“મેં તેને લાકડી મારી, પણ તે મારા પર કૂદી પડ્યો અને મારી ગરદન અને હાથ પર પંજાથી નોહર માર્યા. હું જંગલની ચાર કિલોમીટર અંદર હતો. મારા કપડાં લોહીથી લથપથ હતા. હું ચાલીને ઘેર પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.” વિશાલરામ મરકામે દીપડાના તે હુમલામાંથી સાજા થવા માટે બે અઠવાડિયા હોસ્પિટલમાં વિતાવવા પડ્યા હતા. પણ તેમને એ ખુશી હતી કે તેમની ભેંશો સહી સલામત હતી. તેઓ કહે છે, “દીપડાએ મારા કૂતરા પર પણ હુમલો કર્યો હતો. તેઓ ત્યાંથી નાસી છૂટ્યાં હતા.”

આ હુમલો ૨૦૧૫માં થયો હતો. મરકામ તે હુમલાને હવે હસી કાઢે છે અને કહે છે કે તેમણે હુમલા પહેલા અને પછી પણ શિકારી જાનવરોને નજીકથી જોયા છે. છત્તીસગઢના જબર્રાના જંગલમાં, જ્યાં તેઓ તેમની ભેંશોને ચરાવે છે, ત્યાં માત્ર ભૂખ્યા દીપડા જ નહીં, પણ વાઘ, વરુ, શિયાળ, જંગલી કૂતરા, જંબૂક, જંગલી ડુક્કર, સાબર, હરણ અને શક્તિશાળી બાઇસન (ગૌર ભેંશો)નો પણ સામનો થવાની શક્યતા રહેલી છે. ઉનાળામાં, જ્યારે તેમના ઢોરઢાંખર જંગલમાં આવેલા થોડાક, છૂટાછવાયા પાણીના ખાબોચિયા માંથી પાણી પીવા જાય છે, ત્યારે ભૂખ્યા શિકારી જાનવરોનો સામનો થવાની શક્યતા બમણી, કે ત્રણ ગણી થઇ જાય છે.

મરકામ   કહે છે, “મારી ભેંશો કોઈ રખેવાળ વગર પોતાની મેળે જંગલમાં ભટકે છે. જો તે પાછી ન આવે તો જ હું તેમને શોધવા જાઉં છું. કેટલીકવાર મારી ભેંશો સવારના ૪ વાગ્યા સુધી પાછી નથી આવતી, તેથી હું રાત્રે જંગલમાં તેમને શોધવા માટે ડબલ ટોર્ચનો [બમણી તાકાત વાળી] ઉપયોગ કરું છું.” તેઓ અમને તેમના પગ બતાવે છે, જંગલમાં ઉઘાડા પગે ચાલવાથી, તેમના પગમાં છાલા અને ફોલ્લાઓ પડ્યા છે.

તેમની સ્વચ્છંદી ભેંશો ચરવા માટે મેદાનની શોધમાં દરરોજ ૯-૧૦ કિલોમીટર ચાલીને ધમતારી જિલ્લાના નાગરી તાલુકામાં જબર્રા ગામની બાજુમાં આવેલા જંગલમાં જાય છે. મરકામ   કહે છે, “ઉનાળામાં, ખોરાકની શોધમાં તેમણે આના કરતા બમણું અંતર કાપવું પડે છે. હવે જંગલ પર આધાર રાખી શકાય તેમ નથી; પશુધન ભૂખમરાના લીધે મરી જાય એવી પરિસ્થિતિ છે.”

Vishalram Markam's buffaloes in the open area next to his home, waiting to head out into the forest.
PHOTO • Priti David
Markam with the grazing cattle in Jabarra forest
PHOTO • Priti David

ડાબે: વિશાલરામ મરકામ ની ભેંશો તેમના ઘરની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં, જંગલમાં ચરવા માટે જવાની તૈયારીમાં. જમણે: જબર્રાના જંગલમાં ચરતા ઢોર સાથે મરકામ

“હું તેમના ખાવા માટે પાયરા [અનાજના પૂળાના સૂકા પાંદડા] ખરીદું છું, પરંતુ તેમને જંગલમાં ફરવાનું અને જંગલી ઘાસ ખાવાનું વધારે ગમે છે,” મરકામ   તેમની ભેંશો જાણે તેઓ હઠીલા બાળકો ના હોય, એમ એમના વિષે વાત કરે છે. અને બધા માતા-પિતાની જેમ, તેમની પાસે પણ ભેંશોને પાછી લાવવા માટે કેટલીક યુક્તિઓ છે - જેમ કે મીઠાનો ટેકરો, જેને ચાટવાનું તેઓ પસંદ કરે છે. આ સામાન્ય રીતે તેમને રાત્રે ૮ વાગ્યાની આસપાસ ઘેર ખેંચી લાવે છે. ભેંશો માટે ઘર એટલે એમના માલિકના ઈંટ અને માટીના ઘરની બાજુમાં વાડ કરેલી જગ્યા.

જબર્રાના ૧૧૭ પરિવારોમાંથી મોટા ભાગના ગોંડ અને કમર આદિવાસી સમુદાયના છે, અને કેટલાક યાદવ (રાજ્યમાં ઓબીસી તરીકે સૂચિબદ્ધ) સમુદાયના છે. મરકામ  , કે જેઓ ગોંડ આદિવાસી છે, તેમની પાસે ૫,૩૫૨ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા જંગલની પૂરેપૂરી માહિતી છે. તેમણે એમનું ૫૦ વર્ષનું જીવન જંગલની આજુબાજુ જ પસાર કર્યું છે. તેઓ કહે છે, “મેં સ્થાનિક શાળામાં પાંચમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને પછી અહીંયાં ખેતી કરવાનું શરુ કર્યું હતું.”

૨૦૧૯ના ભારતીય જંગલ સર્વેના એક અહેવાલ મુજબ, છત્તીસગઢના પૂર્વ વિસ્તારમાં આવેલ ધમતારી જિલ્લાનો ૫૨% વિસ્તાર આરક્ષિત અને સંરક્ષિત છે, અને તેમાંથી લગભગ અડધો ભાગ ગાઢ જંગલથી ઘેરાયેલો છે. એ જંગલમાં વ્યાપક પ્રમાણમાં સાલ અને સાગના વૃક્ષો ઉપરાંત, સાજ, કોહા, હરરા, બહેરા, ટિન્સા, બીજા, કુંબી અને મહુઆના ઝાડ જોવા મળે છે.

અપૂરતો વરસાદ અને જંગલોના વિનાશના લીધે, વર્ષ-દર-વર્ષે, પ્રાણીઓ માટે ચરવાની જમીન ઘટતી જાય છે. મરકામ  કહે છે કે આ કારણે તેમણે તેમની ૯૦ ભેંશો હતી એમાંથી ઓછી કરીને હાલ ૬૦-૭૦ ભેંશો જ રાખી છે, જેમાંથી ૧૫ વાછરડાં છે. તેઓ કહે છે, “જંગલમાં ભેંશો માટે ઉપ્લબ્ધ ખોરાક ઘટી રહ્યો છે. જો લોકો ઝાડ કાપવાનું બંધ કરે તો કદાચ તે વધશે. મેં [૨૦૧૯માં] મારા પશુઓનો ચારો ખરીદવા માટે ૧૦,૦૦૦ રૂપિયા ખર્ચ્યા હતા. ટ્રેકટર-ટ્રોલીના એક ફેરાનો ખર્ચ ૬૦૦ રૂપિયા છે અને મારે ખેડૂતો પાસેથી ચારો લેવા માટે આવા ૨૦ ફેરા કરવા પડ્યા હતા.”

ઉનાળામાં, જ્યારે પ્રાણીઓ જંગલમાં આવેલા થોડા, છૂટાછવાયા પાણીના ખાબોચિયામાંથી પાણી પીવા જાય છે, ત્યારે ભૂખ્યા શિકારીઓનો સામનો થવાની શક્યતા બમણી, કે ત્રણ ગણી થઇ જાય છે

વિડીઓ જુઓ: હું આ ઢોરને ત્યારે જ છોડીશ જ્યારે હું મરી જાઉં

૨૦૦૬ના વન અધિકાર અધિનિયમ અન્વયે ઓગસ્ટ ૨૦૧૯માં જબર્રા ગ્રામ સભાને આપવામાં આવેલા ‘સામુદાયિક વન સંસાધન અધિકારો’ નો ઉપયોગ કરીને મરકામ ગૌચર વિસ્તારને વધારવાની આશા રાખી શકે છે. એ કાયદા હેઠળ એમના સમુદાયને તેઓ પરંપરાગત રીતે જેનું સંરક્ષણ કરી રહ્યા છે તે જંગલના સંસાધનોને “સંરક્ષણ કરવાનો, પુનર્જીવિત કરવાનો, રક્ષણ કરવાનો, કે પછી વહીવટ કરવાનો” અધિકાર છે. જબર્રા છત્તીસગઢમાં આ પ્રકારના અધિકાર ધરાવતું પહેલું ગામ છે.

જબર્રામાં પંચાયત (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ અથવા (પીઈએસએ) ના અમલીકરણ માટે જવાબદાર જિલ્લા સંયોજક પ્રખર જૈન કહે છે, “કયા વૃક્ષોનું રક્ષણ કે રોપણી કરવાની છે; કયા પ્રાણીઓને ચરાવવાની છૂટ આપવાની છે; કોણ જંગલમાં પ્રવેશી શકે છે; નાના તળાવોનું નિર્માણ કરવાના; અને ધોવાણને રોકવાનાં પગલાં – આ તમામ નિર્ણયો હવે ગ્રામસભાના હાથમાં રહેશે.”

મરકામ કહે છે આ કાનૂની જોગવાઈઓ આવકાર્ય છે અને આગળ ઉમેરે છે કે બહારના ઘણા લોકો જંગલમાં આવે છે અને તેને નુકસાન પહોંચાડે છે. તેઓ કહે છે, “મેં માણસોને અહીંયાં આવીને માછલી પકડવા માટે પાણીમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા જોયા છે, અને પ્રાણીઓ પકડવા માટે ઝેરનો ઉપયોગ કરતા જોયા છે. તે લોકો અમારા નથી.”

તેઓ કહે છે કે તેઓ આગામી ગ્રામસભાની બેઠકમાં ઘટતા ઘાસનો મુદ્દો ઉઠાવશે. “મેં અત્યાર સુધી તે મુદ્દો નથી ઉઠાવ્યો એનું કારણ એ છે કે મારી પાસે સમય નથી. હું મોડી રાત સુધી ગોબર [છાણ] ભેગું કરતો રહું છું, તો હું સભામાં કેવી રીતે જઈ શકું?” તેઓ નિર્દેશ કરે છે, અને ઉમેરે છે કે તેઓ હવે સભામાં બોલશે. “આપણા લોકોએ જંગલોના થતા વિનાશ સામે એક થવું પડશે. જો જંગલ સુરક્ષિત રહેશે તો આપણી આજીવિકા પણ સુરક્ષિત રહેશે. જંગલના રક્ષણની જવાબદારી આપણા હાથમાં છે.”

જંગલના કિનારે આવેલા મરકામના પાકા ઘરમાં ત્રણ ઓરડા અને એક મોટું આંગણું છે જ્યાં તેઓ રાત્રે વાછરડા બાંધે છે. મોટા પ્રાણીઓ તેની બાજુમાં ખુલ્લા વિસ્તારમાં રહે છે.

A pile of hay that Markam has bought to feed his buffaloes as there isn't enough grazing ground left in the forest.
PHOTO • Purusottam Thakur
He restrains the calves in his fenced-in courtyard to stop them from straying into the jungle.
PHOTO • Priti David
The 'community forest resources rights' title granted under the Forest Rights Act to Jabarra gram sabha

ડાબે: ચારાનો ઢગલો જે માર્કમે તેમની ભેંશોને ખવડાવવા માટે ખરીદ્યો છે કારણ કે જંગલમાં ચરવા માટે પૂરતી જગ્યા વધી નથી. વચ્ચે: તેમના વાછરડા જંગલમાં ભટકી ન જાય તે માટે તેઓ તેમના વાડ કરેલા આંગણામાં જ તેમને રાખે છે. જમણે: જબર્રા ગ્રામસભાને વન અધિકાર અધિનિયમ હેઠળ અર્પણ કરેલ ‘સામુદાયિક વન સંસાધન અધિકાર’ નું બિરુદ

જ્યારે અમે તેમને મળીએ છીએ ત્યારે સવારના ૬:૩૦ થયા છે અને સૂરજ ઊગી નીકળ્યો છે. શિયાળાની રાત્રિ દરમિયાન તેમણે જે તાપણું કર્યું હતું તેના અંગારા હજુ પણ ઝળહળે છે. બેચેન, ભાંભરતા ઢોર અને ઉચાટિયા વાછરડાઓની કોલાહલ તેમના ઘરની આસપાસની હવામાં ગૂંજે છે. ધમતારી શહેરના એક વેપારીને દૂધ મોકલી દીધાં પછી આંગણામાં દૂધના મોટા ડબ્બા સુકાઈ રહ્યા છે. મરકામ કહે છે કે સારા દિવસે તેઓ ૩૫-૪૦ લિટર દૂધ વેચે છે અને લિટર દીઠ લગભગ ૩૫ રૂપિયા કમાય છે. છાણ પણ વેચાઈ જાય છે. તેઓ કહે છે, “હું દરરોજ ૫૦-૭૦ [વાંસની] છાબલીઓમાં છાણ ભરું છે. નર્સરીવાળા તેને ખરીદે છે. હું એક મહિનામાં એક આખી ટ્રેક્ટર-ટ્રોલી ભરીને છાણ વેચવામાં સફળ થયો હતો, અને ટ્રોલી દીઠ ૧,૦૦૦ રૂપિયા કમાયો હતો.”

તેઓ અમારી સાથે વાત કરતી વખતે વાડાની બંને બાજુએ વાછરડાઓને પૂરી રાખવા માટે થાંભલો લગાવે છે. વાછરડાઓ મોટા ઢોરઢાંખર સાથે ચરવા નીકળી ન પડે તે માટે તેમનાથી અલગ રાખવા માટે તેઓ આવું કરે છે. વાછરડાઓ પૂરી રાખેલા હોવાથી અકળાઈને ભાંભરતા હોવાથી તેઓ તેમનો અવાજ બુલંદ કરીને કહે છે, “તેઓ નાના છે, હું તેમને ઘરથી વધારે દૂર નથી જવા દેતો. કેમ કે તેમને શિકારી જાનવરો ખાઈ જવાનો ખતરો રહે છે.”

મરકામ પોતાના પશુધનને ચરાવવા ઉપરાંત, એક એકર જમીનમાં ખેતી કરે છે, જેના પર તે ડાંગર વાવે છે. તેઓ એક વર્ષમાં લગભગ ૭૫ કિલો અનાજ ઉગાવે છે અને એ બધું તેઓ અને તેમના પરિવાર દ્વારા ખાવાના ઉપયોગમાં લેવાય છે. તેમણે પશુપાલનની શરૂઆત કઈ રીતે કરી એ  સમજાવતા તેઓ કહે છે, “હું પહેલા ફક્ત ખેતી જ કરતો હતો. પછી મેં ૨૦૦ રૂપિયામાં એક ભેંશ ખરીદી ને પછી તેનાથી 10 વાછરડાઓ જન્મ્યા.” જબર્રાની વસ્તી ૪૬૦ લોકોની છે એમાંથી મોટાભાગના લોકો જમીનના ટુકડાઓ પર ડાંગર, કુલ્થી અને અડદની ફળી વાવે છે અને જંગલમાંથી મહુઆના ફૂલો અને મધ જેવી બિન-લાકડાની પેદાશો મેળવે છે અને કેટલાક પશુધનનો ઉછેર પણ કરે છે.

Markam fixes the horizontal bars on the makeshift fence to corral the calves.
PHOTO • Purusottam Thakur
Outside his three-room house in Jabarra village
PHOTO • Priti David

ડાબે: મરકામ વાછરડાઓને પૂરવા માટે કામચલાઉ વાડના ફરતે થાંભલા ગોઠવે છે. જમણે: જબર્રામાં તેમના ત્રણ ઓરડા વાળા ઘરની બહાર

મરકામ તેમના પત્ની કિરણ બાઈ સાથે રહે છે, જેઓ પશુધનની સારસંભાળમાં મદદ કરે છે. ઉગ્રવાદીઓ સાથેના એક ‘એન્કાઉન્ટર’ માં તેમણે તેમનો સૌથી મોટો દીકરો ગુમાવ્યો હતો, જે એક વિષેષ પોલીસ અધિકારી હતો. તેમનો બીજો દીકરો સર્પદંશથી મૃત્યુ પામ્યો હતો. અને તેમની બે દીકરીઓ જ જીવિત છે, જેઓ બંને પરણીને સાસરે રહે છે.

માર્ચ ૨૦૨૦માં કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન મરકામ  ને તેમની ભેંશોનું દૂધ ધમાતરીના બજારમાં પહોંચાડી શકતા ન હોવાથી નુકસાન વેઠવું પડ્યું હતું. તેઓ કહે છે, “ભોજનાલયો અને દુકાનો બંધ હતી, તેથી અમારી દૂધ વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી.” આ પછી તેમણે ઘી બનાવવાનું શરૂ કર્યું કારણ કે તે લાંબા સમય સુધી બગડતું નથી. આ કામમાં કિરણ બાઈ દૂધ ઉકાળવામાં અને મલાઈ બનાવવામાં મદદ કરતા હતા.

કિરણ બાઈ કમર આદિવાસી છે અને મરકામના બીજીવારના પત્ની છે. મરકામ છત્તીસગઢના સૌથી મોટા આદિવાસી સમૂહ ગોંડ સમુદાયના હોવાને કારણે તેમની સાથે લગ્ન કરવા માટે તેમણે પૈસા ચુકવવા પડ્યા હતા. તેઓ કહે છે, “[સમુદાયની] બહાર લગ્ન કરવા માટે દંડ તરીકે, મારે ભોજન પર આશરે ૧.૫ લાખ રૂપિયા ખર્ચવા પડ્યા હતા.”

તેમનું કામ સંભાળવા માટે કોઈ વારસદાર ન હોવાને કારણે, મરકામ  તેમના ગયા પછી તેમના પશુધનના ભાવિ વિષે ચિંતિત છે. તેઓ કહે છે, “જ્યારે હું નથી હોતો ત્યારે મારા પશુઓ આસપાસ ભટકતા હોય છે. મારા નિધન પછી, મારા ઢોરઢાંખરને છોડી દેવા પડશે કેમ કે મારા પછી તેમની સારસંભાળ રાખવાવાળું કોઈ નથી. હું તેમની સારસંભાળ રાખવાના કામમાં ફસાઈ ગયો છું. તેમને હું ત્યારે જ છોડીશ જ્યારે હું મરી જાઉં.”

વિશાલરામ મરકામ  ને વાતાવરણમાં થતા ફેરફારો વિષે બોલતા આ વિડીઓમાં જુઓ: વાતાવરણની પાંખ પર લડાતી લડાઈ જીવજંતુઓની , જેને પારી દ્વારા ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Purusottam Thakur
purusottam25@gmail.com

Purusottam Thakur is a 2015 PARI Fellow. He is a journalist and documentary filmmaker. At present, he is working with the Azim Premji Foundation and writing stories for social change.

Other stories by Purusottam Thakur
Priti David

Priti David is the Executive Editor of PARI. A journalist and teacher, she also heads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum, and with young people to document the issues of our times.

Other stories by Priti David
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad