ફાટ!
એ તુપકીમાંથી નીકળેલી પેંગ ફળની ગોળીનો અવાજ છે. છત્તીસગઢના જગદલપુર શહેરમાં આયોજિત ગોંચા ઉત્સવમાં તેઓ સાથે મળીને રીતે જગન્નાથને સલામી આપી એની ઉજવણી કરે છે.
તુપકી એ વાંસના પીપમાંથી બનેલી ‘બંદૂક’ છે જેમાં પેંગ નામના એક એક જંગલી ફળનો ગોળીઓ તરીકે ઉપયોગ થાય છે. ભગવાન જગન્નાથના રથની આસપાસ લોકપ્રિય તહેવાર પર સલામી તરીકે ‘બંદૂકો’ માંથી ગોળીઓ છોડવામાં આવે છે. જુલાઈમાં આયોજિત થતો આ ઉત્સવ રાજ્યના બસ્તર પ્રદેશમાં હજારો લોકોને આકર્ષે છે.
જગદલપુરનાં રહેવાસી વનમાલી પાણિગ્રહી કહે છે, “લોકો ગોંચા ઉત્સવ માટે નજીકના ગામડાઓમાંથી આવે છે અને અચુકપણે એક તુપકી ખરીદે છે.” તેમને એવો કોઈ સમય યાદ નથી જેની શોભાયાત્રામાં તુપકીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોય.
ગોળી તરીકે વપરાતું પેંગ એક પીળા–લીલા રંગનું નાનકડું ફળ છે, જે નજીકના જંગલોમાં મલકાંગિની (સેલેસ્ટ્રસ પેનિક્યુલેટસ વિલ્ડ) નામની એક લાંબી વેલ પર ઝૂમખામાં ઉગે છે.
ગોંચા ઉત્સવ પુરીમાં પણ ઉજવવામાં આવે છે પરંતુ તુપકી અને પેંગ સાથે સલામી આપવાની પરંપરા બસ્તર પ્રદેશની અનોખી છે. આ વાંસની ‘બંદૂક’ નો ઉપયોગ એક સમયે જંગલોમાં જંગલી પ્રાણીઓને ભગાડવા માટે થતો હતો.




ઉપર ડાબે: છત્તીસગઢના જગદલપુરમાં મંદિરના પૂજારીઓ દ્વારા ભગવાન જગન્નાથને રથમાંથી નીચે લાવવામાં આવી રહ્યા છે. ઉપર જમણે: રથની આસપાસ ઉમટાયેલા ભક્તો. નીચે ડાબે: સોનસાય બઘેલ તુપકીને સજાવવા માટે પોલા વાંસની આસપાસ તાડનાં પત્તાં લપેટી રહ્યા છે. નીચે જમણે: એક તુપકી અને પેંગથી સજ્જ, ભક્ત ગોળી છોડવા માટે તૈયાર થાય છે!
સોનસાય બઘેલ 40 વર્ષીય ખેડૂત અને વાંસના કારીગર છે જેઓ જામવાડા ગામમાં રહે છે. તેઓ એક ધુર્વા આદિવાસી છે, અને તેઓ તેમનાં પત્ની સાથે જુલાઇમાં યોજાતા તહેવારના થોડા અઠવાડિયા પહેલાં, જૂન મહિનાથી તુપકી બનાવવાનું કામ કરે છે. તેઓ કહે છે, “દર વર્ષે તહેવાર પહેલાં અમે તુપકી બનાવવાનું શરૂ કરીએ છીએ. અમે જંગલમાંથી વાંસ [અગાઉથી જ] એકત્રિત કરીએ છીએ અને તેને સૂકવીએ છીએ.”
તુપકી ‘બંદૂક’ ને કુહાડી અને છરીનો ઉપયોગ કરીને વાંસના ટુકડાને ખોખલો કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તુપકીને સજાવવા માટે વિવિધ પ્રકારનાં રંગબેરંગી પત્તાં અને કાગળોનો ઉપયોગ કરવામાં આવે છે.
સોનસાય કહે છે, “અમે પેંગ ફળ પાકે ત્યારે તેને જંગલમાંથી લાવીએ છીએ. આ ફળ માર્ચ પછી ઉપલબ્ધ થાય છે અને આશરે 100 ફળોનું એક ઝૂમખું 10 રૂપિયામાં વેચાય છે. આ એક ઔષધીય ફળ છે. તેનું તેલ સંધિવા અને સાંધાના દુખાવા માટે અસરકારક હોવાનું કહેવાય છે.” તે એક સારી બંદૂકની ગોળી તો છે જ.
તુપકી બનાવવી અને વેચવી એ તે પ્રદેશમાં ઘણા લોકો માટે વાર્ષિક આવકનો એક સ્રોત છે અને તહેવારના સમયે દરેક ગામમાં તુપકી બનાવનારા ઉભરી આવે છે. એક તુપકી 35-40 રૂપિયામાં વેચાય છે, અને બઘેલ તેમને વેચવા માટે તેમના ઘરથી 12 કિલોમીટર દૂર જગદલપુર શહેરમાં જાય છે. તેઓ કહે છે કે ત્રણ દાયકા પહેલાં એક તુપકી બે રૂપિયામાં વેચાતી હતી.
બસ્તર જિલ્લાના જગદલપુર બ્લોકમાં બઘેલ તેમની ચાર એકર જમીનમાં વરસાદ આધારિત ડાંગરની ખેતી કરે છે. તેમના ગામ જામવાડાના 780 પરિવારોમાંથી 87 ટકા લોકો ધુર્વા અને મારિયા આદિવાસી સમુદાયના છે. (2011ની વસ્તી ગણતરી)

ગોંચા ઉત્સવમાં પનાસ કુઆ (પાકેલા ફણસ) વેચતી મહિલાઓ. તે ભગવાન જગન્નાથ માટે લોકપ્રિય ચડાવો છે


ડાબે: જગદલપુર શહેરમાં નવો રથ બનાવવામાં કામે લાગેલા કારીગરો. રથને સાલ અને સાગના લાકડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જમણે: જેમ જેમ રથ જગદલપુરમાં શિરાસર ભવન નજીક પહોંચે છે, તેમ તેમ ભક્તો તેની તરફ ધસી આવે છે
ગોંચા ઉત્સવનાં મૂળ ભગવાન જગન્નાથથી સંબંધિત એક વાર્તામાં છે. ચાલુક્ય વંશના બસ્તર રાજા પુરુષોત્તમ દેવ ભગવાન જગન્નાથને સોનું અને ચાંદી અર્પણ કરવા પુરી ગયા હતા. તેમના પ્રસાદથી પ્રસન્ન થઈને, પુરીના રાજાના નિર્દેશ મુજબ જગન્નાથ મંદિરના પૂજારીઓએ પુરૂષોત્તમને 16 પૈડાંવાળો રથ ભેટમાં આપ્યો હતો.
પછીથી, સાલ અને સાગથી બનેલા વિશાળ રથને વિભાજિત કરવામાં આવ્યો હતો અને બસ્તરમાં ભગવાન જગન્નાથને ચાર પૈડાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. તે રથયાત્રાનું મૂળ છે જેને બસ્તરમાં ગોંચા ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. (બાકીનો 12 પૈડાંવાળો રથ માતા દંતેશ્વરીને અર્પણ કરવામાં આવ્યો હતો.)
તે પુરુષોત્તમ દેવ જ હતા જેમણે તુપકી જોઈ અને ગોંચા ઉત્સવમાં તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. આ તહેવાર દરમિયાન, જગન્નાથને પનાસ કુઆ અર્પણ કરવામાં આવે છે – પાકેલા ફણસને હલ્બી ભાષામાં પનાસ કુઆ કહેવામાં આવે છે. જગદલપુર શહેરમાં ગોંચા ઉત્સવમાં, પાકેલા ફણસની વિપુલતા એ એક વધારાનું આકર્ષણ છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ