એ લોકો ફક્ત પસાર થઇ રહ્યા હતા - હજારોની તાદાદમાં. તેઓ રોજ આવતા - કોઈ ચાલીને, કોઈ સાઈકલ પર, ટ્રકમાં, બસમાં, જે પણ વાહન મળી ગયું તેમાં. થાકેલા, નબળા પડેલા, ઘેર પહોંચવા માટે અધીર. દરેક વયના પુરુષ અને સ્ત્રીઓ ,ઘણાં બાળકો પણ.
તેઓ આવતા હતા હૈદરાબાદથી અને તેની પણ આગળથી, મુંબઈ અને ગુજરાતથી, વિદર્ભ અને પશ્ચિમી મહારાષ્ટ્રથી, અને જતા હતા ઉત્તર તરફ કે પૂર્વ તરફ - બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓરિસા, ઉત્તર પ્રદેશ અને પૂર્વ બંગાલ.
લોકડાઉનને કારણે જ્યારે તેમનું જીવન છિન્નભિન્ન થઇ ગયું અને તેમની આજીવિકા થંભી ગયી, ત્યારે દેશભરમાં લાખો લોકોએ એક સરખો નિર્ણય લીધો: તેઓ પાછા જશે, પોતાપોતાને ગામ, પોતાના કુટુંબ અને સ્નેહીજનો પાસે. ભલે મુસાફરી ગમે તેટલી મુશ્કેલ હોય, છેવટે તે જ સારું રહેશે.
અને તેમાંથી ઘણાં નાગપુર થઇને જઈ રહ્યા છે, જે ભૌગોલિક દ્રષ્ટિએ દેશની મધ્યમાં છે અને સામાન્ય સમયમાં દેશનું મહત્વપૂર્ણ રેલવે જંકશન છે. આ લોકો અઠવાડિયા દર અઠવાડિયા એકધારા પસાર થતા રહ્યા. રાજ્ય અને કેન્દ્રીય સરકારોએ તો છેક મેમાં જઈને થોડા પ્રવાસી મજૂરોને બસ અને ટ્રેનની સગવડ આપી. હજારો રહ્યા જેમને ક્યાંય સ્થાન ના મળ્યું અને તેઓએ કોઈ પણ રીતે ઘેર પહોંચવા પોતાની લાંબી મુસાફરીઓ જારી રાખી.

પિતા તેમનો સામાન ઉપાડે છે જ્યારે આ યુવાન માતા પોતાના ઊંઘતા બાળકને ખભે ઊંચકી ફટાફટ ચાલે છે. આ પરિવાર હૈદરાબાદથી નાગપુર જાય છે.
દ્રંષ્ટાત રૂપે એક કુટુંબ: એક યુવાન દંપતી જેમની દીકરી ૪૪ દિવસની છે, તેઓ ૪પ ડિગ્રી તાપમાનમાં ભાડાની મોટરસાઈકલ પર હૈદરાબાદથી ગોરખપુર જઈ રહ્યા છે.
છત્તીસગઢના ધમતારી જિલ્લાના ગામોમાંથી ૩૪ યુવાન છોકરીઓ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ (સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ) હેઠળ તાલીમ લેવા અમદાવાદ ગઈ હતી. તેઓ હવે ઘેર પહોંચવા પ્રયત્ન કરી રહ્યા છે.
પાંચ યુવાન છોકરાઓ તેમની હાલમાં જ ખરીદેલી સાઈકલો પર ઓરિસ્સાના રાયગઢા જિલ્લા જઈ રહ્યા છે
નાગપુરના બહારી રિંગ રોડ પર નેશનલ હાઈવે ૬ અને ૭ થી હજીયે ઘણાં સ્થાળંતરિત શ્રમિકો આવે છે. એમને કેટલીક જગ્યાઓ પર ખાવાનું મળે છે અને ટોલ પ્લાઝાની આસપાસ આશ્રય મળે છે. આ વ્યવસ્થા જીલ્લા અધિકારીઓ અને એનજીઓ અને નાગરિકોના ગઠબંધનોએ મળીને કરી છે. શ્રમિકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં દિવસે આરામ કરે છે અને સાંજે પોતાની મુસાફરી ફરી શરુ કરે છે. મહારાષ્ટ્ર સરકારે હવે બસોનો પ્રબંધ કર્યો છે - જે તેમને અલગ અલગ રાજ્યોની સીમા પર રોજ મૂકી આવે છે. જેથી આ ભીડ થોડી ઓછી થાય અને લોકો પોતાના ઘેર સુરક્ષિત પહોંચી શકે. એમને માત્ર એટલું જ જોઈએ છે.

હૈદરાબાદથી આવેલી એક ટ્રક પરથી ઉતરીને મજૂરોનો એક સમૂહ નાગપુરની બહાર સ્થિત એક ખોરાક આશ્રય તરફ જાય છે.

સ્થળાંતરિત શ્રમિકોનું એક જૂથ પોતાનો બધો સામાન ઊંચકીને - ઘણાં બધા કિલો ઘણાં બધા કિલોમીટર દૂર લઈને - પોતાને ઘેર જાય છે. જ્યારથી લોકડાઉનની જાહેરાત થઇ છે, ત્યારથી રોજેરોજ નાગપુર શહેર સમૂહમાં ચાલતા - અલગ અલગ દિશાઓમાં, બધા પોતપોતાના ઘર તરફ જવા ચાલી નીકળેલા - લોકોના સ્થિર પ્રવાહનું સાક્ષી બન્યું છે .

નાગપુરની બહાર પંજરી પાસે એક ખોરાક આશ્રય છે. યુવાન પુરુષોનો એક સમૂહ એની તરફ જાય છે. તેઓએ કામ માટે હૈદરાબાદ સ્થળાંતર કર્યું હતું અને ત્યાંથી આવે છે.

અગણિત સ્થળાંતરિત શ્રમિકો રોજ નાગપુરની બહાર પંજરી ગામમાં આવે છે અને પછી દેશના અલગ અલગ ભાગમાં આવેલા પોતાના દૂર-દૂરના ગામો તરફ ચાલ્યા જાય છે.

નાગપુર શહેર પાસેના હાઈવે પર એક ફ્લાયઓવરની છાયામાં ખાવાપીવા માટે એક જરૂરી વિરામ લઈ રહેલા લોકો

પોતાના ગામો અને પરિવાર પાસે પહોંચવા આતુર થાકેલા સ્થળાંતરિત શ્રમિકોથી ભરેલી એક ટ્રક મુસાફરી ફરી શરુ કરે છે.

જેમને આ ટ્રકમાં જગ્યા મળી ગયી, તેમની મુસાફરી ફરી શરુ થઇ જાય છે.

જ્યારે બીજા ઘણા પોતાની આગળની મુસાફરી માટે બીજી ટ્રકમાં જગ્યા શોધી રહ્યા છે. આ નાગપુરના બાહરી રિંગ રોડ, જે નેશનલ હાઈવે ૬ અને ૭ ને જોડે છે, તેના પર સ્થિત ટોલ પ્લાઝાનો ફોટો છે.

આ ઉનાળાની ગરમી માં તાપમાન 45 ડિગ્રીથી વધુ છે ત્યારનું દ્રશ્ય છે

કદાચ પોતાના કુટુંબીજનોને મળવાની આશા ભૂખ અને ગરમી, ભીડ અને થાકને થોડું વધારે સહ્ય બના વે છે.

૩ પુરુષો મુંબઈથી ઓરિસા પોતાની નવી ખરીદેલી સાયકલો પર જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની પાસે આ કઠણ મુસાફરી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.

ઘણી વાર સ્થળાંતરિત શ્રમિકો મુખ્ય રસ્તા કે ધોરી માર્ગનો છોડી ખેતર ને જંગલના રસ્તાઓ પર ચાલે છે.

પોતે બાંધેલા શહેરોને છોડીને ચાલી નીકળાયેલા સ્થળાંતરિત શ્રમિકો, જ્યારે કટોકટી આવી ત્યારે તેમણે જ બાંધેલા એ શહેરોએ તેમને ભાગ્યે જ કોઈ મદદ કરી કે રાહત આપી
અનુવાદ: શ્વેતલ વ્યાસ પારે