છેલ્લા ત્રણ વર્ષમાં તમે કેટલી હોસ્પિટલોના ધક્કા ખાધા/અભિપ્રાય લીધા?
આ સવાલ સાંભળી સુશીલા દેવી અને તેમના પતિ મનોજ કુમારના ચહેરા પર થાક અને નિરાશાના વાદળ છવાઈ જાય છે. જૂન 2017 માં બાંદીકુઈ શહેરની મધુર હોસ્પિટલમાં સુશીલાએ નસબંધી (વંધ્યીકરણની પ્રક્રિયા) કરાવી ત્યારથી તેઓએ (તેમના નામ અહીં બદલવામાં આવ્યા છે) કેટલી હોસ્પિટલોના ધક્કા ખાધા, કેટલા પરીક્ષણો કરાવ્યા અને તેમને કેટલા વિરોધાભાસી નિદાનો મળ્યા એની સંખ્યા તેમને યાદ નથી.
લગ્નના 10 વર્ષમાં ત્રણ દીકરીઓ પછી ચોથું બાળક દીકરો હતો. દીકરાના જન્મ ના એક વર્ષ પછી આ દંપતીએ તેમના કુટુંબ અને જીવનને વધુ સારી રીતે સંભાળવાની આશામાં 27 વર્ષની સુશીલાની નસબંધી કરાવવાનું નક્કી કર્યું. રાજસ્થાનની દૌસા તહસીલમાં આવેલા તેમના ગામ ઢાણી જામાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર કુંડલ ગામમાં સરકારી આરોગ્ય આરોગ્ય કેન્દ્ર (પીએચસી) હોવા છતાં ઢાણી જામાથી 20 કિલોમીટર દૂર, બાંદીકુઈમાં આવેલી ખાનગી હોસ્પિટલ તેમની પસંદગીનો વિકલ્પ હતો.
31 વર્ષના સુનિતા દેવી માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર (આશા - accredited social health activist - ASHA ) છે. તેઓ કહે છે, “[સરકારી] આરોગ્ય કેન્દ્રોમાં વંધ્યીકરણ શિબિરો મોટાભાગે શિયાળાના મહિના દરમિયાન યોજવામાં આવે છે. સ્ત્રીઓ ઠંડા મહિના દરમિયાન આ પ્રક્રિયા કરાવવાનું પસંદ કરે છે કારણ કે ઝડપથી રૂઝ આવી જાય છે. જો તેઓ ઉનાળાના મહિનાઓમાં શસ્ત્રક્રિયા કરાવવા માગતા હોય તો અમે તેમને દૌસા અને બાંદીકુઈની ખાનગી હોસ્પિટલોમાં લઈ જઈએ છીએ." તેઓ આ દંપતી સાથે મધુર હોસ્પિટલ, 25 પથારીવાળી જનરલ હોસ્પિટલમાં ગયા હતા. તે હોસ્પિટલ રાજ્ય કુટુંબ કલ્યાણ યોજના હેઠળ નોંધાયેલી છે, અને તેથી સુશીલા પાસે નસબંધી માટે પૈસા લેવામાં આવ્યા નહોતા. તેના બદલે, તેમને પ્રોત્સાહનરૂપે 1400 રુપિયા મળ્યા.
શસ્ત્રક્રિયા પછી થોડા દિવસો પછી, સુશીલાને માસિક આવ્યું , અને તે સાથે જ ખૂબ દર્દજનક પીડા અને થાકનું એક ચક્ર શરૂ થયું જે આગામી ત્રણ વર્ષના મોટા ભાગ દરમિયાન ચાલુ રહેવાનું હતું.
29 વર્ષના મનોજ કહે છે, “જ્યારે પહેલા પીડા શરૂ થઈ ત્યારે મેં અમારી પાસે ઘરમાં હતી તે પેઇનકિલર્સ - દુખાવો દૂર કરવાની દવા આપી. તેનાથી થોડીઘણી રાહત થઈ. દર મહિને જ્યારે તેને માસિક સ્રાવ થતો ત્યારે તે રડતી.”
સુશીલા એક ગૃહિણી છે. તેઓ 8 મા ધોરણ સુધી ભણ્યા છે. તેઓ કહે છે, “પીડા તીવ્ર થઈ, અને વધુ પડતું લોહી વહેવાથી મને ઊબકા આવતા. મને હંમેશા નબળાઈ રહેતી. ”
જ્યારે આ ત્રણેક મહિનાઓ સુધી ચાલ્યું, ત્યારે આ દંપતી કંઈક અચકાતા અચકાતા કુંડલમાં આવેલા પીએચસી (PHC) માં ગયા.
મનોજ કહે છે, " વહાં જ્યાદાતર સ્ટાફ હોતા હૈ કહાં ? (ત્યાં મોટેભાગે કર્મચારીઓ હોય છે જ ક્યાં?) [ત્યાં ભાગ્યે જ કોઈ કર્મચારી હાજર હોય છે]." તેઓ અમને જણાવે છે કે પીએચસીમાં સુશીલાને તપસ્યા વગર જ પીડા દૂર કરવાની ગોળીઓ આપી હતી.
ત્યાં સુધીમાં તો તેમને (સુશીલાને) શારીરિક રીતે કમજોર બનાવતી પીડાએ તેમના વૈવાહિક જીવનના દરેક પાસાં પર અસર કરવાનું શરૂ કરી દીધું હતું. વંધ્યીકરણના પાંચ મહિના પછી સુશીલા બાંદીકુઈની મધુર હોસ્પિટલમાં જે ડોક્ટરે આ પ્રક્રિયા કરી હતી તેમને ફરીથી બતાવવા ગયા.
પેટની સોનોગ્રાફી સહિત શ્રેણીબદ્ધ પરીક્ષણો પછી ડોક્ટરે નિદાન કર્યું કે તેમની ફેલોપિયન ટ્યુબ્સમાં ચેપ લાગ્યો છે અને ત્રણ મહિનાનો દવાનો કોર્સ સૂચવ્યો.
મનોજે ગુસ્સે થઈને ડોક્ટર પાસે જવાબ માગ્યો હતો, “મારી પત્નીને ચેપ લાગ્યો કેવી રીતે? તમે શસ્ત્રક્રિયા બરાબર નહોતી કરી? " આ દંપતીને મળેલો જવાબ તેમને બરાબર યાદ છે: "હમને અપના કામ સહી કિયા હૈ, યે તુમ્હરી કિસ્મત હૈ [અમે અમારું કામ બરોબર જ કર્યું છે. આ તો નસીબ તમારું].” આટલું કહી ડોક્ટર ગુસ્સે ભરાઈ ઉદ્ધાતાઈપૂર્વક ચાલ્યા ગયા હતા.
તે પછીના ત્રણ મહિના સુધી, દર 10 દિવસે, આ દંપતી સવારે 10 વાગ્યે મોટરસાયકલ પર તેમને ઘેરથી મધુર હોસ્પિટલ જવા નીકળતા. આખો દિવસ ડોક્ટરી તપાસ, પરીક્ષણો અને સૂચવેલ દવાઓ ખરીદવામાં પસાર થઈ જતો. મનોજ કામે ન જતો અને તેમની ત્રણ દીકરીઓ (જે હવે નવ, સાત અને પાંચ વર્ષની છે) અને દીકરો (જે હવે ચાર વર્ષનો છે), ઢાણી જામા તેમના દાદા-દાદી સાથે રોકાતા. દરેક મુસાફરીના 2000 થી 3000 રુપિયા થતા.
ત્રણ મહિનાની સારવાર પૂરી થતાં સુધીમાં તો મનોજે સંબંધીઓ પાસેથી ઉધાર લીધેલા 50000 રુપિયામાંથી મોટાભાગના ખર્ચી કાઢ્યા હતા. તેઓ બીએનો સ્નાતક હોવા છતાં, તેમને ફક્ત બેલદારી તરીકેનું (બાંધકામના સ્થળોએ અથવા ખેતરોમાં મજૂરીનું) કામ જ મળતું. જ્યારે નિયમિત કામ મળે ત્યારે તેઓ મહિનામાં આશરે 10000 રુપિયા કમાતા. સુશીલાની પરિસ્થિતિ યથાવત્ હતી, પરિવારને માથે દેવું ચડતું જતું હતું અને પરિવાર આવક ગુમાવી રહ્યો હતો. સુશીલા કહે છે કે જિંદગીમાં કંઈ સૂઝતું નહોતું.
તેઓ કહે છે, "માસિક સ્રાવ વખતે હું પીડાથી પડી ભાંગતી અથવા પછી દિવસો સુધી નબળાઈને કારણે કામ ન કરી શકતી."
નવેમ્બર 2018 માં, મનોજે તેમની પત્નીને તેમના ગામથી 20 કિલોમીટર દૂર, જિલ્લાના મુખ્ય મથક દૌસાની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું. ત્યાં પ્રસૂતિ સ્વાસ્થ્ય સેવાઓ માટે એક અલગ વિભાગ છે. જે દિવસે તેઓ 250 પથારીવાળી એ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાં કોરિડોરમાં દર્દીઓની લાંબી સર્પાકાર કતાર હતી.
મનોજ કહે છે, “મારો આખો દિવસ કતારમાં ઊભા રહેવામાં જ પસાર થઈ ગયો હોત. પણ હું ઉતાવળો થયો હતો. તેથી અમે જિલ્લા હોસ્પિટલ છોડીને દૌસાની ખાનગી હોસ્પિટલમાં જવાનું નક્કી કર્યું." ત્યારે તેઓ જાણતા ન હતા કે તેઓ હોસ્પિટલની અંતહીન મુલાકાતો અને પરીક્ષણોના બીજા વમળમાં ફસાઈ જશે, અને છતાંય કોઈ સ્પષ્ટ નિદાન નહિ થાય.
જિલ્લા હોસ્પિટલની કતારમાં કોઈએ દૌસાની રાજધાની હોસ્પિટલ અને પ્રસૂતિગૃહનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાં સુશીલાનો જૂનો સોનોગ્રાફી રિપોર્ટ નામંજૂર કરવામાં આવ્યો અને નવો રિપોર્ટ કઢાવવાનું કહેવામાં આવ્યું.
મૂંઝાયેલા અને આગળ શું કરવું તે નક્કી ન કરી શકતા મનોજે ગામમાં કોઈની સલાહ લીધી, અને થોડા અઠવાડિયા પછી સુશીલાને દૌસાના ખંડેલવાલ નર્સિંગ હોમમાં લઈ ગયા. અહીં બીજી સોનોગ્રાફી કરવામાં આવી અને રિપોર્ટમાં સુશીલાની ફેલોપિયન ટ્યુબ પર સોજો હોવાનું સૂચવવામાં આવ્યું. દવાઓનું બીજું ચક્કર ચાલુ થયું.
તેઓ દૌસાની ત્રીજી ખાનગી હોસ્પિટલ, શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં કેવી રીતે પહોંચ્યા તે અંગે હવે ખાસ્સા મૂંઝાયેલા મનોજ કહે છે, “ખાનગી હોસ્પિટલોમાં કામ કરતા લોકો જાણે છે કે ગામડાના લોકોને આ પ્રક્રિયાઓ વિશેની કંઈ જ સમજ નથી. તેઓ જાણે છે કે એ લોકો જે કહેશે તે અમે સાચું માની લઈશું.” ત્યાં ડોક્ટરે વધુ પરીક્ષણો અને બીજી સોનોગ્રાફી કર્યા પછી સુશીલાને આંતરડાનો સાધારણ સોજો હોવાનું જણાવ્યું.
સુશીલા કહે છે, “એક હોસ્પિટલ અમને કહે કે નળીઓ સૂજી ગઈ છે, બીજી કહે કે ચેપ લાગ્યો છે, અને ત્રીજી મારા અંતરિયા [આંતરડા] વિષે વાત કરે. દરેક હોસ્પિટલ પોતપોતાના નિદાન મુજબ દવાઓ સૂચવે. અમે આમથી તેમ ભટકી ભટકીને પાગલ થઈ ગયા હતા, હવે અમને વિશ્વાસ નહોતો કે ખરેખર કોણ સાચું કહે છે અને શું થઈ રહ્યું છે.” તેમણે દરેક હોસ્પિટલ દ્વારા સૂચવાયેલ સારવાર લીધી, પરંતુ કશાયથી તેમને સારું ન થયું.
દૌસાની આ ત્રણ ખાનગી હોસ્પિટલોની મુલાકાતોએ મનોજનું દેવું બીજા 25000 રુપિયા જેટલું વધારી દીધું.
તે પછી જયપુરમાં રહેતા દૂરના સબંધી સહિત પરિવારના દરેક વ્યક્તિએ સૂચન કર્યું કે તેમના ગામથી 76 કિલોમીટર દૂર રાજ્યની રાજધાનીની સારી હોસ્પિટલ તેમને માટે સૌથી વધુ લાભદાયક પસંદગી હશે.
ફરી એકવાર, આ દંપતી તેમની પાસે ન હતા તેવા પૈસા ખર્ચ કરીને જયપુર જવા રવાના થયા. ત્યાં ડો. સરદાર સિંહ મેમોરિયલ હોસ્પિટલમાં, બીજી સોનોગ્રાફીમાં ખુલાસો થયો કે સુશીલાને ગર્ભાશયમાં ‘ગાંઠ’ (વૃદ્ધિ) હતી.
સુશીલા અમને જણાવે છે, "ડોક્ટરે અમને કહ્યું કે આ ગાંઠ વધતી જ રહેશે. તેમણે ખૂબ સ્પષ્ટ કહ્યું કે મારે બચ્ચેદાનીનું ઓપેરશન [ગર્ભાશયને દૂર કરવા માટે હિસ્ટરેકટમી] કરાવવું પડશે."
આરટીઆઈએ દર્શાવ્યું કે (રાજસ્થાનના બાંદીકુઈ શહેરની) પાંચ ખાનગી હોસ્પિટલોમાંથી જે ત્રણ હોસ્પિટાલોએ માહિતી પૂરી પાડી એ હોસ્પિટલોમાં એપ્રિલથી ઓક્ટોબર 2010 ની વચ્ચે મહિલાઓ પર કરવામાં આવેલી 385 શસ્ત્રક્રિયાઓમાંની 286 હિસ્ટરેકટમી હતી ... મોટાભાગની મહિલાઓ 30 વર્ષથી ઓછી વયની હતી, અને સૌથી નાની તો માત્ર 18 વર્ષની હતી
તેથી છેવટે, 27 મી ડિસેમ્બર, 2019 ના રોજ, 30 મહિના અને ઓછામાં ઓછી આઠ હોસ્પિટલો પછી, સુશીલાએ દૌસાની બીજી એક ખાનગી હોસ્પિટલ, શુભા પલ્સ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર ખાતે તેના ગર્ભાશયને દૂર કરવા માટે શસ્ત્રક્રિયા કરાવી. મનોજે હિસ્ટરેકટમી પાછળ 20000 રુપિયા અને ત્યાર પછીની દવાઓ પાછળ બીજા 10000 રુપિયા ખર્ચ્યા.
આ દંપતીને નછૂટકે સ્વીકારવું પડ્યું હતું કે હિસ્ટરેકટમી એ પીડા અને દેવાનું ચક્કર તોડવાનો એકમાત્ર રસ્તો હતો.
બંદીકુઈની પાંચ ખાનગી હોસ્પિટલોમાં હાથ ધરાયેલા હિસ્ટરેકટમીની સંખ્યાની તપાસ માટે નવેમ્બર 2010 માં માહિતીના અધિકાર (આરટીઆઈ) હેઠળ અરજી કરનાર બિન-સરકારી સંસ્થા, અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના એડવોકેટ, દુર્ગા પ્રસાદ સૈનીને અમે મનોજ અને સુશીલાની વીતકકથા વિગતવાર કહી સંભળાવી.
આરટીઆઈએ દર્શાવ્યું કે પાંચ ખાનગી હોસ્પિટલોમાંથી જે ત્રણ હોસ્પિટાલોએ માહિતી પૂરી પાડી એ હોસ્પિટલોમાં એપ્રિલથી ઓક્ટોબર 2010 ની વચ્ચે મહિલાઓ પર કરવામાં આવેલી 385 શસ્ત્રક્રિયાઓમાંની 286 હિસ્ટરેકટમી હતી. જે પાંચ હોસ્પિટલો પાસેથી માહિતી માગવામાં આવી હતી તે હતી - મધુર હોસ્પિટલ (જ્યાં સુશીલાએ વંધ્યીકરણ કરાવ્યું હતું), મદાન નર્સિંગ હોમ, બાલાજી હોસ્પિટલ, વિજય હોસ્પિટલ અને કટ્ટા હોસ્પિટલ. હિસ્ટરેકટમી કરાવનાર મોટા ભાગની મહિલાઓ 30 વર્ષથી ઓછી વયની હતી અને સૌથી નાની તો માત્ર 18 વર્ષની હતી. મોટાભાગની મહિલાઓ બૈરવા, ગુર્જર અને માળી જિલ્લાના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયોની હતી. મનોજ અને સુશીલા બૈરવા સમુદાયના છે અને તેમના ગામ ઢાણી જામાની 97 ટકા વસ્તી અનુસૂચિત જાતિની છે.
જે ટિપ્પણી પરથી તેમને શંકા થઈ કે કંઈક તો અજૂગતું છે એની વિગતે વાત કરતા સૈની કહે છે કે, "અમે નવજાત બાળકીઓની હત્યાની સમસ્યા અંગે ચર્ચા કરતા હતા ત્યારે કોઈએ ઉલ્લેખ કર્યો પર કૂખ હૈ કહાઁ ? [આમ પણ ગર્ભાશય છે જ કેટલી મહિલાઓને]."
સૈની જણાવે છે, "અમે માનતા હતા કે [મોટી સંખ્યામાં બિનજરૂરી હિસ્ટરેકટમી] એ ડોકટરો, પીએચસી સ્ટાફ અને આશા (ASHA) વર્કરો વચ્ચેની મિલીભગતનું પરિણામ છે. પરંતુ અમે તે સાબિત કરી શક્યા નહીં." રાજસ્થાન સ્થિત નોન-પ્રોફિટ પ્રયાસના સ્થાપક ડો. નરેન્દ્ર ગુપ્તાએ રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢમાં નફાખોરી કરતી ખાનગી હોસ્પિટલોમાં "હિસ્ટરેકટમી કૌભાંડ" વિરુદ્ધ 2013 માં સુપ્રીમ કોર્ટમાં દાખલ
જાહેર હિતની દાવા અરજી (પીઆઈએલ)
માં બાંદીકુઈના તારણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અરજીમાં સર્જરી કરાવનારી મહિલાઓને વળતરની સાથે સાથે યોગ્ય નીતિગત ફેરફારોની પણ માંગ કરવામાં આવી હતી.
પીઆઈએલમાં નોંધ્યું છે કે, "બિહાર, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જે મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી તેમાંની ઘણી મહિલાઓને કટોકટી હતી અને શસ્ત્રક્રિયા તાકીદની હતી એવું માનવા ગેરમાર્ગે દોરવામાં આવી હતી. તેઓને એવું ખોટું સમજાવવામાં આવ્યું હતું કે જો તેઓ ડોકટરોની સલાહનું પાલન નહીં કરે તો તેમને કેન્સર થઈ શકે છે."
અરજીમાં ઉમેરવામાં આવ્યું હતું કે હિસ્ટરેકટમીના જોખમો અને લાંબા ગાળાના આડઅસરો સહિતની આવશ્યક માહિતી ઘણીવાર મહિલાઓને આપવામાં આવી નહોતી, પરિણામે શસ્ત્રક્રિયા કરતા પહેલા તેના શક્ય પરિણામોની સંપૂર્ણ જાણ સાથે સંમતિ લેવામાં આવી હતી કે કેમ એ શંકાસ્પદ થઈ જતું હતું.
પ્રસાર માધ્યમોના અહેવાલ પ્રમાણે ખાનગી હોસ્પિટલો અને ડોકટરોએ જ્યારે જરૂરી હોય ત્યારે જ શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી એમ કહીને આરોપને નકારી કાઢ્યો હતો.
સૈની કહે છે, “દૌસા જિલ્લાની ખાનગી હોસ્પિટલોમાં હવે જ્યારે સૂચવવામાં આવે છે ત્યારે જ હિસ્ટરેકટમી કરવામાં આવે છે છે. પરંતુ પહેલાં એવું ન હતું. પહેલા તે ખૂબ સામાન્ય અને અનિયંત્રિત હતું. ગામલોકોને છેતરવામાં આવતા. મહિલાઓ માસિક સ્રાવને લગતી કોઈપણ પેટની સમસ્યાઓ સાથે આવે તો તેઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતી અને છેવટે ગર્ભાશય કઢાવી નાખવાનું કહેવામાં આવતું."
ડો.ગુપ્તાની અરજીથી સરકાર 2015-16 દરમિયાન હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય કુટુંબ સ્વાસ્થ્યસર્વેક્ષણના ચોથા દોર
(એનએફએચએસ-4)
માં હિસ્ટરેકટમીનો સમાવેશ કરવા માટે પ્રેરાઈ. તેમાં બહાર આવ્યું કે ભારતમાં 15 થી of 49 વર્ષની વયની 3.2 ટકા મહિલાઓને હિસ્ટરેકટમી કરવામાં આવી હતી. આમાંની 67 ટકાથી વધુ કાર્યવાહી ખાનગી આરોગ્યસંભાળ ક્ષેત્રે કરવામાં આવી હતી. એનએફએચએસ -4 અનુસાર રાજસ્થાનમાં 15 થી 49 વર્ષની વચ્ચેની 2.3 ટકા મહિલાઓને હિસ્ટરેકટમી થઈ હતી .
પ્રયાસની તથ્ય શોધતી ટીમો દ્વારા જેમણે હિસ્ટરેકટમી કરાવી હોય તેવી મહિલાઓનો સંપર્ક સાધવામાં આવતા તેમાંની ઘણી મહિલાઓએ જણાવ્યું હતું કે શસ્ત્રક્રિયા કરાવ્યા પછી પણ લક્ષણો ચાલુ જ હતા. હિસ્ટરેકટમીના બે મહિના પછી જ્યારે અમે સુશીલાને તેમના ઘેર મળ્યા ત્યારે શસ્ત્રક્રિયાના કેટલાક ઘા હજી રૂઝાયા પણ ન હતા અને તેને સાવધ રહેવાનું કહેવામાં આવ્યું હતું તેમ છતાં તે ડોલો ઊંચકતી હતી અને ઘરના બીજા કામો કરતી હતી. મનોજ કામ પર પાછા ફર્યા હતા. તેઓ જે કમાતા હતા તેમાંની અડધાથી વધુ રકમ, સુશીલાની આરોગ્યની લગાતાર ચાલતી તકલીફોને પહોંચી વળવા માટે, શાહુકારો અને સંબંધીઓ પાસેથી ઉધાર લીધેલ લગભગ 1 લાખ રુપિયા પાછા ચુકવવામાં જ જતી હતી. તેઓએ સુશીલાના ઘરેણાં પણ 20-30000 રુપિયામાં વેચી દીધા હતા.
છેલ્લાં ત્રણ વર્ષમાં બનેલી ઘટનાઓના આઘાતમાંથી હજી બહાર ન આવેલ આ દંપતીને હજી ચોક્કસ ખાતરી નથી કે ખરેખર લાંબા સમય સુધી દુખાવો અને રક્તસ્રાવ કયા કારણોસર હતો અને શું સુશીલાના ગર્ભાશયને કાઢી નાખવું તે આખરે સાચી સારવાર હતી કે નહીં. તેમને રાહત માત્ર એ વાતની છે કે સુશીલાને હજી સુધી ફરી દુખાવો નથી થયો.
મનોજ કહે છે, “પૈસા લગાતે લગાતે આદમી થક જાએ તો આખિર મેં યહી કર સકતા હૈ,” - વ્યક્તિ પૈસા ખર્ચ કરી કરીને થાકી જાય તો અંતે તો તમે જે કર્યું તે યોગ્ય જ કર્યું હશે એટલો વિશ્વાસ રાખવાથી વધારે બીજું કઈ ન કરી શકે."
કવર ચિત્ર: મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના એક નાના શહેરના વતની લાબાની જંગી, હાલ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી બંગાળી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે. તેઓ સ્વયં શિક્ષિત ચિત્રકાર છે અને મુસાફરી કરવાનું પસંદ કરે છે.
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી namita@ruralindiaonline.org ને cc સાથે zahra@ruralindiaonline.org પર લખો
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક