આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શન નો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.
દેખીતાં કામ, અદ્રશ્ય મહિલાઓ
તેઓ ટેકરીના ઢોળાવ પર ચઢી રહ્યા હતા, તેમણે માથા પર ઊંચકેલો મહાકાય બોજ તેમના ચહેરાને ઢાંકી રહ્યો હતો. દેખીતું કામ, અદ્રશ્ય મહિલા. ઓડિશાના મલકાનગિરીમાં રહેતા આ ભૂમિહીન વ્યક્તિ માટે આ કાળી મજૂરી રોજની છે. પાણી ભરવું, બળતણ એકઠું કરવું અને ઘાસચારો લાવવો. આ ત્રણ કામ મહિલાની જિંદગીનો ત્રીજો ભાગ લઈ લે છે. દેશના કેટલાક ભાગોમાં મહિલાઓ દિવસના સાત કલાક જેટલો સમય પોતાના પરિવાર માટે ફક્ત પાણી અને બળતણ એકત્રિત કરવા માટે જ ગાળે છે. ઘાસચારો ભેગો કરવામાં પણ સમય લાગે છે. ગ્રામીણ ભારતમાં લાખો મહિલાઓ આ ત્રણ વસ્તુઓ એકઠી કરવા માટે રોજેરોજ કંઈ કેટલાય કિલોમીટર ચાલીને જાય છે.
(માથા પરનો) બોજ ખૂબ ભારે હોય છે. મલકાનગિરીમાં ઢોળાવ ચઢી રહેલી આ આદિવાસી મહિલાના માથા પર લગભગ 30 કિલો જેટલા બળતણ માટેના લાકડાં છે. અને તેમને હજી બીજા ત્રણ કિલોમીટર અંતર કાપવાનું બાકી છે. ઘણી મહિલાઓ ઘેર પાણી લાવવા માટે આટલું જ કે આથી પણ વધુ અંતર કાપે છે.
મધ્યપ્રદેશના ઝાબુઆમાં લાકડાના થડીયા પર ઉભેલ મહિલા દિવાલ વગરના કૂવામાંથી પાણી ખેંચી રહ્યા છે. કૂવામાં કાદવ અને ધૂળ ન જાય તે માટે કૂવાના મુખ પર થડીયા ગોઠવવામાં આવે છે. બધા થડીયા એકસાથે બાંધેલા પણ નથી. મહિલા પોતાનું સંતુલન ગુમાવે તો તેઓ સીધા 20-ફૂટ ઊંડા કૂવામાં નીચે પડી જાય. મહિલા લપસીને બાજુમાં સરકી જાય તો થડીયાથી તેમના પગ છૂંદાઈ જાય.
જે વિસ્તારોમાંથી જંગલો નષ્ટ કરી દેવાયા છે તેવા અથવા પાણીની અછતવાળા વિસ્તારોમાં વધારે વૈતરું કરવું પડે છે. (આ રોજિંદા કામો માટે) ઘણા વધારે અંતર કાપવા પડે છે. તેથી મહિલા એક જ વારમાં એકસાથે વધારે બોજ વેંઢારવાનો પ્રયાસ કરે છે.
સારામાં સારી પરિસ્થિતિમાં પણ આ બધા કામ ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ ગામડાની સાર્વજનિક જમીનો લાખો લોકોની પહોંચની બહાર થતા સમસ્યાઓ વધુ વકરે છે. દેશભરના મોટાભાગના રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારોમાં સાર્વજનિક જમીનોનું ઝડપથી ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. તેનાથી ગરીબોને, ખાસ કરીને ખેતમજૂરોને ગંભીર અસર પહોંચે છે. તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓનો મોટો હિસ્સો વર્ષોના વર્ષોથી તેમને આ સાર્વજનિક જમીનોમાંથી જ મળ્યો છે. સાર્વજનિક જમીનો(માં પ્રવેશનો હક) ગુમાવવાનો અર્થ છે બીજી અનેક વસ્તુઓની સાથેસાથે તળાવો અને રસ્તાઓ, ચરાઉ મેદાનો, બળતણ માટેના લાકડાં, ઘાસચારો અને પશુધન માટે પાણી - એ બધું જ ગુમાવવું. વૃક્ષો અને છોડની એ બાગાયત જમીન ગુમાવવી જ્યાંથી તેઓ ફળો મેળવી શકે.
સાર્વજનિક જમીનોનું ખાનગીકરણ અને વ્યાપારીકરણ ગરીબ પુરુષો અને મહિલાઓને એકસમાન રીતે અસર પહોંચાડે છે. પરંતુ સાર્વજનિક જમીનોમાંથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મુખ્યત્વે મહિલાઓ જ એકત્રિત કરે છે. દલિતો અને ભૂમિહીન શ્રમિકોના બીજા છેવાડાના જૂથોને સૌથી વધુ અસર પહોંચે છે. હરિયાણા જેવા રાજ્યોમાં ઉચ્ચ જાતિના નેતૃત્વ હેઠળની પંચાયતોએ ફેક્ટરીઓ, હોટલો, દારૂ ગાળવાની ભઠ્ઠીઓ, વૈભવી ફાર્મહાઉસ અને મકાનોની વસાહતોને સાર્વજનિક જમીનો ભાડે આપી દીધી છે.
માત્ર ટ્રેકટરો જ નહીં પણ સાથે સાથે હવે ખેતીમાં હાર્વેસ્ટર કમ્બાઈન જેવા આધુનિક બહુમુખી મશીનોનો ઉપયોગ પણ વધી રહ્યો છે ત્યારે જમીનમાલિકોને ઓછા શ્રમિકોની જરૂર પડે છે. તેથી જમીનમાલિકોને લાગે છે કે એક સમયે જે સાર્વજનિક જમીનો ગરીબ શ્રમિકોને ગામમાં રોકી રાખવામાં અને તેમનું જીવન નભાવવામાં મદદ કરતી હતી તે જમીનો હવે વેચી શકાય. ઘણીવાર ગરીબો સાર્વજનિક જમીનોના વેચાણનો વિરોધ કરે છે ત્યારે જમીનમાલિકો જાતિવાદી અને આર્થિક બહિષ્કાર સાથે વળતો પ્રહાર કરે છે. સાર્વજનિક જમીનો ગુમાવવાનો અને વળતા બહિષ્કારનો અર્થ એ છે કે ઘણી જગ્યાએ મહિલાઓએ ખુલ્લામાં શૌચાલયની જગ્યાઓ પણ ગુમાવી દીધી છે. હાલમાં ઘણી મહિલાઓ માટે આ એક મોટી સમસ્યા છે.
(દૂર-દૂરથી) બળતણ, ઘાસચારો અને પાણી લાવીને લાખો ઘરો ચાલે છે. પરંતુ આ કામ કરતી મહિલાઓને તેની ભારે કિંમત ચૂકવવી પડે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક