કનકા પોતાનો હાથ ચીંધીને કહે છે, “મારા પતિ શનિવારે દારૂની આટલી મોટી ત્રણ બોટલો ખરીદે છે. તે એને બે-ત્રણ દિવસો સુધી પીવે છે અને જ્યારે બોટલો પૂરી થઇ જાય, પછી જ કામે જાય છે. ખાવા માટે ક્યારેય પૂરતા પૈસા નથી રહેતાં. હું ભાગ્યેજ મારી જાતને અને મારા બાળકોને ખવડાવી શકું છું, અને મારા પતિને હજુ બીજું બાળક જોઈએ છે. મારે આવું જીવન નથી જોઈતું!” તે નિરાશાપૂર્વક ઉમેરે છે.
૨૪ વર્ષીય કનકા (નામ બદલેલ) બેટ્ટા કુરુમ્બા આદિવાસી સમુદાયની એક માતા છે, જેઓ ગુડલુરની આદિવાસી હોસ્પિટલમાં ડોક્ટરની વાટ જોઈ રહી છે. ઉધાગામંડલમ (ઉટી)થી ૫૦ કિલોમીટર દૂર ગુડલુર શહેરમાં આવેલી આ ૫૦ બેડ વાળી હોસ્પિટલ, તમિલનાડુના નીલગીરી જિલ્લામાં ગુડલુર અને પંથાલુર તાલુકાના ૧૨,૦૦૦થી વધારે આદિવાસીઓને સેવાઓ પૂરી પાડે છે.
પાતળાં બાંધાના અને ઊડી ગયેલા રંગની સિન્થેટિક સાડી પહેરેલી કનકા અહિં એમની એકની એક દીકરી માટે આવ્યા છે. અગાઉના મહીને હોસ્પિટલથી ૧૩ કિલોમીટર દૂર, એમના કંપામાં કરવામાં આવેલી નિયમિત તપાસ દરમિયાન, નીલગીરીમાં આરોગ્ય કલ્યાણ સંઘ (અશ્વિની)ના એક સ્વાસ્થ્ય કાર્યકર, કનકાની બે વર્ષની બાળકીને જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા. કારણ કે, તેનું વજન ફક્ત ૭.૨ કિલો જ હતું (૨ વર્ષના બાળકનો આદર્શ વજન ૧૦-૧૨ કિલો હોય છે). આટલું વજન હોવાને લીધે તે ગંભીર રીતે કુપોષણનો શિકાર થયેલાની શ્રેણીમાં આવી જાય છે. આરોગ્ય કર્મચારીએ કનકા અને તેની પુત્રીને તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત લેવા વિનંતી કરી હતી.
કનકાને પોતાના પરિવારનો ગુજારો કરવા માટે જેટલી મહેનત કરવી પડે છે એ જોતા, બાળકીનું કુપોષણ કંઈ નવાઈની વાત નથી. તેમના પતિની ઉંમર આશરે ૨૦ એક વર્ષ છે, અને તેઓ નજીકના ચા, કોફી, કેળા અને મરચાંના બગીચાઓમાં અઠવાડિયામાં થોડા દિવસ મજુરી કરીને રોજના ૩૦૦ રૂપિયા કમાય છે. કનકા કહે છે, “તે ખાવા પીવા માટે મને મહીને ફક્ત ૫૦૦ રૂપિયા જ આપે છે. આટલા રૂપિયામાંથી જ મારે આખા પરિવારનો ખાવાનો બંદોબસ્ત કરવો પડે છે.”
કનકા અને એમના પતિ, એમના કાકા અને કાકી સાથે રહે છે, જે બંને ૫૦ વર્ષ આસપાસના દૈનિક મજૂર છે. બંને પરિવારના મળીને કુલ બે રેશન કાર્ડ છે, જેથી તેમને દર મહીને મફત ૭૦ કિલો ચાવલ, બે કિલો દાળ, બે કિલો ખાંડ, અને બે લીટર તેલ રાહત દરે મળે છે. કનકા કહે છે, “ક્યારેક-ક્યારેક મારા પતિ દારૂ લેવા માટે રેશનના ચાવલ પણ વેચી દે છે. અમુકવાર અમારી પાસે ખાવા માટે કંઈ નથી હોતું.”
રાજ્યના પોષણ કાર્યક્રમો પણ કનકા અને એમની દીકરીના અલ્પ આહારની પૂર્તિ માટે પૂરતા નથી. ગુડલુરમાં તેમના ગામ પાસેની બાલવાડીમાં સંકલિત બાળ વિકાસ યોજના (આઈસીડીએસ) હેઠળ, કનકા તથા અન્ય સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને અઠવાડિયામાં એક ઈંડું અને દર મહીને સૂકા સાથુમાવુના બે કિલોના પેકેટ (ઘઉં, લીલા ચણા, મગફળી, ચણા અને સોયાનું મિશ્રણ) મળે છે. ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ દર મહીને આ જ સાથુમાવુનું પેકેટ મળે છે. ત્રણ વર્ષથી મોટા બાળકોથી આશા રાખવામાં આવે છે કે તેઓ ખાવા, બપોરના ભોજન, અને ગોળ અને મગફળીના સાંજના નાસ્તા માટે તેઓ આઇસીડીએસ કેન્દ્રમાં જાય. ગંભીર રીતે કુપોષિત બાળકોને દરરોજ વધારાની મગફળી અને ગોળ આપવામાં આવે છે.
જુલાઈ ૨૦૧૯થી, સરકારે નવી માતાઓ માટે અમ્મા ઉત્ચાથુ પેત્તાગામ પોષણ કીટ આપવાનું પણ શરૂ કર્યું છે, જેમાં આયુર્વેદિક પૂરકો, ૨૫૦ ગ્રામ ઘી અને ૨૦૦ ગ્રામ પ્રોટીન પાવડર હોય છે. પરંતુ અશ્વિનીના સામુદાયિક આરોગ્ય પ્રોગ્રામ કોઓર્ડિનેટર ૩૨ વર્ષીય જીજી એલામાના કહે છે, “પેકેટ ફક્ત તેમના ઘરના અભરાઈ પર જ પડી રહે છે. વાસ્તવિકતા એ છે કે આદિવાસી લોકો તેમના આહારમાં દૂધ અને ઘીનો ઉપયોગ કરતા જ નથી, તેથી તેઓ ઘી અડકતા પણ નથી. અને તેઓ પ્રોટીન પાવડર અને લીલા આયુર્વેદિક પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી, તેથી તેઓ તેને બાજુ પર મૂકી દે છે.
એક સમય હતો કે જ્યારે નીલગીરીમાં આદિવાસી સમુદાયોને ખોરાક સરળતાથી મળી જતો હતો. ચાર દાયકાઓથી ગુડલુરના આદિવાસી સમુદાયો સાથે કામ કરી રહેલા મારી માર્સેલ ઠેકેકરા કહે છે, "આદિવાસીઓ કંદ, બેરી, પાંદડાવાળા શાકભાજી અને મશરૂમ્સ વિશે ખૂબજ જાણકારી ધરાવે છે. તેઓ સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક માટે માછલીઓ અને નાના પ્રાણીઓનો શિકાર પણ કરતા. મોટાભાગના ઘરોમાં વરસાદના દિવસોમાં રસોઈની આગ ઉપર થોડું માંસ શેકવામાં આવતું હતું. પરંતુ પછી વન વિભાગે જંગલોમાં તેમના પ્રવેશને મર્યાદિત કરવાનું શરૂ કર્યું અને અંતે તેને સંપૂર્ણપણે બંધ કરી દીધું.”
૨૦૦૬ના વન અધિકાર અધિનિયમ હેઠળ સામાન્ય મિલકતના સંસાધનો પર સમુદાયના અધિકારોની સર્વોપરિતા સ્થપાયા છતાં, આદિવાસીઓ પહેલાંની જેમ જંગલમાંથી પોતાના ખોરાક માટે જરૂરી સંસાધનો એકઠા કરી શકતા નથી.
અહીંના ગામમાં ઘટતી આવક પણ વધતા કુપોષણ પાછળનું એક કારણ છે. આદિવાસી મુનેત્ર સંગમના સચિવ કે.ટી. સુબ્રમણ્યમ કહે છે કે છેલ્લા ૧૫ વર્ષોથી આદિવાસીઓ માટે વેતન મજૂરીના વિકલ્પોમાં સતત ઘટાડો થયો છે, કારણ કે અહીંના જંગલોનું સંરક્ષિત મુદુમલાઇ વન્યજીવન અભયારણ્યમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે. આ અભયારણ્યની અંદર નાના વાવેતરો અને વસાહતો - જ્યાં મોટાભાગના આદિવાસીઓને કામ મળતું હતું - તેમને કાં તો વેચી દેવામાં આવ્યા હતા કાં તો તેમને સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, જેના લીધે તેઓ મોટા ચાના વસાહતો અથવા ખેતરોમાં તૂટક તૂટક કામ કરવા મજબૂર થયા છે.
જ્યાં કનકા વાટ જોઈ રહી છે એજ ગુડલુર આદિવાસી હોસ્પિટલમાં, ૨૬ વર્ષીય સુમા (નામ બદલેલ) આરામ કરી રહ્યા છે. તે પાડોશી પંથાલુંર તાલુકાના પનીયાન આદિવાસી છે, અને તેમણે તાજેતરમાં તેમના ત્રીજા બાળકને જન્મ આપ્યો છે. જે તેમની પહેલાની ૨ અને ૧૧ વર્ષની બે દીકરીઓની જેમ જ એક દીકરી છે. સુમાએ બાળકીને આ હોસ્પિટલમાં જન્મ નહોતો આપ્યો, પરંતુ ડિલીવરી પછીની સંભાળ અને ટ્યુબલ લિગેશન પ્રક્રિયા (નસબંધી) કરાવવા માટે હોસ્પિટલમાં આવ્યા છે.
એમની વસાહતથી અહિં આવવા માટે જીપમાં એક કલાક થાય છે. ત્યાંથી અહિં આવવાના ખર્ચ તરફ ઈશારો કરતા તેઓ કહે છે: “ડિલીવરીની તારીખ ઉપર બે ત્રણ દિવસ થઇ ચુક્યા હતા, પણ અમારી પાસે ડિલીવરી માટે અહિં આવવા માટે પૈસા નહોતા. ગીથા ચેચી [અશ્વિનીના આરોગ્ય કર્મચારી] એ અમને મુસાફરી અને ભોજન માટે ૫૦૦ રૂપિયા આપ્યા હતા, પરંતુ મારા પતિએ એ પૈસા દારૂ પર ખર્ચ કરી દીધા. તેથી મારે ઘરે જ રહેવું પડ્યું. ત્રણ દિવસ પછી, મારી પીડા તીવ્ર બની અને અમારે ત્યાંથી નીકળવું જરૂરી બની ગયું, પરંતુ હોસ્પિટલમાં પહોંચવું શક્ય ન હોવાથી, મેં મારા ઘરની નજીક આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ ડિલીવરી કરાવી દીધી.” બીજા દિવસે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સે ૧૦૮ (એમ્બ્યુલન્સ સેવા)માં ફોન કર્યો અને પછી સુમા અને તેમનો પરિવાર આખરે જીએએચ જઈ શક્યા.
ચાર વર્ષ પહેલા, સુમાની IUGRના લીધે સાતમા મહિનામાં કસુવાવડ થઇ હતી, આવી સ્થિતિમાં ગર્ભમાં રહેલું બાળક તેની સગર્ભાવસ્થાની ઉંમર કરતા નાનું અથવા ઓછું વિકસિત હોય છે. આ સ્થિતિ ઘણીવાર માતાની નબળી પોષણ સ્થિતિ, લોહીની ઉણપ અને ફોલેટની ઉણપનું પરિણામ હોય છે. સુમાની આગલી ગર્ભાવસ્થા પણ IUGRથી પ્રભાવિત થઈ હતી, અને તેમના બીજા બાળક, એક પુત્રીનો જન્મ સમયે વજન પણ ખૂબ જ ઓછો હતો (૧.૩ કિલો, જ્યારે આદર્શ વજન ૨ કિલોથી વધુ હોય છે). બાળકની ઉંમરથી વજનનો ગ્રાફ સૌથી નીચેની પર્સન્ટાઇલ રેખાથી પણ નીચે છે, જેને ચાર્ટમાં 'ગંભીર કુપોષિત' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
જીએએચમાં ફેમિલી મેડિસિન નિષ્ણાત ૪૩ વર્ષીય ડૉ. મૃદુલા રાવ જણાવે છે, “જો માતા કુપોષિત હોય, તો બાળક કુપોષિત થવાનું જ છે. સુમાના બાળકને તેની માતાના નબળા આહારની અસર સહન કરવી પડે તેમ છે; તેની શારીરિક, બૌદ્ધિક અને મગજની વૃદ્ધિ તેની ઉંમરના અન્ય બાળકો કરતા ધીમી રહેશે.”
સુમાનો પોતાનો દર્દી રેકોર્ડ દર્શાવે છે કે તેમનું ત્રીજી ગર્ભાવસ્થા દરમિયાન માત્ર પાંચ કિલો વજન વધ્યું હતું. આ વજન, સામાન્ય વજનવાળી સગર્ભા સ્ત્રીઓના નિર્ધારિત વજનના વધારા કરતા અડધાથી પણ ઓછું છે, અને સુમા જેવી ઓછો વજન ધરાવતી સ્ત્રીઓ માટે તો અડધાથી ઘણો ઓછું છે. નવ મહિનાના ગર્ભ વખતે પણ તેમનો વજન ૩૮ કિલો જ હતું.
૨૦૦૬ના વન અધિકાર અધિનિયમ હેઠળ સામાન્ય મિલકતના સંસાધનો પર સમુદાયના અધિકારોની સર્વોપરિતા સ્થપાયા છતાં, આદિવાસીઓ પહેલાંની જેમ જંગલમાંથી પોતાના ખોરાક માટે જરૂરી સંસાધનો એકઠા કરી શકતા નથી
જીએએચના ૪૦ વર્ષીય હેલ્થ એનીમેટર (આઉટરીચ વર્કર) ગીતા કન્નન યાદ કરીને કહે છે, “હું સગર્ભા માતા અને બાળકોની તપાસ માટે અઠવાડિયામાં ઘણીવાર જાઉં છું. હું જોઉં છું કે બાળક ફક્ત અન્ડરવેર પહેરીને તેની દાદીના ખોળામાં સુસ્ત બેસી રહ્યું છે. ઘરમાં ખાવાનું નહોતું બનતું, અને પાડોશીઓ બાળકને ખાવાનું આપતા હતા. સુમા સુતેલી રહેતી હતી, અને કમજોર દેખાતી હતી. હું સુમાને અમારું અશ્વિની સાથુમાવૂ (રાગી અને કઠોરનો પાવડર) આપતી હતી અને તેને કહેતી હતી કે પોતાના માટે અને જે બાળકને તેઓ સ્તનપાન કરાવે છે તેની તંદુરસ્તી માટે વ્યવસ્થિત ખાવાનું ખાય. પરંતુ, સુમા કહેતી હતી કે તેમના પતિ મજુરી કરીને જે કંઈ કમાય છે એનો મોટો ભાગ દારૂ પીવામાં ખર્ચી દે છે.” ગીતા થોડું રોકાઇને ઉમેરે છે, “સુમાએ પણ પીવાનું શરૂ કરી દીધું હતું.”
આમ ગુડલુરના ઘણા પરિવારો પાસે કહેવા માટે આવી ઘણી ઘટનાઓ છે, તો આમ આ વિસ્તારમાં આરોગ્ય સૂચકાંકોમાં સતત સુધારો થયો હોવાનું જણાય છે. હોસ્પિટલના રેકોર્ડ બતાવે છે કે ૧૯૯૯માં ૧૦.૭ (૧૦૦,૦૦૦ જીવંત જન્મ દીઠ)નો માતૃત્વ મૃત્યુદર (એમએમઆર) ૨૦૧૮-૧૯ સુધીમાં ઘટીને ૩.૨ થઇ ગયો હતો, અને શિશુ મૃત્યુ દર (આઈએમઆર) ૪૮ (૧,૦૦૦ જીવંત જન્મ દીઠ)થી ઘટીને ૨૦ થઇ ગયો હતો. હકીકતમાં, રાજ્ય આયોજન પંચના જિલ્લા માનવ વિકાસ અહેવાલ ૨૦૧૭ ( ડીએચડીઆર ૨૦૧૭ ) મુજબ નીલગીરી જિલ્લાનો આઈએમઆર ૧૦.૭ છે, જે રાજ્યની સરેરાશ ૨૧ કરતા ઓછો છે, જેમાં ગુડલુર તાલુકામાં તો એથી પણ ઓછો ૪.૦ નોંધાયો છે.
છેલ્લા ૩૦ વર્ષોથી ગુડલુરની આદિવાસી મહિલાઓ સાથે કામ કરી રહેલાં ડોક્ટર પી. શેલ્જા દેવી સમજાવે છે કે આવા સૂચકાંકો આખું ચિત્ર રજુ નથી કરતા. તેઓ કહે છે, “એમએમઆર અને આઇએમઆર જેવા મૃત્યુદર સૂચકાંકો ચોક્કસપણે સુધર્યા છે, પરંતુ બીમારીનો દર પણ વધ્યો છે. આપણે મૃત્યુદર અને બિમારીના દર વચ્ચે તફાવત કરવો જરૂરી છે. એક કુપોષિત માતા કુપોષિત બાળક જ પેદા કરશે જેને બિમાર થવાની સંભાવના વધારે હશે. આવી રીતે મોટું થઇ રહેલું બાળક ડાયેરિયા જેવી બિમારીથી પણ મોતને ભેટી શકે છે, અને તેનો બૌદ્ધિક વિકાસ પણ ધીમો હશે. આદિવાસીઓની આવનારી પેઢી આવી હશે.”
આ ઉપરાંત, સામાન્ય મૃત્યુદર સૂચકાંકોમાં આવેલા સુધારા પણ આ વિસ્તારમાં આદિવાસી સમુદાયોમાં દારૂના વ્યસનના વ્યાપના લીધે ઓછા આંકવામાં આવી રહ્યા છે, અને આદિવાસી વસ્તીમાં કુપોષણના ઊંચા ધોરણ ઉપર પણ પડદો નાખી શકે છે. (જીએએચ દારુની લત અને કુપોષણ વચ્ચેના સહસંબંધ પર એક સંશોધન મૂકવાની પ્રક્રિયામાં છે; તે હજુ જાહેર રીતે પ્રકાશિત કરાયું નથી.) ડીએચડીઆરના ૨૦૧૭ના અહેવાલમાં જણાવ્યા મુજબ, "મૃત્યુદર નિયંત્રિત કરાયા પછી પણ, પોષણની સ્થિતિ કદાચ ન પણ સુધરે.
પ્રસુતિ અને સ્ત્રી રોગ વિશેષજ્ઞ, ૬૦ વર્ષીય ડોક્ટર શેલ્જા કહે છે, “જ્યારે અમે ડાયેરિયા અને મરડા જેવા મૃત્યુના અન્ય કારણોને નિયંત્રિત કરી રહ્યા હતા, અને બધી ડિલીવરી હોસ્પિટલોમાં જ થાય એવા પ્રયાસો કરી રહ્યા હતા, ત્યારે આ સમુદાયની દારુની લત આ પ્રયાસો નિષ્ફળ બનાવી રહી હતી. અમે યુવાન માતાઓ અને તેમના બાળકોમાં સબ-સહારા સ્તરનું કુપોષણ અને પોષણની જર્જરિત સ્થિતિ જોઈ રહ્યા છીએ.” ડોક્ટર શેલ્જા જાન્યુઆરી ૨૦૨૦માં જીએએચ હોસ્પિટલમાંથી સત્તાવાર રીતે નિવૃત્ત થઇ ગયા હતા, પરંતુ તેઓ હજુ પણ દરરોજ સવારે દર્દીઓને તપાસે છે અને તેમના સહકર્મીઓ સાથે કેસની ચર્ચા કરે છે. તેઓ નોંધે છે કે, “૫૦ ટકા બાળકો હવે મધ્યમ કે ગંભીર રીતે કુપોષિત છે. દસ વર્ષ પહેલા [૨૦૧૧-૧૨]માં મધ્યમ કુપોષણનો દર ૨૯ ટકા અને ગંભીર કુપોષણનો દર ૬ ટકા હતો. તેથી, આ વધારો ખૂબજ ચિંતાજનક છે.”
કુપોષણની સ્પષ્ટ અસરોનું વર્ણન કરતાં ડૉ. રાઓ ઉમેરે છે, “પહેલાં જ્યારે માતાઓ તપાસ કરાવવા માટે ઓપીડીમાં આવતી હતી ત્યારે તેઓ પોતાના બાળકો સાથે રમતી હતી. હવે તેઓ નિસ્તેજ થઈને બેસી રહે છે, અને તેમના બાળકો પણ સુસ્ત લાગે છે. આ ઉદાસીનતા બાળકો અને તેમના પોતાના આરોગ્ય પ્રતિ દેખભાળની કમી બતાવી રહી છે.”
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૪ ( એનએફએચએસ-૪ , ૨૦૧૫-૧૬) દર્શાવે છે કે નીલગીરીના ગ્રામીણ વિસ્તારોમાં ૬થી ૨૩ મહિનાના ૬૩ ટકા બાળકોને પૂરતો ખોરાક મળતો નથી, જ્યારે ૬ મહિનાથી લઈને ૫ વર્ષની ઉંમરના ૫૦.૪ ટકા બાળકોમાં લોહીની ઉણપ છે (હિમોગ્લોબિન ૧૧ ગ્રામ પ્રતિ ડેસિલીટરથી નીચે છે - આ પ્રમાણ ઓછામાં ઓછું ૧૨ હોવું હિતાવહ છે). લગભગ અડધી (૪૫.૫ ટકા) ગ્રામીણ માતાઓમાં લોહીની ઉણપ છે, જે તેમની ગર્ભાવસ્થા પર હાનીકારક અસર કરે છે.
ડોક્ટર શેલ્જા કહે છે, “અમારી પાસે હજુપણ એવી આદિવાસી સ્ત્રીઓ આવે છે, જેમનામાં લોહી નહિવત્ માત્રામાં હોય છે - હિમોગ્લોબીન ડેસિલીટર દીઠ ૨ ગ્રામ! જ્યારે લોહીની ઉણપની તપાસ કરવામાં આવે ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડ નાખીને તેના પર લોહી રેડવામાં આવે છે, તે ઓછામાં ઓછું ૨ ગ્રામ પ્રતિ ડેસિલીટર જ માપી શકે છે. તે આનાથી ઓછું પણ હોઈ શકે છે, પણ અમે તે માપી શકતા નથી.”
લોહીની ઉણપ અને માતાઓના મોત વચ્ચે ગાઢ સંબંધ છે. જીએએચના પ્રસુતિ અને સ્ત્રી રોગ વિશેષજ્ઞ, ૩૧ વર્ષીય ડોક્ટર નમ્રતા મેરી જોર્જ કહે છે, “લોહીની ઉણપના લીધે પ્રસુતિ વખતે રક્તસ્ત્રાવ થઇ શકે છે, હૃદયના ધબકારા બંધ પડી શકે છે, મૃત્યુ પણ થઇ શકે છે. આનાથી ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ પણ અટકી શકે છે, જન્મ સમયે ઓછા વજનને લીધે નવજાત બાળકનું મૃત્યુ પણ થાય છે. બાળકનો વિકાસ થતો નથી અને સખત કુપોષણનો શિકાર થઇ જાય છે.”
નાની ઉંમરમાં લગ્ન અને ગર્ભધારણ, બાળકના સ્વાસ્થ્યને વધારે જોખમમાં નાખે છે. એનએફએચએસ-૪માં નોંધવામાં આવ્યું છે કે, નીલગીરીના ગ્રામીણ વિસ્તારોમાં માત્ર ૨૧ ટકા છોકરીઓના લગ્ન ૧૮ વર્ષની વય પહેલા થાય છે, પણ અહીંના આરોગ્ય કર્મચારીઓનું કહેવું છે કે તેઓ જેમની સાથે કામ કરે છે તેવી મોટાભાગની આદિવાસી છોકરીઓના લગ્ન ૧૫ વર્ષની વયે અથવા તો તેમનો માસિક ધર્મ શરુ થાય એટલે તરત જ કરી દેવામાં આવે છે. ડોક્ટર શેલ્જા કહે છે કે, “આપણે લગ્ન નાની ઉંમરે ન થાય અને નાની ઉંમરે બાળકો પેદા ન થાય એ માટે વધારે મહેનત કરવાની જરૂર છે. જ્યારે છોકરીઓને પુખ્ત વયના થવાની તક મળે તે પહેલાં ૧૫ અથવા ૧૬ વર્ષની ઉંમરે તેઓ ગર્ભવતી થઇ જાય, ત્યારે તેમની નબળી પોષણ સ્થિતિ નવજાત શિશુના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.”
શાયલાને દર્દીઓ અને સહકર્મીઓ બંને ચેચી (મોટી બહેન) કહીને બોલાવે છે. તેઓ આદિવાસી મહિલાઓના પ્રશ્નો વિશે એક વિશ્વકોષ જેટલી માહિતી ધરાવે છે. તેઓ કહે છે, “પરિવારનું સ્વાસ્થ્ય પોષણ સાથે જોડાયેલું છે. અને સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને પૌષ્ટિક આહારના ન મળવાથી બમણું જોખમ હોય છે. મજુરીનું વળતર વધ્યું છે, પણ પૈસા પરિવારો સુધી પહોંચતા નથી. અમે એવા કિસ્સાઓ વિશે જાણીએ છીએ જ્યાં પુરુષો તેમના ૩૫ કિલો રેશનના ચોખા લે છે અને તેને આગલી દુકાનમાં વેચીને દારુ ખરીદે છે. તેમના બાળકોમાં કુપોષણ કઈ રીતે ન વધે?”
અશ્વિનીમાં માનસિક આરોગ્ય સલાહકાર, ૫૩ વર્ષીય વીણા સુનીલ કહે છે, “આ સમુદાય સાથે અમારી કોઈપણ બેઠક, ભલેને કોઈપણ વિષય પર હોય, તે આખરે આ સમસ્યા ઉપર આવીને જ અટકે છે: પરિવારોમાં વધતી જતી દારૂની લત.”
આ વિસ્તારમાં રહેતાં આદિવાસી સમુદાયો મોટે ભાગે કટ્ટુનાયકન અને પનીયાન છે, જેઓ ખાસ કરીને નબળા આદિવાસી જૂથો તરીકે વર્ગીકૃત છે. આદિવાસી સંશોધન કેન્દ્ર, ઉધાગામંડલમ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, તેમાંથી ૯૦ ટકા લોકો ખેતરો અને વસાહતો પર ખેત મજૂર તરીકે કામ કરે છે. અહીંના અન્ય સમુદાયોમાં ઈરુલાર, બેટ્ટા કુરુમ્બા, અને મુલ્લુ કુરુમ્બા છે, જેઓ અનુસુચિત જનજાતિ તરીકે વર્ગીકૃત છે.
મારી ઠેકેકરા કહે છે, “જ્યારે અમે પહેલી વાર ૧૯૮૦ના દાયકામાં અહિં આવ્યા, ત્યારે ૧૯૭૬ના બોન્ડેડ લેબર સિસ્ટમ (એબોલિશન) એક્ટ લાગુ હોવા છતાં, પનીયા સમુદાયના લોકો ડાંગર, બાજરી, કેળ, મરી અને સાબુદાણાના બાગોમાં બંધક મજૂર તરીકે કામ કરતા હતા. તેઓ ઘીચ જંગલની અંદર નાના વાવેતરમાં હતા, અને તેઓ આ વાતથી અજાણ હતા કે તેઓ જે જમીન પર કામ કરી રહ્યા હતા એ જમીન એમની જ છે.”
મારી અને તેમના પતિ સ્ટેન ઠેકેકરાએ સાથે મળીને આદિવાસીઓને પડતી સમસ્યાઓના ઉકેલ માટે ૧૯૮૫માં ACCORD (એક્શન ફોર કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન, રિહેબિલિટેશન એન્ડ ડેવલપમેન્ટ)ની સ્થાપના કરી હતી. સમય જતાં, દાનથી ચાલતા આ એનજીઓએ અમુક સંસ્થાઓનું નેટવર્ક રચ્યું છે - સંગમ (કાઉન્સિલો) સ્થાપવામાં આવી અને એમને આદિવાસી મુન્નેત્ર સંગમની છત્ર છાયામાં લાવવામાં આવ્યા, જેનું સંચાલન અને નિયંત્રણ આદિવાસીઓ દ્વારા કરવામાં આવે છે. સંગમે આદિવાસીઓની જમીન ફરીથી મેળવવામાં, ચાના વાવેતરની સ્થાપના કરવામાં અને આદિવાસી બાળકો માટે શાળા સ્થાપવામાં સફળતા મળી છે. અકોર્ડએ નીલગીરીમાં એસોસિએશન ફોર હેલ્થ વેલ્ફેર (અશ્વિની)ની પણ સ્થાપના કરી, અને ૧૯૯૮માં ગુડલુર આદિવાસી હોસ્પિટલની સ્થાપના કરી. હવે તેમાં છ ડોકટરો, એક લેબોરેટરી, એક્સ-રે રૂમ, મેડીકલ અને બ્લડ બેંક છે.
ડૉ. રૂપા દેવદાસન યાદ કરે છે કે, “‘૮૦ના દાયકામાં અહિંની સરકારી હોસ્પિટલોમાં આદિવાસીઓ સાથે બીજા વર્ગના નાગરિકો જેવો વ્યવહાર કરવામાં આવતો હતો, જેથી તેઓ અહિંથી નાસી છૂટતાં હતા. આરોગ્યની સ્થિતિ ભયંકર હતી: ગર્ભાવસ્થામાં મહિલાઓ નિયમિતપણે મૃત્યુ પામી રહી હતી, અને બાળકો ડાયેરિયામાં સપડાઈ રહ્યા હતા અને મોતનો શિકાર બની રહ્યા હતા. અમને કોઈ બિમાર કે સગર્ભા દર્દીના ઘરમાં પ્રવેશ પણ નહોતો મળતો. ઘણી બધી વાટાઘાટો અને આશ્વાસનો પછી આ લોકોએ અમારા પર વિશ્વાસ કરવાનું શરુ કર્યું.” રૂપા અને એમના પતિ, ડોક્ટર એન. દેવદાસન અશ્વિનીના એ અગ્રણી ડોકટરો માંથી છે કે જેઓ આદિવાસી ક્ષેત્રોમાં ઘરે-ઘરે જતા હતા.
સામુદાયિક ચિકિત્સા અશ્વિનીની કાર્યપદ્ધતિમાં કેન્દ્ર સ્થાને છે, જેમાં ૧૭ હેલ્થ એનિમેટર્સ (આરોગ્ય કાર્યકરો) અને ૩૧૨ આરોગ્ય સ્વયંસેવકો છે જે બધા આદિવાસીઓ છે. જેઓ ગુડલુર અને પંથાલુંર તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં મુસાફરી કરે છે, ઘેર-ઘેર ફરે છે અને આરોગ્ય અને પોષણ અંગે સલાહ આપે છે.
મુલ્લુ કુરુમ્બા સમુદાયના લગભગ ૫૦ વર્ષના ટી.આર. જાનુ, અશ્વિનીમાંથી તાલીમ પામનારા પ્રથમ આરોગ્ય એનિમેટર્સમાંના એક હતા. પંથાલુંર તાલુકાના ચેરાંગોડ પંચાયતના અય્યનકોલી ગામમાં તેમની ઓફિસ આવેલી છે, અને આદિવાસી પરિવારોમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન અને ક્ષય રોગની નિયમિત તપાસ કરે છે, અને પ્રાથમિક સારવાર તેમજ સામાન્ય આરોગ્ય અને પોષણ અંગે સલાહ આપે છે. તેઓ સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓનો પણ હિસાબ રાખે છે. તેઓ કહે છે, “ગામની છોકરીઓ ગર્ભવતી થયાના કેટલાક મહિનાઓ પછી પ્રજનન સ્વાસ્થ્ય વિશે સલાહ લેવા માટે અમારી પાસે આવે છે. ફોલેટની ઉણપ હોય તો એની ગોળીઓ પહેલા ત્રણ મહિનાઓમાં જ લેવી જરૂરી છે, જેથી ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ અટકે નહીં. જો આવું ન થાય તો દવાની કોઈ અસર થશે નહીં.”
જોકે સુમા જેવી યુવતીઓ માટે, IUGR અટકાવી શકાયું નહીં. અમારે મળ્યાના થોડા દિવસો પછી હોસ્પિટલમાં, તેમનું નસબંધીનું ઓપરેશન પૂર્ણ થઈ ગયું હતું, અને તેઓ અને તેમનો પરિવાર ઘરે જવા માટે સામાન બાંધી રહ્યા હતા. નર્સો અને ડોક્ટરોએ તેમને પોષણ અંગે સલાહ આપી. તેમને તેમના ઘરે જવા માટે અને આગામી અઠવાડિયામાં ખાવાનું ખરીદવા માટે પૈસા પણ આપવામાં આવ્યા. તેમના જવાના સમયે, જીજી એલામાના કહે છે, “આ વખતે અમે આશા રાખીએ છીએ કે, પૈસાનો ઉપયોગ સુચન મુજબ થશે.”
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી namita@ruralindiaonline.org ને cc સાથે zahra@ruralindiaonline.org પર લખો
અનુવાદક: ફૈઝ મોહંમદ