એ એવા દેશમાં રહેતી હતી જ્યાં સ્મશાનો પીગળી રહ્યાં હતાં અને હોસ્પિટલોના શ્વાસ રૂંધાઇ રહ્યા હતા. ઓહ, ઇશ્માઇલ! કેટલો ઝઝૂમ્યો એ શ્વાસ લેવા ખાતર! એ એવા દેશમાં રહેતી હતી જ્યાં દાક્તરોને જેલમાં નખાતા અને ખેડૂતોને આતંકવાદી ઠેરવવામાં આવતા. ઓહ, વ્હાલાં નાઝીયા અને સોહરાબ.... ઓહ મારી હીરા જેવી આયલીન!..કેમની ભરશે એ પેટ આ સૌના હવે? એ એવા દેશમાં રહેતી હતી જ્યાં માણસની જિંદગીની કોઈ કિંમત નહોતી અને ગાયોની પૂજા થતી હતી. એની પાસે જમીનનો નાનકડો ટુકડો હતો તે ય પતિની દવાઓ માટે થઈને વેચ્યા પછી હવે ક્યાં જઈને લેશે શરણ એ?
એ એવા દેશમાં રહેતી હતી જ્યાં અત્યાચારને વ્યાજબી ઠેરવવા મોટા મોટા પૂતળાં, શૌચાલયો અને જૂઠ્ઠી નાગરિકતા પૂરતાં હતાં. આ કબ્રસ્તાનની લાંબી લાઈનો પણ જો એ સહન કરી ગઈ તો એ કબર ખોદનારને આપવા પૈસા ક્યાંથી લાવશે? એ એવા દેશમાં રહેતી હતી જ્યાં ચશ્મા પહેરેલા બાબુઓ અને બીબીઓ કોઈ ટિપ્પણી કે કાપુચીનોની વાત પર સતત દલીલો કરતા રહેતા કે આ વ્યવસ્થા ભાંગી પડી છે કે શું પહેલેથી જ તૂટેલી હતી
સોહરાબના હીબકાં બંધ નહોતાં થઇ રહયાં. નાઝીયા પથ્થર થઇ ગયેલી. આયલીન ખિલખિલાટ હસતી એની માની જર્જરિત ચુન્ની ખેંચ્યા કરતી હતી. એમ્બ્યુલન્સવાળો 2000 રૂપિયા વધારે માગી રહ્યો હતો. એના પાડોશીઓ એને પતિના શબને હાથ ના લગાવવા ચેતવણી આપી રહયાં હતાં. ગઈકાલે રાતે કોઈ એના દરવાજા પર "કટવા સાલા" કોતરી ગયેલું. લોકો બીજા લૉકડાઉનની વાતો કરી રહયાં હતા.
ગઈકાલે રેશનની દુકાનવાળો ચોખાની 50 ગૂણોની સંઘરાખોરી કરતો ઝડપાયો હતો. સોહરાબ બેભાન થઇ ગયો. નાઝિયાએ એના અબ્બાના કફ્તાનને એટલું કચકચાવીને પકડ્યું કે એની આંગળીઓમાંથી લોહી નીકળ્યું. શ્વેત વિદાયને પાંચ ટીપાં રાતાં. આયલીન ઊંઘી ગઈ હતી. એ એવા દેશમાં રહેતી હતી જ્યાં બંધુ જ સૌથી મોટી બોલી બોલનારને હરાજી કરાતું. પછી એ રેલ્વે હોય કે વેક્સિન, મંત્રીઓ હોય કે નવજાત બાળક.
એનું ખેતર તો ગયું, પણ પેલી એક ફોલીડોલની બાટલી હજુય પડી હતી એ જ છાપરા નીચે જ્યાં ઇશ્માઇલ પોતાનું સાવ સફેદ પહેરણ રાખતો. એ ગામમાં મુઆજીન પાસે ગઈ હતી. આ નવી બીમારીમાં એણે એના મા, ભાઈ, અને પતિ બધાને ગુમાવ્યાં હતાં, એક પછી એક. ને તો ય એના ત્રણ છોકરાં એના જીવનના મિહરાબ અને કિબ્લાની જેમ રહયાં હતાં. નાઝીયા 9 વર્ષની હતી, સોહરાબ 13 નો, અને આયલીનને માંડ છ મહિના થયેલા. છેવટે એને માટે પસંદગી અઘરી નહોતી.

જો, દીકરા જો,
ચાંદાને હૈયું ને હૈયામાં છિદ્રો
ઝીણાં ઝીણાં ને સુંવાળાં
લખલખ રક્તરંગ્યાં

માટી છે મહેફિલ
માટી નિસાસા
માટી તો ખેડૂતનાં રાતાં હાલરડાં

ખમ્મા, બેટા ખમ્મા ! થાજો તમે વીર
સૂજો ચિતા ઉપર, ગાજો કબરોનાં ગીત

આ જમીન ધગધગતો અંગાર
તરસે તરફડતું સિલિન્ડર
જાણે ઠીકરાના સપનામાં ફસાયા અરીસા બેચાર
આપણે થયા આંકડા
ને ભૂખી પાનખર
કાળાં જાણે ગુલાબ
કે પંખીનાં મડદાં અપાર

પ્રભુ મારો વેક્સિન
પ્રભુ હકીમની ગોળી
પ્રભુ મારા કબ્રસ્તાનની ઉધારી

ચાલે આગળ ને આગળ
રોટલીની ગાથા, ગાથાનું ગીત
કે આકાશે ઊડતું કોઈ ઘાવભર્યું ચીર

લાલ છે નુસરત
ને લાલ છે કબરો
ને લાલ આ મજુરણની સેલોફેનની કૂખ

તસલીમ, તસલીમ આપો ગરીબના વાદળમાં -
શણગાર્યું નાની ટાંકણીએ જાણે
ઉજળું ધોળું કફન

મોત તો ઘુમર, દીકરી, હાલ, વ્હાલ, ને હાલા!
જો ઉઠી કેવી જ્વાળા, કેવા મલકે પડછાયા.
**********
શબ્દાવલિ
ફોલીડોલ : જંતુનાશક
મિહરાબ : મસ્જિદમાંનો કિબ્લાહની દિશા બતાવતો અર્ધગોળાકાર ગોખ
કિબ્લાહ : કાબાની દિશા તરફ
નુસરત : વિજય, મદદ, બચાવ
તસ્લીમ : શરણ, સલામ
ઘૂમર
:
રાજસ્થાની લોકનૃત્ય
અનુવાદક: પ્રતિષ્ઠા પંડ્યા