એક સવારે અનુ એક ઝાડ નીચે અડધી ફાટેલી પ્લાસ્ટિકની સાદડી પર બેઠા છે, તેમના વાળ વિખરાયેલા છે, તેઓ ખૂબ થાકેલા લાગે છે. ત્યાંથી પસાર થતાં લોકો તેમની સાથે દૂરથી વાત કરે છે. નજીકમાં પશુઓ આરામ કરી રહ્યા છે અને ઘાસચારાના પૂળાની ગંજીઓ તડકામાં સુકાઈ રહી છે.
અનુ કહે છે, “વરસાદ પડે ત્યારે પણ હું ઝાડ નીચે છત્રી લઈને બેસું છું અને મારા ઘરમાં પગ પણ મૂકતી નથી. મારો પડછાયો પણ કોઈના પર ન પડવો જોઈએ. અમારા ભગવાન કોપાયમાન થાય એવું કરવાનું અમને ન પોસાય.”
તેમના ઘરથી લગભગ 100 મીટર દૂર ખુલ્લા મેદાનમાં આવેલું ઝાડ એ જ દર મહિને માસિકસ્રાવ શરૂ થાય એ પછીના ત્રણ દિવસ માટે તેમનું ‘ઘર’ બને છે.
અનુ (નામ બદલ્યું છે) ઉમેરે છે, “મારી દીકરી મારે માટે એક થાળીમાં જમવાનું મૂકી જાય છે.” બીજાઓથી અલગ રહેવાનું હોય તે દિવસોમાં તેઓ અલગ વાસણો વાપરે છે. “મારા આનંદ માટે હું અહીં આરામ કરું છું એવું બિલકુલ નથી. મારે તો [ઘેર] કામ કરવું છે, પરંતુ અમારી સંસ્કૃતિ પ્રત્યે આદર જાળવવા અહીં બહાર રહું છું. જો કે બહુ કામ હોય ત્યારે હું અમારા ખેતરમાં કામ કરું છું." અનુનો પરિવાર તેમની 1.5 એકર જમીનમાં રાગીની ખેતી કરે છે.
એકાન્તવાસના આ દિવસો દરમિયાન મોટેભાગે સાવ એકલા રહેતા હોવા છતાં આ પ્રથા અનુસરનારા અનુ એકલા નથી. તેમની 19 અને 17 વર્ષની દીકરીઓ પણ આ રિવાજ પાળે છે (બીજી 21 વર્ષની દીકરી પરિણીત છે). અને કડુગોલ્લા સમુદાયના લગભગ 25 પરિવારોના તેમના કસ્બાની તમામ સ્ત્રીઓએ આ જ રીતે બીજાઓથી અલગ રહેવું પડે છે.
સુવાવડી મહિલાઓને, જેમણે હમણાં જ બાળકને જન્મ આપ્યો હોય તેઓને, પણ કડક પ્રતિબંધોનું પાલન કરવું પડે છે. અનુએ જે ઝાડ નીચે આશરો લીધો છે તેની નજીક એકબીજાથી થોડે-થોડે દૂર આવેલી છ જેટલી ઝૂંપડીઓ તેમનું અને તેમના નવજાત બાળકોનું ઘર છે. બીજા કોઈ સમયે એ ખાલી રહે છે. માસિકધર્મમાં હોય તેઓ ફક્ત ઝાડ નીચે જ દિવસો પસાર કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે.
આ ઝૂંપડીઓ અને ઝાડ કર્ણાટકના રામનગર જિલ્લાના ચન્નાપટણા તાલુકામાં 1070 (વસ્તી ગણતરી 2011) ની વસ્તી ધરાવતા ગામ અરલાલાસંદ્રની ઉત્તરે આવેલા કસ્બાના પાછળના ભાગમાં આવેલા છે.
માસિકધર્મમાં હોય તેવી 'કવોરનટાઇન થયેલી’ મહિલાઓ ઝાડની ગોપનીયતા અથવા ખાલી ઝૂંપડીઓનો ઉપયોગ તેમની વ્યક્તિગત જરૂરિયાતો માટે કરે છે. પરિવારના સભ્યો અથવા પડોશીઓ તેમને ડબલા ને ડોલમાં પાણી લાવી આપે છે.
નવજાત શિશુ ધરાવતી મહિલાઓએ ઓછામાં ઓછો એક મહિનો એકાંત ઝૂંપડામાં ગાળવો પડે છે. પૂજા (આ તેમનું સાચું નામ નથી) આવી મહિલાઓમાંના એક છે, તેઓ ગૃહિણી છે, 19 વર્ષની ઉંમરે લગ્ન થયા પછી તેમણે બીકોમની પદવી મેળવી હતી. (તેમના ગામથી) આશરે 70 કિલોમીટર દૂર બેંગ્લુરુની એક ખાનગી હોસ્પિટલમાં 2021 ના ફેબ્રુઆરીમાં તેમણે બાળકને જન્મ આપ્યો હતો. પોતાના માતાપિતાના ઘરની સામેની ઝૂંપડી તરફ ઇશારો કરતા પૂજા કહે છે.“મારે શસ્ત્રક્રિયા [સી-સેક્શન] કરાવવી પડી. મારા સાસુ-સસરા અને પતિ હોસ્પિટલમાં આવ્યા હતા પરંતુ અમારા રિવાજ પ્રમાણે પહેલો એક મહિનો તેઓ બાળકને અડી ન શકે. મારા પિયરના ગામ [અરલાલાસંદ્રના કડુગોલ્લા કસ્બામાં; તેઓ અને તેમના પતિ એ જ જિલ્લાના બીજા ગામમાં રહે છે] પાછા ફર્યા પછી 15 દિવસ હું બીજી એક ઝૂંપડીમાં રહી. પછી હું આ ઝૂંપડીમાં આવી ગઈ.” ઘરની બહાર 30 દિવસ પૂરા કર્યા પછી જ તેઓ બાળક સાથે મુખ્ય ઘરમાં પાછા આવ્યા.
તેઓ વાત કરે છે ત્યારે તેમનું બાળક રડવા માંડે છે. તેઓ તેને તેમની માતાની સાડીથી બનાવેલા હિંચકામાં સુવાડે છે. 40 વર્ષના પૂજાના માતા ગંગમ્મા કહે છે, “તે [પૂજા] ફક્ત 15 દિવસ માટે એકાંત ઝૂંપડીમાં રહી. અમારા ગામમાં અમે નિયંત્રણો થોડા હળવા કર્યા છે. બીજા [કડુગોલ્લા] ગામોમાં સુવાવડ પછી માતાને બે મહિનાથી વધુ સમય સુધી બાળક સાથે ઝૂંપડીમાં રહેવું પડે છે." આ પરિવાર ઘેટાં ઉછેરે છે અને તેમની એક એકર ખેતીની જમીનમાં કેરી અને રાગીની ખેતી કરે છે.
પૂજા પોતાની માતાની વાત સાંભળે છે, તેમનું બાળક હવે હિંચકામાં ઊંઘી ગયું છે. તેઓ કહે છે, “મને કોઈ મુશ્કેલી પડી નથી. મને દરેક પ્રકારનું માર્ગદર્શન આપવા મારી માતા છે જ. બહાર બહુ તાપ છે ." હાલ 22 વર્ષના પૂજા એમકોમની પદવી મેળવવા માગે છે. તેમન પતિ બેંગલુરુમાં એક ખાનગી કોલેજમાં અનુચર તરીકે નોકરી કરે છે. તેઓ કહે છે, “તેઓ (મારા પતિ) પણ ઇચ્છે છે કે હું આ રિવાજનું પાલન કરું. દરેક જણ ઇચ્છે છે કે હું તેમ (રિવાજનું પાલન) કરું. મારે અહીં રોકાવું નહોતું. પરંતુ મેં વિરોધ ન કર્યો. અમારે બધાએ આ (રિવાજનું પાલન) કરવું જ પડે છે. “
*****
બીજા કડુગોલ્લા કસ્બાઓમાં પણ આ પ્રથા પ્રચલિત છે - આ વસાહતોને સ્થાનિક રૂપે ગોલ્લારદ્દોડ્ડી અથવા ગોલ્લરહટ્ટી કહેવામાં આવે છે. ઐતિહાસિક રીતે વિચરતા ભરવાડો, કડુગોલ્લા , કર્ણાટકમાં ઓબીસી તરીકે સૂચિબદ્ધ છે (જો કે તેઓ પોતાને અનુસૂચિત જનજાતિ તરીકે વર્ગીકૃત કરવા માટેની માંગ કરી રહ્યા છે). કર્ણાટકમાં તેમની સંખ્યા સંભવત: (રામાનગર પછાત વર્ગ કલ્યાણ વિભાગના નાયબ નિયામક પી.બી. બાસવરાજુના અનુમાન મુજબ) 300000 થી (કર્ણાટકના પછાત વર્ગ પંચના ભૂતપૂર્વ સભ્યના જણાવ્યા અનુસાર, તેઓ પોતાનું નામ જાહેર કરવા માગતા નથી) 10 લાખની વચ્ચે છે . બાસવરાજુ કહે છે કે સમુદાય મુખ્યત્વે રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગોમાં આવતા 10 જિલ્લાઓમાં રહે છે.
તુમકુર જિલ્લાના ડી. હોસાહલ્લી ગામના કડુગોલ્લા કસ્બામાં પૂજાની ઝૂંપડીથી લગભગ 75 કિલોમીટર દૂર એક બપોરે જયમ્મા પણ તેમના ઘરની સામેના રસ્તા પરના ઝાડને ટેકે આરામ કરી રહ્યા છે. તેમના માસિકસ્રાવનો પહેલો દિવસ છે. બરોબર પાછલી બાજુ એક સાંકડી ખુલ્લી ગટર વહે છે, તેમની બાજુમાં જમીન પર એક સ્ટીલની થાળી અને પ્યાલો રાખવામાં આવ્યા છે. તેઓ દર મહિને ત્રણ રાત ઝાડ નીચે સૂઈ રહે છે - ભર વરસાદમાં પણ, તેઓ ભારપૂર્વક કહે છે. તેઓ (તે દિવસોમાં-માસિકસ્રાવ દરમિયાન) ઘેર રસોડાના કામ કરતા નથી પરંતુ પરિવારના ઘેટાંને નજીકના ખુલ્લા વિસ્તારમાં ચરાવવા માટે તો લઈ જાય છે.
તેઓ પૂછે છે, “બહાર સુવું કોને ગમે?" તેઓ કહે છે, "પરંતુ દરેક જણ તે (રિવાજનું પાલન) કરે છે કારણ કે ભગવાન [કડુગોલ્લા કૃષ્ણ ભક્તો છે] ઈચ્છે છે કે આપણે તેમ કરીએ. ગઈકાલે વરસાદ પડતો હતો ત્યારે હું એક કવર [તાડપત્રીની શીટ] પકડીને અને અહીં બેઠી હતી."
જયમ્મા અને તેમના પતિ બેઉ ઘેટાં ઉછેરે છે. તેમના આશરે 20 વર્ષના બે દીકરાઓ બેંગલુરુમાં ફેક્ટરીઓમાં કામ કરે છે. તેઓ કહે છે, " કાલ ઊઠીને તેમના લગ્ન થશે ત્યારે તેમની પત્નીઓએ પણ આ સમયે (માસિકધર્મમાં હોય ત્યારે) બહાર સૂવું પડશે કારણ કે અમે હંમેશા આ રિવાજનું પાલન કરતા આવ્યા છીએ. મને ગમતા ન હોય માટે એ જ કારણે કંઈ રિવાજો બદલાતા નથી. જો મારા પતિ અને ગામના બીજા લોકો આ પ્રથા બંધ કરવા માટે સંમત થશે તો હું તે દિવસોમાં (માસિકસ્રાવ દરમિયાન) પણ મારા ઘરમાં રહેવાનું શરૂ કરીશ. "
કુનિગલ તાલુકાના ડી. હોસાહલ્લી ગામના કડુગોલ્લા કસ્બાની બીજી મહિલાઓએ પણ આ રિવાજનું પાલન કરવું જરૂરી છે. સ્થાનિક આંગણવાડી કાર્યકર 35 વર્ષના લીલા એમ.એન. (આ તેમનું સાચું નામ નથી) કહે છે કે, "મારા ગામમાં મહિલાઓ માસિકધર્મમાં હોય ત્યારે પહેલી ત્રણ રાત બહાર રહે છે અને ચોથા દિવસે સવારે પાછા આવે છે." માસિકધર્મમાં હોય ત્યારે તેઓ પોતે પણ બહાર રહે છે. તેઓ ઉમેરે છે, “આ એક ટેવ જેવું છે. ભગવાનના ડરને કારણે કોઈ આ પ્રથા બંધ કરવા માંગતું નથી." લીલા ઉમેરે છે, “રાત્રે કુટુંબનો કોઈ પુરુષ સભ્ય - ભાઈ, દાદા અથવા પતિ - ઘેરથી અમારી ઉપર નજર રાખે છે અથવા અંતર જાળવી રાખીને બહાર રહે છે. ચોથા દિવસે પણ મહિલાઓને રક્તસ્રાવ થતો હોય તો તેઓ ઘરની અંદર પરિવારના સભ્યોથી દૂર રહે છે. પત્નીઓ તેમના પતિ સાથે સૂતી નથી. પરંતુ અમે ઘરમાં કામ કરીએ છીએ. ”
માસિકધર્મમાં હોય તેવી અથવા સુવાવડી મહિલાઓને બીજાઓથી અલગ રાખવાની પ્રથા કાયદા દ્વારા પ્રતિબંધિત હોવા છતાં દર મહિને બહાર રહેવું એ આ અને અન્ય કડુગોલ્લા કસ્બાઓમાં રહેતી મહિલાઓ માટે એક સામાન્ય રીત બની ગઈ છે. (4 થી જાન્યુઆરી, 2020 ના રોજ સરકાર દ્વારા સૂચિત) કર્ણાટક પ્રિવેન્શન એન્ડ ઈરાડિકેશન ઓફ ઈનહ્યુમન ઈવિલ પ્રેકટીસિસ એન્ડ બ્લેક મેજિક એક્ટ, 2017 “માસિકધર્મમાં હોય તેવી અથવા સુવાવડી મહિલાઓને એકાંતવાસ પાળવાની ફરજ પાડવાના, ગામમાં તેમને ફરી પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવાના અથવા બીજાઓથી અલગ રાખવાના મહિલાઓ સામેના કુરિવાજો” સહિત કુલ 16 પ્રથાઓને પ્રતિબંધિત કરે છે. આ કાયદા મુજબ તેનો ભંગ કરનારને 1 થી 7 વર્ષની કેદની સાથે સાથે દંડની પણ જોગવાઈ છે.
જો કે આ કાયદો અમલમાં હોવા છતાં સમુદાયની આરોગ્યસંભાળ માટે કાર્યરત કડુગોલ્લા સમુદાયના આશા અને આંગણવાડી કાર્યકરો પણ આ પ્રથાઓને અનુસરે છે. ડી. હોસાહલ્લીના આશા કાર્યકર ડી. શારદામ્મા (આ તેમનું સાચું નામ નથી) પણ દર મહિને માસિકધર્મમાં હોય ત્યારે ખુલ્લામાં રહે છે.
40 ની આસપાસના શારદામ્મા કહે છે કે, “ગામમાં દરેક જણ આ (રિવાજનું પાલન) કરે છે. [પડોશી જિલ્લો] ચિત્રદુર્ગ જ્યાં હું મોટી થઈ છું, ત્યાં હવે (લોકોએ) આ (રિવાજ પાળવાનું) બંધ કરી દીધું છે કારણ કે તેઓને લાગ્યું કે મહિલાઓ માટે બહાર રહેવું સલામત નથી. અહીં દરેકને લાગે છે કે જો આપણે આ પરંપરાનું પાલન નહીં કરીએ તો ભગવાન આપણને શાપ આપશે. સમુદાયના સભ્ય તરીકે હું પણ આ (રિવાજનું પાલન) કરું છું. હું એકલી કંઈપણ બદલી ન શકું. અને બહાર રહેવામાં મારે ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી."
કડુગોલ્લા સમુદાયના સરકારી કર્મચારીઓના ઘરોમાં પણ આ પ્રથાઓ પ્રચલિત છે - જેમ કે ડી. હોસાહલ્લી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા 43 વર્ષના મોહન એસ. (આ તેમનું સાચું નામ નથી) ના કુટુંબમાં. તેમના ભાઈના પત્ની, જેઓ એમએ-બીડની પદવી ધરાવે છે તેમણે ડિસેમ્બર 2020 માં બાળકને જન્મ આપ્યો ત્યારે બે મહિના તેઓ બાળક સાથે તેમના માટે ખાસ બનાવેલી ઝૂંપડીમાં બહાર રહ્યા. મોહન કહે છે, "બહાર ફરજિયાત અવધિ પૂર્ણ કર્યા પછી જ તેઓએ અમારા ઘરમાં પ્રવેશ કર્યો." તેમના 32 વર્ષના પત્ની ભારતી (આ તેમનું સાચું નામ નથી) સંમતિમાં ડોકું હલાવે છે: "હું પણ માસિકધર્મમાં હોઉં ત્યારે કોઈ વસ્તુને અડકતી નથી. હું નથી ઇચ્છતી કે સરકાર આ પ્રથા બદલે. ઝાડ નીચે સૂવાને બદલે અમે રહી શકીએ તેવો એક ઓરડો તેઓ (સરકાર) બનાવી શકે.
*****
સમય જતાં આવા ઓરડાઓ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રસાર માધ્યમો નોંધે છે કે 10 મી જુલાઈ 2009 ના રોજ કર્ણાટક સરકારે દરેક કડુગોલ્લા કસ્બાની બહાર મહિલા ભવન બનાવવાનો આદેશ આપ્યો હતો જ્યાં એક સમયે માસિકધર્મમાં હોય તેવી 10 મહિલાઓ રહી શકે.
આ આદેશ જારી કરાયો તેના ઘણા વર્ષો પહેલા ડી. હોસાહલ્લી ગામમાં જયમ્માના કસ્બામાં સ્થાનિક પંચાયત દ્વારા એક ઓરડાનું સિમેન્ટ માળખું બનાવવામાં આવ્યું હતું. કુનિગલ તાલુકા પંચાયતના સભ્ય ક્રિષ્નપ્પા જી.ટી. કહે છે કે આ ઓરડો લગભગ 50 વર્ષ પહેલાં, તેઓ પોતે બાળક હતા ત્યારે બનાવવામાં આવ્યો હતો. ગામની મહિલાઓ ઝાડ નીચે સૂવાને બદલે થોડા વર્ષો સુધી તેનો ઉપયોગ કરતી. હવે આ જર્જરિત માળખાની ચારે તરફ નકામું ઘાસ અને વેલાઓ ઊગી નીકળ્યા છે.
તે જ રીતે અરલાલાસંદ્રમાં કડુગોલ્લા કસ્બામાં આ જ હેતુ માટે બનાવેલ અડધો તૂટેલો ઓરડો હવે ઉપયોગમાં લેવાતો નથી. અનુ યાદ કરે છે, “લગભગ ચાર-પાંચ વર્ષ પહેલાં કેટલાક જિલ્લા અધિકારીઓ અને પંચાયત સભ્યોએ અમારા ગામની મુલાકાત લીધી હતી. તેઓએ [માસિકધર્મમાં હોય તેવી]બહાર રહેતી મહિલાઓને ઘેર જવા કહ્યું. તેઓએ કહ્યું કે બહાર રહેવું સારું નથી. અમે ઓરડો ખાલી કર્યો એ પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. (તેમના ગયા) પછી બધી મહિલાઓ રૂમમાં પાછી ફરી. થોડા મહિનાઓ પછી તેઓ ફરીથી આવ્યા અને અમને માસિકધર્મ દરમિયાન અમારા ઘરોમાં જ રહેવાનું કહ્યું અને ઓરડો તોડવાનું શરૂ કર્યું. પરંતુ સાચું પૂછો તો એ ઓરડો અમારા માટે ખરેખર ઉપયોગી હતો. બીજું કંઈ નહિ તો અમે શૌચાલયનો ઉપયોગ તો કોઈ મુશ્કેલી વિના કરી શકતા હતા."
20014 માં મહિલા અને બાળ કલ્યાણને લગતી બાબતોના ભૂતપૂર્વ પ્રધાન ઉમાશ્રીએ કડુગોલ્લા સમુદાયની આ માન્યતાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. પ્રતીકાત્મક વિરોધ વ્યક્ત કરતા તેમણે ડી. હોસાહલ્લીના કડુગોલ્લા કસ્બામાં માસિકધર્મમાં હોય તેવી મહિલાઓ માટે બનાવવામાં આવેલા ઓરડાના કેટલાક ભાગો તોડી નાખ્યા. તાલુકા પંચાયતના સભ્ય કૃષ્ણપ્પા જી. ટી. કહે છે, “ઉમાશ્રી મેડમે અમારી મહિલાઓને માસિકધર્મ દરમિયાન તેમના ઘરની અંદર રહેવાનું કહ્યું હતું. તેમણે અમારા ગામની મુલાકાત લીધી ત્યારે કેટલાક સહમત થયા, પરંતુ કોઈએ આ પ્રથાને અનુસરવાનું બંધ ન કર્યું . તેઓ પોલીસ સુરક્ષા અને ગામના હિસાબનીશ સાથે આવ્યા હતા અને તે ઓરડાનો દરવાજો અને ઓરડાના કેટલાક ભાગો તોડી નાખ્યા હતા. તેમણે અમારા વિસ્તારનો વિકાસ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ હકીકતમાં કશું જ થયું નથી."
છતાં ફેબ્રુઆરી 2021 માં ડી.હોસાહલ્લી ગ્રામ પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા ધનલક્ષ્મી કે. એમ. (તેઓ કડુગોલ્લા સમુદાયના નથી) અલગ રૂમ બનાવવાના સૂચન અંગે પુનર્વિચાર કરી રહ્યા છે. તેઓ કહે છે, 'મહિલાઓની હાલત એવી તો દયનીય છે કે સુવાવડ અને માસિકધર્મ જેવા અત્યંત મહત્ત્વના સમયમાં તેઓએ પોતાના ઘરની બહાર રહેવું પડે છે તે જોઈને જ મને તો આઘાત લાગે છે'. બીજું કંઈ નહિ તો હું તેમને માટે જુદા ઘર બનાવવાની દરખાસ્ત મૂકવાનો પ્રયત્ન કરીશ. દુ:ખની વાત તો એ છે કે શિક્ષિત યુવતીઓ પણ આ (રિવાજ પાળવાનું) બંધ કરવા માગતી નથી. જો તેઓ પોતે જ બદલાવનો વિરોધ કરતા હોય તો હું કોઈ બદલાવ શી રીતે લાવી શકું? "
ઓરડાઓ, બીજા ઓરડા ઉમેરવા કે કેમ તે અંગેનો વિવાદ હવે નિર્ણાયકરૂપે બંધ થવો જોઈએ. જિલ્લા પછાત વર્ગ કલ્યાણ વિભાગના પી. બી.બાસવરાજુ કહે છે કે, "મહિલાઓ માટે અલગ ઓરડાઓ મદદરૂપ થઈ શકતા હોય તો પણ અમે ઇચ્છીએ છીએ કે તેઓએ આ પ્રથાનું પાલન કરવાનું સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ. અમે કડુગોલ્લા મહિલાઓ સાથે વાત કરીએ છીએ અને તેમને આ અંધશ્રદ્ધાળુ રિવાજો બંધ કરવાની સલાહ આપીએ છીએ. ભૂતકાળમાં અમે (આ અંગે) જાગૃતિ અભિયાન પણ ચલાવ્યા હતા."
કેન્દ્રીય અનામત પોલીસ દળના નિવૃત્ત નિરીક્ષક (ઈન્સ્પેક્ટર જનરલ) કે. અર્કેશ ભારપૂર્વક કહે છે કે માસિકધર્મમાં હોય તેવી મહિલાઓ માટે અલગ ઓરડાઓ બનાવવા એ સમસ્યાનું સમાધાન નથી. તેઓ અરલાલાસંદ્રની નજીકના એક ગામના છે. તેઓ કહે છે, “કૃષ્ણ કુટિરો [ઓરડાઓ આ નામે ઓળખાય છે] આ પ્રથાને કાયદેસર ઠેરવી રહ્યા હતા. મહિલાઓ કોઈપણ સમયે અશુદ્ધ છે એ મૂળભૂત ખ્યાલને માન્યતા આપવાને બદલે તેને વાહિયાત ગણી સંપૂર્ણપણે દૂર કરવો જોઈએ."
તેઓ ઉમેરે છે, "તેઓ કહે છે કે આ કટ્ટરવાદી પ્રથા અત્યંત ક્રૂર છે," પરંતુ સામાજિક દબાણ એવું છે કે સ્ત્રીઓ સંગઠિત થઈને (તેની વિરુદ્ધ) લડતી નથી. સામાજિક ક્રાંતિ પછી જ સતીપ્રથા નાબૂદ કરવામાં આવી હતી. (તે સમયે ) બદલાવ લાવવાની ઇચ્છા હતી. ચૂંટણીલક્ષી રાજકારણને કારણે આપણા રાજકારણીઓ આ વિષયોને સ્પર્શવા પણ તૈયાર નથી. (એ સંજોગોમાં) રાજકારણીઓ, સામાજિક કાર્યકરો અને સમુદાયના લોકોના સંયુક્ત પ્રયત્નો જરૂરી છે. ”
**********
જ્યાં સુધી એવું નહિ થાય ત્યાં સુધી દૈવી શાપ અને સામાજિક કલંકનો (જનમાનસમાં) ઊંડો ઊતરતો રહેતો ડર આ પ્રથાને આગળ વધારતો રહેશે.
અરલાલાસંદ્રના કડુગોલ્લા કસ્બાના અનુ કહે છે, “આ પરંપરાનું પાલન ન કરીએ તો આપણી સાથે કંઈક બહુ ખરાબ થાય. સાંભળ્યું છે કે ઘણા વર્ષો પહેલા તુમકુરમાં એક મહિલાએ માસિકધર્મ દરમિયાન બહાર રહેવાની ના પાડી હતી અને તેના ઘરમાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળી હતી અને ઘર બળી ગયું હતું."
ડી. હોસાહલ્લી ગ્રામ પંચાયતના મોહન એસ. કહે છે, 'આપણા ભગવાન ઈચ્છે છે કે આપણે આ જ રીતે જીવીએ અને જો આપણે તેમના આદેશ નહિ અનુસારીએ તો આપણે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેઓ ઉમેરે છે કે જો આ પ્રથા બંધ કરવામાં આવશે તો “રોગો વધશે, આપણા ઘેટાં-બકરા મરી જશે. આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે, લોકોને ભારે નુકસાન વેઠવું પડશે. આ પ્રથા બંધ ન કરવી જોઈએ. અમે વસ્તુઓ (પ્રથા) માં બદલાવ આવે એવું ઈચ્છતા નથી. "
રામનગર જિલ્લાના સથનુર ગામના કડુગોલ્લા કસ્બાના ગિરિગમ્મા કહે છે, "માંડ્યા જિલ્લામાં એક મહિલા માસિકધર્મ દરમિયાન તેના ઘરમાં હતી ત્યારે તેને સાપ કરડ્યો." અહીં હજી આજે પણ માસિકધર્મમાં હોય તેવી મહિલાઓ સરકાર દ્વારા બાંધવામાં આવેલ બાથરૂમ સાથેના પાક્કા ઓરડામાં રહે છે. ગામના મુખ્ય રસ્તા સાથે જોડાયેલી એક સાંકડી ગલી આ ઓરડા સુધી લઈ જાય છે.
ગીતા યાદવને યાદ છે ત્રણ વર્ષ પહેલા પહેલી વાર તેને માસિકસ્ત્રાવ આવવાનું શરુ થયું ત્યારે તેને પહેલી વાર અહીં એકલા રહેવું પડ્યું ત્યારે તે ડરતી હતી. 11 મા ધોરણની વિદ્યાર્થીની 16 વર્ષની ગીતા કહે છે, “મેં રડતા રડતા મારી માતાને મને ત્યાં ન મોકલવા કહ્યું. પરંતુ તેણે મારું ન સાંભળ્યું. હવે હંમેશાં કોઈક ને કોઈક આન્ટી [માસિકધર્મમાં હોય તેવી બીજી મહિલાઓ] સાથે હોય છે તેથી હવે હું શાંતિથી સૂઈ શકું. માસિકધર્મ હોઉં તે દરમિયાન હું શાળામાં જઉં છું અને ત્યાંથી સીધી આ ઓરડામાં આવું છું. કાશ અમારી પાસે પલંગ હોય અને અમારે જમીન પર સૂવું ન પડે." તે ઉમેરે છે, "ભવિષ્યમાં મોટા શહેરોમાં કામ કરવા જઈશ તો હું એક અલગ ઓરડામાં રહીશ અને કોઈ પણ વસ્તુને અડકીશ નહીં. હું આ પરંપરાનું પાલન જરૂર કરીશ. અમારા ગામમાં આને ખૂબ મહત્વ આપવામાં આવે છે."
16 વર્ષની ઉંમરે ગીતા પોતાને આ પરંપરાને આગળ વધારવાની વાત કરે છે તો 65 વર્ષના ગિરિગમ્માએ ભારપૂર્વક જણાવે છે કે તેમના સમુદાયની મહિલાઓને ફરજિયાત એકાંતવાસના દિવસોમાં આરામ કરવા મળે છે ત્યારે તેમને ફરિયાદ કરવાનું કોઈ કારણ નથી. તેઓ કહે છે, “અમે પણ તડકામાં ને વરસાદમાં બહાર રોકાયા છીએ. ક્યારેક એવું પણ બનતું કે વાવાઝોડા દરમિયાન મારે બીજી જાતિના લોકોના ઘરોમાં આશરો લેવો પડતો હતો, કારણ કે મને અમારી જાતિના લોકોના ઘરમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. કેટલીક વાર અમે ફક્ત જમીન પર પડેલા પાંદડા પર રાખેલું ખાવાનું ખાતા. હવે તો મહિલાઓ પાસે અલગ વાસણો છે. અમે કૃષ્ણના અનુયાયીઓ છીએ, અહીંની મહિલાઓ આ પરંપરાને અનુસરવાનું શી રીતે છોડી શકે?
કનકપુરા તાલુકાની (સથાનુર ગામ પણ આ જ તાલુકામાં આવેલું છે) કબ્બલ ગ્રામપંચાયતના આંગણવાડી કાર્યકર 29 વર્ષના રત્નમ્મા (આ તેમનું સાચું નામ નથી) ઉમેરે છે, “આ ત્રણ-ચાર દિવસ અમે ફક્ત નિરાંતે બેસીએ, સૂઈએ ને ખાઈએ. નહીં તો તો અમે રસોઈ કરવામાં, સફાઈ કરવામાં, અમારા બકરાઓની પાછળ દોડવામાં વ્યસ્ત છીએ. જ્યારે અમે માસિકધર્મ દરમિયાન અલગ ઓરડામાં રહીએ ત્યારે અમારે આ બધું કરવું પડતું નથી."
ગિરિગમ્મા અને રત્નમ્માને અલગ રહેવામાં ફાયદા દેખાતા હોવા છતાં આ પ્રથાઓ ઘણા અકસ્માતો અને મૃત્યુનું કારણ બની છે. ડિસેમ્બર, 2014 ના એક અખબારી અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે તુમકુરમાં વરસાદ બાદ શરદીને કારણે માતા સાથે ઝૂંપડીમાં રહેતા નવજાત કડુગોલ્લા બાળકનું મોત નીપજ્યું હતું. બીજા એક અહેવાલમાં જણાવાયું છે કે માંડ્યાના મદ્દુર તાલુકાના કડુગોલ્લા કસ્બામાં 2010 માં 10 દિવસના નવજાત બાળકને એક કૂતરું ખેંચી ગયું હતું.
આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાના પહેલા બાળકને જન્મ આપનાર ડી. હોસાહલ્લી ગામના કડુગોલ્લા કસ્બાના 22 વર્ષના ગૃહિણી પલ્લવી જી. આ જોખમોને નકારી કાઢે છે. બાળકને તેડી લેતાં તે કહે છે, “આટલા બધા વર્ષોમાં આ માત્ર બે-ત્રણ કેસ છે, તો તેનાથી મને ખાસ ચિંતા થતી નથી. હકીકતમાં આ ઝૂંપડી આરામદાયક છે. મને ડર શા માટે લાગે? માસિકધર્મ દરમિયાન હું હંમેશા બહાર અંધારામાં જ રહી છું. મારા માટે આ નવું નથી."
પલ્લવીના પતિ તુમકુરમાં ગેસ ફેક્ટરીમાં કામ કરે છે. પલ્લવી તેના બાળક સાથે એક ઝૂંપડીમાં સૂઈ જાય છે. તેમની માતા અથવા દાદા નજીકમાં રહેવાય તે માટે એ ઝૂંપડીથી થોડા મીટર દૂર બીજી એક ઝૂંપડીમાં રહે છે. બે નાના બાંધકામોની વચ્ચે એક ઊભો પંખો (સ્ટેન્ડિંગ ફેન) અને એક બલ્બ છે, અને બહારના ભાગમાં એક ભઠ્ઠીમાં લાકડા પર પાણી ગરમ કરવા વાસણ મૂકેલું છે. પલ્લવીના અને તેમના બાળકના કપડાં તેની ઝૂંપડી પર સૂકવેલા છે. બે મહિના અને ત્રણ દિવસ પછી માતા અને બાળકને ઝૂંપડીથી લગભગ 100 મીટર દૂર આવેલા ઘરની અંદર લઈ જવામાં આવશે.
નવજાત બાળક અને માતાને ઘેર લાવતા પહેલાં કેટલાક કડુગોલ્લા પરિવારો વિધિપૂર્વક ઘેટાની બલિ ચડાવે છે. સામાન્ય રીતે, એક ‘શુદ્ધિકરણ’ વિધિ કરવામાં આવે છે, અને ઝૂંપડી અને માતા અને બાળકના તમામ કપડાં અને તેમનો બધો જ સામાન શુદ્ધ કરાય છે. ગામના વડીલો દંપતીને દૂરથી માર્ગદર્શન આપે છે. પછી નામકરણ (નામકરણ) સમારોહ માટે તેમને સ્થાનિક મંદિરમાં લઈ જવામાં આવે છે; ત્યાં તેઓ પ્રાર્થના કરે છે અને જમે છે - અને ત્યારબાદ જ તેમને ઘરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે.
*****
પરંતુ (આ પ્રથાના) વિરોધના પણ થોડાઘણા કિસ્સા છે.
અરલાલાસંદ્ર ગામના કડુગોલ્લા કસ્બામાં રહેતા ડી. જયલક્ષ્માના સમુદાયના સભ્યો તેમને રિવાજનું પાલન કરવા વારંવાર દબાણ કરે છે તેમ છતાં માસિકધર્મમાં હોય ત્યારે તેઓ ઘરની બહાર રહેતા નથી. 45 વર્ષના આ આંગણવાડી કાર્યકર તેમની ચારે ય પ્રસૂતિ પછી હોસ્પિટલથી સીધા ઘેર આવ્યા હતા, પરિણામે પડોશના અન્ય કડુગોલ્લા પરિવારો રોષે ભરાયા હતા.
10 મા ધોરણ સુધીનો અભ્યાસ કરનાર જયલક્ષમ્મા કહે છે, "જ્યારે મારા લગ્ન થયા ત્યારે અહીંની બધી મહિલાઓ માસિકધર્મ દરમિયાન ગામની બહાર જતી અને નાની ઝૂંપડીઓમાં અથવા તો ક્યારેક ઝાડ નીચે રહેતી. મારા પતિને આ પ્રથા સામે વાંધો હતો. મારા લગ્ન પહેલાં મારા માતાપિતાના ઘેર પણ મને આ (રિવાજ) નું પાલન કરવું ગમતું નહીં. તેથી મેં તેમ કરવાનું (અલગ રહેવાનું) બંધ કર્યું. પણ અમારે હજી આજે પણ ગામલોકોના ટોણા સાંભળવા પડે છે. " તેમની - 19 થી 23 વર્ષની વયની - ત્રણ દીકરીઓ પણ માસિકધર્મ દરમિયાન બહાર રહેતી નથી.
જયલક્ષ્માના પતિ 60 વર્ષના કુલ્લા કરિયપ્પા કહે છે. “તેઓ [ગામલોકો] અમને ટોણા મારતા અને પરેશાન કરતા. જ્યારે પણ અમારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો ત્યારે તેઓ કહેતા કે તે અમે રિવાજોનું પાલન નથી કરતા એટલા માટે જ અમારી સાથે આવું ખરાબ થાય છે. કેટલીક વાર તેઓ અમને ટાળતા. છેલ્લા કેટલાક વર્ષોથી કાયદાના ડરથી લોકોએ અમને અવગણવાનું બંધ કરી દીધું છે.” તેઓ કોલેજના નિવૃત્ત લેક્ચરર છે અને એમએ-બી.એડની પદવી ધરાવે છે. તેઓ ગુસ્સાથી ઉમેરે છે, “જ્યારે ગામલોકો મને સવાલો કરતા અને પરંપરાનું પાલન કરવાનું કહેતા ત્યારે હું કહેતો કે હું એક શિક્ષક થઈને આવું ન કરી શકું. અમારી છોકરીઓના મગજમાં એવું ઘુસાડી દેવાયું છે કે તેઓએ હંમેશાં બલિદાન આપવું/ભોગ આપવો જોઈએ."
જયલક્ષ્માની જેમ અરલાલાસંદ્રમાં રહેતા બે બાળકોના માતા 30 વર્ષના અમૃતા (આ તેમનું સાચું નામ નથી), પણ (માસિકધર્મ દરમિયાન) બળજબરીપૂર્વક/અનિચ્છાએ અલગ રાખવામાં આવે છે તે રિવાજ બંધ કરાવવા માગે છે - પરંતુ તેઓ તેમ કરી શકતા નથી. “ઉપરથી કોઈ (અધિકારીઓ કે રાજકારણીઓ) એ અમારા ગામના વડીલોને સમજાવવું પડશે. એવું નહિ થાય ત્યાં સુધી તો મારી પાંચ વર્ષની દીકરીને પણ [મોટા થઈને] આ (રિવાજનું પાલન) કરવું પડશે. મારે જ તેને એમ કરવાનું (રિવાજનું પાલન કરવાનું) કહેવું પડશે. હું એકલી આ પ્રથાને બંધ ન કરાવી શકું."
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે .
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો ? કૃપા કરી namita@ruralindiaonline.org ને cc સાથે zahra@ruralindiaonline.org પર લખો
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક