૩૩ વર્ષીય દિનેશ ચંદ્ર સુથાર, એમના પરિવારની ફાઈલો અને રિપોર્ટ વચ્ચે બેસી, આ અકલ્પનીય ઘટના ઘટ્યા પહેલાં તેમની હાલત કેવી હતી એ વિશે યાદ કરીને કહે છે કે, “કોઈ તકલીફ નહોતી. કંઈ અસાધારણ નહોતું. બધું બરાબર હતું. જીંદગી સામાન્ય રીતે પસાર થઇ રહી હતી,”
રાજસ્થાનના બંસી ગામમાં સુથારના ઘરની દીવાલ પર એમની સ્વર્ગસ્થ પત્નીની છબી લાગેલી છે. ભાવના દેવીની દીવાલ પરની છબી દિનેશની ફાઈલમાં છે એવી જ છે. આ છબી ૨૦૧૫માં એમના લગ્નના થોડાક મહિનાઓ પછી લેવામાં આવી હતી, જેને એક સરકારી યોજના માટેની અરજીમાં લગાવી હતી.
પાંચ વર્ષ પછી દિનેશે એ કાગળો અને છબીઓ સાચવીને રાખી મૂકી છે, જે એમના ટૂંકા લગ્નજીવનની નિશાની છે. તેમને બે દીકરા છે - ત્રણ વર્ષનો ચિરાગ અને દેવાંશ. બડી સદરી નગરપાલિકાના ૫૦ ખાટલાવાળા સામુદાયિક સ્વાસ્થ્ય કેંદ્ર (સીએચસી)માં નસબંધી કરાવ્યા પછી આંતરડાંમાં કાણું પડી જવાથી ભાવનાનું મોત નીપજ્યું હતું, એ વખતે દેવાંશ ફક્ત ૨૯ દિવસનો જ હતો અને એનું નામ પણ નહોતું રાખ્યું.
દિનેશ - જેમની પાસે બિએડની ડીગ્રી છે અને બંસીથી ૬ કિલોમીટર દૂર, બડવાલની એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવીને મહીને ૧૫,૦૦૦ રૂપિયા કમાય છે - ઘટનાઓની કડીઓ જોડવાની અને કોઈ ઢીલી કડી કે જેનાથી તેમનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે એ શોધવાની પૂરી કોશિશ કરે છે. અને અંતે પોતાનો જ વાંક જુએ છે.
“હું ઓપરેશન માટે રાજી થઇ ગયો અને મેં ડોકટરો પર ભરોસો કરી લીધો હતો કે જેઓ મને વારંવાર કહેતા હતા કે બધું બરાબર છે, શું એના લીધે આ થયું હશે? મારે વધારે માહિતી માગવી જોઈતી હતી. મારે ઓપરેશન માટે સહમત નહોતું થવું જોઈતું, કે ન તો કોઈના પર ભરોસો કરવો જોઈતો હતો. આ મારી જ ભૂલ છે,” દિનેશ કહે છે. જેઓ ૨૪ જુલાઈ ૨૦૧૯થી પોતાની પત્નીના મૃત્યુ પછી આ રીતના તણાવ ભર્યા વિચારો સાથે લડી રહ્યા છે.
મૃત્યુના લગભગ એક મહિના પહેલા ૨૫ જૂન, ૨૦૧૯ના રોજ ૨૫ વર્ષીય ભાવનાએ એક સ્વસ્થ બાળક દેવાંશને જન્મ આપ્યો હતો. બીજી ગર્ભવસ્થા અને પ્રસુતિ પહેલાની જેમ સામાન્ય હતી. ચિત્તોડગઢ જિલ્લાના બડી સદરી બ્લોકમાં એમના ગામથી લગભગ ૬૦ કિલોમીટર દૂર બડી સદરીના સીએચસીમાં એમની રીપોર્ટ, તપાસ અને પ્રસુતિ સામાન્ય હતી.
પ્રસુતિના લગભગ ૨૦ દિવસો પછી, ભાવના જ્યારે ૩,૮૮૩ લોકોની વસ્તી વાળા ગામ, બંસીમાં એમના માતાના ઘરે હતા, ત્યારે માન્યતા પ્રાપ્ત સામાજિક સ્વાસ્થ્ય કાર્યકર્તા (આશા) એ એમને નિયમિત તપાસ અને લોહીનું પરીક્ષણ કરાવવા માટે સીએચસી આવવાનું કહ્યું. ભાવનાને કોઈ કમજોરી નહોતી, તેમ છતાં તેમણે આશા કાર્યકર્તા સાથે જવાનો નિર્ણય કર્યો. એમના માતા પણ એમની સાથે ગયા. ભાવનાના માતાએ દિનેશને કહ્યું હતું, “આશા કાર્યકર્તા જ્યારે આપણા ઘરે આવી ત્યારે એમણે ઓપરેશનનું નામ પણ નહોતું લીધું.”
તપાસ અને પરીક્ષણ પછી, આશા કાર્યકર્તા અને ત્યાં ફરજ બજાવતા ડોક્રે એમને નસબંધીનું ઓપરેશન કરવાની સલાહ આપી.
ડોક્ટર અને આશા કાર્યકર્તાએ એમના માતાની હાજરીમાં ભાવનાને કહ્યું હતું કે, “એમને બે બાળકો પહેલાંથી જ હતા અને આ દંપતી કુટુંબ નિયોજનની કે પછી ગર્ભ રોકવાની એક પણ પદ્ધતિનો ઉપયોગ કરતા ન હોવાથી, ઓપરેશન કરવું હિતાવહ હતું. ઝંઝટ ખતમ.”
જ્યારે ૧૦માં ધોરણ સુધી ભણેલા ભાવનાએ કહ્યું કે તેઓ નસબંધી પર વિચાર કરશે ને ઘરે જઈને એમના પતિ સાથે આના વિશે ચર્ચા કરશે, તો એમને કહેવામાં આવ્યું કે અત્યારે હાલ જ નસબંધી કરાવવી સારી રહેશે. દિનેશ ડોકટરે કીધેલી વાત યાદ કરતાં કહે છે, “એમના સીએચસીમાં એ દિવસે નસબંધી શિબિર હતી. આથી એમણે અમને એ જ દિવસે નસબંધી કરવા માટે કહ્યું, એવું કહીને કે તેઓ પ્રસુતિના લીધે અત્યારે રીકવર થઇ રહ્યા છે, અને જો તેઓ અત્યારે ઓપરેશન પણ કરાવી લેશે તો એમણે વારે ઘડીએ તકલીફ ઉઠાવવી નહીં પડે.” પત્નીનો ફોન આવ્યો એટલે તેઓ શાળામાંથી સીધા સીએચસી કેન્દ્ર પહોંચ્યા.
દિનેશ કહે છે, “એ અજુગતું લાગી રહ્યું હતું. સાચું કહું તો, અમે નસબંધી વિશે વિચાર્યું નહોતું. અમે કદાચ સમય આવે વિચારતા, પણ આ બધું અમે પહેલીવાર સાંભળી રહ્યા હતા. પછી હું સહમત થઇ ગયો.”
તેમણે કહ્યું, “એના પછી બધું બદલાઈ ગયું.”
ભાવના એ પાંચ સ્ત્રીઓ માંથી છે, જેમણે ૧૬ જુલાઈ, ૨૦૧૯ના રોજ બડી સદરીના સીએચસીમાં કાયમી નસબંધી માટે ઓપરેશન કરાવ્યું હતું. એમબીબીએસ ડોક્ટર દ્વારા મીનીલેપ પ્રક્રિયાનો ઉપયોગ કરીને નસબંધી કરવામાં આવી. બાકીની અન્ય ચાર સ્ત્રીઓને ઓપરેશનના બે કલાક પછી રજા આપી દેવામાં આવી. ભાવના જ્યારે ત્રણ કલાક પછી હોશમાં આવ્યા, ત્યારે એમને પેટમાં સખત દુઃખાવો હતો. ડોકટરે એમને એક ઇન્જેક્શન આપ્યું અને આખી રાત સીએચસીમાં રહેવા માટે કહ્યું, કારણકે એમને રક્તસ્ત્રાવ પણ વધારે હતો. આગલા દિવસે એમના પેટમાં દુઃખાવો ઓછો નહોતો થયો, તેમ છતાં એમને રજા આપી દેવામાં આવી.
દિનેશ યાદ કરીને કહે છે, “એ જ ડોકટરે અમને નિર્દયતાથી કહ્યું હતું કે, ઓપરેશન પછી દુઃખાવો સામાન્ય વાત છે; આમને ઘરે લઇ જાઓ.”
રાત્રે ભાવનાનું પેટ સુજી ગયું, અને અસહ્ય દુઃખાવો થવા લાગ્યો. સવારે, દંપતી ફરીથી સીએચસી પહોંચી ગયું. એક્સ-રે અને સોનોગ્રાફી કરાવ્યા પછી, ભાવનાને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. શું ભૂલ થઇ છે એ વિશે એમને કંઈ ખબર નહોતી. આગલા ત્રણ દિવસો સુધી, એમને એક દિવસમાં આઈવી ફ્લુઇડની છ બોટલો ચડાવવામાં આવી. બે દિવસો સુધી એક કોળીયો પણ ખાવાની રજા આપવામાં નહોતી આવી. પેટનો સોજો ઓછો થયો, પણ ફરી પાછો વધી ગયો.
ઓપરેશનના પાંચ દિવસો બાદ, રાત્રે લગભગ ૧૦ વાગે, જે ડોકટરે નસબંધી કરી હતી, એમણે દિનેશને કહ્યું કે આમને આગળ ઈલાજ કરાવવા માટે ૯૫ કિલોમીટર દૂર ઉદયપુરની સરકારી હોસ્પિટલમાં મોકલવા પડશે. “તેમણે ખાનગી ગાડી મંગાવી, જેનું ભાડું (૧,૫૦૦ રૂપિયા) મેં ચુકવ્યું, અને સીએચસી માંથી એક કમ્પાઉન્ડરને પણ અમારી સાથે મોકલ્યો. પણ તકલીફ શું હતી? મને એ વખતે પણ ખબર નહોતી. ઓપરેશનના લીધે કંઈ થયું છે. બસ આટલી જ ખબર હતી.”
રાત્રે ૨ વાગે જ્યારે તેઓ ઉદયપુરની મહારાણા ભૂપાલ સરકારી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચ્યા, ત્યારે ફરીથી એક્સ-રે કરવામાં આવ્યો અને એમને બીજી બિલ્ડીંગમાં મહિલાઓ અને બાળકોના વોર્ડમાં જવા માટે કહ્યું. ત્યાં, ભાવનાએ ફરીથી ભરતીની પ્રક્રિયા માંથી પસાર થવું પડ્યું.
અને પછી, જ્યારે ફરજ પર હાજર ડોકટરે કહ્યું કે, “અમે બીજી હોસ્પિટલોની ભૂલોનો ઈલાજ નથી કરતા.” ત્યારે દિનેશને પહેલીવાર અહેસાસ થયો કે કોઈ મોટી ગડબડ થઇ છે.
છેલ્લે, ૨૨ જુલાઈના રોજ દાખલ કરીને તેમની સોનોગ્રાફી કર્યા પછી, દિનેશને કહેવામાં આવ્યું કે ભાવનાના એકી સાથે બે ઓપરેશન કરવામાં આવી રહ્યા છે - પહેલું, એમનું મોટું આંતરડું સાફ કરવા માટે એમાં એક ટ્યુબ નાખવામાં આવી રહી છે અને બીજું, એમના નાના આંતરડામાં પડેલા કાણા સરખા કરવામાં આવી રહ્યા છે. એમને કહેવામાં આવ્યું કે આવનારા ૪૮ કલાક જોખમી છે.
ઓપરેશન પછી ડોક્ટરોએ દિનેશને કહ્યું કે બડી સદરીના સીએચસીમાં નસબંધીની પ્રક્રિયા દરમિયાન ડોક્ટરની છરીના લીધે એમના પત્નીના આંતરડામાં કાણું પડી ગયું હતું અને આના લીધે એમના પેટમાં મળ આવી રહ્યું હતું, અને આખા શરીરમાં સંક્રમણ ફેલાઈ રહ્યું હતું.
આગળના ૪૮ કલાકો સુધી, ભાવનાને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા. એમના બાળકો એમના દાદા-દાદી પાસે હતા. એમના પતિ ચા અને પાણી પર ગુજારો કરીને સુધારાના સંકેતોની આશા રાખી રહ્યા હતા. પણ ભાવનાની હાલતમાં જરાય સુધાર નહોતો આવી રહ્યો. ૨૪ જુલાઈ, ૨૦૧૯ના રોજ એમનું મૃત્યુ થઇ ગયું.
ચિત્તોડગઢ સ્થિત એક ગેર-સરકારી સંગઠન પ્રયાસે, માનવાધિકાર કાયદા નેટવર્ક સાથે મળીને આ ઘટના ધ્યાને લીધી અને ડીસેમ્બર ૨૦૧૯માં આની સત્યતા તપાસ હાથ ધરી. એમણે જાણ્યું કે, ભાવનાની નસબંધી દરમિયાન સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા નિર્દેશિત મહિલા અને પુરુષ નસબંધી સેવાઓના ધારાધોરણો (૨૦૦૬)નું સ્પષ્ટ ઉલ્લંઘન થયું હતું.
એમના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, ભાવનાને ફોસલાવીને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં લાવવામાં આવી, અને કોઈપણ આગોતરી સુચના કે સલાહ-મશ્વેરા વગર બળજબરીપૂર્વક એમની નસબંધી કરવામાં આવી. ઓપરેશન પછી પણ, સીએચસીના ડોક્ટરોએ એમના પરિવારજનોને એમની લાપરવાહીથી આંતરડામાં થયેલા નુકસાન વિશે જાણ ન કરી, અને એમાં સુધાર કરવા માટે સર્જીકલ કોઈ ક્રિયા પણ ન કરી. આ સિવાય, સીએચસી કે પછી ઉદયપુરની હોસ્પિટલમાંથી કોઈએ પણ એમને સરકારની કુટુંબ નિયોજન વળતર યોજના, ૨૦૧૩ વિશે જાણ ન કરી, જેના અંતર્ગત કોઈપણ કુટુંબ નસબંધી કરાવ્યા પછી તરત જ મૃત્યુ થાય તેવા મામલામાં ૨ લાખ સુધીનું વળતર માગી શકે છે.
પ્રયાસના નિર્દેશક, છાયા પચૌલી કહે છે કે ભાવનાની ઘટના એ વાતનું ઉદાહરણ છે કે નસબંધી વિશે સરકારના દિશા-નિર્દેશોની અવગણના કરીને નસબંધી ‘શિબિરો’ ચાલે છે, અને ત્યાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને અધિકારોને નેવે મુકવામાં આવે છે.
સરકારના દિશાનિર્દેશો જણાવીને પચૌલી કહે છે, “એક સ્ત્રી અને તેનો સાથી સર્જરી કરવા માટે તૈયાર છે કે નહીં એ અંગે વિચાર કરવા માટે, મનન કરવા માટે, અને પુનર્વિચાર કરવા માટે તેમને પુરતો સમય આપવો જોઈએ. ત્યાં ફક્ત શિબિર ચાલી રહી છે અને ઉપરના અધિકારીઓ તરફથી સ્ત્રીઓની સંખ્યા વધારવા માટે દબાણ હોવાથી કોઈ પણ સ્ત્રીને સર્જરી કરાવવા માટે મજબૂર ન કરી શકાય. સરકાર કદાચ એમ કહી દે કે તેઓ ‘લક્ષ્ય’ના આધારે નથી ચાલતા, તેમ છતાં આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓને નસબંધી માટે રાજી કરવા માટે સ્વાસ્થ્ય કર્મચારીઓ પર દબાણ નાખવામાં આવે છે, અને જિલ્લા [વહીવટીતંત્ર] દ્વારા જે-તે જગ્યાએ થયેલી કુલ નસબંધીના આંકડા ઉપર તોલવામાં આવે છે. અને સૌથી સારું પ્રદર્શન કરનાર જિલ્લાઓને સરકાર દ્વારા એવોર્ડ પણ આપવામાં આવે છે. આ પ્રથા બંધ થવી જોઈએ.”
પચૌલી આગળ ઉમેરે છે કે, “શિબિરનો અભિગમ સારી રૂહે બંધ થવો જોઈએ, ફક્ત સુરક્ષિત સર્જરી માટે જ નહીં, પણ કોઈપણ જાતની જટિલતા દૂર કરવા માટે અને નસબંધી પહેલા અને પછીની સારી દેખભાળ મળી રહે તે માટે. આના બદલે નસબંધીને પ્રાથમિક સ્વાસ્થ્ય સાથે જોડી દેવી જોઈએ. અને સ્વાસ્થ્ય પદાધિકારીઓને પણ સલાહ-મશ્વેરો કરવાની જરૂરિયાત છે, અને તેને આવશ્યક ભાગ તરીકે પ્રોત્સાહન આપવું જોઈએ.”
રાજસ્થાનમાં તેમના કામના સમય દરમિયાન, પ્રયાસે ઘણી સ્ત્રીઓના નસબંધીના નિષ્ફળ ગયેલા બનાવો જોયેલા છે, પરંતુ તેમાંથી કોઈએ પણ વળતર માટે અરજી નથી કરી, કારણ કે એમને ખબર જ નહોતી કે તેઓ એ માટે પાત્ર છે.
“ઘણીવાર, સ્ત્રીઓને અથવા તો તેમના પરિવારને નસબંધીની પ્રક્રિયામાં વાસ્તવમાં શું-શું હોય છે, એ જણાવ્યા વગર જ તેના માટે રાજી કરી દેવામાં આવે છે. દુર્લભ કિસ્સાઓમાં થનારી જટિલતાઓ વિશે ક્યારેય ચર્ચા નથી થતી, અને ન તો સ્ત્રીઓને એ માટે ક્યારેય તૈયાર કરવામાં આવે છે. એમને ક્યારેય એ સલાહ આપવામાં નથી આવતી કે જો નસબંધી નિષ્ફળ થાય કે પછી તેમના સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જટિલતા પેદા થાય તો શું કરવું. એમને ઓપરેશનની નિષ્ફળતા, મૃત્યુ, કે પછી જટિલતાના કિસ્સાઓમાં જે વળતર મળે છે તે વિશે ભાગ્યેજ માહિતગાર કરવામાં આવે છે.”
એમના કિસ્સામાં આ પ્રકારના દરેક ધારાધોરણોનું ઉલ્લંઘન થયું હોવા છતાંય પણ, દિનેશે એમના પરિવારને થયેલા નુકસાનનો ધૈર્ય સાથે સ્વીકાર કર્યો છે. હવે તેઓ શિક્ષક તરીકેની ફરજ બજાવવામાં અને પોતાનું ભાણું જાતે તૈયાર કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ હસીને કહે છે, “એક દિવસે હું ખાલી લંચબોક્સ લઈને જતો રહ્યો હતો.”
સુથાર પરિવાર માટે આ એક મોટું નુકસાન છે, પણ તેઓ જાણે છે કે તેમણે નવેસરથી શરૂઆત કરવાની છે. તેઓ પોતાના ઘરમાં કંઇક બાંધકામ કરાવી રહ્યા છે. ટીવી ચાલુ છે, એક ખૂણામાંથી ખલ વાટવાનો અવાજ આવી રહ્યો છે, અને પાડોશની સ્ત્રીઓ દેવાંશનું ધ્યાન રાખી રહી છે.
પરિવારે ભાવનાના ઈલાજથી લઈને એમના મૃત્યુ સુધી, દવાઓ અને પરિવહન પર ૨૫,૦૦૦ રૂપિયા ખર્ચી દીધા હતા, અને દિનેશ આ સંકટમાં જે ન્યાય મળી શકે એ મેળવવા કટિબદ્ધ છે. ૨ લાખ રૂપિયાનું વળતર મેળવવા માટેની તેમની અરજી ચિત્તોડગઢના મુખ્ય ચિકિત્સા અધિકારીના કાર્યાલયમાં પડી રહી છે. તેઓ કહે છે, “મારી પાસે જે કંઈ પણ છે, એ મેં ખર્ચી દીધું. [આ બધું કરવા પછી] જો એ જીવિત રહી હોત તો એ કામનું હતું.”
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી namita@ruralindiaonline.org ને cc સાથે zahra@ruralindiaonline.org પર લખો
અનુવાદક: ફૈઝ મોહંમદ