"વરસાદ ફરી બંધ થઈ ગયો છે," વાંસનાં ટેકા સાથે તેમના ખેતર તરફ ચાલતા-ચાલતા ધર્મા ગારેલે કહ્યું. “જૂન મહિનો હવે ખૂબ વિચિત્ર બની ગયો છે. પેહલા 2-3 કલાક માટે વરસાદ પડશે. ક્યારેક હળવો તો ક્યારેક ભારે વરસાદ પડશે. પરંતું તેના પછીના થોડા કલાકોમાં જ ફરી અસહ્ય ગરમી પડશે. તેના કારણે જમીનનો તમામ ભેજ શોષાઈ જાય. પછી માટી પણ ફરી સુકાઈ જાય. આવી સ્થિતિમાં રોપાઓ કેવી રીતે ઉગી શકે?”
થાણે જિલ્લાના શાહપુર તાલુકાના 15 વારલી પરિવારોના આદિવાસી ગામ ગારેલપાડામાં એંસી વર્ષના ગારેલ અને તેમનો પરિવાર તેમની એક એકર જમીન પર ડાંગરની ખેતી કરે છે. જૂન 2019 માં, તેઓએ વાવેલ ડાંગરનો પાક સંપૂર્ણપણે સુકાઈ ગયો. તે મહિને, 11 દિવસમાં માત્ર 393 mm વરસાદ પડ્યો હતો (421.9 mm ની સરેરાશ કરતા પણ ઓછો).
તેઓએ જે ડાંગર વાવ્યો હતો તેના બિયાં ફૂટ્યાં જ નહી અને તેઓને બિયારણ, ખાતર, ટ્રેક્ટર ભાડા અને અન્ય ખર્ચા સમેત લગભગ રૂ. 10,000નું નુકસાન થયું.
“એ તો છેક ઓગસ્ટ મહિનામાં નિયમિત વરસાદને કારણે જમીન ઠંડી થવા લાગી. મને ખાતરી હતી કે બીજી વાવણીનું જોખમ લઈને, અમે જે પાક મેળવીશું, તેમાં થોડો ફાયદો તો થશે જ., ” ધર્માના દીકરા 38 વર્ષના રાજુએ કહ્યું.
જૂન મહિનાના ખૂબ ઓછા વરસાદ પછી, જુલાઈ મહિનામાં, તાલુકામાં ખૂબ વરસાદ પડ્યો - 947.3 મીમીના સામાન્ય વરસાદની સરખામણીમાં 1586.8 મીમી વરસાદ પડ્યો. આના આધારે ગારેલ પરિવારે બીજી વાવણી સાથે તેમની આશા જોડી. પરંતુ ઓગસ્ટ સુધીમાં વરસાદ ખૂબ જ તીવ્ર બની ગયો - અને તે ઓક્ટોબર સુધી ચાલુ રહ્યો. થાણે જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં 116 દિવસમાં આશરે 1,200 મીમી જેટલો વરસાદ પડ્યો.
“છોડના વિકાસ માટે સપ્ટેમ્બર સુધી થયો તે વરસાદ પૂરતો હતો. આપણે માણસો પણ પેટ ફાટે ત્યાં સુધી ખાતા નથી, તો એક નાનો છોડ આવું કઈ રીતે કરી શકે? " રાજુ પૂછે છે. ઓક્ટોબરના વરસાદમાં ગારેલ પરિવારના ખેતરમાં પાણી ભરાયા હતા. પોતે ખેડૂત અને રાજુની પત્ની , 35 વર્ષીય સવિતા, યાદ કરતા કહે છે, "અમે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ડાંગર કાપવાનું અને તેના પોટલાઓ બનાવાનું શરૂ કર્યું હતું. અમારે હજી બાકીનો પાક લણવાનો બાકી હતો. 5 ઓક્ટોબર પછી, અચાનક ભારે વરસાદ શરૂ થયો. અમે શક્ય હતો તેટલો પાક ઘરની અંદર લાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ થોડીવારમાં જ અમારું ખેતર છલકાઈ ગયું ... "
ઓગસ્ટની બીજી વાવણીમાંથી, ગારેલ પરિવાર માત્ર 3 ક્વિન્ટલ ડાંગરને બચાવવામાં સફળ રહ્યો-જ્યારે ભૂતકાળમાં તેઓ એક જ વાવણીમાંથી લગભગ 8-9 ક્વિન્ટલ પાક લઈ લેતા હતા.
ધર્મા કહે છે, "એક દાયકાથી આવું જ થઈ રહ્યું છે. વરસાદ વધ્યો કે ઘટ્યો નથી, તે વધુ અનિયમિત બની ગયો છે - અને ગરમીના પ્રમાણમાં પણ ઘણો વધારો થયો છે." 2018માં પણ, દર વર્ષના સરેરાશથી ઓછો વરસાદ થવાને કારણે પરિવાર માત્ર ચાર ક્વિન્ટલ પાક લઈ શક્યો હતો. 2017માં પણ ઓક્ટોબરના કમોસમી વરસાદને કારણે વધુ એક ઝટકો તેમના ડાંગરના પાકને લાગ્યો હતો.
ધર્માના નિરીક્ષણ પ્રમાણે, ગરમી સતત વધતી જઈ રહી છે, અને "અસહ્ય" બની ગઈ છે. ન્યૂ યોર્ક ટાઇમ્સના આબોહવા અને ગ્લોબલ વોર્મિંગ પરના ઇન્ટરેક્ટિવ પોર્ટલનો ડેટા બતાવે છે કે 1960માં, જ્યારે ધર્મા 20 વર્ષના હતા, થાણેએ 175 એવા દિવસો જોયા હતા જ્યાં તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પોહોંચી શકે. આજે, તે સંખ્યા વધીને 237 દિવસ થઈ ગઈ છે જ્યારે કે તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
શાહપુર તાલુકાના આદિવાસી ગામોમાં, અન્ય કેટલાક પરિવારો ડાંગરની ઉપજ ઘટી હોવાની વાત કરે છે. આ જિલ્લો એ કટકરી, મલ્હાર કોળી, મા ઠાકુર, વારલી અને અન્ય આદિવાસી સમુદાયોનું ઘર છે - થાણેમાં અનુસૂચિત જનજાતિની વસ્તી આશરે 1.15 મિલિયન -11.5 લાખ (વસ્તી ગણતરી 2011 મુજબ) છે, જે કુલ આદિવાસી સમાજનો લગભગ 14 ટકા ભાગ છે.
“વરસાદ પર આધાર રાખનાર ડાંગરને નિયમિત અંતરે પાણીની જરૂરિયાત પડે છે અને તેના માટે વરસાદના યોગ્ય વિતરણની જરૂર હોય છે. પાક ચક્રના કોઈપણ તબક્કે પાણીની અછત ઉપજમાં ઘટાડો કરે છે, ”પુણેના BAIF ઇન્સ્ટિટ્યુટ ફોર સસ્ટેનેબલ લાયવલીહૂડ એન્ડ ડેવલપમેન્ટના પ્રોગ્રામ મેનેજર સોમનાથ ચૌધરી કહે છે.
ઘણા આદિવાસી પરિવારો ખરીફ સીઝનમાં તેમની નાની નાની જમીનના ટુકડાઓ પર ડાંગર ઉગાડી અને બાકીના અડધા વર્ષમાં ઈંટના ભઠ્ઠા, શેરડીના ખેતરો અને અન્ય સ્થળોએ કામ કરવા માટે સ્થળાંતર કરીને તેમનું વાર્ષિક ગુજરાન ચલાવે છે. પરંતુ તેઓ હવે આ અનિશ્ચિત વાર્ષિક લયના પણ અડધા ભાગ પર આધાર રાખી શકતા નથી કારણ કે અનિયમિત ચોમાસાને કારણે ડાંગરની ઉપજ વારંવાર ઘટી રહી છે.
જિલ્લામાં 136,000 હેક્ટર પર ખરીફ સિઝનમાં વરસાદ આધારિત ડાંગરની ખેતી કરવામાં આવે છે, અને રવિ સિઝન દરમિયાન 3,000 હેક્ટર સિંચાઈવાળી જમીન (મુખ્યત્વે ખુલ્લા કૂવા અને બોરવેલવાળી) પર ડાંગરની ખેતી કરવામાં આવે છે. (એવું સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ફોર ડ્રાયલેન્ડ એગ્રીકલ્ચર, 2009-10ના આંકડા કહે છે.) અહીં ઉગાડવામાં આવતા અન્ય કેટલાક મુખ્ય પાકમાં બાજરી, કઠોળ અને મગફળી પણ શામેલ છે.
થાણે જિલ્લામાં બે મોટી નદીઓ છે, ઉલ્હાસ અને વૈતરણા અને બંનેની ઘણી ઉપનદીઓ પણ છે, અને શાહપુર તાલુકામાં ચાર મોટા ડેમ પણ છે - ભટસા, મોદક સાગર, તાનસા અને ઉચ્ચ વૈતરણા - છતાં અહીં આદિવાસી ગામોમાં ખેતી મોટા પ્રમાણમાં વરસાદ પર આધારિત છે.
"ચારેય ડેમનું પાણી મુંબઈ શહેર લઇ જવામાં આવે છે. અહીંના લોકોને ડિસેમ્બરથી મે સુધી, જયાં સુધી ચોમાસુ ન આવે ત્યાં સુધી પાણીની અછત ભોગવવી પડે છે. આ કારણે ઉનાળામાં ટેન્કરો પાણીનો મુખ્ય સ્ત્રોત બની જાય છે,"શાહપુર સ્થિત સામાજિક કાર્યકર અને ભટસા સિંચાઈ પ્રોજેક્ટ પુનરવાસ સમિતિના સંયોજક, બબન હરણે કહે છે.
તેઓ પોતાની વાતમાં ઉમેરાતા કહે છે, "શાહપુરમાં બોરવેલની માંગ વધી રહી છે. પાણી વિભાગ દ્વારા કરવામાં આવેલ ખોદકામ સિવાય, ખાનગી ઠેકેદારો પણ ગેરકાયદેસર રીતે 700 મીટરથી વધુનું ખોદકામ કરે છે." ભૂગર્ભજળ સર્વેક્ષણ અને વિકાસ એજન્સીનો સંભવિત જળ અછત અહેવાલ, 2018 બતાવે છે કે શાહપુર સહિત થાણેના ત્રણ તાલુકાના 41 ગામોમાં ભૂગર્ભજળ ઘટી ગયું છે.
“અમને પીવા માટે પણ પાણી મળતું નથી, એવામાં અમે અમારા પાકને કેવી રીતે જીવતા રાખીશું? મોટા ખેડૂતો પાણી મેળવી શકે છે કારણ કે તેઓ ડેમના પાણી માટે પૈસા આપી શકે છે, અથવા તેમની પાસે પોતાના કુવાઓ અને પંપ છે,”રાજુ કહે છે.
પાણીની અછત એ પણ એક કારણ છે કે શાહાપુરના આદિવાસી ગામોમાંથી ઘણા લોકો દર વર્ષે નવેમ્બરથી મે દરમિયાન કામ માટે સ્થળાંતર કરે છે. ઓક્ટોબરમાં ખરીફ પાક બાદ તેઓ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઈંટોના ભઠ્ઠા પર અથવા રાજ્યમાં શેરડીના ખેતરોમાં મજૂરી કરવા જાય છે. તેઓ ખરીફ વાવણીની સીઝન માટે સમયસર પાછા ફરે છે, ત્યારે તેઓ પાસે માંડ એટલા પૈસા હોય છે જેનાથી તેઓ થોડા મહીનાઓ માટે ગુજરાન ચલાવી શકે.
રાજુ અને સવિતા ગારેલ પણ શેરડીના ખેતરમાં કામ કરવા માટે આશરે 500 કિલોમીટર દૂર નંદુરબાર જિલ્લાના શાહાદે તાલુકાના પ્રકાશ ગામમાં સ્થળાંતર કરે છે. 2019માં, તેઓ થોડો મોડા, ડિસેમ્બરમાં ધર્મા અને તેમના 12 વર્ષના પુત્ર અજયને ગારેલપાડામાં મૂકીને નીકળ્યાં હતા. ચાર વ્યક્તિના આ પરિવાર પાસે જૂન સુધી ટકી રહેવા માટે માત્ર ત્રણ ક્વિન્ટલ ચોખા હતા. “અમે [નજીકના] અઘાય ગામના ખેડૂતોને ચોખા આપીને તેઓ જે તુવેર દાળની ખેતી કરે છે, તે મેળવીએ છીએ. આ વખતે, તે કરવું શક્ય નથી ...” રાજુએ નબળાં પાકનો ઉલ્લેખ કરતા મને કહ્યું.
તે અને સવિતા મળીને શેરડીના ખેતરોમાં સાતેક મહિનાની મજૂરી કરીને આશરે રુ.70,000 કમાય છે. રાજુ ભિવંડી તાલુકામાં, શાહપુરથી 50 કિલોમીટર દૂર, જૂન અને સપ્ટેમ્બર વચ્ચે, ઓનલાઈન શોપિંગ વેરહાઉસમાં લોડર તરીકે પણ કામ કરે છે. સામાન્ય રીતે આ 50 દિવસનું કામ હોય છે અને પ્રતિ દિવસ રૂ. 300 મળે છે.
ગારેલપાડાથી આશરે 40 કિલોમીટર દૂર, બેરશીંગીપાડા ગામમાં, માલુ વાઘનો પરિવાર પણ ડાંગરની ઘટતી ઉપજ ને કારણે ઝઝૂમી રહ્યો છે. ઘાસના છાપરાંવાળી તેમની કાચી દીવાલની ઝૂંપડીના એક ખૂણામાં, બે કિવન્ટલ ડાંગર લીમડાના પાંદડાઓ વચ્ચે કણગીમાં મુકેલ છે- ગાયના છાણ અને વાંસનું બનેલ આ વાસણ જીવાતોને દૂર રાખવાનું કામ કરે છે. "આ હવે ઘરમાં સૌથી કિંમતી વસ્તુ છે," માલુએ ગયા નવેમ્બરમાં મને કહ્યું હતું. “આપણે આપણી ઉપજનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કારણ કે વરસાદનો કોઈ ભરોસો નથી. તે પોતાના મનનો રાજા છે. તે આપણું સાંભળશે નહીં.”
અભ્યાસો પણ બતાવે છે કે આ વાત સાચી છે - વરસાદ ખૂબ અનિયમિત બન્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલા 2013 ના અભ્યાસના મુખ્ય લેખક ડો.પુલક ગુહાથકૂર્તા કહે છે, "અમે મહારાષ્ટ્રમાં 100 થી વધુ વર્ષોના વરસાદના ડેટાનું વિશ્લેષણ કર્યું છે. મહારાષ્ટ્રમાં વધતી પાણીની તંગીની સરખામણીમાં વરસાદની પેટર્ન અને ઋતુગત અનુક્રમણિકામાં ફેરફારોની શોધનો આ અભ્યાસ રાજ્યના તમામ 35 જિલ્લાઓમાં 1901-2006 સમયગાળાના માસિક વરસાદના આંકડાઓનું વિશ્લેષણ કરે છે. "નાના અવકાશી ભીંગડાઓ પર અસ્થાયી અને અવકાશી પેટર્ન પર આબોહવા પરિવર્તનની અસર સ્પષ્ટપણે આ વિશ્લેષણમાં જોવા મળે છે. આ બદલાતી પેટર્ન કૃષિ દૃષ્ટિકોણથી ખૂબ જ નિર્ણાયક છે, ખાસ કરીને વરસાદ પર આધારિત ખેતીના વિસ્તારો માટે," એવું ડૉકટર ગુહઠાકુરતા, જે ક્લાઇમેટ રિસર્ચ એન્ડ સર્વિસીસ ઓફિસ, આઇએમડી, પુણે ખાતે વૈજ્ઞાનિક છે તે કહે છે.
અને આ બદલાતી પેટર્નની જમીન પર ખૂબ વાસ્તવિક અસર દેખાઈ રહી છે. માટે જ જ્યારે 56 વર્ષીય માલુ વાઘ અને તેમનો પરિવાર- જે કટકરી સમુદાયથી છે - તેઓ, તેમના ગામના 27 આદિવાસી પરિવારોની જેમ, નવેમ્બર 2019 માં ઈંટના ભઠ્ઠા પર કામ કરવા માટે ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી શહેર જવા નીકળ્યા હતા- તેમની સાથે 50 કિલો ચોખા હતા અને માત્ર બે ક્વિન્ટલ જેટલા ચોખા તેમની બંધ ઝૂંપડીમાં પાછળ રહ્યા. જ્યારે તેઓ પાછા ફરશે અને બર્શીંગીપાડામાં રહેશે-મે-જૂનથી ઓક્ટોબર સુધી ત્યારે તેમની પાસે માત્ર આ 2 ક્વિન્ટલ ચોખા જ હશે તેમના ગુજરાન માટે.
આશરે 5 થી 10 વર્ષ પહેલા, અમે 8-10 ક્વિન્ટલ ચોખાની લણણી કરતા અને 4 થી 5 ક્વિન્ટલ ચોખા ઘરમાં પડ્યા રેહતા. જ્યારે પણ જરૂર પડે ત્યારે, અમે તેમાંથી થોડા ચોખા અન્ય ખેડૂતોને તુવેર દાળ, નાગલી [રાગી], વારાઇ [બાજરી] અને હરભરા [ચણા] ના બદલામાં માં આપતાં,”માલુની પત્ની 50 વર્ષીય નકુલા કહે છે. આના ભરોસે 5 વ્યક્તિનો પરિવાર આખું વર્ષ પોતાનું ગુજરાન ચલાવશે. “ પાંચ વર્ષથી પણ વધુ સમયથી, અમે 6 થી 7 ક્વિન્ટલથી વધુ ડાંગરની લણણી કરી નથી."
માલુ ઉમેરે છે, "ઉપજ દર વર્ષે ઓછી થઈ રહી છે."
ગત વર્ષે ઓગસ્ટમાં વરસાદે જોર પકડ્યું ત્યારે તેમની આશાઓ બંધાણી. પરંતુ ઓક્ટોબરમાં 11 દિવસમાં 102 મીમીના કમોસમી અને ભારે વરસાદને કારણે પરિવારના એક એકર ખેતરમાં પાણી ભરાઈ ગયા. લણી લીધેલ ડાંગરનો પાક ભીંજાઈ ગયો - માત્ર ત્રણ ક્વિન્ટલ ડાંગર જ તેઓ બચાવી શક્યા. માલુ કહે છે, “આ વરસાદને લીધે અમે બિયારણ, ખાતર અને બળદ ભાડે રાખવા પાછળ ખર્ચેલા રું 10,000 પણ વેડફાઈ ગયા."
થાણે જિલ્લાના શાહપુર તાલુકાના આ ગામડાના 12 કાટકરી અને 15 મલ્હાર કોળી પરિવારોમાંથી મોટા ભાગના પરિવારોને પણ આવી જ રીતે નુકસાન ભોગવવું પડ્યું છે.
“ચોમાસું પહેલેથી જ અત્યંત અનિયમિત હોય છે. આ અનિયમિતતા જળવાયું પરિવર્તનને કારણે વધુ વકરી બની છે, જેના કારણે ખેડૂતો તેમના પાક ચક્ર અને પસંદગીની પાક પદ્ધતિને અનુસરવામાં અસમર્થ છે,” પ્રો. ડી. પાર્થસારથી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, બોમ્બે ખાતે ક્લાઇમેટ સ્ટડીઝ ઇન્ટરડિસિપ્લિનરી પ્રોગ્રામના કન્વીનર કહે છે. તેમના દ્વારા હાથ ધરવામાં આવેલ અભ્યાસ દર્શાવે છે કે મહારાષ્ટ્રના નાસિક અને કોંકણ જિલ્લાઓમાં તીવ્ર વરસાદના ઝાપટાની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને થાણે જિલ્લામાં 1976-77 પછી ભારે વરસાદના દિવસો (વરસાદની આવર્તન) ની સંખ્યામાં ઘણો બદલાવ છે.
આ અભ્યાસ કૃષિ પર આબોહવા પરિવર્તનની અસર પર કેન્દ્રિત છે અને 1951 અને 2013 વચ્ચેના 62 વર્ષ માટે મહારાષ્ટ્રના 34 જિલ્લાઓમાંથી એકત્રિત કરાયેલા દૈનિક વરસાદના ડેટાનું વિશ્લેષણ કરે છે. અભ્યાસો દર્શાવે છે કે વરસાદી ઋતુની શરૂઆત અને ચોમાસાનો પાછો ખેંચાવાનો સમય, ઓછા - વધુ વરસાદના દાયકાઓ અને વરસાદની કુલ માત્રામાં ઘણા બદલાવો આવી રહ્યા છે જેની આડઅસરો વાવણીની તારીખ, અંકુરણ દર અને કુલ ઉપજ પર પડી રહી છે, અને આ કારણોસર કેટલીકવાર મોટા પાયે પાક નિષ્ફળ પણ જાય છે, "પ્રો. પાર્થસારથી કહે છે.
બેરસિંગીપાડાથી 124 કિમી દૂર આવેલા નેહરોલી ગામમાં, મા ઠાકુર સમુદાયના 60 વર્ષીય ઈન્દુ અગીવાલ પણ આ બદલાતી પેટર્ન વિષે વાત કરે છે. “અમે રોહિણી નક્ષત્રમાં [25 મે થી 7 જૂન] બીજ વાવતા, પુષ્ય [20 જુલાઈથી 2 ઓગસ્ટ] આવે ત્યાં સુધીમાં, અમારો પાક રોપણી માટે તૈયાર થઈ જતો. ચિત્રા નક્ષત્ર સુધીમાં [10 ઑક્ટોબરથી 23 ઑક્ટોબર] અમે કાપણી અને થ્રેસિંગ શરૂ કરી દેતા. હવે આ બધું કામ મોડું થતું જાય છે. છેલ્લા ઘણા સમયથી વરસાદ નક્ષત્રોના સમય અનુસાર થતો નથી. એવું શા માટે થાય છે એ વાત મને સમજાતી નથી.”
ઇન્દુ વધતી ગરમીની પણ વાત કરે છે. “મેં મારા આખા જીવનમાં આવી ગરમી ક્યારેય જોઈ નથી. જ્યારે હું નાની હતી ત્યારે રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદ પડતો. તે સતત વરસાદ હતો જેના કારણે ઉનાળા પછી ગરમ જમીન ઠંડી પડતી. ભીની માટીની સુગંધ હવામાં ભળતી. હવે તે સુગંધ દુર્લભ બની ગઈ છે” આ તેઓ તેમના બે એકર ના ખેતર પર બેરીકેટ્સ બનાવવા માટે ખોદકામ કરતા કરતા કહે છે.
અનિયમિત વરસાદ, ઘટતી ઉપજ અને વધતા તાપમાનની સાથે શાહપુરમાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે, એમ અહીંના ખેડૂતો કહે છે. અને નેહરોલી ગામના 68 વર્ષીય કિશન હિલમ હાઇબ્રિડ બિયારણ અને રાસાયણિક ખાતરોને આની માટે દોષી ઠેરવે છે. “મસૂરી, ચિકંદર, પોશી, ડાંગે …હવે આ [પરંપરાગત] બીજ કોની પાસે છે? કોઈ નહી. દરેક વ્યક્તિ પરંપરાગતમાંથી ઔષધવાલે [હાઇબ્રિડ બિયારણ] બાજુ વળી ગયા છે. હવે કોઈ બિયારણ સાચવતું નથી...” તે કહે છે.
જ્યારે અમે મળ્યા ત્યારે તે પંજેટી સાથે જમીનમાં હાયબ્રીડ બિયારણ ભેળવી રહ્યા હતા. “હું આ બિયારણના ઉપયોગની વિરુદ્ધ હતો. પરંપરાગત બીજ ઓછી ઉપજ આપે છે પરંતુ તેઓ પર્યાવરણના ફેરફારો સહી શકે છે. આ નવા બીજ ઔષધ [ખાતર] વિના ઉગી શકતા નથી. તે જમીનની શુદ્ધતા [ફળદ્રુપતા] ઘટાડે છે - પછી ભલે વરસાદ ઓછો હોય કે ભારે."
“ખેડૂતો પોતાના પરંપરાગત બિયારણને સાચવવાને બદલે બીજ કંપનીઓ પર વધુને વધુ નિર્ભર બની રહ્યા છે. પરંતુ આ હાઇબ્રિડ બીજને સમય જતાં ખાતરો, જંતુનાશકો અને પાણીની વધુ ને વધુ માત્રામાં જરૂર પડે છે. જો આ બધું ઉપલબ્ધ ન કરાવામાં આવે તો તેઓ બાંયધરીકૃત ઉપજ આપી શકતા નથી. આનો અર્થ એ છે કે બદલાતી આબોહવાની પરિસ્થિતિઓમાં, હાયબ્રીડ બિયારણ ટકાઉ નથી,” સંજય પાટીલ, BAIF, ઇન્સ્ટિટ્યુટ ફોર સસ્ટેનેબલ લાઇવલીહુડ્સ એન્ડ ડેવલપમેન્ટ, પૂણેના સહાયક પ્રોગ્રામ કોઓર્ડિનેટર સમજાવે છે. "હવે ગ્લોબલ વોર્મિંગ અને જળવાયું પરિવર્તનને કારણે સમયસર અને અનુમાનિત વરસાદ દુર્લભ છે, તેથી બદલાતી પરિસ્થિતિઓને અનુકૂલન કરી શકે તેવા મુખ્ય પાક લેવા ખૂબ જ જરૂરી છે."
BIAF ના સોમનાથ ચૌધરી ઉમેરે છે, "તે સ્થાનો માટે ઉપયોગમાં લેવામાં આવતા પરંપરાગત ડાંગરના બીજ, આબોહવાની પરિસ્થિતિઓમાં ફેરફારને ધ્યાનમાં લીધા વિના થોડું આઉટપુટ આપવા માટે પૂરતા છે."
વર્ણસંકર બીજને પણ સામાન્ય રીતે વધુ પાણીની જરૂર પડે છે, અને વરસાદ આધારિત ગામડાઓમાં, જો વરસાદ અનિયમિત હોય, તો પાકને નુકસાન થાય છે.
આ વર્ષની શરૂઆત દરમિયાન, વાપીમાં ઈંટના ભઠ્ઠામાં તેમના કામચલાઉ ઝૂંપડામાં, માલુ, નકુલ, તેમનો પુત્ર રાજેશ, પુત્રવધૂ લતા અને 10 વર્ષની પૌત્રી સુવિધા સાથે અમે ફોન પર વાત કરી ત્યારે તેઓ જમી રહ્યા હતા. તેઓએ તેમના ભોજન - થોડા રીંગણ, બટાકા અથવા ક્યારેક ટમેટાના રસા સાથે ભાત - તેમાં તેમણે ઘટાડો કર્યો હતો. તેઓ તે ભોજન દિવસમાં માત્ર એક વાર કરી રહ્યા હતા.
“ઇંટો બનાવવી એ સરળ કામ નથી. અમારો પરસેવો પણ કાદવમાં પાણીની જેમ ભળી જાય છે. તેથી કામ કરવા માટે અમારું બરાબર ખાવું ખૂબ જરૂરી છે. આ વખતે, ઉપજ ઓછી હોવાથી, અમે દિવસમાં માત્ર એક જ વાર ખાઈએ છીએ. અમારે ધ્યાન રાખવાનું છે કે અમારા ચોખા જૂને મહિનાની વાવણી પેલા પૂરા ન થઇ જાય,” માલુએ કહ્યું.
ઈંટો બનાવવાની સિઝનના અંતે, મે સુધીમાં, ચાર પુખ્ત વયના લોકોની મજૂરી માટે તેઓ સામાન્ય રીતે લગભગ રૂ. 80,000-90,000 સાથે બેરશિંગીપાડા પાછા ફરે છે. માત્ર આટલા પૈસામાંથી બાકીના વર્ષમાં ખેતીનો ખર્ચો, વીજળીના બિલનો ખર્ચો, દવાઓ અને રાશન- મીઠું, મરચું પાવડર, શાકભાજી અને અન્ય વસ્તુ માટેનો ખર્ચો પણ કાઢવાનો રહે છે.
શાહપુરના આદિવાસી ગામડાઓમાં માલુ વાઘ, ધર્મા ગારેલ અને અન્ય લોકો કદાચ 'ક્લાઈમેટ ચેન્જ' (જળવાયું પરિવર્તન) શબ્દ વિશે જાણતા નથી, પરંતુ તેઓ આ પરિવર્તનને જાણે છે, અનુભવે છે અને દરરોજ તેની અસરોનો સીધો ભોગ બની રહ્યા છે. તેઓ જળવાયું પરિવર્તનના ઘણા પરિમાણો વિશે સ્પષ્ટપણે બોલે છે: અનિયમિત વરસાદ અને તેનું અસમાન વિતરણ; ગરમીમાં ભયંકર વધારો; બોરવેલ માટે ધસારો અને તેની પાણીના સ્ત્રોતો પર અસર અને તેના પરિણામ જમીન, પાક અને ખેતી પર; બીજમાં ફેરફાર અને ઉપજ પર તેની અસર; કથળતી ખાદ્ય સુરક્ષા કે જેના વિશે જળવાયું પરિવર્તન વિષયના વૈજ્ઞાનિકોએ બળપૂર્વક ચેતવણી આપી છે.
તેમના માટે, આ બધું જીવંત અનુભવ છે. તેમના અવલોકનો, હકીકતમાં, વૈજ્ઞાનિકો જે કહી રહ્યા છે તેની જેટલી નજીક છે તે માટે નોંધપાત્ર છે - પરંતુ આ અવલોકનો ખૂબ જ અલગ ભાષામાં છે. અને પછી સત્તાધારીયો સામેની તેમની લડાઈ પણ છે - આ ગામડાઓમાં, તે સત્તાધારી સામાન્ય રીતે વન વિભાગના રૂપમાં હોય છે.
માલુ જેમ કહે છે: “ વાત માત્ર વરસાદ સુધી સીમિત નથી. અમારી સામે લડવા માટેની ઘણી લડાઈઓ છે. વન અધિકારીઓ સાથે [જમીનના અધિકાર માટે], રાશન અધિકારીઓ સાથે. તો પછી વરસાદ અમને શા માટે બક્ષસે?"
અને, ગારેલપાડામાં તેમના ખેતરમા ઉભા, 80 વર્ષીય ધર્મા કહે છે, “હવામાન બદલાઈ ગયું છે. તે હવે ખૂબ જ ગરમ થઈ ગયું છે. વરસાદ ભૂતકાળની જેમ સમયસર આવતો નથી. જો રાજા [લોકો] પહેલાના જમાનાની જેમ સારા નથી રહ્યા, તો નિસર્ગ [પ્રકૃતિ] જેવું હતું તેવું કેવી રીતે રહેશે? તે પણ બદલાઈ રહ્યું છે..."
જળવાયું પરિવર્તન પર PARI રાષ્ટ્રવ્યાપી રિપોર્ટિંગ-જે સામાન્ય લોકોના અવાજો અને જીવંત અનુભવો દ્વારા ઘટનાઓને રેકોર્ડ- કરવાની UNDP સમાર્થીત પહેલનો એક ભાગ છે .
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી namita@ruralindiaonline.org ને cc સાથે zahra@ruralindiaonline.org પર લખો
અનુવાદક: જાહ્નવી સોધા