સુખરાની સિંહને એવું એકે ય વર્ષ યાદ નથી કે જ્યારે તેમણે જંગલમાંથી મહુઆના ફૂલો ભેગા ન કર્યા હોય. 45 વર્ષના સુખરાની કહે છે, “નાની હતી ત્યારથી હું મારી માતા સાથે જંગલમાં જતી. હવે હું મારા બાળકોને મારી સાથે લાવું છું." વહેલી સવારે મહુવાના ફૂલો વૃક્ષો પરથી ઝરવા માંડે ત્યારે જ સવારે 5 વાગ્યે તેઓ મહુઆના ચમકીલા પોપટી ફૂલો લેવા ઘેરથી નીકળ્યા હતા. વધતી જતી ગરમીમાં નીચે ઝરતા ફૂલોને ભેગા કરતા તેઓ બપોર સુધી ત્યાં હતા. ઘેર પહોંચ્યા પછી તેઓ ફૂલોને તડકામાં સૂકવવા માટે જમીન પર ફેલાવે છે.
મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં બાંધવગઢ ટાઇગર રિઝર્વની નજીક રહેતા સુખરાની જેવા નાના ખેડૂતો માટે મહુઆના ફૂલો આજીવિકાનો એક નિશ્ચિત સ્ત્રોત છે. માનપુર બ્લોકમાં આવેલા તેમના ગામ પારસીથી 30 કિલોમીટર દૂર આવેલા ઉમરિયા બજારમાં સુખરાની સુકા ફૂલો વેચીને એક કિલોના આશરે 40 રુપિયા કમાય છે. સામાન્ય રીતે એપ્રિલમાં લગભગ 2 - 3 અઠવાડિયા સુધી ચાલતી આ ફૂલોની સિઝનમાં તેઓ લગભગ 200 કિલો ફૂલો ભેગા કરે છે. સુખરાની કહે છે, "આ વૃક્ષ અમારે માટે ખૂબ કિંમતી છે." તેના ફૂલો ઉપરાંત ફળ અને વૃક્ષની છાલ તેમના પોષક અને ઔષધીય ગુણો માટે મહત્ત્વના છે.
મહુઆના ફૂલોની સિઝન દરમિયાન સુખરાની જંગલમાંથી બપોરે 1 વાગ્યાની આસપાસ ઘેર પાછા આવે છે અને રસોઈ કરીને તેમના પતિ અને પાંચ બાળકોના પરિવારને ખવડાવે છે. ઘઉંની લણણી અને ઘઉં એકઠા કરવાના કામમાં પતિ સાથે જોડાવા તેઓ લગભગ બપોરે 3 વાગ્યે ફરી બહાર નીકળે છે. સુખરાની અને તેમના પતિ ગોંડ આદિવાસી સમુદાયના છે, તેમની પાસે લગભગ ચાર વીઘા (આશરે એક એકર)જમીન છે, ત્યાં તેઓ મુખ્યત્વે પોતાના પરિવારના વપરાશ માટે વરસાદી પાણીની મદદથી ઘઉંની ખેતી કરે છે.


ડાબે: પારસી ગામ નજીક ઝાડ પરથી ઝરવા માટે તૈયાર મહુઆના ફૂલો. જમણે: બાંધવગઢ ટાઇગર રિઝર્વના બફર ઝોનમાં તેમના મહુઆના વૃક્ષો પાસે સુખરાની સિંહ
પારસીમાં રહેતા કુંભાર સુરજન પ્રજાપતિ પણ જંગલમાંથી મહુઆના ફૂલો ભેગા કરે છે. (ઉમરિયામાં ઓબીસી તરીકે સૂચિબદ્ધ) કુંભાર જાતિના 60 વર્ષના સુરજન કહે છે, "હું (એ ફૂલો) ગામમાં આવતા એક વેપારીને વેચું છું અને કેટલીકવાર હાટ (સ્થાનિક બજાર) માં વેચું છું. આ [મહુઆ] ઉપયોગી છે. માત્ર માટલા વેચવાથી મળતા પૈસા પર હું નભી ન શકું. [બપોરે] પાછો આવું પછી હું દાડિયા કામની શોધમાં જાઉં છું." તેમના ઘરમાં મીઠું અથવા તેલ ખલાસ થઈ જાય ત્યારે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા તેઓ થોડા કિલો સૂકા ફૂલો વેચે છે.
ઉમરિયાના સ્થાનિકોનું કહેવું છે કે જો જંગલમાં વૃક્ષો કાપવામાં આવે તો મહુઆના વૃક્ષને કોઈ છેલ્લે સુધી હાથ નહીં લગાડે. આ વૃક્ષને પૂજતા જિલ્લાના આદિવાસી સમુદાયો માને છે કે તે (મહુઆનું વૃક્ષ) કોઈને ભૂખે નહિ મરવા દે. તેના ફૂલો અને ફળ ખાદ્ય હોય છે, અને સૂકા મહુઆના ફૂલોને પીસીને લોટ તૈયાર કરાય છે અને આલ્કોહોલિક પીણું (દારૂ) બનાવવા માટે પણ વપરાય છે.
મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના જંગલોમાં મહુઆના વૃક્ષો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ રાજ્યો માટે મહુઆ વૃક્ષ (મધુકા લોન્ગીફોલિયા) એક મહત્વપૂર્ણ ગૌણ વન પેદાશ (MFP - માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ - એમએફપી) છે. ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TRIFED - ટ્રાઇફેડ) અનુસાર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં 75 ટકાથી વધુ આદિવાસી પરિવારો મહુઆના ફૂલો ભેગા કરીને વર્ષે 5000 રૂપિયા કમાય છે.
એપ્રિલની શરૂઆતમાં મહુઆના ફૂલો નીચે ઝરવાનું શરૂ થાય છે. બાંધવગઢની આસપાસ વસતા સમુદાયોને મહુઆના ફૂલો ભેગા કરવા જંગલમાં જવા દેવામાં આવે છે
1537 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા બાંધવગઢ રિઝર્વની આસપાસ રહેતા સમુદાયોને મહુઆના ફૂલો ભેગા કરવા જંગલમાં જવાની છૂટ આપવામાં આવે છે. એપ્રિલની શરૂઆતમાં હોળીના તહેવાર પછી તરત જ મહુઆના ફૂલો નીચે ઝરવાનું શરૂ થાય છે. મોટા ભાગના પુખ્ત વયના લોકો નાના બાળકો સાથે આવે છે, બાળકો ઝડપથી ફૂલોને શોધીને ટોપલીમાં ભેગા કરે છે.
જંગલમાં દર 100-200 મીટરના અંતરે છૂટાછવાયા મહુઆના વૃક્ષો જોવા મળે છે. ફૂલોની સિઝનમાં દરેક વૃક્ષને કાપડના ટુકડાથી અથવા તેની નીચેની ડાળીઓથી કાપડ લટકાવીને ચિહ્નિત કરવામાં આવે છે. સુરજન કહે છે, “ગામના દરેક પરિવારને થોડા વૃક્ષો ફાળવવામાં આવ્યા છે. આ ફાળવણી ઘણી પેઢીઓ પહેલા કરવામાં આવી હતી." તેઓ ઉમેરે છે કે કેટલીકવાર કોઈ ઝાડમાંથી થતી વધારાની આવક જતી કરી શકે એમ હોય તો તે લોકો કોઈ પોતાના હિસ્સાની આવક જરૂરિયાતમંદને આપી દે છે.
બાંધવગઢને 2007 માં ટાઇગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, અને રાષ્ટ્રીય ઉદ્યાન - હવે કોર ઝોન - માં માનવ પ્રવૃત્તિઓ પ્રતિબંધિત કરવામાં આવી હતી. તેની આસપાસ લોકોની મર્યાદિત અવરજવર સાથેનો એક બફર ઝોન બનાવવામાં આવ્યો હતો. સુખરાનીનો પરિવાર એ આદિવાસી ખેડૂતોમાંથી હતો જેઓ નેશનલ પાર્કની બાજુમાં ખેતીની જમીન ધરાવતા હતા, એ વિસ્તાર પાછળથી બફર ઝોનમાં ફેરવાઈ ગયો હતો. તેઓ કહે છે કે તેમણે છેલ્લા દાયકામાં તે જમીન પડતર રહેવા દીધી છે. “જંગલમાં કોઈ પાક ટકતો નથી. અમે જંગલમાં કંઈ પણ ઉગાડવાનું બંધ કરી દીધું કારણ કે પાકનું ધ્યાન રાખવા અમે ત્યાં રહી શકતા નથી. વાંદરાઓ અમારા ચણા અને તુવેર ખાઈ જાય છે. ”



ડાબેથી: ઉમરિયા જિલ્લાના પારસી ગામ નજીક જંગલમાં મહુઆ(ના ફૂલો) ભેગા કરતા દુર્ગા સિંહ, રોશની સિંહ અને સુરજન પ્રજાપતિ
બાંધવગઢ માત્ર રાષ્ટ્રીય ઉદ્યાન હતું ત્યારે પાકની મોસમ દરમિયાન આદિવાસી ખેડૂતો તેમના ખેતરોને પ્રાણીઓથી બચાવવા અને પ્રાણીઓને હાંકી કાઢવા કામચલાઉ આશ્રયસ્થાનો બનાવતા પરંતુ હવે તેની મંજૂરી નથી. હવે તેઓ માત્ર મહુઆ જેવા એમએફપી એકઠા કરવા બફર ઝોનમાં જાય છે. સુખરાની કહે છે, "અમે હજી અંધારુ હોય ત્યારે જ ઘેરથી નીકળીએ છીએ એટલે અમે બધા એક સાથે ચાલીએ છીએ કારણ એકલા જતા અમે વાઘથી ડરીએ છીએ." જો કે તેમને ક્યારેય વાઘનો ભેટો થયો નથી પણ તેઓ કહે છે કે તેઓ બરોબર જાણે છે કે વાઘ આસપાસ જ છે.
સવારે 5:30 વાગ્યે સૂર્યના કિરણો જંગલની જમીનને સ્પર્શે તે પહેલા જ મહુઆના ફૂલો એકઠા કરનારાઓએ તેમનું કામ શરૂ કરી દીધું છે, તેઓ ઝાડ નીચેથી સૂકા પાંદડા સાફ કરી રહ્યા છે. સુખરાનીની 18 વર્ષની દીકરી રોશની સિંહ સમજાવે છે, "ફૂલો ભારે હોય છે તેથી અમે પાંદડા સાફ કરીએ ત્યારે ફૂલો જમીન પર રહે છે." રોશનીએ 2020 માં શાળાનો અભ્યાસ પૂરો કર્યો હતો અને કોલેજમાં પ્રવેશ મેળવવાની આશા રાખતી હતી, પરંતુ કોવિડ -19 ના સંક્રમણને કારણે તેણે પોતાની યોજનાઓ સ્થગિત કરી દીધી. જ્યાં કુલ 1400 ની વસ્તી ધરાવતા પારસીમાં 23 ટકા વસ્તી આદિવાસીઓની છે, ત્યાં સાક્ષરતા દર 50 ટકાથી ઓછો છે (વસ્તી ગણતરી 2011). પરંતુ પ્રથમ પેઢીની વિદ્યાર્થીની રોશનીએ તેના પરિવારમાંથી કોલેજમાં જનાર પ્રથમ વ્યક્તિ બનવાનું નક્કી કરી લીધું છે.
વહેલી સવારની ઠંડી હવા ફૂલ ભેગા કરનારાઓને માટે પરેશાનીનું કારણ બને છે. સુખરાનીની સાથે આવેલી તેમની 17 વર્ષની ભત્રીજી દુર્ગા સમજાવે છે, "અમારા હાથ ઠંડા હોય ત્યારે [જંગલની જમીન પરથી] મહુઆના નાના ફૂલો ભેગા કરવાનું મુશ્કેલ હોય છે." તે ઉમેરે છે, "રવિવાર છે એટલે મારે શાળાએ જવાનું નથી અને એટલે હું મારા કાકીને મદદ કરવા આવી છું." પારસીથી લગભગ બે કિલોમીટર દૂર ધામોખરની સરકારી માધ્યમિક શાળામાં 11 મા ધોરણની વિદ્યાર્થીની દુર્ગા ઇતિહાસ, અર્થશાસ્ત્ર, હિન્દી અને કલાનો અભ્યાસ કરે છે. ગયા વર્ષે લોકડાઉનને કારણે બંધ કરવામાં આવેલી તેની શાળા હજી આ વર્ષે જાન્યુઆરીમાં જ ફરી શરૂ કરવામાં આવી હતી.


ડાબે: મણિ સિંહ અને સુનિતાબાઈ તાજા ભેગા કરેલા ફૂલો સાથે. જમણે: મર્દારી ગામમાં તેમના ઘર(ના આંગણા)માં સુકાવવા માટે (જમીન પર) ફેલાવેલા મહુઆના ફૂલો
મહુઆના ઊંચા વૃક્ષ તરફ જોઈ સુખરાની માથું હલાવીને કહે છે, "આ વર્ષે આપણને વધારે [ઉપજ] નહીં મળે, સામાન્ય રીતે મળે છે તેનાથી અડધી પણ નહીં." ડર અને શંકા સાથે કરાયેલ તેમના આ અંદાજ સાથે સુરજન સહમત છે, તે કહે છે, "આ વર્ષે ફૂલો ઓછા ઝરી રહ્યા છે." તેઓ બંને ઘટેલી ઉપજ માટે 2020 ના નબળા વરસાદને જવાબદાર ગણે છે. પરંતુ મહુઆની ઘણી સિઝન જોનાર સુરજન આને બહુ મોટી સમસ્યા તરીકે ન જોતા આ વર્ષને એક આકસ્મિક ખરાબ વર્ષ તરીકે ગણાવતા કહે છે કે, “ક્યારેક ઉપજ ઓછી હોય તો ક્યારેક વધારે. હંમેશા એકસરખી ન હોય. ”
પારસીથી છ કિલોમીટર દૂર ટાઇગર રિઝર્વની બીજી બાજુ મર્દારી ગામમાં મણિ સિંહના ઘરના આંગણામાં સૂર્યના તડકામાં મહુઆના ફૂલો સૂકવવા માટે ફેલાવેલા છે. ચમકતા લીલાશ પડતા પીળા ફૂલો સૂકાઈને ઝાંખા નારંગી રંગના થઈ રહ્યા હતા. મણિ અને તેમની પત્ની સુનિતા બાઈ બંને 50-55 વર્ષના છે, આખી સવાર તેમણે જંગલમાં તેમના પાંચ વૃક્ષોમાંથી ફૂલો ભેગા કરવામાં ગાળી હતી. તેમના બાળકો મોટા થઈ ગયા છે અને બીજે ક્યાંક કામ કરે છે, તેથી ફક્ત તેઓ બે જ (ફૂલો ભેગા કરવા) જાય છે. મણિ કહે છે, “આ વર્ષે ભેગા કરવા માટે ઝાઝા ફૂલો નથી. આપણે ખરેખર શોધવા પડે છે. ગયા વર્ષે મને આશરે 100 કિલો મળ્યા હતા, પરંતુ આ વર્ષે મને નથી લાગતું કે હું તેનાથી અડધા પણ મેળવી શકીશ.”
મણિ મહુઆનો લોટ ભૂસામાં ભેળવીને તેની એક એકર જમીન ખેડતા બે બળદોને ખવડાવે છે. તે કહે છે, "એનાથી બળદોમાં તાકાત આવે છે."
મર્દારી 133 ઘરોનો એક નાનકડો કસ્બો છે, અને લગભગ દરેક ઘરમાં મહુઆના ફૂલો સૂકવવા માટે ફેલાવવામાં આવે છે અને પછી બોરીઓમાં ભેગા કરવામાં આવે છે. ચંદાબાઈ બૈગા - તેમના અને તેમના સંબંધીઓના - નાના બાળકોના ટોળા સાથે ઘેર પાછા ફરે છે ત્યારે બપોર થઈ ગઈ છે. દરેક બાળકના હાથમાં એક-એક ટોપલી ભરીને ફૂલો છે, જે ભેગા કરવામાં તેમણે મદદ કરી છે. ચંદાબાઈ વાત કરવા બેસતા પહેલા બાળકોને બપોરના ભોજન માટે હાથ-મ્હોં ધોવા ધકેલે છે.


ડાબે: મહુઆના ફૂલો ભેગા કરીને પાછા ફરતા ચંદાબાઈ બૈગા (લીલી સાડીમાં) અને તેમના સંબંધીઓ. જમણે: ચંદાબાઈના ઘરના આંગણામાં મહુઆના સૂકા ફૂલો
ચંદાબાઈ અને તેમના પતિ વિશ્વનાથ બૈગા, જેઓ બૈગા આદિવાસી સમુદાયના છે, તેઓ બંને 40-45 વર્ષના છે. તેઓ 2.5 એકર જમીનમાં ખેતી કરે છે, તેના પર તેઓ મોટે ભાગે ડાંગર અને તુવેર ઉગાડે છે, પરંતુ જો કામ મળે તો તેઓ મનરેગાના કામ માટે પણ જાય છે.
આખી સવારની મહેનતથી કંટાળી ગયેલા ચંદાબાઈ કહે છે, “અમને આ વર્ષે વધારે મહુઆ નહીં મળે. વરસાદ બહુ પડ્યો નથી તેથી ફૂલો ઓછા છે." ઘટતી ઉપજને લઈને ચિંતિત ચંદબાઈ હરણની વધતી જતી વસ્તીને પણ એ માટે જવાબદાર ઠેરવે છે. ”હરણ બધું જ ખાઈ જાય છે, ખાસ કરીને રાત્રે જે ફૂલો ઝરે છે તે, તેથી અમારે વહેલા જવું પડે છે. આવું માત્ર મારા વૃક્ષો સાથે થતું નથી, દરેકની આ જ રામકહાણી છે."
એક મહિના પછી, મે મહિનામાં, મર્દારીથી ફોન પર વાત કરતા ચંદાબાઈ તેમનો ડર સાચો હોવાની પુષ્ટિ કરે છે. તેઓ કહે છે, “આ વર્ષે ફૂલો ભેગા કરવાનું કામ માત્ર 15 દિવસમાં આટોપાઈ ગયું હતું. અમને માત્ર બે ક્વિન્ટલ [200 કિલો] મળ્યા જ્યારે ગયા વર્ષે અમને ત્રણ ક્વિન્ટલથી વધારે મળ્યા હતા." પરંતુ - ઓછા પુરવઠાને કારણે - ભાવમાં વધારો થતા તેમને થોડી રાહત મળી છે. 2020 માં 35-40 રુપિયે કિલોથી વધીને આ વર્ષે ભાવ 50 રુપિયે કિલો થઈ ગયો છે.
સુખરાની અને સુરજનની આગાહી મુજબ પારસીમાં પણ ઉપજ ઓછી હતી. સુરજને તેને દાર્શનિક રીતે સમજાવ્યું હતું: “ક્યારેક તમને ભરપેટ ખાવાનું મળે છે અને ક્યારેક એક કોળિયો પણ નસીબ નથી થતો, ખરું કે નહીં? આ જ વસ્તુ છે.”
આ અહેવાલ તૈયાર કરવામાં ખૂબ મદદ કરવા બદલ લેખક દિલીપ અશોકનો આભાર માને છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક