તેઓ ફક્ત એક જ વસ્તુ વાંચી કે લખી શકે છે, અને તે છે તેમનું નામ. તેઓ દેવનાગરીમાં તેને ગર્વથી લખે છે, સાવચેતી સાથે: ગો-પ-લી. અને પછી તેમના ચહેરા પરથી હાસ્ય ખરી પડે છે, એક ચેપી હાસ્ય.
૩૮ વર્ષીય ગોપલી ગામેતી ચાર બાળકોનાં માતા છે. તેઓ કહે છે કે મહિલાઓ જે કરવાનું ધારી લે, તે કરી જ શકે છે.
ઉદયપુર જિલ્લાના ગોગુંડા બ્લોકમાં કરડા ગામની બહારના ભાગમાં માંડ ૩૦ ઘરોના આ સમૂહમાં, ગોપલીએ તેમના ચારે ચાર બાળકોને ઘેર જ જન્મ આપ્યો હતો, જેમાં ફક્ત સમુદાયની અન્ય મહિલાઓ એ જ મદદ કરી હતી. તેમના ચોથા બાળક, તેમની ત્રીજી પુત્રીને જન્મ આપ્યાના થોડા મહિના પછી તેઓ ટ્યુબલ લિગેશન પ્રક્રિયા કરાવવા માટે પ્રથમ વખત હોસ્પિટલમાં ગયાં હતાં.
તેઓ કહે છે, “અમારો પરિવાર સંપૂર્ણ થઇ ગયો છે તે સ્વીકારવાનો સમય આવી ગયો હતો.” ગોગુંડા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી) ના એક આરોગ્ય કાર્યકરે તેમને “ઓપરેશન” વિષે જણાવ્યું જેનાથી તેઓ આગળ જતા ગર્ભધારણ અટકાવી શકશે. તે માટે કોઈ પૈસા ચુકવવાની જરૂર નહોતી. આ માટે તેમણે ફક્ત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ગ્રામીણ દવાખાનામાં (સીએચસી) જવાનું હતું, જે તેમના ઘરથી ૩૦ કિલોમીટર દૂર આવેલું છે.
તેમણે આ વિષે તેમના ઘેર ઘણીવાર વાત કરી, પણ તેમના પતિએ આ બાબતે કોઈ નોંધ લીધી નહીં. તેમણે મહિનાઓ જતા હિંમત એકઠી કરી અને તેમના સૌથી નાના બાળકને સ્તનપાન કરાવતી વખતે શું તેઓ તેમનો નિર્ણય પોતાની જાતે લઇ શકશે કે કેમ તે અંગે વિચાર્યું.
તેઓ હસતાં હસતાં તૂટી ફૂટી હિન્દી અને ભીલી ભાષામાં કહે છે, “એક દિવસ, હું એમ કહીને ચાલી નીકળી કે હું દવાખાનામાં જાઉં છું, ઓપરેશન કરાવવા. મારા પતિ અને મારાં સાસુ મારી પાછળ દોડ્યા.” રસ્તામાં બહુ વધારે દલીલબાજી ન થઇ , કારણ કે ગોપલી આ માટે કટિબદ્ધ હતાં. તે પછી તે બધાં એ સાથે મળીને ગોગુંડા સીએચસી જવા માટેની બસ પકડી, જ્યાં ગોપલીની સર્જરી થઈ.
તેઓ કહે છે કે તે દિવસે સીએચસીમાં અન્ય સ્ત્રીઓને પણ ટ્યુબલ લિગેશન પ્રક્રિયા થઇ રહી હતી, પણ તેમને એ ખબર નથી કે શું તે એક નસબંધી શિબિર હતી કે નહીં, અને તે દિવસે સીએચસીમાં અન્ય કેટલી મહિલાઓ હતી તે પણ તેમને યાદ નથી. નાના નગરોમાં થતી નસબંધી શિબિરો, કે જ્યાં નજીકના ગ્રામીણ મહિલાઓ [ટ્યુબલ લિગેશન] પ્રક્રિયા કરાવી શકે છે, તે નબળા સ્ટાફવાળા ગ્રામીણ આરોગ્ય કેન્દ્રો સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવાની એક કોશિશ છે. પરંતુ આ શિબિરોમાં જોવા મળતી સ્વચ્છતાની ખરાબ સ્થિતિ અને નસબંધી માટે લક્ષ્ય આધારિત અભિગમ દાયકાઓથી તીવ્ર ચર્ચાનો વિષય રહ્યો છે.
ટ્યુબલ લિગેશન એ જન્મ નિયંત્રણની એક કાયમી પદ્ધતિ છે, જેમાં સ્ત્રીની ફેલોપિયન ટ્યુબને અવરોધિત કરવામાં આવે છે, ૩૦-મિનિટની આ સર્જિકલ પ્રક્રિયા ને ‘ટ્યુબલ નસબંધી’ અથવા ‘સ્ત્રી નસબંધી’ પણ કહેવાય છે. સંયુક્ત રાષ્ટ્રના વર્ષ ૨૦૧૫ ના એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે કે સ્ત્રી નસબંધી એ વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય ગર્ભનિરોધક પદ્ધતિ છે, જેને ૧૯% પરિણીત કે રિલેશનશિપમાં રહેતી મહિલાઓ પસંદ કરે છે.
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-૫ (૨૦૧૯-૨૧) અનુસાર ભારતમાં, ૧૫ થી ૪૯ વર્ષની વયની ૩૭.૯% પરિણીત મહિલાઓ ટ્યુબલ લિગેશન પસંદ કરે છે.
ગોપલી માટે, કે જેમના ચહેરા પર આંખો આંશિક રીતે ઢંકાઈ જાય એવો ઝળહળતો નારંગી રંગનો ઘૂંઘટ છે, આ એક વિર્દ્રોહથી ભરેલો વળાંક હતો. ચોથા બાળક પછી તેઓ થાકી ગયાં હતાં, જો કે તેમની તબિયત તો સારી હતી. તેમનો નિર્ણય મોટાભાગે નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.
તેમના પતિ સોહનરામ, સુરતમાં સ્થળાંતર મજૂર તરીકે કામ કરે છે, અને વર્ષના મોટાભાગના સમય માટે ઘરથી દૂર જ રહે છે, તેઓ હોળી અને દિવાળીના તહેવારો દરમિયાન એક-એક મહિના માટે પાછા ફરે છે. જ્યારે તેઓ તેમના ચોથા બાળકના જન્મના થોડા મહિનાઓ પછી ઘેર પાછા આવ્યા, ત્યારે ગોપલીએ નિર્ધારિત કરી લીધું હતું કે તેઓ હવે ફરીથી ગર્ભવતી નહીં બને.
ઘાસની છત વાળા તેમના ઇંટોના ઘરની ઠંડી લાદી પર બેસીને ગોપલી કહે છે, “બાળકોના ઉછેરમાં મદદ કરવા માટે પુરુષો ક્યારેય હાજર નથી હોતા.” મકાઈના દાણાનો એક ઢગલો સૂકવવા માટે લાદી પર ફેલાવવામાં આવ્યો છે. તેમની મોટાભાગની ગર્ભાવસ્થાઓ દરમિયાન સોહનરામ ગેરહાજર હતા, જ્યારે તે તેમના અડધા વીઘા જમીન પર કામ કરતા હતા. ગર્ભવતી હોવા છતાંય તેઓ તેમની અડધા વીઘા [૦.૩ એકર] જમીન અને અન્ય લોકોની ભાડાપટ્ટે લીધેલી જમીન, અને ઘરની સંભાળ રાખતાં હતા. તેઓ કહે છે, “અમારી પાસે બાળકોને ખવડાવવા માટે પૂરતા પૈસા નથી હોતા, તેથી વધુ બાળકો થવા દેવાનો શું અર્થ?”
તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓએ અન્ય કોઈ ગર્ભનિરોધકનો પ્રયાસ કર્યો છે, તો તેઓ શરમાળ સ્મિત કરે છે. તેઓ તેમના પતિ વિષે તો બોલવા માંગતાં નથી, પરંતુ કહે છે કે સમુદાયની સ્ત્રીઓ સામાન્ય રીતે માને છે કે પુરૂષોને કોઈપણ પ્રકારના ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાનું કહેવું નિરર્થક છે.
*****
રોયડા પંચાયતમાં આવતું કરડા ગામ અરવલ્લી પર્વતમાળાની તળેટીમાં આવેલું છે. પડોશમાં રાજસમંદ જિલ્લામાં પર્યટકોના પ્રિય સ્થળ એવા કુંભલગઢ કિલ્લાથી તે માત્ર ૩૫ કિલોમીટરના અંતરે આવેલું છે. કરડામાં વસતા ગામેતી લોકો અનુસૂચિત જનજાતિ, ભીલ-ગામેતી સમુદાયના એક કુળના ૧૫-૨૦ પરિવારોનો મોટો સમૂહ છે. તેઓ ગામની સીમમાં સ્થાયી થયેલા છે, અને દરેક કુટુંબ પાસે એક વીઘા કરતાં ઓછી જમીન છે. આ સમૂહની લગભગ એકે સ્ત્રીએ શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો નથી, પુરુષોમાં પણ આનું પ્રમાણ થોડુંઘણું જ વધારે છે.
તેઓ જૂનના અંતથી સપ્ટેમ્બર સુધીના ચોમાસાના મહિનાઓમાં તેમની જમીનમાં ઘઉંની ખેતી કરે છે, એ મહિનાઓ સિવાય તેમના પુરુષો એક મહિના કરતા વધુ સમય સુધી તો ભાગ્યે જ ઘેર રહે છે. ખાસ કરીને કોવિડ-૧૯ લોકડાઉનના મુશ્કેલ મહિનાઓ પછી, મોટા ભાગના પુરુષો સુરતમાં સાડી કાપવાના એકમોમાં નોકરી કરે છે - જ્યાં કાપડના લાંબા તાકાને કાપીને છ મીટર લાંબુ સાડીનું કાપડ તૈયાર કરવામાં આવે છે, અને અંતે તેની કિનારીઓ પર મણકા કે લટકણ લગાવવામાં આવે છે. આ મજૂરી માટે કૌશલ્યની જરૂર નથી, જેના માટે તેમને દૈનિક ૩૫૦-૪૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે.
ગોપલીના પતિ, સોહનરામ અને અન્ય ગામેતી પુરુષોનો દક્ષિણ રાજસ્થાનના એ લાખો પુરુષ કામદારોમાં સમાવેશ થાય છે, જેઓ દાયકાઓથી તેમની સ્ત્રીઓને ઘેર મૂકીને સુરત, અમદાવાદ, મુંબઈ, જયપુર અને નવી દિલ્હીમાં કામ કરવા સ્થળાંતર કરે છે.
તેમની ગેરહાજરીમાં હવે, સંપૂર્ણપણે અભણ અને અર્ધ-સાક્ષર મહિલાઓ સ્વાસ્થયની જટિલ પસંદગીઓ અને નિર્ણયો જાતે લેવાનું શીખી ગઈ છે.
૩૦ વર્ષીય પુષ્પા ગામેતી ત્રણ બાળકોનાં માતા છે. જેમાં એક કિશોરવયના છોકરાનો સમાવેશ થાય છે જેને બાળ મજૂરી વિરોધી કાર્યકરો મહામારી પહેલા સુરતથી પાછો લાવ્યા હતા. પુષ્પા કહે છે કે મહિલાઓએ પોતાની મેળે અનુકૂલન કરવું પડે છે,
પહેલાં મેડિકલ ઈમરજન્સી ઊભી થતી ત્યારે મહિલાઓ ગભરાઈ જતી. પુષ્પા ભૂતકાળના બનાવો વર્ણવે છે જ્યારે બાળકનો તાવ અઠવાડિયા સુધી ઓછો ન થાય, અથવા જ્યારે ખેતરના કામ દરમિયાન લાગેલા ઘાવમાંથી લોહી વહેવાનું બંધ ન થાય, ત્યારે સ્ત્રીઓ ભયમાં વિવશ થઇ જતી. તેઓ ઉમેરે છે, “અમારી વચ્ચે કોઈ પણ પુરૂષો ન હોવાથી, અમારી પાસે તબીબી ખર્ચ માટે રોકડ ન હતી, અને કિલનિકમાં જવા માટે જાહેર પરિવહનનો કેવી રીતે ઉપયોગ કરવો તે અમે જાણતા ન હતા. ધીમે ધીમે, અમે બધું શીખી ગયા.”
પુષ્પાનો સૌથી મોટો દીકરો, કિશન, હવે ફરીથી કામે લાગી ગયો છે. આ વખતે પડોશી ગામમાં માટીનું ખોદકામ કરતા મશીનના ડ્રાઈવરના સહાયક તરીકે. તેમના નાના બાળકો, મંજુ અને મનોહર, અનુક્રમે ૫ અને ૬ વર્ષના છે. તેમને ૫ કિલોમીટર દૂર આવેલી આંગણવાડીમાં મોકલવાનું પુષ્પાએ શરૂ કર્યું છે.
તેઓ કહે છે , “અમારા મોટા બાળકો માટે અમને આંગણવાડીમાંથી કંઈ મળ્યું નથી.” પરંતુ તાજેતરના વર્ષોમાં , કરડાની યુવાન માતાઓ રોયડા તરફ વળાંકવાળા ધોરીમાર્ગ પાસેના કાળજીપૂર્વક ચઢાણ પર ચાલવા લાગ્યાં છે , જ્યાં આંગણવાડીમાં સ્તનપાન કરાવતી માતાઓ અને નાના બાળકોને ગરમ ભોજન પીરસવામાં આવે છે. તેઓ મંજુને ત્યાં તેડીને લઇ જતાં હતાં. ક્યારેક-ક્યારેક તેમને લિફ્ટ મળી જતી.
પુષ્પા કહે છે, “તે કોરોના પહેલાંની વાત છે.” લોકડાઉન પછી, મે ૨૦૨૧ સુધી, આંગણવાડી કેન્દ્રો ફરીથી શરૂ થયા કે નહીં તે વિષે મહિલાઓને જાણ ન હતી.
જ્યારે કિશને પાંચમાં ધોરણ પછી ભણવાનું બંધ કરી દીધું, અને અચાનક એક મિત્ર સાથે સુરતમાં કામ કરવા માટે નીકળી ગયો, ત્યારે પુષ્પાને લાગ્યું કે તેમના પરિવારની તેમના બાળકની ઉછેર કરવાની રીત પર તેમનો કોઈ અંકુશ નથી. તેઓ કહે છે, “પણ હું મારા નાના બાળકોને લાગતા વળગતા નિર્ણયો પર નિયંત્રણ રાખવાની કોશિશ કરું છું.”
તેમના પતિ, નટુરામ, હાલમાં કરડામાં હાજર એવા કામ કરવાની ઉંમરના એકમાત્ર પુરુષ છે. ૨૦૨૦ના ઉનાળામાં જ્યારે લોકડાઉન હેઠળ પરપ્રાંતિય કામદારોની સુરત પોલીસ સાથે અથડામણ થઇ ત્યારથી તેઓ કરડાની આસપાસ કામ મેળવવાની કોશિશ કરી રહ્યા છે, પણ તેમને કંઈ ખાસ સફળતા મળી નથી.
ગોપલીએ પુષ્પાને ટ્યુબલ લિગેશનના ફાયદાઓ વિષે જણાવ્યું છે. સ્ત્રીઓએ શસ્ત્રક્રિયા પછીની સંભાળના અભાવને કારણે થતી તબીબી સમસ્યાઓ વિષે (ઘાની આંટીઘૂટી અથવા ચેપ, આંતરડાના અવરોધ અથવા આંતરડાને અન્ય નુકસાન અને મૂત્રાશયને નુકસાન) સાંભળ્યું નથી, કે ન તો આ પદ્ધતિમાં ગર્ભનિરોધકની નિષ્ફળતાની શક્યતા વિષે સાંભળ્યું છે. ગોપલીને એ ખબર નથી કે ટ્યુબલ લિગેશનએ વસ્તી નિયંત્રણ માટેનો એક લક્ષ્ય આધારિત અભિગમ છે.
પુષ્પાએ પણ ત્રણેય બાળકોને ઘેર જ જન્મ આપ્યો હતો; તેમનાં ભાભી કે સમુદાયની વડીલ મહિલાએ દોરીને કાપીને તેનો છેડો ‘લચ્છા ધાગા’ સાથે બાંધ્યો હતો, જેને હિંદુઓ સામાન્ય રીતે કાંડા પર પહેરે છે.
ગોપલી કહે છે કે યુવાન ગેમતી મહિલાઓ જોખમી પ્રસૂતિ ઘેર કરવાનું. તેમનાં એકમાત્ર પુત્રવધૂ ગર્ભવતી છે. “અમે તેના કે અમારા પૌત્રના સ્વાસ્થ્ય માટે જોખમ લઈશું નહીં.”
મા બનનારાં આ સ્ત્રી ૧૮ વર્ષનાં છે, અને હાલમાં અરવલ્લી પર્વતમાળાના ઉંચાણ વાળા ગામડામાં તેમનાં માતાના ઘેર છે, જ્યાંથી ઈમરજન્સી વખતે ઝડપથી બહાર નીકળવું મુશ્કેલ છે. જ્યારે પ્રસુતિ વેળા આવશે ત્યારે અમે તેને અહીં લાવી દઈશું, અને બે કે ત્રણ સ્ત્રીઓ તેને ટેમ્પોમાં દવાખાનામાં લઈ જશે . ગોપલી ટેમ્પો દ્વારા એ મોટા થ્રી-વ્હીલરની વાત કરે છે જે સ્થાનિક ધોરણે જાહેર પરિવહન માટે વપરાય છે.
ગોપલી હસીને કહે છે, “આમ પણ આજ કાલની છોકરીઓ દર્દ સહન કરી શકતી નથી.” આનાથી તેમની સાથે ઊભેલી તેમના પડોશ અને સંબંધી અન્ય સ્ત્રીઓ પણ હસવા લાગે છે.
આ વિસ્તારમાંથી બે કે ત્રણ અન્ય સ્ત્રીઓએ પણ ટ્યુબલ લિગેશન પ્રક્રિયા કરાવી હતી, પણ સ્ત્રીઓ તેના વિષે ચર્ચા કરવામાં ખૂબ શરમાતી હતી. અહીં આધુનિક ગર્ભનિરોધકની અન્ય કોઈ પદ્ધતિનો સામાન્ય રીતે ઉપયોગ થતો નથી. પણ ગોપલી કહે છે, 'પરંતુ કદાચ યુવાન સ્ત્રીઓ વધારે હોંશિયાર છે'
સૌથી નજીકનું પીએચસી ૧૦ કિલોમીટર નંદેશમા ગામમાં છે. કરડા ગામની યુવાન સ્ત્રીઓ જ્યારે ગર્ભાવસ્થાની પુષ્ટિ કરે છે ત્યારે પીએચસીમાં નોંધણી કરવામાં આવે છે. તેઓ ત્યાં ચેક-અપ માટે જાય છે, અને ગામની મુલાકાત લેતા આરોગ્ય કર્મચારીઓ જે કેલ્શિયમ અને આયર્ન સપ્લીમેન્ટ્સનું વિતરણ કરે છે તે લે છે.
ગામમાં રહેતાં રાજપૂત જાતિના બમરીબાઈ કાલુસિંહ કહે છે, ‘કરડાની મહિલાઓ ટોળામાં જાય છે, ક્યારેક ગોગુંડા સીએચસી સુધી.’ તેઓ કહે છે કે પોતાના સ્વાસ્થ્ય વિષે સ્વતંત્ર નિર્ણય લેવાની જરૂરિયાતે ગામેતી મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે, જેઓ અગાઉ કોઈ પુરુષની ગેરહાજરીમાં ભાગ્યે જ ગામની બહાર જતી હતી.
આજીવિકા બ્યુરોના ઉદયપુર એકમના સમુદાય આયોજક કલ્પના જોષી, જે ગામેતી પુરુષો સહિત સ્થળાંતર કામદારો માટે કામ કરે છે, કહે છે કે જે ગામોમાંથી મોટા પાયે સ્થળાંતર થાય છે ત્યાં ઘેર રહેલી મહિલાઓમાં નિર્ણય લેવાની સત્તા ધીમે ધીમે આવી રહી છે. તેઓ ઉમેરે છે, “તેઓ હવે જાણે છે કે એમ્બ્યુલન્સ કેવી રીતે બોલાવવી. ઘણા લોકો પોતાની જાતે હોસ્પિટલોમાં જાય છે, અને તેઓ આરોગ્ય કર્મચારીઓ અને એનજીઓના પ્રતિનિધિઓ સાથે ખુલીને વાત કરે છે. લગભગ એક દાયકા પહેલા જોઈએ તો પણ પરિસ્થિતિ ખૂબ જ અલગ હતી.” અગાઉ, પુરુષો સુરતથી પાછા ન આવે ત્યાં સુધી તમામ તબીબી જરૂરિયાતો મુલતવી રાખવામાં આવતી હતી.
આ વિસ્તારમાંથી બે કે ત્રણ અન્ય સ્ત્રીઓએ પણ ટ્યુબલ લિગેશન પ્રક્રિયા કરાવી હતી, પણ સ્ત્રીઓ તેના વિષે ચર્ચા કરવામાં ખૂબ શરમાતી હતી. અહીં આધુનિક ગર્ભનિરોધકની અન્ય કોઈ પદ્ધતિનો સામાન્ય રીતે ઉપયોગ થતો નથી. પણ ગોપલી કહે છે, “પરંતુ કદાચ યુવાન સ્ત્રીઓ વધારે હોંશિયાર છે.” તેમની પુત્રવધૂએ લગ્નના એક વર્ષ પછી ગર્ભ ધારણ કર્યો હતો.
*****
કરડાથી ૧૫ કિલોમીટરથી ઓછા અંતરે આવેલા એક ગામમાં, પાર્વતી મેઘવાલ (નામ બદલ્યું છે) કહે છે કે પરપ્રાંતિય કામદારની પત્ની હોવાના કારણે તેમનું જીવન હંમેશા તણાવથી ભરેલું રહેતું. તેમના પતિ ગુજરાતના મહેસાણામાં જીરાના પેકેજિંગ યુનિટમાં કામ કરતા હતા. થોડા સમય માટે, તેમણે મહેસાણામાં ચાની દુકાન ચલાવીને તેમના પતિની સાથે રહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના ત્રણ બાળકોના શિક્ષણ માટે તેમણે ઉદયપુર પરત ફરવું પડ્યું.
૨૦૧૮માં, જ્યારે તેમના પતિ કામ અર્થે બહાર હતા, ત્યારે તેમણે માર્ગ અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. તેઓ નીચે પડ્યાં એટલે તેમના કપાળમાં એક ખીલી વાગી હતી. તેમની ઇજાઓમાં રૂઝ આવી એટલે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ત્યાર પછી લગભગ બે થી વધારે વર્ષો સુધી તેઓ એક અજાણી માનસિક બીમારીથી પીડાવા લાગ્યાં.
તેઓ કહે છે, “હું હંમેશા મારા પતિ વિષે, બાળકો વિષે, પૈસા વિષે ચિંતિત રહેતી હતી અને પછી અકસ્માત થયો.” તેમને માનસિક હુમલા થવા લાગ્યા અને લાંબા સમય સુધી ઉદાસીનતાનો સામનો કરવો પડ્યો. “બધા લોકો મારી ચીસો અને મારા વ્યવહારથી ભયભીત હતા; આખા ગામમાં કોઈ મારો સંપર્ક કરતું નહીં. મેં મારા તબીબી રિપોર્ટ્સ, ચલણી નોટો, મારાં કપડાં બધું ફાડી નાખ્યું...” તેમણે શું શું કર્યું હતું તેની હવે તેમને જાણ છે અને પોતાની માનસિક બીમારી વિષે તેઓ શરમ પણ અનુભવે છે.
તેઓ કહે છે, “પછી લોકડાઉન થયું, અને ફરી પાછું બધું બગાડવા લાગ્યું. એ વખતે હું બીજી વાર માનસિક બીમારીમાં સપડાવવાની અણી પર હતી.” તેમના પતિને ઘેર આવવા માટે મહેસાણાથી ૨૭૫ કિલોમીટરથી પણ વધારે ચાલીને આવવું પડ્યું હતું. આ ચિંતાથી ફરીથી માનસિક સ્થિતિ લથડવાની અણી પર હતી. તેમનો સૌથી નાનો દીકરો પણ દૂર ઉદયપુરમાં હતો, જ્યાં તે એક રેસ્ટોરન્ટમાં રોટલી બનાવવાનું કામ કરતો હતો.
મેઘવાલ એક દલિત સમુદાય છે, અને પાર્વતી કહે છે કે અનુસૂચિત જાતિના સ્થળાંતર કામદારો દ્વારા ઘેર તરછોડેલી મહિલાઓએ ગામમાં આજીવિકા કમાવવા માટે અસાધારણ સંઘર્ષનો સામનો કરવો પડે છે. “વર્તમાનમાં માનસિક બીમારી કે અગાઉ માનસિક બીમારીથી પીડિત દલિત મહિલાઓ માટે, તમે કલ્પના કરી શકો છો કે કેવી પરિસ્થિતિ હશે?”
પાર્વતીએ આંગણવાડી કાર્યકર અને સરકારી ઓફિસમાં હેલ્પર તરીકે કામ કર્યું હતું. અકસ્માત અને તેમના ખરાબ માનસિક સ્વાસ્થ્ય પછી, નોકરી કરવી મુશ્કેલ સાબિત થઈ.
વર્ષ ૨૦૨૦માં દિવાળીની આસપાસ જ્યારે લોકડાઉન હટાવવામાં આવ્યું, એટલે તેમણે તેમના પતિને કહ્યું કે તેઓ હવે તેમને કામ માટે સ્થળાંતર કરવાની મંજૂરી ક્યારેય નહીં આપે. પરિવાર પાસેથી અને એક સહકારી બેંક પાસેથી લોન લઈને, પાર્વતીએ તેમના ગામમાં કરિયાણાની એક નાની દુકાન શરૂ કરી. તેમના પતિ ગામમાં અને આસપાસના વિસ્તારમાં આજીવિકા રળવા માટે કામ શોધવાનો પ્રયાસ કરે છે. તેઓ કહે છે, “ પ્રવાસી મજદૂર કી બીવી નહીં રહેના હૈ [હું સ્થળાંતરિત મજૂરની ઘેર છોડાયેલી પત્ની બનીને રહેવા નથી માંગતી]. તે ખૂબ જ આઘાતજનક છે.”
કરડામાં સ્ત્રીઓ સહમત થાય છે કે પુરુષોની ગેરહાજરીમાં પોતાની મેળે આજીવિકા મેળવવી લગભગ અશક્ય સાબિત થઈ છે. ગામેતી મહિલાઓને કામ ફક્ત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (એમજીએનઆરઈજીએ) હેઠળ જ મળે છે, અને કરડાની બહારના વિસ્તારમાં સ્થાયી થયેલી બધી સ્ત્રીઓએ ચોમાસું શરૂ થાય એ પહેલાં જ ૨૦૨૧ માટે ફાળવેલું ૧૦૦ દિવસનું કામ પૂરું કરી લીધું હતું.
ગોપલી કહે છે, “અમને દર વર્ષે ૨૦૦ દિવસ કામની જરૂર છે.” અત્યારે સ્ત્રીઓ શાકભાજી ઉગાડવાનો પ્રયાસ કરી રહી છે, જેને તેઓ નજીકના બજારમાં વેચી શકે. તેઓ કહે છે કે આ નિર્ણય પણ તેમણે પુરૂષોને પૂછ્યા વગર જ લીધો હતો. “ગમે તેમ, પણ અમને ખાવા માટે પૌષ્ટિક આહાર તો જોઈએ, ખરું ને?”
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી namita@ruralindiaonline.org ને cc સાથે zahra@ruralindiaonline.org પર લખો.
અનુવાદક: ફૈઝ મોહંમદ