સુનિતા દેવી તેમના પેટની ગાંઠ વધી જવાથી ચિંતિત હતા. તેઓ સારી રીતે ખાઈ શકતાં ન હતાં, અને તેમને સોજા આવ્યો હોય એવું લાગતું હતું. બે મહિનાથી વધુ સમય સુધી તેની અવગણના કર્યા પછી, તેઓ તેમના ઘરની નજીકની ખાનગી હોસ્પિટલમાં ડૉક્ટરને મળવા ગયાં. ડૉક્ટરે જે કહ્યું તેનાથી તેઓ અચંબામાં પડી ગયા : “આપકો બચ્ચા ઠહર ગયા હૈ [તમે ગર્ભવતી થયા છો].”

તેઓ સમજી શકતાં ન હતાં કે આવું કઈ રીતે શક્ય છે – તેમણે ગર્ભાવસ્થાને રોકવા માટે કોપર-ટી મૂકાવ્યાને માંડ છ મહિના થયા હતા.

૨૦૧૯ની ઘટનાને યાદ કરતા તેમનો ઉંચે ખેંચીને અંબોડામાં બાંધેલા વાળવાળો ચહેરો, વધારે નિસ્તેજ ને દુઃખી દેખાય છે. તેમની ડૂબી ગયેલી, તેજવિહોણી આંખો થાકેલી છે. તેમના આખા ચહેરા પર જો કંઈ ચમકતું હોય તો એક માત્ર તેમના કપાળ પર લગાવેલી લાલ ચાંલ્લો.

૩૦ વર્ષીય સુનિતા (નામ બદલેલ) ચાર બાળકોની મા છે. તેમને બે પુત્રીઓ અને બે પુત્રો છે, જેમની ઉંમર ૪ થી ૧૦ વર્ષની વચ્ચે છે. મે ૨૦૧૯માં, જ્યારે તેમનો સૌથી નાનો બાળક ૨ વર્ષનો હતો, ત્યારે સુનિતાએ વધુ બાળકો ન થવા દેવાનું નક્કી કર્યું. તેમણે આ વિસ્તારમાં કાર્યરત આશા કાર્યકર્તા પાસેથી કુટુંબ નિયોજનની પદ્ધતિઓ વિષે માહિતી મેળવી. ઉપલબ્ધ વિકલ્પો પર વિચાર કર્યા પછી તેમણે અંતરા પસંદ કરી હતી, જે એક ઇન્જેક્ટેબલ ગર્ભનિરોધક છે. જે ત્રણ મહિના સુધી ગર્ભાવસ્થાને અટકાવવાનો દાવો કરે છે. તેઓ કહે છે, “મેં ઈન્જેક્શન અજમાવવાનું વિચાર્યું.”

અમે તેમના ૮X૧૦ ફૂટના ઓરડાની લાદી પર પાથરેલી સાદડી પર બેઠા છીએ, અને એક ખૂણામાં ખાલી ગેસ સિલિન્ડર પર વધુ સાદડીઓ ગોઠવેલી છે. સુનિતાના દિયરનો પરિવાર બાજુના ઓરડામાં રહે છે, અને ત્રીજા ઓરડામાં તેમના બીજા દિયર રહે છે. આ ઘર દક્ષિણ પશ્ચિમ દિલ્હી જિલ્લાના નજફગઢ વિસ્તારમાં આવેલા મહેશ ગાર્ડન નજીક છે.

ગોપાલ નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) સુનિતાના ઘરથી લગભગ બે કિલોમીટર દૂર છે. ત્યાં જ તેઓ આશા કાર્યકર્તા સાથે અંતારાનું ઈન્જેક્શન લેવા ગયાં હતાં. પરંતુ પીએચસીના ડૉક્ટરે કંઈક બીજું જ સૂચવ્યું. સુનિતા કહે છે, “ડૉક્ટરે મને તેના બદલે કોપર-ટી વિષે કહેવાનું શરૂ કર્યું. તેમણે મને કોપર-ટી મૂકાવવાનું  કહ્યું, કારણ કે તે વધુ સુરક્ષિત રીત હતી. મેં ક્યારેય ડૉક્ટરને કોપર-ટી લગાવવા બાબતે પૂછ્યું ન હતું.” પણ ડૉક્ટરનો આગ્રહ હતો કે તેનાથી સારું રહેશે, તેઓ સ્પષ્ટ અવાજે કહે છે. ડૉકટરે મને પૂછ્યું હતું, ‘તમે વધુ બાળકો થવા દેવાનું અટકાવવા માગો છો ને?’”

Patients waiting outside the Gopal Nagar primary health centre in Delhi, where Sunita got the copper-T inserted
PHOTO • Sanskriti Talwar

સુનિતા ને જ્યાં કોપર-ટી લગાવવામાં કરવામાં આવી હતી તે દિલ્હીના ગોપાલ નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર રાહ જોઈ રહેલા દર્દીઓ

તે સમયે, સુનિતાના પતિ (જેનું નામ તેઓ જણાવવા માંગતા ન હતા), જેઓ નજફગઢમાં ફળો વેચે છે, તેઓ બિહારના દરભંગા જિલ્લામાં આવેલા તેમના ગામ કોલ્હંતા પટોરીની મુલાકાતે ગયેલા હતા. સુનિતા યાદ કરીને કહે છે, “ડોક્ટર અડગ હતા, અને કહી રહ્યા હતા: ‘તમારા પતિને તેની સાથે શું લેવાદેવા છે? તે તમારા હાથમાં છે. તે લગાવવાથી તમે પાંચ વર્ષ સુધી ગર્ભ ધારણ નહીં કરો.’”

તેથી સુનિતાએ ઈન્જેક્શનેબલ ગર્ભનિરોધક (અંતરા)ને બદલે ઇન્ટ્રાયુટરાઈન ગર્ભનિરોધક ઉપકરણ અથવા કોપર-ટી મૂકાવવાનું  નક્કી કર્યું. આ સર્જરી કરાવ્યાના ૧૦ દિવસ પછી તેમના પતિ ગામડેથી ઘેર પાછા આવ્યા, ત્યારે તેણીએ તેમને આ વિષે વાત કરી. “મેં તેમને કહ્યા વિના તે [સર્જરી] કરાવી હતી. તેઓ મારા પર ખૂબ ગુસ્સે હતા. મને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા બદલ તેમણે આશા કાર્યકર્તાને ઠપકો પણ આપ્યો હતો.”

એ સર્જરી કરાવ્યા પછી, સુનિતાને આગામી બે મહિનામાં તેમના માસિક સ્રાવ દરમિયાન ભારે રક્તસ્ત્રાવ થવા લાગ્યો. કોપર-ટીને કારણે ભારે રક્તસ્રાવ થતો હોવાનું વિચારીને, તેમણે તેને કાઢવી લેવા માટે જુલાઈ ૨૦૧૯માં બે વાર ગોપાલ નગર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. પરંતુ, દરેક વખતે તેણીને ફક્ત રક્તસ્રાવને નિયંત્રિત કરવા માટે દવાઓ આપવામાં આવી.

નવેમ્બર ૨૦૧૯ની આસપાસ તેમને માસિક સ્રાવ આવવાનું બંધ થઇ ગયું અને પેટમાં ગાંઠ જેવું અનુભવાયું. નજફગઢની વિકાસ હોસ્પિટલમાં કરાયેલ “બાથરૂમ જાંચ”, જેનો અર્થ થાય છે પ્રેગ્નન્સી સ્ટીક ટેસ્ટ, માં પુષ્ટિ થઇ કે તેઓ ગર્ભવતી છે અને ઇન્ટ્રાયુટરાઈન ગર્ભનિરોધક ઉપકરણ (આઈયુસીડી) નિષ્ફળ ગયું છે.

પશ્ચિમ દિલ્હી જિલ્લામાં પ્રેક્ટિસ કરતાં સ્ત્રીરોગચિકિત્સક ડૉ. પૂનમ ચઢ્ઢા કહે છે કે કોપર-ટીનો ઉપયોગ કરતી સ્ત્રી માટે ગર્ભવતી થવું એટલું સામાન્ય નથી. તેઓ સમજાવે છે, “આવું થવાની સંભાવના ૧૦૦ માંથી ૧ છે. આવું થવા પાછળ એવું કોઈ ખાસ કારણ નથી જેને ટાંકી શકાય. કોઈપણ [ગર્ભનિરોધક] પદ્ધતિ નિષ્ફળ જવાની શક્યતા હોય જ છે.” જ્યારે આઈયુસીડીને સલામત અને વધુ અસરકારક વિકલ્પોમાંની એક ગણવામાં આવે છે, તેની નિષ્ફળતા અનિચ્છનીય ગર્ભાવસ્થા અને પ્રેરિત ગર્ભપાત તરફ દોરી જાય છે.

સુનિતા કહે છે, “મેં તો ઇસી ભરોસે બેઠી હુઈ થી [હું તો આના ભરોસે હતી]. મને ખાતરી હતી કે હું ગર્ભવતી નહીં થાઉં કારણ કે મે કોપર-ટી લગાવેલી હતી. ડિસ્પેન્સરી [પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર] ના ડૉક્ટરે ખાતરી આપી હતી કે તે પાંચ વર્ષ સુધી કાર્યરત રહેશે. પરંતુ એક વર્ષથી ઓછા સમયમાં હું ગર્ભવતી થઇ ગઈ.”

The room used by Sunita and her husband in the house
PHOTO • Sanskriti Talwar
PHOTO • Sanskriti Talwar

ડાબે: દક્ષિણ પશ્ચિમ દિલ્હી જિલ્લાની ગલી જ્યાં સુનિતા અને તે નો પરિવાર ભાડાના મકાનમાં રહે છે. જમણે: ઘરમાં સુનિતા અને તેના પતિ દ્વારા ઉપયોગમાં લેવાતો ઓરડો

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વે સર્વે ૨૦૧૯-૨૧ ( એનએફએચએસ-૫ ) અનુસાર ભારતમાં, ૧૫-૪૯ વયજૂથની માત્ર ૨.૧% પરિણીત મહિલાઓ કોપર-ટી જેવા આઇયુસીડીનો ઉપયોગ કરે છે. ગર્ભાવસ્થાને રોકવા માટેની સૌથી સામાન્ય ગર્ભનિરોધક પદ્ધતિ સ્ત્રી નસબંધી છે – જેનો ઉપયોગ ૩૮% પરિણીત મહિલાઓ કરે છે. એક અહેવાલ મુજબ , પરિણીત મહિલાઓમાં ગર્ભનિરોધકનો ઉપયોગ ૨-૩ બાળકોના જન્મ પછી વધે છે. સુનિતાને પાંચમું બાળક જોઈતું ન હતું.

પરંતુ તેમને વિકાસ હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવો પોસાય તેમ ન હતો, જ્યાં સર્જરી કરાવવા માટે ૩૦,૦૦૦ રૂપિયા ખર્ચ થાય તેમ હતો.

સુનિતા એક ગૃહિણી છે, અને તેમના ૩૪ વર્ષીય પતિ ફળો વેચીને મહિને દસેક હજાર રૂપિયાની કમાણી કરે છે. તેઓ તેમના પતિના બે ભાઈઓના પરિવાર સાથે ત્રણ બેડરૂમના ભાડાના મકાનમાં રહે છે. તેમના પતિના ભાઈઓ સ્થાનિક કાપડની દુકાનમાં કામ કરે છે. બન્ને ભાઈઓ ભાડામાંથી તેમના હિસ્સાના આશરે ૨,૩૦૦ રૂપિયા ચૂકવે છે.

લીલા અને પીળા ત્રિકોણાકાર છાપેલા લાલ સલવાર કમીઝમાં સજ્જ, સુનિતાએ તેમના પાતળા કાંડા પર તેજસ્વી પોશાક સાથે મેળ ખાતી રંગબેરંગી બંગડીઓ પહેરી છે. તેમના ઝાંખા ચાંદીના ઝાંઝર નીચે, તેમના પગની પાની પર લગાવેલો અળતાનો રંગ ઝાંખો લાલ થઇ ગયો છે. જો કે તેમને પોતાને તો ઉપવાસ છે, પણ પરિવાર માટે રાંધતી વખતે તેઓ અમારી સાથે વાત કરતાં કહે છે, “મારે લગ્ન કર્યાંને છ મહિના પણ નહોતાં થયાં કે મારા ચહેરાની બધી ચમક ઊડી ગઈ.” તેઓ કહે છે કે તેમનો ચહેરો ભરાવદાર હતો. જ્યારે ૧૮ વર્ષની વયે તેમના લગ્ન થયા ત્યારે તેમનું વજન લગભગ ૫૦ કિલો હતું. તેમનું વજન હવે ૪૦ કિલો છે, અને ઉંચાઈ ૫ ફૂટ ૧ ઇંચ છે.

સુનિતાને લોહીની ઉણપની બિમારી છે, કદાચ તેના કારણે જ તેમનો ચહેરો નિસ્તેજ છે અને તેઓ થાક અનુભવે છે. તેઓ ભારતની ૧૫-૪૯ વય જૂથની એ ૫૭% મહિલાઓમાં શામેલ છે, જેઓ આ બિમારીથી પીડાય છે. સુનિતા સપ્ટેમ્બર ૨૦૨૧થી નજફગઢના એક ખાનગી ક્લિનિકમાં દર ૧૦ દિવસમાં એકવાર સારવાર લઈ રહ્યાં છે. ડૉક્ટરી તપાસ અને દવાઓ પાછળ તેમણે દર વખતે લગભગ ૫૦૦ રૂપિયા ખર્ચ કરવો પડે છે. કોવિડ-૧૯ના ડરથી તેઓ સરકારી હોસ્પિટલોમાં જતા નથી. તદુપરાંત, તેઓ એ ક્લિનિકને પસંદ કરે છે તે પાછળનું એક કારણ એ પણ છે કે તેઓ તેમનું ઘરનું કામ પૂરું કર્યા પછી સાંજે ત્યાં જઈ શકે છે, અને ત્યાં લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું નથી.

બીજા ઓરડામાંથી આવતી બાળકોની ચીસોથી અમને ખલેલ પડે છે. બાળકો વચ્ચે થઇ રહેલી સંભવિત લડાઈ, કે જેમાં તેમણે દરમિયાનગીરી કરવી પડશે, ની વાત કરતાં તેઓ કહે છે, “મારો આખો દિવસ આ રીતે પસાર થાય છે.” તેઓ ગુસ્સે થઈને કહે છે, “જ્યારે મને મારી ગર્ભાવસ્થા વિષે ખબર પડી ત્યારે હું ખૂબ જ તણાવમાં હતી. મારા પતિએ મને કહ્યું કે બાળક થવા દે. ‘જો હો રહા હૈ હોને દો’ (જે થઇ રહ્યું છે એને થવા દો). પણ આમાં દુઃખી તો હું જ થઈશ, ખરું ને? આ બાળકનો ઉછેર ને બધું મારે જ કરવું પડશે.”

The wooden cart that belongs to Sunita's husband, who is a fruit and vegetable seller.
PHOTO • Sanskriti Talwar
Sunita's sewing machine, which she used before for tailoring clothes to earn a little money. She now uses it only to stitch clothes for her family
PHOTO • Sanskriti Talwar

ડાબે: ફળ અને શાકભાજી વેચનાર તેમના પતિનું લાકડા નું ગાડું. જમણે: સુનિતા નું સિલાઈ મશીન, જેનો ઉપયોગ કરીને પહેલાં તેઓ કપડા ની સિલાઈ કરીને થોડા પૈસા કમાતાં હતાં. તેઓ હવે તેનો ઉપયોગ ફક્ત તેમના પરિવાર ના કપડાં સિલાઇ કરવા માટે કરે છે

તેમને ગર્ભવતી હોવાની જાણ થયાના થોડા દિવસો બાદ સુનિતાએ નજફગઢ-ધનસા રોડ પર આવેલ એક ખાનગી ક્લિનિકમાં અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરાવવા પાછળ ૧,૦૦૦ રૂપિયા ખર્ચ કર્યો. એક આશા કાર્યકર્તા તેમની સાથી હતી, તેણી તેમને તેમના ઘેરથી નવ કિલોમીટર દૂર જાફરપુરમાં આવેલી સરકારી રાવ તુલા રામ મેમોરિયલ હોસ્પિટલમાં લઈ ગઈ. સુનિતા કોપર-ટી કાઢીને ગર્ભપાત કરાવવા માગતાં હતાં. એ સર્જરી જાહેર આરોગ્ય કેન્દ્રોમાં નિશુલ્ક ધોરણે કરવામાં આવે છે.

“જાફરપુર ખાતે, તેઓએ [ડૉક્ટરે] કહ્યું કે કોપર-ટી કાઢી શકાય નહીં, અને તે જન્મ સમયે બાળકની સાથે બહાર આવી જશે.” ડૉક્ટરે સુનિતાને કહ્યું કે ગર્ભ લગભગ ત્રણ મહિનાનો હોવાથી ગર્ભપાત માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. સુનિતા કહે છે, “તેઓ [ડૉક્ટરો] જોખમ લેવા તૈયાર ન હતા.”

સુનિતાએ મને કહ્યું, “મને મારા જીવના જોખમની પરવા ન હતી. મારે બસ બીજું બાળક નહોતું જોઈતું” તેઓ એકલાં નથી. એનએફએચએસ-૫ અનુસાર, ૮૫% થી વધુ પરિણીત મહિલાઓ તેમના બીજા (જીવંત) બાળકના જન્મ પછી બાળકો ન થવા દેવાનું ઈચ્છે છે.

સુનિતાએ તેમનો ગર્ભ સમાપ્ત કરવા માટે બીજી સાર્વજનિક હોસ્પિટલમાં જવાનું નક્કી કર્યું. ફેબ્રુઆરી ૨૦૨૦માં જ્યારે તેમને લગભગ ચાર મહિનાનો ગર્ભ હતો, ત્યારે અન્ય આશા કાર્યકર્તા તેમને નજફગઢથી ૩૦ કિલોમીટર દૂર મધ્ય દિલ્હી જિલ્લાની લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં લઈ ગયાં. બંને મહિલાઓએ માથાદીઠ લગભગ ૧૨૦ રૂપિયા ખર્ચીને દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. લેડી હાર્ડિંગના ડૉક્ટરે ગોપાલ નગર પીએચસીમાં ડૉક્ટર સાથે કેસની ચર્ચા કર્યા પછી હોસ્પિટલમાં ગર્ભપાત કરવાનો નિર્ણય લીધો.

સુનિતા કહે છે, “મને ખબર નથી કે તેઓએ શું વાત કરી. માત્ર ડૉકટરોએ જ વાત કરી અને પછી તેઓએ ઓપરેશન કરવાનું નક્કી કર્યું.” સુનિતાને યાદ છે કે તેઓએ પહેલા કેટલાક રક્ત પરીક્ષણો કર્યા હતા અને પછી કેટલીક દવાઓ લગાવી હતી. સુનિતા કહે છે, “મને યાદ નથી કે તે કેવા પ્રકારની દવા હતી. ઉન્હોને કુછ દવાઈ અંદર ડાલકર સફાઈ કિયા થા [તેઓએ અંદર થોડી દવા લગાવીને સાફ કર્યું હતું]. અંદર બળતરા થઇ રહી હતી અને મને ચક્કર આવી રહ્યા હતા.” તેમના પતિ સર્જરી માટે તેણીની સાથે હતા, પણ સુનિતાના કહેવા પ્રમાણે, “તેઓ તૈયાર ન હતા.”

ડૉક્ટરે સુનિતાને બહાર કાઢેલી તૂટેલી કોપર-ટી બતાવી. તેમની સાથે હોસ્પિટલમાં હાજર આશા કાર્યકર્તા સોની ઝા પુષ્ટિ કરે છે કે ગર્ભપાત કરાયેલ ગર્ભ લગભગ ચાર મહિનાનો હતો. તેઓ કહે છે, “તેમનો કેસ સંવેદનશીલ હોવાથી તેને ‘નોર્મલ ડિલિવરી’ દ્વારા દૂર કરવો પડ્યો હતો.”

Sunita remained determined to get the tubal ligation done, but Covid-19 struck in March 2020.  It was a year before she could undergo the procedure – in Bihar this time
PHOTO • Priyanka Borar

સુનિતા ટ્યુબલ લિગેશન કરાવવા માટે મક્કમ હતાં, પરંતુ માર્ચ ૨૦૨૦માં કોવિડ-૧૯ મહામારી આવી. એક વર્ષ પછી તેમણે એ સર્જરી કરાવી – આ વખતે બિહારમાં

ગર્ભપાત માત્ર અડધી જ લડાઈ હતી. સુનિતા ફેલોપિયન ટ્યુબને અવરોધિત કરીને ગર્ભાવસ્થાને રોકવા માટે વંધ્યીકરણ અથવા ટ્યુબલ લિગેશન પ્રક્રિયા કરાવવાની ઈચ્છા ધરાવતાં હતાં. તેઓ ગર્ભપાત કરાવ્યાના એક દિવસ પછી તરત જ તે જ હોસ્પિટલમાં તે પ્રક્રિયા કરાવવા ઇચ્છતાં હતાં, પરંતુ ડૉકટરોએ તે દિવસે તે પ્રક્રિયા કરી નહીં. સુનિતા કહે છે, “જ્યારે મે ઓપરેશનના કપડાં પહેરી લીધાં હતાં તે જ સમયે મને ઉધરસ આવવા લાગી. તેઓ [ડૉક્ટરો] જોખમ લેવા તૈયાર ન હતા.” ગર્ભપાતના ચાર દિવસ પછી, તેમને અંતરાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

સુનિતા ટ્યુબલ લિગેશન કરાવવા માટે મક્કમ હતાં, પરંતુ માર્ચ ૨૦૨૦માં કોવિડ-૧૯ મહામારી આવી. એક વર્ષ પછી તેમણે એ સર્જરી કરાવી – આ વખતે બિહારમાં. ફેબ્રુઆરી ૨૦૨૧માં, સુનિતા અને તેમનો પરિવાર તેમના દિયરના લગ્ન માટે હનુમાન નગર બ્લોકમાં આવેલા તેમના ગામ કોલ્હંતા પટોરી ગયા હતા. ત્યાં તેમણે આશા કાર્યકર્તાનો સંપર્ક કર્યો, જેઓ તેમને દરભંગાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયાં. સુનિતા કહે છે, “આશા કાર્યકર્તા હજુ પણ મને ફોન કરીને મારી તબિયત પૂછે છે.”

સુનિતા યાદ કરીને કહે છે, “ત્યાં [દરભંગામાં] તેઓ તમને સંપૂર્ણપણે બેભાન નથી કરતા. તેઓ તમને જાગૃત રાખે છે. જો તમે ચીસો પાડો તો પણ કોઈ તેની પરવા નહીં કરે.” નસબંધી કરાવવાના વળતર તરીકે સુનિતા સરકાર પાસેથી ૨,૦૦૦ રૂપિયા મેળવવા માટે પાત્ર છે. પણ તેઓ કહે છે, “પરંતુ મને ખબર નથી કે તે વળતર મારા [બેંક] ખાતામાં આવ્યું છે કે કેમ. મેં કોઈને તેની ખાતરી કરવાનું કહ્યું નથી.”

જ્યારે તેઓ નિષ્કર્ષ પર આવે છે ત્યારે તેમના ચહેરા પર રાહતનો આભાસ છવાઈ જાય છે. “સારું થયું કે અંતે હું તે સર્જરી કરાવી શકી. હું બચી ગઈ, નહીંતર અવાર-નવાર સમસ્યા સર્જાતી રહેતી. હવે એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને હવે બધું બરાબર છે. મારે થોડા વધુ બાળકો થયાં હોત તો હું સમાપ્ત થઈ ગઈ હોત.” પરંતુ તેઓ નારાજગી પણ અનુભવે છે. “મારે આ માટે વિવિધ હોસ્પિટલો અને ક્લિનિક્સમાં ઘણા ડૉક્ટરોની મુલાકાત લેવી પડી. મને કહો, શું મેં મારું ગૌરવ નથી ગુમાવ્યું?”

ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.

આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો ? કૃપા કરી namita@ruralindiaonline.org ને cc સાથે zahra@ruralindiaonline.org પર લખો

અનુવાદક: ફૈઝ મોહંમદ

Sanskriti Talwar

Sanskriti Talwar is an independent journalist based in New Delhi. She reports on gender issues.

Other stories by Sanskriti Talwar
Illustration : Priyanka Borar

Priyanka Borar is a new media artist experimenting with technology to discover new forms of meaning and expression. She likes to design experiences for learning and play. As much as she enjoys juggling with interactive media she feels at home with the traditional pen and paper.

Other stories by Priyanka Borar
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad