આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શન નો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.
લણતાં, વીણતાં, ચૂંટતાં, કરતાં એકઠાં જીવન
તેઓ સવારના 4:30 વાગ્યાના ઊઠી ગયા છે અને કલાક પછી છત્તીસગઢના સુરગુજા જંગલમાં તેંદુના પાન ચૂંટી રહ્યા છે. આ ક્ષણે રાજ્યભરમાં તેમના જેવા હજારો આદિવાસીઓ આ જ કામ કરી રહ્યા છે. બીડી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પાંદડા ચૂંટવા માટે આખાનેઆખા પરિવાર સાથે મળીને એક એકમ તરીકે કામ કરે છે.
દિવસ સારો ઉગ્યો હોય તો તેમનો 6 સભ્યોનો પરિવાર 90 રુપિયા સુધીની કમાણી કરી શકે છે. તેંદુની સિઝનના બે સારામાં સારા અઠવાડિયામાં તેઓ આગામી ત્રણ મહિના કરતા વધુ કમાણી કરી શકે છે. તેથી જ્યારે તે સિઝન ચાલતી હોય ત્યારે તેઓએ તેનો મહત્તમ ઉપયોગ કરી જ લેવો પડે. છ અઠવાડિયા પછી તેઓએ જીવન ટકાવી રાખવા માટે નવી વ્યૂહરચના ઘડવી પડશે. આ વિસ્તારમાં રહેતા લગભગ દરેક પરિવાર હાલ જંગલમાં છે. આદિવાસી અર્થવ્યવસ્થામાં તેંદુ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મહુઆના ફૂલો ચૂંટવાનું કે આમલી ભેગી કરવાનું કે પછી ચિરોંજી અને સાલનું પણ એવું જ છે. દેશના કેટલાક ભાગોમાં આદિવાસી પરિવારો તેમની અડધાથી વધુ આવક માટે નોન-ટીમ્બર ફોરેસ્ટ પ્રોડક્ટ્સ (એનટીએફપી) (ગૌણ વન પેદાશો) પર આધાર રાખે છે. પરંતુ બદલામાં તેઓ જે કમાય છે તે આવા ઉત્પાદનોના બજાર મૂલ્યનો એક નાનકડો અંશ માત્ર છે. એકલા મધ્યપ્રદેશમાં જ આવા ઉત્પાદનોનું વાર્ષિક બજાર મૂલ્ય ઓછામાં ઓછું 2000 કરોડ રુપિયા છે.
રાજ્ય પ્રશાસને જંગલ વિસ્તારની ઘેરાબંધી કરી હોવાથી સચોટ આંકડા મેળવવા મુશ્કેલ છે. પરંતુ રાષ્ટ્રીય સ્તરે એનટીએફપીનું (વાર્ષિક) મૂલ્ય 15000 કરોડ રુપિયાથી વધુ છે.
આદિવાસી મહિલા અને તેમનો પરિવાર આમાંથી બહુ ઓછી કમાણી કરે છે. આ કમાણી તેમના માટે અસ્તિત્વનો આધાર છે - જીવનનો આધાર છે. અને હકીકતમાં કદાચ એ જીવન ટકાવી રાખવા માટે પણ પૂરતી ન હોય. ખરેખરા પૈસા બનાવે છે વચેટિયાઓ, વેપારીઓ, શાહુકારો અને બીજા લોકો. પરંતુ એનટીએફપીને એકત્રિત કરવાનું, તેના પર પ્રક્રિયા કરવાનું અને તેનું માર્કેટિંગ કરવાનું કામ કોણ કરે છે? મુખ્યત્વે ગ્રામીણ મહિલા. તેઓ આવી વન પેદાશોનો મોટો જથ્થો ભેગો કરે છે. તેમાં જડીબુટ્ટીઓ પણ સામેલ છે, જેનો વૈશ્વિક સ્તરે પહેલેથી જ અબજો ડોલરનો ધંધો છે. એક તરફ આ ધંધો ધમધમે છે ત્યારે બીજી તરફ આ મહિલા અને તેના પરિવારની જિંદગી કફોડી બની રહી છે. તેમની આવી દુર્દશા માટે જો કોઈ જવાબદાર હોય તો તે છે તેમના શ્રમનું શોષણ કરતું નેટવર્ક.


વન-ભૂમિ જેમ જેમ ઘટતી જાય છે તેમ તેમ આ મહિલાનું કામ વધુ ને વધુ મુશ્કેલ બને છે. તેમને ચાલવા પડતા અંતર અને કામના કલાકો લંબાતા જાય છે. જેમ જેમ આદિવાસી સમુદાયોમાં ગરીબી વધે છે તેમ તેમ એનટીએફપી પરનું તેમનું અવલંબન પણ વધે છે. અને પરિણામે આદિવાસી મહિલાની જવાબદારીઓ પણ વધે છે. ઓડિશામાં આ પ્રકારનું કામ કરતી મહિલાઓ દિવસના ત્રણથી ચાર કલાક ચાલે છે. તેમનો કામકાજનો દિવસ 15 કલાક કે તેથી વધુ સમય સુધી લંબાય છે. દેશમાં લાખો ગરીબ આદિવાસી મહિલાઓ તેમના સંઘર્ષ કરતા પરિવારોને આ રીતે ટકાવી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સંઘર્ષની પ્રક્રિયામાં તેઓને વન રક્ષકો, વેપારીઓ, પોલીસ, પ્રતિકૂળ વહીવટકર્તાઓ અને ઘણીવાર અન્યાયી કાયદાઓ તરફથી પજવણીનો સામનો કરવો પડે છે.
આંધ્રપ્રદેશના વિઝિયાનગરમમાં સાવરણીઓ બનાવતી મહિલાઓ. તે રાજ્યમાં ઘણા આદિવાસી પરિવારો તેમની અડધાથી વધુ આવક સીધેસીધી નોન-ટીમ્બર ફોરેસ્ટ પ્રોડક્ટ્સ (એનટીએફપી) (ગૌણ વન પેદાશો) ના વેચાણથી મેળવે છે. બિન-આદિવાસી ગરીબોમાંના ઘણા પરિવારો પણ આજીવિકા માટે એનટીએફપીની પર આધાર રાખે છે.
મધ્યપ્રદેશના બુંદેલખંડની મહિલા બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેઓ માત્ર રસોઈના વાસણો બનાવવાનું અને તેનું સમારકામ કરાવાનું કામ જ નથી કરતા. એ તો પારિવારિક વ્યવસાય છે. એ ઉપરાંત તેઓ દોરડા, ટોપલીઓ અને સાવરણીઓ પણ બનાવે છે. તેઓ એટલી બધી જાતજાતની વસ્તુઓ બનાવે છે કે ન પૂછો વાત. એ પણ તેમના એવા વિસ્તારમાં જ્યાં જંગલો લગભગ લુપ્ત થઈ ગયા છે. ચોક્કસ પ્રકારની માટી ક્યાંથી મળે એ પણ તેઓ બરાબર જાણે છે. તેમનું જ્ઞાન અને કામ અદ્દભૂત છે; પરંતુ તેમના પરિવારની સ્થિતિ અત્યંત આઘાતજનક.


અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક