સમીરુદ્દીન શેખ રોજ સવારે આઠ વાગે ઘરેથી (ફતેહવાડી, જુહાપુરા) સાયકલ લઈને નીકળે, અને એક કલાકે તેર કિલોમીટર દૂર જૂના અમદાવાદના ખાડિયામાં આવેલા ‘તાજ એન્વેલપ્સ’માં પહોંચી જાય. સાંજે છ વાગે ભારે ટ્રાફિકમાં એક કલાક કરતાં વધારે સમય સાયકલ ચલાવીને સમીરુદ્દીન ઘરે જાય. ‘બાઇક હૈ પર નહીં લે જાતા, ક્યોંકિ પેટ્રોલ નહીં પોસાતા’ ધીમું બોલતા ૩૬ વર્ષના સમીરુદ્દીન પાસે સાયકલ ચલાવવાનું આ કારણ.
જૂના અમદાવાદના ખાડિયામાં આવેલા શૉપિંગ કૉમ્પ્લેક્ષના બૅઝમેન્ટમાં આવેલા ૧૦ x ૨૦ના રૂમમાં ૧0 કારીગરો સાથે સમીરુદ્દીન આખો દિવસ કવર બનાવવાનું કામ કરે. રોજના એ વધુમાં વધુ ૬૦૦૦થી ૭૦૦૦ કવર બનાવે.
સમીરુદ્દીન મુજબ કવર બનાવવાં એટલાં સરળ નથી હોતાં જેટલાં એ દેખાય છે. પછી ઉમેરે છે કે “કવરના કારીગર બનવા માટે એકથી બે વર્ષ લાગે. વળી, ઉસ્તાદ (શીખવનાર કારીગર) અલગ ના કરે (મંજૂરીની મહોર ના મારે) ત્યાં સુધી કવર-કારીગર બની શકાય પણ નહીં.”
ઝડપ, ચોકસાઈ, કુશળતા અને ઓજાર વાપરવાની આવડત આ બધાનો સરવાળો એટલે કવરકારીગરીની ગુણવત્તા. દરેક કારખાનામાં કટિંગ મશીન અને પંચિંગ મશીન હોય. કવર બનાવા માટે પેપર-કટિંગ અને પેપર-પંચિંગ સિવાયનાં બધાં કામ હાથથી થાય.
મશીન લગભગ કારખાનાના માલિકો જ ચલાવતા હોય. કટિંગ મશીનથી કાગળની મોટી સાઇઝની શીટને કવરની સાઇઝ મુજબ ચોરસ-લંબચોરસ કટિંગ કરવામાં આવે. ચોરસ-લંબચોરસ કાગળને પૅડલવાળા પંચિંગ મશીન ડાઇ(Die)ની મદદથી પંચ કરવામાં આવે. પંચ થયેલા કાગળને કવર (envelope) બનાવવા માટે કારીગર કાઉન્ટિંગ કરી સામટા ૧૦૦ કાગળ પર ફૉલ્ડિંગ, પૅસ્ટિંગ, સીલિંગ અને પૅકિંગ કરે છે.


ડાબે: જૂના અમદાવાદમાં આવેલા ‘તાજ એન્વેલપ્સ’માં સાયકલ પર જતા સમીરુદ્દીન શેખ. જમણે: શૉપિંગ કૉમ્લંક્ષના બૅઝમેન્ટમાં આવેલા તાજ એન્વેલપ્સમાં કામ કરતા કવર-કારીગરો
કવર બનાવવાની પ્રક્રિયા ઘણી ઝીણવટભરી. કવરના દરેક ભાગના નામ કારીગરો બોલે: માથું (કવરનું મોઢું), પૅંડી (કવરનું તળિયું), ધાપા (કવરની જમણી ડાબી બાજુનો વાળેલો ભાગ જેના પર લઇ (Paste) લાગે), ખોલા (કવરની ડાબી કે જમણી બાજુનો વાળેલો ભાગ જેના પર લઇ (Paste) ના લાગે). એક પછી એક થતી પ્રક્રિયાનાં પણ ચોક્કસ નામ. દરેક પ્રક્રિયાને ક્રમશ: કરવાની. પ્રક્રિયા માટે જરૂરી ઓજાર પણ સાવચેતીપૂર્વક વાપરવાનાં, નહિતર ઈજા થવાની પૂરેપૂરી શક્યતા રહે.
ફ્લૅપને ફૉલ્ડ કરવા માટે કારીગરે ફ્લૅપ પર ફેંટ મારવી પડે. પછી ફૉલ્ડની ક્રીઝને વધારે ચુસ્ત કરવા માટે કારીગરો પથ્થરનો ઉપયોગ કરે છે. કારીગર જેને પથ્થર કહે છે એ સાદા અર્થમાં પથ્થર નથી, પણ લોખંડનો ભારે ટુકડો છે. ‘સીખતા થા તબ પથ્થર ઉંગલી પે લગ ગયા. ખૂન કી પીચકારી દીવાલ પર પડી તબ ઉસ્તાદને બતાયા કી બેટા, સદાબહાર કામ કરને કા, ટૅકનિક સે કામ કરો, તાકત જ્યાદા મત લગાઓ!’ એકાવન વર્ષના અબ્દુલ મુત્તલીબ અંસારીએ કહ્યું.
પથ્થરનું વજન લગભગ એક કિલોગ્રામનું હોય. ‘સાદા કવરના વળેલા એક ભાગ પર ચારથી પાંચવાર ‘પથ્થર’ મારવો પડે છે’ આટલું જણાવ્યા પછી અબ્દુલ મુત્તલીબ અન્સારી ઉમેરે છે કે, ‘કવરનો કાગળ કેટલા GSM (Grams Per Square Meter)નો છે તેના પર ‘પથ્થર’ મારવાનું પ્રમાણ વધઘટ થયા કરે. ‘પથ્થર’ને કેટલો ઊંચો લઈ જવો, કેટલું જોર લગાવી મારવો એ તો કારીગર અનુભવે જ શીખી શકે.’ ૫૨ વર્ષના અબ્દુલ ગફાર અન્સારીએ અવલોકન જણાવ્યું: ‘એક કવર સોળથી સત્તર વખત હાથમાં આવે માલ ફૉલ્ડિંગ કરતી વખતે. સોળથી સત્તરવાર કવર હાથમાં આવતું (ફરતું) હોવાથી કવરની ધારથી આંગળા કપાવાનો તો કારીગરો માટે જાણે રોજનો નિયમ. કપાયેલા આંગળા પર લઇ (paste) લાગી જાય તો બળતરા થાય.’
૬૪ વર્ષના મુસ્તનસિર ઉજ્જૈની ‘કોકમનું તેલ ગરમ કરીને પીગળે એટલે હાથ પર’ લગાવવાથી જલદી ફરક પડે છે. કેટલાક વૅસેલિન, બૉરોલિન, કોપરેલ પણ લગાવતા હોય છે.’ કાગળના પ્રકારના આધારે કારીગરનું કામ સરળ કે મુશ્કેલ બને. ‘કોઈ દિન જ્યાદા કડક માલ (આર્ટ પેપર, કાર્ડ, ૧૨૦ GSM) આ જાતા હૈ તો હાથોં મેં દરદ હોતા હૈ. ગરમ પાની મેં નમક ડાલકે સાત-આઠ મિનટ રખને સે રાહત હો જાતી હૈ’ સોનલ એન્વેલપ્સના કારીગર મોહંમદ આસિફના ઉપાયને મળતો સમીરુદ્દીન શેખનો ઉપાય, ‘કભી-કભી ઠંડી મેં હાથ દરદ કરતા હૈ, ગરમ પાની મેં સેક કર લેને સે ઠીક હો જાતા હૈ.’


ડાબે: સોનલ એન્વેલપ્સમાં ફૉલ્ડિંગ કરવા માટે કવરના ધાપા પર પથ્થર મારતા મોહમ્મદ આસિફ શેખ. જમણે: ખરોચ પડેલા હાથ પર કોકમનું પાગળેલું તેલ લગાવતા મુસ્તનસિર ઉજ્જૈની
કવર-કારીગરીમાં જમીન પર લાંબા સમય સુધી સતત બેસવું અનિવાર્ય. ‘સાડે નૌ સે કામ કરને કા એક બજે ખાને કો ઊઠને કા તો કમર કે ભાગ મેં થોડા દરદ હોતા હૈ, શામ કો ઊઠતે હૈ તો ભી દરદ હોતા હૈ’ ઉપરાંત, સતત એક જ મુદ્રામાં બેસીને કામ કરવાથી સમીરુદ્દીન શેખના પગની ઘૂંટી પર આંટણ પડી ગયું છે. ‘આંટણ દરેક કારીગરની ઘૂંટી પર હોય’ જણાવીને સમીરુદ્દીન ઉમેરે છે કે ‘પાઁવ પર નહીં બૈઠતા હૂઁ તો કમર મેં તકલીફ હોતી હૈ.’
ઓછી આવકમાં હાર્ડ (Hard) કામ કરતા કવર-કારીગરોના જીવનમાં હાડમારીનો પાર નથી. ‘મુજ પર હી પરિવાર નિર્ભર હૈ. છે હજાર ઘર કા ભાડા, રોજ કે પચાસ રુપેં ચાઈ-મસાલેં કે, રોજ કે સાઠ રુપેં ઑટો યા બસ મેં આનેજાને કે. એક બચ્ચી ચાર સાલ કી હૈ ઇંગલિશ મિડીયમ મેં અભી દાખિલા હુઆ હૈ. દસ હજાર કી ફી ભરની હૈ એક સાલ કી.’ કવર પર ફેંટ મારતાં-મારતાં ૩૩ વર્ષના ઉસ્તાદ કારીગર મોહસીનખાન નાસિરખાન પઠાણના શબ્દોમાં દબાયેલી વેદના કળી શકાય.
બે છોકરી, એક છોકરો, પત્ની અને પિતાજી સહિત કુલ છ સભ્યોનું સમીરુદ્દીનનું કુટુંબ. ‘બચ્ચેં બડે હો ગયે હૈં’ કહી સમીરુદ્દીન ઉમેરે છે, ‘કવર કે કામ સે ઘર ચલ જાતા હૈ પર બચત નહીં હોતી હૈ.’ આવકનાં બીજાં વિકલ્પો વિશે વિચારે છે તેમજ રિક્ષા લેવાથી આવક સારી થશે એમ વિચારી વ્હીકલનું લાઇસન્સ કઢાવવાની ચિંતા પણ કરે છે, અન કારણ પણ આપે છે, ‘ક્યા હૈ કિ (કવર)કામ કા નક્કી નહીં હોતા હૈ, કામ કમ હો તો દો બજે - તીન બજે છૂટ જાયે, ક્યોંકિ હમ લોગ કમિશન પે હૈં પગાર પે નહીં હૈં’.


ડાબે: એક પગ પર સતત બેસવાના કારણે પગની ઘૂંટી પર પડેલું આંટણ બતાવતા તાજ એન્વેલપ્સના સમીરુદ્દીન શેખ. જમણે: ભોંયતળિયે બેસીને કામ કરતા મુસ્તનસિર ઉજ્જૈની અને અન્ય બે કારીગર. કામ કરતી વખતે કારીગરો સતત આ રીતે જ બેસતા હોય છે
કવર-કારીગરોનું યુનિયન ૧૯૮૮માં શરૂ થયું. શરૂઆતમાં યુનિયન ચાલ્યું, પછી બંધ પડ્યું, પછી ડૂબી ગયું. કારીગરોનો ચોક્કસ સમય યાદ નથી પણ થોડાં વર્ષ પહેલાં થોડા કારીગરોએ મળીને યુનિયનને ફરી ઊભું કર્યું. કારખાનાંના માલિકોના ઍસોસીઍશન સાથે મળીને કરાર કર્યો કે કારીગરોને આજે કામ પ્રમાણે દર વરસે ૧૦ ટકા મોંઘવારી, બોનસ, હક્ક રજા એમ કુલ ૩૦ ટકા અલગથી આપવાના રહેશે.
અમદાવાદમાં આ ધંધામાં મોટેભાગે પુરૂષો કામ કરે છે - અહીં પરબીડિયાં બનાવનાર કારીગરોમાં માત્ર એક જ મહિલા કારીગર છે.
કારીગરોને કવર-કામનું મહેનતાણું દર શનિવારે સાંજે ચુકવાય. કારીગરોનું મહેનતાણું ૧૦૦૦ કવર પ્રમાણે ગણાય. શ્રમમૂલ્ય કવરનાં આકાર પ્રમાણે, પ્રકાર પ્રમાણે, સાઇઝ પ્રમાણે, કાગળની જાડાઈ પ્રમાણે બદલાય.૧૦૦૦ કોડક પેપર કવરનું શ્રમમૂલ્ય ૩૫૦ ₨, અને આ જ સાઇઝના ૧૦૦૦ કોડક આર્ટ પેપરનું શ્રમમૂલ્ય ૪૮૯ ₨. એક કારીગર એક દિવસના બે હજારથી લઈને છ હજાર સુધી કવર બનાવી શકે, પણ એનો આધાર કવરના પ્રકારને સીઝન પર રહે.
એક ૧૧”×૪.૭૫”ની સાઈઝના ૧૦૦ GSM (Grams Per Square Meter) વજનવાળા ઑફિસના કવરની છૂટક કિંમત હોય પાંચ રૂપિયા.
૧૦૦ GSM પેપરના ૧૦૦૦ કવરના કવર-કારીગરને ચૂકવાય લગભગ ૧૦૦ રૂપિયા. બીજા શબ્દોમાં કહીએ તો ઑફિસ કવરની બજાર કિંમતનો પચાસમો ભાગ આવે છે કારીગરોના હાથમાં.
એક કારીગરને એકસો રૂપિયા કમાવામાં લગભગ બે કલાક જેટલો સમય લાગે છે.

પંચિંગ મશીન પર લંબચોરસ શીટ પર કટિંગ કરતા પહેલા ડાઈ (Die) ગોઠવતા ‘તાજ એન્વેલપ્સ’ના શેઠ અને કટિંગમેન એસ. કે. શેખ

‘ ઓમ ટ્રેડર્સ ’ માં પંચિંગ મશીન પર ડાઈ( Die )ની સાઇઝ અને આકાર પ્રમાણે પંચિંગ કરતા કટિંગમેન મકબુલ અહમદ જમાલુદ્દીન શેખ

પંચિંગ મશીન પર પંચિંગ માટે જુદાજુદા આકારની ડાઈ (Die)

૧00-૧00ની થોકની ગણતરી કરતા અને ફૉલ્ડ કરતા ઓમ ટ્રેડર્સમાં કવર-કારીગરો

પંચિંગ થયેલી શીટને કવર બનાવવા માટે કારીગરો કામની શરૂઆત ફૉલ્ડિંગથી કરે છે. કવરના દરેક ફ્લૅપ અલગ-અલગ નામથી ઓળખાય – માથું (top flap) , પેંડી (bottom flap) , ધાપા (side flap, જેના પર લઇ લગાવાય ) , ખોલા ( side flap, જેના પર ધાપા ચોંટાડાય ). X-Ray કવર ની પૅંડી ને ફૉલ્ડ કરતા ભીખાભાઈ રાવળ (તાજ એન્વેલપ્સ)

ક્રીસ બનાવવા માટે ઘાપા પર ફેંટ (મુઠ્ઠી) અબ્દુલ મજીદ અબ્દુલ કરીમ શેખ (ડાબે) અને પૅંડી પર ફેંટ (મઠ્ઠી) મારતા યુસુફખાન છોટુખાન પઠાણ ( સમીર એન્વેલપ્સ)

કવરના ખોલા ( Side Flap) પર ફેંટ (મુઠ્ઠી) મારતા મોહંમદ ઇલિયાસ શેખ (ધ્રુવ એન્લેલપ્સ). મોહંમદ એક સાથે ૧૦૦ કવર પર કામ કરે છે, એકની એક પ્રવૃત્તિ એમને સોળ વખત કરવી પડે છે

પૅંડી પર ‘ પથ્થર ’ મારીને માલ તોડતા અબ્દુલ ગફાર ગુલાબભાઈ મંસૂરી (તાજ એન્વેલપ્સ). ‘ પથ્થર ’ આમ તો લગભગ એકથી દોઢ કિલોગ્રામનો લોખંડનો લંબચોરસ(ઘન) ટુકડો છે, પણ કારીગરો માટે તો મહત્ત્વનું ઓજાર.

કારીગરોમાં સિલેસ તરીકે ઓળખાતું લાકડાનું ઓજાર ‘ સીડી ખેંચવા ’ માટે વપરાય જેથી ધાપા અને પૅંડી પર ઝડપથી અને સરળતાથી લઇ (એક પ્રકારનો ગુંદર) લગાવી શકાય

પુટલાથી લઇ (Paste) લગાડતા અબ્દુલ મુત્તલીબ મોહમદ ઇબ્રાહીમ અંસારી (તાજ એન્વેલપ્સ). લઇ ફટકડી, મેંદો અને પાણથી કે કચુકામાંથી બને છે. પુટલાની બનાવટમાં કપડાની કતરણો પર કપડું વીંટાળી સાંધી દેવામાં આવે છે, કપડાના બદલે ‘ રૅ ગ્ઝિન ’ નો ઉપયોગ પણ થાય છે

પુટલાથી ધાપા પર લઇ (Paste) લગાડતા સમીરુદ્દીન શેખ . બીજા કારીગરોની જેમ સમીરુદ્દીન પણ એક સાથે ૧૦૦ કવર પર કામ કરે છે

ખોલા (Side Flap) પર ધાપા (Side Flap) ચોંટાડતા ભીખાભાઈ રાવળ (તાજ એન્વેલપ્સ)

કવરના નીચેના ભાગ પર પૅંડીનું પૅસ્ટિંગ કરતા મોહંમદ ઇલિયાસ શેખ (ધ્રુવ એન્લેલપ્સ)

બોપોરનું ભોજન લેતા ઓમ ટ્રેડર્સના કવર-કારીગરો. કામ દરમિયાન હળવા થવાનો આ સમય

મોટી સાઇઝના લૅમિનેશન કવર સાથે અબ્દુલ મુત્તલીબ મોહમદ ઇબ્રાહીમ અંસારી (તાજ એનવેલપ્સ)

સામાન્ય કારીગરને ૧૦૦ કવર બનાવતા છથી સાત મિનિટ લાગે. છેલ્લાં ચોત્રીસ વર્ષથી શારદાબહેન રાવળ (ડાબે) કવર બનાવે છે. શારદાબહેન કવર-કારીગરી તેમના પતિ મંગળદાસ રાવળ (જમણે) સાથે કામ કરતાં-કરતાં શીખ્યાં

બનતાં પહેલાં એક કવર કારીગરના હાથમાં સોળ વખત ફરતું હોય છે, પરિણામે આંગળા કપાઈ જવાની શક્યતા વધારે રહે છે. કવરની ધાર વાગવાથી કપાયેલો અંગૂઠો બતાવતા કલીમ શેખ

કવરની ધાર વાગેલા આંગળાના ઘા પર લઇ લાગવાથી બળતરા અને દુખાવો થતો હોય છે. ધાર વાગવાથી થયેલી ઇજા બતાવતા કલીમ શેખ ( ધ્રુવ એન્લેલપ્સ)

કવરનું મોંઢું બંધ (ફ્લૅપ બન) કરવા માટે કવરને સાઇઝ પ્રમાણે સરખાં કરતા હનીફખાન બિસ્મિલ્લાહ ખાન પઠાણ (તાજ એન્વેલપ્સ)

કવરનું મોંઢું ( top flap ) બંધ (ફ્લૅપ બન) કરતા કવર-કારીગરોના યુનિયન-પ્રમુખ મોહંમદ હનીફ નુરગની શેખ

પટ્ટી ચોંટાડેલાં કવરને બૉક્સમાં મૂકતા હનીફ પઠાણ

કવરને બૉક્સમાં મૂકતાં શારદાબહેન મંગળદાસ રાવળ. શારદાબહેન અમદાવાદમાં આવેલા પાંત્રીસ કવર-કારખાનાંમાં એકમાત્ર મહિલા-કવર-કારીગર છે

લેતા ધ્રુવ એન્વેલપ્સના માલિક જીતેન્દ્ર રાવળને હિસાબ માટે કામનો રિ પૉર્ટ આપતું રાવળ-દંપતી. દર શનિવારે વળતર અપાયા પહેલાં કેટલાં કવર બનાવ્યાની ગણતરી થાય છે

‘ ઓલ ઇન્ડિયા એન્વેલપ્સ વર્ક્સ યુનિયન ’ અને ‘ ઓલ ઇન્ડિયા એન્વેલપ્સ મેન્યુફેક્ચર ઓનર્સ એસોસીએશન ’ વચ્ચે થયેલી ચર્ચા પછી બહાર પડેલું કારીગરની મજૂરીના ભાવવધારાનું લિસ્ટ (1-1-2022 થી 31-12-2023 સુધી ) . આ લિસ્ટ દર બે વરસે પડતું હોય છે. 2022માં કવર-કારીગરીમાં 6 %નો ભાવવધારો થયો
આ લેખના રિપોર્ટિંગમાં મદદ બદલ લેખક હોઝેફા ઉજ્જૈનીના આભારી છે.