જમ્મુ અને કશ્મીરના ઊંચા પહાડોમાં તમને બકરવાલ સમુદાયનો કોઈ માણસ ભાગ્યે જ એકલો દેખાશે.
આ પશુપાલક સમુદાય તેમના પશુધન માટે ચરાઈના મેદાનોની શોધમાં હિમાલયમાં મોટા જૂથોમાં ફરે છે. દર વર્ષે પહાડી મુલકના મેદાનો અથવા બહકની મુસાફરી કરતા મોહંમદ લતીફ કહે છે, “ ત્રણથી ચાર ભાઈઓ તેમના પરિવારો સાથે એકસાથે મુસાફરી કરે છે. બકરાં અને ઘેટાંને એક ટોળા સાથે સાચવવાં સહેલું છે, તેથી તેમને એકસાથે ફેરવવામાં આવે છે.” દર વર્ષે તેમની સાથે લગભગ 5,000 ઘેટાં, બકરાં, ઘોડાઓ અને જાજરમાન બકરવાલ કૂતરાઓ મુસાફરી કરે છે.
બકરવાલોએ જમ્મુના મેદાનોથી પીર પંજાલ અને અન્ય હિમાલયની પર્વતમાળાઓમાંના ગોચર મેદાનો સુધીની મુસાફરીમાં લગભગ 3,000 મીટર સુધીનું ઊંચું ચઢાણ પાર કરવું પડે છે. તેઓ ઉનાળાની શરૂઆત પહેલાં માર્ચ મહિનાના અંતની આસપાસ મુસાફરીની શરૂઆત કરે છે, અને શિયાળો શરૂ થાય તે પહેલાં સપ્ટેમ્બર મહિનાની આસપાસ પરત ફરવાની શરૂઆત કરે છે.
દરેક એક તરફી મુસાફરીમાં લગભગ 6-8 અઠવાડિયાનો સમય થાય છે; જેમાં મહિલાઓ, બાળકો અને કેટલાક પુરુષો મુસાફરીમાં આગળ હોય છે. મોહંમદ લતીફ ઉમેરે છે, “તેઓ મહત્ત્વના ગોચરોમાં અમારી પહેલાં પહોંચે છે અને ડેરા [કેમ્પ]ને ટોળાના આગમન માટે તૈયાર રાખે છે.” તેમનું જૂથ રાજૌરી નજીકના મેદાનોથી લદ્દાખના ઝોજિલા પાસ પાસે આવેલ મીનામાર્ગ સુધી મુસાફરી કરે છે.

સિંધુ નદીની બાજુમાં ચરતું ઘેટાંનું ટોળું. બકરવાલ લોકો તેમના પશુ ઓ સાથે મોટા જૂથોમાં હિમાલયની આજુબાજુ ગોચર મેદાનોની શોધમાં ફરે છે

મોહંમદ ઝબીર જમ્મુ નજીકના કઠુઆમાં પરત ફરતી વેળા એ; તેમનું જૂથ કશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ઊંચાઈ એ આવેલા ગોચરોમાંથી નીચે આવી રહ્યું છે
30 વર્ષીય શૌકત અલી કાંદલ, જમ્મુના કઠુઆ જિલ્લાના 20 બકરવાલ પરિવારોના અન્ય જૂથના સભ્ય છે. તે સપ્ટેમ્બર 2022 નો સમય છે, અને તેમનું જૂથ કિશ્તવાડ જિલ્લામાં આવેલા દોડાધાઈ બહક (પહાડી મુલકના મેદાનો)થી પરત ફરી રહ્યું છે, જે ઘણી પેઢીઓથી તેમનું ઉનાળુ ઘર રહ્યું છે. તેઓ વરવાન ખીણમાં બરફના માર્ગોમાંથી પસાર થયા છે. શૌકત કહે છે, “અમે બીજા મહિનામાં કઠુઆ પહોંચીશું. અમારે રસ્તામાં ચાર કે પાંચ જગ્યાએ રોકાવાનું થશે.”
બકરવાલ લોકો વર્ષના મોટાભાગના સમય દરમિયાન મુસાફરી કરતા હોય છે કારણ કે તેમનાં ઘેટાં ઘાસચારો ખાતાં નથી; તેઓને ચરવા માટે ખુલ્લું મેદાન જોઈએ છે. જાનવરોના ટોળાનો આરામ અને ખોરાક અત્યંત મહત્વ ધરાવે છે કારણ કે જાનવરો તેમની આવકનો મુખ્ય સ્રોત છે - બકરી અને ઘેટાંનું માંસ તમામ કશ્મીરી તહેવારોમાં ખૂબ જ મૂલ્યવાન હોય છે. શૌકતના એક વૃદ્ધ સંબંધી જણાવે છે, “અમારાં ઘેટાં અને બકરાં અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. [સ્થાનિક] કશ્મીરીઓ પાસે તો [આવક મેળવવા] માટે અખરોટ અને સફરજનના વૃક્ષો છે.” ઘોડાઓ અને ખચ્ચર પણ તેમની મુસાફરીમાં મહત્વપૂર્ણ છે: તેઓ માત્ર પ્રસંગોપાત પ્રવાસી જ નથી પરંતુ પરિવારના સભ્યો, ઘેટાંના બચ્ચાં, ઊન, પાણી અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓને તેઓ જ ઊંચકે છે.
અમે દિવસની શરૂઆતમાં શૌકતનાં પત્ની શમા બાનું સાથે પહાડના સીધા ચઢાણ પર ગયા હતા, જે તેમના ડેરા સુધી પહોંચવાનો રસ્તો હતો. તેમના માથા પર પાણીનું મોટું વાસણ હતું જે તેમણે નદીમાંથી ભર્યું હતું. પાણી લાવવાનું કામ મોટેભાગે મહિલા પશુપાલકોના શિરે હોય છે, જેમણે દરરોજ આ કામ કરવું પડે છે, મુસાફરી વખતે પણ.
બકરવાલ સમુદાય એક પશુપાલક સમુદાય છે અને રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે. 2013ના એક અહેવાલ મુજબ, તેમની વસ્તી 1,13,198 છે. જમ્મુ અને કશ્મીર રાજ્યભરમાં મુસાફરી કરતી વખતે તેમને ત્યાંની ફળઝાડની વાડીઓમાં મોસમી મજૂરીની તકો પણ મળે છે. તે જ નિર્ધારિત સ્થળોએ તેમના વાર્ષિક સ્થળાંતરથી નિવાસી કશ્મીરીઓ સાથે તેમનું મિત્રતાનું મજબૂત બંધન બંધાયું છે. ઘણીવાર ઢોર ચરાવવા આવતી નજીકના ગામડાઓની સ્ત્રીઓ, તેમના તંબુઓમાં ગપશપ કરવા માટે આવે છે.

શૌકત અલી કાંદલ અને ગુલામ નબી કાંદલ તેમના જૂથમાં અન્ય લોકો સાથે દિવસના કામની ચર્ચા કરી રહ્યા છે

બકરવાલ ડેરામાં, ચા, જમીન અને જીવનની વહેંચણી: નજીકના ગામડાઓમાંથી ઢોર ચરાવવા આવેલી મહિલાઓ પણ તેમાં જોડાય છે
ઝોહરા કહે છે, “અમારી પાસે જાનવરોનું એક નાનકડું જ ટોળું છે, પરંતુ તેમ છતાં અમે દર વર્ષે સ્થળાંતર કરીએ છીએ કારણ કે અમારા માણસોને [મુસાફરી દરમિયાન] વધારાનું કામ મળે છે. યુવાનો લાકડા કાપવા અથવા સ્થાનિક કશ્મીરીઓની વાડીઓમાં અખરોટ અને સફરજન ઉતારવા માટે જાય છે.” 70 વર્ષીય ઝોહરાએ, કેટલીક બકરવાલ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતી પરંપરાગત હાથના ભરતકામવાળી ટોપી પહેરી છે. તેઓ તેમના બાકીના પરિવાર સાથે જમ્મુમાં તેમના ઘેર પાછા ફરતી વખતે પર્વતીય ગાંદરબલ જિલ્લાના કાંગન ગામમાં પાણીની નહેર પાસે રહે છે. તેઓ સ્મિત સાથે કહે છે, “ કંઈ ન હોય તો પણ અમે સ્થળાંતર કરીશું, ખબર છે કેમ? કારણ કે ઉનાળામાં આ મેદાનોની ગરમીમાં રહેવું મારા માટે અસહ્ય થઈ પડે છે.”
*****
“તે વાડ તરફ નજર કરો.”
બકરીના મલાઈવાળા ગુલાબી દૂધની ચાના ગરમાગરમ કપમાંથી ચૂસકી લેતા, ગુલામ નબી કાંદલ વાડબંધી વગર તેઓ જે મેદાનોનો ઉપયોગ કરતા હતા તેની વાત કરતાં કહે છે, “જૂનો સમય વીતી ગયો છે.” હવે તેઓ તેમને ઘાસના મેદાનો અને અસ્થાયી ડેરા મળશે કે કેમ તેની અનિશ્ચિતતાના લીધે બેચેન છે.
તેઓ આગળના પર્વત પર નવી બાંધવામાં આવેલી વાડ તરફ ઈશારો કરતા કહે છે, “અમે સાંભળ્યું છે કે સૈન્ય આવતા વર્ષે આ જગ્યા પર કબજો કરવા જઈ રહ્યું છે.” અમારી આસપાસ બેઠેલા અન્ય બકરવાલ લોકો પણ સમુદાયના આ વડીલને સાંભળી રહ્યા છે, અને તેમના ચહેરા પણ ચિંતાથી છવાયેલા છે.

ગુલામ નબી કાંદલ બકરવાલ સમુદાયના આદરણીય સભ્ય છે. તે ઓ કહે છે, ‘સરકારી નીતિઓ અને રાજનીતિને કારણે અમને ગુંગણામણ જેવું થાય છે. બહારના લોકો અમારું દુ:ખ નહીં સમજી શકે’

ફના બીબી જમ્મુના કઠુઆ જિલ્લાના શૌકત અલી કાંદલના જૂથનાં સભ્ય છે, જેમાં 20 બકરવાલ પરિવારો છે
એટલું જ નહીં. ઘણા ઘાસના મેદાનોને પ્રવાસન માટે આરક્ષિત કરવામાં આવી રહ્યા છે; સોનમાર્ગ અને પહેલગામ જેવા લોકપ્રિય પર્યટન સ્થળો આ વર્ષે પ્રવાસીઓથી ભરાઈ ગયાં છે. તેઓ કહે છે કે આ જ જગ્યાઓ તેમના પશુધન માટે ઉનાળાનાં મહત્વપૂર્ણ ગોચર છે.
એક સમુદાયના વડીલ નામ ન આપવાની શરતે અમને કહે છે, “તેઓ [રાજ્ય] ટનલો અને રસ્તાઓ પાછળ કેટલું રોકાણ કરે છે તે જૂઓ. બધી જગ્યાએ હવે વધુ સારા રસ્તાઓ બનવા જઈ રહ્યા છે, જે પ્રવાસીઓ અને મુસાફરો માટે સારી બાબત છે, પરંતુ અમારા માટે નહીં.”
તેઓ જ્યાં મોટરગાડીઓ જઈ શકે તેમ ન હોય તેવા વિસ્તારોમાં બકરવાલ લોકો ઘોડાઓ ભાડે આપીને કમાણી કરે છે તે હકીકત તરફ ઈશારો કરી રહ્યા છે. તેઓ ઉમેરે છે, “પર્યટનની મોસમ દરમિયાન તે અમારી આવકનો મુખ્ય સ્રોત છે.” પરંતુ તેમણે ઘોડાઓ ભાડે આપવા, તેમ જ પ્રવાસી કે ટ્રેકિંગના ભોમિયાઓ તરીકે અને સ્થાનિક ભોજનાલયોમાં કામ કરવા માટે પણ વચેટિયાઓ અને સ્થાનિકો સાથે સ્પર્ધા કરવી પડે છે. 2013ના આ અહેવાલ મુજબ બકરવાલોની સરેરાશ સાક્ષરતા 32 ટકા હોવાથી, અન્ય નોકરીઓ મોટે ભાગે તેમની પહોંચની બહાર છે.
આ સમુદાય ઊનનો પણ વેપાર કરે છે, જેમાંથી કાશ્મીરી શાલ અને ચટ્ટાઈ બનાવવામાં આવે છે. વર્ષોથી, કશ્મીર ખીણ અને ગુરેઝી જેવી મૂળ ઘેટાંની જાતિઓને ગુણવત્તા સુધારવાના પ્રયાસરૂપે ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મેરિનો જેવી જાતિઓ સાથે વર્ણસંકર કરવામાં આવ્યું છે. અહીં પણ બકરવાલ લોકો સંકટનો સામનો કરી રહ્યા છે. અમને ઘણાં લોકો કહે છે કે, “થોડા વર્ષો પહેલાં ઊનની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ હતી. હવે અમને 30 રૂપિયા પણ મળતા નથી.”

યુવાન રફીક, બકરવાલ પરિવારના સભ્ય છે અને તે ઓ તેમના જાનવરોને તેમના ડેરામાં લઈ જઈ રહ્યા છે

કગની બકરીના વાળમાંથી દોરડું બનાવતા શૌકત અલી કાંદલ અને તેમના ડેરાના અન્ય સભ્યો
તેઓ કહે છે કે ભાવમાં થયેલ તીવ્ર ઘટાડો રાજ્યની ઉદાસીનતા સાથે ઘેટાંના ઊન ઉતારવા માટેના એકમો સરળતાથી સુલભ ન હોવાને કારણે છે. તેઓ જે કુદરતી ઊન વેચે છે તે એક્રેલિક ઊન જેવા સસ્તા કૃત્રિમ વિકલ્પોના લીધે જોખમમાં છે. ઘણા ઘાસના મેદાનોમાં વેપારીઓ અથવા દુકાનોને પ્રવેશ ન હોવાથી, બકરવાલ લોકો મુસાફરી દરમિયાન ઘોડા અથવા ખચ્ચર પર ઊન લઈ જાય છે અને પછી તેને બજારમાં લઈ જવા માટે વાહન ભાડે કરે છે. આ વર્ષે, ઘણા બકરવાલોએ તેમનાં ઘેટાંનું કાતરણ તો કર્યું હતું, પણ ઊનને ઘાસના મેદાનમાં છોડી દીધું કારણ કે તેને બજારમાં લઈ જવા માટે ગાડીઓના ભાડાનો ખર્ચ તેઓ ઊન વેચીને જેટલી કમાણી કરવાના હતા તેના કરતાં વધુ હતો.
બીજી બાજુ, બકરીના વાળનો ઉપયોગ તેઓ તંબુ અને દોરડા બનાવવા માટે કરે છે. તેમના ભાઈ શૌકત અને તેમના વચ્ચે મૂકેલા એક દોરડાને ખેંચીને તેઓ અમને કહે છે, “કગની બકરીઓ આના માટે સારી છે, તેમના વાળ લાંબા હોય છે.” કગની એ એવી જાતિ છે જે અત્યંત મૂલ્યવાન કશ્મીરી ઊન આપે છે.
બકરવાલોને તેમના ગંતવ્ય સ્થળે ઝડપથી પહોંચવામાં મદદ કરવા માટે, 2022માં સરકારે તેમને અને તેમના જાનવરોને ઉનાળામાં ગોચરમાં પહોંચાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમને જે મુસાફરી કરવામાં અઠવાડિયા જેટલો સમય લાગતો હતો તે પ્રવાસ એક દિવસમાં પૂરો થઈ જતો. પરંતુ જે લોકોએ ટ્રક માટે અરજી કરી હતી તેમાંથી ખૂબ ઓછા લોકોને ટ્રક મળ્યા, કારણ કે તેમની સંખ્યા ખૂબ ઓછી હતી. અન્ય લોકોને તો તેઓ મુસાફરી માટે નીકળી ગયા પછી આ વિષે જાણ થઈ. એક ઘેટાં પાલન અધિકારીએ સ્વીકાર્યું કે, “હજારો બકરવાલ પરિવારો છે અને માત્ર થોડીક જ ટ્રકો છે. મોટાભાગના લોકો આ સેવાઓનો લાભ લઈ શકતા નથી.”
*****
“મેં તેને 20 દિવસ પહેલાં જ જન્મ આપ્યો છે.”
મીના અખ્તર તંબુના ખૂણામાં કપડાંના નાના ઢગ તરફ ઈશારો કરે છે. તે ઢગમાં એક નવજાત શિશુ છે એ ભાગ્યે જ નજરે આવે તેવું હતું, જ્યાં સુધી કે તે બાળકે રડવાનું શરૂ ન કરી દીધું. મીનાએ તેને પહાડોની તળેટીમાં આવેલી હોસ્પિટલમાં જનમ આપ્યો હતો. મીનાને ત્યાં લઈ જવાં પડ્યાં હતાં કારણ કે બાળકના જન્મની નિયત તારીખ પસાર થઈ ગઈ હતી અને તેમને પ્રસૂતિનો દુખાવો નહોતો ઉપડ્યો.

મીના અખ્તરે તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો છે. થીગડાંવાળી તાડપત્રીથી બનેલા અને સમારકામની જરૂર હોય તેવા આ તંબુમાં તેમનું નવજાત બાળક રહે છે

અબુ, મોહંમદ યુનુસનો સૌથી નાનો પૌત્ર છે. બકરવાલ પરિવારના બાળકોને વર્ષમાં કેટલાય મહિનાઓ સુધી ભણવાનું છૂટી જાય છે
તેઓ કહે છે, “મને નબળાઈ અનુભવાઈ. હું મારી શક્તિ પાછી મેળવવા માટે હલવો [સોજીનો પોરીજ] ખાતી હતી, મેં છેલ્લા બે દિવસથી જ રોટલી ખાવાનું શરૂ કર્યું છે.” મીનાના પતિ નજીકના ગામોમાં લાકડા કાપવાનું કામ કરે છે અને તેઓ જે પૈસા કમાય છે તેનાથી તેમના પરિવારની રોજીંદી જરૂરિયાતો પૂરી થાય છે.
ચા બનાવવા માટે પ્લાસ્ટિકના પેકેટમાંથી દૂધ ઠાલવતી વખતે તેઓ કહે છે, “અમને અત્યારે દૂધ નથી મળતું. બકરીઓ જન્મ આપવા જઈ રહી છે. એકવાર તેમને નાનાં બચ્ચાં આવી જાય, એટલે તેઓ ફરીથી દૂધ આપવા લાગશે.” ઘી, દૂધ અને ચીઝ એ બકરવાલ, ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો માટે પોષણના આવશ્યક સ્રોત છે.
ઊંચા પહાડોની બહાર અને ફક્ત તંબુના આવરણથી જ સુરક્ષિત કરાયેલા, ખૂબ જ નાના બાળકોને રસોઈની આગ અને ધાબળાની ગરમીથી તંબુમાં ગરમ રાખવામાં આવે છે. જેઓ બહાર જઈ શકે તેવાં છે, તેઓ ડેરાની આસપાસ મુક્તપણે ફરે છે અને એકબીજા સાથે રમે છે. તેમને કૂતરાઓની સંભાળ રાખવા અથવા લાકડા અને પાણી લાવવા જેવા નાના કામોની જવાબદારી આપવામાં આવે છે. મીના કહે છે, “બાળકો આખો દિવસ પર્વતીય ઝરણાના પાણીમાં રમે છે.” તેઓ કહે છે કે તેમણે લદ્દાખ સરહદની નજીક આવેલ મીનામાર્ગની શિયાળાની બહક છોડીને જવાનું થશે ત્યારે દુઃખ થશે: “ત્યાં જીવન સારું છે.”
શૌકતના ડેરાનાં ખાલદા બેગમ પણ તેમનાં નાનાં બાળકો સાથે મુસાફરી કરે છે, પરંતુ તેમની કિશોરવયની પુત્રી તેમના એક સંબંધી સાથે જમ્મુમાં રહે છે જેથી તે શાળાએ જઈ શકે. તેમની દીકરીના ભણવાના વિચાર પર તેઓ ખુશ થઈને કહે છે, “મારી પુત્રી ત્યાં વધુ સારી રીતે ભણી શકે છે.” ઘણાં બાળકો પાસે તે વિકલ્પ નથી અને તેઓ તેમના પરિવારો સાથે સ્થળાંતર કરવા મજબૂર છે. રાજ્ય દ્વારા ફરતી શાળાઓ ચલાવવાના પ્રયાસો સફળ થયા નથી, કારણ કે તેનો લાભ ફક્ત થોડા બકરવાલ પરિવારો જ લઈ શક્યા છે.

તેમના કામચલાઉ ડેરામાં, ખાલદા બેગમ બકરીના દૂધથી બનાવેલી ચા પીરસી રહ્યાં છે
ફરતી શાળાઓમાં સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા શિક્ષકો દરવખતે હાજર થતા નથી. દેખીતી રીતે હતાશ 30 વર્ષીય ખાદિમ હુસૈન કહે છે, “તેઓ અહીં આવતા નથી, પરંતુ તેઓને પગાર મળે છે.” તેઓ બકરવાલોના એવા જૂથના સભ્ય છે જેઓ ઝોજી લા પાસ કે જે કશ્મીરને લદ્દાખ સાથે જોડે છે તેની નજીક ડેરા નાખે છે.
ફૈઝલ રઝા બોકડા જણાવે છે, “યુવાન પેઢી વધુ શિક્ષણ મેળવી રહી છે. તેઓ વિચરતા જીવનના બદલે અન્ય તકો પસંદ કરી રહ્યા છે. તેઓને આ [વિચરતું] જીવન મુશ્કેલ લાગે છે.” તેઓ જમ્મુમાં ગુર્જર બકરવાલ યુવા કલ્યાણ પરિષદના પ્રાંતીય પ્રમુખ છે અને પીર પંજાલ પર્વતમાળામાં હકાલપટ્ટી અને અન્યાયના મુદ્દાઓ ઉઠાવવા માટે તેઓ એક પગપાળા યાત્રાનું આયોજન કરી રહ્યા હતા. તેઓ ઉમેરે છે, “અમારા યુવાનો માટે તે સરળ નથી. જ્યારે અમે અન્ય લોકો સાથે વાતચીત કરીએ છીએ ત્યારે અમારે હજુ પણ ઘણાં કલંકોનો સામનો કરવો પડે છે, અને શહેરોમાં તો વધુ ખરાબ હાલત છે. [ભેદભાવ] અમારા પર ઊંડી અસર કરે છે.” ફૈઝલ રઝા બોકડા ગુર્જર અને બકરવાલોને અનુસૂચિત જનજાતિ તરીકે તેમના અધિકારો વિષે વધુ જાગૃત બનાવવા માટે કામ કરી રહ્યા છે.
ઝાકુરા નામના વિસ્તારમાં 12 બકરવાલ પરિવારો રહે છે - તેમના શિયાળુ બહકો એક હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમ પ્રોજેક્ટ દ્વારા વિસ્થાપિત થયા હતા, તેથી તેઓ અહીં સ્થાયી થયા હતા. અલ્તાફ (નામ બદલેલ છે) નો જન્મ અહીં થયો હતો અને તેઓ શ્રીનગરમાં સ્કૂલ બસ ચલાવે છે. શા માટે તેમના સમુદાયના અન્ય લોકોની જેમ તેઓ સ્થળાંતર નથી કરતા તે સમજાવતાં તેઓ કહે છે, “મેં મારા વૃદ્ધ, બીમાર માતાપિતા અને બાળકો માટે અહીં રહેવાનું નક્કી કર્યું છે.”
સમુદાયના અનિશ્ચિત ભવિષ્ય અને વાડબંધી, પર્યટન અને બદલાતા જીવનના અનેકવિધ જોખમોનો ઉલ્લેખ કરીને ગુલામ નબી, કે જેમણે પોતાનું આખું જીવન પર્વતો પર મુક્તપણે ફરતા વિતાવ્યું છે, કહે છે, “તમે મારી પીડા કેવી રીતે જાણી શકશો?”

બકરવાલ લોકોનાં ઘેટાં ઘાસચારો ખાતાં નથી; તે ઓને ચરવા માટે ખુલ્લું મેદાન જોઈ એ છે

અરશદ અલી કાંદલ શૌકત અલી કાંદલના જૂથના સભ્ય છે

બકરવાલ લોકો મોટેભાગે પાણીના સ્રોત પાસે પડાવ નાખવાનો પ્રયાસ કરે છે. સિંધુ નદી પાસે બપોરનું ભોજન લેતા મોહંમદ યુસુફ કાંદલ

પીવા અને રાંધવા માટે પાણી લાવવાની જવાબદારી બકરવાલ મહિલાઓના શિરે છે. તેઓ ખૂબ ઊંચા ચઢાણ ઉપર એક દિવસમાં અનેક પ્રવાસો કરે છે

ઝોહરા બીબીએ હાથથી બનાવેલી ભરતગુંથણવાળી પરંપરાગત ટોપી પહેરી છે. તે ઓ કહે છે, ‘અમે દર વર્ષે સ્થળાંતર કરીએ છીએ કારણ કે અમારા માણસોને તેનાથી વધારાનું કામ મળે છે’

બકરવાલ મહિલાઓ દ્વારા હાથથી ભરતકામ કરાયેલ સાદડી

અહીં તેમનાં પત્ની ફના બીબી સાથે જોવા મળતા મોહંમદ ઝબીર કહે છે, ‘સ્થળાંતર દરમિયાન અમને ભાગ્યે જ પશુ ચિકિત્સકોની પહોંચ હોય છે. જ્યારે કોઈ જાનવર ઘાયલ થાય છે, ત્યારે અમે તેને ઠીક કરવા માટે અમારા પરંપરાગત ઉપાયોનો ઉપયોગ કરીએ છીએ’

રકિમા બાનું રાજૌરી પાસેના એક ગામમાં સરપંચ છે. બકરવાલ સમુદાયનાં હોવાથી તે ઓ મોસમ દરમિયાન તેમના પરિવાર સાથે સ્થળાંતર કરે છે

મોહંમદ યુનુસ તેમના તંબુમાં હુક્કા સાથે આરામ કરે છે

લદ્દાખ નજીક ઝોજી લા પાસ પાસે હુસૈનના જૂથના ડેરા. તેમનું કહેવું છે કે ફરતી શાળા ઓમાં સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા શિક્ષકો હાજર થતા નથી

ફૈઝલ રઝા બોકડા બકરવાલ સમુદાયના યુવા નેતા છે

એક બકરવાલ પરિવાર તેમના તંબુમાં રાત્રિભોજન તૈયાર કરી રહ્યો છે

બકરવાલ દંપતી અલ્તામ અલ્ફામ બેગમ અને મોહંમદ ઈસ્માઈલના લગ્નને 37 વર્ષથી વધુ સમય થઈ ગયો છે
પત્રકારો ફૈઝલ બોકડા, શૌકત કાંદલ અને ઈશ્ફાક કાંદલને તેમની ઉદાર મદદ અને આતિથ્ય માટે તેમનો આભાર માને છે.
રિટાયન મુખર્જી પશુપાલક અને વિચરતા સમુદાયો પર પશુપાલન કેન્દ્ર તરફથી મળેલ સ્વતંત્ર પ્રવાસ અનુદાન અન્વયે અહેવાલ આપે છે. આ કેન્દ્રએ આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણ કર્યું નથી.
અનુવાદક: ફૈઝ મોહંમદ