હૃદયરોગના અચાનક આવેલા હુમલાથી પતિનું મૃત્યુ થયા પછી 30 વર્ષના મીરાં ઉત્તર પ્રદેશના ફરુખાબાદ નગરમાંથી ત્રણ બાળકોને લઈને 2012 માં દિલ્હી આવ્યા હતા. હાલ તેઓ જેટલા ગુસ્સામાં છે એટલા જ થાકેલા પણ છે. તેઓ કહે છે, "અમે દેહ વ્યાપાર કરીએ છીએ એટલે બસ તેઓ માની લે છે કે અમારે કોઈ પણ વસ્તુની ચૂકવણી અમારા શરીરથી કરવી જોઈએ"
હોસ્પિટલમાં પુરૂષ સહાયકો અને વોર્ડ સહાયકો જે રીતે તેમના શરીરને ફંફોસે છે એ યાદ આવતા જ 39 વર્ષના અમિતા અણગમા સાથે મોઢું મચકોડીને કહે છે, "જ્યારે તેઓ મને મારી દવાઓ આપે છે ત્યારે તેઓ આ જ કરે છે." અને પોતાના શરીરની બાજુ પર હળવેથી હથેળી પસવારતા તેઓ હોસ્પિટલમાં પુરૂષ સહાયકો અને વોર્ડ સહાયકો જે રીતે તેમના શરીરને ફંફોસે છે તેની નકલ કરે છે. આ પ્રકારના અપમાનથી તેઓ ખૂબ ડરે છે, પરંતુ સ્વાસ્થ્ય-ચિકિત્સા માટે અથવા દવાઓ લેવા માટે જાહેર હોસ્પિટલમાં પાછા આવે છે.
45 વર્ષના કુસુમ, દેહ વ્યાપારનો વ્યવસાય કરતી 4.5 લાખ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતી 16 રાજ્યોની સામુદાયિક સંસ્થાઓના સંગઠન ઓલ ઈન્ડિયા નેટવર્ક ઓફ સેક્સ વર્કર્સ (એઆઈએનએસડબલ્યુ - AINSW) ના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેઓ કહે છે, “અમે અમારા એચઆઈવી ટેસ્ટ માટે જઈએ ત્યારે જો તેમને ખબર પડે કે અમે દેહ વ્યાપાર કરીએ છીએ તો તેઓ મદદ કરવાની તૈયારી બતાવે. તેઓ દાવો કરે, ‘પીછે સે આ જાના, દવાઈ દિલવા દૂંગા. [‘પાછલા દરવાજેથી આવી જા, હું તને દવા લાવી આપીશ.'] ને પછી તેઓ અયોગ્ય રીતે અડકવા આ તકનો લાભ લે." કુસુમ આ વાત કરે છે ત્યારે ઘણી મહિલાઓ ડોકું હલાવી સહમત થાય છે.
દિલ્હીના ઉત્તર પશ્ચિમ જિલ્લાના રોહિણી વિસ્તારમાં એક જાહેર આશ્રયસ્થાનમાં પારી (PARI) દેહ વ્યાપાર કરતી મહિલાઓના એક જૂથને મળે છે, ઘણું કરીને મહામારીને કારણે તેમને કામ મળતું નથી. શિયાળાની બપોરે હૂંફ મેળવવા ટૂંટિયું વાળીને બેઠેલ મહિલાઓ સ્ટીલના ટિફિન બોક્સમાં પેક કરેલ ઘેર બનાવેલા શાકભાજી, દાળ અને રોટલાનું ખાવાનું વહેંચીને ખાઈ રહ્યા છે.
મીરાં કહે છે કે દેહ વ્યાપાર કરનાર એકલ મહિલાઓ માટે આરોગ્યસંભાળ સુવિધાઓની પહોંચ વધુ મુશ્કેલ હોય છે.
તેઓ કહે છે, “આ માણસો મને બપોરે 2 વાગ્યા પછી હોસ્પિટલમાં પાછા આવવાનું કહે. એ લોકો કહે, 'હું તારું કામ કરાવી આપીશ. આ બધું કંઈ અમસ્તું નથી થતું. હું જેમને ભૂલથી ડોક્ટરો માની બેઠી હતી એવા વોર્ડ બોય્ઝ સાથે શારીરિક સંબંધ બાંધવા પડ્યા, જેથી હું દવાઓ મેળવી શકું.” કેટલીકવાર અમારી પાસે કોઈ વિકલ્પ ન હોય અને સમાધાન કરવું પડે. અમે હંમેશા લાંબી કતારમાં ઊભા ન રહી શકીએ. અમારી પાસે એટલો સમય ન હોય, ખાસ કરીને જો મારે કોઈ ઘરાકને મળવાનું હોય, જે એ ઘરાકની અનુકૂળતા મુજબ હોય. અમારી પાસે બે જ રસ્તા હોય, કાં તો સારવાર લેવી પડે કે પછી ભૂખે મરવું પડે." આંખમાં ચમક અને સ્વરમાં કટાક્ષ સાથે મીરાં આગળ કહે છે, “અને જો હું કંઈ કહું અથવા ગુસ્સાથી ઊંચે અવાજે કંઈક બોલું તો હમ પર કલંક લગતા હૈ કે હું દેહ વ્યાપાર કરું છું. ને પછી બીજા વધારે રસ્તા બંધ થઈ જશે."
આ વિસ્તારની બે સરકારી હોસ્પિટલો દરરોજ બપોરે 12:30 થી 1:30 સુધીનો, 60 મિનિટનો સમય નજીકમાં રહેતી દેહ વ્યાપાર કરતી મહિલાઓની તબીબી જરૂરિયાતો માટે ફાળવે છે. આ સમય દેહ વ્યાપાર કરતી મહિલાઓ માટે એચઆઈવી અને જાતીય સંપર્ક દ્વારા ફેલાતા બીજા ચેપ (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ (STI) - એસટીઆઈ) ના પરીક્ષણ કરાવવા અનામત રાખવામાં આવ્યો છે, એનજીઓ કાર્યકરો તરફથી વિનંતીઓ કરાયા બાદ આ બે હોસ્પિટલો દ્વારા આ સેવા શરુ કરવામાં આવી છે.
દેહ વ્યાપાર કરતી મહિલાઓ માટે નફાના હેતુ વિના કામ કરતી દિલ્હી સ્થિત સંસ્થા સવેરા સાથે કામ કરતા એક સ્વયંસેવક રજની તિવારી કહે છે, "લાંબી કતારો અને પરીક્ષણ કરાવવામાં કે સારવાર કરાવવામાં સમય લાગતો હોવાને કારણે દેહ વ્યાપાર કરતી મહિલાઓ સામાન્ય લોકો સાથે કતારમાં ઊભા નથી રહેતા." રજની કહે છે આ મહિલાઓ કતારમાં હોય ત્યારે કોઈ ઘરાક ફોન કરે, તો તેઓ કતાર છોડીને તરત ત્યાંથી જતા રહે છે.
તિવારી કહે છે કે આ એક કલાક દરમિયાન પણ ડોક્ટરની મુલાકાત માટે સમય કાઢવો ક્યારેક મુશ્કેલ હોય છે. અને આ તો આરોગ્યસંભાળ માટેના તેમની સામેના પડકારની માત્ર શરૂઆત જ છે.
ડોકટરો તેમને માત્ર એસઆઈટી માટે જ દવાઓ સૂચવે છે અને પૂરી પાડે છે. દિલ્હી સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીની નાણાકીય સહાયથી સવેરા જેવા એનજીઓ દ્વારા દેહ વ્યાપાર કરતી મહિલાઓ માટે એચઆઈવી અને સિફિલિસ પરીક્ષણ કીટ ખરીદવામાં આવે છે.
તેઓ કહે છે, "બીજા કોઈની પણ જેમ દેહ વ્યાપાર કરતી મહિલાઓને પણ તાવ, છાતીમાં દુખાવો અને ડાયાબિટીસ (મધુપ્રમેહ) જેવી બીજી બીમારીઓનું જોખમ રહેલું છે. અને તેઓ દેહ વ્યાપાર કરે છે એવી ખબર પડે તો વોર્ડ બોય્સ દ્વારા તેમનું શોષણ એ સામાન્ય વાત છે." દેહ વ્યાપાર કરતી મહિલાઓએ જે વાત કરી હતી તેનું તેઓ સમર્થન કરે છે.
મહિલા દર્દીઓમાંથી દેહ વ્યાપાર કરતી મહિલાઓને ઓળખી કાઢવી એ પુરૂષ કર્મચારીઓ માટે સહેલું હોય છે.
જ્યાં આ મહિલાઓ મળે છે તે જાહેર આશ્રયસ્થાન હોસ્પિટલથી થોડે દૂર છે. મહામારી પહેલા કેટલાક પુરુષ કર્મચારીઓની નજર સામે જ અમિતાના ઘરાકો તેમને હોસ્પિટલના દરવાજેથી લઈ જતા હતા.
અમિતા કહે છે, “અહીંના સુરક્ષા કર્મચારીઓ પણ સમજે છે કે એચઆઈવી પરીક્ષણ માટેની કાગળની કાપલી ધરાવતા લોકો દેહ વ્યાપાર કરતા હોય છે. પછીથી જ્યારે અમે પરીક્ષણ માટે જઈએ છીએ ત્યારે તેઓ અમને ઓળખી જાય છે અને અંદરઅંદર એકબીજાને કહેતા હોય છે. કોઈક વાર કતારમાં ઉભા રહ્યા વિના ડોક્ટરને મળી શકાય તે માટે અમારી મદદ કરવા અમારે ઘરાકની જરૂર પડે છે." વાસ્તવમાં સલાહ, સારવાર અને દવા માટે અલગ-અલગ કતાર હોય છે.
બે દાયકા પહેલા પતિએ છોડી દીધા પછી અમિતા બે દીકરા અને એક દીકરી સાથે પટનાથી દિલ્હી આવી ગઈ હતી. ફેક્ટરીમાં દાડિયા મજૂર તરીકે નોકરી પર રાખ્યા પછી જ્યારે તેમને દાડિયું ચૂકવવાનો ઈનકાર કરવામાં આવ્યો ત્યારે એક મિત્ર તેમને દેહ વ્યાપારના વ્યવસાયમાં લઈ આવ્યા. "હું દિવસો સુધી રડતી રહી કે મારે આ કામ નથી કરવું, પરંતુ 2007માં રોજના 600 રુપિયા એ (મારે માટે) બહુ મોટી વાત હતી - તેમાંથી હું 10 દિવસ સુધી ખાઈ શકતી હતી."
અમિતા, મીરાં અને બીજા લોકોના વર્ણનો પરથી એ સ્પષ્ટ છે કે દેહ વ્યાપાર કરતી મહિલાઓ એક જુદા જ પ્રકારના કલંકનો અનુભવ કરે છે, જે આરોગ્યસંભાળની તેમની પહોંચને મર્યાદિત કરે છે. વર્ષ 2014 નો અહેવાલ કહે છે કે આ કલંકને કારણે આ મહિલાઓ હોસ્પિટલોમાં પોતાનો વ્યવસાય જાહેર કરી શકતી નથી. નેશનલ નેટવર્ક ઓફ સેક્સ વર્કર્સ હેઠળ હિમાયતી જૂથો અને દેહ વ્યાપાર કરતી મહિલાઓના સમૂહો દ્વારા સંકલિત કરવામાં આવેલ અહેવાલ નોંધે છે, “દેહ વ્યાપાર કરતી મહિલાઓને અપમાનિત કરવામાં આવે છે અને તેમની ટીકા કરવામાં આવે છે, તેમને ખૂબ લાંબા સમય સુધી રાહ જોવડાવવામાં આવે છે, તેમની યોગ્ય તપાસ કરવામાં આવતી નથી, તેમને એચઆઈવી પરીક્ષણો કરાવવાની ફરજ પાડવામાં આવે છે, ખાનગી હોસ્પિટલોમાં સેવાઓ માટે તેમની પાસેથી વધારે પૈસા પડાવવામાં આવે છે, તેમને તબીબી સેવાઓ, પ્રસૂતિ-સંભાળ નકારવામાં આવે છે; અને તેમની ગોપનીયતાનું ઉલ્લંઘન થાય છે."
અમિતાના અનુભવો અહેવાલના તારણોને પ્રતિબિંબિત કરે છે. અમિતા કહે છે, “ફક્ત એચઆઈવી જેવા મોટા રોગો અથવા ગર્ભપાત માટે, અથવા સ્થાનિક રીતે કશાકની સારવાર કરીને કંટાળી ગયા હોઈએ તો જ અમે મોટી હોસ્પિટલમાં જઈએ છીએ. તે સિવાયના સમયે અમે ઝોલા છાપ ડોક્ટર (બિન-પ્રમાણિત તબીબી ચિકિત્સકો) પાસે જઈએ છીએ. અમે ધંધો [દેહ વ્યાપાર] કરીએ છીએ એવી એમને ખબર પડે તો તેઓ પણ અમારો ગેરલાભ લેવાનો (અમારું જાતીય શોષણ કરવાનો) પ્રયાસ કરે છે."
કુસુમ ઉમેરે છે કે તેઓ જેને જેને મળે છે તેમાંથી કોઈ પણ વ્યક્તિ તેમની સાથે માનપૂર્વક વર્તતી નથી. તેમનો વ્યવસાય જાહેર થતાંની સાથે જ તેમનું શોષણ થાય છે. જો શારીરિક સંબંધ નહીં, તો તેમને ક્ષણિક સુખ જોઈતું હોય કે પછી આ મહિલાઓને અપમાનિત કરવાનો વિકૃત આનંદ ઉઠાવવો હોય. “બસ કિસી તરહ બોડી ટચ કરના હૈ ઉનકો [તેઓ ફક્ત અમારા શરીરને અડકવા માગતા હોય છે.]"
રોહિણી સ્થિત ડોક્ટર સુમન કુમાર બિસ્વાસ કહે છે કે પરિણામે દેહ વ્યાપાર કરતી મહિલાઓને તબીબી સહાય મેળવવા માટે મનાવવી પડે છે. ડોક્ટર સુમન કુમાર નફાના હેતુ વિના કામ કરતી એક સંસ્થાની ઑફિસમાં દેહ વ્યાપાર કરતી મહિલાઓને તપાસે છે. તેઓ કોન્ડોમનું વિતરણ કરે છે અને આ મહિલાઓને તબીબી સલાહ આપે છે.
કોવિડ-19 મહામારીએ દેહ વ્યાપાર કરતી મહિલાઓ સામેના પૂર્વગ્રહને વધુ તીવ્ર બનાવ્યો છે, જેનાથી તેઓ શોષણ સામે વધારે અસુરક્ષિત બન્યા છે.
એઆઈએનએસડબલ્યુના વર્તમાન પ્રમુખ પુતુલ સિંહ કહે છે, "દેહ વ્યાપાર કરતી મહિલાઓ સાથે અસ્પૃશ્યો જેવો વ્યવહાર કરવામાં આવે છે. અમને રેશનની કતારોમાંથી બહાર કાઢી મૂકવામાં આવે કે પછી આધાર કાર્ડ મેળવવા માટે પજવવામાં આવે... અમારી એક બહેનને જટિલ ગર્ભાવસ્થા હતી, પરંતુ સાવ થોડાક જ કિલોમીટર માટે અમે 5000 રુપિયાથી વધુ ન ચૂકવીએ તો એમ્બ્યુલન્સે આવવાની ના પાડી દીધી. ગમેતેમ કરીને અમે તેને હોસ્પિટલમાં તો લઈ ગયા, પરંતુ સ્ટાફે ખોટેખોટા વિચિત્ર બહાના કાઢીને તેની સારવાર કરવાની ના પાડી દીધી. એક ડોક્ટર તેને જોવા માટે સંમત થયા, પરંતુ તેઓ દર્દીથી આઘા ઊભા રહ્યા." સિંહ કહે છે કે તેઓ એ મહિલાને ખાનગી ક્લિનિકમાં લઈ ગયા તેમ છતાં આખરે એ મહિલાએ બાળક ગુમાવ્યું.
****
આ મહિલાઓ કહે છે કે ખાનગી વિરુદ્ધ જાહેર આરોગ્ય સંભાળ એ એક જટિલ પસંદગી છે. અમિતા કહે છે, “ખાનગી હોસ્પિટલમાં અમે અમારી ઇજ્જત [ગૌરવ] ગુમાવ્યા વિના ડોક્ટરની સલાહ લઈ શકીએ છીએ." પરંતુ આ બધા ક્લિનિક અમને પરવડી ન શકે એટલા ખર્ચાળ હોય છે. દાખલા તરીકે, ખાનગી ક્લિનિકમાં ગર્ભપાત માટે ત્રણ ગણો વધુ ખર્ચ અથવા ઓછામાં ઓછા 15000 રુપિયા થાય છે.
સરકારી હોસ્પિટલોની બીજી સમસ્યા એ ત્યાં પેપરવર્ક પર મૂકતો ભાર છે
28 વર્ષની પિંકી જોઈને ચીતરી ચડે એવો ઘા બતાવવા માટે તેમના ચહેરા અને ગરદન પરથી કપડું હટાવે છે. ઘરાકમાંથી પ્રેમી બની ગયેલ વ્યક્તિએ ઈર્ષ્યાથી તેમનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. પોતે સરકારી હોસ્પિટલમાં શા માટે ન ગયા તે સમજાવતા પિંકી કહે છે, “લાખ સવાલો પૂછવામાં આવે, ઓળખ જાહેર કરવામાં આવે, અમારી પર સંભવિત પોલીસ કેસ ઠોકી બેસાડવામાં આવે. એ ઉપરાંત જ્યારે અમારામાંની મોટા ભાગની મહિલાઓ ગામમાં અમારા ઘર છોડીને આવીએ છીએ ત્યારે અમારી પાસે હંમેશા રેશનકાર્ડ કે એવા બીજા દસ્તાવેજો હોતા નથી,”
માર્ચ 2007 ના ભારતીય મહિલા આરોગ્ય ચાર્ટરમાં જણાવ્યું હતું કે દેહ વ્યાપાર કરતી મહિલાઓને "જાહેર આરોગ્ય સામે જોખમ/ખતરા" તરીકે જોવામાં આવે છે. એક દાયકા પછી દેશની રાજધાનીમાં આ પરિસ્થિતિમાં ઝાઝો ફેરફાર થયો નથી. અને મહામારીએ દેહ વ્યાપાર કરતી મહિલાઓને વધુ છેવાડે ધકેલી દીધા છે.
ઓક્ટોબર 2020 માં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશને (રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે) કોવિડ -19 ના સંદર્ભમાં મહિલાઓના અધિકારો પર એક સલાહ જારી કરી હતી. તેમાં જણાવાયું છે કે દેહ વ્યાપાર કરતી મહિલાઓમાં ખૂબ ઝડપથી નબળાઈ વધી છે - તેમની આજીવિકા પર અસર પડી છે, જેઓ એચઆઈવી-પોઝિટિવ હતા તેઓ એન્ટી-રેટ્રોવાયરલ થેરપી મેળવી શક્યા નહોતા, અને ઓળખ દસ્તાવેજોના અભાવે ઘણાને સરકારી કલ્યાણ યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા ન હતા. જોકે આખરે એનએચઆરસીએ દેહ વ્યાપાર કરતી મહિલાઓ પરના તેના નિવેદનમાં સુધારો કર્યો, તેમને અનૌપચારિક કામદારો તરીકે ઓળખવા માટેના મુખ્ય સૂચનને પડતું મૂક્યું, પરિણામે તેઓને કામદારો માટે બહાર પાડવામાં આવેલા લાભો અને કલ્યાણ માટે લેવાયેલા પગલાં માટે હકદાર બનાવ્યા. નિવેદનમાં દેહ વ્યાપાર કરતી મહિલાઓને અનૌપચારિક કામદારો તરીકે ઓળખવાને બદલે તેમને માનવતાના ધોરણે રાહત આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
દિલ્હી સ્થિત હ્યુમન રાઈટ્સ લૉ નેટવર્ક સાથે સંકળાયેલા વકીલ સ્નેહા મુખર્જી કહે છે, "કોવિડ દરમિયાન પરિસ્થિતિ વધારે ખરાબ હતી, જ્યારે સરકારી હોસ્પિટલોએ દેહ વ્યાપાર કરતી મહિલાઓને કહ્યું હતું કે 'અમે તમને અડકીશું નહીં કારણ કે તમે વાયરસ ફેલાવી શકો છો.' પરિણામે તેઓને દવાઓ અને પરીક્ષણો નકારવામાં આવ્યા હતા.”
માનવ તસ્કરી અધિનિયમ, 2021નો
ખરડો દેહ વ્યાપાર કરતી તમામ મહિલાઓને માનવ તસ્કરીનો ભોગ બનેલ વ્યક્તિ તરીકે જુએ છે અને મુખર્જીના જણાવ્યા અનુસાર એકવાર કાયદો બન્યા પછી દેહ વ્યાપારનો વ્યવસાય કરવા માટેની પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનશે. તેઓ ચેતવણી આપે છે તેના કારણે દેહ વ્યાપાર કરતી મહિલાઓ આરોગ્યસંભાળથી વધુ દૂર થઈ જશે.
2020 પહેલા 200-400 રૂપિયા ચૂકવતા દિવસના એક કે બે ઘરાકો સાથે દેહ વ્યાપાર કરતી એક મહિલા મહિને 6000-8000 રુપિયા કમાઈ શકતી. મોટાભાગના અનૌપચારિક કામદારોની જેમ જ દેહ વ્યાપાર કરતી મહિલાઓને પણ પહેલું રાષ્ટ્રવ્યાપી કોવિડ -19 લોકડાઉન અમલી બન્યું ત્યારથી મહિનાઓ સુધી કોઈ ઘરાકો વિના દાન-ધર્મ પર જ આધાર રાખવો પડ્યો હતો. સાવ નજીવો ખોરાક મળતો હોય ત્યારે દવા-દારૂનો તો સવાલ જ નહોતો.
એઆઈએનએસડબલ્યુના સંયોજક અમિત કુમાર કહે છે, “માર્ચ 2021 માં રેશન પણ બંધ થઈ ગયું. દેહ વ્યાપાર કરતી મહિલાઓને મદદ કરવા સરકારે કોઈ યોજના શરૂ કરી નહોતી. લગભગ બે વર્ષ ચાલેલી મહામારી પછી હજી આજે પણ તેઓ ઘરાકો શોધવા સંઘર્ષ કરી રહ્યા છે. ખોરાકની અછત ઉપરાંત આજીવિકા ગુમાવવાને કારણે તેઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ પીડાય છે અને તેમના પરિવારોને તેઓ શું કરે છે તેની ખબર પડી ગઈ છે."
સેક્સ વર્કર્સ નેટવર્ક દ્વારા તૈયાર કરાયેલ 2014ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 800000 થી વધુ મહિલાઓ દેહ વ્યાપારના વ્યવસાયમાં છે. તિવારીના જણાવ્યા અનુસાર તેમાંથી અંદાજે 30000 મહિલાઓ દિલ્હીમાં રહે છે. રાજધાનીમાં લગભગ 30 એનજીઓ તેમની સાથે નિયમિત પરીક્ષણ માટે કામ કરે છે, પ્રત્યેક એનજીઓનો લક્ષ્યાંક દેહ વ્યાપાર કરતી 1000 કે તેથી વધુ મહિલાઓનો છે. મહિલાઓ પોતાને દાડિયું રળનાર તરીકે જુએ છે. યુપીના બુદૌન જિલ્લાના 34 વર્ષના વિધવા રાની કહે છે.“અમે તેને દેહ વ્યાપાર કહીએ છીએ, વેશ્યાવૃત્તિ નહીં. હું રોજ કમાઉ છું ને રોજ ખાઉં છું. મારી પાસે એક નક્કી જગ્યા છે. હું દિવસના એક કે બે ઘરાક લઈ જઈ શકું, દરેક ઘરાક 200 થી 300 રુપિયા ચૂકવે."
આવકનું આ સાધન એ તેમની ઓળખનો એક ભાગ બની જાય છે. એક મુંબઈ સ્થિત કાર્યકર અને નારીવાદી સિદ્ધાંતવાદી મંજીમા ભટ્ટાચાર્ય કહે છે, "એ યાદ રાખવું અગત્યનું છે કે દેહ વ્યાપાર કરતી મહિલાઓ પણ એકલ મહિલાઓ, એકલ માતાઓ, દલિત મહિલાઓ, અભણ મહિલાઓ, સ્થળાંતરિત મહિલાઓ જેવી બીજી ઓળખ ધરાવતા હોય છે, જે ઓળખે તેમના જીવનની દિશાઓ નક્કી કર્યા હોય છે." મંજીમા ભટ્ટાચાર્ય ઈન્ટીમેટ સિટીના લેખક છે, આ પુસ્તક વૈશ્વિકીકરણ અને ટેક્નોલોજીએ જાતીય વાણિજ્યને કેવી રીતે અસર કરી છે તેની વાત કરે છે. તેઓ કહે છે, "ઘણા કેસોમાં બે છેડા ભેગા કરવા મહિલાઓ જુદા જુદા પ્રકારના અનૌપચારિક કામો કરે છે: એક સમયે ઘરેલુ કામ તો બીજા સમયે દેહ વ્યાપાર તો વળી ત્રીજા સમયે તેઓ બાંધકામના સ્થળે અથવા ફેક્ટરીમાં કામ કરતા હોય છે."
દેહ વ્યાપાર તેની પોતાની અનિશ્ચિતતાઓ સાથે આવે છે. રાણી કહે છે, “અમે ધંધા માટે કોઈના ઘરનો ઉપયોગ કરીએ તો તે વ્યક્તિ પણ કમિશન લે છે. મારો ઘરાક હોય તો હું મહિને 200 થી 300 રુપિયા ભાડું આપું. પરંતુ જો તે દીદીનો [ઘરની માલિકણનો] ઘરાક હોય, તો મારે નક્કી કરેલી રકમ દીદીને ચૂકવવી પડે."
રાની મને આવા જ એક એપાર્ટમેન્ટમાં લઈ જાય છે, અમે તેમની ઓળખ જાહેર કરીને તેમની વ્યવસ્થાને જોખમમાં નાખીશું નહીં તેની ખાતરી કર્યા પછી માલિકણ અમને રાનીને ફાળવેલ ઓરડી બતાવે છે. રૂમ માંડ એક પલંગ, અરીસો, ભારતીય દેવી-દેવતાઓના ફોટા અને ઉનાળા માટે એક જૂના કૂલરથી સજ્જ છે. બે યુવતીઓ પલંગ પર બેઠી છે, તેઓ પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત છે. છજામાં ધૂમ્રપાન કરતા બે પુરુષો અમારી સાથે આંખ મેળવવાનું ટાળે છે.
'વિશ્વનો સૌથી જૂનો વ્યવસાય' - આર્થિક સંસાધન તરીકે શરીર - એ પસંદગીનો વ્યવસાય છે કે કેમ એ પ્રશ્ન નો જવાબ આપવો ઐતિહાસિક રીતે જટિલ છે. ભટ્ટાચાર્ય જણાવે છે કે જ્યારે આ પસંદગી સારી કે નૈતિક મનાતી નથી ત્યારે પસંદગીનો દાવો મક્કમપણે કરવો મુશ્કેલ છે. “જેવી રીતે પોતે પુરુષ-મિત્ર અથવા જોડીદાર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સંમત હતા એવું સ્પષ્ટપણે કહેવું છોકરીઓને મુશ્કેલ જણાય છે કે કારણ કે આવું કરનાર છોકરીઓને સમાજ 'ખરાબ' છોકરીઓ તરીકે જુએ છે. એવી જ રીતે કઈ મહિલાને દેહ વ્યાપાર કરવા માગતી વ્યક્તિ તરીકે ઓળખાવું ગમે?"
દરમિયાન રાનીને સમજાતું નથી કે તેમના ઉછરતા બાળકોને તેમના ખોરાક, આશ્રય, શાળાની ફી અને દવાઓ માટે ચૂકવણી કરવા તેમની માતા શું કરે છે એ સવાલનો શો જવાબ આપવો.
દેહ વ્યાપાર કરતી મહિલાઓની ગોપનીયતાની સુરક્ષા માટે તેમના નામ બદલવામાં આવ્યા છે.
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરીને zahra@ruralindiaonline.org પર cc સાથે namita@ruralindiaonline.org પર લખો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક