બધાની ઉપર છેવટે પ્લાસ્ટિક છે. કલ્પી શકાય તેવા લગભગ દરેકેદરેક સ્વરૂપમાં એ બધે જ જોવા મળે છે - શેરીઓમાં પડેલું, પાણીમાં તરતું, કોથળાઓમાં સંઘરેલું, ડબ્બાઓમાં મૂકેલું, છત પર ઢગલા કરીને ખડકેલું. અને કિંમતી ધાતુના ભાગો છૂટા પાડવા 13 મા કમ્પાઉન્ડને છેવાડે ખાડી પર પ્લાસ્ટિકની વસ્તુઓને બાળવામાં આવે છે ત્યારે તીવ્ર દુર્ગંધયુક્ત ધુમાડાના ગોટેગોટા હવાને પ્રદૂષિત કરે છે.
ધારાવીમાં રિસાયક્લિંગ ક્ષેત્રના આ કમ્પાઉન્ડમાં મુંબઈના ખૂણેખૂણેથી પ્લાસ્ટિક અને બીજો ભંગાર સતત આવતો જ રહે છે. શહેરમાં રોજેરોજ ઉત્પન્ન થતા 10000 ટનથી વધુ કચરાનો એક ઘણો મોટો હિસ્સો ટ્રક અને ટેમ્પોમાં અથવા હાથલારીમાં અહીં લાવવામાં આવે છે. શ્રમિકો - જેમાંથી મોટાભાગના ભારતના વિવિધ રાજ્યોમાંથી આવતા સ્થળાંતરિત યુવકો છે - આ ક્ષેત્રની અતિશય સાંકડી ગલીઓમાં સામાન (વાહનોમાં) લાદે છે અને (તેમાંથી) ઉતારે છે.
અહીં ગીચોગીચ આડેધડ આવેલા શેડ્સમાં, જેમાંના કેટલાક તો ચાર માળના છે, રિસાયક્લિંગની વિવિધ તબક્કમાં થતી પ્રક્રિયા ફરી-ફરી સતત ચાલતી રહે છે. દરેકેદરેક વસ્તુ એક એસેમ્બલી લાઇનમાં, એક પછી એક માણસોના હાથમાંથી, એક પછી એક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. એ પછી જ કોઈ પણ વસ્તુ 'નવા' કાચા માલમાં અથવા બીજા તૈયાર ઉત્પાદનમાં રૂપાંતરિત થાય છે.
તેરા કમ્પાઉન્ડમાં રિસાયક્લિંગની ઇકોસિસ્ટમમાં ઝીણવટભર્યો આંતરિક તર્ક છે: ખરીદી અને વેચાણની વ્યવસ્થાનો એક ઢાંચો છે, લોકો ધંધા સાથે સંબંધિત ચોક્કસ વિશિષ્ટ શબ્દભંડોળનો ઉપયોગ કરે છે, (રિસાયક્લિંગ) પ્રક્રિયાના ક્રમિક તબક્કા સારી રીતે સ્થાપિત થયેલા છે, અને આ ધંધા સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ એક અથવા વધુ કામમાં કુશળ છે: રદ્દીવાળા (શહેરભરના ભંગારના વેપારીઓ) નકામી ગણીને ફેંકી દીધેલી વસ્તુઓ એકઠી કરે, કચરો વીણનારા અને ફેરીવાળા (ઘેર-ઘેર ફરીને ભંગાર ખરીદનારા) તેમણે રોજનો ભેગો કરેલ ભંગાર શેડ પર જમા કરે. વાહન ચાલકો અને સહાયકો કાંટાવાળાઓ (વજનના ત્રાજવા ધરાવતા વેપારીઓ) પાસે માલ ઉતારે. એ પછી ગોદામોની માલિકી ધરાવતા શેઠ હોય , સુપરવાઈઝરો હોય જેમને તેમણે (શેઠે) ગોદામો ભાડે આપ્યા હોય - અને કંઈ કેટલાય કામોમાં રોકાયેલા શ્રમિકો, મહિલાઓ અને પુરુષો બંને, હોય.
મશીનો ખટાખટ અવાજ સાથે કામ કરતા રહે છે, કારખાનાઓ માટે ફરીથી વાપરી શકાય તેવી શીટ્સ બનાવવા માટે ધાતુને બાળીને ઓગાળવામાં આવે છે. શ્રમિકો પૂંઠાના વપરાયેલા ખોખામાંથી સારા ભાગો કાપીને ફરીથી ખોખા બનાવે છે, જૂના બુટ-ચંપલના રબરના તળિયાને ચર્નરમાં નાખે છે, જેરી કેન (પ્રવાહીનો સંગ્રહ કરવા માટેના ધાતુના મોટા ડબ્બા) સાફ કરીને છત પર તેના ઊંચા ઢગલા ખડકે છે. 13મા કમ્પાઉન્ડમાં જૂના રેફ્રિજરેટર્સ અને વોશિંગ મશીનો ખોલીને તેના ભાગો છૂટા કરવામાં આવે છે, અને ધાતુના અને પ્લાસ્ટિકના ભાગોને અલગથી રિસાયક્લિંગ માટે આગળ મોકલવામાં આવે છે. કમ્પ્યુટર કીબોર્ડ ખોલીને છૂટા કરવામાં આવે છે, જૂના ફર્નિચરને કાં તો પૂરેપૂરું તોડી નાખવામાં આવે છે અથવા તેનું સમારકામ કરવામાં આવે છે, તેલ અને પેઇન્ટના ખાલી બેરલ સાફ કરીને ફરીથી ઉપયોગમાં લેવા તૈયાર કરવામાં આવે છે, જ્યારે તેમાં રહેલા ઝેરી અને જીવલેણ અવશેષો ખુલ્લી ગટરોમાં વહેવડાવી દેવામાં આવે છે.
કેટલાક ગોદામોમાં શ્રમિકો ગુણવત્તા, કદ અને પ્રકાર અનુસાર - બાટલીઓ, ડોલ, બોક્સ અને બીજી - પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ અલગ તારવે છે. આ બધી વસ્તુઓને વર્ગીકૃત કરવામાં આવે છે, (એક પ્રકારની વસ્તુઓને બીજા પ્રકારની વસ્તુઓથી) અલગ પાડવામાં આવે છે, ધોવામાં આવે છે અને છેવટે તેમને હલકી ગુણવત્તાની પ્લાસ્ટિકની વસ્તુઓમાં ફરીથી કાસ્ટ કરવા કેટલાક વર્કશેડમાં તેમાંથી પેલેટ્સ (ગોળીઓ) બનાવવામાં આવે છે. પછી બોરીઓની બોરીઓ ભરીને (આ પેલેટ્સ) રિસાયક્લિંગ ચેઇનમાં આગળની પ્રક્રિયા માટે ટેમ્પો અને ટ્રકમાં ચડાવવામાં આવે છે - (કવર ફોટોમાંના) આ શ્રમિક અને તેની ટુકડી દ્વારા આ કામ કદાચ હમણાં જ પૂરું કરવામાં આવ્યું છે.
"તમે આવું બીજું કોઈ ગાવ ['ગામ'/સ્થળ] જોયું છે ખરું?" અહીંના એક શ્રમિકે મને એકવાર કહ્યું. "આ જગ્યા તમને બધું જ આપી શકે છે. અહીં આવનાર દરેકને કોઈ ને કોઈ કામ તો મળી જ રહે છે. દિવસના અંતે અહીં ક્યારેય કોઈ ભૂખ્યું નથી સૂતું."
જો કે છેલ્લા એક દાયકામાં ઘણા ગોદામો ધારાવીથી મુંબઈના ઉત્તરીય કિનારે નાલાસોપારા અને વસઈ જેવા બીજા રિસાયક્લિંગ હબમાં ખસેડવામાં આવ્યા છે. વધતા જતા ભાવ અને પુનઃવિકાસની અનિશ્ચિતતાઓ તેના માટે જવાબદાર છે. લગભગ એક ચોરસ માઇલના વિસ્તારને આવરી લેતા મધ્ય મુંબઈના વિસ્તાર, ધારાવીનો 'પુનઃવિકાસ' કરવાની યોજનાઓ, ઘણા વર્ષોથી રજૂ કરાતી રહી છે. જ્યારે આ યોજનાઓ અમલમાં આવશે ત્યારે ધીમે ધીમે ભંગારના ક્ષેત્રના વધુ ને વધુ ધંધાઓ અને સાથોસાથ લાંબા સમયથી અહીં રોજી રળતા હજારો કામદાર અહીંથી બહાર ધકેલાઈ જશે. પછીથી તેમનું આ શહેરી 'ગાવ' ઊંચી બહુમાળી ઈમારતો માટેનો માર્ગ મોકળો કરશે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક