તનુજાની પીઠનો નીચેનો ભાગ જકડાઈ ગયો અને દુખાવો અસહ્ય બની ગયો ત્યારે તેઓ હોમિયોપેથને મળવા ગયા. "તેમણે મને કહ્યું કે મને કેલ્શિયમ અને આયર્ન (લોહતત્ત્વ)ની [ઉણપની] સમસ્યા છે અને મારે ક્યારેય ફર્શ પર બેસવું ન જોઈએ."
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક બીડી કામદાર તરીકે કામ કરતા તનુજા આઠ કલાક સુધી ફર્શ પર બેસી બીડીઓ વાળે છે. 48-49 વર્ષના આ કામદાર કહે છે, "મને તાવ જેવું લાગે છે અને નબળાઈ લાગે છે, અને મારી પીઠમાં સખત દુખાવો થાય છે." તેઓ ઉમેરે છે, "કાશ... મને મારે માટે ખુરશી-ટેબલ ખરીદવાનું પોસાતું હોત."
નવેમ્બર પૂરો થવામાં છે અને હોરેકનોગોર મહોલ્લામાં તેમના ઘરની સિમેન્ટની સખત ફર્શ પર હુંફાળો તડકો આવી રહ્યો છે. તનુજા તાડના પાનની મદુર (સાદડી) પર બેસીને એક પછી એક બીડી વાળી રહ્યા છે. તેઓ કેંદુના પાન વળે છે ત્યારે તેમની આંગળીઓ ચપળતાપૂર્વક ફરે છે, કોણી શરીરને અડકેલી છે, ખભા ઊંચા છે અને માથું એક બાજુએ ઝૂકેલું છે. તેઓ જરા મજાકમાં કહે છે, "મારી આંગળીઓ એટલી સુન્ન થઈ ગઈ છે કે ક્યારેક મને વિચાર આવે છે કે મારી આંગળીઓ છે તો ખરીને."
તેમની આસપાસ બીડી બનાવવા માટેનો કાચો માલ પડેલો છે: કેંદુના પાન, બારીક ખાંડેલું તમાકુ અને દોરાના બંડલો. ધારવાળી નાની છરી અને કાતરની એક જોડી તેમના ધંધાના સાધનો છે.
તનુજા કરિયાણું લાવવા, રસોઈ બનાવવા, પાણી ભરવા, ઘર અને આંગણું સાફ કરવા અને ઘરના બીજા નાનાંમોટાં કામો પૂરા કરવા માટે થોડા સમય માટે ઊભી થઈને બહાર જશે. પરંતુ તે બધો સમય તેમને સતત એ ખ્યાલ સતાવતો રહે છે કે જો તેઓ રોજની આશરે 500-700 બીડી વળવાનું તેમનું લક્ષ્ય પૂરું નહીં કરી શકે તો તેમને મહિને થતી 3000 ની આવક ઘટી જશે.
એટલે તેઓ વહેલી સવારથી મધરાત સુધી એ જ કામ કરતા હોય છે. તનુજા જે બીડીઓ વાળી રહયા છે તેના પરથી પોતાની નજર હઠાવ્યા વિના કહે છે, “પહેલી અઝાન પોકારાય ત્યારે હું જાગી જાઉં છું. ફજરની નમાઝ અદા કર્યા પછી હું મારું કામ શરૂ કરું છું." વાસ્તવમાં તેમનો દિવસ નમાઝ માટે બાંગ પોકારાય તેના આધારે મપાય છે કારણ કે તેમને ઘડિયાળ જોતાં આવડતું નથી. મઘરીબ (સાંજે ચોથી નમાઝ) અને ઈશા (રાત્રે પાંચમી છેલ્લી નમાઝ) ની વચ્ચે તેઓ રાતનું જમવાનું બનાવે છે અને લગભગ મધરાતે સૂઈ જતા પહેલા ઓછામાં ઓછા બીજા બે કલાક પાંદડા વાળવામાં અથવા કાપવામાં ગાળવાનો પ્રયાસ કરે છે.
તેઓ કહે છે, “આ તનતોડ કામમાંથી મને માત્ર નમાઝ દરમિયાન જ વિરામ મળે છે; તે વખતે મને થોડો આરામ અને શાંતિ મળે છે. તનુજા પૂછે છે, "લોકો કહે છે કે બીડી પીવાથી બીમાર પડાય. તેમને ખબર છે ખરી કે બીડી વાળનારાનું શું થાય છે?"
2020 ની શરૂઆતમાં આખરે તનુજા જિલ્લા હોસ્પિટલમાં ડૉક્ટરને મળવા જવાની તૈયારી કરી રહી હતી ત્યારે જ લોકડાઉન જાહેર થયું અને કોવિડના સંક્રમણના ભયે તેમને હોસ્પિટલ જતાં રોક્યા. હોસ્પિટલ જવાને બદલે તેઓ હોમિયોપેથને મળવા ગયા. અહીં બેલડાંગા - I બ્લોકમાં નોન-રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરોની સાથેસાથે હોમિયોપેથ પણ બીડી કામદારોના ઓછી આવકવાળા પરિવારોની પહેલી પસંદગી છે. 2020-21 ના ગ્રામીણ આરોગ્ય આંકડા ( રુરલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ 2021 ) અનુસાર પશ્ચિમ બંગાળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ - પીએચસી) માં (જરૂરિયાતના પ્રમાણમાં) 578 ડૉક્ટરો ઓછા છે. ગ્રામીણ વિસ્તારોમાં (જરૂરિયાત કરતા) 58 ટકા ઓછા પીએચસી છે. એટલે સરકારી હોસ્પિટલમાં તપાસ માટે જવું સસ્તું છે, પણ તેમાં ફોલો-અપ પરીક્ષણો અને સ્કેન માટે લાંબી કતારોમાં રાહ જોવી પડે છે. તેને પરિણામે દૈનિક વેતનમાં ભારે નુકસાન વેઠવા વારો આવે છે અને તનુજા કહે છે તેમ, "અમારી પાસે આવો સમય નથી."
હોમિયોપેથની દવાઓથી કંઈ ફેર ન પડ્યો ત્યારે તનુજાએ તેમના પતિ પાસેથી 300 રુપિયા લીધા, પોતાની કમાણીમાંથી 300 ઉમેર્યા અને છેવટે સ્થાનિક એલોપેથિક ડૉક્ટરને મળવા ગયા. તેઓ કહે છે, “તેમણે મને કેટલીક ગોળીઓ આપી અને મને મારી છાતીનો એક્સ-રે અને સ્કેન કરાવવા કહ્યું. હું તે કરાવી ન શકી.” તેઓ ચોખ્ખેચોખ્ખું કહે કરે છે કે આ બધી તપાસ કરાવવાનું તેમને પોસાય તેમ ન હતું.
પશ્ચિમ બંગાળમાં રાજ્યના 20 લાખ બીડી કામદારોમાંના 70 ટકા તનુજા જેવા મહિલા કામદારો છે. તેમની કામ કરવાની ખરાબ પરિસ્થિતિઓને કારણે કામદારોને ઉઠવા-બેસવાની મુદ્રાને લગતી તકલીફો જેમ કે ખેંચાણ, સ્નાયુઓ અને ચેતાનો દુખાવો તેમજ ફેફસાં સંબંધિત સમસ્યાઓ અને ક્ષય રોગ પણ થાય છે. તેઓ ઓછી આવક ધરાવતા ઘરોમાંથી આવે છે અને પોષક તત્ત્વોની ઉણપ આ વ્યવસાય સાથે સંબંધિત બિમારીઓને વધુ જટિલ બનાવે છે અને તેમના એકંદર આરોગ્ય અને પ્રજનન સુખાકારીને અસર કરે છે.
મુર્શિદાબાદમાં 15-49 વર્ષની વયની મહિલાઓમાં એનિમિયા (લોહતત્ત્વની ખામીની સમસ્યા) નો દર ચિંતાજનક 77.6 ટકા છે, જે ચાર વર્ષ પહેલાંના 58 ટકાની સરખામણીમાં નોંધપાત્ર રીતે વધારે છે. જે માતાઓને એનિમિયા હોય તેમના બાળકો એનિમિક થવાની શક્યતા ઘણી વધારે હોય છે. હકીકતમાં તાજેતરનો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ - એનએફએચએસ-5 ) આ જિલ્લામાં તમામ મહિલાઓ અને બાળકોમાં એનિમિયાના સ્તરમાં વધારો દર્શાવે છે. ઉપરાંત આ જિલ્લામાં 5 વર્ષથી ઓછી ઉંમરના 40 ટકા બાળકોનો વિકાસ રુંધાયેલ છે અને ચિંતાની વાત એ છે કે અગાઉ ચાર વર્ષ પહેલા 2015-2016 માં હાથ ધરાયેલ NFHS થી આજ સુધીમાં આ આંકડાઓમાં કોઈ વાસ્તવિક ફેરફાર થયો નથી.
આ વિસ્તારની એક જાણીતી વ્યક્તિ અહેસાન અલી માઠપાડા મહોલ્લાના રહેવાસી છે અને ત્યાં દવાની નાની દુકાન ચલાવે છે. તેઓ એક અપ્રશિક્ષિત તબીબી વ્યવસાયી છે છતાં સમુદાયમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે વિશ્વાસપાત્ર સલાહકાર છે કારણ કે તે બીડી વાળનાર પરિવારમાંથી આવે છે. 30 વર્ષના અહેસાન અલી કહે છે કે બીડી કામદારો તેમની પાસે દુખાવામાં રાહત થાય એ માટે ગોળીઓ અને મલમ લેવા આવે છે. તેઓ કહે છે, "આ કામદારો 25-26 વર્ષના થાય ત્યાં સુધીમાં તો તેઓને ખેંચાણ, સ્નાયુઓની નબળાઈ, ચેતા-સંબંધિત દુખાવો અને માથાના ગંભીર દુખાવા જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થાય છે."
બાળપણમાં પોતાના ઘરોમાં તમાકુના બારીક કણોના સંસર્ગમાં આવવાથી તેમજ પોતાની માતાઓને દિવસના લક્ષ્યાંકને પહોંચી વળવામાં મદદ કરવાને કારણે નાની છોકરીઓ મોટું જોખમ વહોરી લે છે. તનુજા માંડ 10 વર્ષનીય થઈ તે પહેલાં જ નાની હતી ત્યારથી તેણે માઝપાડા મહોલ્લામાં આ કામની શરૂઆત કરી હતી. તેઓ કહે છે, “હું મારી માતાને છેડા વાળવામાં અને બીડી બાંધવામાં મદદ કરતી,” તેઓ ઉમેરે છે, “અમારા સમાજમાં લોકો કહે છે કે 'જે છોકરીઓને બીડીઓ વાળતા આવડતું ન હોય તેમને વર ન મળે'."
12 વર્ષની ઉંમરે તનુજાના લગ્ન રફીકુલ ઇસ્લામ સાથે કરાવી દેવાયા હતા અને તેણે ચાર છોકરીઓ અને એક છોકરાને જન્મ આપ્યો હતો. એનએફએચએસ-5 મુજબ આ જિલ્લામાં 55 ટકા મહિલાઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા કરાવી દેવાય છે. યુનિસેફ નોંધે છે કે વહેલા (નાની ઉંમરે) લગ્ન અને ગર્ભધારણની સાથેસાથે અપૂરતા પોષણની અસર આગામી પેઢી પર પડશે.
હેલ્થ સુપરવાઈઝર (આરોગ્ય નિરીક્ષક) હાશી ચેટર્જી કહે છે, "મહિલાનું પ્રજનન અને જાતીય સ્વાસ્થ્ય તેના એકંદર - શારીરિક અને માનસિક બંને - સ્વાસ્થ્ય સાથે નજીકથી સંકળાયેલું છે. તમે એકને બીજાથી અલગ કરી શકતા નથી." તેઓ બેલડાંગા - I બ્લોકમાં મિર્ઝાપુર પંચાયતના પ્રભારી છે અને વિવિધ આરોગ્ય યોજનાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તેનું ધ્યાન રાખે છે.
તનુજાની માતાએ લગભગ આખી જીંદગી બીડીઓ જ વાળી છે. તેમની દીકરી કહે છે કે હવે 68-69 વર્ષની તેમની માતાની તબિયત એટલી ખરાબ છે કે તે હવે બરોબર ચાલી પણ શકતી નથી." તનુજા કહે છે, "તેની પીઠને નુકસાન પહોંચ્યું છે અને તે પથારીવશ છે, અને લાચારીના ભાવ સાથે ઉમેરે છે, "મારી પણ આ જ હાલત થવાની છે."
આ ઉદ્યોગમાંના લગભગ તમામ કામદારો ઓછી આવક ધરાવતા પરિવારોમાંથી છે અને તેમની પાસે બીજું કોઈ કૌશલ્ય નથી. જો મહિલાઓ બીડીઓ ન વાળે તો તેઓ અને તેમનો પરિવાર ભૂખે મરે. તનુજાના પતિ ખૂબ જ માંદા પડી ગયા હતા અને કામ માટે બહાર જઈ શકતા ન હતા ત્યારે આ બીડી બનાવવાના કામે જ છ જણના પરિવારના પેટનો ખાડો પૂર્યો હતો. તનુજા તેમના નવજાત બાળક - તેમની ચોથી દીકરી - ને એક સુંવાળી કાંથાની રજાઈમાં વીંટાળીને પોતાના ખોળામાં લઈને બીડીઓ વાળતા. પરિવારની દારુણ ગરીબીને કારણે તેઓ નવજાત શિશુને તમાકુના બારીક કણોના સંસર્ગમાં રાખવા મજબૂર હતા.
તનુજા કહે છે, "એક સમય હતો જ્યારે હું રોજની 1000-1200 બીડીઓ બનાવતી." પરંતુ હવે તેઓ રોજની 500-700 બીડીઓ વાળીને મહિને 3000 રુપિયા કમાય છે અને તેમના સ્વાસ્થ્યના ભારે જોખમે પણ તેઓ એ લક્ષ્ય જાળવી રાખવા મજબૂર છે.
મુર્શિદા ખાતુન દેબકુંડા એસએઆરએમ ગર્લ્સ હાઈ મદરેસાના મુખ્ય શિક્ષિકા છે. તેઓ કહે છે કે અહીં બેલડાંગા - I બ્લોકમાં તેમના મદરેસામાં 80 ટકાથી વધુ છોકરીઓ આવા ઘરોમાંથી છે અને એ છોકરીઓ તેમની માતાઓને તેમના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરે છે. તેઓ કહે છે કે મોટાભાગે શાળામાં મળતું મધ્યાહન ભોજન - ભાત, દાળ અને શાકભાજી - આ નાની છોકરીઓ માટે દિવસનું પહેલું જ ભોજન હોય છે. તેઓ ઉમેરે છે, "તેમના ઘરોમાં પુરૂષ સભ્યોની ગેરહાજરીમાં સવારે સામાન્ય રીતે કંઈ જ રાંધવામાં આવતું નથી."
મુર્શિદાબાદ જિલ્લો લગભગ સંપૂર્ણ રીતે ગ્રામીણ છે - તેની 80 ટકા વસ્તી તેના 2166 ગામોમાં રહે છે અને અહીં સાક્ષરતા 66 ટકા છે, જે રાજ્યની સરેરાશ 76 ટકા (જનગણના 2011) કરતાં ઓછી છે. રાષ્ટ્રીય મહિલા આયોગના (નેશનલ કમિશન ફોર વિમેનના) અહેવાલ માં જણાવાયું છે કે આ ઉદ્યોગમાં કામદારો તરીકે મહિલાઓને પસંદગી અપાય છે કારણ કે તેઓ ઘેરથી કામ કરી શકે છે અને તેમની પાસે આ કામ માટે જરૂરી ચપળ આંગળીઓ છે.
*****
શાહીનુર બીબી ડુંગળી, મરચાં કાપીને ઘુઘની માટે મસાલો તૈયાર કરતા કરતા વાતો કરે છે. એક મિનિટનો પણ સમય બગાડવો તેમને પોસાય તેમ નથી. બેલડાંગા - I માં હોરેકનોગોર વિસ્તારમાં રહેતા અગાઉ બીડી કામદાર રહી ચૂકેલા શાહીનુર બીબીએ થોડીઘણી કમાણી કરવા હવે પીળા ચણામાંથી બનાવેલ આ લોકપ્રિય નાસ્તો સાંજે તેમને ઘેરથી વેચવાનું શરૂ કર્યું છે.
45 વર્ષના શાહીનુર કહે છે, "બીડી વાળનારાઓના નસીબમાં જ બીમારી લખાયેલી છે." ઉઠવા-બેસવાની મુદ્રા સંબંધિત અને શ્વાસ સંબંધિત બીમારીઓ સાથે સંઘર્ષ કરી રહેલા તેઓ થોડા મહિનાઓ પહેલા બેલડાંગા ગ્રામીણ હોસ્પિટલમાં તપાસ કરાવવા માટે ગયા હતા અને પછીથી ખાનગી દવાખાનામાં છાતીનો એક્સ-રે પણ કરાવ્યો હતો. પરંતુ હવે તેમના પતિની તબિયત ખરાબ હોવાથી તેઓ ફરીથી હોસ્પિટલ જઈ શક્યા નથી. તેઓ શા માટે ઘુઘની વેચે છે એ સમજાવતા તેઓ કહે છે, “મારી બે વહુઓ મને [બીડીઓ] વાળવા દેતી નથી. તેઓએ આ કામ પૂરેપૂરું ઉપાડી લીધું છે પરંતુ એ [કમાણી] પર અમે માંડ માંડ નભી શકીએ છીએ."
ડૉ. સોલમન મોંડોલ જ્યાં કામ કરે છે તે બ્લોક હૉસ્પિટલમાં તેમણે દર મહિને ટીબીની પુષ્ટિ થયેલા 20-25 દર્દીઓ આવતા નિયમિત રીતે જોયા છે. બેલડાંગા - I ના બ્લોક મેડિકલ ઓફિસર (BMO) મોંડોલ કહે છે, “બીડી વાળનારા (તમાકુના) ઝેરી બારીક કણોના સતત સંસર્ગમાં રહેતા હોવાને કારણે ટ્યુબરક્યુલોસિસ (ક્ષય) થવાનું જોખમ વધારે છે. આને પરિણામે વારંવાર શરદી થાય છે અને ધીમે ધીમે ફેફસાં નબળા પડી જાય છે."
દરજીપાડા મહોલ્લામાં તેમના ઘર પાસેથી પસાર થતા રસ્તા પર આગળ જતા સાયરા બેવા સતત ઉધરસ અને શરદીથી પીડાય છે. 62-63 વર્ષના આ કામદારને આ તકલીફો ઉપરાંત છેલ્લા 15 વર્ષથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો છે. લગભગ પાંચ દાયકાથી બીડીઓ વાળી વાળીને તેમના હાથ અને નખ પર તમાકુના બારીક કણો ચોંટી ગયા છે.
ડો. સોલમન મોંડોલ કહે છે, “તમાકુના ધુમાડાની જેમ જ મોસલા [બારીક ખાંડેલું તમાકુ] એ એક સામાન્ય એલર્જન છે (જેને શ્વાસમાં લેવાથી લોકો બીમારીનો ભોગ બને છે) અને બીડીઓ વાળતી વખતે મોસલાના કણો શ્વાસમાં જાય છે. પશ્ચિમ બંગાળમાં અસ્થમાથી પીડાતી મહિલાઓની સંખ્યા પુરૂષો કરતા બમણી છે - દર 100000 દીઠ 4386 મહિલાઓ (NFHS-5).
બીએમઓએ પણ નિર્દેશ કરે છે કે "તમાકુના બારીક કણોના સતત સંસર્ગને અને ટીબીની બીમારી લાગુ પડવાને સીધો સંબંધ હોવા છતાં અમારી પાસે આ વ્યવસાય સાથે સંકળાયેલા કામદારો માટે ખાસ ટીબી માટેનું સ્ક્રીનીંગ કરવાની વ્યવસ્થા નથી." આ ખામી ખાસ કરીને જ્યાં બીડી કામદારોની સંખ્યા સૌથી વધુ એવા જિલ્લામાં ઊડીને આંખે વળગે એવી છે. સાયરાને ઉધરસમાં લોહી આવી રહ્યું છે - એ ક્ષય રોગના સંક્રમણનો સંકેત છે. તેઓ કહે છે, “હું બેલડાંગા ગ્રામીણ હોસ્પિટલમાં ગઈ. તેઓએ કેટલાક પરીક્ષણો કર્યા અને મને થોડી ગોળીઓ આપી.” તેઓએ સાયરાને તેના ગળફાનું પરીક્ષણ કરાવવાની અને તમાકુના બારીક કણોથી દૂર રહેવાની સલાહ પણ આપી. પરંતુ તેમને એ માટે કોઈ રક્ષણાત્મક સાધન-સામગ્રી આપવામાં આવી ન હતી.
વાસ્તવમાં પારીની ટીમ જીલ્લામાં જે જે બીડી કામદારોને મળી તેમાંથી કોઈએ પણ માસ્ક અથવા ગ્લોવ્સ પહેર્યા નહોતા. તેમની પાસે રોજગાર સંબંધિત દસ્તાવેજો, સામાજિક સુરક્ષાના લાભો, પ્રમાણિત વેતન, કલ્યાણ, સલામતી અથવા આરોગ્યસંભાળની કોઈ જોગવાઈઓ પણ નહોતી. બીડી કંપનીઓ મહાજન (વચેટિયાઓ) ને કામ આઉટસોર્સ કરી દે છે અને કોઈપણ જવાબદારીઓમાંથી હાથ ધોઈ નાખે છે. બદલામાં મહાજનો બીડીઓ ખરીદે છે પરંતુ આ બધી બાબતો પ્રત્યે કશું જ ધ્યાન આપતા નથી.
મુર્શિદાબાદની લગભગ બે તૃતીયાંશ વસ્તી મુસ્લિમ છે અને લગભગ તમામ બીડી કામદારો મુસ્લિમ મહિલાઓ છે. રફીકુલ હસન છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી બીડી કામદારો સાથે કામ કરી રહ્યા છે. તેઓ અહીં બેલડાંગામાં સેન્ટર ફોર ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ (સીઆઈટીયુ) ના બ્લોક સેક્રેટરી છે. તેઓ કહે છે, "બીડી ઉદ્યોગ હંમેશા સૌથી સસ્તા શ્રમબળ, મોટેભાગે આદિવાસી અને મુસ્લિમ છોકરીઓ અને મહિલાઓના શોષણ પર જ ફૂલ્યોફાલ્યો છે."
ડબલ્યુબી શ્રમ વિભાગ રેકોર્ડ પર સ્વીકારે છે કે બીડી કામદારો અનૌપચારિક ક્ષેત્રમાંના સૌથી વધુ અસુરક્ષિત કામદારોમાંના એક છે. શ્રમ વિભાગનું નિયત 267.44 રુપિયાનું લઘુત્તમ વેતન પણ બીડી કામદારોને મળતું નથી. તેઓ 1000 બીડી દીઠ માત્ર 150 રુપિયા કમાય છે. અને એ વેતન સંહિતા , 2019 દ્વારા નિર્ધારિત કરાયેલ 178 રુપિયાના રાષ્ટ્રીય લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું છે.
સીઆઈટીયુ સાથે સંલગ્ન મુર્શિદાબાદ જિલ્લા બીડી મઝદુર અને પેકર્સ યુનિયન સાથે કામ કરતા સૈદા બેવા ધ્યાન દોરે છે કે "બધા જાણે છે કે મહિલાઓને સમાન કામ માટે પુરૂષો કરતાં ઘણું ઓછું વેતન મળે છે. 55 વર્ષના સૈદા બેવા ઉમેરે છે, “'તમને ના ગમતું હોય તો અમારી સાથે કામ ના કરશો' એમ કહીને મહાજનો [વચેટિયાઓ] અમને ધમકી આપે છે." સૈદા બેવા ઈચ્છે છે કે રાજ્યમાં બીડી કામદારો માટે ચોક્કસ યોજનાઓ હોય.
તેમને કેટલું વેતન આપવામાં આવશે એના પર તેમનો કોઈ કાબુ નથી એટલું જ નહીં, પરંતુ મહાજન તેમને નબળી ગુણવત્તાનો કાચો માલ પૂરો પડે છે અને અંતિમ તપાસ દરમિયાન કેટલાક ઉત્પાદનો સ્વીકારતા નથી. સૈદા બેવાએ તેમને થતા અન્યાય તરફ ધ્યાન દોરતા કહ્યું, "મહાજનો ન સ્વીકારાયેલી બીડીઓ રાખી તો લે છે પરંતુ તેના માટે ચૂકવણી કરતા નથી."
નજીવું વેતન અને સલામતીની જોગવાઈઓ વિનાતનુજા જેવા દાડિયા મજૂરી પર કામ કરતા કામદારો આર્થિક અનિશ્ચિતતાથી ભરેલું જીવન જીવે છે. આ દંપતીએ તેમની ત્રીજી દીકરીના લગ્ન માટે લીધેલી 35000 રુપિયાની લોન ચૂકવવાની બાકી છે. તનુજા દરેક લગ્ન માટે લેવી પડતી અનેક લોન અને પછીથી એની ચૂકવણી માટે કરવી પડતી મજૂરીનો ઉલ્લેખ કરતા કહે છે, "અમારું જીવન દેવું અને ચુકવણીના અંતહીન ચક્રમાં અટવાઈ ગયું છે."
એક યુવાન નવપરણીત દંપતી તરીકે તનુજા અને રફીકુલ રફીકુલના માતા-પિતા સાથે રહેતા હતા, પરંતુ બાળકો થયા પછી દંપતીએ પૈસા ઉછીના લીધા, જમીન ખરીદી અને એક રૂમનું ઘાસ છાયેલું ઘર બનાવ્યું. “ત્યારે અમે બંને યુવાન હતા અને અમે વિચાર્યું હતું કે અમારી મહેનતથી અમે એ લોન ચૂકવી દઈશું. પણ એવું ક્યારેય બન્યું જ નહીં. અમે એક પછી એક કોઈને કોઈ વસ્તુ માટે પૈસા ઉધાર લેતા જ રહ્યા અને આજે હવે અમારી આ હાલત છે, હજીય અમે આ ઘર પૂરું બાંધી શક્યા નથી." પીએમ આવાસ યોજના હેઠળ ઘર મેળવવા માટે પાત્ર હોવા છતાં આ ભૂમિહીન દંપતીને હજી સુધી ઘર મળ્યું નથી છે.
રફીકુલ હવે ડેન્ગ્યુ નાબૂદી કાર્યક્રમ માટે ગ્રામ પંચાયત સાથે કરાર હેઠળ સ્વચ્છતા કામદાર તરીકે કામ કરે છે. તેમની માસિક 5000 રુપિયાની કમાણી હંમેશા સમયસર મળતી નથી: તનુજા કહે છે, “આ અનિયમિતતાને કારણે હું ભારે (માનસિક) તણાવ હેઠળ રહું છું. એક સમય એવો પણ હતો જ્યારે છ-છ મહિના સુધી રફીકુલને કાણી કોડીય મળી નહોતી." અને પરિવારે 15000 રુપિયા જેટલો માલસામાન સ્થાનિક દુકાનમાંથી ઉધારી પર ખરીદ્યો હતો.
બીડી કામદારો પ્રસૂતિની કે બીમારીની રજા લેતા નથી; સગર્ભાવસ્થા અને બાળજન્મ બંને દરમિયાન બીડી વાળવાનું તો ચાલુ જ રહે છે. જનની સુરક્ષા યોજના, ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (સંકલિત બાળ વિકાસ યોજના - આઈસીડીએસ) અને મફત મધ્યાહન ભોજન જેવા કાર્યક્રમોથી યુવા મહિલાઓને મદદ મળી છે. યુએસએચએ કાર્યકર સબીના યાસ્મીન જણાવે છે, "પરંતુ વૃદ્ધ મહિલા કામદારોના સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોને ગણતરીમાં લેવામાં આવતી નથી/નજરઅંદાજ કરવામાં આવે છે. તેઓ ઉમેરે છે, "મેનોપોઝ પછી (માસિક સ્ત્રાવનું ચક્ર બંધ થયા પછી) તેમની તબિયત વધારે બગડે છે. મહિલાઓ માટે બે સૌથી મહત્વના - કેલ્શિયમ અને આયર્ન - નો તેમનામાં ગંભીર અભાવ હોય છે અને તેઓના હાડકાં નબળા હોય છે અને તેઓ એનિમિયાથી (લોહતત્ત્વની ખામીથી) પીડાય છે." બેલડાંગા શહેરની મ્યુનિસિપાલિટીના 14 વોર્ડમાંથી એકની જવાબદારી સાંભળી રહેલા યાસ્મીનને અફસોસ છે કે તેમની ભૂમિકા અને ફરજો મોટાભાગે પ્રસૂતિ અને બાળ સંભાળ પૂરતી મર્યાદિત હોવાથી તેઓ આ બાબતે ખાસ કંઈ કરી શકતા નથી.
ઉદ્યોગ અને રાજ્ય બંને દ્વારા ઉપેક્ષિત મહિલા બીડી કામદારો ઝાઝી આશા રાખી શકે એમ નથી. હકીકતમાં તનુજાને જ્યારે કામના લાભ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેઓ યાદ કરે છે, “કોઈ બાબુ [ઠેકેદાર] ક્યારેય અમારી હાલત પૂછવા આવતા નથી. ઘણા સમય પહેલા બીડીઓની ઓફિસે કહ્યું હતું કે ડોકટરો અમારી તપાસ કરશે. અમે ગયા અને તેઓએ અમને મોટી નકામી ગોળીઓ આપી જેનાથી કોઈ જ ફાયદો થયો નહીં." પછીથી મહિલાઓના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે કોઈ ફરી ડોકાયું નહોતું.
તનુજાને શંકા છે કે એ ગોળીઓ હકીકતમાં માણસો માટે હતી કે નહીં. "મને લાગે છે કે તે ગાયો માટે હતી."
ગ્રામીણ
ભારતના
કિશોરો
અને
કિશોરીઓ
અંગેનો
રાષ્ટ્રવ્યાપી
અહેવાલ
આપતી
PARI
અને
કાઉન્ટરમિડિયા
ટ્રસ્ટની
યોજના
જનસામાન્યના
અભિપ્રાય
અને
જીવંત
અનુભવ
દ્વારા
આ
અગત્યના
છતાં
છેવાડાના
જૂથોની
પરિસ્થિતિના
અભ્યાસ
અંગે
પોપ્યુલેશન
ફાઉન્ડેશન
ઓફ
ઈન્ડિયા
દ્વારા
સમર્થિત
પહેલનો
ભાગ
છે
.
આ
લેખ
ફરીથી
પ્રકાશિત
કરવા
માંગો
છો
?
કૃપા
કરી
namita@ruralindiaonline.org
ને
cc
સાથે
zahra@ruralindiaonline.org
પર
લખો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક