82 વર્ષે આરિફાએ બધુંજ જોયું છે. એમનું આધાર કાર્ડ કહે છે કે એમનો જન્મ 1 જાન્યુઆરી, 1938ના રોજ થયો હતો. આરિફા નથી જાણતા કે તે સાચું છે કે નહીં, પણ તેમને યાદ છે કે 16 વર્ષની ઉંમરે તેઓ 20ની આસપાસના રિઝવાન ખાનના બીજાં પત્ની બન્યાં અને હરિયાણાના નુહ જિલ્લાના બિવાન ગામમાં આવી ગયાં “ભાગલા દરમિયાન એક ભાગદોડમાં મારી મોટી બહેન [રિઝવાનની પહેલી પત્ની] અને તેના છ બાળકોના મૃત્યુ પછી મારી મા એ મને રિઝવાનને પરણાવી દીધી,” આરિફા (તેમનું સાચું નામ નહીં) યાદ કરે છે.
એમને એ સમય પણ આછો-આછો યાદ છે જ્યારે મહાત્મા ગાંધી મેવાતના એક ગામમાં મીઓ મુસલમાનોના સમુદાયને પાકિસ્તાન ન ચાલ્યા જવાની વિનંતી કરવા આવ્યા હતા. દર 19 ડિસેમ્બરે હરિયાણાના મીઓ મુસલમાનો નુહના ઘાસેરા ગામમાં ગાંધીજીની મુલાકાતની યાદમાં મેવાત દિવસની ઉજવણી કરે છે (નુહને 2006 સુધી મેવાત કહેવાતું હતું).
આરિફાને તેમણે શા માટે રિઝવાન સાથે લગ્ન કરી લેવા જોઈએ તે સમજાવતાં તેમના મા વધુ સ્પષ્ટપણે યાદ છે. “તેની પાસે કશું નથી રહ્યું, મારી મા એ મને કહ્યું હતું. મેરી મા ને મુઝે ઉસે દે દિયા ફિર [પચી મારી માએ મને તેમને આપી દીધી],” આરિફા કહે છે, અને યાદ કરે છે કે તેમના પોતાના ગામ રેથોરાથી આશરે 15 કિલોમીટર દૂર આવેલ બિવાન કેવી રીતે તેમનું ઘર બની ગયું. બંને ગામ એક એવા જિલ્લામાં હતા જ્યાં દેશમાં સૌથી ખરાબ વિકાસના સૂચકો હતો.
રાષ્ટ્રીય રાજધાનીથી આશરે 80 કિલોમીટર દૂર આવેલ બિવાન હરિયાણા અને રાજસ્થાનની સીમાએ અરવલ્લીની પહાડીઓની તળેટીમાં આવેલ ફિરોઝપુર ઝિરકા બ્લૉકમાં છે. દિલ્લીથી નુહનો રસ્તો દક્ષિણ હરિયાણાના ગુરુગ્રામમાંથી પસાર થાય છે જે ભારતમાં ત્રીજી સૌથી વધુ વાર્ષિક આવક ધરાવતું આર્થિક અને ઔદ્યોગિક મુખ્યાલય છે, અને તમને દેશના 44મા સૌથી પછાત જિલ્લામાં લઈ આવે છે. અહીં, લીલાં ખેતરો, સૂકા પહાડો, ઓછી મૂળભૂત સુવિધાઓ અને પાણીની અછત અરિફા જેવા અનેક લોકોના જીવનને ચિહ્નિત કરે છે.
મીઓ મુસલમાન સમુદાય મોટા ભાગે હરિયાણાના આ ભાગમાં અને પાડોશી રાજસ્થાનના કેટલાક ભાગમાં રહે છે. મુસલમાનો નુહ જિલ્લાની વસ્તીના 79.2 ટકા છે ( વસ્તી ગણતરી 2011).
1970ના દાયકામાં, જ્યારે આરિફાના પતિ રિઝવાને બિવાનથી ચાલીને જઈ શકાય એટલી દૂર આવેલ રેતી, પથ્થર અને સિલિકાની ખાણોમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે આરિફાની દુનિયા પહાડીઓથી ઘેરાયેલી હતી, અને તેમનું મુખ્ય કામ હતું પાણી ભરી લાવવું. રિઝવાનના ગુજરી ગયા પછી, 22 વર્ષ અગાઉ પોતાનું અને પોતાના 8 બાળકોનં ગુજરાન ચલાવવા માટે આરિફાએ ખેતરોમાં મજૂરી શરૂ કરી, જેનાથી તેઓ દિવસના ₹10થી ₹20 જેટલી મામૂલી રકમ કમાતા. “અમારા લોકો કહે છે, થઈ શકે એટલા બાળકો પેદા કરો, અલ્લાહ તેમના માટે આપી રહેશે,” તેઓ ઉમેરે છે.
તેમની ચાર દીકરીઓના લગ્ન થઈ ગયા છે અને તેઓ જુદા-જુદા ગામોમાં રહે છે. તેમના ચાર દીકરાઓ પોતપોતાના પરિવાર સાથે નજીકમાં રહે છે; તેમાંના ત્રણ ખેડૂત છે, એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આરિફાને પોતાના એક ઓરડાના ઘરમાં એકલા રહેવું વધુ ગમે છે. તેમના સૌથી મોટા દીકરાને 12 બાળકો છે. આરિફા દાવો કરે છે કે તેમની જેમજ તેમની વહુઓમાંથી કોઈપણ કોઈ પ્રકારના ગર્ભનિરોધકનો ઉપયોગ કરતી નથી. "12 બાળકો પછી એ જાતેજ બંધ થઈ જાય છે,” તેઓ કહે છે, અને ઉમેરે છે “અમારા ધર્મમાં ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો એ ગુનો છે.”
જ્યાં રિઝવાનનું મૃત્યુ વૃદ્ધાવસ્થાના કારણે થયું હતું, મેવાત જિલ્લાની અનેક સ્ત્રીઓએ કેટલાંક વર્ષોમાં ક્ષય રોગને તેમના પતિને ખોયા છે. ક્ષયના કારણે બિવાનના 957 રહેવાસીઓમાં મૃત્યુ પણ નોંધાયા છે. તેમનામાં હતા બહારના પતિ દાનિશ (તેમના સાચા નામ નહીં). બિવાનના ઘરમાં જ્યાં તેઓ 40 વર્ષથી વધુ સમયથી રહે છે, તેમણે 2014માં ક્ષયરોગના કારણે તેમનું આરોગ્ય બગડતું જોયું. “તેમને છાતીમાં દુખાવો થતો અને ઘણીવાર ખાંસી ખાય ત્યારે લોહી પડતું,” તેઓ યાદ કરે છે અત્યારે લગભગ 60 વર્ષના બહાર, અને તેમની બે બહેનો, જે બાજુના મકાનોમાં રહે છે, બધાંએ તે વર્ષે ક્ષય રોગના કારણે પોતાના પતિને ખોયા. “લોકો કહે છે કે એવું થયું કારણકે તે અમારું નસીબ હતું. પણ અમે એ માટે આ પહાડીઓને દોષ દઈએ છીએ. આ પહાડીઓ અમને બરબાદ કરી નાખ્યા છે.”
(2002માં, ફરીદાબાદ અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ખુવારી પછી સર્વોચ્ચ અદાલતે હરિયાણામાં ખાણકામ પર પ્રતિબંધ મૂક્યો છે. સર્વોચ્ચ અદાલતનો પ્રતિબંધનો હુકમ માત્ર પર્યાવરણને થયેલા નુકસાન માટે છે. તે ક્ષય રોગનો કોઈ ઉલ્લેખ કરતો નથી. માત્ર છૂટક પ્રસંગો અને કેટલાંક રિપોર્ટ જ બંનેને જોડે છે.)
બિવાનની સૌથી નજીક આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) માં. જે સાત કિલોમીટર દૂર, નુહના જિલ્લા મુખ્યાલયમાં આવેલું છે, કર્મચારીદળના સભ્ય પવન કુમાર અમને 2019માં નોંધાયેલ ક્ષય રોગ સંબંધી મૃત્યુ બતાવે છે, 45 વર્ષના વૈઝનું. રેકૉર્ડ પ્રમાણે, બિવાનમાં બીજા સાત પુરુષો ક્ષય રોગથી પીડાય છે. “બીજા હોઈ શકે, કારણકે ઘણાં લોકો અહીં PHCમાં આવતા નથી,” કુમાર ઉમેરે છે.
વૈઝનું લગ્ન 40 વર્ષીય ફૈઝા સાથે થયું હતું (તેમના સાચા નામ નથી). “નૌગનવામાં કોઈ કામ ન હતું," તેઓ અમને રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં આવેલા પોતાના ગામ વિશે જણાવે છે. "મારા પતિને ખાણોમાં કામની ખબર પડી પછી તેઓ બિવાનમાં રહેવા આવી ગયા. એક વર્ષ પછી હું પણ તેમની પાસે આવી ગઈ અને અમે અહીં ઘર બાંધ્યું.” ફૈઝાએ 12 બાળકોને જન્મ આપ્યો. ચાર સમય પહેલા જન્મ્યા હોવાથી મૃત્યુ પામ્યા. “એક માંડ બેસવા શીખ્યું અને મને એક બીજું બાળક થયું હતું,” તે કહે છે.
તે અને આરિફા હવે મહિને ₹ 1,800ના વિધવા પેન્શન પર દિવસો કાઢે છે. એમના હાથમાં કામ ભાગ્યે જ આવે છે. “જો અમે કામ માંગીએ, તો અમને કહેવામાં આવે છે કે તમે બહુ નબળાં છો. તે લોકો કહેશે, આ ચાલીસ કિલો છે, કૈસે ઉઠાયેગી યે? [આ કેવી રીતે ઊંચકશો?],” 66 વર્ષના વિધવા હાદિયા (તેમનું સાચું નામ નથી) તેમને વારંવાર સાંભળવા પડતા મેંણા-ટોંણાની નકલ કરતા કહે છે. એટલે પેન્શનનો એક-એક રૂપિયો બચાવાય છે. સાવ મૂળભૂત તબીબી જરૂરિયાતો માટે નુહમાં આવેલ PHC માં પહોંચવા માટે રિક્ષા કરવા થતા 10 રૂપિયા બધુંજ અંતર જવા અને આવવાનું ચાલીને કાપીને બચાવાય છે. “અમે જેમને ડૉક્ટરને મળવું હોય તે બધીજ ઘરડી સ્ત્રીઓને ભેગી કરીએ છીએ. પછી અમે ચાલી નિકળીએ છીએ. અમે રસ્તામાં આરામ કરવા માટે અનેક વાર બેસીએ છીએ, અને પછી આગળ વધીએ છે. આમાં આખો દિવસ નિકળી જાય છે," હાદિયા કહે છે.
બાળપણમાં, હાદિયા ક્યારેય સ્કૂલે નહોતા ગયા. સોનીપત હરિયાણાના ખેતરો, જ્યાં તેમની મા મજૂરી કરતી, એ એમને બધુંજ શીખવી દીધું, તેઓ કહે છે. 15 વર્ષની ઉંમરે તેમનું લગ્ન ફહીદ સાથે થઈ ગયું. જ્યારે ફહીદે અરવલ્લીની પહાડીઓમાં ખાણોમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે હાદિયાના સાસુએ તેમનો એક ખરપી આપી દીધી જેથી એ ખેતરોમાંથી નીંદણ શરૂ કરી શકે..
જ્યારે 2005માં ક્ષય રોગના કારણે ફહીદનું મૃત્યુ થયું, ત્યારે હાદિયાની જિંદગીમાં બસ ખેતરોમાં મજૂરી, પૈસાની ઉધારી અને તે પાછાં વાળવા, આટલુંજ રહ્યું. “હું દિવસે ખેતરોમાં મજૂરી કરતી અને રાત્રે બાળકોની સંભાળ રાખતી. ફકીરની જૈસી હાલત હો ગઈ થી [હું ફકીરની જેમ જીવતી હતી],” તે ઉમેરે છે..
“મારા લગ્નને એક વર્ષ થયું ત્યારે મેં એક દીકરીને જન્મ આપ્યો. બાકીનાં દર બે કે ત્રણ વર્ષે જન્મ્યા. પહલે કા શુદ્ધ ઝમાના થા [અગાઉ બધું શુદ્ધ હતું]," ચાર દીકરા અને ચાર દીકરીની માતા હાદિયા કહે છે, એમાં તેમના જમાનામાં પ્રજનન સંબંધી વિષયો પર મૌન અને ગર્ભનિરોધના સાધનો વિશે જાગૃતિનો અભાવ બંનેની વાત છે.
નુહના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં વરિષ્ઠ મેડિકલ ઑફિસર ગોવિંદ શરણ પણ એ સમયને યાદ કરે છે. ત્રીસ વર્ષ અગાઉ જ્યારે એમણે CHCમાં કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે લોકોને કુટુંબ નિયોજન વિશે કોઈપણ વાત કરવામાં ખૂબ સંકોચ થતો. “અગાઉ, અમે જો કુટુંબ નિયોજનની વાત કરીએ, તો પરિવારો ખૂબ ગુસ્સે થઈ જતા. મીઓ સમુદાયમાં હવે, કૉપર-ટીનો ઉપયોગ કરવાનો નિર્ણય મુખ્યત્વે યુગલ દ્વારા લેવામાં આવે છે. પણ તેઓ તે વાતને તેમના ઘરના વડીલોથી છાની રાખવાનું પસંદ કરે છે. ઘણીવાર સ્ત્રીઓ અમને એમનાં સાસુને આ વાત ન કહેવાની વિનંતી કરે છે,” સરન ઉમેરે છે.
રાષ્ટ્રીય પારિવારિક આરોગ્ય સર્વેક્ષણ -4 (2015-16) અનુસાર, હાલ નુહ જિલ્લા (ગ્રામીણ)માં 15 થી 49 વર્ષની વચ્ચેની ઉંમરની વિવાહિત સ્ત્રીઓમાંથી માત્ર 13.5 ટકા કોઇપણ પ્રકારની કુટુંબ નિયોજનની પદ્ધતિનો ઉપયોગ કરતી હતી. નુહ જિલ્લાનો કૂલ પ્રજનનક્ષમતા દર 4.9 (વસ્તી ગણતરી 2011) જેટલો ઊંચો છે જ્યારે હરિયાણા રાજ્યમાં તે ફક્ત 2.1 છે. નુહ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં 15થી 49 વર્ષની ફક્ત 33.6 ટકા સ્ત્રીઓ સાક્ષર છે અને 20થી 25 વર્ષની સ્ત્રીઓમાંથી લગભગ 40 ટકાનું લગ્ન 18 વર્ષની ઉંમરથી પહેલા થઈ જાય છે. અને ફક્ત 36.7 ટકાને પ્રસવ સંસ્થાઓમાં થાય છે.
કૉપર-ટી જેવા ગર્ભાશયમાં મુકાતા સાધનોનો ઉપયોગ નુહ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ભાગ્યે 1.2 ટકા સ્ત્રીઓ કરે છે. એનું એક કારણ એવું પણ છે કે કૉપર-ટીને શરીરમાં બાહ્ય વસ્તુ તરીકે જોવામાં આવે છે. “અને આવી કોઈપણ વસ્તુને શરીરમાં નાખવી તેમના ધર્મની વિરુદ્ધ છે, એવું તે લોકો ઘણી વાર કહે છે,” નુહ PHCના ઑગ્ઝિલિયરી નર્સ મિડવાઇફ સુનિતા દેવી કહે છે.
તેમ છતાં, જેમ કે NFHS-4 દર્શાવે છે, કુટુંબ નિયોજનની પૂરી ન થતી જરૂરિયાત – એટલે કે ગર્ભનિરોધકનો ઉપયોગ ન કરતી, પણ આગલો જન્મ મોડો ઇચ્છતી સ્ત્રીઓ (સમય વીતવા સાથે) અથવા જન્મ આપવાનું બંધ કરવા ઇચ્છતી સ્ત્રી (મર્યાદિત કરતી) ની સંખ્યા ઘણી ઊંચી છે, 29.4 ટકા (ગ્રામીણ).
“કારણકે નુહમાં મુખ્યત્વે મુસલમાન વસ્તી છે, સામાજિક-આર્થિક કારણોસર કુટુંબનિયોજનની પદ્ધતિઓની ઇચ્છા હંમેશા ઓછીજ રહી છે. માટે પ્રદેશમાં આ પૂરી ન થતી જરૂરિયાત આટલી વધુ છે. સાંસ્કૃતિક કારણોની એક ભૂમિકા છે. તેઓ અમને કહે છે, બચ્ચે તો અલ્લાહ કી દેન હૈ [બાળકોતો ઈશ્વરની કૃપા છે]," હરિયાણાના પરિવાર કલ્યાણના મેડિકલ ઑફિસર ડૉ. રુચિ કહે છે (તેઓ અટકનો ઉપયોગ કરતાં નથી). "પત્ની તોજ ગોળી લેશે જો પતિ સહયોગ કરે અને તેના માટે તે લઈ આવે. કૉપર-ટીમાં એક દોરો બહાર લટકે છે [જેનાથી તે હોવાની ખબર પડી જાય]. જોકે ઇંજેક્શન વાટે આપી શકાતા ગર્ભનિરોધક અંતરાના આવવાથી પરિસ્થિતિ સુધરી રહી છે. આ પદ્ધતિમાં પુરુષોનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. સ્ત્રી સુવિધામાં આવીને પોતાનો ડોઝ મેળવી શકે છે.”
ઇંજેક્શન વાટે આપી શકાતું ગર્ભનિરોધક, અંતરા, એકજ ડોઝથી ત્રણ મહિના સુધી સુરક્ષા પૂરી પાડે છે અને તે હરિયાણામાં ઘણું લોકપ્રિય થયું છે. 2017માં ઇંજેક્શન વાટે આપી શકાતા ગર્ભનિરોધક અપનાવનાર હરિયાણા પહેલું રાજ્ય બન્યું. ત્યારથી અત્યાર સુધીમાં 16,000થી વધુ સ્ત્રીઓએ એનો ઉપયોગ કર્યો છે, એક ન્યૂઝ રિપોર્ટ કહે છે. આ વિભાગે 2018-19માં પોતાના માટે 18,000નું જે લક્ષ્ય નક્કી કર્યું છે તેના 92.3 per ટકા છે.
જ્યાં ઇંજેક્શન વાટે આપી શકાય તેવું ગર્ભનિરોધક ધર્મના ઉલ્લંઘનની ચિંતાઓને સંબોધિત કરે છે, બીજા કારણો પણ છે જેનાથી ખાસ કરીને લઘુમતિ સમુદાયોમાં પરિવાર નિયોજન સેવાઓ પૂરી પાડવામાં અવરોધ થાય છે. અધ્યયનોએ જણાવ્યું છે કે આરોગ્ય સંભાળ પ્રદાતાઓના ઉદાસીનતાભર્યા વલણ અને આરોગ્ય સંભાળ સુવિધાઓમાં લાંબા સમય સુધી જોવી પડતી રાહ પણ સ્ત્રીઓને સક્રિય રીતે ગર્ભનિરોધ બાબતે સલાહ લેતા રોકે છે.
CEHAT (મુંબઈ સ્થિત આરોગ્ય અને સંબંધિત વિષયો પર શોધ માટેના કેન્દ્ર) દ્વારા 2013માં કરવામાં આવેલ એક અધ્યયન માં, જેમાં વિભિન્ન સમુદાયોની સ્ત્રીઓની સમજના આધારે આરોગ્ય સંભાળ સુવિધામાં થતા ધર્મ આધારિત ભેદભાવને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, એવું જાણવા મળ્યું હતું કે આમતો સ્ત્રી સાથે વર્ગના આધારે ભેદભાવ થતો હોય છે; પણ મુસલમાન સ્ત્રીઓએ મોટા ભાગે તેમની કુટુંબ નિયોજન સંબંધી પસંદગીઓ બાબતે અનુભવ્યો, જેમાં લેબર રૂમમાં તેમના સમુદાય બાબતે નકારાત્મક ટિપ્પણીઓ અને તેમને નીચા દેખાડવાના પ્રયત્નોનો સમાવેશ થતો હતો.CEHATના સંયોજક, સંગીતા રેગે કહે છે, "ચિંતા એ છે કે સરકારના કાર્યક્રમો ગર્ભનિરોધકો માટે અને વિકલ્પો હોવાની બડાઈ હાંકે છે; પણ ઘણીવાર એ જોવા મળે છે કે આરોગ્ય સંભાળ પૂરી પાડનારાઓ સામાન્ય રીતે બધી સ્ત્રીઓ માટે આ નિર્ણયો કરી લે છે; મુસલમાન સમુદાયની સ્ત્રીઓને જે મર્યાદાઓનો સમાનો કરવો પડે છે તે સમજવાની અને તેમને યોગ્ય ગર્ભનિરોધકની પસંદગી કરવામાં મદદ કરવાની જરૂર છે
નુહમાં, કુટુંબ નિયોજનની પૂરી ન થતી ઉચ્ચ જરૂરિયાત છતાં, NFHS-4 (2015-16) દર્શાવે છે કે જેમણે ક્યારેય ગર્ભનિરોધકોનો ઉપયોગ નથી કર્યો એવી ગ્રામીણ ક્ષેત્રોની સ્ત્રીઓમાંથી માત્ર 7.3 ટકાની સાથે કોઈ આરોગ્ય કર્મચારીએ કુટુંબ નિયોજન વિશે વાત કરવા માટે સંપર્ક કર્યો છે.
28 વર્ષીય એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ (આશા) સુમન, જે છેલ્લા 10 વર્ષથી બિવાનમાં કામ કરે છે, કહે છે કે એ ઘણીવાર સ્ત્રીઓને પોતાની મેળે કુટુંબ નિયોજન વિશે નિર્ણય લેવા દઈને તેમને પોતાના નિર્ણયની જાણ કરવા દે છે. આ વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓની નિરાશાજન સ્થિતિ પણ આરોગ્ય સંભાળ સુધી પહોંચવામાં એક મોટો અવરોધ ઊભો કરે છે. એ બધી સ્ત્રીઓને પ્રભાવિત કરે છે, પણ મોટી ઉંમરની સ્ત્રીઓને સૌથી વધુ.
“નુહમાં આવેલ PHC સુધી પહોંચવા માટે એક રિક્ષા પકડવા માટે અમારે કલાકો સુધી રાહ જોવી પડે છે," સુમન કહે છે. "કોઈને પણ કુટુંબ નિયોજન તો શું, આરોગ્ય સંબંધી કોઈપણ મુશ્કેલી માટે કેન્દ્ર સુધી જવા માટે રાજી કરવા મુશ્કેલ છે. તેમને ચાલવાનું થકવી નાખનાર લાગે છે. હું ખરેખર લાચાર છું.”
અહીં કેટલાય દાયકાઓથી આવું જ છે – આ ગામમાં તેઓ જે 40થી વધુ વર્ષો રહ્યા છે એમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી, બહાર કહે છે. તેમના બાળકોમાંથી સાત સમય પૂર્વે જન્મ થવાથી મૃત્યુ પામ્યા. ત્યાર પછીના છએ છ જીવતા છે. “ત્યારે અહિંયા કોઈ હૉસ્પિટલ ન હતી," તેઓ કહે છે. "અને હજુ પણ ગામમાં આરોગ્ય કેન્દ્ર નથી.”
કવર ચિત્ર: પ્રિયંકા બોરાડ ન્યુ મીડિયા કલાકાર છે જે ટેક્નોલૉજીના પ્રયોગો કરીને અર્થ અને અભિવ્યક્તિના નવા રૂપો શોધે છે. તેઓ શીખવા અને રમવા માટેના અનુભવો ડિઝાઇન કરે છે, ઇંટરએક્ટિવ મીડિયામાં પણ કામ કરે છે અને પરંપરાગત કાગળ અને પેન સાથે પણ એટલાજ આરામથી કામ કરી શકે છે.
PARI અને કાઉન્ટરમીડિયા ટ્રસ્ટનો ગ્રામીણ ભારતમાં કિશોરીઓ અને યુવતિઓ વિશેનો રિપ્રોટ કરવાનો પ્રોજેક્ટ પૉપ્યુલેશન ફાઉંડેશન ઑફ ઇંડિયા દ્વારા સમર્થિત એક પહેલનો ભાગ છે જેનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોના અવાજ અને તેમણે જીવેલા અનુભવોના માધ્યમથી આ અતિમહત્ત્વપૂર્ણ પણ અધિકારહીન સમૂહોની સ્થિતિ વિશે વિગતવાર માહિતી એકઠી કરવાનો છે.
આ લેખનું પુનર્પ્રકાશન કરવા ઇચ્છો છો? કૃપા કરીને zahra@ruralindiaonline.org ને ઈમેલ લખો અને namita@ruralindiaonline.org ને નકલ મોકલો.
ભાષાંતર: ધરા જોષી