શાંતિ દેવીનું મૃત્યુ કોવિડ-19થી થયું હતું તે સાબિત કરવા માટે તેમના પરિવાર પાસે મૃત્યુનું પ્રમાણપત્ર કે અન્ય કોઈ પુરાવા નથી. પરંતુ તેમનું મૃત્યુ જે સંજોગોમાં થયું છે તેનાથી બીજો કોઈ નિષ્કર્ષ નીકળે એમ નથી.
એપ્રિલ ૨૦૨૧માં, જ્યારે દેશમાં કોવિડ -19 ની બીજી લહેર ફેલાઈ રહી હતી ત્યારે ૪૦ એક વર્ષના શાંતિ દેવી બીમાર પડી ગયા હતા. લક્ષણો એક પછી એક દેખાવા લાગ્યા: પહેલા ઉધરસ અને શરદી અને પછી બીજા દિવસે તાવ. તેમના ૬૫ વર્ષીય સાસુ કલાવતી દેવી કહે છે કે “એ વખતે ગામમાં લગભગ બધા લોકો બીમાર હતા. અમે તેને પહેલા ઝોલા છાપ ડોક્ટર પાસે લઈ ગયા.”
ઝોલા છાપ, અથવા કામ ચલાઉ તબીબી સેવાઓ પ્રદાન કરતા ઊંટવૈદ, ઉત્તર પ્રદેશના લગભગ દરેક ગામમાં જોવા મળે છે. આ એ જ ‘ડોક્ટરો’ છે કે જેમની પાસે મહામારીના સમયે ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગના લોકો સારવાર કરાવી ચૂક્યા છે, કારણ કે તેઓ સરળતાથી દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે અને બીજી તરફ જાહેર આરોગ્યની માળખાકીય સુવિધાઓની હાલત ખૂબ જ કફોડી છે. વારાણસી જિલ્લાના દલ્લીપુર ગામમાં રહેતા કલાવતી કહે છે કે, “અમે બધા ડરેલા હતાં, એટલા માટે જ હોસ્પિટલ ના ગયા. અમને ડર હતો કે અમને [ક્વોરૅન્ટીન] કેન્દ્રમાં મૂકવામાં આવશે. અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ભરેલી હતી. ત્યાં કોઈ પથારી ઉપલબ્ધ ન હતી. તેથી અમે ફક્ત ઝોલા છાપ ડોક્ટર પાસે જ જઈ શક્યા.”
પરંતુ યોગ્ય તાલીમ તેમ જ જરૂરી લાયકાતના આભાવે આ ‘ડોક્ટરો’ ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર માટે અસમર્થ હોય છે.
ઝોલા છાપની મુલાકાત લીધાના ત્રણ દિવસ પછી, શાંતિ દેવીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેમની આવી હાલત જોઈને કલાવતી, શાંતિના પતિ મુનીર અને પરિવારના અન્ય સભ્યો ગભરાઈ ગયા હતા. તેઓ તેમને વારાણસીના પિન્દ્રા બ્લોકમાં તેમના ગામથી લગભગ ૨૦ કિલોમીટર દૂર એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. કલાવતી કહે છે કે, “પરંતુ હોસ્પિટલના સ્ટાફે તેણીની (સ્થિતિ) તરફ જોયું અને કહ્યું કે કોઈ આશા નથી.” કલાવતી એ સાવરણીના ઉપયોગ વડે રોગને દૂર કરવાની વર્ષો જૂની, અવૈજ્ઞાનિક પ્રથાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે “અમે ઘરે આવ્યા અને ઝાડ-ફૂંક શરૂ કરી દીધી.”
જો કે આ કારગર સાબિત ન થયું; અને તે જ રાત્રે શાંતિનું મૃત્યુ થઈ ગયું.

કલાવતી તેમના પૌત્ર-પૌત્રો સાથે દલ્લીપુરમાં તેમના ઘેર છે. તેમની પુત્રવધૂ શાંતિ એપ્રિલ 2021 માં કોવિડ જેવા લક્ષણોથી મૃત્યુ પામી હતી
યુપી રાજ્ય સરકારે ઓક્ટોબર 2021માં જાહેર કર્યું હતું કે તેઓ કોવિડ -19 થી મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોને રાહત માટે પૈસા આપીને મદદ કરશે. આવા પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશના લગભગ ચાર મહિના પછી આ પગલું લેવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ૫૦૦૦૦/- ની સહાય મેળવવા માટે દાવો કરનાર પરિવાર માટે દિશા નિર્દેશની જાહેરાત કરી. પરંતુ કલાવતી દેવીએ દાવો દાખલ કર્યો ન હતો કે ન તો આવું કરવાની તેઓ ઈચ્છા ધરાવે છે.
સહાયનો દાવો કરવા માટે, શાંતિના પરિવારે તેમના મૃત્યુનું કારણ કોવિડ-19 હતું એમ દર્શાવતું મૃત્યુ પ્રમાણપત્ર આપવું જરૂરી હતું. પાછળથી રાજ્ય સરકારે ‘કોવિડના કારણે થયેલ મોત’ માટેના પ્રમાણ કરતાં નિયમોમાં ઢીલ આપી અને પરીક્ષણમાં કોવિડ પોઝિટિવ આવવાના ૩૦ દિવસની અંદર મૃત્યુ પામેલા લોકોને પણ સહાય માટે હકદાર માનવામાં આવ્યા. રાજ્ય સરકારે પાછળથી ‘કોવિડ ડેથ’ના અવકાશને વિસ્તૃત કરીને એવા દર્દીઓનો સમાવેશ કર્યો કે જેઓ ૩૦ દિવસ સુધી હોસ્પિટલમાં હતા પરંતુ હોસ્પિટલ માંથી રજા મળ્યા પછી મૃત્યુ પામ્યા હોય. અને સાથે સાથે જો મૃત્યુ પ્રમાણપત્રમાં કારણ તરીકે કોવિડનો ઉલ્લેખ ન હોય, તો RT-PCR અથવા રેપિડ એન્ટિજેન પરીક્ષણ કે પછી ચેપ સાબિત કરે તેવી કોઈ પણ અન્ય તપાસ ને માન્ય રાખવમાં આવી. તેમ છતાં, શાંતિના પરિવારને રાહત ન મળી શકી.
મૃત્યુ પ્રમાણપત્ર, અથવા કોવિડ પોઝિટિવનું પ્રમાણપત્ર, અથવા હોસ્પિટલમાં દાખલ કર્યાનો પુરાવા વગર શાંતિના કેસ ને સહાય માટે યોગ્ય ગણવામાં નહીં આવે.
એપ્રિલમાં, તેમના મૃતદેહને દલ્લીપુર ખાતે નદી પાસેના ઘાટ પર અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો. શાંતિના ૭૦ વર્ષના સસરા, લુલ્લુર કહે છે કે, “મૃતદેહ ને સળગાવવાં માટે પૂરતું લાકડું પણ નહોતું, ત્યાં મૃતદેહોને સળગાવવા માટે લાંબી લાઇન હતી. અમે (શાંતિના અગ્નિસંસ્કાર માટે) અમારા વારાની રાહ જોઈ અને થાકીને પાછા આવ્યા.”

શાંતિના સસરા લુલ્લુર પોતાના ઘરની બહાર હેન્ડપંપથી પાણી ભરી રહ્યા છે
માર્ચ ૨૦૨૦માં મહામારીની શરૂઆત પછી, કોવિડ-19ની બીજી લહેર દરમિયાન (એપ્રિલથી જુલાઈ ૨૦૨૧) આ રોગથી થયેલાં મૃત્યુની સૌથી વધુ સંખ્યા જોવા મળી હતી. એક અંદાજ મુજબ, જૂન ૨૦૨૦ અને જુલાઈ ૨૦૨૧ વચ્ચે કોવિડના લીધે થયેલ ૩૨ લાખ મૃત્યુમાંથી, એપ્રિલ-જુલાઈ ૨૦૨૧માં જ ૨૭ લાખ મોત થવા હોવાનું અનુમાન છે. આ અભ્યાસ , સાયન્સ (જાન્યુઆરી ૨૦૨૨)માં પ્રકાશિત થયો હતો, જે ભારત, કેનેડા અને યુએસના સંશોધકોના જૂથ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. વિશ્લેષણમાં દર્શાવવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં, ભારતમાં કોવિડથી થયેલાં મૃત્યુ સત્તાવાર રીતે નોંધાયેલા આંકડા કરતાં ૬-૭ ગણા વધારે હતા.
સંશોધકોએ એવું પણ તારણ કાઢ્યું હતું કે “ભારતના સત્તાવાર આંકડાઓમાં મૃત્યુની ઓછી સંખ્યાને જાહેર કરવામાં આવે છે.” ભારત સરકારે આનું ખંડન કર્યું છે.
૭ ફેબ્રુઆરી, ૨૦૨૨ સુધીમાં પણ, ભારતમાં કોવિડથી થયેલાં મૃત્યુની સત્તાવાર સંખ્યા ૫૦૪,૦૬૨ (અથવા ૦.૫ મિલિયન) હતી. જ્યારે દેશના લગભગ તમામ રાજ્યોમાં આકડાંઓ ને છુપાવવાના સરકારી પ્રયાસ થયા છે, તેમાં પણ યુપી અવ્વલ છે.
Article-14.com ના એક અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, યુપીના ૭૫ માંથી ૨૪ જિલ્લાઓમાં મૃત્યુની સંખ્યા સત્તાવાર કોવિડ-19 મૃત્યુની સંખ્યા કરતા ૪૩ ગણી વધારે છે. આ રિપોર્ટ ૧ જુલાઈ, ૨૦૨૦ થી ૩૧ માર્ચ, ૨૦૨૧ વચ્ચે નોંધાયેલા મૃત્યુ પર આધારિત છે. જો કે તમામ મૃત્યુ માટે ફક્ત કોવિડ-19 ને જ જવાબદાર ન ગણી શકાય, એટલા જ માટે અહેવાલમાં દલીલ કરવામાં આવી છે કે, “માર્ચ ૨૦૨૧ના અંત સુધીમાં ઉત્તર પ્રદેશ પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલ કોવિડ-19 મૃત્યુઆંક ૪૫૩૭ ની સામે સરેરાશ સામાન્ય મૃત્યુમાં વિશાળ તફાવત ઉપર સવાલ ઊભો થયો છે.” મે મહિનામાં, સામૂહિક કબરોની તસ્વીરો અને ગંગા નદીમાં તરતા મૃતદેહોના અહેવાલો ઘણા અસંખ્ય મૃત્યુ તરફ નિર્દેશ કરે છે.
જો કે, જ્યારે રાજ્ય સરકારે વળતર માટેના પોતાના દિશા નિર્દેશ જાહેર કર્યા, ત્યારે તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુપીમાં કોવિડથી મરનારની સંખ્યા ૨૨,૮૯૮ જ છે. પરંતુ શાંતિ જેવા લોકો, જેમના પરિવારને વળતરની સૌથી વધુ જરૂર છે, તે આમાં શામેલ થવાથી વંચિત રહી ગયા છે.


શૈલેશ ચૌબે (ડાબે) અને તેમની માતા આશા. તેમના પિતા શિવપ્રતાપનું ગત એપ્રિલમાં કોવિડ-19ના કારણે અવસાન થયું હતું અને મૃત્યુનું કારણ તેમના સીટી સ્કેન પરથી નક્કી કરવામાં આવ્યું હતું
ઉત્તર પ્રદેશ માહિતી વિભાગના અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે પારીને જણાવ્યું હતું કે, જરૂરી દસ્તાવેજો વિના કોઈપણ પરિવાર વળતર મેળવી શકશે નહીં. તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, “લોકો અન્ય કારણોથી પણ મૃત્યુ પામે છે, તે દરેકના પરિવારોને વળતર મળી શકતું નથી. માટે પુરાવા જરૂરી છે કે કોવિડ છે કે નહીં.” તેમણે ઉમેર્યું કે પરીક્ષણ "ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોવિડનું પરીક્ષણ માટે વ્યવસ્થા હતી.”
જો કે આ દાવો બિલકુલ ખોટો હતો. કોવિડની બીજી લહેર દરમિયાન યુપીના ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં પરીક્ષણમાં વિલંબ વિષેની ખબરો નોંધવામાં આવી રહી હતી. મે ૨૦૨૧માં, અલ્હાબાદ હાઈકોર્ટે પરીક્ષણમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે નાખૂશી જાહેર કરી હતી, અને બીજી લહેરને ખોટી રીતે સંચાલિત કરવા બદલ રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. જો કે પરીક્ષણો માટે જરૂરી પરીક્ષણ કીટોના અભાવને ઓછા પરીક્ષણ માટેનું કારણ તરીકે દર્શાવવામાં આવી રહ્યું હતું. પરંતુ પેથોલોજી લેબોએ વહીવટીતંત્ર તરફથી પરીક્ષણ ઘટાડવાના આદેશો પ્રાપ્ત કરવાનો સંકેત આપ્યો હતો.
શહેરી વિસ્તારોમાં પણ, લોકોને પરીક્ષણ સુવિધાઓ મેળવવા માટે મોટી મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હતો. ૧૫ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ, વારાણસી શહેરના રહેવાસી ૬૩ વર્ષના શિવપ્રતાપ ચૌબેએ કોવિડ -19 માટે પરીક્ષણ કરાવ્યું કારણ કે તેમને કોવિડના લક્ષણો દેખાતા હતા. લેબોરેટરી માંથી ૧૧ દિવસ પછી કહેવામાં આવ્યું કે તેમના નમૂના ફરીથી લેવા પડશે.
પરંતુ અહિં એક સમસ્યા હતી: ત્યાર સુધી માં શિવપ્રતાપનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેઓનું મૃત્યુ 19 એપ્રિલે થયું હતું.
જ્યારે તેઓ બીમાર પડ્યા, ત્યારે શિવપ્રતાપને પહેલા લગભગ એક કિલોમીટર દૂરની સાર્વજનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના ૩૨ વર્ષના પુત્ર શૈલેષ ચૌબે કહે છે કે, “ત્યાં એકે બેડ ઉપલબ્ધ ન હતો. એક બેડ મેળવવા માટે અમારે નવ કલાક રાહ જોવી પડી હતી. પરંતુ અમને તરત જ ઓક્સિજન બેડની જરૂરત ઊભી થઈ હતી.”
અંતે, કેટલાક ફોન કર્યા પછી, શૈલેષને વારાણસીથી લગભગ ૨૪ કિલોમીટર દૂર આવેલા બાબતપુર ગામ (પિન્દ્રા બ્લોક)માં એક ખાનગી હોસ્પિટલમાં બેડ મળ્યો. શૈલેષ કહે છે કે, “પણ તે [શિવપ્રતાપ] ત્યાં બે દિવસ પછી મૃત્યુ પામ્યા.”
હોસ્પિટલના પ્રમાણપત્રમાં શિવપ્રતાપના સીટી સ્કેનના આધારે મૃત્યુનું કારણ કોવિડ-19 જણાવવામાં આવ્યું છે. આનાથી પરિવાર સરકારનું વળતર મેળવી શકશે. શૈલેષે ડિસેમ્બર ૨૦૨૧ના છેલ્લા અઠવાડિયામાં અરજી પણ કરી હતી. આ રકમ તેને તેના પિતાની સારવાર માટે ચૂકવણી કરવા માટે ઉછીના લીધેલા નાણાં પરત કરવામાં મદદ કરશે. બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા શૈલેષ કહે છે કે, “અમારે કાળાબજાર માંથી ૨૫૦૦૦ રૂપિયામાં રેમડેસિવીર ઈન્જેક્શન ખરીદવું પડ્યું હતું. આ ઉપરાંત, પરીક્ષણ, હોસ્પિટલના બેડ અને દવાઓનો ખર્ચ લગભગ ૭૦૦૦૦ રૂપિયા છે. અમે નિમ્ન મધ્યમ-વર્ગીય પરિવારમાંથી આવીએ છીએ અને તેથી ૫૦૦૦૦ રૂપિયા એક મોટી રકમ છે.


ડાબે: લુલ્લુર કહે છે કે તેમના પુત્રને આ દિવસોમાં અઠવાડિયામાં માત્ર એક જ વાર કામ મળે છે. જમણે: કલાવતી સમજાવે છે કે, શાંતિનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે ખર્ચ કરવો પડશે
શાંતિના પરિવાર માટે, જે મુસહર સમુદાયના છે, તે મોટી રકમ છે. ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા, મુસહર ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચીબદ્ધ છે. તેમની પાસે કોઈ જમીન નથી, અને કમાવવા માટે મજૂરી કામ પર આધાર રાખે છે.
શાંતિના ૫૦ વર્ષના પતિ મુનીર એક મજૂર છે જે દરરોજ રૂ. ૩૦૦ના હિસાબે બાંધકામ સાઇટ્સ પર કામ કરે છે. ૫૦,૦૦૦ રૂ. કમાવવામાં તેમને ૧૬૬ દિવસ (અથવા 23 અઠવાડિયા) સુધી લગાતાર સંઘર્ષ કરવો પડશે. તેમના પિતા લલ્લુર કહે છે કે, મહામારીમાં મુનીરને અઠવાડિયામાં માત્ર એક જ વાર કામ મળી રહ્યું છે. આ દરે, તે રકમ મેળવવા માટે તેમને ત્રણ વર્ષથી વધુ સમય થઈ જશે.
મુનીર જેવા દૈનિક મજૂરો માટે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) હેઠળ પૂરતું કામ ઉપલબ્ધ નથી, જે નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસ કામનું વચન આપે છે. ૯ ફેબ્રુઆરી સુધીમાં, યુપીમાં લગભગ ૮૭.૫ લાખ પરિવારોએ ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૧-૨૨)માં યોજના હેઠળ કામની માંગ કરી છે. અત્યાર સુધીમાં ૭૫.૪ લાખથી વધુ પરિવારોને રોજગારી આપવામાં આવ્યો છે, પરંતુ માત્ર ૩૮૪,૧૫૩ પરિવારો – ૫ ટકા - એ ૧૦૦ દિવસનું કામ પૂર્ણ કર્યું છે.
વારાણસી સ્થિત પીપલ્સ વિજિલન્સ કમિટી ઓન હ્યુમન રાઈટ્સ સાથે સંકળાયેલા ૪૨ વર્ષના કાર્યકર મંગલા રાજભર કહે છે કે કામ નિયમિત અથવા સતત ઉપલબ્ધ નથી. રાજભર તેમની વાત આગળ વધારતા કહે છે કે, “કામ અનિયમિત અને કામચલાઉ છે, અને મજૂરો પર તેને ટુકડાઓમાં કરવા માટે દબાણ હોય છે.” યોજના હેઠળ સતત કામ પૂરું પાડવા માટે રાજ્ય તરફથી કોઈ આયોજન નથી.
દરરોજ સવારે, શાંતિ અને મુનીરના ચાર પુત્રો, બધા ૨૦ વર્ષ કરતાં મોટી ઉંમરના છે, કામ શોધવા માટે બહાર જાય છે. પરંતુ તેઓ ઘણીવાર ખાલી હાથે પાછા ફરે છે, કલાવતી કહે છે કે, “કોઈને કંઈ કામ મળતું નથી,” કોવિડ-19 ફાટી નીકળ્યું ત્યારથી, ઘરના લોકોને ઘણી વાર ભૂખ્યા રહેવું પડ્યું છે. કલાવતી કહે છે કે, “અમે સરકાર તરફથી મળતા મફત રેશન પર જીવી શક્યા છીએ. પરંતુ તે આખો મહિનો ચાલતું નથી.”
કલાવતી કહે છે કે, “શાંતિનું મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે અમારે ૨૦૦ થી ૩૦૦ રૂપિયાનો ખર્ચ થશે. અમારી સ્થિતિ સમજાવવા માટે અમારે કેટલાય લોકોને મળવું પડ્યું હશે. અને લોકો અમારી સાથે યોગ્ય રીતે વાત પણ નથી કરતાં. જો અમને વળતર મળ્યું તો અમે તેનો ઉપયોગ કરી શક્યા હોત”
પાર્થ એમ. એન. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વતંત્રતાઓ પર અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણ કર્યું નથી.
અનુવાદ: મહેદી હુસૈન