તે, તેના બે બાળકો સાથે, આટલી ગરમીમાં આ હાઈવે પર કલાકોથી ચાલતી હતી અને કદાચ હજી કંઈ કેટલાય દિવસો સુધી ચાલતી રહેશે. એક તરફ આપણે આ લોકડાઉન પછીની 'નવી સામાન્ય' સ્થિતિ વિશે, ચારે બાજુ ચિંતા અને તણાવ કેવી રીતે વધી રહયા છે એ અંગે, વિગતવાર ચર્ચા કરીએ છીએ, તો અહીં એક મા છે જે સતત ચાલતી અને હસતી રહે છે! તેના બાળકો - એક તેના ખભા પર, બીજું તેના હાથમાં - થાકેલા છે. તે પણ થાકી છે - કંટાળી છે, ને છતાં ય તે નથી ચાલવાનું બંધ કરતી કે નથી ભૂલતી મલકવાનું. જાણે કે તેણે ઉઠાવેલું વજન તેને માટે બોજ નહીં પણ આનંદ ન હોય. આ કેવી અજબ જેવી વાત છે, નહિ?


નોંધ: આ મહિલા અને તેના બે બાળકો મુંબઈ-નાસિક હાઈવે પર પરપ્રાંતીય મજૂરોની ભીડમાં ચાલતા જોવા મળ્યા હતા. પરંતુ ભીડ સતત વધતી જતી હતી અને મજૂરો ઝડપભેર આગળ વધતા હતા. પરિણામે જે ટીવી રિપોર્ટરે આ દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કર્યું, તેઓ તેમની સાથે વાત કરી શક્યા નહીં. કલાકાર લાબાની જંગીએ 6ઠ્ઠી મે, 2020 ના રોજ દેશ કી બાત, રવિશ કુમાર કે સાથ (એનડીટીવી-NDTV-ઈન્ડિયા) કાર્યક્રમમાં સોહિત મિશ્રા દ્વારા અપાયેલા અહેવાલમાં આ તસવીર જોઈ હતી. લાબાનીની વારતાનો સ્મિતા ખટોરે અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો.
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક