આ મહામારીએ આપણને ક્ષેત્ર અને સમુહોમાં વિભક્ત કરી નાખ્યા છે. આપણને સૂચવવામાં આવેલ શારિરીક અંતરના કારણે લોકોમાં એક વિશાળ સામાજિક અંતર ઉભું થયું છે. આપણને સંપર્ક અને સંસર્ગથી ડર લાગે છે. બધા મીડિયામાં, આપણે રાહ જોઈને અને ભૂખમરાથી કંટાળી ગયેલા હજારો પરપ્રાંતિય કામદારોને જોઇએ છીએ,જેઓ હતાશામાં તેમના ગ્રામીણ ભારતમાં ઘરો સુધી પાછા પહોંચવા સેંકડો કિલોમીટર ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એક પૈસો કે એક કોળીયો ખાધા વગર, લાઠીચાર્જ અને બેરિકેડ્સનો સામનો કરતા કરતા - તેમની સ્થિતિ જોતા એવું લાગે છે કે માનવતા મરી પરવારી છે.
અને આવા સમયે તમે જુઓ એક વૃદ્ધ કાકીને હાથમાં ઉંચકીને તેને મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં તેના ઘરે લઈ જવા માટે મે મહિનાની સળગતી ગરમીમાં હાઇવે પર ચાલતો જતો એક વ્યકિત. આ કોણ છે, માનવ છે કે દેવદૂત? સામાન્ય સમયમાં પણ લોકો વૃદ્ધોને મેળા, વૃદ્ધાશ્રમ અથવા વૃંદાવનમાં છોડી દેતા હોય છે. જ્યારે બાળકો કારકીર્દિ અને જીવન નિર્માણ માટે ઉડાન ભરતાં હોય ત્યારે સમૃદ્ધ વૃદ્ધ માતાપિતાએ પણ એકલા રહેવુ એ સામાન્ય થઇ ગયું છે. આ વ્યકિત સામાન્ય માણસના ચોકઠામાં બંધબેસતો નથી. તે એક દેવદૂત છે જે બતાવે છે કે ગરીબી અને અપમાનની વચ્ચે પણ માનવતા જીવે છે.

નોંધ: મુંબઇ-નાસિક હાઈવે પર તેની કાકી બાચેલા બાઇને લઇને સ્થળાંતર કરનાર વિશ્વનાથ શિંદે નામનો આ વ્યક્તિ નવી મુંબઇથી વિદર્ભના અકોલા જઇ રહ્યો હતો. કલાકાર, લબાની જાંગીએ આ દ્રશ્ય , 4 મે, 2020 ના રોજ રવિશ કુમાર (એનડીટીવી ઈન્ડિયા) સાથેના પ્રાઇમ ટાઇમ પર સોહિત મિશ્રાએ આપેલા અહેવાલમાં જોયું હતું. લબાનીના લખાણનું સ્મિતા ખાટોર દ્વારા ભાષાંતર કરવામાં આવ્યું હતું.
અનુવાદ : છાયા વ્યાસ