આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શન નો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.
આંધ્રપ્રદેશના વિઝિયાનગરમમાં આ વૃદ્ધ મહિલા પોતાનું ઘર અને તેની આસપાસની જગ્યા એકદમ સ્વચ્છ રાખે છે. એ ઘરેલુ કામ છે - અને 'મહિલાઓનું કામ.' પરંતુ ઘેર હોય કે પછી સાર્વજનિક સ્થળોએ, ‘સાફસફાઈ’નું મોટાભાગનું ગંદું કામ મહિલાઓ જ કરે છે. અને આ કામમાં તેઓ પૈસા ઓછા કમાય છે અને લોકોનો ગુસ્સો વધુ સહન કરે છે. રાજસ્થાનની આ મહિલા જેવા લોકો માટે પરિસ્થિતિ વધુ ખરાબ છે. તેઓ દલિત છે. તેઓ હાથેથી મેલું ઉપાડનાર કામદાર છે. લોકોના ઘરોમાં જઈ ફ્લશ વિનાના ડ્રાય ટોયલેટમાંથી (શુષ્ક શૌચાલય) તેઓ હાથેથી ગંદકી સાફ કરે છે. રાજસ્થાનના સિકરમાં લગભગ 25 ઘરોમાં દરરોજ તેઓ આ કામ કરે છે.
આ કામ માટે ચૂકવણી પેટે તેમને દરેક ઘરમાંથી દરરોજ માંડ એક રોટલી મળે છે. મહિને એકાદ વાર જો કોઈ (ઘરમાલિક) ને દયા ઊપજે તો તેઓ આ મહિલાને થોડાઘણા રુપિયા પણ આપે. ઘરદીઠ કદાચ 10 રુપિયા. વહીવટી તંત્ર તેમને 'ભંગી' કહે છે, પરંતુ તેઓ પોતાને 'મહેતર' તરીકે ઓળખાવે છે. સમય જતા હવે આ કામ કરનારા આવા જૂથોમાંથી કેટલાક પોતાને 'વાલ્મિકી' તરીકે ઓળખાવે છે.
તેઓ પોતાના માથા પરના તાગારામાં માનવ મળ ઉપાડીને લઈ જઈ રહ્યા છે. સભ્ય સમાજ તેને ‘મેલું’ કહે છે. તેઓ ભારતના સૌથી અસુરક્ષિત અને શોષિત નાગરિકોમાંના એક છે. અને માત્ર રાજસ્થાનના સિકરમાં જ તેમના જેવા સેંકડો છે.
ભારતમાં હાથેથી મેલું ઉપાડનારા કેટલા છે? હકીકતમાં આપણે જાણતા નથી. 1971ની વસ્તી ગણતરી સુધી તો તેમનું કામ અલગ વ્યવસાય તરીકે પણ સૂચિબદ્ધ નહોતું. કેટલીક રાજ્ય સરકારો 'મેલું ઉપાડનાર' કામદારોના અસ્તિત્વનો જ ઈન્કાર કરે છે. તેમ છતાં જે ખામીયુક્ત માહિતી ઉપલબ્ધ છે તે સૂચવે છે કે લગભગ દસ લાખ દલિતો હાથેથી મેલું ઉપાડનાર કામદારો તરીકે કામ કરે છે. વાસ્તવિક આંકડો આનાથી ઘણો વધારે હોઈ શકે છે. 'મેલું ઉપાડવાનું' કામ મોટાભાગે મહિલાઓ કરે છે.
જાતિ વ્યવસ્થામાં રિવાજોના 'દૂષણ'ને કારણે તેમના ઘૃણાસ્પદ ગણાતા કામને લઈને તેઓ સૌથી ખરાબ સજા ભોગવે છે. તેમના જીવનના દરેક તબક્કે તેમણે વ્યાપક અને પ્રણાલીગત સ્તરે અસ્પૃશ્યતાનો સામનો કરવો પડે છે. તેમની વસાહતો સાવ અલગ હોય છે. ઘણી વસાહતો ગ્રામીણ નગર અને શહેર વચ્ચે ક્યાંક હોય છે. કેટલીક વસાહતો આયોજન વગર ‘નગર’ બની ગયેલા ગામડાઓમાં હોય છે. જોકે કેટલીક વસાહતો મહાનગરોમાં પણ છે.
1993માં કેન્દ્ર સરકારે એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ડ્રાય લેટ્રિન્સ (પ્રોહિબિશન) એક્ટ (હાથેથી મેલું ઉપાડનારાને રોજગારી અને શુષ્ક શૌચાલયની નિર્માણ (પ્રતિબંધ) અધિનિયમ) પસાર કર્યો હતો. આ કાયદાએ હાથેથી મેલું ઉપાડવાની પ્રથા પર પ્રતિબંધ મૂકયો. ઘણા રાજ્યોએ તેમના પ્રદેશોમાં આ પ્રથાના અસ્તિત્વને નકારીને અથવા એ બાબતે મૌન સેવીને પ્રતિક્રિયા આપી. આ વ્યયસાય કરતા લોકોના પુનર્વસન માટેનું ભંડોળ અસ્તિત્વમાં છે અને રાજ્ય સરકારો માટે એ ભંડોળ સુલભ છે. પરંતુ જે અસ્તિત્વમાં જ નથી એવો તમે દાવો કરો તો તેની સામે તમે કેવી રીતે લડી શકો? હકીકતમાં કેટલાક રાજ્યોમાં તો કેબિનેટ સ્તરે આ કાયદાને અમલી બનાવવા સામે વિરોધ પણ થયો હતો.
ઘણી નગરપાલિકાઓમાં મહિલા 'સફાઈ કર્મચારીઓ' (સફાઈ કામદારો)ને એટલું ઓછું વેતન ચૂકવવામાં આવે છે કે તેઓ બે છેડા ભેગા કરવા સાથેસાથે 'મેલું ઉપાડવાનું' કામ પણ કરે છે. ઘણીવાર નગરપાલિકાઓ મહિનાઓ સુધી તેમના પગાર ચૂકવતી નથી. 1996 માં હરિયાણાના સફાઈ કર્મચારીઓએ આ પ્રકારની વર્તણૂંક સામે ભારે વિરોધ શરૂ કર્યો હતો. તેના જવાબમાં રાજ્ય સરકારે એસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ (આવશ્યક સેવા વ્યવસ્થાપન અધિનિયમ) લાગુ કરી (તેના ઉલ્લંઘનના આરોપમાં) લગભગ 700 મહિલાઓને લગભગ 70 દિવસ જેલમાં ગોંધી રાખી હતી. હડતાળ કરનારાઓની માંગ એક જ હતી: અમને અમારા પગાર સમયસર ચૂકવો.
આ કામને વ્યાપક સામાજિક સ્વીકૃતિ હોય તેમ લાગે છે. અને તેનો અંત લાવવા માટે સામાજિક સુધારણા જરૂરી છે. 1950 અને 60ના દાયકામાં કેરળે કોઈ જ કાયદા વિના ‘મેલું ઉપાડવા' ની પ્રથાથી છૂટકારો મેળવ્યો. આ માટે જનજાગૃતિ ચાવીરૂપ હતી અને હજી આજે ય છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક