“તે બપોરે મને ખાતરી નહોતી કે હું અને મારું બાળક બચી શકીશું. મારી ગર્ભાશયની કોથળી ફાટી ગઈ હતી. આજુબાજુમાં કોઈ હૉસ્પિટલ ન હતી, કોઈ સ્વાસ્થ્ય કાર્યકર હાજર ન હતો. મને શિમલાની એક હૉસ્પિટલમાં જઈ રહેલી જીપમાં રસ્તામાં પ્રસૂતિ થઇ હતી. મારા માટે રાહ જોવી શક્ય ન હતી. મેં ત્યાં જ બાળકને જન્મ આપ્યો - બોલેરોની અંદર.” આ ઘટના ઘટ્યાના છ મહિના પછી, જ્યારે આ રિપોર્ટર એપ્રિલ ૨૦૨૨માં તેમને મળ્યાં, ત્યારે અનુરાધા મહતો (નામ બદલેલ છે) તેમના નાના બાળકને ખોળામાં લઈને બેઠાં હતાં, અને તેમને તે દિવસ હજુ પણ પૂરેપૂરી વિગતો સહીત યાદ છે.
જ્યારે વરસાદ પડે ત્યારે રસ્તાઓ કેવા જોખમી હોય છે તે સમજાવતા 25-30 વર્ષના અનુરાધા કહે છે, “બપોરના લગભગ ત્રણ વાગ્યા હતા. મારી ગર્ભાશયની કોથળીમાંથી પાણી પડતાં જ મારા પતિએ આશા દીદીને જાણ કરી. તેઓ ૧૫ થી ૨૦ મિનીટની અંદર ત્યાં આવી પહોંચ્યાં. મને યાદ છે કે તેમણે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી દીધી હતી. તે દિવસે વરસાદ પડી રહ્યો હતો. એમ્બ્યુલન્સ વાળા લોકોએ કહ્યું કે તેઓ ૧૦ મિનિટમાં નીકળી જશે, પરંતુ અમે જે જગ્યાએ હતાં ત્યાં પહોંચવામાં તેમને સામાન્ય કરતાં ઓછામાં ઓછો એક કલાક વધુ લાગે એમ હતું.”
તેઓ તેમના ત્રણ બાળકો અને સ્થળાંતર કામદાર તરીકે મજૂરી કરતા પતિ સાથે હિમાચલ પ્રદેશના કોટી ગામના પહાડી વિસ્તારમાં એક કામચલાઉ ટીનની ઝૂંપડીમાં રહે છે. આ પરિવાર મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના ગોપાલપુર ગામનો છે.
અનુરાધા, જેઓ ૨૦૨૦માં શિમલા જિલ્લાના મશોબ્રા બ્લોકમાં, કોટી ખાતે તેમના પતિ સાથે રહેવા ગયાં હતાં, કહે છે, “આર્થિક સમસ્યાઓના કારણે અમારે [બિહારમાં] અમારા ગામથી અહીં આવવું પડ્યું. બે જગ્યાએ ભાડું ચૂકવવું કઠીન હતું.” તેમના ૩૮ વર્ષીય પતિ, રામ મહતો (નામ બદલેલ છે), બાંધકામ સાઇટ પર કડિયા તરીકે કામ કરે છે. તેમને કામ અર્થે અલગ અલગ જગ્યાઓએ જવું પડે છે. હાલમાં, તેઓ તેમની ટીનની ઝુંપડીની બરાબર આગળ એક સાઇટ પર કામ કરી રહ્યા છે.
સામાન્ય દિવસોમાં પણ તેમના ઘેર સરળતાથી એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. અને જો તેમને લગભગ ૩૦ કિલોમીટર દૂર જિલ્લા મુખ્યાલય, શિમલામાં આવેલી કમલા નેહરુ હૉસ્પિટલથી આવવાનું હોય, તો કોટી પહોંચવામાં ૧.૫ થી ૨ કલાક લાગે. પરંતુ વરસાદ અને હિમવર્ષા દરમિયાન તે બમણો સમય લે છે.
અનુરાધાના ઘરથી લગભગ સાત કિલોમીટરના અંતરે એક સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી) છે જે નજીકના ગામડાઓ અને નેસમાં વસતા લગભગ ૫,૦૦૦ લોકોને સેવા આપે છે. રીના દેવી, આ વિસ્તારનાં માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા (આશા) છે. પરંતુ અહીં ભાગ્યે જ કોઈ સીએચસીનો સંપર્ક કરે છે, કારણ કે તેમાં સુવિધાઓનો અભાવ છે – ૨૪ કલાકની એમ્બ્યુલન્સ જેવી ફરજિયાત આવશ્યક સેવાઓનો પણ (અભાવ છે). તેઓ કહે છે, “જ્યારે અમે ૧૦૮ પર ફોન લગાવીએ છીએ, ત્યારે એક કૉલમાં સરળતાથી એમ્બ્યુલન્સ આવતી નથી. અહીં એમ્બ્યુલન્સ મેળવવી એ અઘરું કામ છે. તેઓ અમને અમારી જાતે જ વાહનોની વ્યવસ્થા કરવા માટે સમજાવે છે.”
આદર્શ રીતે, પ્રસૂતિ નિષ્ણાંત, સ્ત્રીરોગચિકિત્સક અને ૧૦ સ્ટાફ નર્સોની ટીમથી સજ્જ સીએચસી, સિઝેરિયન વિભાગ અને અન્ય તબીબી હસ્તક્ષેપ જેવી આવશ્યક અને ઇમરજન્સી પ્રસૂતિ સંભાળ પૂરી પાડવા માટે સક્ષમ હોવી જોઈએ. બધી ઇમરજન્સી સેવાઓ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેવી જોઈએ. જો કે, કોટીમાં આવેલ સીએચસી સાંજે છ વાગ્યે બંધ થઈ જાય છે, અને તે ખુલ્લું હોય ત્યારે પણ ફરજ પર કોઈ સ્ત્રીરોગ નિષ્ણાંત હોતા નથી.
ગામના એક દુકાનદાર હરીશ જોશી કહે છે, “લેબર રૂમને સ્ટાફ માટેનું રસોડું બનાવી દેવામાં આવ્યું છે, કારણ કે તે કાર્યરત નથી. મારી બહેન પણ એ જ રીતે પીડાતી હતી અને તેમણે મિડવાઇફની દેખરેખ હેઠળ ઘેર જ ડિલિવરી કરાવવી પડી હતી. એ બનાવને ત્રણ વર્ષ થઇ ગયાં, પરંતુ પરિસ્થિતિ હજુ પણ એવી જ છે. આવા કિસ્સાઓમાં સીએચસી ખુલ્લું છે કે બંધ તેનાથી કંઈ ફેર પડતો નથી.”
રીના કહે છે કે ગામમાં રહેતાં દાયણ અનુરાધાને કોઈ મદદ કરી શક્યાં ન હતાં. આશા કાર્યકર કહે છે કે, “દાયણને અન્ય જાતિના લોકોના ઘેર જવાનું પસંદ નથી. તેથી અમે શરૂઆતથી જ હૉસ્પિટલમાં જવાનું નક્કી કર્યું હતું.” અનુરાધાએ જે દિવસે જન્મ આપ્યો એ દિવસે રીના તેમની સાથે હતાં.
અનુરાધા કહે છે, “લગભગ વીસેક મિનિટની રાહ જોયા પછી, જ્યારે મારો દુઃખાવો વધ્યો, ત્યારે આશા દીદીએ મારા પતિ સાથે ચર્ચા કરી અને મને ભાડાના વાહનમાં શિમલા લઈ જવાનું નક્કી કર્યું. એક તરફનું ભાડું ૪,૦૦૦ રૂપિયા હતું. પરંતુ અહીંથી ગાડી ઉપડી એની ૧૦ મિનિટ પછી, મેં બોલેરોની પાછળની સીટમાં ડિલિવરી કરી.” અનુરાધાનો પરિવાર શિમલા નહોતો પહોંચી શક્યો, તેમ છતાં તેમની પાસેથી પૂરેપૂરી રકમ વસૂલવામાં આવી હતી.
રીના કહે છે, “જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે અમે માંડ ત્રણ કિલોમીટરનું અંતર કાપ્યું હશે. મેં સ્વચ્છ કાપડ, પાણીની બોટલ, અને વપરાયા વગરની બ્લેડની વ્યવસ્થા કરી હતી. તે માટે ઈશ્વરનો આભાર! મેં નાળ કાપવાનું આ કામ પહેલાં ક્યારેય જાતે કર્યું ન હતું. પણ તે કામ થતા મેં પહેલા જોયેલું હતું. તેથી તેમના માટે મેં આ કામ કર્યું.”
અનુરાધા નસીબદાર હતાં કે તે રાત્રે તેઓ બચી ગયાં.
ડબલ્યુએચઓ અનુસાર, વૈશ્વિક સ્તરે માતૃ મૃત્યુ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં, ગર્ભાવસ્થા અને બાળજન્મની ગૂંચવણોને કારણે દરરોજ ૮૦૦થી વધુ સ્ત્રીઓનું મૃત્યુ થાય છે. મોટાભાગના મૃત્યુ નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે. ૨૦૧૭ માં, વૈશ્વિક માતૃ મૃત્યુમાં ભારતનો હિસ્સો ૧૨ ટકા હતો.
ભારતમાં માતૃ મૃત્યુદર (મેટર્નલ મોર્ટાલિટી રેશિઓ - એમએમઆર) કે જે ૧૦૦,૦૦૦ જીવંત જન્મ દીઠ માતૃ મૃત્યુની ગણતરી કરે છે, તે ૨૦૧૭-૧૯ ના સમયગાળામાં ૧૦૩ હતો. ૨૦૩૦ સુધીમાં વૈશ્વિક એમએમઆર ઘટાડીને ૭૦ કે તેથી ઓછો કરવાનો યુએનનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસડીજી) થી નોંધાયેલ સંખ્યા હજુ ઘણી દૂર છે. આ ગુણોત્તર આરોગ્ય અને સામાજિક આર્થિક વિકાસનું મુખ્ય સૂચક છે; અહીં ઊંચી સંખ્યા સંસાધનની વધારે અસમાનતા દર્શાવે છે.
હિમાચલ પ્રદેશમાં માતૃ મૃત્યુદરને લગતો ડેટા સરળતાથી ઉપલબ્ધ નથી. નીતિ આયોગના ૨૦૨૦-૨૧ના એસડીજી ઈન્ડિયા ઈન્ડેક્સમાં તમિલનાડુ સાથે હિમાચલ પ્રદેશ સંયુક્ત પણે બીજા ક્રમે હતો, તેમ છતાં આ ઉચ્ચ ક્રમાંકમાં દૂરના અને પર્વતીય વિસ્તારમાં રહેતી ગ્રામીણ મહિલાઓમાં પ્રવર્તિત માતૃ સ્વાસ્થ્ય સમસ્યાઓનું પ્રતિબિંબ થતું નથી. અનુરાધા જેવી મહિલાઓને પોષણ, માતૃત્વની સુખાકારી, પ્રસૂતિ પછીની સંભાળ અને આરોગ્ય માળખાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
અનુરાધાના પતિ રામ એક ખાનગી કંપનીમાં બાંધકામ મજૂર તરીકે કામ કરે છે. જે મહિનાઓ દરમિયાન કામ મળતું હોય છે, ત્યારે તેઓ “મહીને લગભગ ૧૨,૦૦૦ રૂપિયા કમાય છે, જેમાંથી ૨,૦૦૦ રૂપિયા ઘરભાડા તરીકે કાપવામાં આવે છે.” આ વાત કરતાં અનુરાધા મને તેમના ઘરમાં બોલાવે છે. તેઓ કહે છે, “અંદરની બધી વસ્તુઓ અમારી છે.”
તેમના ૮*૧૦ ફૂટના ટીનના રૂમમાં એક લાકડાનો પલંગ, કપડાના નાના ઢગલા અને વાસણોથી ઢંકાયેલ એલ્યુમિનિયમનો પટારો, કે જે બેડમાં પણ ફેરવાય છે, તે તેમના રૂમમાં મોટાભાગની જગ્યા રોકે છે. અનુરાધા કહે છે, “અમારી પાસે ભાગ્યે જ કંઈ બચત હશે. જો સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા હોય કે અન્ય કોઈ પ્રકારની કટોકટી હોય, તો અમારે બાળકો માટેના ખોરાક, દવાઓ અને દૂધ જેવા જરૂરી ખર્ચાઓમાં કાપ મૂકવો પડશે અને ઉધાર લેવું પડશે.”
તેમની ગર્ભાવસ્થાએ ૨૦૨૧ માં તેમના નાણાકીય તણાવમાં વધારો કર્યો, ખાસ કરીને દેશમાં કોવિડ-૧૯ મહામારી પ્રકોપ વખતે. એ વખતે રામ પાસે કોઈ કામ ન હતું. તેમને વેતન પેટે ૪,૦૦૦ રૂપિયા મળતા હતા. તેમણે તેમાંથી ૨,૦૦૦ રૂપિયા ભાડું ચુકવવું પડતું અને વધેલા ૨,૦૦૦ રૂપિયામાં ગુજરાન ચલાવવું પડતું. આશા દીદીએ અનુરાધાને લોહતત્વ અને ફોલિક એસિડની ગોળીઓ પૂરી પાડી હતી, પરંતુ સ્વાસ્થ્ય કેન્દ્ર સુધીનું અંતર અને ખર્ચને જોતાં નિયમિત ચેક-અપ તો અશક્ય હતું.
રીના કહે છે, “જો સીએચસી સારી રીતે કાર્યરત હોત, તો અનુરાધાની ડિલિવરી કોઈપણ જાતના તણાવ વગર થઈ ગઈ હોત અને તેમણે ટેક્સી પાછળ ૪,૦૦૦ રૂપિયા ખર્ચવા ન પડ્યા હોત. સીએચસીમાં એક નિયુક્ત લેબર રૂમ છે, પરંતુ તે બિન-કાર્યરત છે.”
શિમલા જિલ્લાનાં મુખ્ય તબીબી અધિકારી સુરેખા ચોપડા કહે છે, “અમે સમજીએ છીએ કે કોટીના સીએચસીમાં [બાળક] ડિલિવરી સુવિધાઓની અનુપલબ્ધતાને કારણે મહિલાઓએ જે પડકારોનો સામનો કરવો પડે છે એ અમે સમજીએ છીએ, પણ સ્ટાફની અછતને કારણે વસ્તુઓ અમારા નિયંત્રણમાં નથી. ડિલિવરીની સંભાળ લેવા માટે જરૂરી સ્ત્રીરોગચિકિત્સક, નર્સ કે પૂરતા સફાઈ કર્મચારીઓ ત્યાં હાજર નથી. ડૉકટરો કોટી જેવા ગ્રામીણ વિસ્તારોમાં નોકરી કરવા માંગતા નથી. આ દેશભરના જિલ્લાઓ અને રાજ્યોનું કડવું સત્ય છે.”
હિમાચલ પ્રદેશમાં સીએચસીની સંખ્યામાં વધારો થયો છે. ૨૦૦૫ માં ૬૬ સીએચસી હતાં તેમાંથી વધીને ૨૦૨૦ માં ૮૫ થયાં, અને નિષ્ણાંત ડોકટરોની સંખ્યા ૨૦૦૫ માં ૩,૫૫૦ હતી તેમાંથી વધીને ૨૦૨૦ માં ૪,૯૫૭ થઇ હતી. તેમ છતાં, ગ્રામીણ સ્વાસ્થ્ય આંકડા ૨૦૧૯-૨૦ મુજબ, હિમાચલ પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રસૂતિ નિષ્ણાંત-સ્ત્રીરોગચિકિત્સકોની ૯૪ ટકા જેટલી અછત છે. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યાં ૮૫ પ્રસૂતિ નિષ્ણાંત-સ્ત્રીરોગચિકિત્સકોની જરૂર હોય તેની સામે ફક્ત ૫ જ પ્રસૂતિ નિષ્ણાંત-સ્ત્રીરોગચિકિત્સકો ઉપલબ્ધ છે. આનું પરિણામ છે સગર્ભા સ્ત્રીઓ માટે ભારે શારીરિક, ભાવનાત્મક અને નાણાકીય તણાવ.
અનુરાધાના ઘરથી લગભગ છ કિલોમીટર દૂર રહેતાં ૩૫ વર્ષીય શિલા ચૌહાણે પણ જાન્યુઆરી ૨૦૨૦ માં દીકરીને જન્મ આપવા માટે છેક શિમલાની એક ખાનગી હૉસ્પિટલ સુધી મુસાફરી કરી હતી. શિલા પારીને કહે છે, “જન્મ આપ્યાના મહિનાઓ પછી પણ હું દેવામાં ડૂબેલી છે.”
તેમણે અને કોટી ગામમાં સુથાર તરીકે કામ કરતા તેમના ૪૦ વર્ષીય પતિ, ગોપાલ ચૌહાણે, પડોશીઓ પાસેથી ૨૦,૦૦૦ રૂપિયા ઉછીના લીધા હતા. બે વર્ષ પછી પણ, તેમણે ૫,૦૦૦ રૂપિયા ચૂકવવાના બાકી છે.
શિલાને શિમલાની હૉસ્પિટલમાં એક રાત કરતાં વધુ સમય વિતાવવો પોસાય તેમ ન હતો, કેમ કે ત્યાં રૂમનું દિવસનું ભાડું ૫,૦૦૦ રૂપિયા હતું. બીજા દિવસે, તેઓ, ગોપાલ, અને નવજાત શિશુ ખાનગી ટેક્સીમાં ઘેર જવા રવાના થઇ ગયા, જેને તેમણે શિમલાથી ભાડે કરી હતી. ટેક્સીએ તેમને તેમના ઘરથી થોડે દૂર ઉતારી દીધા, અને હિમવર્ષાના કારણે આગળ જવાની તૈયારી ના બતાવી. શિલા કહે છે, “તે રાત વિષે વિચારવાથી હજુ પણ મારાં રૂવાંટા ઊભા થઇ જાય છે. એ વખતે ભારે હિમવર્ષા થઇ રહી હતી, અને હું જન્મ આપ્યાના બીજા જ દિવસે ઘૂંટણ સુધીના બરફમાં ચાલી રહી હતી.”
ગોપાલ ઉમેરે છે, “જો આ સીએચસી યોગ્ય રીતે કામ કરી રહ્યું હોત, તો અમારે શિમલા દોડીને આટલા બધા પૈસા ખર્ચવાની જરૂર ન પડી હોત, અને મારી પત્નીને બાળજન્મના એક દિવસ પછી બરફમાંથી ચાલીને જવું ન પડ્યું હોત.”
જો આરોગ્યસંભાળ સુવિધા જેવી રીતે કાર્યરત હોવી જોઈએ, એ રીતે કાર્યરત હોત, તો શિલા અને અનુરાધા બન્નેને જનનિ શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ સંપૂર્ણપણે મફત અને કેશલેસ આરોગ્ય સેવાઓ મળી શકી હોત. સરકારી યોજના અંતર્ગત જાહેર આરોગ્ય સંસ્થાઓમાં તેઓ સિઝેરિયન સહિત, મફત ડિલિવરી માટે હકદાર બન્યા હોત. જો જરૂર પડી હોય તો તેઓ દવાઓ અને ખાદ્ય સામગ્રીની વસ્તુઓ, ડાયગ્નોસ્ટિક્સ, ખોરાક અને લોહીનો બાટલો પણ મેળવી શક્યા હોત. અને પરિવહન પણ મેળવી શક્યા હોત. આ બધું કોઈ પણ વ્યક્તિગત ખર્ચ વિના થયું હોત. પરંતુ બધું કાગળ પર જ રહ્યું.
ગોપાલ કહે છે, “તે રાત્રે અમે અમારી બે દિવસની પુત્રી માટે ખૂબ જ ચિંતિત હતાં. ઠંડીને કારણે તેણીનું મોત પણ નીપજી શક્યું હોત.”
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી namita@ruralindiaonline.org ને cc સાથે zahra@ruralindiaonline.org પર લખો
અનુવાદક: ફૈઝ મોહંમદ