ડિસેમ્બર 1968 ના છેલ્લા અઠવાડિયામાં, વેનમણી ગામની કેળવનમણી વસ્તીમાં જમીનદારોના જુલમો વિરુદ્ધ સંગઠિત મજૂરોના લાંબા ગાળાનો સંઘર્ષ એની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. તમિળનાડુના નાગપટ્ટિનમ જિલ્લાના આ ગામના દલિત ભૂમિહીન મજૂરો વધુ વેતન, કૃષિ જમીનો પર નિયંત્રણ અને સામન્તી દમન સમાપ્ત કરવાની માંગ સાથે હડતાલ પર હતા. જમીનદારોનો જવાબ? તેઓએ વસ્તીમાં 44 દલિત મજૂરોને જીવંત સળગાવી દીધા. અનુસૂચિત જાતિમાં એક નવી રાજકીય જાગૃતિ દ્વારા ઉશ્કેરાયેલા સમૃદ્ધ અને શક્તિશાળી જમીનમાલિકોએ આજુબાજુના ગામોના અન્ય કામદારોને રાખવાનું નક્કી કર્યું એટલું જ નહીં પણ એક મોટો બદલો લેવાની યોજના પણ બનાવી.

25 ડિસેમ્બરની રાત્રે જમીનદારોએ વસ્તીને ચારેબાજુથી ઘેરી, બહાર જવાના તમામ માર્ગો બંધ કરીને હુમલો કર્યો. ઝૂંપડામાં ધસી આવેલા 44 કામદારોના જૂથને અંદર જ પૂરી દઈ, હુમલાખોરોએ તેને આગ ચાંપી હતી. હત્યા કરાયેલામાંથી અડધા -11 છોકરીઓ અને 11 છોકરાઓ- 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હતા. બે વ્યક્તિઓની ઉંમર 70 વર્ષથી વધુની હતી. કુલ મળીને 29 મહિલા અને 15 પુરુષ હતા. બધા દલિત અને ભારતીય સામ્યવાદીપક્ષ (માર્ક્સવાદી) ના સમર્થક હતા.

1975 માં મદ્રાસ હાઈકોર્ટે હત્યા કેસના તમામ 25 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. પરંતુ આ ભયાનક અત્યાચારની લેનારા ઇતિહાસકારોમાંના એક, મૈથિલી શિવરામને ઘટનાનું શક્તિશાળી અને વ્યાપક વિશ્લેષણ લખવાનું ચાલુ રાખ્યું. એમણે માત્ર હત્યાકાંડને પ્રકાશમાં લાવવા ઉપરાંત વર્ગ અને જાતિના જુલમના અંતર્ગત મુદ્દાઓનું પણ વિશ્લેષણ કર્યું.  અમે આ કવિતાને એ અઠવાડિયામાં પ્રકાશિત કરીએ છીએ જેમાં 81 વર્ષની ઉંમરે મેથિલી શિવરામનનું કોવિડ -19 ના કારણે અવસાન થયું છે.

સાંભળો સુધન્વા દેશપાંડેનુ અંગ્રેજીમાં પઠન

પથ્થરની મુઠ્ઠી ચાલીસ ને ચાર

છત વિણ ઝૂંપડાં
દિવાલો વિણ ઝૂંપડાં
ધૂળધાણી ઝૂંપડાં
ઝૂંપડાં થયાં રાખ.

પથ્થરની મુઠ્ઠીઓ ચાલીસને ચાર
ઉભી શેરીને ધાર
ભડભળતી યાદો
ઇતિહાસના રણનાદો
થીજેલા આંસુની ઊની ઊની જવાળો
ડિસેમ્બર 25, 1968
કાળ રાતના સાક્ષી સૌએ
નાતાલની રાત થઇ રાત સંહારની જ્યારે
કહે ચાલીસ ને ચાર
દઈ ધ્યાન સાંભળો એક વાર

છત વિણ ઝૂંપડાં
દિવાલો વિણ ઝૂંપડાં
ધૂળધાણી ઝૂંપડાં
ઝૂંપડાં થયાં રાખ.

વાત હતી ચાર મૂઠી ડાંગરની, સાંભળજો.
ચારમાં કેમ ચલવવું મારે, ચારે ટાઢા તે થાય ના પેટ.
અમે મજૂરો તો સદીઓથી ભૂખ્યાં, હો શેઠ.
અમે ડાંગર ભૂખ્યાં, અમે જમીન ભૂખ્યાં
અમે બીજ ભૂખ્યાં, અમે મૂળ ભૂખ્યાં
અમે ભૂખ્યાં આપો અમને અમારી તૂટેલી પીઠ
આપો વૈતરું, આપો પરસેવો,
ને આપો અમને વાવ્યાંની નીપજ થોડી, શેઠ.
તમે ઊંચી વરણના માલિક, તમે શેઠ
અમે સત-ભૂખ્યાં છેવાડાના ટળવળતાં
ચાર મૂઠી ડાંગર કોને થાય, મારા શેઠ.

છત વિણ ઝૂંપડાં
દિવાલો વિણ ઝૂંપડાં
ધૂળધાણી ઝૂંપડાં
ઝૂંપડાં થયાં રાખ.

કોઈ કોઈ લાલ વિચારે રંગ્યા
હાથ દાતરડા, હથોડી
સૌ ગરીબ, સૌ આક્રોશિત
સૌ દલિત પુરુષ ને  સ્ત્રી
સૌ બાળ દલિતના માથાભારે
સૌ ખેતમજૂર કરતાં દાડી
એક થઇ જઈએ, બોલ્યાં સૌ
ના જઈશું ખેતરે માલિકના
ના લણશું ફસલ બીજાની.
એ શું જાણે કઈ ફસલ,
ને કોણ એ લેશે લણી.

છત વિણ ઝૂંપડાં
દિવાલો વિણ ઝૂંપડાં
ધૂળધાણી ઝૂંપડાં
ઝૂંપડાં થયાં રાખ.

માલિક છે ચાલાક ને ગણતરીબાજ
માલિક છે નિર્દય, સાવ દયાહીન
માલિક પરગામથી લઇ આવે શ્રમિક
"ચાલ, માગ માફી," કહે છે માલિક
"ક્યાં થઇ ભૂલ મારી?" પૂછે છે મજૂર.
પછી માલિકે પૂરી દીધાં
નાનકડી ઝૂંપડીમાં ચાલીસ ને ચાર
કોઈને દીધાં ઠાર
કોઈને  દીધાં ડામ
ગભરુ નર ચાર, નારી અઢાર
ને બાવીસ બાળ
બળ્યા આખેઆખા થઈને એક ઝાળ
અંધારી રાતમાં સળગ્યાં'તા ગામ
કેળવનમણિમાં થઇ જે કત્લેઆમ.

કોઈ છાપાના કાપીને રાખેલા ટુકડામાં
કોઈ નવલકથા કોઈ સંશોધન લેખમાં
જીવે હજુય એ

છત વિણ ઝૂંપડાં
દિવાલો વિણ ઝૂંપડાં
ધૂળધાણી ઝૂંપડાં
થયાં રાખ ઝૂંપડાં.

* આ કાવ્યની ટૂક - છત વિણ ઝૂંપડાં/ દિવાલો વિણ ઝૂંપડાં/ ધૂળધાણી ઝૂંપડાં/ થયાં રાખ ઝૂંપડાં.-  મૈથિલી શિવરામનના "જેન્ટલમેન કિલર્સ ઑફ કેળવનમણી" નામના  1968 ના હત્યાકાંડ વિશેના એક નિબંધની શરૂઆતના વાક્યો છે.  ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલી. 26 મે, 1973, ભાગ. 8, નંબર 23, પાનાં નંબર  926-928.

* આ વાક્યો મૈથિલી શિવરામનના  પુસ્તક હોન્ટેડ બાય ફાયર: ઐસેઇઝ ઓન કાસ્ટ, ક્લાસ, એક્સપ્લોઇટેશન, એન્ડ એમેન્સિપેશન, લેફ્ટવર્ડ બુક્સ, 2016 માં પણ મળે છે.

પઠન: સુધાન્વ દેશપાંડે જનનાટય મંચ સાથેના એક અભિનેતા અને દિગ્દર્શક છે, અને લેફ્ટવર્ડ બુક્સ સાથેના સંપાદક છે.

અનુવાદક: પ્રતિષ્ઠા પંડ્યા

Poem and Text : Sayani Rakshit

Sayani Rakshit is studying for a Master’s degree in Mass Communication at Jamia Milia Islamia University, New Delhi

Other stories by Sayani Rakshit
Painting : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a poet and a translator who works across Gujarati and English. She also writes and translates for PARI.

Other stories by Pratishtha Pandya