કલાવતી સોની કહે છે, "કેટલીકવાર કોઈ મહિલા મને ફોન કરે છે અથવા કોઈ પુરુષ સંબંધીને રાત્રે મારે ઘેર કોન્ડોમનું પેકેટ લેવા મોકલે છે." મહિલાઓને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડતા ટીકરી ગામના આ 54 વર્ષના ‘ડેપો દીદી’ ને રાત્રે મોડે સુધી જાગવું પડે તેનો કોઈ વાંધો નથી. ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના આ ગામમાં તેમના નાના ઘરના વરંડામાં ચારપાઈ (ખાટલી) પર બેસીને તેઓ મજાકમાં કહે છે, "હું રાત્રે પણ સેવા આપું છું." કલાવતી તેમના કામ વિશે કહે છે, "ઈતની કોઈ બડી બાત નહીં હૈ [એમાં કંઈ એવી મોટી વાત નથી].”
ગામમાં કાર્યરત એક બિન-સરકારી સંસ્થા પાસેથી ‘ડેપો દીદી’ વિશે સાંભળીને અમે કુતૂહલથી તેમને ઘેર આવી પહોંચ્યા છીએ. કલાવતી તેમના પૌત્રને બૂમ પાડીને કહે છે, "અરે એય, જા પેલો થેલો લઈ આવ." થોડીક જ સેકન્ડમાં એ નાનકડો છોકરો બે માળના પાકા મકાનમાંથી ઠસોઠસ ભરેલી પ્લાસ્ટિકની થેલી લઈને દોડતો આવે છે. કોન્ડોમ, સેનિટરી નેપકિન્સ, ગર્ભનિરોધક ગોળીઓ, ઓરલ રિહાઈડ્રેશન પેકેટ્સ જેવી કંઈક ચીજવસ્તુઓ થેલીમાંથી બહાર પડી જાય છે. તેઓ એ બધી વસ્તુઓને પ્રદર્શનમાં મૂકી હોય એમ ચારપાઈ પર વ્યવસ્થિત ગોઠવે છે.
તેઓ કોઈ કવિતાની ધ્રુવપંક્તિની જેમ એ જ વાત ફરી દોહરાવે છે, "ઈતની કોઈ બડી બાત નહીં હૈ." તેઓ ટીકરીના ‘ડેપો દીદી’ ની ભૂમિકા શી રીતે ભજવવા લાગ્યા તે સમજાવતા તેઓ કહે છે, "પહેલા હું ઘર-પરિવારની નાની નાની બાબતો વિશે વાત કરતી. અમે તેમના ઘરની પરિસ્થિતિ, સાસુ વિશેની ફરિયાદો, બાળકો વિશે થોડી ચર્ચા કરીએ. હું ધીરજથી સાંભળુ. એવું છે ને કે હું બહુ વાતોડિયણ છું, ધીમે ધીમે આ વાતચીતથી મને સમજાવા માંડ્યું કે બધી મહિલાઓ એકસરખી જ સમસ્યાઓનો સામનો કરે છે. તો પછી એકબીજાને મદદ કેમ ન કરવી? બસ વાત આટલી જ છે."
તેમને મળેલું આ નામ 'ડેપો હોલ્ડર' શબ્દ પરથી આવે છે, જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરતી અને લોકોને સ્વાસ્થ્ય વિષયક સારી ટેવો અનુસરવા પ્રોત્સાહન આપતી સમુદાયની મહિલાઓ માટે વપરાતો આરોગ્ય ક્ષેત્રની પરિભાષાનો આ શબ્દ છે. પરંતુ કલાવતી ઔપચારિક રીતે ગામડાઓમાં ડેપો હોલ્ડર તરીકે કામ કરતા આંગણવાડી કાર્યકર કે માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર (એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ - આશા) નથી. કે નથી તેઓ ઝોલા છાપ (લાયસન્સ વિનાના મેડિકલ પ્રેક્ટિશનર - કાનૂની અનુમતિપત્ર વિનાના વ્યવસાયી ચિકિત્સક). તેઓ મહિલાઓને મૂળભૂત પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ જરૂરિયાતો માટે જરૂરી હોય તેવી લગભગ દરેક વસ્તુઓ રાખે છે, અને તેમની જાતીય અને પ્રજનન સંબંધિત ચિંતાઓ વિશે તેમની સાથે વાત પણ કરે છે.
કલાવતીએ ગામની મહિલાઓને સક્રિય રીતે મદદ કરવાનું ક્યારે શરૂ કર્યું તેની ચોક્કસ તારીખનો તેમને ખ્યાલ નથી. તેઓ કહે છે, “[આ કામના] આ 15 વર્ષોમાં મેં આશા કાર્યકરોને સખત મહેનત કરતા અને વધુને વધુ થાકી જતા જોયા છે. મને યાદ છે એક વખત જ્યારે તેમાંથી એક આશા કાર્યકર એક સગર્ભા સ્ત્રીને આયર્નની ગોળીઓ આપવા માટે મળી શક્યા ન હતા ત્યારે મેં તેમને કહ્યું હતું કે એ ગોળીઓ મારી પાસે મૂકીને જાય. અને મેં તેમને કહ્યું હતું કે હું એ નિશ્ચિત કરીશ કે તે મહિલા એ દવાનો ડોઝ સમજે. આ બધું આ રીતે શરૂ થયું હતું.”
યુવાન વહુઓ તેમજ પરિવારમાં વડીલો સાથે કામ કરીને અને બંને પેઢીઓનો વિશ્વાસ સંપાદિત કરીને તેમણે એક મહત્વપૂર્ણ અને અંતરંગ વ્યક્તિનું સ્થાન લીધું છે. મારા મગજમાં એકસાથે કંઈ કેટલાય સવાલો ઊઠે છે: મહિલાઓ તેમની (જાતીય) ઈચ્છાઓ અને (એ ઈચ્છાઓ વિષયક) સંતોષ વિશે, પોતાના જીવનસાથી (પતિ) અને પરિવારના સભ્યો સાથેના તેમના સંબંધો વિશે, ગર્ભાવસ્થા અને ગર્ભનિરોધક વિશે વાત શી રીતે કરે છે? (આવી વાતો કરતા) તેઓ શરમાય છે અને ખચકાટ અનુભવે છે, અથવા ખુલ્લા દિલે અને સ્પષ્ટતાથી વાત કરી શકે છે? આ વાતચીત ક્યાં થાય છે? મહિલાઓ માટે પારસ્પરિક વિશ્વાસ, સહાનુભૂતિનું વાતાવરણ ઊભું કરવા અને કદાચ તેઓ તેમના પોતાના શરીર વિશેની માહિતી મેળવવાની તૈયારી બતાવે તે માટે કલાવતી શું કરે છે?
તેઓ કહે છે, "દસ વર્ષ પહેલાં (મહિલાઓને) આ બાબતો વિશે વાત કરતી કરવામાં સમય લાગતો અને તે માટે પ્રયત્ન કરવો પડતો." કલાવતી કહે છે, “હું [બાળકોના જન્મ વચ્ચે] અંતર રાખવા સંબંધિત, ગર્ભનિરોધ સંબંધિત અથવા પૌત્ર-પૌત્રીઓ સંબંધિત કોઈ પણ જાતની પ્રકારની વાતચીત કરું તો તે ઘરના વૃદ્ધો [મહિલાઓ અને પુરુષો] ને ગમતું નહોતું. તેઓ કહેતા, 'બિગાડને આ ગઈ હમારી બહુ કો' ['લો આવી ગઈ અમારી વહુને બરબાદ કરવા']. પરંતુ હવે પરિસ્થતિ અલગ છે. યુવાન વહુઓ વધુ જાગૃત, જિજ્ઞાસુ છે અને જરૂર પડ્યે તેઓ કોન્ડોમ માગી લે છે." કલાવતીની અનૌપચારિક વાતચીત (અહીંની મહિલાઓમાં તેમના) પ્રજનન અધિકારો અંગેના સંદેશને જીવંત રાખે છે. યુવાન વહુઓ સાથે ચાની ચુસ્કી લેતા લેતા મજાક-મશ્કરીમાં કલાવતી તેમને ઝીણી ઝીણી માહિતી આપી દે છે. તેઓ કહે છે, "હું તેમને કહું છું કે તમારે સ્વસ્થ જીવન જીવવું હોય તો બે બાળકો વચ્ચે ત્રણ વર્ષનું અંતર રાખવું જોઈએ."
ફેબ્રુઆરી 2020 માં મૃત્યુ પામેલા પોતાના સાસુને યાદ કરીને તેઓ હસતા હસતા કહે છે, "હવે તો સાસુઓ પણ સુધરી ગયા છે." કલાવતીએ જ્યારે આ બધી વસ્તુઓ ઘરમાં રાખવાની શરૂઆત કરી ત્યારે તેઓ કોન્ડોમ અને ગોળીઓ છુપાવીને રાખતા હતા. તેઓ જે કરતા હતા તે તેમના સાસુને પસંદ નહોતું અને તેમને લાગતું કે પારકાના બેડરૂમમાં માથું મારવાની અને તેમના ભાવિ આયોજનમાં દખલ કરવાની કોઈ જરૂર નથી. જો કે જીવનના પાછલા વર્ષોમાં તેઓ કલાવતીને મદદ કરતા હતા અને પ્રોત્સાહન આપતા હતા.
તેઓ એક પૈસોય લીધા વિના શા માટે આ પ્રકારની સેવાઓ આપે છે તે અંગેની સ્પષ્ટતા કરવા પોતાનો અનુભવ યાદ કરતા કલાવતી કહે છે, “તેમને (મારા સાસુને) લાગતું કે આ બિનજરૂરી છે, એક રીતે જોઈએ તો આ સારું કામ નથી. હું હજી નવીસવી પરણી હતી ત્યારે મને ખૂબ ટૂંકા સમયગાળામાં એક પછી એક બાળકો થયા હતા - પહેલા જોડિયા છોકરાઓ અને પછી એક છોકરી. ટૂંક સમયમાં જ હું ત્રીજી વખત ગર્ભવતી થઈ. દિવસો સુધી ગૂંચવણો અને પીડા હતી. મને થતું હું શું કરી શકું એ અંગે કોઈ મને થોડી સલાહ અથવા માર્ગદર્શન આપી શકે તો કેટલું સારું. પણ હું લાચાર હતી. મેં ત્રીજું બાળક ગુમાવ્યું અને તેનાથી મને ખૂબ ગુસ્સો આવ્યો. હું આ રીતે કામ કરું છું કારણ કે મને લાગે છે કે એક સહેલી [મિત્ર] ની સલાહની જેમ જ, કોઈ આ રીતે મદદ કરે તેની આપણને સૌને જરૂર હોય છે." અને તેઓ અમને યાદ કરાવે છે કે આશા કાર્યકરની જેમ કામના અને નિશ્ચિત લક્ષ્યો હાંસલ કરવાના કોઈ દબાણ વિના તેઓ આ કામ કરી શકે છે.
મોટે ભાગે પ્રજનન અધિકારોના મુદ્દાઓ અંગે માત્ર તબીબી પરિભાષામાં વાતચીત કરતા જાહેર આરોગ્ય કર્મચારીઓ અને એનજીઓ કર્મચારીઓની સરખામણીમાં તેમનો અભિગમ અનૌપચારિક છે. પરંતુ કલાવતી તેમણે પોતે પસંદ કરેલી આ ભૂમિકાની મર્યાદાઓ બરોબર જાણે છે. તેઓ કહે છે, "જ્યારે કોઈ મહિલાને વેણ ઉપડે અથવા અચાનક કોઈ મુશ્કેલી ઊભી થાય તો તેઓ મને નહીં બોલાવે." આવા સમયે તેઓ આશા કાર્યકર પાસે જાય છે અથવા આવા સાર્વજનિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લે છે.
આજે પણ તેઓ આશા કાર્યકરો સાથે કામ કરવાનું ચાલુ રાખે છે, તેઓ તેમને કોન્ડોમ, ગોળીઓ અને બીજી આવશ્યક વસ્તુઓના વિતરણમાં મદદ કરે છે. તેમને ઘેરથી ચાલતા જઈએ તો 25 મિનિટના અંતરે આવેલા ભેટુઆ બ્લોકના આરોગ્ય કેન્દ્રમાં જઈને તેઓ દર પંદર દિવસે એકવાર ત્યાંથી ગર્ભનિરોધક દવાઓ લઈ આવે છે અને કોઈને જરૂર પડ્યે કામ લાગે તે માટે પોતાને ઘેર રાખે છે. જ્યારે ગામની મહિલાઓને આરોગ્ય કેન્દ્ર સુધી જવામાં કોઈ મુશ્કેલી હોય ત્યારે એ કામમાં આવે છે. લોકો તેમની પાસે કોન્ડોમ અને સહેલી ગોલી (જન્મ નિયંત્રણની ગોળી) માગવા આવે છે. કલાવતી કહે છે, “મારી પાસે એ હંમેશા મારા ઘરમાં હોય છે. પણ જો જરૂર હોય તો કોઈ પણ બહાનું બનાવીને હું જાતે જઈને પણ તેમને આપી આવું છું."
તેમને આરોગ્ય કેન્દ્રમાંથી જે ગોળીઓ મળે છે તે મફત હોય છે. જો કે વિતરણ કરવા માટેના કોન્ડોમ અને સેનિટરી નેપકીન તેઓ આ વિસ્તારમાં કામ કરતા એનજીઓ પાસેથી મેળવે છે અથવા સ્થાનિક ફાર્મસીમાંથી પોતાના પૈસે ખરીદે છે.
2020 ના લોકડાઉન મહિનાઓ તેમના માટે એક મોટો પડકાર હતા. બહાર નીકળવા પરના પ્રતિબંધનો અર્થ એ હતો કે કલાવતીને દરરોજ માત્ર ગર્ભનિરોધક માટે જ મહિલાઓ તરફથી પાંચ-પાંચ ફોન આવતા. કલાવતી કહે છે, “પુરુષો કોઈ કામ માટે બહાર જતા નહોતા; કોઈ કામ જ ન હતું અને મહિલાઓને ડર હતો કે તેઓ ગર્ભવતી થઈ જશે. ઘણીબધી (મહિલાઓ ગર્ભવતી) થઈ પણ ખરી. મારી પાસે પુરવઠો હતો ત્યાં સુધી તો હું તેમને બહાર, ખેતરોમાં છુપાઈને મળતી અને તેમને કોન્ડોમ અને સહેલી ગોળીઓ આપતી." તેઓ ઉમેરે છે કે મહિલાઓને પણ (જાતીય સમાગમની) ઈચ્છાઓ હોય છે અને "આ ઈચ્છા તમારી પર ક્યારે હાવી થશે તેનું કોઈ નિશ્ચિત સમયપત્રક નથી હોતું."
“મારે રેશનિંગ કરવું પડ્યું હતું. માંગ વધતી જતી હતી અને હું કશું મેળવી શકું તેમ ન હતી. હું શું કરી શકું? ગામની સાત મહિલાઓ, જેમને હું જાણતી હતી, તેઓ ગર્ભવતી થવા માંગતી ન હતી, તેઓ લોકડાઉન દરમિયાન ગર્ભવતી બની. તમે કરી પણ શું શકો?" તેઓ પૂછે છે. તેમને લાગે છે કે અધિકારીઓએ દેશને લોકડાઉન હેઠળ મૂક્યો ત્યારે તેઓએ મહિલાઓ વિશે ભાગ્યે જ વિચાર્યું હતું. કલાવતી કહે છે, "કૌન સોચતા હૈ ઈન સબ ચીજો કે બારેમેં, કિ યે ભી ઝરૂરી હૈ [કોણ વિચારે છે કે આ બધી વસ્તુઓ વિશે કે આ પણ એટલું જ મહત્વપૂર્ણ છે]?"
વર્ષો જતા તમામ વયજૂથની મહિલાઓએ કલાવતી સાથે તેમની જિંદગી, તેમના ધ્યેયો અને તેમના પડકારો વિશે ખુલીને વાત કરતી થઈ છે. તેઓ તેમના પર વિશ્વાસ મૂકતા થયા છે. "હું આ બધી વાર્તાઓ ને છાની વાતોની પણ ડેપો હોલ્ડર છું," તેઓ હસે છે.
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી namita@ruralindiaonline.org ને cc સાથે zahra@ruralindiaonline.org પર લખો
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક