પાંચ મહિનાની સગર્ભા પલ્લવી ગાવીત ત્રણ કલાકથી એક ખાટલા પર પીડાની મારી વળ ખાતી પડી હતી. . જ્યારે પલ્લવીનું ગર્ભાશય એના યોનિમાર્ગમાંથી બહાર સરકી આવ્યું ત્યારે એની જેઠાણી 45 વર્ષની સપના ગરેલ એની પાસે જ હતી. એમાં પાંચ માસનો નિર્જીવ પુરુષ ગર્ભ હતો. પલ્લવીની પીડા અસહ્ય હતી , તેના શરીરમાંથી લોહી અને અન્ય સ્ત્રાવ વહેતા રહ્યાં અને પલ્લવી બેભાન થઈ ગઈ.
25 મી જુલાઈ, 2019 સવારના 3 વાગ્યા હતા. મુશળધાર વરસાદમાં સાતપુડા પર્વતમાળામાં 55 ભીલ પરિવારોની વસાહત હેંગળપાણીમાં પલ્લવીનું કાચું ઝૂંપડું ભીંજાઈ રહ્યું હતું. મહારાષ્ટ્રની ઉત્તર-પશ્ચિમે નંદુરબાર જિલ્લાના આ દુર્ગમ ભાગમાં ન તો પાકા રસ્તાઓ છે અને ન તો મોબાઇલ નેટવર્ક. પલ્લવીનો પતિ ગિરીશ( આ અહેવાલમાં બધા જ નામો બદલ્યા છે.) કહે છે, “ આપત્તિ કદી કહીને થોડી આવે છે? તે કોઈપણ સમયે આવી શકે છે. મોબાઈલ નેટવર્ક વિના એમ્બ્યુલન્સને કે ડોક્ટરને પણ કઈ રીતે ફોન કરી શકીએ ?”
30 વર્ષનો ગિરીશ પોતાની વાત ચાલુ રાખતા કહે છે, “ હું ખૂબ ગભરાઈ ગયો હતો . મારે એને મરવા નહોતી દેવી.” પરોઢિયે ચાર વાગે અંધારામાં ધોધમાર વરસાદમાં ગિરીશ અને એનો એક પડોશી વાંસ અને ચાદરથી બનાવેલ કામચલાઉ સ્ટ્રેચર પર પલ્લવીને ગામથી 105 કિલોમીટર દૂર સાતપુડાના પહાડી અને કીચડવાળા રસ્તે ધાડગાંવ લઈ જવા નીકળ્યા.
હેંગળપાણી ગામ અકરાણી તાલુકાના તોરણમલ ગ્રામપંચાયત વિસ્તારમાં આવે. તોરણમલ ગામની હોસ્પિટલ વધારે પાસે ગણાય પણ રાતના વખતે એ રસ્તો સુરક્ષિત ન હતો. કાદવમાં ચપ્પલ સરકી જાય એટલે સાવ ખુલ્લે પગે કાદવવાળા ડુંગરાળ રસ્તે અંધારામાં ગિરીશ અને એનો સાથી મુશ્કેલીથી આગળ વધતાં રહ્યા. ઝોળા પર પ્લાસ્ટિક ઓઢીને પલ્લવી પીડાના ઊંહકારા ભરતી પડી હતી.
લગભગ ત્રણ કલાક પહાડી ઊંચાઈ ચઢીને એ લોકો તોરણમલ ઘાટ રોડ પહોંચ્યા. ગિરીશ કહે છે, “ એ લગભગ 30 કિલોમીટરનું ચઢાણ છે." ત્યાંથી રૂ. 1000 આપીને એમણે જીપ ભાડે લીધી અને ધડગાંવ પહોંચ્યા. પાંચ કલાકની મુસાફરી પછી પલ્લવીને ધડગાંવની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ગ્રામીણ હોસ્પિટલ તો હજી ત્યાંથી બીજા દસ કિલોમીટર દૂર હતી. તે કહે છે, “ મને જે પહેલું દવાખાનું [આરોગ્ય સુવિધા] દેખાયું એમાં હું તેને લઈ ગયો . આ હોસ્પિટલ મોંઘી હતી પણ તેઓએ મારી પલ્લવીને બચાવી તો લીધી”. ડૉક્ટરે તેમની પાસેથી 3000 રૂપિયા લીધા અને બીજે દિવસે પલ્લવીને રજા આપી દીધી. ગિરીશે યાદ કરે છે, “ ડૉક્ટર કહેતા હતા કે બહુ લોહી વહી જવાથી પલ્લવીનું મરણ પણ થઈ ગયું હોત.”મહિનાઓ પછી પલ્લવીને હજી રોજેરોજ તકલીફ અને દુખાવો રહે છે. એ કહે છે, “હજી ય હું નીચી નમીને કામ કરું કે કોઈ ભારે વાસણ ઊંચકું તો મારી ગર્ભની કોથળી મારા યોનિમાર્ગમાંથી સરકી પડે છે.” પલ્લવી 23 વર્ષની છે. એને ખુશી નામની એક વર્ષની દીકરી છે. ખુશીનો જન્મ હેંગળપાણીની માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર (Accredited social health activist ‘આશા’) ની સહાયથી ઘરમાં જ થયેલો. પણ પલ્લવીનું ગર્ભાશય ખસી ગયું છે અને એની પૂરતી સારવાર નથી થઈ અને તેના કારણે તેને બાળકની સંભાળ રાખવામાં મુશ્કેલી પડી રહી છે.
પલ્લવી મને કહે છે, “મારે ખુશીને નવડાવવી પડે, એને ધવડાવવી પડે, એને ઊંચકવી પડે, રમાડવી પડે. એમાં એટલો બધો શારીરિક શ્રમ પડે કે કોઈ કોઈ વાર મને પેટમાં બળતરા થાય છે. છાતીમાં દુખે છે, ઉઠતાં-બેસતાં પણ તકલીફ પડે છે.”
ગિરીશ તેમની બે ગાયોને ચરાવવા લઈ જાય ત્યારે પલ્લવીએ જ દરરોજ ડુંગરની નીચે વહેતા ઝરણામાંથી પાણી ભરી લાવવું પડે છે. એ કહે છે, “ એ માટે બે કિલોમીટર નીચે ઊતરવું પડે. પણ અમારે માટે પાણીનો એક માત્ર સ્રોત આ જ છે.” એપ્રિલ- મે મહિનાઓમાં તો એ સ્ત્રોત પણ સુકાઈ જાય છે . એ વખતે પલ્લવી અને ગામની બીજી સ્ત્રીઓ પાણીની શોધમાં વધુ નીચે જાય છે.
તે અને ગિરીશ ચોમાસા દરમિયાન બે એકરમાં મકાઈ અને જુવારનું વાવેતર કરે છે. ગિરીશ કહે છેઆ સીધા ઢોળાવોવાળી જમીનની ઉપજ નબળી છે. “અમને 4-5 ક્વિન્ટલ [400-500 કિગ્રા] અનાજ મળે એમાંથી હું 1-2 ક્વિન્ટલ હું તોરણમલમાં કરિયાણાની દુકાને 15 રૂપિયે કિલોના ભાવે વેચી દઉં.” વાર્ષિક લણણી થઈ જાય એ પછી ગિરીશ શેરડીના ખેતરોમાં કામ શોધવા પડોશી રાજ્ય ગુજરાતના નવસારી જિલ્લામાં જાય છે. ત્યાં એને વર્ષના લગભગ 150 દિવસ રોજના 250 રૂપિયા લેખે વેતન મળે છે.
પલ્લવીને વારે વારે ચક્કર આવે છે, ઝીણો તાવ રહે છે. કોઈ કોઈ વાર તો એ બેભાન થઈ જાય છે પણ ઘરમાં અને ખેતરમાં એટલું બધું કામ રહે કે એ પછી એની પાસે એમના ગામથી 35 કિલોમીટર દૂરના જાપી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી જવાની તાકાત નથી રહેતી. ‘આશા’ કાર્યકર બહેન એને દવા આપે છે. પલ્લવી કહે છે, “ મને ખૂબ જ નબળાઈ લાગે છે. મારે ડૉક્ટર પાસે જવું છે. પણ જવું શી રીતે? ” નીચે ઊતરી ગયેલા ગર્ભાશય સાથે ડુંગરાળ રસ્તે 35 કિલોમીટર ચાલીને જવું તેને માટે લગભગ અશક્ય છે.
14 ગામો અને 60 વસાહતો મળીને તોરણમલ ગ્રામ પંચાયતની વસ્તી (ગ્રામ પંચાયતના એક સભ્યના અંદાજ મુજબ) 20000 ની છે. આ બધાં ગામો માટે જાપીમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, છ પેટા કેન્દ્રો છે અને તોરણમલ જુને (જૂના) ગામમાં ત્રીસ પથારીઓવાળી ગ્રામીણ હોસ્પિટલ છે. ત્યાં સંતતિ નિયમન માટે કોન્ડોમ, ગોળીઓ, વંધ્યીકરણ કામગીરી અને આઈયુડી સાધનો નાખી આપવાની સેવાઓ મળે છે. સગર્ભા સ્ત્રીઓ માટે અને પ્રસૂતિ પછી માતા-બાળકની સંભાળ માટે પણ ત્યાં સગવડો છે. પણ આ વિસ્તારમાં આવ-જા કરવાનું મુશ્કેલ હોવાને કારણે અને વસાહતો દૂર દૂર હોવાને કારણે મોટા ભાગની મહિલાઓની પ્રસૂતિ ઘેર જ કરાવવામાં આવે છે.
જાપીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક ડૉક્ટર, જેઓ પોતાનું નામ જણાવવા માગતા નથી, કહે છે, “ તોરણમલમાં પ્રસૂતિમાં મુશ્કેલી થવાના કેસો ખૂબ વધારે આવે છે કારણ કે અહીં આદિવાસીઓ ડુંગરાની ટોચના ભાગમાં રહેતા હોય છે અને સગર્ભાવસ્થા દરમ્યાન પણ સ્ત્રીઓ પાણી ભરવા દિવસમાં કેટલીય વાર ડુંગર પર ચડ-ઉતર કરે છે. એને લીધે ગૂંચવણો અને અધૂરે મહિને પ્રસૂતિ થાય છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાજેતરમાં, 2016 માં જ શરૂ કરાયું છે અને ત્યાં બે ડૉક્ટરો, બે નર્સો અને એક વૉર્ડ મદદનીશનો સ્ટાફ છે. અહીં દરરોજ માંડ ચાર કે પાંચ દર્દીઓને તપાસવામાં આવે છે. તેઓ કહે છે, "‘જ્યારે પરિસ્થિતિ ખરેખર કથળી જાય અથવા 'ભગત’ (પારંપરિક વૈદ્ય) ની સારવાર નિષ્ફળ જાય તો જ લોકો અહીં આવે છે.”
એપ્રિલ 2019થી માર્ચ 2020 દરમ્યાન ગર્ભાશય ખસી જવાના પાંચ કેસો ડૉક્ટર પાસે આવ્યા હતા. “ એ બધા કેસમાં શસ્ત્રક્રિયા કરાવ્યા વિના બીજો ઉપાય નહોતો. અહીં અમારી પાસે આવા મુશ્કેલ કેસોની સારવાર કરવાની સગવડો નથી તેથી અમે આ બધા દર્દીઓને નંદુરબાર સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા.’’
જ્યારે સ્ત્રીના પેઢુના સ્નાયુઓ અને અસ્થિબંધ ખેંચાઇ જાય અથવા નબળા પડી જાય અને ગર્ભાશયને આધાર આપી શકે એવા નથી રહેતા ત્યારે સ્ત્રીનું ગર્ભાશય નીચે ઊતરી જાય છે. મુંબઈના ફેડરેશન ઑફ ઓબ્સ્ટ્રેટિક્સ અને ગાયનેકોલોજિકલ સોસાયટીઝ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ ડૉ. કોમલ ચવાણ કહે છે, “ગર્ભાશય સ્નાયુઓનું બનેલું હોય છે. પેઢુના ભાગમાં સ્નાયુઓ, માંસપેશીઓ અને અસ્થિબંધ એને પોતાના સ્થાને જકડી રાખે છે. કેટલીક સ્ત્રીઓના શરીરમાં સગર્ભાવસ્થા, વધારે બાળકોના જન્મ, પ્રસૂતિ થવામાં વધારે પડતો વિલંબ અથવા [પ્રસૂતિ કરાવવામાં] અણઘડપણું જેવા કારણોથી આ સ્નાયુઓ ઢીલા પડી જાય છે અને ગર્ભાશય નીચે ઊતરી આવે છે.” ગંભીર કેસોમાં પેઢુના નબળા પડી ગયેલા સ્નાયુઓને સરખા કરવા પુન:રચનાત્મક શસ્ત્રક્રિયા અથવા હિસ્ટરેક્ટોમી કરવી પડે છે (શસ્ત્રક્રિયા દ્વારા સ્ત્રીના પ્રજનનાંગો દૂર કરવા પડે છે) . સ્ત્રીની ઉંમર અને સમસ્યાની ગંભીરતા જોઈને ડૉક્ટર આ નિર્ણય કરે છે.
ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં 2015માં પ્રકાશિત થયેલા મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની ગ્રામીણ સ્ત્રીઓમાં ક્રોનિક ઓબ્સ્ટ્રેટિક મોર્બિડીટી(સીઓએમ) વિષેના 2006-07 માં કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સીઓએમની સમસ્યાવાળી 136 સ્ત્રીઓમાં મોટાભાગની સ્ત્રીઓમાં (62%ને) ગર્ભાશય ખસી જવાની તકલીફ જણાઈ હતી. વધતી વય અને સ્થૂળતા ઉપરાંત અહેવાલમાં નોંધાયું છે કે, “વધારે પ્રસૂતિઓ અને પરંપરાગત દાયણો દ્વારા કરાવવામાં આવતી પ્રસૂતિઓ જેવા પરિબળો ગર્ભાશય ખસી જવાના બનાવો સાથે નોંધપાત્ર રીતે સંકળાયેલા હતા.’
નંદુરબાર સિવિલ હોસ્પિટલ જ્યાં પલ્લવીની ગર્ભાશય ખસી જવાની સમસ્યાની નિ:શુલ્ક શસ્ત્રક્રિયા થઈ શકે એ હોસ્પિટલ એની વસાહત હેંગળપાણીથી 150 કિલોમીટર દૂર છે. ત્યાં પહોંચવા ત્રણ કલાક ડુંગર ચડીને જવું પડે ને પછી ત્યાંથી બસમાં ચાર કલાકની મુસાફરી કરવાની થાય. પલ્લવી કહે છે, “મારાથી બેસાતું નથી. કશુંક જાણે વચ્ચે આવે છે. ખૂબ દુખાવો થાય છે. મારાથી એક જગ્યાએ લાંબો વખત બેસી શકાતું જ નથી.” આ માર્ગ ઉપર રાજ્ય પરિવહનની બસ તોરણમલથી દિવસમાં એક જ વાર બપોરે લગભગ એક વાગે ઉપડે છે. એ પૂછે છે, “ ડૉક્ટરો અહીં ન આવે?”
ડૉક્ટર જણાવે છે કે રસ્તા દ્વારા જોડાયેલા ન હોવાને કારણે તોરણમલના દર્દીઓને દૂરના વિસ્તારોમાં ઘેર બેઠા આરોગ્ય સેવાઓ આપતા મોબાઈલ તબીબી એકમોનો લાભ પણ મળતો નથી. અકરાણી બ્લોકમાં 31 ગામો અને બીજી ઘણી વસાહતો રસ્તા દ્વારા જોડાયેલા નથી. મહારાષ્ટ્ર સરકારની નવસંજીવની યોજના અંતર્ગત દુર્ગમ વિસ્તારોમાં મોબાઈલ તબીબી એકમો આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડે છે. આ એકમોમાં એક તબીબી અધિકારી અને એક તાલીમબદ્ધ નર્સ હોય છે. મહારાષ્ટ્ર આદિજાતિ વિકાસ વિભાગના આદિજાતિ ઘટક યોજનાના વર્ષ 2018-19ના વાર્ષિક અહેવાલ મુજબ અકરાણી તાલુકામાં પણ આવા બે એકમો કાર્યરત છે.પરંતુ એ એકમો પલ્લવીની વસાહત જેવા સ્થળોએ નથી પહોંચી શકતા.
જાપીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ “નથી વીજળી, નથી પાણી ને નથી કર્મચારીઓને રહેવાની કોઈ વ્યવસ્થા.” ત્યાંના ડૉક્ટર કહે છે, “ આ વિષે મેં આરોગ્ય વિભાગને કેટલાય પત્રો લખ્યા પણ વાત આગળ વધતી જ નથી.” આરોગ્ય કાર્યકરોને રોજ રોજ નંદુરબારથી જાપી આવ-જા કરવાનું ફાવતું નથી. ડૉક્ટર ઉમેરે છે, “ એટલે અમે અઠવડિયાના પાંચ દિવસ અહીં કામ કરીએ છીએ. રાત્રે ‘આશા’ કાર્યકરને ઘેર રહીએ છીએ. અને શનિ-રવિ નંદુરબાર અમારે ઘેર જતા રહીએ છીએ.”
આવી સ્થિતિમાં આ વિસ્તારમાં ‘આશા’ કાર્યકરની ભૂમિકા વધુ મહત્ત્વની બને છે. પણ એમની પાસે પણ પૂરતી દવાઓ અને કીટ્સ હોતા નથી. હેંગલપાણીની ‘આશા’ કાર્યકરોની સહાયક વિદ્યા નાઇક(નામ બદલ્યું છે) કહે છે, “સગર્ભા સ્ત્રીઓને માટે લોહતત્વની અને ફ્રોલિક એસિડની ગોળીઓ કે પ્રસૂતિ કરાવતી વખતે જરૂરી એક વાર વાપરીને ફેંકી દઈ શકાય એવા સાધનોની માસ્ક, ગ્લવ્ઝ, કાતર સાથેની કીટનો પુરવઠો પણ નિયમિત નથી મળતો. તેઓ 10 વસાહતોમાં 10 આશા કાર્યકરોના કામની દેખરેખ રાખે છે.
કેટલાક ‘આશા’ કાર્યકરોને પ્રસૂતિ કરવવાની તાલીમ મળેલી હોય છે પણ એ ગૂંચવણવાળી પ્રસૂતિ કરાવી શકતા નથી. વિદ્યાએ ઘેર કરાવાતી અસુરક્ષિત પ્રસૂતિઓમાં લગભગ દર મહીને બે-ત્રણ શિશુઓનું અને એક કે બે માતાઓનું મરણ થતું જાણ્યું છે. એ કહે છે, “ અમારે બીજું કશું નથી જોઈતું. સલામત રીતે પ્રસૂતિ કરાવી શકાય એ માટે સલામત રીતે મુસાફરી કરી શકાય એવો રસ્તો પૂરો પાડો."
ડૉ. ચવાણ ઉમેરે છે કે “ખાસ કરીને તકલીફભર્યા ભૌગોલિક વિસ્તારોમાં જ્યાં સ્ત્રીઓનું રોજિંદુ જીવન પણ પડકારજનક હોય છે ત્યાં પ્રસૂતિ પછીની સંભાળ ઉપરાંત સગર્ભાવસ્થા દરમ્યાન સમયસર સારવાર આપી શકાય એ માટે યોગ્યતા ધરાવતા સ્ત્રીરોગચિકિત્સકો ઉપલબ્ધ હોય એ ખૂબ મહત્ત્વનું છે.”
ભારત સરકારની 2018-19ના ગ્રામીણ સ્વાસ્થ્ય આંકડાકીય માહિતી દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં સમુદાય સ્વાસ્થ્ય કેન્દ્રોમાં 1456 તબીબી નિષ્ણાતોની જરૂર છે. આમાંના દરેક કેન્દ્ર પર ચાર તબીબો હોવા જરૂરી છે. એક સ્ત્રીરોગનિષ્ણાત, એક સર્જન, એક ફિઝિશિયન અને એક બાળરોગ નિષ્ણાત હોવા જોઈએ. પરંતુ 31 માર્ચ 2019ની માહિતી મુજબ આમાંથી માત્ર 485 પોતાના સ્થાને હતા. એટલે કે 971 અથવા 67% ઓછા હતા.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સર્વેક્ષણ-4 (
એનએફએચએસ-4
, 2015-16) નોંધે છે કે ગ્રામીણ નંદુરબાર ક્ષેત્રમાં માત્ર 26.5% મતાઓને પ્રસૂતિ પછીની સેવાઓ પૂરેપુરી મળી હતી. માત્ર 52.5% સ્ત્રીઓને હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ હતી. ઘરમાં પ્રસૂતિ કરાવનાર સ્ત્રીઓમાંથી માત્ર 10.4 સ્ત્રીઓને કુશળ આરોગ્ય કર્મચારીની મદદ મળી હતી.
કુપોષણ અને નબળા શિશુ અને માતૃ આરોગ્યની સમસ્યા સામે સંઘર્ષ કરતો, - મુખ્યત્વે ભીલ અને પાવરા - આદિવાસી સમુદાયોની મોટી વસ્તી ધરાવતો નંદુરબાર જિલ્લો મહારાષ્ટ્રના
માનવ વિકાસ સૂચકાંક
2012માં સૌથી નીચેના ક્રમે છે.
પલ્લવીના ઘરથી 40 કિલોમીટર દૂર તોરણમલના જંગલમાં બીજી એક ટેકરી પર લેગાપાણી વસાહત છે. ત્યાં ઘાસથી છાયેલા એક નાના અંધારિયા ઝૂંપડામાં સારિકા વસાવે(આ એનું સાચું નામ નથી) સારિકા વસાવે (નામ બદલ્યું છે) પાણીમાં પલાશના ફૂલો ઉકાળી રહી હતી. 30 વર્ષની સારિકા કહે છે, “ મારી દીકરીને તાવ ચઢ્યો છે. હું એને આ પાણીથી નવડાવીશ એટલે એને જરા સારું લાગે. સારિકા ભીલ સમુદાયની છે. એને સગર્ભાવસ્થાના છ મહિના થયા છે અને એનાથી પથ્થરના ચૂલા સામે લાંબો વખત બેસાતું નથી. એ કહે છે, “ મારી આંખો બળે છે. અને અહીં (જંઘામૂળ તરફ ઈશારો કરીને) બહુ દુખે છે. મારી પીઠ પણ બહુ જ દુખે છે.”
થાકી ગયેલી અને નબળી પડી ગયેલી સારિકાને પણ ગર્ભાશય ખસી જવાની તકલીફ છે. પણ એને રોજિંદા કામ તો કરવા જ પડે છે. જ્યારે પણ તે પેશાબ કરે ત્યારે અથવા જાજરૂ કરતી વખતે થોડું જોર કરે ત્યારે એનું ગર્ભાશય નીચું ઉતરી આવે છે અને યોનિમાર્ગે બહાર આવી જાય છે. જોરથી શ્વાસ લેતા અને ચહેરા પરથી પરસેવો લૂછતા તે કહે છે, "મારી સાડીના છેડાથી હું એને પાછું ધકેલું છું. પણ એનાથી દુખે છે.’’ ચૂલામાંથી ધૂમાડાના ગોટા બહાર આવતા સારિકા પોતાનું મોં ફેરવી દે છે.
એને ત્રણ વર્ષથી ગર્ભાશય ખસી જવાની તકલીફ છે. 2015માં એને સગર્ભાવસ્થાનો આઠમો મહિનો ચાલતો હતો ત્યારે રાતે 1 વાગે એને અચાનક પ્રસવપીડા ઉપડી. એની સાસુએ એની પ્રસૂતિ કરવી. છ કલાકની પ્રસવપીડા પછી સારિકાનું ગર્ભાશય યોનિમાર્ગમાંથી બહાર આવી ગયું. એ સમય યાદ કરતાં સારિકા કહે છે, “ જાણે કોઈએ મારા શરીરમાંથી કોઈ ભાગ બહાર ખેંચી કાઢ્યો હોય એવું મને લાગેલું.”ડૉ. ચવાણ જણાવે છે કે, “ગર્ભાશય ખસી જવાની સમસ્યાની સારવાર ન કરાય તો એનાથી હજી મૂત્રમાર્ગનો ચેપ, ઘસારો થાય ત્યારે લોહી પડવું, ચેપ લાગવો અને દુખાવો થવો વગેરે જેવી વધુ સમસ્યાઓ સર્જાઈ શકે છે . આ બધાને લીધે રોજેરોજના વ્યવહારમાં સાધારણ હલનચલન કરવું પણ અગવડભર્યું બને છે." તેઓ ઉમેરેછે કે વય વધતી જાય એમ એમ આ સમસ્યા વધારે વણસે છે.
ગર્ભાશય ખસી જવાની તકલીફ કોઈ પણ તબક્કામાં હોય એવી સ્ત્રીઓને વજન ન ઉપાડવાની અને કબજિયાત ટાળવા રેસાવાળો પોષણયુક્ત આહાર લેવાની અને પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પણ સારિકાને તો એક ટંકનું પૂરું ભોજન ને એક ઘડો પીવાનું પાણી મળવાની પણ સમસ્યા છે. સગર્ભા હોય કે ન હોય એને પાણી ભરવા રોજ ડુંગર ઉતરીને આઠ કિલોમીટર નીચે હેન્ડપંપ સુધી જવું પડે છે. પાછું સીધું ચઢાણ તો વધુ અઘરું છે અને ચઢતા પણ વાર લાગે છે. તે મને કહે છે, “ મારી કોથળી મારા સાથળ જોડે ઘસાય એનાથી ખૂબ જ બળતરા થાય. કોઈ વાર લોહી પણ નીકળે.” ઘેર પહોંચીને એ એના બહાર આવી ગયેલા ગર્ભાશયને પાછું અંદર ધકેલી દે છે.
શારીરિક પીડા ઉપરાંત આ પરિસ્થિતિના સામાજિક અને આર્થિક પરિણામો પણ છે. ખસી ગયેલું ગર્ભાશય લગ્નસંબંધ પર પણ અસર કરી શકે, પતિ સ્ત્રીને છોડી દે કે એની અવગણના કરે એવું ય બને છે. સારિકા સાથે પણ આવું જ બન્યું છે.
સારિકાને ગર્ભાશય ખસી જવાની તકલીફ થઈ એ પછી એના પતિ સંજયે (નામ બદલ્યું છે) બીજા લગ્ન કરી લીધાં. સંજય ધાડગાંવની હોટેલોમાં કામ કરે છે, અને મહિનામાં ચારપાંચ દિવસ કામ મળે એમાં એ રોજના 300 રુપિયા કમાય છે. સારિકા કહે છે, “ એને જે મળે એ એની બીજી પત્ની અને બાળક માટે ખર્ચી નાખે છે.” ખેતરમાં તો એ ભાગ્યે જ કામ કરે છે. 2019ના ચોમાસામાં સારિકાએ પોતે એના બે એકરના ખેતરમાં એક ક્વિન્ટલ મકાઈ ઉગાડી હતી . "50 કિલોગ્રામ મકાઈ મારો પતિ પોતાની બીજી પત્ની અને બાળક માટે લઈ ગયો. બાકીની મેં ભાખરી બનાવવા દળીને રાખી.”
આવકનું કશું જ સાધન ન હોવાને કારણે સારિકા ‘આશા’ કાર્યકર અને કેટલાક ગામલોકો એને જે દાળ-ચોખા આપે એનાથી નભાવે છે. કોઈ કોઈ વાર એ પૈસા ઉધાર લે છે. તે કહે છે, “ગામના એક જણ પાસેથી મેં જૂન (2019)માં રેશન અને બિયારણ ખરીદવા માટે 800 રૂપિયા ઉધાર લીધેલા એ મારે ચુકવવાના છે.
અને કોઈ વાર એનો પતિ એને મારે છે. એની સાથે સંભોગ કરવા દબાણ કરે છે. તે કહે છે, “ એને મારી આ સ્થિતિ(ગર્ભાશય ખસી જવાની) ગમતી નથી. એટલે જ એ બીજી વાર પરણ્યો. પણ કોઈ વાર બહુ પીધેલો હોય ત્યારે એ આવે છે. હું [સંભોગ દરમિયાન] પીડાથી ચીસો પાડું તો પછી એ મને મારે છે."જે દિવસે હું તેને મળી તે દિવસે એના ચૂલાની પાસે એક વાસણમાં રાંધેલા ચોખા પડ્યા હતા. એનું અને એની પાંચ વર્ષની દીકરી કરુણાનું આજના દિવસનું આ એક માત્ર ભોજન હતું. તે કહે છે, “ઘરમાં હવે માંડ એક કિલો ચોખા છે.” એના બીપીએલ રેશનકાર્ડ પર એને મળેલા ત્રણ કિલો ચોખા અને આઠ કિલો ઘઉંમાંથી હવે એટલા જ રહ્યા હતા. એની ત્રણ બકરીઓ પોષણનો એક માત્ર વધારાનો સ્રોત છે. “ એક બકરીનું રોજ એક પ્યાલા જેટલું દૂધ મળે છે.” એ દૂધ પણ એ એની દીકરીને અને એના 4 વર્ષના સાવકા દીકરા સુધીરને સરખે ભાગે વહેંચી આપે છે. સુધીર એની મા સાથે સારિકાના ઘરથી બે કિલોમીટર દૂર રહે છે.
તોરણમલની ગ્રામીણ હોસ્પિટલ સારિકાની ઝૂંપડીથી 15 કિલોમીટર દૂર છે. પેટા આરોગ્યકેન્દ્ર 5 કિલોમીટર દૂર છે. એ સીધું ચઢાણ છે. જીપ આવે-જાય ખરી પણ નિયમિત નથી એટલે સારિકાએ ચાલીને જ જવું પડે. તે કહે છે, “હું બહુ ચાલી શકતી નથી. મને બહુ જલ્દી શ્વાસ ચડી જાય છે.” પ્રસૂતિ પછી જ્યારે એ પેટ આરોગ્યકેન્દ્ર ગયેલી ત્યારે એને સિકલ સેલની પણ તકલીફ હોવાનું જણાયું હતું. આ તકલીફ આનુવંશિક હોય છે અને એમાં વ્યક્તિનું હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે અને એ એ એનેમિક રહે છે.
2016 માં બનેલી તોરણમલ ગ્રામીણ હોસ્પિટલમાં 30 પથારીઓ છે. મેડિકલ ઓફિસર ડૉ. સુહાસ પાટિલ કહે છે કે અહીં બહારના દર્દીઓના વિભાગમાં રોજના 30 થી 50 દર્દીઓ આવે છે. તેઓ તાવ, શરદી અથવા શારીરિક ઈજા જેવી નાની બીમારીઓ સાથે આવે છે. આસપાસના 25 ગામોમાંથી મહિને માંડ એક કે બે મહિલાઓ પ્રસૂતિ માટે આવે છે. હોસ્પિટલમાં બે તબીબી અધિકારીઓ , સાત નર્સો, એક લેબોરેટરી છે (પણ ટેકનિશયન નથી). એક લેબોરેટરી સહાયક છે. સારિકા જેવા ગંભીર કેસોની સારવાર માટે પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગચિકિત્સક અથવા અન્ય કોઈ નિષ્ણાત માટે કોઈ સ્થાન નથી.
ડૉ.પાટિલ જણાવે છે કે ગર્ભાશય ખસી ગયાના કેસો અમારી પાસે આવતા જ નથી. મોટા ભાગના કેસો રક્તસ્રાવ અને સિકલ સેલ એનીમિયાના જ હોય છે. આવા કેસો અમારી પાસે આવે તો પણ એની સારવાર કરવાની સુવિધા કે વ્યાવસાયિક કુશળતા અમારી પાસે નથી. ડૉ. પાટિલ 2016થી આ હોસ્પિટલમાં છે અને હોસ્પિટલના સ્ટાફ માટેના ક્વારટર્સમાં રહે છે.
આ હોસ્પિટલમાં સારિકાની તકલીફ માટે સગવડ કે ડૉક્ટર હોત તો પણ સારિકાએ ડોક્ટરને ગર્ભાશય ખાંસી ગયાની વાત કરી ન હોત. એ પૂછે છે, “એ બાપ્યા [પુરુષ] ડોક્ટર છે. હું એને કઈ રીતે કહું કે મારી ‘કોથળી’ ખસી જાય છે?
આવરણ રેખાંકન: પ્રિયંકા બોરાર નવોદિત મીડિયા કલાકાર છે. તેઓ અર્થ અને અભિવ્યક્તિનાં નવાં સ્વરૂપો શોધવા માટે ટેકનૉલોજિનો ઉપયોગ કરીને પ્રયોગાત્મક કામ કરી રહ્યાં છે. તેઓ શિક્ષણ અને રમત માટે અનુભવોનું ડિઝાઇનિંગ કરે છે, પારસ્પરિક અસર કરનારા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરે છે અને પરંપરાગત કાગળ અને કલમ સાથે પણ એટલાં જ સ્વાભાવિક છે.
ફોટોગ્રાફ્સ: ઝિશાન એ. લતીફ મુંબઈસ્થિત સ્વતંત્ર ફોટોગ્રાફર અને ફિલ્મમેકર છે. એમણે કરેલાં કામો વિશ્વભરમાં સંગ્રહો, પ્રદર્શનો અને પ્રકાશનોમાં રજૂ થયેલા છે. https://zishaanalatif.com/
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી namita@ruralindiaonline.org ને cc સાથે
zahra@ruralindiaonline.org પર લખો
અનુવાદ: સ્વાતિ મેઢ