો લેવા પર પ્રતિબંધ છે.

આંતરિક કોરિડોરની સુરક્ષામાંથી હેડ કોન્સ્ટેબલ જાણવા માંગતો હતો કે અમે કોણ હતા. પત્રકારો? વાતાવરણ થોડું હળવું થયું. મેં પૂછ્યું, "તમે થોડી મોડી પ્રતિક્રિયા નથી આપી રહ્યા? તમારા સ્ટેશન પર તો 75 વર્ષ પહેલાં હુમલો થયો હતો."

તેમણે દાર્શનિક અંદાજમાં કહ્યું, "કોણે જાણ્યું? આજે બપોરે ફરીથી પણ (હુમલો) થઈ શકે."

આંધ્રપ્રદેશના આ આદિવાસી વિસ્તારો ‘એજન્સી’ વિસ્તાર તરીકે ઓળખાય છે. ઓગસ્ટ 1922 માં તેમણે બળવો પોકાર્યો હતો. સ્થાનિક સ્તરના આ આક્રોશે ટૂંક સમયમાં રાજકીય મહત્ત્વ પ્રાપ્ત કર્યું. બિન-આદિવાસી અલ્લુરી રામચંદ્ર રાજુ (સીતારામ રાજુ તરીકે વધુ જાણીતા છે), એ સ્થાનિક રીતે મણ્યમ બળવા તરીકે ઓળખાતી લડતમાં પહાડી જાતિઓનું નેતૃત્વ કર્યું. અહીં લોકો માત્ર ફરિયાદ નિવારણની માંગ કરી રહ્યા ન હતા. 1922 સુધીમાં તો તેમણે  (બ્રિટિશ) રાજને સત્તા પરથી હાંકી કાઢવા લડત શરૂ કરી હતી. બળવાખોરોએ રાજાવોમમંગી પોલીસ સ્ટેશન સહિત એજન્સી વિસ્તારના કેટલાક પોલીસ  સ્ટેશનો પર હુમલા કરીને તેમના ઇરાદા સ્પષ્ટ કર્યા હતા.

અંગ્રેજો વિરુદ્ધ લડનાર આ પ્રદેશની ઘણી સમસ્યાઓ 75 વર્ષ પછી હજી આજે પણ યથાવત રહી છે.

PHOTO • P. Sainath

પૂર્વ ગોદાવરીમાં સીતારામ રાજુની પ્રતિમા

રાજુના ચીંથરેહાલ સાથીઓએ સંપૂર્ણ ગોરીલા યુદ્ધમાં અંગ્રેજોને ઘૂંટણિયે લાવી દીધા હતા. સામનો કરવામાં અસમર્થ અંગ્રેજોએ બળવાને ડામવા માટે મલબાર સ્પેશિયલ ફોર્સની મદદ લીધી. તેઓને જંગલ યુદ્ધની તાલીમ આપવામાં આવી હતી અને તેઓ પેક વાયરલેસ સેટથી સજ્જ હતા. આ બળવો  1924 માં રાજુના મૃત્યુ સાથે સમાપ્ત થયો. છતાં અંગ્રેજો માટે,  ઈતિહાસકાર એમ. વેંકટરંગૈયાએ લખ્યું છે તે મુજબ: "આ બળવાએ તો અસહકાર આંદોલન કરતા ય વધારે માથાનો દુખાવો ઊભો કર્યો."

આ વર્ષે સીતારામ રાજુની જન્મ શતાબ્દી છે, તેમની હત્યા કરવામાં આવી ત્યારે તેઓ માત્ર 27 વર્ષના હતા.

PHOTO • P. Sainath

કૃષ્ણદેવીપેટ ખાતે  સીતારામ રાજુની સમાધિ

વસાહતી શાસને પહાડી આદિવાસીઓને બરબાદ કરી નાખ્યા. 1870 અને 1900 ની વચ્ચે (બ્રિટિશ) રાજે ઘણા જંગલોને "સુરક્ષિત" જાહેર કર્યા અને પોડુ (વિચરતી) ખેતી પર પ્રતિબંધ મૂક્યો. ટૂંક સમયમાં જ તેઓએ ગૌણ વન્ય પેદાશો એકત્રિત કરવાના આદિવાસીઓના હક પર અંકુશ લગાવ્યો. આ  હક  વન વિભાગ અને તેના ઠેકેદારોના હાથમાં ગયો. એ પછી તેઓએ આદિવાસીઓ પાસે બળજબરીથી અને ઘણી વખત અવેતન મજૂરી કરાવી. આખો  વિસ્તાર બિન-આદિવાસીઓની પકડમાં. સજાના નામે ઘણી વાર તેમની જમીનો જપ્ત કરી લેવામાં આવી. આ બધી ચાલને કારણે પ્રદેશની નિર્વાહ અર્થવ્યવસ્થા પડી ભાંગી.

રામ્પાના કોયા આદિવાસી રામાયમ્મા કહે છે, “ભૂમિહીન લોકો આજે બહુ ખરાબ રીતે પીડાય છે.  50 વર્ષ પહેલાંની તો મને ખબર નથી."

રાજુ માટે રામ્પા સ્ટેજિંગ પોઇન્ટ હતું.  લગભગ 150 પરિવારોના આ નાના ગામમાં રામાયમ્માના પરિવાર સહિત લગભગ 60 પરિવારો ભૂમિહીન છે.

પરિસ્થિતિ હંમેશા એવી નહોતી. તેઓ કહે છે, “અમારા માતાપિતાએ આશરે 10 રુપિયાની લોન લીધા પછી જમીન ગુમાવી દીધી.” વળી, "પોતાને આદિવાસીઓ તરીકે રજૂ કરનારા બહારના લોકો આવે છે અને અમારી જમીનનો કબજો લઈ લે છે." અહીંનો સૌથી મોટો જમીનમાલિક મેદાનનો  માણસ હતો જે રેકોર્ડ ઓફિસમાં કામ કરતો હતો. પરિણામે તે આ વિસ્તારના જમીન-માલિકી ખત તપાસી શકતો. અને લોકો માને છે કે તેણે તેની સાથે ચેડા કર્યા. હવે તેનો પરિવાર મોસમમાં દરરોજ લગભગ 30 કામદારો રાખે છે. જે ગામમાં  મોટાભાગના લોકો પાસે ત્રણ એકર અથવા તેથી ઓછી જમીન છે ત્યાં આ અસામાન્ય છે.

પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં જમીનનો મુદ્દો વિસ્ફોટક બન્યો છે અને પૂર્વમાં ધૂંધવાતો રહે છે. આદિવાસી વિકાસ સંગઠનના અધિકારી કહે છે કે ઘણીખરી આદિવાસી જમીન "આઝાદી પછી તબદીલ કરવામાં આવી હતી જ્યારે હકીકતમાં તેમના (આદિવાસીઓના) હકનું રક્ષણ થવું જોઈતું હતું." આ પ્રદેશની લગભગ 30 ટકા જમીન 1959 થી 1970 ની વચ્ચે હસ્તાંતરિત થઈ હતી. આશ્ચર્યજનક છે કે "1959 ના આંધ્ર પ્રદેશ સ્ટેટ લેન્ડ ટ્રાન્સફર રેગ્યુલેશન એક્ટ (આંધ્ર પ્રદેશ ભૂમિ હસ્તાંતરણ નિયમન અધિનિયમ) પસાર થયા પછી પણ આ વલણ અટક્યું નહીં." સામાન્ય રીતે રેગ્યુલેશન 1/70 તરીકે જાણીતા આ અધિનિયમનો મુખ્ય હેતુ આ (હસ્તાંતરણ) રોકવાનો જ હતો. હવે આ અધિનિયમને  જ વધુ હળવો કરવાની હિલચાલ ચાલી રહી છે.

PHOTO • P. Sainath

રામ્પાના અન્ય ભૂમિહીન પરિવારમાં પી. કૃષ્ણમ્મા તેમના પરિવારના વર્તમાન સંઘર્ષો વિશે વાત કરે છે

આદિજાતિ વિરુદ્ધ બિન-આદિજાતિની મડાગાંઠ જટિલ છે. અહીં બિન-આદિવાસી ગરીબો પણ છે. અત્યાર સુધી તણાવ હોવા છતાં તેઓ આદિવાસી આક્રોશનું નિશાન નથી બન્યા. તેના મૂળ કોઈક રીતે ઈતિહાસમાં જોઈ શકાય છે. બળવા દરમિયાન રાજુના નિયમો હતા કે ફક્ત અંગ્રેજ અને સરકારી સંસ્થાઓ પર જ હુમલો કરવામાં આવે. રામ્પાના બળવાખોરોની નજરમાં  તેમનું યુદ્ધ એક માત્ર અંગ્રજો વિરુધ્ધ હતું.

આજે બિન-આદિવાસીઓમાં જેઓ  સારી સ્થિતિમાં છે તેઓ આદિવાસીઓ અને તેમના પોતાના ગરીબ જાત-ભાઈઓ (બિન-આદિવાસી ગરીબો)  બંનેનું શોષણ કરે છે. અને અહીં નીચલી અમલદારશાહી મુખ્યત્વે બિન-આદિજાતિની છે. અધિનિયમ  1/70 ની છટકબારીઓ છે. કોંડપલ્લી ગામના ભૂમિહીન કોયા આદિવાસી પોટ્ટવ  કામરાજ કહે છે, “અહીં જમીન ભાડાપટે આપવી એ ખૂબ પ્રચલિત છે."  ભાડાપટે આપેલી જમીન ભાગ્યે જ  તેના માલિકને પાછી મળે છે. કેટલાક બહારના લોકો આદિવાસી જમીન પડાવી લેવા આદિવાસી સ્ત્રીને બીજી પત્ની બનાવે છે. કોંડાપલ્લી સીતારામ રાજુની કાર્યભૂમિમાંકેન્દ્ર   હતું. અં ગ્રેજોએ અહીંથી બળવાખોરોને (દેશનિકાલ કરી) આંદમાન મોકલ્યા, કબીલાઓને કચડી નાખ્યા અને ગામને ભિખારી બનાવી  દીધું.

સમુદાયોને તોડવાનો અર્થ એ  કે જે-તે સમયગાળાની સીધી લોકપ્રિય યાદો લોકમાનસમાંથી ભૂંસાઈ જાય. પરંતુ રાજુનું નામ હજી ય અમર છે. અને સમસ્યાઓ હજી  યથાવત છે. વિઝાગ જિલ્લાના મમ્પા ગામમાં  કામરેજૂ સોમુલુ મજાક કરે છે કે, "ગૌણ વન્ય પેદાશો મોટી સમસ્યા નથી. હવે ખાસ જંગલ જ બચ્યા  નથી.” રામાયમ્મા કહે છે કે તેનો અર્થ એવા સ્થળોએ વધુ મુશ્કેલીઓ જ્યાં ગરીબો "ઘણી વાર ભોજન માટે માત્ર કાંજીનું પાણી જ લેતા હોય છે." પૂર્વ ગોદાવરી એ ભારતનો એક સમૃદ્ધ ગ્રામીણ જિલ્લા છે તે હકીકતથી ખાસ કંઈ ફેર પડ્યો નથી.

રામ્પાના ભૂમિહીન કોયા આદિવાસી રામાયમ્મા (ડાબે) કહે છે, ગરીબો  "ભોજન માટે ઘણી વાર માત્ર  કાંજીનું પાણી જ લે છે."  કોન્ડાપલ્લી ગામના ભૂમિહીન  કોયા આદિવાસી પોટ્ટવ કામરાજ (જમણે) કહે છે કે, "શ્રીમંતો હંમેશા એક થઈ જાય  છે."

આદિવાસીઓમાં વર્ગ પણ ઉભરી રહ્યા છે. કોંડાપલ્લીમાં પોટ્ટવ કામરાજ કહે છે, "શ્રીમંત કોયાઓ તેમની જમીન ગામમાં ને ગામમાં અમને નહીં પણ બહારના નાયડુઓને ભાડાપટે આપે છે. શ્રીમંતો હંમેશા એક થઈ  જાય છે." બહુ ઓછા આદિવાસીઓને સરકારી નોકરી મળે છે. અને આ વિસ્તારોમાં ભૂમિહીન મજૂરોને વર્ષમાં કેટલાય  મહિનાઓ કામ મળતું નથી.

વેતનના મુદ્દે પશ્ચિમ (ગોદાવરી) માં વિરોધ પ્રદર્શન ચાલુ છે અને પૂર્વ ગોદાવરીમાં પણ ફેલાઈ શકે છે. આ ઉપરાંત શ્રીમંત બિન આદિવાસીઓ  કેટલાક આદિજાતિ વડાઓને પોતાને પક્ષે લઈ રહ્યા છે. મમ્પામાં પંચાયત પ્રમુખ આદીવાસી છે, હવે તેઓ મોટા જમીન માલિક છે. તેમના પરિવારની  લગભગ 100 એકર જમીન  છે. સોમુલુ કહે છે, "તે સંપૂર્ણપણે બહારના લોકોના પક્ષે  છે,"

(બ્રિટિશ) રાજ  અલ્લુરી સીતારામ રાજુને તેમના જીવનકાળ દરમિયાન પોતાના પક્ષે લેવામાં નિષ્ફળ ગયું. તેમને 50 એકર ફળદ્રુપ જમીન આપવાથી કંઈ ન વળ્યું. અંગેજો જાણી શક્યા નહીં કે જે માણસને કોઈ અંગત વાંધાવચકા નથી તે માણસ આદિજાતિઓનો આવો અભિન્ન ભાગ કેમ હતો. એક બ્રિટિશ અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે તેઓ "કલકત્તાના અમુક ગુપ્ત સમાજના સભ્ય હતા." (બ્રિટિશ) રાજ સિવાય ટોચના કોંગ્રેસીઓ સહિત  મેદાનોના કેટલાક નેતાઓએ તેમનો વિરોધ કર્યો હતો. 1922-24માં કેટલાકે તેમના બળવાને દબાવી દેવાની અપીલ કરી હતી. મદ્રાસ વિધાન પરિષદમાં સી.આર. રેડ્ડી જેવા નેતાઓએ બળવો કચડી નાખવામાં ન આવે ત્યાં સુધી બળવાના સંભવિત  કારણોની તપાસનો પણ વિરોધ કર્યો હતો.

ઇતિહાસકાર મુરલી એટલુરીના મતે  "રાષ્ટ્રવાદી" પ્રેસ પણ પ્રતિકૂળ હતું. તેલુગુ જર્નલ, ધી કોંગ્રેસે  જણાવ્યું હતું કે જો બળવાને કચડી નાખી શકાય તો તે "આનંદ" ની વાત હશે. આંધ્ર પત્રિકાએ બળવાખોરોની સખત ટીકા કરી.

PHOTO • P. Sainath

સીતારામ રાજુની ક્ષતિગ્રસ્ત/ત સમાધિ

એટલુરી જણાવે છે સ્વીકૃતિ મરણોત્તર મળવાની  હતી. એકવાર તેમની હત્યા થઈ એ પછી આંધ્ર પત્રિકાએ રાજુ માટે “વલ્હલ્લાનો આનંદ” માંગ્યો. સત્યાગ્રહીએ તેમની તુલના જ્યોર્જ વોશિંગ્ટન સાથે કરી. કોંગ્રેસે તેમને શહીદ તરીકે સ્વીકાર્યા.   તેમના વારસા પર અધિકાર જમાવવાના  પ્રયત્નો ચાલુ છે. એક તરફ રાજ્ય સરકાર તેમની શતાબ્દી પર આ વર્ષે મોટી રકમ ખર્ચ કરશે. તો બીજી તરફ આ બધાની વચ્ચે આ જ સરકારમાંના કેટલાક રેગ્યુલેશન 1/70 માં સુધારાની માંગ કરી રહ્યા છે - પરંતુ આ પગલાથી આદિજાતિઓને વધુ નુકસાન થશે.

કૃષ્ણદેવીપેટમાં રાજુની સમાધિની સંભાળ રાખતા વૃદ્ધ ગજાલા પેડપ્પનને ત્રણ વર્ષથી  તેમનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. વિસ્તારમાં સામાન્ય લોકોનો અસંતોષ રોજેરોજ  વધતો જાય છે. વિઝાગ-પૂર્વ ગોદાવરી સરહદ પર નાના નાના ક્ષેત્રોમાં ડાબેરી ઉગ્રવાદી વિચારધારાનો વધતો પ્રભાવ નોંધનીય છે.

કોન્ડાપલ્લીમાં પોટ્ટવ કામરાજ કહે છે, " સીતારામ રાજુ આદિજાતિઓ માટે કેવી રીતે લડ્યા હતા એની વાતો અમારા દાદા-દાદી અમને કહેતા. "  શું કામરાજ આજે તેમની જમીન પાછી મેળવવા માટે લડશે? તેમણે કહ્યું, “હા. જ્યારે પણ અમે લડીએ છીએ ત્યારે પોલીસ હંમેશા નાયડુઓ અને શ્રીમંતોની મદદ કરે છે. પરંતુ અમને  અમારી શક્તિમાં વિશ્વાસ છે, એક દિવસ અમે ચોક્કસ લડીશું."

PHOTO • P. Sainath

સીતારામ રાજુનું બસ્ટ

પોલીસ સ્ટેશન પર કોઈ પણ સમયે હુમલો થઈ શકે છે એ હેડ કોન્સ્ટેબલનો ભય કદાચ વ્યાજબી હતો.

હુમલો આજે બપોરે પણ થઈ શકે.

તસવીરો: પી. સાંઈનાથ


આ લેખ પહેલી વખત  26 મી ઓગસ્ટ, 1997 ના ટાઇમ્સ ઓફ  ઈન્ડિયામાં પ્રકાશિત થયો હતો.

આ શ્રેણીના બીજા લેખો અહીં વાંચો:

જ્યારે સલિહાને (બ્રિટિશ) રાજને લલકાર્યું

પનીમારાના આઝાદીના લડવૈયા - 1

પનીમારાના આઝાદીના લડવૈયા - 2

લક્ષ્મી પાંડાની છેલ્લી લડત

અહિંસાના નવ દાયકા

શેરપુર: મોટું બલિદાન, ટૂંકી યાદદાસ્ત

સોનખાન: વીર નારાયણ સિંહનું બીજું મૃત્યુ

કલ્લિયાસેરી: 50 વર્ષ પછી પણ લડત ચાલુ છે

કલ્લિયાસેરી: સુમુકનની શોધમાં


અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

P. Sainath
psainath@gmail.com

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought'.

Other stories by P. Sainath
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik