“તમારે એને 3000 વખત ટીપવું પડે છે”, મીનાક્ષી કહે છે; અને વળી પાછી એ જ કામમાં એ પરોવાઈ જાય છે. ‘એને’  એટલે કાચી માટીનો ઘડો કે જે રાંધવાના કોઈ પણ વાસણ જેવો જ લાગે છે. જો કે, એ ઘડાને ટીપીને એક વાદ્યનું રૂપ આપશે. એ ઘડાને એના ખોળામાં મૂકે છે અને પછી તે એને લાકડાના તાવેતાથી ચારે બાજુ થાપટો મારે છે. જ્યારે એ સંપૂર્ણ પણે તૈયાર થઇ જાય ત્યારે એ ઘડો બની જશે ‘ઘટમ’  – દક્ષિણ ભારતીય કર્નાટકી સંગીતમાં વપરાતું ઉચ્ચ ગુણવત્તાવાળું વાદ્ય . મીનાક્ષી કેશવન આ ઘટમ બનાવવામાં નિષ્ણાત છે. 63 વર્ષનાં મીનાક્ષી અને તેમનો પરિવાર કદાચ માનામદુરાઈમાં એક જ આવી બેજોડ ચીજ બનાવવામાં પાવરધા છે છે.

તામિલનાડુમાં મદુરાઈથી એક કલાકના જ અંતરે આવેલું માનામદુરાઈ  ઘટમ માટે પ્રખ્યાત છે. તેઓ કહે છે કે, “પંદર વર્ષની વયે મારું લગ્ન એક એવા પરિવારમાં થયું કે જે ઓછામાં ઓછી  ચાર પેઢીઓથી આ સાધન બનાવે છે.” તેઓ તેમના પતિ અને સસરા પાસેથી ઘટમ બનાવવાની કળા શીખ્યાં હતાં. તેમનો દીકરો રમેશ કહે છે કે, “એમાં નિષ્ણાત બનતાં એમને છ વર્ષ થયાં હતાં.” અને એ ખૂબ ઝડપી કહેવાય . ”જો તમે પરમ્પરાગત રીતે કુંભાર ના હો તો તમને એ શીખતાં થોડો વધારે સમય લાગે છે.”

“કારીગરી તો ધ્વનિ બરાબર થાય તે માટે ઘટમને બરાબર ટીપવામાં છે” એમ મીનાક્ષી તેના જમણા હાથે ઘટમને ટીપતાં ટીપતાં કહે છે. ડાબા હાથે તે ઘટમની અંદર રાખેલા ગોળ પથ્થરને ફેરવે છે. સહેજ પોરો ખાઈને તે કહે છે કે, “એનું કારણ એ છે કે ઘટમની માટી પડી ના જાય અને તેની સપાટી લીસ્સી થાય.” ચાર દાયકા સુધી માટીને આકાર આપતાં રહેલા એમના હાથ હવે થાકી જાય છે. તે કહે છે કે કેવી રીતે એમના થાકેલા ખભા પર થઈને દુખાવો છેક આંગળીનાં ટેરવાં સુધી પહોંચે છે . પણ થોડીક મિનિટો પછી વળી પાછાં તે લાકડું અને પથ્થર હાથમાં પકડે છે અને પોતાના ખોળામાં ઘડાને ગોઠવે છે અને ઘડાને થપાટ મારવાનું ફરી શરૂ થાય છે.

PHOTO • Aparna Karthikeyan

મીનાક્ષી ઘટમને ટીપી રહયા છે(ડાબે). તે ઘટમની અંદર ગોળ પથ્થરનો ઉપયોગ કરે છે કે જેથી ઘડો બહારથી લીસ્સો થાય(જમણે)

અમે માનામદુરાઈમાં લોકો જેમને પ્રેમથી ‘પારિતોષિક વિજેતા કુંભાર’ કહે છે તેમને મળવા આવ્યાં છીએ. અમે જાણ્યું કે એ પારિતોષિક  તેમને પ્રતિષ્ઠિત સંગીત નાટક અકાદમી તરફથી આપવામાં આવ્યું હતું.  ભારતના રાષ્ટ્રપતિ તરફથી આ પારિતોષિક મેળવતા હોય તેવો ફોટો મોટી સ્ટીલની ફ્રેમમાં તેમના સ્વર્ગસ્થ પતિના હાર પહેરાવેલા ફોટાની બાજુમાં રૂમની ભીંત પર લટકતો હતો. રમેશ તેના પરિવારની દિલ્હીની એ સ્મરણીય સફરને યાદ કરે છે: “મારી મા પહેલી જ વખત વિમાનમાં બેઠી હતી. તેના મનમાં ડર પણ હતો અને ઉત્સાહ પણ પણ.” 11મી એપ્રિલ, 2014ના રોજ અમને એક એરકંડિશન્ડ બસમાં રાષ્ટ્રપતિ ભવન લઈ જવામાં આવ્યાં. “એ સાંજે મારી મા કદાચ સંગીતનું વાદ્ય બનાવનાર દેશની સૌ પ્રથમ પારિતોષિક વિજેતા બની હતી.”

રમેશ પોતે પણ એક કુશળ કારીગર છે અને તેમને તેમની માતાના કામનું ગૌરવ છે. તેમણે અમને અકાદમીની પુસ્તિકા બતાવી કે જેમાં મીનાક્ષીની પ્રશંસાકરવામાં આવી હતી: “કદાચ એકમાત્ર ઘટમ નિર્માતા કે જે સુંદર ઘટમ બનાવવાની સંપૂર્ણ જાણકારી ધરાવે છે.” તેમાં એમ પણ લખવામાં આવ્યું છે કે, “તેમના દ્વારા બનાવવામાં આવેલા સેંકડો ઘટમે   સંગીતકારો સાથે દુનિયાભરનો પ્રવાસ ખેડ્યો છે.”

દરેક ઘટમ માટેની માટી પણ થોડું અંતર કાપીને અહીં પહોંચે છે. રમેશે કહ્યું કે, “અમે માટી પાંચ-છ તળાવમાંથી ભેગી કરીએ છીએ.” આ માટી એકાદ દિવસ સૂકવવામાં આવે છે, અને પછી તેમાં વૈગઈ  નદીની બારીકરેત ભેળવવામાં આવે છે. “અમે તેમાં ગ્રેફાઇટ અને સીસું ઉમેરીએ છીએ કે જેથી સારો અવાજ ઉત્પન્ન થાય. પછી છ કલાક  ગૂંદીએ અને બે દિવસ માટે બાજુ પર મૂકી રાખીએ. પછી જયારે માટીમાં મજબૂતાઈ આવે એટલે અમે ઘડો તૈયાર કરીએ”

PHOTO • Aparna Karthikeyan

અકાદમી પારિતોષિક સાથે મી નાક્ષી(જમણે). રાષ્ટ્રપતિ પાસેથી પારિતોષિક પ્રાપ્ત કરતી વખતે(ડાબે)

રમેશ ઝાઝી મહેનત વિના તે બનાવી નાખે છે. તેઓ વીજળીથી ચાલતા ચાકડાની સામે બેસે છે, એક માટીના લૂગદાને હાથમાં લઈને  ચાકડાના કેન્દ્રમાં મૂકે છે. ચાકડો ફરે છે ત્યારે એ એકદમ ઝડપથી તેને પોતાના હાથથી આકાર આપે છે. જ્યારે તે તૈયાર થઈ જાય છે ત્યારે ઘડાને તેની બધી બાજુએથી ટીપવામાં આવે છે. (આ તબક્કે તો મીનાક્ષી જે કાચી માટીનો ઘડો બનાવે છે તેનું વજન ખાસ્સું 16 કિલોગ્રામ જેટલું હોય છે.) પછી થોડાંક અઠવાડિયાં સુધી એ ઘડાને છાંયડામાં સૂકવવામાં આવે છે. અને પછી ભારે તડકામાં ચાર કલાક ગરમ કરવામાં આવે છે. પછી તેઓ તેને લાલ અને પીળી પોલિશ કરે છે અને પછી મોટી ભઠ્ઠીમાં તેને 12 કલાક તપાવવામાં આવે છે. જ્યારે આ રીતે ઘડો શેકાય છે ત્યારે તેનું વજન અડધું થઈ જાય છે. પરિણામે આઠ કિલોગ્રામનો ઘડો સુંદર કર્ણપ્રિય સંગીત પેદા કરે છે.

વરસોવરસ આ ઘટમની બનાવટમાં ઘણા ફેરફારો થયા છે. વાદકો ઈચ્છે તે પ્રમાણે આ ઘડા બનાવાય છે;વજનમાં હલકા,નાના, વધારે આકર્ષક. રમેશ કહે છે કે, “તેમને આમેતેમ લઇ જવા હોય તો સરળ રહે છે..” માનામદુરાઈના આ ઘટમ હજુ પણ વજનમાં સૌથી વધુ ભારે હોય છે. એ રસોઈના ઘડા કરતાં ત્રણ ગણા વધુ વજનવાળા અને બીજા કરતાં બમણી જાડાઈવાળા હોય છે. ચેન્નઈ અને બેંગાલુરુમાં હલકા અને પાતળા ઘટમ બનાવાય છે. કારીગરીની વાત જવા દઈએ તો પણ એ ચોખ્ખી રણકનું થોડું શ્રેય તો માનામદુરાઈ વિસ્તારની માટીને પણ મળવું ઘટે.. દુઃખદ બાબત એ છે કે આ શ્રેષ્ઠ પ્રકારની માટીનો ઉપયોગ હવે ઇંટો બનાવવા માટે થાય છે અને તેને લીધે કુંભારોના જીવનનિર્વાહ પર વિપરીત અસર થઈ છે. તેમ છતાં, રમેશે તેની દીકરીઓને, ભત્રીજાને અને ભત્રીજીને ઘટમ બનાવતાં શીખવ્યું છે. આ પરિવારની પાંચમી પેઢી છે કે જે ઘટમ બનાવે છે. એમાં માત્ર પૈસાની વાત નથી. આ “એક ઘટમમાંથી તેમને માત્ર રૂ. 600” જ મળે છે. તેની સામે તમે નાના,બોનચાઈનાના, બ્રાન્ડેડ વાડકાની સરખામણી કરો કે જેની કિંમત હજારો રૂપિયામાં હોય છે.

PHOTO • Aparna Karthikeyan

રમેશ વીજળીથી ચાલતો ચાકડો ફેરવી રહ્યો છે.(ડાબે) તે માટી લઈને તેને આકાર આપી રહ્યો છે (જમણે)

તેમ છતાં 160 વર્ષ જૂના આ વારસાને આ પરિવાર જાળવી રહ્યો છે. “જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે, એક અમેરિકન મહિલા પત્રકાર અમારા ઘરે આવ્યાં હતાં,” રમેશ કહે છે. “અમે કેટલું બધું ઓછું કમાઈએ છીએ તે જાણીને તેમને આઘાત લાગ્યો હતો. તેમણે મને અને મારી બહેનોને ઊટીમાં કોન્વેન્ટ સ્કૂલમાં ભણવા મોકલવાની ઓફર કરી હતી.  મારા પિતાએ એનો અસ્વીકાર કરેલો. તેઓ અમે કુંભારીકામ શીખીએ એમ ઈચ્છતા હતા.” યુવાન રમેશને તેના 90 વર્ષના દાદાએ આ કામ શીખવ્યું હતું. “તેઓ ગુજરી ગયા તેના થોડા દિવસ અગાઉ સુધી આ કામ કરતા જ રહ્યા હતા.” મીનાક્ષી વચ્ચે ટાપશી પૂરતાં કહે છે કે તેના સસરા “લાંબું જીવ્યા કારણ કે તેમણે કોઈને પણ તેમનો ફોટો લેવા દીધો નહોતો”. હું છોભીલી પડી ગઈ  અને મેં મારો કેમેરા બાજુ પર મૂકી દીધો.

તેઓ સ્વીકારે છે કે આ કામમાં વળતર બહુ ઓછું મળે છે પણ તેઓ તેમના કામને સંગીત પ્રત્યેની સેવા સમજે છે. ઘણા લાંબા સમય સુધી તો અન્ય વાદ્યોની સાથે ઘટમનો સ્વર વાગતો હતો પણ હવે એકલા ઘટમના સ્વર સંગીતનો કાર્યક્રમ ઘણીવાર થાય છે. તેમણે એવા ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી છે કે જેમાં તેમના બનાવેલા ઘટમનું સંગીત વાગતું હોય. રમેશે મને તેમની ઘણી વાત કરી. તેમની માતા બહુ બોલકી નથી. અકાદમી પારિતોષિક મળ્યું પછી તેમની જ્યારે મુલાકાતો લેવાઈ ત્યારે તેઓ પોતાના વિષે બોલવા માટે બહુ તૈયાર થતાં નહોતાં. રમેશ હસતાં હસતાં કહે છે કે, “તેમણે સૌ પ્રથમ લાંબી મુલાકાત આપી એ આકાશવાણીને ગયે વર્ષે આપી હતી. તેમણે તે વખતે તેમના પિતાને બહુ ભાવતા કોઝામ્બુ (ગ્રેવી) વિષે પણ તેમાં વાત કરી હતી.”

તેઓ તેમના ધંધા વિષે બહુ જ ઓછી વાત કરે છે. ઘટમનું  ઉત્પાદન એ કંઈ તેમનો મુખ્ય વ્યવસાય નથી. તેમની નિયમિત આવક તો માટીનાં જુદાં જુદાં વાસણો બનાવવામાંથી આવે છે. તેમાં સિદ્ધ ચિકિત્સા પદ્ધતિ અનુસારની ઔષધિઓ બનાવવા માટેના ઘડાનો પણ સમાવેશ થાય છે. એક વર્ષમાં મીનાક્ષી, રમેશ અને તેની પત્ની મોહના અને તેની બહેન કે. પરમેશ્વરી અને બીજા સહાયકો આશરે 400 ઘટમ બનાવે છે. એમાંથી માંડ અડધા   વેચાય છે, કારણ કે બાકીનાંમાંથી યોગ્ય ધ્વનિ નીકળતો નથી એટલે નકામા થઈ જાય છે, કારણ કે ઘડાને તપાવવામાં આવે પછી જ એ ધ્વનિ પરીક્ષણ થઈ શકે છે. કેટલીક વાર તો દેખાવમાં ખૂબ સુંદર લાગતા ઘટમ સંગીત માટે યોગ્ય ઠરતા નથી.

PHOTO • Aparna Karthikeyan
PHOTO • Aparna Karthikeyan

રમેશ ચાકડા પરથી કાચી માટી લઈને અંદર જઈ રહ્યો છે (ડાબે). ઘર પકવેલી માટીથી ભરેલું છે અને માત્ર ઘટમ જ પ્લાસ્ટિકની ખુરશી પર મૂકેલું છે (જમણે)

“આ ધંધામાં કોઈ નાણાકીય મદદ મળતી નથી. સરકાર આ કલાને કોઈ પ્રોત્સાહન આપતી નથી. અને વાદકોની જેમ અમને કંઈ પારિતોષિકો મળતાં નથી.” રમેશ અફસોસ સાથે કહે છે. પરંતુ ઘણી મુસીબતો છતાં તેનો પરિવાર બીજા અનેક લોકોને જીવનનિર્વાહ પૂરો પાડે છે તેનું રમેશને ગૌરવ છે.

જે દિવસે અમે મુલાકાત લીધી તે દિવસે કારીગરો ઘરના વરંડામાં હતા, ઝરમર વરસાદ વરસતો હતો એટલે અડધા   સૂકાયેલા ઘટમને ઘરમાં અંદર મૂકી રહ્યા હતા. ઘરના ઓરડા પકવેલી માટીથી ભરચક હતા. આકાશ વાદળિયું  અને ઘેરાયેલું હતું. બપોર બાદ વરસાદ પડવાની સંભાવના હતી. ચોમાસું એ તેમને માટે દુઃખદાયી ઋતુ હોય છે, તેઓ એનાથી કચવાટ અનુભવે છે. તેમનું કામ ખોરંભે પડે છે, અને રમેશ પોતે પણ પછી ઘટમ વગાડવા માંડે છે. તેના હાથ-પગ ચંદન જેવા રંગીન થઈ ગયા છે અને હાથે-પગે માટી ચોપડાયેલી જ હોય છે. ઘડાના કાંઠલા આગળ તે પોતાની આંગળીઓ થપથપાવે છે અને અને તેમાંથી તીણો ધાતુનો અવાજ નીકળે છે. એ કહે છે, “મેં કંઈ પદ્ધતિસરની તાલીમ લીધેલી નથી.” પણ તેના સંગીતમાં એક સ્પષ્ટ રીધમ તો હોય છે જ.

આંગળીઓ કે હથેળીનો થપથપાટ કરીને અવાજ પેદા કરતાં અનેક વાદ્યો બનાવવામાં પશુઓના ચર્મનો ઉપયોગ થાય છે. “માત્ર ઘટમ જ એક એવું વાદ્ય છે કે જે પાંચ  તત્વોમાંથી બને છે.” ધરતીની માટી, ઘડાને સૂકવવા માટે તડકો,  હવા, આકાર આપવા માટે પાણી અને શેકવા માટે અગ્નિ. રમેશ તેમાં માનવ શ્રમને તો ગણતો જ નથી. તેણે તેને ગણાવો પડે એમ પણ નથી., કારણકે પરસાળમાંથી  આવતો એકધાર્યો અવાજ મીનાક્ષીનો ઘટમ ટીપવાનો અવાજ છે, તે લીસ્સો બને ત્યાં સુધી અને એનો રણકો એકદમ સુંદર આવેત્યાં સુધી..

જુઓ: જ્યારે મીનાક્ષી ઘડાને ૩,૦૦૦ વાર ટીપે છે ફોટો આલ્બમ

અનુવાદ: હેમંતકુમાર શાહ

Aparna Karthikeyan
aparna.m.karthikeyan@gmail.com

Aparna Karthikeyan is an independent journalist, author and Senior Fellow, PARI. Her non-fiction book 'Nine Rupees an Hour' documents the disappearing livelihoods of Tamil Nadu. She has written five books for children. Aparna lives in Chennai with her family and dogs.

Other stories by Aparna Karthikeyan
Translator : Hemantkumar Shah

Hemantkumar Shah is a developmental economist and the former Principal of HK Arts College, based in Ahmedabad. He is also a political and economic analyst.

Other stories by Hemantkumar Shah