નજીકમાં નજીક તબીબી સહાય બંધના રિઝર્વોયર માં ચાલતી બોટમાં બે કલાકની સફર જેટલી દૂર હતી. એના સિવાયનો વિકલ્પ એક આંશિક રીતે બાંધવામાં આવેલા રસ્તાને ઓળંગીને ઊંચી ટેકરી પરથી જતો હતો.
અને પ્રભા ગોલોરીને ગર્ભાવસ્થાનો નવમો મહિનો ચાલી રહ્યો હતો અને તેના પ્રસવનો સમય ખુબ નજીક જ હતો.
જ્યારે હું બપોરના 2 વાગ્યાની આસપાસ કોટાગુડા ગામમાં પહોંચી ત્યારે એ કદાચ આ પ્રસવની પીડા જીરવી નહિ શકે એમ માનતા પ્રભાના પડોશીઓ તેની ઝૂંપડીની આસપાસ ભેગા થયેલા હતા .
35 વર્ષની પ્રભાએ તેનું પહેલું બાળક એ જયારે ત્રણ મહિનાનું હતું ત્યારે ગુમાવી દીધું હતું. તેની પુત્રી હવે આશરે છ વર્ષની છે. પ્રભાએ બંને બાળકને, પરંપરાગત રીતે સુવાવડ કરાવતી સ્થાનિક દાયણઓની મદદથી મુશ્કેલી વિના જન્મ આપ્યો હતો. પરંતુ આ સમયે દાયણ અચકાતી હતી, તેમણે તપાસીને કરીને જણાવ્યુ હતુ કે કે આ બાળકનો જન્મ કરાવવો મુશ્કેલ હશે.
તે સમયે બપોરે એક સ્ટોરી આવરવા હું નજીકના ગામમાં જ હતી, જ્યારે ફોન આવ્યો. મિત્રની મોટરબાઈક લઇને (મારી સામાન્ય સ્કૂટી આ ડુંગરાળ રસ્તાઓમાં ચલાવવી અઘરી છે), હું ઓડિશાના મલકાંગિરી જિલ્લાના ભાગ્યે જ 60 લોકોની વસાહત ધરાવતા કોટાગુડા તરફ દોડી.
મધ્ય ભારતના આદિવાસી પટ્ટાના અન્ય ભાગોની જેમ, ચિત્રકોન્ડા બ્લોકમાં લોકોને તેની દુર્ગમતા ઉપરાંત , નક્સલવાદી આતંકવાદીઓ અને રાજ્યના સુરક્ષા દળો વચ્ચે વારંવાર થતા સંઘર્ષનો સામનો કરવો પડે છે. અહીં ઘણા સ્થળોએ રસ્તાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓ ઘણી ઓછી અને છુટીછવાઇ હોય છે.
કોટાગુડામાં રહેતા કેટલાક પરિવારો, જે બધા જ પરોજા જાતિના છે, તેઓ મુખ્યત્વે હળદર, આદુ, કઠોળ અને થોડી ડાંગર તેમના પોતાના ભોજન માટે ઉગાડે છે, તેમજ મુલાકાત માટે આવતા ખરીદદારોને વેચવા માટે કેટલાક અન્ય પાક પણ ઉગાડે છે
પાંચ કિલોમીટર દૂરનાના જોડામ્બો પંચાયતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, ડોકટરો અનિયમિત રીતે મુલાકાતે આવે છે. અને લોકડાઉન થતાની સાથે, પી.એચ.સી. બંધ કરવામાં આવ્યું હતું જ્યારે પ્રભાના બાળકના જન્મનો સમય ઓગસ્ટ 2020 માં થતો હતો. કુડુમુલુગુમા ગામમાં સમુદાય આરોગ્ય કેન્દ્ર લગભગ 100 કિલોમીટર દૂર છે. અને આ સમયે, પ્રભા પર એક શસ્ત્રક્રિયા કરવાની જરૂર પડશે, જે સીએચસી સંભાળી શકશે નહીં.
તેથી નજીકનો સધ્ધર વિકલ્પ ચિત્રકોંડામાં 40 કિલોમીટર દૂરની પેટા-વિભાગીય હોસ્પિટલમાં જવાનો હતો - પરંતુ ચિત્રકોંડા / બાલિમેલા રિઝર્વોયર પરની નૌકાઓ સાંજ પછી ફેરી કરતી બંધ થઇ જાય છે. ઉંચી ટેકરીઓ તરફ જવા માટે વિકટ રસ્તો મોટરબાઈક પર અથવા પગપાળા કાપવો પડે - નવ મહિનાની ગર્ભવતી પ્રભા માટે આ વિકલ્પો સંપૂર્ણપણે પ્રતિકૂળ હતા.
મેં મલકાંગિરી જિલ્લા મથક પર હું જેમને જાણતી હતી તેવા લોકો દ્વારા મદદ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ કહ્યું કે ખરાબ રસ્તાઓ તરફ એમ્બ્યુલન્સ મોકલવી મુશ્કેલ હતી. જિલ્લા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ની હોડીઓ સેવા છે, પરંતુ તે પણ લોકડાઉનને કારણે મુસાફરી કરી શકતી નથી.
પછી મેં એક સ્થાનિક આશા (માન્યતા પ્રાપ્ત સામાજિક સ્વાસ્થ્ય કાર્યકર) ને ખાનગી પિક-અપ વાન સાથે આવવા સમજાવી. જેની કિંમત આશરે રૂ. 1,200 હતી. તે બીજા દિવસે સવારે જ આવી શકી.
અમે બહાર નીકળ્યા. વાન જલ્દીથી ચઢાવ પર ચાલી રહેલા બાંધકામ વાળા એ રસ્તા પર આવી અટકી ગઇ હતી જ્યાંથી અમે પ્રભાને લઈ જઇ રહ્યા હતા. ત્યારબાદ અમે બળતણ માટે લાકડાની શોધ કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના ટ્રેક્ટરને જોયું અને તેમને મદદ કરવા વિનંતી કરી. તેઓ અમને ડુંગરની ટોચ પર લઈ ગયા જ્યાં બીએસએફનો કેમ્પ આવેલ છે. હેન્ટલગુડાના તે કેમ્પના જવાનોએ ચિત્રકાંડાની પેટા વિભાગીય હોસ્પિટલમાં પ્રભાના પરિવહનની વ્યવસ્થા કરી હતી.
હોસ્પિટલમાં, કર્મચારીઓએ જણાવ્યું કે પ્રભાને 60 કિલોમીટર દૂર આવેલા મલકાંગિરી જિલ્લા મથકે લઈ જવું પડશે. તેઓએ આગળ જતા વાહનની વ્યવસ્થા કરવામાં મદદ કરી.
હું પહેલીવાર કોટગુડા પહોંચી તેના એક દિવસ પછી બપોરે મોડી સાંજે અમે જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા.
ત્યાં, ડોકટરો અને તબીબી કર્મચારીઓના પ્રસવ કરાવવા ખુબ પ્રયત્ન કરવા છતા કોઈ સફળતા ન મળી ત્યારે પ્રભાએ ત્રણ દિવસની વેદના સહન કરી. અંતે, અમને કહેવામાં આવ્યું કે તેનું સિઝેરિયન ઓપરેશન કરવું પડશે.
તે 15 ઓગસ્ટનો દિવસ હતો, અને તે બપોરે પ્રભાના બાળકનો જન્મ થયો - તેનું વજન એકદમ તંદુરસ્ત બાળક જેમ ત્રણ કિલો હતું. પરંતુ ડોક્ટરોએ જણાવ્યું કે બાળકની હાલત ગંભીર છે. બાળકને મળ પસાર કરવા માટે કોઈ છિદ્ર જ ન હતું અને તેને તાત્કાલિક સર્જરીની જરૂર હતી. જોકે, મલકાંગિરી જિલ્લા મથકની હોસ્પિટલ, આ પ્રક્રિયા કરવા માટે સજ્જ નહોતી.
બાળકને લગભગ 150 કિલોમીટર દૂર કોરાપુટમાં નવી અને મોટી સુવિધા ધરાવતી શહિદ લક્ષ્મણ નાયક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવું પડે એમ હતું.
બાળકના પિતા, પોડુ ગોલોરી, અત્યાર સુધીમાં નિરાશ થઇ ગયા હતા અને માતા હજી બેભાન હતી. તેથી આશા કાર્યકર (જે પહેલા વાન સાથે કોટાગુડા વસાહત પર આવ્યા હતા) અને હું 15 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ બાળકને કોરાપુટ લઈ ગયા.
અમે જે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહ્યાં હતાં તે ત્રણ કિલોમીટર પછી બંધ થઇ ગઈ. અમે બીજી એમ્બ્યુલન્સ બોલાવી તે બીજા 30 કિલોમીટર પછી બગડી ગઇ. અમે ગાઢ જંગલમાં પુરજોશથી પડતા વરસાદમાં હજી એક એમ્બ્યુલન્સ આવવાની રાહ જોતા ઉભા રહ્યા. આખરે લોકડાઉનમાં અમે મધ્યરાત્રિ પછી કોરાપુટ પહોંચ્યા.
ત્યાં ડોકટરોએ બાળકને તબીબી નિરીક્ષણ હેઠળ આઈસીયુમાં સાત દિવસ રાખ્યો હતો. તે દરમિયાન, અમે પ્રભા (પોડુ સાથે) ને બસમાં બેસાડીને કોરાપુટ લઈ આવ્યાં, જેથી તે એક અઠવાડિયામાં પહેલી વાર તેના બાળકને જોઈ શકે. અને પછી ડોકટરોએ અમને કહ્યું કે બાળસર્જરી માટે જરૂરી સુવિધાઓ અને કુશળતા તેમની પાસે નથી.
બાળકને બીજી એક હોસ્પિટલમાં લઈ જવું પડે તેમ હતું. તે આશરે 700 કિલોમીટર દૂર - બરહામપુરની એમકેસીજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (જેને બ્રહ્મપુર પણ કહેવામાં આવે છે). અમે ફરી એકવાર બીજી એમ્બ્યુલન્સની રાહ જોઇ અને બીજી લાંબી મુસાફરી માટે જાતને બાંધી રાખી.
એમ્બ્યુલન્સ રાજ્યની સુવિધાથી આવી હતી, પરંતુ તે વિસ્તાર સંવેદનશીલ હોવાથી અમારે ખર્ચ માટે આશરે રૂ. 500ખર્ચવા પડ્યા. (મારા મિત્રો અને મેં આ રકમ ખર્ચી - અમે હોસ્પિટલોની આ બધે મુસાફરીમાં લગભગ 3,000--4,૦૦૦ રૂપિયા ખર્ચ્યા). મને યાદ છે, બરહામપુરની હોસ્પિટલમાં પહોંચવામાં અમને 12 કલાકથી વધુ સમય લાગ્યો હતો.
ત્યાર સુધીમાં, અમે વાન, ટ્રેક્ટર, મલ્ટીપલ એમ્બ્યુલન્સ અને બસ દ્વારા ચિત્રકોન્ડા, મલકાંગિરી મુખ્ય મથક, કોરાપુટ અને બહેરામપુર - ચાર જુદી જુદી હોસ્પિટલોમાં ગયા હતા અને લગભગ 1000 કિલોમીટર જેટલું અંતર આવરી લીધુ હતું.
અમને જાણ કરવામાં આવી, કે શસ્ત્રક્રિયા ગંભીર હતી. બાળકના ફેફસાંને પણ નુકસાન થયું હતું અને એક ભાગને શસ્ત્રક્રિયા વડે દૂર કરવો પડ્યો હતો.મળનો કચરો દૂર કરવા માટે પેટમાં એક છિદ્ર કરવામાં આવ્યું હતું. નિયમિત મળદ્વાર બનાવવા માટે બીજું ઓપરેશન કરવું જરૂરી હતું, પરંતુ તે ત્યારે જ થઈ શકે જ્યારે બાળકનું વજન આઠ કિલો થાય.
છેલ્લે જ્યારે મેં પરિવાર સાથે વાત કરી, ત્યારે આઠ મહિનાનુ થયેલ બાળક , હજુ સુધી આ લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યો નથી. બીજી શસ્ત્રક્રિયા હજુ બાકી છે.
અસંખ્ય અવરોધો હોવા છતાં બાળકના જન્મ પછીના એક મહિના પછી, મને તેના નામકરણ સમારોહ માટે બોલાવવામાં આવી. અને મેં તેનું નામ મૃત્યુંજય રાખ્યું – મૃત્યુ પર વિજય. તે 15 ઓગસ્ટ, 2020ની મધ્યરાત્રીએ ના રોજ -- ભારતનો સ્વતંત્રતા દિવસે --પોતાના પ્રારબ્ધની સામે થઈને જન્મ્યો અને તે તેની માતાની જેમ વિજયી થયો હતો.
*****
જ્યારે પ્રભાની અગ્નિપરીક્ષા ખાસ્સી મુશ્કેલ હતી, મલકાંગિરી જિલ્લાના ઘણા દૂરસ્થ આદિવાસી ગામોમાં, જ્યાં જાહેર આરોગ્ય સુવિધાઓ અને માળખાગત સુવિધાઓ છૂટીછવાઇ છે, ત્યાં મહિલાઓને આવી પરિસ્થિતિઓમાં સામાન્યપણે ખૂબ જોખમ રહેલું છે.
અનુસૂચિત જનજાતિ - મુખ્યત્વે પરોજા અને કોયા - મલકાંગિરીના 1,055 ગામોની કુલ વસ્તીના 57 ટકા છે. અને જ્યારે આ સમુદાયો અને પ્રદેશની સંસ્કૃતિ, પરંપરાઓ અને પ્રાકૃતિક સંસાધનો વિવિધ રીતે ઉજવવામાં આવે છે, ત્યારે અહીંના લોકોની આરોગ્યસંભાળ જરૂરિયાતોને મોટા પ્રમાણમાં અવગણવામાં આવે છે. ટોપોગ્રાફી - ટેકરીઓ, વન વિસ્તારો અને જળ સંસ્થાઓ - લાંબા વર્ષોના સંઘર્ષ અને રાજ્યની અવગણનાનો અર્થ એ છે કે આ ગામડાઓ અને ગામડાઓમાં જીવન બચાવ સેવાઓનો વપરાશ ઓછો છે.
રાજ્યના વિધાનસભામાં 18 ફેબ્રુઆરી, 2020 ના રોજ રાજ્ય પંચાયતી રાજ અને પીવાના પાણીના પ્રધાન પ્રતાપ જેનાએ જણાવ્યું હતું કે, મલકાંગિરી જિલ્લાના ઓછામાં ઓછા 150 ગામોમાં માર્ગ કનેક્ટિવિટી નથી (ઓડિશામાં રસ્તાના જોડાણો વગરના કુલ 1,242 ગામો છે).
આમાં કોટાગુડાથી લગભગ બે કિલોમીટર દૂર તેન્ટાપાલી છે, જે પણ માર્ગ દ્વારા દુર્ગમ છે. “બાબુ, આપણું જીવન ચારે બાજુ પાણીથી ભરાયેલુ છે, તેથી આપણે જીવીએ કે મરીએ કોને ફિકર છે?” કમલા ખિલ્લો કહે છે, જેણે તેન્ટાપાલીમાં તેમના જીવનના 70- વર્ષો પસાર કર્યા છે. "અમે અમારા જીવનનો મોટાભાગનો ભાગ ફક્ત આ પાણીને જોતા પસાર કર્યો છે, જે મહિલાઓ અને યુવતીઓની મુશ્કેલીઓમાં વધારો કરે છે."
અન્ય ગામોમાં પહોંચવા માટે, તેન્ટાપાલી, કોટાગુડા અને જોડાંબો પંચાયતના અન્ય ત્રણ ગામોના લોકો મોટર બોટ દ્વારા મુસાફરી કરે છે, જે 90 મિનિટથી ચાર કલાક સુધીની હોઇ શકે છે. 40 કિલોમીટર દૂર ચિત્રાકોંડા ખાતેની આરોગ્યસંભાળ સુવિધાઓ મેળવવા માટે, બોટ સૌથી સારો વિકલ્પ રહે છે. લગભગ 100 કિલોમીટર દૂર સીએચસી સુધી પહોંચવા માટે, અહીં રહેતા લોકોએ બોટ લેવી પડે છે અને પછી બસ અથવા ભાગીદારીમાં જીપો દ્વારા આગળની મુસાફરી કરવી પડે છે.
જળ સંસાધન વિભાગ દ્વારા પ્રદાન કરવામાં આવતી મોટર લોંચ સેવા અવિશ્વસનીય અને અનિયમિત છે, વળી તે ગમે ત્યારે બંધ પણ થઇ જાય છે. અને આ નૌકાઓ સામાન્ય રીતે ફક્ત એક જ ફેરી કરે છે અને એક દિવસમાં એક વળતો ફેરો કરે છે. ખાનગી સંચાલિત પાવર બોટ સર્વિસ, ટિકિટ દીઠ 20 રૂ. લે છે જે રાજ્ય સંચાલિત પ્રક્ષેપણ કરતા 10 ગણા છે. તે પણ સાંજ સુધીમાં ફેરી બંધ કરે છે. તેથી કટોકટીમાં, પરિવહન એક મોટી સમસ્યા રહે છે.
કોટાગુડાથી ત્રણ સંતાનોની 20 વર્ષીય માતા કુસુમા નારીયા કહે છે કે, "ભલે તે આધાર માટે હોય કે ડોક્ટરની સલાહ લેવા જવા માટે, આપણે આના [પરિવહનના રીત] પર જ આધાર રાખવો પડશે અને તેથી જ ઘણી મહિલાઓ તેમની સુવાવડ માટે હોસ્પિટલની મુલાકાત લેતા અચકાતી હોય છે".
જોકે, હવે તે ઉમેરે છે કે, આશા કાર્યકરો આ સુદુર વસ્તીઓની મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ અહીં આશાદીદીઓ ખૂબ અનુભવી અથવા સારી રીતે જાણકાર નથી, અને તેઓ સગર્ભા સ્ત્રીઓને આયર્ન ગોળીઓ, ફોલિક એસિડ ગોળીઓ અને સુકા ખોરાકના સપ્લિમેન્ટ આપવા માટે મહિનામાં એક કે બે વાર મુલાકાત લે છે. બાળકોની રસીકરણના રેકોર્ડ્સ વેરવિખેર અને અધૂરા રહે છે. કોઇ એવા પ્રસંગે, જ્યારે મુશ્કેલ બાળજન્મની અપેક્ષા હોય છે, ત્યારે તેઓ સગર્ભા સ્ત્રીની સાથે હોસ્પિટલમાં જાય છે.
અહીંના ગામોમાં, કોઈ નિયમિત મીટીંગો અને જાગૃતિ શિબિરો નથી ભરાતી, મહિલાઓ અને કિશોરવયની છોકરીઓ સાથે તેમના સ્વાસ્થ્યની ચિંતા બાબતે કોઈ ચર્ચા નથી કરાઈ. આશા વર્કરોની બેઠકો શાળાના મકાનોમાં ગોઠવવાની હોય છે તેવું ભાગ્યે જ થાય છે કારણ કે કોટાગુડામાં કોઈ શાળા નથી (જોકે તેન્ટાપાલીમાં એક એવી શાળા છે, જ્યાં શિક્ષકોએ ક્યારેય નિયમિતપણે પ્રવેશ કર્યો નથી) અને આંગણવાડીનું મકાન અધૂરું છે.
આ વિસ્તારના એક આશા કાર્યકર જમુના ખારા કહે છે કે જોડામ્બો પંચાયતમાં પીએચસી ફક્ત નાની બીમારીઓ માટે જ પ્રાથમિક સારવાર આપી શકે છે અને તેમાં સગર્ભા સ્ત્રીઓ માટે કે જટિલ કેસોની સુવિધા નથી, તે અને અન્ય દીદીઓ ચિત્રકોંડા સીએચસીને પસંદ કરે છે. “પરંતુ તે ખૂબ દૂર છે અને માર્ગ દ્વારા યોગ્ય મુસાફરી શક્ય નથી. બોટ જોખમી છે. સરકારની લોંચ બધા સમયે ચાલતી નથી. તેથી હવે ઘણા વર્ષોથી અમે દાયણમા [પરંપરાગત જન્મ કરાવનાર, ટીબીએ] પર આધારીત છીએ. "
પરોજા આદિવાસી, તેન્ટાપાલીના ગામડાના સમરી ખિલ્લો આની પુષ્ટિ કરે છે: “અમે તબીબો [સેવાઓ] કરતા દાઇમા(દાયણ) પર વધારે આધાર રાખીએ છીએ. મારા ત્રણ બાળકોનો જન્મ ફક્ત દાયણની સહાયથી કરાવવામાં આવ્યો - અમારા ગામમાં ત્રણ દાયણ છે. "
અહીં આસપાસના 15 જેટલા ગામોની મહિલાઓ બોધકી ડોકરી પર આધારીત છે - (ટીબીએ) પરંપરાગત રીતે પ્રસવ સહાય કરનારને સ્થાનિક દેશીયા ભાષામાં આ રીતે ઉલ્લેખવામાં આવે છે. "તેઓ અમારા માટે વરદાન છે કેમ કે અમે તબીબી કેન્દ્રોની મુલાકાત લીધા વિના સલામત રીતે માતા બની શકીએ છીએ." “અમારા માટે, તેઓ ડોક્ટર અને ભગવાન છે. સ્ત્રીઓ તરીકે, તેઓ પણ અમારી વેદનાને સમજે છે - પુરુષોને ભાગ્યે જ ખ્યાલ આવે છે કે આપણું પણ હૃદય છે અને આપણે પણ દુઃખ અનુભવીએ છીએ. તેઓ વિચારે છે કે આપણે બાળકોને જન્મ આપવા માટે જ સર્જાયા છીએ. ”
અહીં દાયણો, જે ગર્ભ ધારણ કરી શકતી નથી તેવી મહિલાઓને સ્થાનિક ઔષધીય વનસ્પતિઓ આપે છે . જો આ કામ કરતું નથી, તો તેમના પતિઓ ક્યારેક બીજા લગ્ન કરે છે.
કુસુમા નારીઆ, જેમણે 13 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને 20 વર્ષની વયે ત્રણ બાળકોને જન્મ આપ્યો, તેણે મને કહ્યું કે ગર્ભનિરોધકની વાત તો ચાલો છોડી દો, તે માસિક સ્રાવ વિશે પણ જાણતી નહતી. તે કહે છે, “હું એક બાળકી હતી અને કંઇ જાણતી ન હતી. “પરંતુ જ્યારે [માસિક સ્રાવ] થયુ, ત્યારે માતાએ કપડાનો ઉપયોગ કરવાનું કહ્યું અને પછી એમ કહીને મારા લગ્ન કરી દીધા, કે હું મોટી ઉંમરની છોકરી બની ગઈ છું. મને શારીરિક સંબંધો વિશે કંઈપણ ખબર નહોતી. મારી પ્રથમ પ્રસુતિ દરમિયાન, તેણે બાળકને મરી ગયું કે કેમ તે ધ્યાનમાં લીધા વિના, મને એકલી છોડી દીધી - કારણ કે તે એક છોકરી હતી. પણ મારી દિકરી બચી ગઈ. ”
કુસુમાના અન્ય બે બાળકો છોકરાઓ છે. “જ્યારે મેં ટૂંકા ગાળા પછી બીજા બાળક માટે ના પાડી ત્યારે મને માર મારવામાં આવ્યો કારણ કે દરેક જણ છોકરાની આશામાં હતા. મને કે મારા પતિને દવા [ગર્ભનિરોધક] વિશે કોઈ જાણકારી નહતી. જો હું જાણતી હોત, તો મેં સહન કર્યુ નહોત. પરંતુ જો મેં વિરોધ કર્યો હોત તો મને ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હોત. "
કોટાગુડામાં કુસુમાના ઘરથી બહુ દૂર પ્રભા રહે છે. તેણે બીજા દિવસે મને કહ્યું: “હું વિશ્વાસ કરી શકતી નથી કે હું જીવિત છું. મને ખબર નથી કે તે પછી જે બધું થઈ રહ્યું હતું તે મેં કેવી રીતે સહન કર્યુ. હું ભયંકર પીડામાં હતી, મારો ભાઈ રડતો હતો, આવી પીડામાં મને જોઈ શકતો ન હતો. પછી એક પછી એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધીની યાત્રા, પછી આ બાળકનું જન્મવુ અને તેને કેટલાક દિવસોથી હું જોઈ નહીં શકી. હું જાણતી નથી કે હું આ બધામાંથી કેવી રીતે બચી ગઇ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે કોઈને આવા અનુભવો ન થવા જોઈએ. પરંતુ અમે બધી ઘાટીની [પર્વત] છોકરીઓ છીએ અને જીવન આપણા બધા માટે સરખું છે. "
મૃતુંજયને જન્મ આપવાનો પ્રભાનો અનુભવ - અને અહીંના ગામોમાં ઘણી સ્ત્રીઓની વાર્તાઓ અને આદિવાસી ભારતના આ ભાગોમાં મહિલાઓ કેવી રીતે જન્મ આપે છે તે ખુબ જ અવિશ્વસનીય છે. પણ શું આપણા મલકાંગિરીમાં શું થાય છે તેની કોઈને પરવા છે?
સામાન્ય લોકોના અવાજ અને જીવંત અનુભવ દ્વારા, પારિ અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટનો ગ્રામીણ ભારતમાં કિશોરો અને યુવતીઓ પરનો દેશવ્યાપી રિપોર્ટિંગ પ્રોજેક્ટ, પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા સપોર્ટ કરાયેલ આ મહત્વપૂર્ણ, હજી હાંસિયામાં ધરેલા જૂથોની પરિસ્થિતિને શોધવાની પહેલનો એક ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો ? કૃપા કરી zahra@ruralindiaonline.org પર સીસી સાથે namita@ruralindiaonline.org પર લખો
અનુવાદક – છાયા વ્યાસ.